તૂટેલી ચીજોને સોનાથી સાંધવાની કળા (લેખ) ~ અનિલ ચાવડા
પંદરમી સદીની આસપાસની વાત છે. જાપાનના એક રાજાનો ચા પીવાનો કપ તૂટી ગયો. આ કપ રાજાને અતિપ્રિય. રાજા તો દુઃખી દુઃખી થઈ ગયા. કપ સિવાય બીજા કોઈ કપમાં રાજાને ચા પીવાની ના ફાવે.
તેમનાથી રહેવાનું નહીં, તેમણે હુકમ આપ્યો કે જાવ, ચીન જઈને સારામાં સારા કારીગર પાસે આ કપને ઠીક કરાવી લાવો. થોડા દિવસમાં કપ ઠીક થઈને આવી ગયો. પણ કપ તો હતો તેના કરતાય વધારે ખરાબ દેખાતો હતો. કોઈ કારીગરે જેમતેમ સાંધો કરીને મોકલી આપેલો.
કપ લાવનારને આ ગમ્યું નહીં, આ તો પોતાના રાજાનું અપમાન કહેવાય. થોડા સમજુ માણસો ભેગા થયા કે હવે આનું કરવું શું? અમુક શાણા વૃદ્ધોએ સલાહ આપી કે આની તિરાડો ઉપર સોનાનો જીણો ભૂકો કરીને લગાડો તો કપ શોભી ઊઠશે. તેમ કર્યું — કપ ખરેખર સુંદર થઈ ગયો. રાજા પણ ખુશ.
ત્યારથી જાપાનમાં ‘કિત્સુંંગી’ નામની કલાનો જન્મ થયો, જેમાં તૂટેલાં વાસણોને સોનાના તારથી જોડીને વધારે સુંદર અને મૂલ્યવાન બનાવવામાં આવે છે.
![]()
આપણા જીવનમાં પણ અનેક ઘટનાઓ એવી આવે છે કે અંદરથી તૂટી જઈએ છીએ. આપણે અથડામણોમાં મૂકાઈએ છીએ, ઠોકરો ખાઈએ છીએ. હડધૂત થઈએ છીએ, અનેક સમસ્યાઓથી ઘેરાઈ જઈએ છીએ. અંદર અને બહાર — બધી બાજુથી તિરાડોગ્રસ્ત થઈએ છીએ.
આપણે તિરાડોને સમજણના સોનાથી સાંધવાને બદલે ઢાંકવા માંડીએ છીએ. જે શક્તિ સાંધવામાં વાપરવાની હોય, તે છુપાવવામાં ખર્ચી નાખીએ છીએ. જ્યારે જીવનમાં કશુંક તૂટે ત્યારે સમજી જવું કે હવે ‘કિત્સુંગી’ની જરૂર પડી છે.
પણ એ સોનું આવે ક્યાંથી? આપણી નમ્રતામાંથી, ઉદારતામાંથી, પરિશ્રમમાંથી, પ્રેમ અને ધીરજમાંથી.
વિશ્વના મહાન ચિત્રકાર એવા વિન્સેન્ટ વાન ગોગે એક વાર કહેલું કે, “તિરાડો સૂર્યપ્રકાશના આવવા માટેનો સંકેત છે.”

આપણે જ્યાંથી તૂટીએ છીએ. ત્યાંથી જ કંઈક નવું પ્રવેશ છે — સમજણ, પવિત્રતા, ધીરજ, નવી ઓળખ. આપણને પતંગિયું રંગીન દેખાય છે, પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે તે પતંગિયું બનતા પહેલાં તો ઈયળ હતી, પછી કોચલામાં બંધાઈ હતી, તેણે પહેલા કોચલાને તોડ્યું. સમસ્યાને દૂર કરી, ત્યારે એ રંગીન જિંદગી પામી શક્યું.
પતંગિયુંં મુશ્કેલ કોચલાને તોડીને બહાર ન આવ્યું હોત તો ઈયળ જ રહી ગયું હોત. આપણા માર્ગમાં આવતી મુશ્કેલી ક્યારેક આપણા ઈયળપણાને રંગીન પતંગિયું બનાવવા માટે જરૂરી હોય છે.
વિચારો કે દરેક પાનખર પછી માળી એમ વિચારે કે અરે રે ઝાડ તો સાવ ઠૂંઠા થઈ ગયાં, હવે કશા કામનાં નથી, લાવ કાપી નાખું. તે બધાં છોડને, વૃક્ષોને ધરમૂળથી કાપી નાખે તો શું તે આવનારી વસંતને જોઈ શકશે?

જીવનની મુશ્કેલી ક્યારેક આવનારી વસંતનો સંકેત હોય છે. જે લોકો તેને અંત માની લે તે વસંતના ફૂલોથી વંચિત રહી જાય છે. દરેક ખરતાં પાંદડામાં વસંતના પગલાંનો ભણકાર અનુભવી શકે તેની માટે મુશ્કેલી પણ ઉત્સવ હોય છે.
હેનરી ફોર્ડે એક વખત કહેલું કે, જો તમે એમ વિચારો કે હું કરી શકીશ, અથવા તો એમ વિચારો કે નહીં કરી શકું, તો બંને વખતે તમે સાચા છો.
ફર્ક માત્ર એટલો જ છે કે તમે તમારી અંદર કયા વિચારને સ્થાન આપ્યું છે. પરિસ્થિતિથી તૂટવા કરતા એ તિરાડો પર તમારી નમ્રતા અને પરિશ્રમના સો ટચના સોનાથી પ્રામાણિકતાપૂર્વક લેપ કરો, આ ઉપાય નિરાશ નહીં કરે.
~ અનિલ ચાવડા
anilchavda2010@gmail.com
જીવનને અંત સુધી લઈ જતી યાત્રાનું સુકાન ફેરવી પ્રગતિ તરફ લઈ જવાની ગડમથલ એટલે જ ‘કિત્સુંગી’ એવું હું સમજ્યો…