સિન્થિયા (લઘુનવલ) ~ પ્રકરણ ૨ ~ અજવાસના અંતિમ બિંદુએ ~ ડૉ. ભારતી રાજીવ રાણે
(શબ્દો: ૧૮૫૪)
બીજો એપિસોડ શરૂ થવાની તૈયારીમાં હતો. કોણ હશે સિન્થિયાનો ખાસ મિત્ર? સિન્થિયાની વાત પરથી લાગતું હતું કે, એ લોકો હવે સાથે નથી. આખરે કેમ બન્યું હશે આવું? કોઈએ છેતરી હશે એને? એક પ્રેમસંબંધનો અંત આવ્યો હશે? આખરે શા માટે? – લોકોના મનમાં અનેક પ્રશ્નો હતા. એનાં ચાહકો વહેલાંવહેલાં ટેલિવિઝન સામે ગોઠવાઈ ગયાં હતાં.
‘હૅલો ઍન્ડ વેલકમ ટૂ ધ સેકન્ડ એપિસોડ ઑફ માય સ્ટોરી.’ સિન્થિયાનો અવાજ ઉત્સાહભર્યો હતો. આજે એ પ્રસન્ન લાગતી હતી.
‘હા, તો હું તમને યુનિવર્સિટીના દિવસોની વાત કરતી હતી. અમારું ભણવાનું ટફ હતું. વેરી ડિમાન્ડિંગ. ઘણો સમય આપવો પડતો. પણ એનીય મજા હતી. ભણતાંભણતાં બહુ મજા કરતાં અમે.
અમારી બૅચમાં હું ને મારો પેલો ફ્રેન્ડ, અમે બે જ ઇન્ડિયન મૂળનાં હોવાના લીધે અમારે સારું બનતું, હું એની કંપનીમાં કમ્ફર્ટેબલ ફીલ કરતી, એટલે ભણતી વખતે અને ત્યાર બાદના સમયમાં અમે સાથે ને સાથે રહેતાં; પણ અમારી ચોઇસ ઘણી અલગ હતી.
મને બ્રૉડકાસ્ટિંગ, ઇન્ટરવ્યૂઝ અને ઑપિનિયન જર્નાલિઝમ ગમતું, જ્યારે એને ઇન્વેસ્ટિગેટીવ જર્નાલિઝમ અને વૉચડોગ જર્નાલિઝમ ગમતું. પોલિટિક્સ પર, કોર્પોરેટ સેક્ટરની ગતિવિધિઓ પર તથા પ્રિન્ટ મિડિયાનાં એડિટોરિયલ્સ પર એની નજર રહેતી. એને સ્ક્રીન પર દેખાવું ગમતું નહી. એને તો ઍાનલાઇન અને ઑફલાઇન લખવું ગમતું. એનું હોમવર્ક એટલું પાકું હોય કે, એ કોઈ લેખ મોકલે તો ભલભલા પ્રતિષ્ઠિત અખબારો એને હોંશેહોંશે છાપતાં.
એ ઇન્ટ્રોવર્ટ હતો. પોતાનામાં જ ખોવાયેલો, જ્યારે હું સોશ્યલ પ્રકારની વ્યક્તિ હતી. મને લોકો સાથે વાતો કરવી ગમતી. પછી તે વ્યક્તિ ગમે તે ફિલ્ડની હોય. ભાતભાતનાં લોકોને મળવા હું ઇન્ડિયન કોમ્યુનિટીનાં મેળાવડાઓમાં જતી, ઇન્ટરેક્ટ કરતી, મિત્રો બનાવતી, અલગઅલગ પ્રોફેશનનાં લોકોને પ્રશ્નો પૂછતી અને એમની વાતો નિરાંતે સાંભળતી. લોકોનાં માઇન્ડ વાંચવાની મને મજા આવતી.
મજાની વાત એ હતી કે, અલગ-અલગ સ્વભાવનાં હોવા છતાં અમે એકબીજાંને ચાહવા લાગ્યાં હતાં. એ બહુ કેરિંગ નેચરનો હતો. જેની ઉપર ભરોસો રાખી શકાય તેવો, વેરી ડિપેન્ડેબલ ફ્રેન્ડ.
ચેલેન્જીસ તો મનેય ગમતી, પણ એનો પ્રકાર મારા મિત્રની પસંદગીની ચેલેન્જીસથી જરાક જુદો હતો. થર્ડ સૅમમાં પ્રોજેક્ટ પસંદ કરવાના હતા, ત્યારે મેં ટીન-એઇજ પ્રેગનન્સી પછીના કોનસિક્વનસીસ – એટલે કે 13થી 19 વર્ષ વચ્ચેની ઉંમરમાં માતા બનતી, અને પછી પોતાનાં બાળકો પર અત્યાચાર કરતી માતાઓ તથા એમનાં અત્યાચારગ્રસ્ત બાળકો ઉપર કામ કરવાનું પસંદ કર્ય઼ું. ‘વિક્ટીમ્સ ઑફ બેટર્ડ બેબી સિન્ન્ડ્રોમ’.
ઇન્ડિયન કૉમ્યૂનિટીના મેળાવડાઓમાં મારી ઓળખાણ એક લેડી-ડૉક્ટર સાથે થયેલી. આન્ટી ગાયનેકોલોજિસ્ટ હતાં. એમની સાથે વાતો કરતાં જાણવા મળ્યું કે, એમણે એવી ઘણી ટીનએઇજ ગર્લ્સ જોઈ છે, જેને માબાપનાં કહ્યામાં રહેવું ગમતું ન હોય, પણ ફાયનાન્શિયલી ડિપેન્ડન્ટ હોવાને કારણે માબાપના કહ્યામાં રહેવું પડતું હોય.
આવી છોકરીઓને જ્યારે ખબર પડે કે, બાળકોના વેલબિઇંગ ખાતર સરકાર કાચી ઉંમરની બેઘર માતાએને રહેવા-ખાવાની સગવડ આપે છે, ત્યારે તે છોકરી માબાપથી અલગ સ્વતંત્ર જિંદગી જીવવા માટે યોગ્ય ઉંમર પહેલાં જ પ્રેગનન્ટ થવાનું અને બાળકને જન્મ આપવાનું પસંદ કરતી હોય છે.
અલગ રહેવા ગયા પછી એને ખ્યાલ આવે છે કે, બાળકને ઉછેરવું, એ ઘણી મોટી જવાબદારી છે. એને થવા લાગે કે, બાળક પોતાની બિન્ધાસ્ત જીવનશૈલીની આડે આવી રહ્યું છે, ત્યારે એને બાળક ઉપર ગુસ્સો આવવા લાગે; એટલે બાળક રડે અથવા પરેશાન કરે, ત્યારે એ પોતાના બાળકને મારે, ધમકાવે અથવા એબ્યૂઝ કરવા લાગે. ક્યારેક તો એ પોતાના બાળકને ઘરમાં પૂરીને પુરુષમિત્ર સાથે ફરવા ચાલી જતી હોય છે.
આ રીતે માતા તરફથી હિંસા સહન કરતાં બેટર્ડ બેબી સિન્ન્ડ્રૉમનો ભોગ બનેલાં બાળકો તથા એમની ટીનએઇજ માતાઓ ઉપર કામ કરવાનું મેં પસંદ કર્ય઼ું. મેં એવી વીસ માતાઓ વિશે ડેટા મેળવ્યા. એમની સાથે ઓળખાણ પણ કરી.
મેં જોયું કે, એમાંથી કેટલીક છોકરીઓ પોતાના નિર્ણય બદલ પસ્તાઈ રહી હતી. મેં એ તમામને મોટીવેટ કરતાં સમજાવ્યું કે, જો હું એક ડૉક્યુમેન્ટરી બનાવું તેમાં એ લોકો પોતાના અનુભવ અને કથની શેર કરે, તો ભવિષ્યમાં આવાં પગલાં લેતાં ઘણી સ્ત્રીઓને રોકી શકાય.
કેટલીક છોકરીઓ આમ કરવા તૈયાર પણ થઈ. પ્રજેક્ટ રૂપે મેં બનાવેલ એ ડોક્યુમેન્ટરી ખૂબ એપ્રિશિયેટ થયેલી. ડૉક્ટર આન્ટીએ આ આખાય પ્રોજેક્ટ માટે આઉટ ઑફ ધ વે જઈને પણ મને ખૂબ મદદ કરી.
આપણાં ભારતીયોની એ ખાસિયત હોય છે; જો કોઈ સારા કૉઝ માટે કામ કરતું હોય, તો એને મદદ કરનારાં મળી જ જતાં હોય છે. પછી એ મદદ પૈસાની હોય કે બીજા કોઈ પ્રકારના સહયોગની. જો કોઈ ઇન્ડિયન ગૂડ કૉઝ બાબતે કન્વિન્સ થઈ જાય, તો આઉટ ઑફ ધ વે જઈને પણ મદદ કરતાં અચકાશે નહીં.
આપણાં લોકોના આ ગુણનો ફાયદો મેં ભરપૂર ઉઠાવ્યો. અલબત્ત મારું કૉઝ હંમેશા નોબલ હતું. એક વાર સિવાય! એ ‘એક વાર’ની વાત ફરી ક્યારેક કરીશ. મારે તમને એ વાત ચોક્કસ કરવી પડશે, કારણ કે, એ ‘એક વારે’ મારું જીવન બદલી નાખ્યું. એ ‘એક વાર’ને કારણે જ આજે હું તમારા સૌની સામે ઊભી છું.
હા, તો આપણે થર્ડ સૅમના પ્રોજેક્ટ્સની વાત કરતાં હતાં: મારા ફ્રેન્ડે કોર્પોરેટ સેક્ટરના લેબરર્સના હિડન અનરૅસ્ટ તથા ઍક્સપ્લોઇટેશન પર કામ કરવાનું પસંદ કર્ય઼ું.
એનામાં એક બહુ મોટો ગુણ હતો : કૉમનમૅન સાથે ભળી જવાનો. લેસ પ્રિવિલેજ્ડ સ્ટ્રેટાના લોકો સાથે મિક્સ થતી વખતે તે એમનાંમાંથી જ એક હોય, તેવી ઈમ્પ્રેશન ઊભી કરી શકતો. હી કૂડ પ્રોજેક્ટ હિમસેલ્ફ ટુ બી વન ઑફ ધેમ ઇન અ વૅરી અનએઝ્યુમિંગ વે.
પ્રોજેક્ટ શરૂ થતાં જ એણે ફૅક્ટરીઓની આસપાસની કીટલીઓ અને ઢાબા જેવા જોઇન્ટ્સમાં બેસવાનું ચાલુ કરી દીધેલું. આમ બેસીને લોકો સાથે ગામગપાટાં મારતાં એણે ઘણા બધા કારીગરો સાથે દોસ્તી બાંધી દીધી. એમાં કેટલાક યુનિયન લીડર જેવા પણ હતા. આમ તેને સચોટ બાતમી મળી જતી. આ તમામને આધારે તેણે લખેલી સ્ક્રિપ્ટ એટલી સ્ટ્રોંગ હતી કે, તહેલકો મચી ગયો.
અમને અમારા પ્રોજેક્ટ માટે યુનિવર્સિટીનું ફન્ડિંગ મળવા લાગ્યું હતું. નિષ્ણાતોની પૅનલ પાસે તમારા પ્રોજેક્ટની રૂપરેખા રજૂ કરવાની. એ લોકો પ્રશ્નો પણ પૂછે. જો તમે એ પેનલને કન્વિન્સ કરી શકો તો પ્રોજેક્ટની જરૂરિયાત અનુસાર ફંડ મંજૂર થાય. પહેલા પ્રોજેક્ટ માટે એને પાંચ હજાર ડૉલર મળેલા અને મને સાત હજાર.
અમારા પ્રોફેસર્સની પર્સનાલિટીઝ બહુ ઇન્ટરેસ્ટિંગ હતી. માસ મિડિયાની દુનિયામાં ધૂમ મચાવનાર ઍક્ટિવ જર્નાલિસ્ટો જ્યારે અમને ભણાવતા ત્યારે ખૂબ ફ્રેન્ડલી બની જતા. અમારી મજાક-મસ્તી માટે પણ એકદમ સ્પૉર્ટિંગ રહેતા.
એક વાર અમે તથા અમારા સિનિયર્સે મળીને એક પ્રેન્ક પ્લાન કર્યો. બ્રોડકાસ્ટિંગ રૂમમાં છાનાંમાનાં ભરાઈને અમે સૌએ મળીને થોડી શોર્ટ ફિલ્મ્સ રેકોર્ડ કરી. બધી જ ફિલ્મ મજાક-મસ્તીની હતી. સિરિયસ પ્રકારની મજાક!
દાખલા તરીકે મેં મારા મિત્રનો ઇન્ટરવ્યૂ લીધો. જેમાં હું હોસ્ટ હતી ને એ પ્રેસિડન્ટ ઑફ અમેરિકા બન્યો. અમે ફની ડાયલોગ્ઝ લખ્યા. એ ઇન્ટરવ્યૂમાં મારા વાહિયાત પ્રશ્નોના અતિ વાહિયાત પ્રકારના જવાબો તેણે બિલકુલ પ્રેસિડન્ટની સ્ટાઈલમાં આપ્યા. દરેક ગ્રૂપ પાસે પોતપોતાના આઇડિયા હતા. કટકે-કટકે અમે કુલ એક કલાકનો કાર્યક્રમ રેકોર્ડ કરી નાખ્યો. પછી એક દિવસ બધાં જ ફેકલ્ટી મેમ્બર્સને સરપ્રાઇઝ પાર્ટી માટે ઇન્વાઇટ કરીને અમે એ કાર્યક્રમ બતાવ્યો. બધાં મન મૂકીને હસ્યાં.
મોટા ભાગના પ્રૉફેસરોએ એમ પણ હ્યું કે તેમને અમારા સૌની ક્રિએટિવિટી પર ગર્વ છે. હેડ ઑફ ધ ડિપાર્ટમેન્ટ છેલ્લે બોલવાના હતા. પહેલાં તો અમારા સૌના કામના તેમણે ખૂબ વખાણ કર્યા પછી ટકોર કરી કે, આવી પરમિશન વગરની પ્રવૃત્તિઓ તેઓ છેલ્લી જ વાર ટોલરેટ કરી રહ્યા છે! આ પ્રકારનાં તોફાનો માટે ધેર વીલ બી ઝીરો ટોલરન્સ ઈન ફ્યુચર!
આનંદભર્યા રમતિયાળ દિવસોનો એક દિવસ અંત આવ્યો. ડિગ્રી મળી એ દિવસના ફંક્શનમાં અમે બધાં ખૂબ ખુશ હતાં અને ખૂબ ઇમોશનલ પણ! છૂટાં પડતાં સૌની આંખો ભીની હતી. મારો ફ્રેન્ડ હવે રોજ મળી શકવાનો નહોતો. અમે એક કાફેમાં નિયમિત મળવાનું નક્કી કર્ય઼ું.
અમારે મળવાનું હતું તે તારીખથી બે દિવસ પહેલાં એનો ફોન આવ્યો. કહેતો હતો, અરજન્ટ કામ છે. આજે જ મળવું પડશે! જોયું ને, મારા વગર એને ચાલે જ નહીં ને! હું મનમાં ને મનમાં ઇતરાતી રહી. હું એને મળી ત્યારે એનો ચહેરો ગંભીર હતો. એ કોઈક વિચારોમાં ડૂબેલો લાગ્યો. મગજમાં કોઈ ગડમથલ ચાલી રહી હોય તેવા હાવભાવ.
વાત શું છે યાર! આવો સૅડ કેમ દેખાય છે? મને મળ્યા વગર સૂનો પડી ગયો કે શું? ચાલ, કાયમ સાથે રહેવાનું કાંઈક ગોઠવી કાઢીએ. તું તારા માબાપને પહેલાં કહેશે કે પછી એ કામ મારે કરવાનું છે?… ઉત્સાહમાં ને ઉત્સાહમાં હું બોલ્યે જતી હતી. પણ એ સાંભળીને એનો ચહેરો વધારે ને વધારે ઝાંખો થતો ગયો. એ જોઈને મારા મનમાં ધ્રાસકો પડયો.
યસ, ધ્રાસકો! મારી દાદીમાનો શબ્દ છે એ. એને મોઢે ઘણી વાર સાંભળીને મને આવડી ગયેલો અ બીટ ડિફિકલ્ટ વર્ડ! કાંઈ ગડબડ હોવાની મને શંકા થઈ. હું ચૂપ થઈ ગઈ. થોડી વાર સાયલન્ટ રહ્યા પછી એ બોલ્યોઃ ‘કાલે ઇન્ડિયા જઈ રહ્યો છું.’
‘ફરી આવ યાર, એમાં આવો ડિપ્રેસ શું થઈ ગયો? યુ હેવ વર્ક્ડ સો હાર્ડ, યુ નીડ અ બ્રેક. ઍન્ડ ડૉન્ટ વરી અબાઉટ મી, આય વિલ મૅનેજ. ઑનેસ્ટલી, આય વિલ મૅનેજ.’
એ એકધારું મારી સામે જોઈ રહ્યો હતો. મને ત્યારે ક્યાં કલ્પનામાત્ર પણ હતી કે, આય વિલ હૅવ ટુ મેનેજ ફોર અ લોંગલોંગ ટાઈમ! મારે ઘણાઘણા લાંબા, અસહ્યપણે લાંબા સમય સુધી ચલાવી લેવાનું હતું!’
શ્રોતાઓ તન્મય થઈને સાંભળી રહ્યા હતા પણ ઍપિસોડનો સમય પૂરો થઈ રહ્યો હતો. વાયોલિનની હળવી તર્જના બૅકગ્રાઉન્ડ સાથે સિન્થિયાએ આજની વાત પૂરી કરી.
છેલ્લી સાત મિનિટ પ્રશ્નોત્તરી માટે ફાળવવામાં આવી હતી. પ્રશ્ન પૂછવા માટે શ્રોતાગણમાં ઘણા હાથ ઊંચા થયેલા દેખાતા હતા. પહેલો પ્રશ્ન પૂછનાર એક પ્રભાવશાળી બુઝર્ગ હતા. તેઓ ગુજરાતીના પ્રોફેસર હતા.
‘નમસ્તે બહેન, મારે આપને પૂછવું છે કે, આપ અમેરિકામાં જન્મ્યાં, ત્યાં જ ભણ્યાં, ઊછર્યાં, છતાં પણ અહીં ભારતમાં ગુજરાતી ભાષામાં ચેનલ ચલાવો છો એ ઘણી મોટી વાત છે. આ કાર્યક્રમ પણ તમારા અન્ય કાર્યક્રમોની જેમ અદ્ભુત છે, પણ એક જ બાબત ખટકે છે કે, આપના વક્તવ્યમાં કેટલું બધું અંગ્રેજી આવે છે! સામાન્ય ગુજરાતી શ્રોતા માટે એને સમજવું મુશ્કેલ ન બની જાય? ગુજરાતી ભાષાનું ગૌરવ એમાં હણાતું હોય તેવું નથી લાગતું?’
‘વેરી ગૂડ ક્વેશ્ચન સર, માફ કરજો, આપે સરસ પ્રશ્ન પૂછયો. મારી કોશિશ તો હોય છે કે, હું બને તેટલું વધારે ગુજરાતીમાં જ બોલું. પણ મારી પાસે વોકેબ્યુલરીનાં લિમિટેશન્સ છે. આમ તો અમારી ચેનલ પાસે હાય લેવલ ગુજરાતી જાણતા સ્ક્રિપ્ટ રાઇટર્સ છે, તેમની મદદ લઈ શકું, પણ માય સ્ટોરીના એપિસોડ્સમાં હું સ્ક્રિપ્ટ લખ્યા વગર બોલું છું. દિલથી બોલવું છે સર, એટલે ભાષાનાં બેરિયર તોડીને કહેવું છે. આશા છે કે એ માટે આપ અને મારા બધા વ્યૂઅર્સ મને માફ કરી દેશો.’ પ્રોફેસરસાહેબ તથા બાકી સૌ શ્રોતાઓએ તાલી વગાડી સિન્થિયાની વાતનું સમર્થન કર્ય઼ું.
બીજો પ્રશ્ન એક યુવતીનો હતો. તેણે પોતાની ઓળખાણ એક હ્યુમન રાઇટ્સ ઍક્ટિવિસ્ટ તરીકે આપી.
‘મારો પ્રશ્ન છે કે, તમારી અને તમારા એ સો કોલ્ડ ફ્રેન્ડ વચ્ચે કેવા સંબંધો હતા? ઇન્ટિમેટ? શારીરિક? વૉઝ ઇટ ફિઝિકલ?’
આખું ઑડિયન્સ પ્રશ્ન સાંભળીને ચમકી ગયું. આવા ક્ષોભજનક પ્રશ્નની, તે પણ એક સ્ત્રી પાસેથી કોઈએ અપેક્ષા નહોતી રાખી. વડીલોનાં ભવાં ઊંચાં થયાં. ગોવિંદઅંકલ તો ઊભા જ થઈ ગયા. તુચ્છકારભર્યા ગણગણાટનું મોજું ચારેકોર ફરી વળ્યું.
આશ્ચર્યની વાત એ હતી કે, સિન્થિયા સ્વસ્થ હતી. આવા અણધાર્યા અધટિત પ્રશ્નથી એ વિચલિત ન થઈ. ગોવિંદઅંકલ તરફ બેસી જવા વિનંતી કરતી પ્રેમાળ નજર નાખતાં એ બોલી : ‘તમારા પ્રશ્નનો ઑનેસ્ટ જવાબ આપવો મને ગમશે. અમેરિકા વિશે તથા વિદેશમાં વસતી સ્ત્રીઓ વિશે અહીં કેવીકેવી ગેરસમજણો ચાલે છે, એ હું જાણું છું. એટલે આ પ્રશ્નનો જવાબ તો હું ખાસ આપીશ.
તો આપના પ્રશ્નના જવાબમાં હું કહીશ કે, હું એને પ્રેમ કરતી હતી. એ પણ મને પ્રેમ કરતો હતો એટલે સ્પષ્ટ છે કે, અમારી વચ્ચે પ્રેમની રિલેશનશીપ – સૉરી, પ્રેમનો સંબંધ હતો. પણ મારી અને તમારી પ્રેમની વ્યાખ્યા જુદી હોઈ શકે.
પ્રેમ એટલે શું એ હું મારાં દાદીમા પાસે શીખી છું. દાદીમા કહેતાં કે, ‘સાચો પ્રેમ એ કહેવાય જે હરહાલમાં હરહંમેશ પોતાના પ્રિયપાત્રનું ભલું ઈચ્છે. પ્રેમ ક્યારેય કાંઈ માગે નહીં. અપેક્ષાને એમાં સ્થાન જ નહોય. એમાં આપવાનું જ હોય અનંતપણે આપવાનું. અને પ્રેમ શારીરિક આકર્ષણનો ગુલામ પણ ન જ હોય.
આપણી ભારતીય સંસ્કૃતિને અનુસરીએ તો પ્રેમીને લગ્ન પહેલાં પોતાનું શરીર કોઈ દિવસ ન સોંપીએ. આ સંબંધ પવિત્ર છે. લગ્ન સુધી શરીરસંબંધ ન રાખીને પ્રેમની પવિત્રતા સાચવીએ તો જ આપણે સાચાં ભારતીય. અને જો તારો પ્રેમી શરીર ન મળતાં તને છોડી દેવાની વાત કરે, તો તું જ એને છોડી દેજે. કારણ કે, એના પરથી સાબિત થાય છે કે, એ તને નહીં, તારા શરીરને ચાહે છે.’
વેલ, દાદીમાના શબ્દો હું જીવનમાં ક્યારેય ભૂલી નથી. હું રિયલ ઇન્ડિયન થઈને જીવી છું. અને મારો પ્રિયતમ પણ મને ચાહતો હતો, મારા શરીરને નહીં!’
સિન્થિયાના ઉત્તરથી સૌ અવાચક થઈ ગયાં. આખા શ્રોતાગણે ઊભા થઈને એને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. વાયોલીનના સૂરમાં ડૂબતા જતા ભાવુક દૃશ્ય સાથે એપિસોડ પૂરો થયો.
(ક્રમશ:)
Totally different as can’t image this