સરસ્વતીનું શ્રાદ્ધ (મૈથિલી વાર્તા) ~ મૂળ લેખકઃ શ્રી પ્રદીપ બિહારી ~ અનુવાદઃ ગિરિમા ઘારેખાન

[ આ વાર્તાનો રચનાકાળ – ૧૯૯૫ છે. એ સમયની દેશકાળની શૈક્ષણિક પરિસ્થિતિનો હુબહુ ચિતાર આ વાર્તામાંથી મળે છે. પણ મુખ્ય સવાલ એ છે કે એ સમયે  બિહાર રાજ્યમાં જે ભ્રષ્ટાચાર દરેક ક્ષેત્રમાં હતો એમાં આજે કંઈ ફેર પડ્યો છે ખરો? શું આપણા દેશના ગરીબ રાજ્યોમાં રાજકરણીઓ શિક્ષણક્ષેત્રે ભ્રષ્ટાચાર આદરીને લોકોની તકદીરોના સોદા આજે પણ કરે છે?]

જે દિવસથી પુસ્તકોની દુકાનમાં પરીક્ષાઓ પાસ કરવા માટે વીસના ગુણાંકમાં સંભવિત પ્રશ્નો અને એમના ઉત્તરોની ફોટો કોપી મળવા માંડી છે એ દિવસથી કવિ અમલેંદુની પત્ની બી.એ. પાસ થઇ જવા માટે અધીરી થઇ ગઈ છે. સમય -કસમય જોયા વિના ગમે ત્યારે એને માટે વાત ચાલુ કરી દે છે.

કવિ અમલેંદુ નથી ઈચ્છતા કે એમની પત્ની એમ વહેતી ગંગામાં હાથ ધોઈ લે. તો પત્ની ઉર્વશી જવાબ આપે છે કે ‘ઘરની જવાબદારીઓનો મોટો ભાર મારે માથે ઠોકી બેસાડ્યો છે. એમાં આના સિવાય બીજું થઇ પણ શું શકે? ભગવાન ભલું કરે આ સરકારનું જેણે મારા જેવા લોકોને બી.એ., એમ.એ., થવાની તક પૂરી પાડી.’

પણ અમલેંદુને એ વાત ઠીક નથી લાગી. એમને બરાબર યાદ છે કે પત્નીને દસમું [મેટ્રિક] અને બારમું પાસ કરાવવા માટે એમણે કેટલો પરસેવો વહાવ્યો હતો. બંને પરીક્ષા વખતે એ અધમુઆ થઇ ગયા હતા. પરિવારના અને ગામના લોકો કહેતા હતા, ‘વહુને ઓછામાં ઓછું મેટ્રિક સુધી તો ભણાવી દો! તમે સરકારી નોકરી કરો છો. જીવનનો શું ભરોસો છે? ઓછામાં ઓછુ મેટ્રિક સુધી ભણેલી હશે તો તમે ના હો ત્યારે એ લોકોનું ભરણ પોષણ તો બરાબર- – ’.

અમલેંદુને લાગ્યું કે બીજા કશા માટે નહીં પણ પોતે ના હોય ત્યારે પરિવાર બરાબર રહી શકે એ માટે પણ પત્નીએ મેટ્રિક તો કરી લેવું જોઈએ. કેટલીય સામસામી દલીલબાજી પછી એણે પત્ની પાસે મેટ્રિકનું ફોર્મ તો ભરાવ્યું, પણ સમસ્યા એ હતી કે ઉર્વશી મેટ્રિક પાસ થશે કેવી રીતે? વાંચીને, મહેનત કરીને તો એ આ જન્મે પાસ થઇ શકે એમ હતું જ નહીં. તો પછી?

એટલે છેવટે એવું નક્કી થયું કે અમલેંદુએ આ આખી ઘટનામાં તટસ્થ રહેવાનું. શુભેચ્છકોએ એ જવાબદારી ઉપાડી લીધી. પરીક્ષાના કેન્દ્ર ઉપર એક જુગાડ થઇ ગયો અને ઉર્વશીનો બેડો પાર થઇ ગયો. એવું થયું હતું કે ક્લાસરૂમમાં જ એને લખવાની સામગ્રી મળી જતી હતી અને એણે તો એ બધું માત્ર પોતાની ઉત્તરવહીમાં ઉતારી લેવાનું હતું. એક વાર તો ક્લાસ નિરીક્ષકે એની કાપલી છીનવીને ડેસ્ક ઉપર જ મૂકી દીધી અને કહ્યું કે ‘આમ કાપલી છૂપાવીને લખવાથી તો તારું પેપર પૂરું નહીં થઇ શકે. ઉપર રાખીને જ કોપી કર અને જલદી જલદી લખ.’

આ રીતે ઉર્વશીએ મેટ્રિક પાસ કર્યું. ફર્સ્ટ ક્લાસ માટે ખાલી ત્રણ માર્ક ઓછા પડ્યા. પરીક્ષાકેન્દ્રના ક્લાર્ક અને પ્રિન્સિપાલે તો એટલે સુધી કીધું કે ‘જો અક્ષર સારા હોત તો ફર્સ્ટ ક્લાસ મળી જ જાત.’

અમલેંદુએ પત્નીને કહ્યું, ‘મારી કવિતાઓની પ્રેસ કોપી કરવાની ટેવ રાખી હોત તો તને ફર્સ્ટ ક્લાસ મળી જાત ને?’

ઉર્વશીએ તરત જ જવાબ આપી દીધો, ‘તો શું થયું? હવે પ્રેસ કોપી કરવાનું ચાલુ કરીશ.’ પછી થોડા લાડમાં બોલી, ‘હવે તમને શું કહું? પેપર લખતી વખતે મને શરમ પણ આવતી હતી. એવો જ વિચાર આવ્યા કરે કે લોકો કહેશે કે પોતે તો આટલી સુંદર છે અને અક્ષર આટલા ખરાબ? સાચું કહું તો લગ્ન પછી વાંચવા લખવાનો સમય જ નથી મળ્યો. બાકી કુંવારી હતી ત્યારે તો મારી ગણતરી હોશિયાર વિધાર્થિનીમાં થતી હતી.’

‘હા, હા. પરિસ્થિતિ ખાસ ખરાબ તો ન હતી. ત્રણ વિધાર્થિનીઓમાં ત્રીજો નંબર લાવતી હતી.’ થોડી  કડવાશથી અમલેંદુ બોલ્યો. પત્નીના ગુસ્સાનો પાર ન રહ્યો. અમલેન્દુએ હિસાબ કર્યો – હવે પોતાના પગારમાંથી દર મહિને પંદરસો રૂપિયા બાજુએ કાઢીને પત્ની માટે કાગળનું ઘરેણું ખરીદવું પડશે.

ત્રણેક વર્ષ તો એમ જ પસાર થઇ ગયાં. એ દરમ્યાન અમલેંદુ પર ઘણી વાર દબાણ કરવામાં આવ્યું કે આઈ. એ. માટે ઉર્વશીનું ફોર્મ ભરી દો. પણ અમલેંદુ દર વખતે કહેતો, ‘બધાં ફોર્મ સાથે ભરાવી દઈશ. શું ઉતાવળ છે? થોડી ધીરજ રાખ.’

ઉર્વશી એનું કહેવું માની પણ લેતી હતી.

પણ ચોથા વર્ષે તો એ આઈ. એ. [બારમું] કરવા માટે અધીરી થઇ ગઈ. અમલેંદુને ચિંતા પેઠી.

એક છોકરીને ક્યાંકથી આ વાતની ખબર પડી. એણે તાજેતરમાં જ એક ઇન્ટર કોલેજમાં ભણાવવાનું શરૂ કર્યું હતું. વન બેન્કિંગ સંસ્થાના એજન્ટની જેમ એણે પણ પોતાની મુફલીસ કોલેજ માટે વિધાર્થીઓ એકઠા કરવાના હતા. એક દિવસ બની ઠનીને એ એમને ઘેર આવી અને અમલેંદુને કહ્યું, ‘ભાઈ, ભાભીનું એડમીશન મારી જ કોલેજમાં લઇ લો ને!’

‘તારી ભાભી ઘર, કુટુંબ અને બાળકોને સંભાળશે કે કોલેજ જશે?’

‘તમે ય ખરા છો ભાઈ! એક વાર એડમીશન લઇ લો. પછી તો સીધું પરીક્ષા આપવા માટે જ આવવાનું ને !’

ઉર્વશીને લાગ્યું કે આ તો કોઈએ એના મનની વાત ચોરી લીધી. એ તરત જ બોલી, ‘રાગિણી, તો તો આજે જ મારું નામ લખી નાખ. કેટલાં રૂપિયા આપવાના છે?’

રાગિણી તો બધો હિસાબ કરીને જ આવી હતી. એણે કહ્યું, ‘ખાસ કંઈ નથી. સ્ટાફ મારફત એડમીશન લો એટલે ઓછા પૈસામાં પતી જશે. એડમીશન વખતે ૩૪૦ રૂપિયા થશે.’

‘અને પછી?’ પોતાના ખીસાની હાલતનો વિચાર કરીને અમલેંદુએ પૂછ્યું.

‘તમે નક્કામી ચિંતા કરો છો. આમ તો આ મારો કેસ પણ ગણાય ને? એટલે હું તમારી પાસે વધારે પૈસા થોડા ખર્ચાવીશ?’

અમલેંદુનું હૃદય થોડું ધ્રૂજી ગયું.

ઉર્વશીએ તો અમલેન્દુને કહી દીધું, ‘કાલે જ રૂપિયાની વ્યવસ્થા કરીને રાગિણીને આપી દેજો.’

પછી રાગિણીને પૂછ્યું, ‘કયા વિષયો રાખીશું?’

‘જે મનમાં આવે એ રાખી લે જે ને!’ અમલેંદુએ કહ્યું. ‘ભણવું જ નથી પછી વિષયની ચિંતા શું કામ કરવી?’

‘મારા મત પ્રમાણે તો મુખ્ય વિષયો તરીકે ગૃહવિજ્ઞાન, મનોવિજ્ઞાન અને મૈથિલી બરાબર રહેશે. ગૃહવિજ્ઞાન તો મારો વિષય જ છે. મૈથિલી માટે તો ભાઈ એવી સરસ નોટ્સ બનાવી આપશે કે વાત ન પૂછો. અને મનોવિજ્ઞાન માટે હું કૈંક જુગાડ કરી દઈશ. તમે બસ હવે જોઈ જોઇને લખવાની પ્રેક્ટીસ ચાલુ કરી દો.’

અમલેંદુએ કપાળ કૂટ્યું. ઉર્વશીએ કહ્યું, ‘બીજી તો શું પ્રેક્ટીસ કરું? હા, આજથી આમની કવિતાઓની પ્રેસ કોપી બનાવવાનું ચાલુ કરી દઈશ.’

અમલેંદુ તરત જ બોલી ઊઠ્યો, ‘હવે પ્રેસ કોપી બનાવવાની જરૂર નથી. બીજું કૈંક લખીને અક્ષર સુધારજે.’

અને આ રીતે ઉર્વશીનું નામ આઈ. એ. માટે લખાવાઈ ગયું.

નામ લખાવ્યા પછી ઉર્વશી છાપામાં પરીક્ષાની તારીખની જાહેરાત આવે એની રાહ જોવા માંડી. રોજ રોજ એ પોતાનું ઓળખપત્ર ધ્યાનથી જોતી અને એના ઉપર ચોંટાડેલો ફોટો જોઇને મંદ મંદ હાસ્ય કરતી. એક રાત્રે પતિ પાસે થોડા લાડ કરીને, પોતાનો ફોટો બતાવીને બોલી, ‘જુઓ તો ખરા! આ ફોટામાં હું કેટલી સુંદર લાગુ છું!.’

‘છે એનાથી પણ વધારે’, પત્નીને પોતાની તરફ ખેંચતો અમલેંદુ બોલ્યો.

પતિની પકડમાંથી મુક્ત થતી ઉર્વશી બોલી, ‘હમણાં તો મને ડીસ્ટર્બ કરતાં જ નહીં. મારે પરીક્ષાની તૈયારી કરવાની છે.’

પરીક્ષાની તારીખ જેમ જેમ નજીક આવતી ગઈ એમ એમ એના દીકરાઓ એને ચીડવવા માંડ્યા. મોટા દીકરાએ કહ્યું, ‘મમ્મી, પરીક્ષામાં મારી પેન વાપરજે.’

બીજો તરત જ બોલી ઊઠ્યો, ‘ના મમ્મી, મારી પેન વાપરજે, તો ફર્સ્ટ ક્લાસ આવી જશે.’

યોગાનુયોગ એક બાજુ ઉર્વશીની પરીક્ષાની તારીખ નક્કી થઇ અને બીજી બાજુ રાગિણીના લગ્નની તારીખ પણ નક્કી થઇ. ઉર્વશીને ગુસ્સો આવ્યો. એણે તો રાગિણીને એટલે સુધી કીધું કે ‘મારી પરીક્ષા આવે છે એટલે તારા લગનની તારીખ બદલી નાખ.’

એવું કશું તો ના થયું પણ રાગિણીએ પોતાની ફરજ તો બરાબર નિભાવી. એક દિવસ એ ઉર્વશીને કોલેજ લઇ ગઈ અને બધાની સાથે ઓળખાણ કરાવી દીધી.

રાગિણીના લગ્નથી સહુથી વધુ નુકસાન અમલેંદુને થયું. ઓફિસમાંથી રજા લઈને એણે ઉર્વશી સાથે પરીક્ષાકેન્દ્ર સુધી જવું પડ્યું. આમ તો એને માટે એણે બીજી એક વ્યવસ્થા પણ વિચારી રાખી હતી, પણ પત્નીને એ મંજૂર ન હતું. એણે કહ્યું, ‘આજ સુધી તમે મારે માટે શું કર્યું છે? હંમેશા પોતાના જ શોખ પૂરા કરવામાં, પોતાની કવિતાઓ અને કવિ સંમેલનોમાં જ વ્યસ્ત રહ્યાં. હવે મારી પરીક્ષા વખતે પણ સાથે ના આવી શકો? કંઈ વાંધો નહીં. મને બીજા કોઈની જરૂર નથી. હું એકલી જતી રહીશ. બસમાં બે કલાક થશે, બીજું શું? એવું માની લઈશ કે અમારી પાસે સ્કુટર છે જ નહીં! કોઈ કવિયિત્રી આવે તો પોતે તરત  કપસીયા કે બીસુનાપુર સુધી પહોંચી જશે.’

બોલતાં બોલતાં ઉર્વશી હીબકાં ભરી ભરીને રોતી રહી.

અમલેંદુએ આત્મસમર્પણ કરવું જ પડ્યું.

આવું પરીક્ષાકેન્દ્ર એણે જિંદગીમાં પહેલી વાર જોયું- એકદમ શાંત. ક્યાંય કોઈ જ પ્રકારનો અવાજ નહીં. કોઈની અવર જવર નહીં. પરીક્ષાર્થીઓના સગાં વહાલાં દૂર એક બગીચામાં ચાદર પાથરીને બેઠાં હતાં અને બગીચાની હવા ખાઈ રહ્યાં હતાં.

થોડા સમય પછી એક પ્રૌઢ સ્ત્રીએ આવીને અમલેંદુને પૂછ્યું, ‘રાગિણી મેડમના ભાઈ તમે જ છો?’

એણે માથું હલાવીને હા પાડી.

‘તમે જરા ઓફિસમાં આવો ને ભાઈ!’

‘એવું શું થઇ ગયું?’ અમલેંદુને ફિકર થઇ. ‘કોઈ- – – ’

‘ફિકર કરવા જેવું કશું નથી, ભાઈ. પ્રિન્સીપાલ મેડમે તમને બોલાવ્યા છે.’

ચાલતાં ચાલતાં અમલેંદુએ પૂછ્યું, ‘તમે?’

‘હું મનોવિજ્ઞાન વિભાગમાં લેકચરર છું.’

‘તમારું સંબોધન મને થોડું વિચિત્ર લાગે છે.’

‘કેમ?’

‘તમે મને ભાઈ ના કહો.’ અમલેંદુ બોલ્યો. એના કરતાં હું તમને કાકી કહું તો તમને કંઈ વાંધો નથી ને?’

મનમાં ધૂંધવાયેલી પ્રૌઢા બોલી, ‘મને કંઈ વાંધો નથી. કોઈ એક સંબોધન હોવું જોઈએ.’

મહિલા ઇન્ટરકોલેજની એ ઓફિસમાં પેસતાં જ અમલેન્દુને લાગ્યું કે જાણે એ કોઈ કોર્ટમાં આરોપી હોય. એણે ચારે બાજુ નજર ફેરવી. બધે પ્રૌઢાઓ, યુવતીઓ, બનીઠનીને ચમકી રહી હતી. એણે પ્રિન્સીપાલની સામે પ્રશ્નસૂચક નજરે જોયું. ગંભીર ચહેરે એ બોલી, ‘તમારી પત્ની ઝડપથી લખી શકતી નથી. તમારે કરવી હોય તો એની મદદ કરો.’

પટાવાળાએ એક કલાક પૂરો થયાનો સંકેત અપાતો ઘંટ વગાડ્યો. અમલેંદુને લાગ્યું કે કોઈએ એના માથા ઉપર હથોડો માર્યો છે.

‘પણ એક કલાક થઇ ગયો છે,’ કોઈએ ધ્યાન દોર્યું, ‘પેપરમાં જુદા જુદા અક્ષર આવી જશે.’

‘તો શું થયું ? લખવા માટે બીજું પેપર આપી દો. પછીની પરીક્ષા શરૂ થતાં પહેલાં તો પતાવીને આપી જ દેશે.’

પણ વચ્ચે જ કવિ અમલેંદુએ તો કહી દીધું, -‘ના, એવું તો ના કરાય. હું એવું કામ નહીં કરું.’

ઓફિસની બહાર નીકળવા જતા અમલેંદુને તરત જ બે યુવતીઓએ ઘેરી લીધો.

‘આવું ના કરાય. ભાભીને બદલે તમારે લખવું જ પડશે. રાગિણીદીદીએ અમને બધું જણાવી દીધું છે. કોઈ પણ રીતે ભાભીએ ફર્સ્ટ ક્લાસ લાવવાનો જ છે. એટલા માટે પણ તમારે લખવું પડશે.’

એ યુવતીઓ અમલેંદુને બે બાજુથી બાવડાથી પકડીને, ખેંચીને લઇ જવા માંડી. એને આ બધું વિચિત્ર લાગી રહ્યું હતું. એક ક્ષણ માટે તો એ ગમ્યું પણ ખરું. પણ બીજી જ ક્ષણે એ પરિસ્થિતિમાંથી મુક્ત થવા માટે એણે પૂછી લીધું, ‘તમે મને ક્યાં લઇ જાઓ છો? પરીક્ષા તો પેલી બાજુ લેવાઈ રહી છે.’

બંને યુવતીઓએ એકી સાથે જવાબ આપ્યો, ‘ભાભી જેવી વી. આઈ. પી. પરીક્ષાર્થી માટે પુસ્તકાલયમાં વ્યવસ્થા કરી છે. ભાઈ, તમારા જેવા બીજા પતિઓ પણ અહીં પોતપોતાની પત્નીના પેપર લખી રહ્યાં છે. તમારે આવવું જ પડશે.’

અમલેંદુને ગુસ્સો આવ્યો. એણે કહ્યું,’ મને ભાઈ કહો છો તો પહેલા હાથ તો છોડો.’

યુવતીઓએ એના હાથ મુક્ત કરી દીધા. હવે અમલેન્દુએ જણાવી દીધું, ‘હું આવું કામ હરગીઝ નહીં કરું, ભલે એને માટે મારી પત્ની મને છૂટાછેડા આપી દે.’

યુવતીઓ એને ફરીથી પકડે એ પહેલાં એ ત્યાંથી ભાગી જ ગયો.

આશ્ચર્યથી એને જતો જોઈ રહેલી યુવતીઓ ધીમા અવાજે બોલી, ‘હવે તો ભાભીના ફર્સ્ટ ક્લાસ માટે કોઈ બીજી વ્યવસ્થા કરવી પડશે.’

પરીક્ષા પૂરી થઇ ગઈ.

જયારે અડધા મહિને જ ઘર ખર્ચ માટે આપેલા પૈસા ખલાસ થઇ ગયા છે એવું પત્નીએ જણાવ્યું ત્યારે અમલેંદુને પરીક્ષા નિમિત્તના કુલ ખર્ચનો અંદાજ આવ્યો. એણે ગુસ્સાથી પત્નીને પૂછ્યું પણ ખરું, ‘આવું કેવી રીતે થાય? હું તો આખા મહિનાની ઘરખર્ચી એક સાથે જ આપી દઉં છું. પછી આમ અડધા મહિને ખલાસ કેવી રીતે થઇ ગયા?’

ઉર્વશીએ ઘટસ્ફોટ કરી નાખ્યો, ‘પરીક્ષામાં વી.આઈ. પી. જેવી વ્યવસ્થા મફતમાં તો ના મળે ને?’

પરિણામ આવ્યું. ઉર્વશીએ ખરેખર ફર્સ્ટ ક્લાસ મેળવ્યો હતો. એ તો આનંદથી નાચી ઊઠી. સહુથી પહેલા એણે આ ખુશખબર પોતાના પિયરિયાંને આપ્યા. પછી કેટલાંયને પત્ર લખીને જણાવ્યું. અમુકને તો ફોન કર્યાં.

પછી તો એવું થયું કે ધીરે ધીરે મોટા ભાગના લોકો સુધી આ સમાચાર પહોંચી ગયા. બે મહિના સુધી ઘરમાં મીઠાઈ અને ચા નાસ્તાનો વધારાનો ખર્ચ થતો રહ્યો.

હવે ઉર્વશી સમય બગાડવા ન હતી માંગતી. એણે અમલેંદુને કહ્યું, હવે સાથે સાથે બી. એ. માટે નામ લખાવી જ દો. એ પણ પતી જાય. સાંભળ્યું છે કે આજકાલ તો બી. એ. અને એમ. એ.ના પ્રશ્નપત્ર અને એના જવાબની તૈયાર ફોટો કોપી પુસ્તકોની દુકાનમાં જ મળી જાય છે. તમારે તો માત્ર પૈસાની વ્યવસ્થા કરવાની છે.’

કવિ અમલેંદુ એની હા માં હા પુરાવતા ગયા, સમય પસાર કરતાં રહ્યાં, એક પછી બીજું એમ બહાનાં બતાવતાં રહ્યાં.

ખીસાકાતરુના પોતાના કાર્યક્ષેત્રની એક નક્કી સીમા હોય છે. કોઈ એક ખીસાકાતરુ બીજા ખીસાકાતરુની સીમામાં દાખલ ન થાય. ઊલટું એ શિકાર તરફ આગળી ચીંધીને પેલાનું ધ્યાન દોરે. એવી જ રીતે રાગિણીની સીમા આઈ. એ. સુધી હતી. એણે પોતાના જેવી બીજી વ્યક્તિને ઉર્વશીની બી. એ. પાસ કરાવવાની જવાબદારી સોંપી દીધી.

એક વિચિત્ર મૂંઝવણમાં અટવાઈ ગયેલા અમલેંદુનું મન પતિ તરીકેનો ધર્મ અને પ્રમાણિકતા વચ્ચે ઝૂલતું રહ્યું.

એમ ને એમ આ વખતે પણ બે અઢી વર્ષ પસાર થઇ ગયાં. વીસના ગુણાંકના પ્રશ્ન અને તેનાં ઉત્તરવાળી  યુનિવર્સીટીની નીતિ સમાપ્ત કરી દેવામાં આવી. પણ એની જાહેરાત થતાંની સાથે જ અમલેંદુના ઘરમાં કંકાસ ચાલુ થઇ ગયો. એ બિચારો સતત એક તણાવ ભરેલી પરિસ્થિતિમાં જીવતો હતો.

અગિયાર વર્ષના એમના મોટા દીકરાએ પૂછ્યું, ‘પપ્પા, મમ્મીનું નામ કેમ નથી લખાવી દેતા? એ કારણ વિનાના ચિત્ર વિચિત્ર સપનાં જોયાં કરે છે.’

‘પણ હવે એ પાસ કેવી રીતે થઇ શકે? હવે તો એને માટે એણે ભણવું પડે.’

ઉર્વશી વચ્ચે જ બોલી ઊઠી, ‘પણ તમારી ભણાવવાની ઇચ્છા હોય તો ને?’

મોટા દીકરાને ‘જા, ભણવા બેસ. કાલે તારો યુનિટ ટેસ્ટ છે.’ કહીને બીજી રૂમની બહાર મોકલીને એણે બોલવાનું ચાલુ કર્યું, ’વ્યવસ્થા તો હજી પણ છે. ખાલી એનો પ્રકાર બદલાઈ ગયો છે. તમારા જ કવિ મિત્ર વિરોધીજી કહેતા હતા કે સૂર્ય ઘુમક્કડ કરીને એમના એક પત્રકાર મિત્ર છે. એમને ત્રણ ચાર કોલેજોના આચાર્ય સાથે ઓળખાણ છે. કૈંક તજવીજ કરી નાખશે.’

અમલેંદુને સૂર્ય ઘુમક્કડ યાદ આવી ગયા. ત્રણ ચાર વર્ષ પહેલા એક વિવાદાસ્પદ સમાચાર સાથે સંકળાયેલા હોવાનું ધ્યાનમાં આવતા એ પ્રખ્યાત થઇ ગયા હતા. યુનિવર્સીટી દ્વારા નેપાળી છાત્રો સાથે થતાં ખોટા કારોબારની પોલ એમણે ખોલી હતી.

સૂર્ય ઘુમક્કડને ક્યાંકથી ઉર્વશીની સમસ્યાની જાણ થઇ એટલે એક રવિવારે સવારે એ તો આવી ધમક્યા અને અમલેંદુનો પૂરો દિવસ બગાડી ગયા. જો કે આ પચાસ વર્ષના ‘કહેવાતા’ પત્રકારની આગતા સ્વાગતા કરવામાં ઉર્વશીએ કોઈ મણા રાખી ન હતી. સાથે સાથે વાતવાતમાં એણે કહી પણ દીધું, ‘હવે તો આ કામ તમે જ કરી શકશો. આમને તો નવરાશ મળતી જ નથી.’ પછી પતિની સામે જોઈને બોલી, ‘આમને તો માત્ર કવિતામાં જ નારી મુક્તિ દેખાય છે.’

સહેજ વાર મૌન રહીને પછી સૂર્ય ઘુમક્કડજી બોલ્યા, ‘જુઓ ભાઈ, વાત એવી છે કે આ વખતે આ કામ માટે તમારે ખાસ મહેનત કરવી જ નહીં પડે. મારું માનો તો મુખ્ય વિષય મૈથિલી રખાવી દો. તમે પણ થોડી નોટ્સ તૈયાર કરી આપજો. એટલે તૈયાર નોટ્સ લાવવાનો ખર્ચો તો બચી જશે. અને હું પરીક્ષામાં લખવા માટે કૈંક જુગાડ કરું છું.’ પાછું સહેજ થોભીને બોલ્યા, ‘આજ કાલ તો એવું છે એ કે મેડમ ઈચ્છે તો પીએચ. ડી. પણ કરી શકે.’

‘એ કેવી રીતે?’ ઉર્વશીને જીજ્ઞાસા થઇ.

બી. એ. કરો, પછી મૈથિલીમાં એમ. એ .કરો અને પછી કવિ અમલેન્દુની કૃતિઓમાંથી કોઈ એક પસંદ કરીને એના પર પીએચ. ડી. કરી નાખો. બધું ઘરમાં બેસીને જ થઇ જાય. ક્યાંય આડું-અવળું જવું પણ ના પડે.’

ઉર્વશી તરત જ બોલી ઊઠી, ‘તો તો મારા નામની આગળ ડૉ. લાગી જાય.’

કવિ અમલેંદુને ગુસ્સો આવ્યો. એમણે તરત જ પૂછ્યું, ‘ઘુમક્કડજી, તમે કેમ પીએચ. ડી. નથી કર્યું?’

‘શું કરું ભાઈ? રજીશ્ત્રેશન તો કરાવી લીધું છે.’ સૂર્ય ઘુમક્કડજીએ જવાબ આપ્યો, ‘એક હોશિયાર વિદ્યાર્થી છે. હિન્દીમાં એમ. એ. કરી રહ્યો છે. એને મેં મારો થીસીસ લખવા આપ્યો છે.’

અમલેંદુને લાગ્યું કે એના માથાની નસો ફાટી જશે.

છેવટે સૂર્ય ઘુમક્કડજીએ બાજુના જીલ્લાની એક કોલેજમાં ઉર્વશીનું નામ લખાવી જ દીધું. એવું નક્કી થયું કે ઉર્વશી મુખ્ય વિષય તરીકે મૈથિલી રાખશે. ગૌણ વિષયો હશે ગૃહવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર. ઘુમક્કડજી સિલેબસ પહોંચાડી દેશે. બહુ સમય ન હતો. નામ રજીસ્ટર કરાવવું અને પરીક્ષાનું ફોર્મ ભરવું-બંને કામ સાથે સાથે જ થયાં.

અમલેંદુએ આઠસો નેવું રૂપિયાની આહુતિ આપવી પડી.

ઉર્વશી હવે ખુશ રહેવા લાગી. પણ પછી ચિંતા એ પેઠી કે ઘુમક્કડજી એ પછી દેખાયા જ નહીં! સિલેબસ વિના ભણવું કેવી રીતે?

એ શહેરમાં મુખ્ય વિષય તરીકે મૈથિલી રાખવાવાળા વિધાર્થીઓ ઓછા હતા. એટલે કોઈ દુકાનદાર પાસેથી પણ સિલેબસ કે નોટ્સ ન મળી શક્યાં.

પરીક્ષાના એક દિવસ પહેલા કોઈ માણસ આવીને પરીક્ષાનું પ્રવેશપત્ર અને ઘુમક્કડજીનો કાગળ આપી ગયો. અત્યાર સુધી તો ઉર્વશીએ એમને ખૂબ ગાળો અને શ્રાપ આપ્યાં હતાં, પણ પ્રવેશપત્ર મળ્યું એટલે એને શાંતિ થઇ. પણ આ શું! એમાં વિષય જ બદલાઈ ગયાં હતા! મુખ્ય વિષય તરીકે ગૃહવિજ્ઞાન અને મૈથિલી અને સમાજશાસ્ત્ર સહાયક વિષય તરીકે દર્શાવાયેલા હતાં.

ઉર્વશીને ગુસ્સો આવ્યો. પતિને પ્રવેશપત્ર બતાવતી એ બોલી, ‘જુઓ આ અક્કરમીએ શું કર્યું છે! હવે હું શું ધૂળ લખીશ?’

અમલેંદુએ ઘુમક્કડજી નો પત્ર વાંચ્યો. એમણે ખેદ સાથે જણાવ્યું હતું કે ફોર્મ ભરતી વખતે વિષયો લખેલો કાગળ જડ્યો નહીં, એટલે એમણે પોતાની રીતે જ વિષયો ભરી દીધાં હતાં. ગૃહવિજ્ઞાન મુખ્ય વિષય તરીકે એટલે રાખ્યો હતો કે એની પ્રેક્ટીકલ પરીક્ષા એમની કોલેજમાં જ થતી હોય છે. એટલે ગમે તેટલા માર્ક મૂકી શકાય.

પત્ર વાંચીને અમલેન્દુએ પ્રતિભાવ આપ્યો, ‘ગૃહવિજ્ઞાન એટલે રાખ્યું કે પ્રેક્ટીકલમાં માર્ક મૂકવાના બહાને મારી પાસે પૈસા ઓકાવશે.’

ઉર્વશીને તો બીજી જ ચિંતા હતી, ‘પણ હવે મુખ્ય વિષય તરીકે ગૃહવિજ્ઞાન રાખી લીધું એટલે હું પીએચ. ડી. તો નહીં કરી શકું ને? મારા માટે એટલી મહેનત કોણ કરશે?’

‘પહેલા આ પહેલા ભાગની પરીક્ષા તો આપ મમ્મી.’

‘પણ પરીક્ષા તો કાલે જ છે. હું શું લખીશ? ધૂળ ને ઢેફાં?’

અમલેન્દુએ સુચન કર્યું, ‘એમ કર. આ વખતે પરીક્ષા ન આપ. બીજી વાર પહેલેથી જ તૈયારી કરજે.’

આ વાત સાંભળીને તો જાણે ઉર્વશીનું સ્વરૂપ જ બદલાઈ ગયું. એણે કહ્યું, ‘એવું તો થઇ જ ના શકે. હું પૈસા કે સમય, કશું જ વેડફવા નથી માંગતી. તમારે રજા ના લેવી પડે એટલે તમે આવું કહો છો. પણ હું તો કાલે પરીક્ષા આપવા જઈશ જ.’

ના છૂટકે અમલેંદુએ પત્ની સાથે પરીક્ષાકેન્દ્ર પર જવું પડ્યું. ત્યાં એમણે એક વિચિત્ર વસ્તુ જોઈ. મોટા ભાગના પરીક્ષાર્થીઓની સાથે એમના જેવી જ વ્યક્તિઓ આવેલી હતી.

પરીક્ષા શરૂ થતા પહેલાં વધારાની બધી વ્યક્તિઓને કેન્દ્રની બહાર જતા રહેવાનું કહેવામાં આવ્યું જેથી કેન્દ્રમાં શાંતિ રહે. પણ પરીક્ષાર્થીઓને નકલ કરવા માટે ભરપુર સામગ્રી આપી દેવાનું પણ જણાવવામાં આવ્યું.

અમલેંદુએ એક વૃક્ષની નીચે બેસીને પુસ્તક વાંચતા વાંચતા ત્રણ કલાક પસાર કરી નાખ્યા.

મૈથિલીનું પેપર સારું ગયું. અંદર કોઈ પ્રકારની રોક ટોક કરવામાં આવતી ન હતી. સહુએ પોતપોતાની સામગ્રી કાઢીને એમાં જોઇને પેપર લખ્યું. ઉર્વશીને ત્યાં એક બીજી સ્ત્રીનો પરિચય થયો જે એના પિયરના ગામની આસપાસની હતી. બંનેમાં એવાં બહેનપણા થઇ ગયાં કે એમણે એક જ સામગ્રીમાંથી નકલ કરીને લખ્યું.

સાત દિવસ પછી ગૃહવિજ્ઞાનની પરીક્ષા હતી. અમલેંદુ પત્નીને લઈને પરીક્ષાકેન્દ્ર ઉપર પહોંચ્યો. ઉર્વશીએ ‘પ્રશ્નોની ચાવી’ સાથે રાખેલી હતી, પણ ચિંતામાં તો હતી જ.

પરીક્ષા શરૂ થઇ. કવિ અમલેંદુ આ વખતે પણ એ જ વૃક્ષ નીચે બેસીને એક સામયિકમાં આવેલું નાટક વાંચવા માંડ્યા. વર્તમાન પરીક્ષા વ્યવસ્થા ઉપર લખાયેલા એ નવા પ્રકારનું નાટક વાંચવામાં એ તલ્લીન થઇ ગયા.

એક કલાક થયો, બે કલાક પસાર થઇ ગયા.

એટલામાં એમને એક છોકરાનો અવાજ સંભળાયો, એ બીજા છોકરાને બોલાવતો હતો, ‘રીના કુમારી, ઓ રીના કુમારી.’

અમલેંદુ ચમક્યા- એમણે બંને છોકરાઓને બરાબર જોયાં. બીજો છોકરો છોકરી જેવી ચાલે ચાલતો ચાલતો ત્યાં આવ્યો. અમલેન્દુને આ બધું કંઈ વિચિત્ર લાગ્યું. એમણે પૂછી લીધું, ‘એ ભાઈ, તમે એને આવા નામથી કેમ બોલાવ્યો? આ તો પુરુષ છે!

‘પણ એ રીના કુમારીને બદલે પરીક્ષા આપી રહ્યો છે, એટલે. એનું પરીક્ષાનું કાર્ડ જુઓ ને! નામ રીના કુમારીનું છે અને ફોટો એનો છે.’

‘પણ મેં તો સાંભળ્યું છે કે આચાર્યએ પોતે બધાનાં પ્રવેશકાર્ડ તપાસ્યાં હતાં, તો પછી- – ’

અમલેન્દુ જાણવા માંગતો હતો.

રીના કુમારીને બદલે પરીક્ષા આપવાવાળા છોકરાએ જવાબ આપ્યો, ‘એથી શું થયું? હું પણ આ જ કોલેજનો વિદ્યાર્થી છું. આ તો બધું બહુ સહેલાઈથી થઇ જાય. જુઓ ને, મેટ્રીકની પરીક્ષા રીનાને બદલે એના કાકાએ આપી હતી. આઈ એસ. સી. ની પરીક્ષા મેં આપી હતી. બંનેમાં એનો ફર્સ્ટ ક્લાસ આવ્યો હતો. સાતસોથી વધારે માર્ક્સ આવ્યા હતા. હવે જુઓ આ પરીક્ષામાં શું થાય છે.’

અમલેન્દુનું માથું ભમવા માંડ્યું. એ પેલા છોકરાને હજી કંઈ પૂછવા માંગતો હતો, પણ એ તો ઊઠીને પરીક્ષાકેન્દ્ર તરફ જતો રહ્યો.

અમલેંદુ પણ ચા ની દુકાન તરફ ગયો. દુકાનમાં ભીડ હતી. એ એક ખૂણામાં બેસીને સામયિક વાંચવા માંડ્યો. વાંચતે વાંચતે એક કપ ચા ધીરે ધીરે પીતો રહ્યો. દુકાનદારને એ ના ગમ્યું. એણે આવીને કહી દીધું, ‘સાહેબ, એક કપ ચા પી ને તમે આમ જગ્યા રોકીને બેસી રહો, તો મારો તો ધંધો બેસી જાય.’

અમલેંદુએ જોયું, ખરેખર ખાસી વાર થઇ ગઈ હતી. દુકાનદારને ચા ના પૈસા આપીને એ દુકાનની બહાર રાખેલી એક બેંચ ઉપર બેસીને સામયિક વાંચવા માંડ્યો.

હવે પરીક્ષા પૂરી થવાનો સમય પણ થઇ ગયો હતો. એ વાંચતો હતો એ નાટક પણ હવે પૂરું થવા આવ્યું હતું. અમલેંદુને નાટક અંત સુધી વાંચી જ લેવું હતું.

થોડી વાર પછી દુકાનદારનો ગણગણાટ એમના કાને પડ્યો. એ કપ રકાબી ધોવાવાળા છોકરાને કહેતો હતો, ‘અરે, પેલાએ તો બહારની બેન્ચને જાણે સ્કૂલ કોલેજ સમજી લીધી છે. એને ક્હે કે બેંચ ખાલી કરે.’

છોકરો ધીરેથી બોલ્યો, ‘બેસવા દો ને! વિદ્યાર્થી જેવો લાગે છે. નાહકની ધમાલ કરશે.’

‘ધત સાલા,‘ દુકાનદાર બોલ્યો, ‘વિદ્યાર્થી હોત તો આટલું મન લગાવીને વાંચતો થોડો હોત! હું કહું છું ને કે આ વિદ્યાર્થી નથી. એને જઈને કહી જો, તરત બેંચ ખાલી કરીને જતો રહેશે.’

પણ પેલો છોકરાની અમલેન્દુની પાસે આવવાની હિંમત ન થઇ. અમલેંદુએ સામયિક બંધ કર્યું, કૈંક નિર્ણય કર્યો અને ઊભો થઈને ચાલવા માંડ્યો.

એણે નક્કી કરી લીધું હતું કે ગમે તે થાય, હવે એ ઉર્વશીને આવી રીતે પરીક્ષા નહીં જ આપવા દે.

.

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.