ગિરિમા ઘારેખન ~ એક ઈન્ટરવ્યુ ~ (મૂળ તેલુગુ ભાષા) ડૉ. પેરુગુ રામકૃષ્ણ – અનુવાદઃ જયશ્રી વિનુ મરચંટ

( આદરણીય સાહિત્યકાર ગિરિમાબહેન ઘારેખાન – આ નામ આપણી ગુજરાતી ભાષાનું ગૌરવ છે. આ નામથી સાહિત્ય સાથે નિસ્બત રાખનારા, વિશ્વભરના કોઈ પણ ગુજરાતી અજાણ નથી. તેમની સશક્ત કલમ ગુજરાતી ભાષાના કવિતા, બાળસાહિત્ય, લઘુકથા, નિબંધો, નવલિકા અને નવલકથા જેવા દરેક ક્ષેત્રના નવા, ઊંચા શિખરો સર કરતી રહી છે. એમણે હિંન્દી અને મૈથિલી જેવી ભારતીય ભાષાના સર્જનોના ગુજરાતી ભાષામાં અનુવાદો કરીને ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવવામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. તો એમની વાર્તાઓ અને નવલકથાઓના અન્ય ભારતીય ભાષામાં અનુવાદો થવાથી ગુજરાતી સાહિત્ય, ભારતની અન્ય ભાષાઓમાં જાણીતું કરવામાં એમનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. તાજેતરમાં એમનો ઈન્ટરવ્યુ તેલુગુ ભાષાના પ્રખ્યાત લેખક [Dr. Lit] Dr. Perugu Ramkrishna એ લીધો હતો. એમણે પહેલા ફોન ઉપર વાત કરીને ગિરિમાબહેનની પરમીશન માંગી. પછી WhatsApp પર અંગ્રેજીમાં પ્રશ્નો લખીને મોકલ્યા હતા. ગિરિમાબહેને પણ એમને અંગ્રેજીમાં જવાબ મોકલ્યા અને ડૉ. રામકૃષ્ણએ એમાંથી તેલુગુમાં અનુવાદ કર્યો અને તે હૈદરાબાદ થી પ્રકાશિત થતા પ્રખ્યાત તેલુગુ Daily Newspaper, “SRUJANA KRANTHI”માં એમની કોલમમાં પ્રકાશિત કર્યો હતો. આપણી ભાષાના એક સક્ષમ સાહિત્યકારને વધાવવાના આશયથી, અંગ્રેજીમાંથી ગુજરાતી અનુવાદ કરીને આપ સહુ સમક્ષ રજુ કરતાં હું ગૌરવ અનુભવું છું. આ ઈન્ટરવ્યુમાં આપણે એમની સાહિત્યની સફરને વધુ નજીકથી જાણીને માણી શકીશું. ગિરિમાબહેન, આપને “આપણું આંગણું”ની સમસ્ત ટીમ અને અમારા સૌ વાચકો તરફથી અઢળક અભિનંદન. )
૧. તમારું જન્મસ્થળ, શિક્ષણ અને પરિવાર પૃષ્ઠભૂમિ શું છે?
ઉ. મારું જન્મસ્થળ ઉત્તર ગુજરાતમાં આવેલું શહેર, સિદ્ધપુર છે. મેં અંગ્રેજી સાહિત્યમાં બી.એ. અને એમ.એ. કર્યું ,છે તથા બી.એડ. પણ અંગ્રેજી અને વિશેષ અંગ્રેજી વિષય સાથે કર્યું છે. મારા પિતા સરકારી નોકરીમાં હતા અને માતા ઘરના કામકાજ કરતી ગૃહિણી હતી. બંને ખૂબજ શિક્ષિત હતાં. મારી માતાના પિતા — મારા નાનાજી — સિદ્ધપુર ખાતે વકીલ હતા. મને એક મોટી બહેન અને એક મોટો ભાઈ છે.
૨. તમે લેખક/કવિ કેવી રીતે બન્યા? તમારી પ્રેરણા શું હતી?
ઉ. મારી માતા ખૂબજ વાંચનપ્રેમી હતી અને બાળપણથી હું એમને એમની ફુરસદમાં વાંચતાં જોતી હતી. માતા અને પિતા, એમણે વાંચેલા પુસ્તકો અંગે વારંવાર ચર્ચા કરતા — પાત્રો અને વાર્તાઓ વિશે. મા મને લાઈબ્રેરીમાં પુસ્તકો બદલવા મોકલતાં અને એમને વાંચવા માટેના પુસ્તકોની યાદી આપતાં. આ રીતે મારી લાઈબ્રેરીની મુલાકાતો શરૂ થઈ. તેઓ માટે પુસ્તકો શોધતી વખતે હું બાળ સાહિત્યના અનેક પુસ્તકો સાથે સંકળાયેલી. ત્યારથી વાંચન શરૂ થયું અને હું પુસ્તકોની પ્રેમી બની ગઈ. મારી ઉંમર સાથે પુસ્તકો બદલાતા ગયા, પણ વાંચવાનું વ્યસન યથાવત રહ્યું. આ જ કારણોસર મેં અંગ્રેજી લિટરેચર મેજર અને સંસ્કૃત માઈનર લઈને ગ્રેજ્યુએશન કર્યું. આ જ વાંચનના વ્યસને જ મને લેખિકા બનવાની પ્રેરણા આપી. મેં મારી પહેલી નવલિકા એમ.એ. કરતાં લખી હતી અને તે એક પ્રસિદ્ધ ગુજરાતી માસિક, “આરામ”માં પ્રકાશિત થઈ હતી.
૩. તમારો પ્રિય સાહિત્યપ્રકાર કયો છે? શા માટે?
ઉ. મેં કવિતાઓ, વાર્તાઓ, લઘુકથાઓ, નવલકથાઓ, બાળસાહિત્ય અને સંશોધનાધારિત નિબંધોના પુસ્તકો લખ્યાં છે. ઈશ્વરની કૃપાથી મારા આ તમામ સર્જનોમાંથી ઘણાંને પુરસ્કારો મળ્યા છે. તેમ છતાં, સર્વ સ્વરૂપોમાં મને સૌથી વધુ આકર્ષે છે નવલિકાઓ –વાર્તા લેખન.
વાર્તા એ એવું માધ્યમ છે, જેમાં માનવીય સંબંધોની જટિલતાઓને વણી શકાય છે, મનુષ્યના અંતરંગ વિચારોમાં ઝાંખી કરી શકાય છે અને સમયાનુકૂળ પ્રસંગોને સંક્ષિપ્ત સ્વરૂપે રજૂ કરી શકાય છે. આ સંક્ષિપ્તતા જ વાંચકોના મન પર વધુ ગાઢ પ્રભાવ પેદા કરે છે. વાર્તાના પાત્રો અને પ્રસંગો વાચકને સહજ રીતે એમની પોતાની સાથે જોડાયેલી – અનુભવાયેલી લાગણીનો અનુભવ કરાવે છે.
મારા માટે વાર્તા લખવું એ જાણે ઘડામાં સાગર ભરવા જેવું છે—એમાં જીવનના બધા જ રસો, ભાવો અને અનુભવો સમાય છે. વાર્તાલેખનનો આધાર મોટાભાગે ભાવપ્રવાહમાંથી જન્મે છે. જીવનમાં બનતા કોઈ પ્રસંગો— તે કોઈ અન્યના જીવનમાં બન્યા હોય કે લેખકના પોતાના જીવનમાં બન્યા હોય — એ સર્જકને પ્રેરણા આપે છે, અને લખવાની ક્રિયા સહજ રીતે પ્રવાહી બની જાય છે.
કવયિત્રી મ્યુરીઅલ રુકેઝર જે રીતે કહે છે: “વિશ્વ વાર્તાઓથી બનેલું છે, પરમાણુઓથી નહીં.”
૪. શું તમે દ્વિભાષી કવિ/લેખક છો? તમને કઈ ભાષામાં વધુ આરામદાયક લાગે છે?
ઉ. હા સાહેબ, હું દ્વિભાષી લેખિકા છું. હું ગુજરાતીમાં અને અંગ્રેજીમાં સરળતાથી લખી શકું છું. હિન્દીમાં પણ લખી શકું છું, અલબત્ત, જો જરૂર પડે તો. પરંતુ મારી માતૃભાષા ગુજરાતી હોવાથી, મને ગુજરાતીમાં લખવામાં વધુ સહજ લાગે છે. મને લાગે છે કે ગુજરાતીમાં હું મારે જે કહેવું છે એને વધારે સારી રીતે વ્યક્ત કરી શકું છું.
૫. અત્યાર સુધી કેટલી પુસ્તકો પ્રકાશિત થઈ છે? તમારાં લેખનનો આત્મા શું છે?
ઉ. અત્યાર સુધીમાં મારી 15 ગુજરાતી પુસ્તકો પ્રકાશિત થઈ છે. એક અનુવાદિત વાર્તાસંગ્રહ ઓડિયા અને એક હિન્દીમાં પ્રકાશિત થયો છે (હિન્દી સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા). મારી બંને નવલકથાઓનો હિન્દી અનુવાદ હાલમાં જ પ્રકાશિત થયો છે. વધુ બે ગુજરાતી પુસ્તકો 2025માં આવશે.
મારા લેખનનો આત્મા છે — Intuition – અનુપ્રેરણા, લાગણીઓ અને કલ્પના. હું અતિ સંવેદનશીલ છું અને આજુબાજુની ઘટનાઓથી અસરગ્રસ્ત – પ્રભાવિત થઈ જાતી હોઉં છું. ઘણીવાર આવું લેખન કેથારિસિસ – Catharsis – ચિત્તભાવ શુદ્ધિ માટેના રેચ રૂપે પણ કામ કરે છે.
૬. તમારા માટે કવિતા શું છે? આપની પોતાની વ્યાખ્યા આપો.
ઉ. મારા માટે કાવ્ય એ હૃદય અને મન બંનેનું પોષણ છે. તે કોઈ જ્ઞાન થકી આયાસપૂર્વક રચાયેલ રચના નથી, પરંતુ મોટાભાગે સહજ રીતે જન્મે છે—શાંત પળોમાં સ્મરણમાં આવતાં પ્રબળ ભાવનાઓના અસ્ખલિત પ્રવાહરૂપે.
મારા મતે કાવ્ય એક ઉચ્ચ કલા છે, જે વાચકના અંતરમાં ઊંડે સુધી સ્પંદનો જગાવી શકે છે. તે એક સરોવર જેવું છે—ઉપરથી શાંત, પણ અંદરથી સમુદ્ર જેટલી અગાધ ઊંડાઈ ધરાવતું.
જો હું તેને મારા પોતાના શબ્દોમાં વ્યાખ્યાયિત કરું, તો કહું: કાવ્ય એ ભાવનાઓની એક નદી છે, જેમાં લાગણીઓ પસંદ કરેલા અને કલાત્મક રીતે ઉદભવેલા શબ્દોના મોજાં સાથે લયબદ્ધ રીતે વહે છે.
મારી વ્યાખ્યા:
“કવિતા એ ભાવનાનો પ્રવાહ છે, જેમાં લાગણીઓ છંદોબદ્ધ શબ્દોની તરંગો પર લયબદ્ધ વહે છે.”
૭. ગુજરાતી સાહિત્યના વર્તમાન પ્રવાહો કઈ તરફ જતા વર્તાય છે?
ઉ. આધુનિક ગુજરાતી સાહિત્યમાં કેટલાક વિશિષ્ટ પ્રવાહો સ્પષ્ટ જોવા મળે છે:
- ભાષાનું સંમિશ્રણ
આજના નવા પેઢીના લેખકો પોતાના સર્જનમાં અંગ્રેજી અને હિન્દી શબ્દોનું સંમિશ્રણ કરતા જોવા મળે છે. અગાઉ આ પ્રવૃત્તિ સામાન્ય નહોતી. પરિણામે પરંપરાગત અને આધુનિક વલણ ધરાવતા લેખકો વચ્ચે ભાષાની શુદ્ધતા અને વિકાસ અંગે ચર્ચા-વિવાદ ઊભા થાય છે. - મહિલા લેખિકાઓનો ઉદય
વધતી સંખ્યામાં મહિલા લેખિકાઓ સાહિત્યસર્જનના મુખ્ય પ્રવાહમાં જોડાઈ રહી છે. તેના સ્વાભાવિક પરિણામરૂપે સ્ત્રી-પ્રધાન અને નારીવાદી વિષયવસ્તુઓનું પ્રમાણ વધુ દેખાય છે. - નિર્ભય અભિવ્યક્તિ અને સાહસિક વિષયો
આધુનિક લેખકો—પુરુષ કે મહિલા—બોલ્ડ વિષયો પર લખવામાં સંકોચ અનુભવતા નથી. વિષયને ન્યાય આપી શકે તેવા શબ્દપ્રયોગ અને અભિવ્યક્તિનો સ્વીકાર હવે સાહિત્યમાં વધતો જાય છે. - દલિત સાહિત્યનો ઉછાળો
દલિત સાહિત્ય અકાદમીની સ્થાપનાથી દલિત સાહિત્યને વિશેષ વેગ મળ્યો છે. દલિત સમુદાયની—ખાસ કરીને પૂર્વ પેઢીની—વેદના, સંઘર્ષ અને અનુભવને શબ્દ આપવાના પ્રયાસો વધી રહ્યા છે. - પ્રવાસી ગુજરાતી સાહિત્ય
વિદેશમાં વસેલા ગુજરાતી પોતાની સંતાન અને પૌત્રોને માતૃભાષા શીખવવા તત્પર છે. આ પૃષ્ઠભૂમિના કારણે પ્રવાસી ગુજરાતી સાહિત્યનું સર્જન પ્રમાણ અને ગુણવત્તા બંનેમાં સમૃદ્ધ બનતું જાય છે. - કાવ્યક્ષેત્રના નવા વલણો
કાવ્યક્ષેત્રમાં ગઝલ લેખન અતિ પ્રચલિત બન્યું છે. સાથે જ અછંદસ કાવ્યનો ઝોક પણ વધી રહ્યો છે, જે કાવ્યરૂપોમાં પ્રયોગશીલતા અને સર્જનાત્મક સ્વતંત્રતાનું પ્રતિબિંબ છે.
૮. આપને મળેલા કેટલાક પુરસ્કારો વિશે જણાવો.
ઉ.📚 પુસ્તકો માટેનાં પુરસ્કારો:
- ઈનામો [પુસ્તકો]
૧. ટુકડો –નવલિકા સંગ્રહ
ગુજરાત સાહિત્ય એકેડેમી –પ્રથમ પુરસ્કાર -૨૦૧૮
૨. પતંગિયાની ઉડાન –બાળવાર્તા સંગ્રહ
અ. ગુજરાત સાહિત્ય એકેડેમી –પ્રથમ પુરસ્કાર- ૨૦૧૮
બ. અંજુ નરશી દ્વિતીય પારિતોષિક
૩. રમકડાં પાર્ટી –બાળવાર્તા સંગ્રહ
અ. ગુજરાત સાહિત્ય એકેડેમી –પ્રથમ પુરસ્કાર- ૨૦૧૯
બ. ડો ફેની રતન માર્શલ ચંદ્રક, નર્મદ સાહિત્ય સભા, સુરત [વર્ષ ૧૭, ૧૮, ૧૯ નું શ્રેષ્ઠ પુસ્તક]
૪. વાયા રાવલપીંડી –નવલકથા
ગુજરાત સાહિત્ય એકેડેમી –દ્વિતીય પુરસ્કાર -૨૦૨૦
૫. પંખીઓના દેશમાં –બાળવાર્તા સંગ્રહ
અ. ગુજરાત સાહિત્ય અકાદમી –પ્રથમ પુરસ્કાર -૨૦૨૦
બ. અંજુ નરશી વિશિષ્ટ સન્માન
ક. બાળ સાહિત્ય અકાદમી- કંચન રશ્મીન બાળવાર્તા પુરસ્કાર
૬. લંબચોરસ લાગણીઓ – નવલિકા સંગ્રહ
ત્રિપદા ફાઉન્ડેશન અને અસાઈત સાહિત્ય સભા- દ્વિતીય પુરસ્કાર-૨૦૨૧
૭. ભીનું ભીનું વાદળ -નવલિકા સંગ્રહ
ત્રિપદા ફાઉન્ડેશન અને અસાઈત સાહિત્ય સભા -દ્વિતીય પુરસ્કાર-૨૦૨૨
- અન્ય કૃતિઓને મળેલાં ઈનામો-પુરસ્કારો- [વાર્તા, લઘુકથા અને નિબંધ]
૧. અખંડ આનંદની વર્ષની શ્રેષ્ઠ વાર્તા [ત્રણ પિયર ] – ૨૦૧૬
૨. સુરત વાર્તાસ્પર્ધા [પુરાવા] – ૨૦૧૬
૩. કેતન મુનશી વાર્તા સ્પર્ધા [ટુકડો] – ૨૦૧૬
૪. રાજકોટ લઘુકથા હરીફાઈ [દોડે છે જિંદગી] – ૨૦૧૭
૫. વિશ્વા વાર્તા હરીફાઈ [પંક્ચર] -૨૦૧૭
૬. શોપીઝન લઘુકથા સ્પર્ધા, પ્રથમ ઇનામ [બહાદુરી] – ૨૦૧૮
૭. સ્મિતા પારેખ બાળવાર્તા સ્પર્ધા, પ્રથમ પારિતોષિક [કોનો આભાર માનું?] – ૨૦૧૮
૮. લઘુનવલ હરિફાઈ, સુરત [શમા] – ૨૦૧૯
૯. કચ્છ શક્તિ ચિત્રલેખા વાર્તા સ્પર્ધા, પ્રથમ પારિતોષિક [એ આંખો] – ૨૦૧૯
૧૦. શોપીઝન નવલિકા સ્પર્ધા [બધું બરાબર છે ને?] – ૨૦૧૯
૧૧. અહિંસા નિબંધ સ્પર્ધા [ભ્રુણ હત્યા વિરોધ] – ૨૦૨૦
૧૨. ભાવનગર ગદ્યસભા નિબંધ સ્પર્ધા, દ્વિતીય પારિતોષિક [મારા વ્યવસાયિક જીવનનો અનુભવ]-
૨૦૨૦
૧૩. કચ્છ શક્તિ -ચિત્રલેખા વાર્તા સ્પર્ધા હરિફાઈ [ચંદેરી] – ૨૦૨૧
૧૪. મંતવ્ય ટી.વી. [24x 7 news] સાહિત્ય પુરસ્કાર -૨૦૨૨સ
૧૫. રાષ્ટ્રીય હિન્દી લઘુકથા હરીફાઈમાં દ્વિતીય પારિતોષિક [लड़ाई ] -૨૦૨૩
૧૬. – ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતા ‘નાગર કલારત્ન એવોર્ડ’- ૨૦૨૪
૯. તમારી કવિતાની કેટલીક પસંદગીની પંક્તિઓ જણાવો.
ઉ. મારી કવિતાની કેટલીક પસંદગીની પંક્તિઓ:
(અ)
ઓસ બિંદુના નયન ભીંજાય છે,
ફૂલ એને છેતરીને જાય છે.
(બ)
મારી કોર લાગણીનો ઘૂઘવતો દરિયો,
ને એની કોર કોરૂંકટ રણ,
ઉછળી ઉછળીને મોજાં ત્યાં ઠલવાય
પથરાય ત્યાં ખારાશનો થર.
(ક)
મા, હવે હું માગું નહીં જિંદગી,
ગર્ભ છૂંદાવા સુધી બસ વ્હાલ કર.
(ડ)
આ ગ્લેમરની દુનિયા ને દુનિયાનું ગ્લેમર,
સચ્ચાઈ છે થોડી ને ઝાઝી છે રુમર
કોઈને અન્યાય કે કોઈને છે ફેવર,
છેતરાય તે મૂર્ખો ને છેતરે તે ક્લેવર.
લેખકનું નામ: ગિરિમા ઘારેખાન
મોબાઈલ: ૮૯૮૦૨૦૫૯૦૯
ખૂબ આનંદ સાથે અભિનંદન, પ્રિય ગિરિમાબહેન…