“લિ. તારી પ્રિય સખી…!” ~ પત્રશ્રેણીઃ પત્ર ૧૦ ~ અમિતાને ~ લેખિકાઃ દિના છેલાવડા
પ્રિય અમી,
અમી, આજે આ શ્રાવણના માહોલમાં અત્યારે આભમાં ઘેરાયેલા વાદળો જોઈ મને એક વિચાર આવ્યો કે એ તો હમણાં જ ધોધમાર વરસી ખાલી થઈ જશે. આ મારા હૃદયમાં જે વાદળો ઘેરાયેલા છે એનું શું? ચાલ મારા પ્રથમ પ્રેમને આજ તો શબ્દો થકી અહીં આલેખી જ દઉં. તેં લખ્યું છે તેમ પ્રકૃતિમાં આવતાં ફેરફાર આપણી આસપાસના વાતાવરણમાં અનુભવાય છે. તને એવું નથી લાગતું કે એ વાતાવરણની સાથે સાથે આપણી ભીતર પણ અનુભવાતા હોય? સખી, આજે તને એ ભીતર અનુભવાતા આનંદ વિશે જણાવું છું.
હું મારી લાગણીને કલમ દ્વારા કલ્પનાની શાહીમાં ઝબોળવા સાથે વિચારોનું સત્ય જળવાઈ રહે એ રીતે મારું મનોહર ભાવ વિશ્વ રચી શકું છું એનો મને અપાર આનંદ છે. મેં લખ્યું હતું કે આ પત્રમાં થોડી હળવી વાતો જણાવીશ. તેથી આજે મારા જીવનની આનંદની ક્ષણો તને જણાવતા હું ખરેખર ખુશી અનુભવી રહી છું. એ સાથે જ આ મૂઆ વરસાદની ઝરમરમાં પણ લથબથ ભીંજાતી હું અહીં થોડો કવિતાનો ઝરમર વરસાદ વરસાવી દઉં, જે તને માણવો ગમશે એની મને ખાતરી છે. લે, આ શરૂઆત જ મારા પ્રિય કવિ શ્રી રમેશ પારેખની વરસાદી કવિતાની પંક્તિથી કરી દઉં.
“આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે
ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે, વરસાદ ભીંજવે
અજવાળું ભીનાશનું લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે
મહીં તો નહીં છાલક, નહીં છાંટા રે, તોયે વરસાદ ભીંજવે
દરિયા ઉભા ફાટ્યા રે, તોયે વરસાદ ભીંજવે..”
હવે તું જ કહે, આ વરસાદની વાત હોય એમાં આ કવિતા મને યાદ ન આવે એવું કઈ રીતે બને? મારા પ્રથમ પત્રમાં મેં તને જણાવેલું કે મને ચાંદ ખૂબ જ ગમે છે. સખી, જેમ ચાંદ મને ખૂબ પ્રિય છે તેમ જ આ વરસાદ પણ મને ખૂબ જ ગમે. સખી મારો પ્રથમ પ્રેમ એટલે આ વરસાદ. આ વરસતા વરસાદમાં ખીલતું અનુપમ સૌંદર્ય માણવું મને ખૂબ ગમે છે. તને તો ખબર જ છે કે કવિઓ અને લેખકો વરસાદી માહોલમાં એવા ખીલી ઉઠે કે સુંદર મજાની રચનાઓ લખતા રહે અને વરસાદી સૌંદર્યને ભરપુર માણવાની સાથે એને કલમ થકી કાગળ પર ઉજાગર કરતા રહે છે. કવિ શ્રી હિતેન આનંદપરા કહે છે “ઝરમર વરસાદ તને આછી આછી ભીંજવે ને ભીનું ભીનું મલકાય, હોઠો પર આવીને અટકેલું નામ પછી કાગળના કાળજે લખાય.”
અમી, આ વરસાદ મને આમ જ આછી આછી ભીંજવતો રહે છે, ક્યારેક ઝરમર વરસીને તો ક્યારેક અનરાધાર વરસીને! એ વ્હાલમાં ભીંજાતી હું પણ મારી કલમથી વરસી એને ભીંજવી દઉં છું. આ વર્ષાને હું ઋતુઓની રાણી કહું કે પછી ઝરમરતી વાણી કહું! આ રીમઝીમ વરસતી ઝરમરથી મારા હૈયામાં સ્પંદન છલકી ઉઠે. મારી જેમ આ ધરતી પણ એના પ્રેમમાં થોડી પાગલ બની લીલીછમ્મ થઈ ખીલી ઉઠે. સખી ખરેખર એને ઝીલવાની અને માણવાની મજા જ અનેરી છે. અહીં આ ધરતી અને આકાશની મીઠી લાગણી વરસાવતી મારા ગીતની થોડી પંક્તિઓ ટાંકી દઉં.
“સોનેરી પીંછી લઈ પ્યાસી આ અવનીએ
લખ્યા છે આકાશને પત્ર
નવરંગી લાગણી આસમાની આભે ભરી
છાંટ્યા છે ધરતીને અત્ર
વીજળીના તેજ ચમકારે વાદળોએ
બાંધ્યો છે મખમલી ઝૂલો
હરખે પ્રિયાને આજ મળવા અધીરો
સજ્યો છે નભ મહામૂલો
પ્રેમની મૌસમ પુરબહારે ખીલતા અવકાશે
ગુંજ્યા છે વાદળોએ મંત્ર..”
ધરતીની પુકાર સાંભળીને આ આભ કેવું ધોધમાર વરસી પડે છે! ઉંમરે ઉંમરે એને માણવાનો શોખ પણ અલગ જ હોય છે. સાચું કહું સખી, આ મહેકતી અને બહેકતી મોસમમાં લથબથ ભીંજાઈ તરબતર થવા બાળક થવું પડે. ખુલ્લા આભ નીચે ઊભા રહી એ ફોરા હથેળીમાં ઝીલવા પડે.
અમી, મેં મારા બચપણમાં એને મન ભરીને માણ્યો છે. જેવું એનું ઝરમર વરસવાનું શરૂ થાય કે હું તરત અગાશીએ દોડી જતી. એ મન મૂકીને વરસતો હોય ને હું પણ મન ભરીને ભીંજાતી એને માણતી રહેતી. કાગળની હોડી લઈ એને વહેતા પાણીમાં વહેતી મુકી ખૂબ જ ખુશ થતી. વરસાદી પાણીથી ભરેલાં ખાબોચિયાંમાં છબછબિયાં કરવાની મજા માણતી એની તો વાત જ અલગ છે. સાથે સાથે “આવ રે વરસાદ, ધેબરીઓ પરસાદ, ઉની ઉની રોટલી ને કારેલાનું શાક” એ તો મોટેમોટેથી ગાવાનું હોય જ. જેમ મોટી થતી ગઈ એમ એના પ્રત્યેનો મારો પ્રેમ પણ વધતો જ ગયો. એના આવવાની રાહ હું ચાતકની જેમ જોતી હોઉં છું.
જાણે વરસોની તરસી હોઉં એમ હું એના આગમનથી એના વ્હાલમાં ભીંજાવાની તરસ છીપાવીને ઝૂમી ઊઠું અને એ પણ એની એક એક બુંદ વરસાવી એના વ્હાલમાં મને તરબોળ કરી દે. ભીંજાવું ને ભીંજવવું એ મજા જ અલગ છે. એના આવવાની ખુશીમાં હું મસ્ત મસ્ત કવિતા લખતી હોઉં છું. સખી આમ તો હું કોઈ લેખિકા કે કવયિત્રી નથી જ. એ છતાં પણ ખુશી એટલી બધી હોય છે કે મારું મન મયૂરની જેમ નાચી ઊઠતાં મનની દરેક લાગણીઓ લખીને હું અભિવ્યક્ત કરતી રહું છું.
અમી, એમાં પણ પેલું સપ્તરંગી મેઘધનુષ ખીલે એ જોવાની મજા તો ખરા જ. કુદરતે જાણે આભમાં રંગીન કવિતા લખી હોય એવું મને તો લાગે છે. એનાથી નીલગગન કેવું શોભી ઊઠે છે. અહાહા…! મજા પડી જાય હો સખી. ઝરમરતી વર્ષા અને મેઘધનુષ્ય. સૃષ્ટિ સોળે કળાએ ખીલી ઊઠે. એ દૃશ્ય નજર સામે તરવરી ઊઠતાં મેં લખેલી એક કવિતાની પંક્તિ માણી તું પણ ખીલી ઉઠીશ.
“કુદરતની આજ કમાલ થઈ ગઈ,
વાદળ ગરજતા ધમાલ થઈ ગઈ !
અંબરે મેઘધનુષી રંગત જામીને,
સૃષ્ટિ સઘળી જમાલ થઈ ગઈ ! ”
સખી, આ મારું હૈયું ઝાલ્યું ના રહે. ભીની ભીની માટીની સુગંધમાં એવું ખોવાઈ જવાય છે કે એને શ્વાસમાં ભરીને જાણે અંતરથી મહેકી ઉઠાય છે. આ વરસાદી માહોલ હોય અને એમાં શ્રૃંગાર રસ ના હોય એવું તો બને જ નહીં ને…
“વરસાદ, માટી, સુગંધ, સાંજ ને મારું દિલ
રંગભીની મોસમે વરસી, હું મહેકી રહી છું!
ઝરમરે હું ભીંજાઉં ને એ મારામાં અનરાધાર
ભર ચોમાસે તરબતર, હા હું બહેકી રહી છું!”
આ વરસતા વરસાદમાં પ્રેમીઓની મોસમ કેવી રંગીન બની જાય છે! મૂશળધાર વરસાદ વરસતો હોય એની ખુશીમાં ઝૂમી ઊઠતાં બે હૈયાં હિલોળે ચઢે, એક થાય ને તરસ્યા હોઠોની તરસ છીપાવતા એકમેકમાં ખોવાઈને એકબીજા પર અનરાધાર વરસી પડતા હોય છે. મને લાગે છે ત્યારે આભમાં ઘેરાયેલા આ વાદળા પણ શરમના માર્યા બે ઘડી થંભી જતાં હશે નહીં? એકમેકના સ્નેહથી શ્રીકાર ભીંજાતા બે દિલ અને ઉપરથી આ કુદરત..! સખી અહીં કોઈ પરિભાષાની જરૂર રહે ખરા? તું જ કહે. આ બબ્બે લાગણીઓના ધોધમાં ભીંજાવાનો લ્હાવો જેણે માણ્યો હોય એ જ જાણે સખી…!
“રીમઝીમ રીમઝીમ રીમઝીમ રીમઝીમ
ભીગી ભીગી ઋત મેં તુમ હમ હમ તુમ…”
વરસાદની મોસમ પ્રેમીઓની તો મનપસંદ ઋતુ છે જ. એ સાથે બચપણની બધી સખીઓ ભેગી થાય ત્યારે પણ આ વરસાદમાં ભીંજાવાની મજા માણી પોતાના બચપણને જીવી લઈ એનો આનંદ માણી લેતી હોય છે. તને એક વાત કહું ? આ શ્રાવણમાં અમે બધી બાળપણની સખીઓ ભેગી થઇ તિથલ ગયા હતાં. એ સમયે બધી સખીઓએ શાળાની યાદો તાજી કરવા અમારી શાળામાં જે યુનિફોર્મ હતો એવો ડ્રેસ પહેરી બે ચોટલા વાળી અને દરિયા કિનારે ઝરમર વરસતાં વરસાદમાં ભીંજાવા સાથે “ટમેટું રે ટમેટું, ઘી ગોળ ખાતું’તું….” જેવી રમતો રમવા સાથે નિશાળના દિવસોની યાદોમાં ભરપૂર ભીંજાઈ ખૂબ મજા માણેલી. એ યાદોને મેં આ શબ્દોમાં વણી લીધી છે.“ચાલ સખી, આજ ફરી બચપણને માણીએ,
ખુલ્લા મેદાનમાં દોડી રમતો ઘણીય રમીએ;
ચાલને, પાટી પેન લઈ આજ નિશાળે ફરીએ!
છુટી ગયેલી દોસ્તીને કૈં મોટા દોરે સીવીએ,
કીટ્ટા બુચ્ચા કરતા એ દિવસોને વાગોળીએ;
ચાલ સખી, આજ ફરી બચપણને માણીએ.
ઉંમરને આઘી ઠેલીને પાછા બાળક બનીએ,
વરસાદની મજા લૂંટવા છબછબિયા કરીએ;
ચાલ સખી, આજ ફરી બચપણને માણીએ.
યાદોના અકબંધ પોટલાં ધીરેધીરે ખોલીએ,
જિંદગીની દોડમાં થોડીક હાશ અનુભવીએ;
ચાલ સખી, આજ ફરી બચપણને માણીએ.
બેલા, માલા, બીનાની વાતોના દરિયે ડૂબીએ,
સુખદુઃખના સાથી આપણે ગોતાખોરી કરીએ;
ચાલ સખી, આજ ફરી બચપણને માણીએ….!
મારા હૃદયકુંજમાંથી આ ધોધમાર શબ્દોનો વરસાદ વરસાવ્યો એ તને માણવો ગમ્યો કે નહીં.., એ જણાવજે. ફરી એક વાત યાદ આવી. વરસાદી સાંજનું એ દૃશ્ય અત્યારે નજર સામે તરવરી ઊઠ્યું છે. અમી, મારી દીકરી નેહા સાથે આવી જ એક ઝરમરતી સાંજે રંગભૂમિનું જાણીતું સ્થળ એવા પૃથ્વી થિયેટરના કાફેમાં બેઠી હતી. એ સમયે ત્યાં બેસી કોઈ વ્યક્તિ વાંસળી વગાડતું હતું. વરસાદની ટીપ ટીપ.. વાંસળીની ધૂન.. સુલેમાની ચા (પૃથ્વી કાફેની જાણીતી ચા ) અને વ્હાલી દીકરી સાથે ખટ્ટમીઠી વાતોનો દોર. એ મધુર યાદને મેં એ સમયે શબ્દોમાં ગૂંથી લીધેલી એ બે પંક્તિ સાથે અહીં વિરમું છું..
“એક વરસાદી સાંજ પૃથ્વીની
ધૂન સુરીલી વાંસળીની અને
વ્હાલી દીકરીનો સંગાથ..
બીજું જોઈએ શું?
લવ યુ, ડિયર જિંદગી..”
લિ. તારી સખી,
દિનાની સ્નેહભીની યાદ