શ્રીમદ્ ભાગવત કથા ~ સ્કંધ ત્રીજો ~ અધ્યાય તેરમો ~ “વારહ અવતારની કથા” ~ સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

 (ત્રીજા સ્કંધના અધ્યાય બારમો – મૈત્રેયજી સૃષ્ટિનો વિસ્તાર બ્રહ્માજીએ કેવી રીતે કર્યો એ સમજાવે છે.
જ્ઞાનને સમજવા અને પચાવવા અજ્ઞાન શું છે, એની સમજણ હોવી આવશ્યક છે. આથી એમણે સહુ પહેલાં અજ્ઞાનની પાંચ વૃત્તિઓ – તમ (અવિદ્યા), મોહ (અનુરાગ), મહામોહ (રાગ), તામિસ્ત્ર (દ્વેષ), અંધતામિસ્ત્ર (અંધતમ આસક્તિ – (અંધતામિસ્ત્ર એક નરક છે એવું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે.)ની રચના કરી. પછી જ્ઞાનને વહન કરનારા ચાર માનસપુત્રો સનક, સનકાનંદ , સનાતન અને સનત્કુમારોની રચના કરી. અને પછી સૃષ્ટિનો વિસ્તાર કરવા અનેક મુનિઓ, ઋષિઓ અને વૃત્તિઓ, વેદો, દિશાઓ, આશ્રમો, દેવો, સરસ્વતી સહિત દેવીઓ, મનુઓ વગેરેને યથોચિત ઉત્પન્ન કર્યાં.

એટલું જ નહીં, દરેક આશ્રમના ધર્મો અને એ સિદ્ધ કરવા માટેની વિદ્યાઓનું વર્ગીકરણ કર્યું. પછી પોતાની જ પુત્રી સરસ્વતીદેવી માટે એમને અનુરાગ થવાથી એમણે એ કામનાસક્ત પહેલું શરીર ત્યજી દીધું. પછી બ્રહ્માજીએ બીજું શરીર ધારણ કરીને વિશ્વના વિસ્તરણનો વિચાર કર્યો, કારણ મરીચિ વગેરે ઋષિઓ પણ સૃષ્ટિનો કંઈ વધુ વિસ્તાર કરી નહોતાં શક્યાં. બ્રહ્માજીને લાગ્યું કે પ્રજાની વૃદ્ધિ યોગ્ય રીતે થતી નથી અને આ વિઘ્ન દૈવી શક્તિઓ નાંખી રહી છે. આમ તેઓ વિચાર કરતા હતા કે એમના શરીરના બે ભાગ થઈ ગયા. ‘ક’ બ્રહ્માજીનું નામ છે  અને એમના શરીરમાંથી વિભાજિત થવાને કારણે શરીરને ‘કાય’ કહે છે. તે બંને વિભાગોમાંથી સ્ત્રી-પુરુષનું એક યુગલ પ્રગટ થયું. તેમાં જે પુરુષ હતા તે સાર્વભૌમ સમ્રાટ સ્વાયંભુવ મનુ થયા અને જે સ્ત્રી હતી તે તેમની મહારાણી શતરૂપા થયાં. અને ત્યારથી મિથુનધર્મથી પ્રજાની વૃદ્ધિ થવા લાગી. હવે અહીંથી વાંચો આગળ, સ્કંધ ત્રીજાનો અધ્યાય તેરમો, “વારાહ અવતારની કથા” )
આ અધ્યાયમાં કુલ ૫૦ શ્લોકો છે.

શ્રી સૂતજી પછી શૌનકાદિ મુનિઓને કહે છે – શ્રી શુકદેવજી પછી રાજા પરીક્ષિતને આગળની કથામાં વિદુરજી અને મૈત્રેયજીની કથા નીચે પ્રમાણે કહે છે, તે સાંભળો.

(શ્રી શુકદેવજી પછી આગળની કથા રાજાને કહે છે –) હે રાજન્! મૈત્રેયજીના મુખેથી આ પરમ પુણ્યમયી કથા સાંભળીને શ્રી વિદુરજી મૈત્રેયજીને પોતાના મનની વાત કહે છે. હું એમનો સંવાદ આપને કહું છું, એ સાંભળો રાજન્!

તો વિદુરજી બે હાથ જોડીને મૈત્રેયજીને કહે છે – હે મહામુનિ, સ્વયંભૂ બ્રહ્માજીના પ્રિય પુત્ર મહારાજ સ્વાયંભુવ મનુએ પોતાની પત્ની શતરૂપાને મેળવ્યા પછી શું કર્યું? હું પ્રાર્થના કરું છું કે તમે મને આદ્યરાજ રાજર્ષિ સ્વાયંભુવ મનુનું પવિત્ર ચરિત્ર સંભળાવીને મને કૃતાર્થ કરો.

વિદુરજીના મુખેથી વિનયપૂર્વક ભગવત્ કથા કહેવાની આ વિનંતી સાંભળીને મુનિવર મૈત્રેયજી પ્રસન્ન થયા.

શ્રી મૈત્રેયજી બોલ્યા – વિદુરજી હું આગળનો વૃતાંત કહું છું, ધ્યાન દઈને સાંભળો. એકવાર સ્વાયંભુવ મનુએ પોતાની પત્ની શતરૂપા સાથે પૂજ્ય બ્રહ્માજીની સ્તુતિ  કરતાં કહ્યું; “હે ભગવન્, અમે તમારાં સંતાનો, તમારી સેવા કરવા કેવા અને ક્યા કર્મો કરી શકીએ? હે પૂજ્યપાદ!, અમે તમને નમસ્કાર કરીને વિનંતી કરીએ છીએ કે અમારાથી થઈ શકે એવું કોઈ કાર્ય કરવાની આજ્ઞા આપો કે જેથી તમને ગૌરવ થાય અને આ લોકમાં સર્વત્ર કીર્તિ વધે અને પરલોકમાં સદગતિ પ્રાપ્ત થઈ શકે.

ત્યારે શ્રી બ્રહ્માજીએ કહ્યું –  “મને આજ્ઞા આપો“, એવું કહીને તમે મને આત્મસમર્પણ કર્યું છે. તમારી વિનમ્રતાથી હું પ્રસન્ન થયો છું. વીર સંતાનોએ એકમેક માટે ઈર્ષ્યાભાવ રાખ્યા સિવાય આ પ્રમાણે પોતાના તાતની પૂજા કરીને એમની આજ્ઞાનું પાલન આદરપૂર્વક અને નિષ્ઠાથી કરવું જોઈએ. તમે તમારી પત્નીથી ગુણવાન, અને ચરિત્રવાન સંતાનો પેદા કરો અને આ લોકનું ધર્મપૂર્વક પાલન કરો. અને પછી આ લોકમાં યજ્ઞો કરીને  શ્રી હરિની શુદ્ધ મનથી આરાધના કરો. પ્રભુ તમને આમ પોતાના ધર્મોનું પાલન કરતા જોઈને પ્રસન્ન થશે. આમ કરીને તમે શ્રી નારાયણનો આદર કરશો, આત્માને ઉર્ધ્વગામી કરશો અને પ્રજાની સેવા પણ કરશો.

જવાબ આપતા મનુજીએ કહ્યું – હે સર્વ પાપહર, પરમ પિતા, તમારી આજ્ઞા શિરોધાર્ય, પણ આ બ્રહ્માંડમાં મારું અને મારી પ્રજાનું નિવાસ બને એવી પૃથ્વી તો પ્રલયના જળમાં ડૂબેલી છે. તમે જ આ આ ભૂદેવીનો ઉદ્ધાર કરી શકવા સક્ષમ છો.

શ્રી મૈત્રેયીજી આગળ શ્રી વિદુરજીને કથા કહે છે – મનુજીના કહેવાથી હવે શ્રી બ્રહ્માજી ઊંડા વિચારોમાં દીર્ઘકાળ સુધી બેચેન રહ્યા કે આ જળમાં ડુબેલી પૃથ્વીનો ઉદ્ધાર કઈ રીતે કરવો? બ્રહ્માજી મનોમન વિચારતા રહ્યા કે, “હું આ લોકની રચનામાં વ્યસ્ત હતો અને જળમાં ડૂબેલી આ પૃથ્વી રસાતલમાં ચાલી ગઈ. હવે માત્ર એક જ ઉપાય છે કે જેમના સંકલ્પમાત્રથી મારો જન્મ થયો છે તે સર્વશક્તિમાન શ્રી હરિ જ મારું આ કાર્ય પાર પાડી શકે એમ છે.”

હે નિષ્પાપ વિદુરજી! બ્રહ્માજી આમ વિચારી રહ્યા હતા, એટલામાં જ એમના નસકોરામાંથી અચાનક જ અંગૂઠા જેવડા આકારનું એક વરાહ-શિશુ નીકળ્યું અને આકાશમાં ઊભેલું તે વરાહ-બાળ, બ્રહ્માજીના દેખતાં જ, પળવારમાં  મોટું થઈને હાથી જેવડું થઈ ગયું! એ જોઈને મનુ, સનતકુમારો, મરીચિ, સર્વ મુનિઓ સહિત શ્રી બ્રહ્માજી આશ્વર્યચકિત થઈને વિચારવા માંડ્યાઃ “હો! વરાહના રૂપમાં આ કયું દિવ્ય પ્રાણી અહીં પ્રગટ થયું છે? હજુ હમણાં તો મારા નાકમાંથી નીકળ્યું હતું! કોઈ પ્રયોજન માટે અવશ્ય, યજ્ઞમૂર્તિ શ્રી પ્રભુ જ આવું કરી રહ્યા છે!” હે વિદુર, બ્રહ્માજીના આ વિચારમાં સંપૂર્ણ તથ્ય હતું. આ વિચારોમાં બ્રહ્માજી અને સર્વે રત હતાં ત્યારે યજ્ઞપુરુષ વરાહ ભગવાન પર્વતાકારે ગર્જવા લાગ્યા.

આ સાંભળીને જનલોક, તપલોક અને સત્યલોકના નિવાસી મુનિગણો ત્રણે વેદોના [પવિત્ર મંત્રોથી  માયામય વરાહ ભગવાનની સ્તુતિ કરવા માંડ્યા. આ જોઈને વરાહ ભગવાન ખૂબ આનંદ પામ્યા અને ફરી એકવાર ગર્જના કરીને, દેવતાઓના હિત માટે ગજરાજ જેવી લીલા કરતા, તેઓ જળમાં પ્રવેશી ગયા. પહેલાં તો વરાહ-રૂપ ભગવાન પૂંછડીઊંચી કરીને ભારે વેગથી આકાશમાં ઊછળ્યા અને પોતાની ગરદનના વાળ ઝાટકીને એમના ખરીઓના પ્રહારોથી વાદળાંઓ વિખરાઈ ગયા. તેમનું આખું શરીર ઘણું રૂક્ષ અને કઠોર હતું.

ભગવાન સ્વયં યજ્ઞપુરુષ છે તેમ છતાં વરાહ-રૂપ ધારણ કરવાને કારણે ઘણાં ક્રૂર દેખાતા હતા. જો કે તે છતાં પણ સતત એમની સ્તુતિ કરનારા બ્રહ્મા અને ઋષિગણ, સૌને શ્રી હરિ કરૂણાભાવથી નિહાળતા હતા. હવે વરાહ-રૂપે એમણે જળમાં પ્રવેશ કર્યો. એમનું વજ્રમય પર્વત કાય સમુદ્રમાં પડતા જ જાણે સમુદ્રનું પેટ ફાટી ગયું હોય અને વિજળી કડકતી હોય એવો ભીષણ  અવાજ થયો. વરાહ ભગવાન પોતાની ખરીઓથી પાણીને ચીરતા-ચીરતા અપાર જળરાશિની પેલે પાર પહોંચ્યા. ત્યાં રસાતલમાં તેમણે સમસ્ત જીવોની આશ્રયભૂત પૃથ્વીને જોઈ, જેને અનેક કલ્પોમાંથી એક કલ્પના અંતમાં, શયન કરવા માટે તત્પર બનેલા શ્રી હરિએ સ્વયં પોતાના ઉદરમાં લીન કરી દીધી હતી.

પછી તેઓ જળમાં ડુબેલી પૃથ્વીને પોતાની દાઢો પર લઈને રસાતલમાંથી ઉપર આવ્યા. જળમાંથી બહાર આવતા સમયે ભગવાનના માર્ગમાં અવરોધ પેદા કરવા માટે હિરણ્યાક્ષે જળની અંદર જ તેમના પર ગદાનો પ્રહાર કર્યો. શ્રી હરિએ જનહિતાય ધરતી વસાવવા માટે એને મારી નાખ્યો. પ્રિય વિદુર, જેમ ગજરાજ પોતાનાં દંતશૂળો પર કમળપુષ્પો ધારણ કરી લે છે, બિલકુલ એમ જ પોતાના સફેદ દાંતોની અણી પર પૃથ્વીને ધારણ કરીને બહાર નીકળતા, નીલવર્ણી વરાહ-રૂપ ભગવાનને જોઈને બ્રહ્મા, મરીચ વગેરે ઋષિમુનિઓને ખાતરી થઈ ગઈ હતી કે સ્વયં યજ્ઞમૂર્તિ ભગવાને જ વરાહરૂપે પૃથ્વીનો ઉદ્ધાર કર્યો છે.

ત્યારે સહુ હાથ જોડીને વેદવાક્યોથી એમની સ્તુતિ કરવા લાગ્યા. તેઓ કહેવા લાગ્યા કે; “હે પ્રભુ આપની દરેક અંગપેશીઓ વિશ્વના ચર-અચર, દશા, દિશા, કર્મ, શરીરનાં સાંધાઓ, હોત્રા અને હોતા, સંસ્થાઓ, સમસ્ત વેદોના મંત્રો, દેવતાઓ, યજ્ઞો અને કર્મોમાં આપનું જ સ્વરૂપ વ્યાપેલું છે. જ્ઞા્ન, ભક્તિ, વૈરાગ્ય, મોહ, માયા, વરદાન, શાપ, બધાંમાં જ આપ છો. હે ઈશ, રસાતલમાં ડૂબેલી આ પૃથ્વીને બહાર કાઢવાનું સાહસ આપ સિવાય કોણ કરી શકે? આપે જ પોતાની માયાથી  આ અતિ-આશ્વર્યપૂર્ણ વિશ્વની રચના કરી છે. હવે આ પૃથ્વીને જગતમાં સ્થાપિત કરીને એનું અને એના પર રહેનારાંઓનું કલ્યાણ કરો.”

ત્યારે શ્રી મૈત્રેયજી કહે છે – હે વિદુરજી, બ્રહ્મવાદી ઋષિઓની આ પ્રમાણે સ્તુતિ સાંભળીને, સર્વનું રક્ષણ કરનારા વરાહ ભગવાને પોતાની ખરીઓથી જળને થંભાવી દઈને, તેના પર પૃથ્વીનું સ્થાપન કરી દીધું અને પછી પ્રભુ અંતર્ધાન થઈ ગયા. આમ ભગવાનનું લીલાપૂર્ણ ચરિત્ર દરેક રૂપ અને અવતારમાં અત્યંત કીર્તનીય છે. શ્રી હરિમાં પરોવાયેલી બુદ્ધિ તમામ પ્રકારનાં પાપ અને તાપ દૂર કરી દે છે. જે મનુષ્ય આ મંગલમયી મંજુલ કથા ભક્તિપૂર્વક સાંભળે છે તેના પર ભક્તવત્સલ ભગવાન પ્રસન્ન થાય છે અને એ મનુષ્યની સર્વ કામનાઓ પૂર્ણ થાય છે. એટલું જ નહીં, પણ સંસારમાં સત્કર્મો કરનારા ઈશ્વરના ભક્તો પણ આ પુણ્યશાળી હરિ કથા સાંભળીને ધરતી પર ગમન-આવાગમનના ફેરામાંથી મુક્તિ પામે છે.

ઈતિ શ્રીમદ્ ભાગવત મહાપુરાણનો તૃતીય સ્કંધનો “વારાહ અવતારની કથા” નામનો તેરમો અધ્યાય સમાપ્ત થયો.
શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ. ભગવદ્ નારાયણ, નારાયણ, નારાયણ.

II શ્રી હરિ ૐ તત્સત II

વિચારબીજઃ

૧. કાર્યની આવશ્યકતા પ્રમાણે સાધન-સામગ્રી અને કસબીનું હોવું જરૂરી છે. જ્યારે પૃથ્વીને રસાતલમાંથી ખેંચી લાવવી હતી અને જળરાશિની વચ્ચે રસ્તો કરવાનો હતો ત્યારે શ્રી હરિને પણ લીલા કરીને વરાહ અવતાર લેવો પડ્યો હતો. શું આવા વારહ જેવા અવતારો લેવામાં Genetics Engineering ની સહાયથી Cross Breeding કર્યું હશે?

૨. અસુરો શું એક પ્રકારના અણુઅશસ્ત્રોધારી રોબોટસ  હતા?

 

 

 

 

 

 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.