પુરુષને પિયર હોય? (વાર્તા) ~ માના વ્યાસ
‘લેડીઝ એન્ડ જેન્ટલમેન. વી હેવ જસ્ટ લેન્ડેડ એટ છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ મુંબઈ.’
વાહ, કાનને એવું તે સરસ લાગે જાણે આરતીની ઘંટડી વાગી હો. ઊતરીને હરપળ ભાગતા શહેરમાં દોડવાનું હોય એમ સૌ પેસેન્જર ઉતાવળ કરવા લાગ્યાં.
‘ક્રિશ બેગ ઉતારી લે.’ મારી પત્ની હેલી અમારાં ત્રણ વર્ષનાં પુત્ર અજિરને ઊંચકતા બોલી.
દલીલને કોઈ અવકાશ ન હતો. બેગ ઉતાર્યા પછી પણ ગામડાંની બસમાં ઉતરવા માટે પેસેન્જર ઉતાવળા થાય એમ સૌ સમય પહેલાં ઊભા થઈ ગયાં. એક કલાક પછી એરપોર્ટની બહાર આવ્યાં ત્યારે મારાં મમ્મી-પપ્પા અને હેલીનાં મમ્મી-પપ્પા લાઇનમાં સાથે ઊભાં હતાં. એ બધાં અજિર દોડીને પહેલાં કોની પાસે આવે છે તે માટે ઉત્સુક હતાં.
અમે દૂરથી હાથ હલાવ્યો અને અજિરને નીચે મૂક્યો. થોડે દૂર સુધી દોડીને એ ઊભો રહી ગયો. ચારેયનાં લંબાયેલા હાથમાંથી કોનાં હાથમાં જઇ સમાઇ જવું એ વિચાર કરતો હતો. ત્યાં જ મારી મમ્મીનાં બીજાં હાથમાં જોયેલી લાલ કાર એને દેખાઈ ગઈ એ સીધો દાદી પાસે જતો રહ્યો.
‘ઓ માય લવ, માય અજિર.’ મમ્મીનાં મુખ પર પરમ સંતોષ વ્યાપી ગયો. બીજા ત્રણે સ્હેજ ભોંઠપ પછી અજિરને બોલાવવા લાગ્યાં. મારી મમ્મીની આ ટ્રીક મને ખબર હતી અને હવે હેલીને પણ.
‘યોર મધર ઇસ ઈમ્પોસિબલ’ કહીને હેલીએ પહેલાં પોતાની મમ્મીને ગળે મળી વેર વસૂલ કર્યું. અમે વારાફરતી સૌ ભેટ્યાં ને ફ્લાઇટ અને અજિર વિશે વાતો કરી. અજિરને હવે કાર સિવાય કોઈનામાં રસ નહોતો. એ હેલી સાથે ચેમ્બુર નાના-નાનીને ત્યાં જવાનો હતો.
‘અજિર, દાદી વિલ વેઇટ ફોર યુ. કમ સુન ટુ જુહૂ બેટા. વી વીલ ગો ટુ ટીકટેકટો.’ મમ્મીએ હવે નાનીએ ઊંચકેલા અજિરને લાલચ આપતાં કહ્યું.
‘ઓકે દાદી. આઈ વીલ કમ ટુમોરો.’
ઝંખવાણી પડેલી નાની પણ છોડે એવી નહોતી. ‘ઓ ના બેટા, કાલે તો કિટીમાસી આવશે ને પ્રથમને લઈને. તું એની સાથે રમશે ને?
મમ્મી સમજી ગઈ. એકવાર ચેમ્બુર ગયા પછી હેલી દસ દિવસ સુધી ક્યાંય નહીં જાય.
‘હેલી, જગ્યાનો પ્રોબ્લેમ હોય તો તને અને અજિરને ડ્રાઈવર રોજ ચેમ્બુર લેવા મુકવા આવશે.’ હેલીનાં મમ્મી-પપ્પા વન બેડરૂમમાં રહે છે એ યાદ કરાવતાં મમ્મીએ કહ્યું.
એક સળગતી નજર મારા તરફ નાખી હેલી અતિશય મિઠાશથી બોલી, `ના ના ઇટ્સ ઓકે મમ્મીજી. અજિર તો વાર્તા સાંભળતા એની નાનીના ખોળામાં જ સૂઈ જશે.’
વધુ શબ્દોની તલવારબાજી ન ચાલે એ હેતુથી મેં સૌને બાય કરી ચાલવા માંડ્યું.
અમારી કારમાં નામદેવજીએ બેગ ગોઠવી દીધી. મેં એમને નમસ્તે કર્યાં અને હાલચાલ પૂછ્યાં. નામદેવ અમારે ત્યાં લગભગ ત્રીસ વર્ષથી ડ્રાઇવર છે. મને ગાડી ચલાવતાં એમણે જ શીખવેલું. પપ્પાને ખબર ન પડે તેમ એ મને ગાડી ચલાવવા આપતા. મારી બંને એક્સ ગર્લફ્રેન્ડનાં ઘરે એમને લેવા-મુકવા જતાં, બુકે આપવાં જતા. મને અચાનક બધું યાદ આવી ગયું. અમેરિકામાં ડ્રાઇવર રાખવાની કલ્પના પણ ન થાય.
રસ્તામાં ટ્રાફિકની સમસ્યા, રોડની હાલત અને વસ્તી વધવાની વાતો કરતાં જુહૂ સ્કીમમાં ઘરે આવ્યાં. ઘરમાં પ્રવેશતાં જ ઘરની પરિચિત સુગંધ ઘેરી વળી. છેલ્લે જોયેલું એ જ રીતના સાફસુઘડ, વ્યવસ્થિત ગોઠવાયેલાં ઘરમાં આવતાં જ એક અજબ હાશકારો અનુભવ્યો. નામદેવ મારી બેગ મારાં રૂમમાં મુકી ગયો. મમ્મીએ નામદેવને બોક્સમાં જમવાનું અને પૈસા આપ્યાં. મેં પણ ગિફ્ટ આપી.
‘ડ્રીંક, યુ મસ્ટ બી ટાયર્ડ.’ પપ્પાએ પૂછ્યું. મેં હા કહી.
‘સુમી બેટા, ગ્લાસ ઔર થોડા નાશ્તા પ્લેટમેં લે આઓ.’ મમ્મીએ આખા દિવસની બાઈને કહ્યું.
‘વાહ.. ઇન્ડિયામાં મઝા છે. ને મમ્મીની ટ્રેનિંગ પછી બધી બાઇઓ એક્સપર્ટ થઈ જાય. યુએસમાં તો ઘરે પહોંચ્યા પછી કેટલું કામ હોય.’ બે કલાક મનભરીને વાતો કરી પછી હું મારાં કમરામાં આવ્યો. મારી રુચિ પ્રમાણે ડેકોર કરેલો આજે રૂમ પણ એટલો જ સરસ રીતે મેઇન્ટેન્ડ રાખ્યો છે. મમ્મી પાસે ઊભી હતી.
હું એકદમ એને ભેટી પડ્યો. ‘થેંક યુ મમ્મી. મારો રુમ તમે કેટલો સરસ રાખ્યો છે.’
‘બેટા.. વી લવ ટુ ડુ ધેટ.’ મમ્મીએ મારા વાળમાં હાથ ફેરવી કપાળ ચુમી લીધું. ‘ટેઇક રેસ્ટ બેટા’ કહી એ જતી રહી.
મેં દરવાજો બંધ કર્યો. રૂમ નિટ એન્ડ ટાઇડી હતો. ટીવી ઉપરનાં શેલ્ફ પર મારો યુવાનીનો મોટો ફોટો હતો. બાજુમાં મારા લગ્નનો, અજિરનો વગેરે હતાં. પાસે મેં જીતેલી ટ્રોફીઓ અને મેડલ્સ સ્ટેન્ડ પર લટકતા હતા.
મારું કબાટ અત્યંત સુઘડ રીતે ગોઠવેલું હતું. મારું ગિટાર, ટેનિસ રેકેટ, જૂની સીડી વગેરે સાચવીને મુકેલાં હતાં. કબાટમાં મેં ચોંટાડેલું માઇકલ જેકસનનું વિશાળ પોસ્ટર હજુ સલામત હતું. મને કૉલેજ યાદ આવી ગઈ.
ઈસ્ત્રી કરેલાં કપડાંની થપ્પીમાંથી શોર્ટ્સ અને ટીશર્ટ લઈ હું બાથરૂમમાં ગયો. મારો ટોવેલ, મારું ફેવરીટ શેમ્પૂ, શાવર જેલ… મમ્મીને બધું યાદ હતું.
પલંગની બાજુમાં મારું જૂનું એલાર્મ ક્લોક હજુ સાચો સમય બતાવતું હતું. કબાટમાંથી ફોટાનું આલ્બમ લઈ હું જોવા લાગ્યો. મારી જૂની પણ સુંવાળી અને ધોઇને ફેબ્રિક કંડિશ્નરની સુગંધવાળી પાતળી રજાઇનાં સ્પર્શથી જ મને ઊંઘ આવવા લાગી. એવું લાગતું હતું કે મારી પોતાની દુનિયામાં પાછો આવી ગયો છું.
સવારે ઉઠતાંની સાથે ઘર તો સોડમથી મઘમઘી ઉઠ્યું હતું. બહાર આવ્યો ત્યારે પપ્પા-મમ્મી ડાઇનિંગ ટેબલ પર ચા પીતાં હતાં. અંદરથી રસોઈવાળા પ્રભાબેન બહાર આવ્યાં. એમનાં હાથમાં ગરમગરમ કોથમીર વડીની પ્લેટ હતી.
‘કેમ છો બાબાભાઈ? કેટલા દુબળા થઈ ગયા છો.’ એમણે પ્રેમથી પૂછ્યું.
‘કેમ છો આંટી? હા, હવે થોડું વજન મેઇન્ટેન કરવું પડે છે.’
પ્રભાબેન હું સ્કૂલમાં હતો ત્યારથી અમારાં ઘરે રસોઈ બનાવે છે. મારી અનેક અતરંગી ફરમાઈશો એમણે પૂરી કરી છે. મને બહાર ખાતો રોકવા એમણે યુટ્યુબ પરથી વાનગીઓ શીખી મને ખવડાવી છે.
‘આંટી સુખડી બનાવજો.’ એ ખુશ થઈ ગયાં. ‘ચોક્કસ બાબાભાઇ.’ અને થોડીવારમાં ઘર સુખડી શેકાવાની સુગંધથી ભરાઈ ગયું.
‘શું પ્રોગ્રામ છે આજનો?’ પપ્પાએ પૂછ્યું.
પપ્પા પૂછે એટલે એકવાર એમની ઓફિસમાં હાજરી પૂરવાની છે એનો ઇશારો હોય. મેં અમેરિકા સ્થાયી થવાનું નક્કી કર્યું એમાં એ સૌથી વધુ દુઃખી થયા હતા. એમણે બિઝનેઝ એક્સપાન્સનની ઘણી યોજના મારે માટે બનાવી હતી. એ સઘળી મારા અમેરિકા જવાથી ભાંગી પડી હતી. હજુ એમને થોડી આશા છે કે હું ઇન્ડિયા પાછો આવીશ.
‘પપ્પા કાલે તમારી સાથે ઓફિસ આવીશ.
‘ઓકે બોય.’ એ મલકી ગયા. અને આજે ડીનર માટે બીકેસી જઇશું. બે-ત્રણ નવી રેસ્ટોરન્ટ ખૂલી છે.
‘ઓકે પપ્પા. આવતા વિકમાં હું પાંચ દિવસ રોહન અને વિહાન સાથે હિમાચલ જઇશ. ટ્રેકિંગ પર. પછી કઝિન્સ સાથે અલીબાગ બે દિવસ જઇશ. મોમ, હું કહેતો હતો કે તારે જગન્નાથ પુરી જવું હોય તો પછીનાં વિકમાં જઇ આવીએ. હેલી પણ એનાં મમ્મી-પપ્પા સાથે ઓમકારેશ્વર જવાની છે.’
‘હા જવું તો છે.’ એણે એક નજર પપ્પા પર ફેંકી. ‘જોઇ લો મારો દીકરો મારી કેટલી ચિંતા કરે છે.’
‘પપ્પા તો હું પ્લેન અને હોટલ બુકિંગ કરું છું.’
‘અરે રે’વા દે ને. ઓફિસમાંથી થઈ જશે. મનુભાઈ કરી દેશે.’ મને ખબર હતી પપ્પા મને પૈસા ખરચવા નહીં દે.
‘પણ એ પહેલાં તમારે બંનેએ ટોટલ હેલ્થ ચેક અપ કરાવવાનું છે. મેં પરમ દિવસની નાણાવટી હોસ્પિટલની અપોઇન્ટમેન્ટ લીધી છે. પ્લીઝ નો એસ્કયુઝિસ.’ મેં પણ મારી જવાબદારી પૂરી કરી.
બસ ચાર અઠવાડિયા આમ જ આનંદમાં વિતવાનાં હતા. મારા આવવાથી પપ્પા-મમ્મી ખુશ થઈ જતાં હતાં. મમ્મી કિટી પાર્ટી ઘરે રાખશે. બધી આંટીઓ આ ક્રિશબેટાને જોઇને ચહેરા પર ખુશી બતાવશે અને મનમાં પોતાની દીકરી માટે આવો સારો છોકરો ન મળ્યાનો અફસોસ કરશે. સ્કૂલ અને કૉલેજના મિત્રો એક ગેટટુગેધર કરશે. કોણ કેટલું સફળ થયું એની તુલના થશે. બેચાર બિયર પછી બધી ઇર્ષા અદેખાઈ ખરી પડશે અને જૂની દોસ્તીની વાતો ચાલુ થઈ જશે.
હેલી છેક છેલ્લાં અઠવાડિયે ફક્ત ચાર દિવસ માટે આવશે. મમ્મી એને માટે મોંઘી સાડી કે ડ્રેસ જ્વેલરી લાવશે પછી એ પણ ખુશ થઈ જશે. અમેરિકા આવવાનું આમંત્રણ આપશે.
મમ્મી-પપ્પા આવતા મે મહિનામાં અમેરિકા આવશે. પછી હું ફરી ડિસેમ્બરમાં આવીશ મુંબઈ, મારે પિયર.
~ માના વ્યાસ, મુંબઈ
mana.vyas64@gmail.com