“લિ. તારી પ્રિય સખી…” ~ પત્રશ્રેણીઃ પત્ર ૧૦ નો પ્રત્યુત્તર દિનાને ~ લેખિકાઃ અમિતા શુક્લ
પ્રિય દિના,
તારા શબ્દોના વરસાદની મીઠી મહેક માણી, પત્રમાં ઓતપ્રોત થઈ તારી સાથે વરસાદમાં ભીંજાયેલી ક્ષણોમાં ખોવાઈ ગઈ. તને યાદ છે, હું મુંબઈ તને પહેલીવાર મળવા આવી હતી. તું મને નરીમાન પોઇન્ટ ફરવા લઈ ગઈ હતી. આપણે ત્યાંની પાળી પર બેસીને જાણે બધી વાતો એકવારની મુલાકાતમાં કરી લેવા માંગતા હતાં. ઝરમર વરસાદે, ઝરમરિયા આપણી દોસ્તીના નામે વરસાવી આપણને બંનેને અંદર અને બહારથી ભીંજવી નાંખ્યા હતાં. વરસાદ આપણા બંનેની મનભાવન ઋતુ છે. તેમાં આપણે ખોવાઈ જઈને ગરમ ગરમ મસાલેદાર ચા સાથે મીઠી દોસ્તીની ચુસ્કીઓ લીધી હતી અને વરસાદ પડતાં મહેકી ઊઠતી માટીની સોડમ કેવી માણી હતી. આ મૂઆ વરસાદની ભીનાશ પીને આપણે પણ પાગલ બની ગયાં હતાં….!
આજ સવારથી મોર મારાં આંગણામાં આવી ટેહુકની ટહેલ નાંખી ગયો. વરસાદ તો ના આવ્યો પણ તારો પત્ર વરસાદરૂપે આવીને મને ભીંજવી ગયો. મારું ભીંજાવું ખૂબ જરૂરી હતું. કારણ, સંતાનો પોતાના માળામાં ઊડી ગયા તો મહિનાથી કલબલતા ઘર સાથે મનમાં પણ સૂનકાર વ્યાપી ગયો છે!
સખી, તને સાચું કહું તો મન અવળચંડુ છે. ઘડીકમાં આનંદ આનંદ કરાવી દે છે તો ઘડીકમાં પોશ પોશ આંસુઓથી રડાવી દે છે. સ્વજનો જાય ત્યારે ખરેખર દુઃખ થાય છે. વેદના અને ગ્લાનિ મનમાં ઊભરાઈ જઈને આંસુઓ વડે ટપકી પડે છે. એક વાત કહું, એમના દેખતાં હું ક્યારેય રડતી નથી. દીકરો તો મારો જ ને એને દૂર હોય તો પણ ખબર પડી જાય મારી અમ્મા રડે છે. આ આત્મીયતા, આ માયાના બંધનો સુખ અને સલામતિની સાથે વિખૂટા પડતાં દુઃખ પણ જન્માવે છે..!
મિષ્ટી સાથેની નિર્દોષ મસ્તી અને આનંદનું શું કહું અને કેવી રીતે વર્ણવું! એ અનોખો આનંદ માણવા જેવો હોય છે એની અભિવ્યક્તિ લખી નથી શકતી….! વ્યાજનું વ્યાજ ખૂબ વ્હાલુ હોય છે, તેનો અનુભવ તને લખ્યો. મન સહજ રીતે સ્વીકાર પણ કરે છે ખબર જ હતી કે જવાનાં છે છતાંયે અવળચંડુ મન ક્યાં કોઈના વશમાં રહ્યું છે? આપણા મૂર્ધન્ય કવિ નિરંજન ભગતે કહ્યું છેને કે,
“કાળની કેડીએ તો ઘડીક સંગ
રે ભાઈ આપણો ઘડીક સંગ…
આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ…!”
તને ખબર જ છે, મિષ્ટી નાની હતી ત્યારે અમે ત્યાં દર વર્ષે જતાં હતાં. હવે તેઓ વતનની મુલાકાતે આવે છે. અમે મળતાં રહીએ છીએ. ક્વોલિટી ટાઈમ પરિવાર સાથે માણીએ છીએ. મિષ્ટી સાથે બાળપણની યાદો તાજી કરીએ છીએ. મિષ્ટીને અહીંયા ગરમી ખૂબ લાગે છે એટલે મેં એને સમજાવ્યું ગરમી કેમ જરૂરી છે. દરેક ઋતુને મન ભરીને માણવાની. દિના, બરાબર કહ્યું ને!
દિના, વરસાદના આગમન પહેલાં ગ્રીષ્મ આવે છે ત્યારે સૂકી ભઠ્ઠ ધરતી પાણી પાણી પોકારતી હોય છે, નદી તળાવમાં પાણી ના હોય, મોર અને કોયલ ગ્રીષ્મના અંતથી જ પોકાર ચાલુ કરી દેતા હોય છે. વરસાદી કવિતા તો ઘણી જ છે પણ આજે હું ઉમાશંકર જોશીની ગ્રીષ્મ પર લખાયેલી એક સુંદર કવિતા અહીં ટાંકુ છું.
“લૂ, જરી તું ધીરે ધીરે વા,
કે મારો મોગરો વિલાય!
કોકિલા, તું ધીમે ધીમે ગા,
કે મારો જીયરો દુભાય!
પાંખો થંભાવી ઊભું સ્થિર આભપંખી,
સૃષ્ટિ મધ્યાહ્ન કેરા ઘેનમાં છે જંપી.
એકલી અહીં હું રહી પ્રિયતમને ઝંખી.
– લૂ, જરી તું…”
ધોમધખતો તાપ હોય ત્યારે વિરહની આગ અને આભમાંથી વરસતી આગને કવિ હૃદયે કેવું આબેહૂબ આલેખ્યું છે કે આપણને ચંદન સમી શીતળતા સ્પર્શતી લાગે છે. ચાંદની રાત હોય, વરસાદી માહોલ હોય, લહેરાતા મોજા હોય, રિમઝિમ વરસાદ હોય કે ધોમધખતો તાપ હોય કવિ રોમેન્ટિક કવિતા ગમે ત્યારે લખી શકે છે. સાચું કહ્યુંને સખી! આપણે પણ આપણી કવિતા માટે કોઈ ચોક્કસ સમય રાખતાં નથી બસ મૂડ, માહોલ અને શબ્દ સ્ફુરણા થવી જોઈએ. વરસાદને ફરિયાદના સૂરમાં મે બે લીટી લખી છે,
“મૂઓ આ વરસાદ
પલાળીને કરે ભીના,
મનથી રાખે કોરા!
શું કરું તારા ફોરા?
ખોબો ધરું તો પડી જાય,
આંખમાંથી વહી જાય,
મૂઓ આ વરસાદ.”
દિના, આપણી ઢળતી ઉંમરે આપણાં શોખ જ આપણને જીવંતતાની પ્રતિતી પૂરાવે છે. શોખ વગરનું જીવન કેવું લાગે સખી? તે પ્રકૃતિને માણી છે. તને અનુભવ થયો તો તું સુંદર વિસ્તારથી લખી મને કહી શકી. જ્યારે છેલ્લે તેં લખ્યું “લવ યુ ડિયર જિંદગી” આ વાક્ય મને ખૂબ ગમ્યું.
મારી એક સખી છે જેને જિંદગી સામે તેને અઢળક ફરિયાદો છે. “મારી સાથે જ કેમ આવું થાય છે…..?” તે સવાલે તેને પોતાના જ કોચલામાં પૂરી દીધી છે. બધી સખીઓએ મળીને કહ્યું કે દરેકને સમસ્યા છે. તું તારી દુનિયામાંથી નીકળીને બહારની દુનિયા માણવા આવ. તને કોઈ સમસ્યા રહેશે જ નહીં. તેની સમસ્યા દૂર કરવા અમારા ગ્રુપમાં પ્ પ્રવાસે લઈ ગયા. જ્યારે પ્રકૃતિને નિહાળી, લોકોની યાતનાઓ જોઈ એ સખી, એના પોતાના જ પિંજરામાંથી બહાર નીકળીને અમને સૌને ગ્રુપ આલિંંગન આપતાં એના મૂંગા આંસુ ઘણું બોલી ગયા. તેની આંખનું હર્ષાશ્રુ જ્યારે તેના હોઠે દડયું ત્યારે એના મૌનનો કલરવ ‘લવ યુ ડીયર જિંદગી’ કહીને હવાને ગૂંજાવી ગયો.
જિંદગી એક સફર છે. તેમાં ઉતાર ચઢાવ આવતા રહેવાના છે. તેના વગરની જિંદગી કલ્પી જ ના શકીએ. જિંદગી સમસ્યા આપે છે, સાથે સુઝાવ પણ આપી જાય છે. જિંદગીના પ્રશ્નો સોલ્વ કરતાં જઈએ…. પરીક્ષા આપતાં જઈએ અને જિંદગીનો ગુણાકાર કરતાં જઈએ. જિંદગી આપણી ‘પહેલી’માંથી સહેલી બની જશે.
સખી, જિંદગી એક નાટ્યમંચ તો છે. તેમાં અનેક રસરંગ સમાયેલા છે. જ્યારે મસ્તીનો ભાવ જાગે છે ત્યારે હાસ્યરસ, કરુણા જાગે ત્યારે કરુણરસ, ભક્તિભાવ જાગે ત્યારે ભક્તિરસ, લાગણી જાગે ત્યારે પ્રેમરસ આપણે માણીએ છીએ. મારું માનવું છે કે આવડો અમથો જીવ તેને શા માટે દુઃખી કરવો? બીજું, જિંદગી ક્યાં વારેવારે મળે છે? મારે મન જિંદગી એટલે ‘મોજથી જીવી લે મનવા. શું લઈને આવ્યા અને શું લઈને જવાના?’ મારે પણ જવાબદારી સાથે અનેક ટેન્શન છે જ. તને બધી વાત ખબર જ છે પણ તેમાંથીયે હું ખુશીઓ શોધીને બિન્દાસ રીતે જીવી લઉં છું. મારે જિંદગીના રંગોમાં રંગાતી રહું છું. બીજાની જિંદગીમાં પણ એવા જ રંગ ભરતાં રહી શકું તો એ મારી ઉર્ધ્વગતિ પણ ઓછામાં ઓછું કોઈનીયે જિંદગીમાં નડતર ન બનું, એ જ મારી જિંદગીનો મકસદ છે. ક્યારેય કોઈને નડવું નહીં, હંમેશા નિજાનંદમાં રહેવું, મોજમાં રહેવું..!
સખી, દરેકને એવી ખ્વાહિશ હોય છે કે આપણે પળ પળ જીવવું છે, ઝિંદાદિલીથી જીવવું છે, પ્રસન્ન ચિત્તે જીવવું છે. આપણાં મનમાં અફસોસ હોય, વિચારોમાં નકારાત્મકતા વ્યાપેલી હોય, ચિંતાના ખડકલા હોય તો આપણે કેવી રીતે પ્રસન્ન ચિતે જીવી શકીએ? આપણે તેના માટે જિંદગીને જિંદાદિલીથી ચાહવા પણ જિગર જોઈએ છે. એકવાર જિગરના બંધ દરવાજા ખુલી જાય તો જીવનનો અમૃત કળશ સુધી ચરણો ખુદ લઈ જશે.
જિંદગીના રસ્તે આવતા બધાં જ વળાંકો આંધળા હોય છે. કદાચ, આ અસ્થાયીપણું જ તો જિંદગીનું સાચું ઐહિક સૌંદર્ય છે! આપણને જિંદગી ક્યારેક કરમાયેલી લાગે છે તો ક્યારેક ખીલતી કળી લાગતી હોય છે. જિંદગીમાં પ્રેમ સાથે જોડાયેલી લાગણીઓની વધઘટ, એટલે કે પ્રેમની ઓટ કે ભરતી મહેસૂસ થયા કરતી હોય છે. પ્રેમની ભરતી હોય ત્યાં જિંદગીની નાવ સડસડાટ દોડતી હોય છે. જીવનમાં વિઘ્નો તો આવતાં રહે છે તો, “ખાંડણિયામાં માથું ને ધબકારાથી બીવું શું?” કેમ, સાચું કહ્યુંને?
“જિંદગી સાથે પ્રેમ થયો છે મને,
હવે તો કોણ રોકીય શકશે મને?
મગન હું મસ્ત મારામાં અને હવે
વિહરતી મળું ગગનમાં હું મને!”
દિના, જેમ તને આ પાંચ વર્ષમાં ઓળખતાં તારી સાથે આત્મસાત થઈ ગઈ એમ જિંદગી સાથે પણ થઈ ગઈ છું. હું પણ રોજ ‘લવ યુ જિંદગી’ કહીને જિંદગીને મસ્ત માણતી રહું છું. પેલું ગીત તને યાદ જ હશે.
“જિંદગી પ્યારકા ગીત હે
ઈસે હર દિલકો ગાના પડેગા
જિંદગી ગમકા સાગર ભી હે
હસકે ઉસ પાર જાના પડેગા..”
લવ યુ સખી
લિ. તારી સખી,
અમી.