સુરીબાની છબી (વાર્તા) ~ જયશ્રી પટેલ ‘જયુ’

સુરીબા સૌના વહાલા ને ગામમાં સૌની ખડે પગે હંભાળ રાખનારાં. સૂરજ ઊગેને સુરીબાનાં મધુર કંઠે પ્રભાતિયાં શરુ થાય.

જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તેમનું પ્રિય પ્રભાતિયું હતું. તેમનો ગગો ધાબે સૂતો હોય તે આ સાંભળી ઊઠતો. લોટે પાણી જઈ, કૂવામાંથી પાણી કાઢીને ટાઢ તડકાની પરવાહ કર્યા વગર નાહી લેતો. તૈયાર થઈ નિશાળે નિસરતો કે સુરીબા તેના હાથમાં મોરનું પીંછું આપતાં તે ખુશ થતો ને હડી મૂકી નિહાળે પોગી જતો. આ રોજનું થયું હતું.

અમૃત ગગાને ઓણસાલ સોળમું બેસશે. તે એસએસસીની પરીક્ષાની ચોટલી બાંધી તૈયારી કરી રહ્યો હતો. માસ્તર સાહેબના કહેવાથી તે શુદ્ધ ગુજરાતી બોલતો ને માના પણ ઉચ્ચારો સુધારતો.

ગામ આખામાં આજે અમૃત ને બીજા વિદ્યાર્થીઓનું દસમાં ધોરણનું પરિણામ આવ્યું અને બધાંના આશ્ચર્ય વચ્ચે સુરીબાનો અમૃત આખા ગુજરાતમાં પ્રથમ ને ગામની હોંશિયાર રતિનો બીજો ક્રમાંક આવ્યો. ગામ આખું આનંદની હેલીએ ચઢ્યું. ભીખો બિચારો માંડ માંડ પાસ થયો પણ તેણે ઢોલનગારા સાથે લીલાધર માસ્તર, અમૃત અને રતિને લઈને આખા ગામમાં આનંદનો વરઘોડો કાઢ્યો.

પ્રભાતે સૂર્યોદય સમયે સુરીબા ઊઠ્યા ને તેમના મધુર સ્વરે પ્રભાતિયાં શરુ કર્યા ને તેમનાંથી ડૂસકું નીકળી ગયું, અમૃતને ભણવા ગયાને બે વર્ષના વહાણાં વહી ગયા. ન તે રજાઓમાં આવ્યો ન તેણે સુરીબાને એક પતાકડું લખ્યું. માસ્તર પાસે જઈ તેઓ અમૃતની ખબર લઈ આવતાં.

એમનું ડૂસકું ભીખાએ સાંભળ્યું ને તે વિચારતો રહ્યો આ અમૃતને તે દિવસે મળ્યો ત્યારે કહ્યું હતું કે અલ્યા, સુરીબાને મળવા તો આય. ના જાણે કેમ એવું લાગ્યું કે અમૃતને તો બસ મોટાસાબ બનવાની ધૂન ચડી લાગશ તે હસીને બોલ્યો,”  ભીખા, આવીશને હમણાં આવું તો માને ખોટા ખર્ચા થાય કે નહિ?”

“હે, લા તું સુરીબા પાસે કોડી મંગાવતો નથી તો ખર્ચા કેમના પૂરા કરેશ?” ભીખો પૂછી બેઠો હતો.

ઉત્તરમાં મૂઉં કંઈક સ્કોલરશીપ મળે ને પાર્ટ ટાઈમ નોકરી કરું એવું બોલ્યો હતો. હશે ચાલ આજે સુરીબા પાસે બે મીઠાં બોલ સાંભળી આવું ને આશીર્વાદ લેતો આવું કે સરપંચની ચુટણીમાં જીતી જાઉં. એમ વિચારી ભીખો સુરીબાનાં એ કાચીપાકી દીવાલોવાળા નાનાસરખા ઘર પાસે આવ્યો. ત્યાં ઊભો રહ્યો ને ઘરની અંદરથી આવતો અવાજ સાંભળ્યો. ત્યાં રતિ શહેરથી આવી હતી. તે સુરીબાને જે કહી રહી હતી તે સાંભળી તેને ગુસ્સો આવ્યો.

અંદર આવતાં જ તે તાડૂક્યો, “રતિ તું આવો સંદેશો લઈને આવી છે? તારે એને મોઢે કહી દેવું હતું કે બે ઘડીની ફૂરસદ નથી ગામમાં આવવાની અને માના ખેતરા પર નજર ઠેરવી? જા, એને કહી દેજે ભીખો બેઠો છે ત્યાં સુધી સુરીબાના ખેતરાં ઢોરાં નહિ વેચાય. તેને આગળ ભણવું હોય તો ભણે, નહિ તો કાંઈ નહિ. પાછો આવી જાય.”

રતિ સાંભળતી રહી, તે કંઈ જ ન બોલી. ભીખાએ સુરીબાને કહ્યું,” સુરીબા, મને પૂછ્યા વગર એક પણ ઢોર કે ખેતરું ગીરવે પણ નહિ મૂકતાં ને વેચતા પણ નહિ. બસ બેચાર દિવસ ચૂંટણીનાં પરિણામની રાહ જોજો.”

રતિને તો પૂરેપૂરો શહેરનો રંગ ચઢ્યો હતો, તેનાં તો જાણે અરમાન પર પાણી જ ફરી વળ્યું હતું. શહેરમાં જઈ તે અને અમૃત એકસાથે જ રહેતાં હતાં, આ વાત ભીખો નહોતો જાણતો પણ માસ્તર બધું જ જાણતાં હતા. ઈરાદો તો એવો હતો બન્નેનો કે સુરીબાનાં ઢોરાખેતરા વેચી કે ગીરવે મૂકી પૈસા લઈ પરદેશ ચાલ્યા જવું.

ભીખાની દખલગીરીથી હવે રતિ ગિન્નાઈ ગઈ. તેણે અમૃતને જાણ કરી, બીજી બાજુ સરપંચની ચૂંટણીનું પરિણામ આવ્યું ને ભીખો તેના આપબળે, તજજ્ઞ રૂપે ઊભરી આવ્યો.

ભણેલાગણેલા કરતાં વધારે અનુભવી ભીખાએ સરકારમાં નામ કાઢ્યું. એણે સુરીબાને સમજાવ્યું કે લોન લઈ અમૃત ભણી શકે છે, પરદેશ જઈ શકે છે. શામાટે બાપદાદાના ખેતરાઓ કે ઢોરાઓ વેચવાનો થયો છે. તમારું શું ? જીવતેજીવત નોંધારા તમને નહિ થવા દઉં.

ભીખાની સૂઝબૂઝને ગામવાળાની કુનેહથી બધું બચી ગયું. ભીખાએ સરપંચ તરીકે આવી સરકાર પાસે માંગ કરી ગામને સુંદર, સુઘડ, સ્વચ્છ બનાવવા માંડ્યું.

બીજી બાજુ પરદેશ જતા પહેલા અમૃત માને મળવા આવ્યો તે આવ્યો પછી આ પાંચમું વર્ષ ચાલે પણ ન પત્ર ન સમાચાર. સુરીબા ફોન કરે તો રતિ ઉપાડે, જવાબ પણ તે આપે. અમૃતે રતિ સાથે પરદેશમાં જ લગ્ન કરી દીધાં. અમૃતે તો માના ધાવણની પણ શરમ ન રાખી.

એક વહેલી સવારે ગામમાં પ્રભાતિયું ન ગવાયું, લોકોને આશ્ચર્ય થયું. સુરિબાના આંગણે લોકો ભેગા થયા. જોયું તો ખાટલે તેજોમય ચહેરે સુરીબા શાંત ચિત્તે સૂતા હતાં, માથે ચંદનનું તિલક શોભતું હતું. અંગે તપખિરી સાડી ને ચહેરા પર સાધ્વીનું તેજ. હવે ગામવાળાની આકરી પરીક્ષા હતી કોણ સંદેશો પરદેશ પહોંચાડે?

સરપંચ તરીકે ભીખાએ ફોન કર્યો અમૃતને. ફોન રતિએ ઉપાડ્યો, ભીખાએ કહ્યું, ”એની માના સમાચાર આપવા છે. તું એને ફોન આપ.”

રતિએ ફોન અમૃતને આપ્યો તો ભીખો બોલ્યો, ”પ્રભાતિયાંથી ગૂંજતુ ગામ શાંત થઈ ગયું છે. સૂરજદાદા પણ થંભી ગયા છે. શું અગ્નિદાહ આપવા તું આવી શકશે? તો હું તેઓને અસ્પતાલના મોર્ગમાં રાખું?”

અમૃત સાંભળીને ઢીલો પડી ગયો. પાછળથી રતિ બોલતી સંભળાય, ”હવે જઈને શું કરશો? મા માટે તો જીવતેજીવત ગ્યા નહિ!” ત્યાં જ એક જોરદાર થપ્પડનો અવાજ આવ્યો ને અમૃત બરાડ્યો, ”બધું તારે લીધે જ થયું.”

ભીખાએ દીકરાની ફરજ બજાવી. બાર વર્ષ સુધી અમૃત ન દેખાયો. એક સવારે સરસ પ્રભાતિયાં સાથે એક ચુલબુલી છોકરી ગામમાં પ્રવેશી. તેણે “ભીખાકાકા ક્યાં રહે છે” એ પૂછ્યું. ભીખાના દરવાજે જુવાન સુરીબા જ આવીને ઊભા હતાં.

~ જયશ્રી પટેલ ‘જયુ’, વડોદરા
~ મો.નં +91 98331 05184
~ Email: miltaja@ yahoo.com

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

3 Comments