કાવ્યાંજલિ : 1 ~ હરીન્દ્ર દવેની તરહી પંક્તિ પર આધારિત નવી ગઝલો ~ વિવિધ કવિઓ દ્વારા

[આપણું આંગણું બ્લૉગની ગઝલ શિબિરના શિબિરાર્થી મિત્રો દ્વારા હરીન્દ્ર દવેને કાવ્યાંજલિ. રોજ પાંચેક ગઝલ મુકવામાં આવશે.]

(સંકલન: રક્ષા શાહ, મીતા ગોર મેવાડા)

1) કૈલાશ પરમાર ‘અજનબી’

એક મનગમતી રકમ ચાલને ધારી લઈએ,*
ખેલ કિસ્મતનાં શું છે, આપણે જાણી લઈએ.

ક્યાં લગી રહેશે અહીં આમ ભરેલી દોસ્તો,
જિંદગી જાય છે, કશ મોજથી મારી લઈએ.

એક મૂરત રચીએ વ્હાલ કરી માટીને,
આપે વરદાન તો શૈશવને જ માગી લઈએ.

આડીઅવળી કશે મૂકી હશે! શોધી તો જો
જે પળો વીતી ગઈ એનેય માણી લઈએ.

સાચું તું બોલ હવે ક્યાં સુધી રડતાં રહીશું?
દર્દ પણ જો  મળે દાસ્તાન બનાવી લઈએ.

વાત દરિયાની કિનારે નહીં તું મધ્યે કર,
કોણ પાણીમાં અહીં કેટલું માપી લઈએ.

ધાર તું તારે જે, સરવાળે તો શૂન્ય જ આવે,
મેથ્સમાં આવતું’તું અજનબી માની લઈએ.

2) રાકેશ ઠાકર ‘ તરંગ ‘

થોડું રડી શકું તો દિલાસો મળી શકે,
થોડા ઘણા ઉછીના જો શ્વાસો મળી શકે.

જે કલ્પનાઓ મારી મુલાયમ હતી સનમ,
તારા નયનપ્રદેશ, પ્રવાસો મળી શકે!

પળપળ તમારી યાદ મિલનની કથા કહે
થોડી કહો વધારે તમાશો મળી શકે

શબ્દો થકી ઉજાસ અમારો વધે અગર,
શાયદ ગઝલને આંગણે વાસો મળી શકે.

ઉદધીમાં મારું નામ તરંગો બની તરે
વહેતા પવનમાં એનો ખુલાસો મળી શકે..?

‘રાકેશ’ આ ગઝલની જરા માવજત કરો
તો શ્રી હરીન્દ્ર  જેવી સુવાસો મળી શકે..!

3) ભારતી વોરા ‘સ્વરા’

થોડું રડી શકું તો દિલાસો મળી શકે,*
આ લાગણીને થોડો વિસામો મળી શકે.

બોલ્યા વિના અહીં કશા અર્થો જડે નહીં,
શબ્દો કહી શકો તો ખુલાસો મળી શકે.

હું એક આશમાં અહીં રોકાઈને રહી,
જાઉં એ પહેલાં કોઈ જવાબો મળી શકે.

ના બંધ આંખે એમ ભરોસો કરો તમે,
સાચાં સબંધમાંય તમાશો મળી શકે.

તોફાનમાં કદી બધું ડૂબી જો જાય તોય,
તૂટેલા મનને કોઈ કિનારો મળી શકે.

રાતોએ મારા સપના દફન જ્યાં કર્યા હતા,
ત્યાં સાંજ ઢળતાં એક સિતારો મળી શકે.

4) કમલેશ શુક્લ

લપસી જવાય સાવ જ એવો એ ઢાળ છે,
વેચાતુ જ્યાં અફીણ, ત્યાં પાસે નિશાળ છે.

જૂઠી બધી જ વાત, ભરોસો નથી રહ્યો,
નેતાઓ ગૂંથે શબ્દ વડે એક જાળ છે

રસ્તા હજી બન્યા’તા ને ખાડા પડી ગયા,
નેતા ભરે જ્યાં ખીસ્સા ત્યાં આવો ઉલાળ છે.

ગુના વધી ગયા ને નથી અંત કેસના,
મળતો નથી જ ન્યાય, પડે હૈયે ફાળ છે

હાંફી ગયા હવે તો અમે ચાલતા સતત,
ટેકો મળ્યો જરાક, તો સમજ્યા કે પાળ છે.

મળતી’તી હૂંફ જો હતાં માતાના  ગર્ભમાં,
આવી ગયું રુદન લો, કપાઈ જ્યાં નાળ છે

(ગિરહનો શેર)
ખેતર કપાયા રોજ થયા આપઘાત જ્યાં,
ઊંચા મકાન છે અને રસ્તા વિશાળ છે.*

5) પીયૂષ ભટ્ટ

સર્જન પછી વિસર્જન, એ તો સળંગ છે,
આદિથી એનો એ જ આ ધરતીનો રંગ છે.*

બેહોશ હું છતાંય તું સામે પિયાલી ધર,
આ કૈં નશો નથી, આ પ્રણયનો ઉમંગ છે.

રેલાય રાતભર ચમકતી ચાંદની જુઓ,
ન્હાયા કરે ધરા ગગનનો પૂર્ણ સંગ છે.

દેખાય બધ્ધ કોઇ જે ફિરકી ને દોરથી,
વ્હાલપથી વીંટળાય એ ઊડતો પતંગ છે!

જેવાં મળ્યાં સુકાન, હલેસા, હવા, દિશા,
મઝધારે પહોચશે આ સુકાની દબંગ છે.

સૌથી અલગ રહો છતાં સામેલ સર્વમાં,
માણો ભલે ને એમ આ તમારો પ્રસંગ છે.

(ક્રમશ:)  

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

6 Comments

  1. Vaaah… ખૂબ સરસ ગઝલ… તમામ સર્જક મિત્રને અભિનંદન 🌹🌹🌹🌹

  2. સૌ સર્જકોને ખૂબ અભિનંદન.
    સરસ તરહી ‌ગઝલો લખાઈ છે.

  3. વાહ…ખૂબ સરસ સર્વે મિત્રો ને અભિનંદન અને મારી ગઝલને આપણું આંગણું માં સ્થાન આપવા બદલ એડમિન ટીમનો ખૂબ ખૂબ આભાર