“લિ. તારી પ્રિય સખી…!” ~ પત્રશ્રેણીઃ પત્ર ૯ ~ અમિતાને ~ લેખિકાઃ દિના છેલાવડા
પ્રિય અમી,
અમી પત્રમાં મારી અંતરની વાતને વહેતાં ઝરણાંની જેમ રજૂ કરવાનું મને ખૂબ ગમે છે. આ બધી વાતો લખવા માટે મનના ઊંડાણમાં ડૂબકી લગાવી વહેતાં વિચારને શબ્દોમાં પરોવી એનો આનંદ માણવાનો અનુભવ મજાનો છે નહીં? તને પણ મારી જેમ આવો આનંદ થતો જ હશે. આ વિચારોના વૃંદાવનમાં વિહરતાં, રહેવાથી આપણને આત્મદર્શન થાય છે. સ્વને ઓળખવાની તક મળે છે. સખી, એટલે જ તને અને મને એમાં વિહરવું ખૂબ ગમે છે. જ્ઞાનની વહેતી ધારામાં ડૂબકી લગાવી નવું નવું શીખતી વિદ્યાર્થીની બની આ કલમ અને કાગળની સુગંધ માણવી આજે પણ આપણને બંનેને ખૂબ ગમે છે.
અમી, લાલાનો જન્મોત્સવ ખૂબ હર્ષોલ્લાસથી ઉજવ્યો. તને તો ખબર જ છે કે શ્રીકૃષ્ણ એટલે મારું સર્વસ્વ. તેથી જ શ્રાવણ મહિનાનો આ દિવસ અમારા ઘરમાં રંગેચંગે ઉજવાય. મારી જેમ જ મારી દીકરી નેહા પણ કૃષ્ણને પોતાનો સખા માને છે. એ છેલ્લા ચૌદ વર્ષથી ગુજરાતી Dance and Music Show માં રાધાનું પાત્ર રંગમંચ ભજવે છે અને એનાં નૃત્ય દ્વારા સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દે એવા અપ્રતિમ Expression સાથે ભજવી રહી છે. રાધાના પાત્રને એ જે રીતે તન્મય થઈને ભજવે છે એ નિહાળીને હું ભાવવિભોર થઈ જાઉં છું. તેં જણાવ્યું તેમ આ યંગ જનરેશન પાસે એટલી બધી ટેલેન્ટ તો છે જ પણ એને Execute કરવા માટે સ્પષ્ટ સમજણ પણ છે. ક્યારેક મને થાય છે કે આપણે એમની ઉંમરના હતાં ત્યારે આપણાં માટે કદાચ, આજની પેઢીને મળતી તકો અને Exposure નો અભાવ હતો. પણ મારી દીકરીઓ સાથે હું જે નહોતી જીવી, એ પળો એમને જીવતાં જોઈને આનંદ પામું છું.
બીજું, તેં શિક્ષણ વિશે વાત કરતી હતી. શિક્ષણ અને શિક્ષણપ્રણાલીનું સમીકરણ દેશકાળ સાથે પરિવર્તિત થતું રહે છે. ટેકનોલોજીના આ સમયમાં શિક્ષણનું લક્ષ્ય ભૌતિક રીતે જીવનને સમૃદ્ધ કરવાનું છે. કદાચ, પ્રાચીનકાળમાં સમાજ વ્યવસ્થા અને આત્માની ઓળખની સાધનાનું મહત્વ આજના સમયમાં અપ્રાસંગિક બની ગયું છે.
સખી, એ વાત જુદી છે કે આજના શિક્ષણમાં આપણને સામાજિક મનોવિજ્ઞાનનો થોડો અભાવ જોવા મળી રહ્યો છે. જેમ કે કેવી રીતે બોલવું, પરસ્પર સારા સંબંધો કેવી રીતે કેળવવા, લાગણીઓ ઉપર કઈ રીતે કાબૂ રાખવો, પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે કરવું, – આ બધું જ સોશ્યલ મીડિયાના પ્રભાવ નીચે ક્યાંક ધરબાઈ ગયું છે. આ બધાં જ વિષયો ઉપર આપણી અત્યારની શિક્ષણ વ્યવસ્થા કે સામાજ વ્યવસ્થા મોટે ભાગે મૌન સેવે છે.
ક્યાંક તો કોઈ ફિલ્મમાં સાંભળ્યું હતું કે આજનું પ્રશિક્ષણ Well Trained – તાલીમબદ્ધ પેઢી તૈયાર કરી રહ્યું છે અને Not well Educated – અભ્યાસુ પેઢી નહીં. વાંચવાનું તો હવે ઓછું ને ઓછું થતું જાય છે. એમ કહેવાય છે કે જે દેશ શિક્ષિત હશે તે જ દેશ વિકસિત પણ હશે. પણ, શિક્ષણ એટલે અભ્યાસ એટલે કેળવાયેલી આત્મસૂઝ અને સમજણ. આ બધું જો ઊંચી ઉપાધિ-પદવીઓ પામેલા આજના યુવાનો કે યુવતીઓમાં ન હોય તો વખત જતાં સાચા અર્થમાં શિક્ષણ કે શિક્ષિત સમાજ ઊભો કદી નહીં થાય. આ સમસ્યા હવે હકીકત બનીને વિકરાળ સ્વરૂપે આપણી સામે ઊભી છે.
આજના આ ટેક્નોલોજીના સમયમાં શિક્ષણમાં નવતર પ્રયોગો થતાં રહે છે અને થવા પણ જોઈએ. દરેક સમય અલગ હોય છે. આપણે જોઈએ જ છીએ કે કોરોના કાળ દરમિયાન આપણા જીવનમાં કેટલું પરિવર્તન આવ્યું! લોકડાઉન પહેલાના સમયમાં આપણે સૌ બાળકોને મોબાઈલથી દૂર રહેવાની સલાહ આપતા હતા. શાળામાં પણ શિક્ષકો દ્વારા આ જ પ્રકારની સૂચનાઓ આપવામાં આવતી હતી. જ્યારે લોકડાઉનના સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ બદલી ગઈ હતી. શાળા, શિક્ષકો અને સૌ ટેક્નોલોજીના ઉપયોગ થકી ઓનલાઇન શિક્ષણની વાત કરવા લાગ્યા હતા. જે મોબાઇલથી દૂર રહેવાની સલાહ આપવામાં આવતી હતી એ જ મોબાઈલ સંકટ સમયની સાંકળ બની ગયો. શિક્ષણ મેળવવા માટે ટેક્નોલોજી એ અગત્યનો ભાગ ભજવ્યો હતો. સખી, આમ જોઈએ તો દરેક વસ્તુની બે બાજુ હોય છે.
જેમ શિક્ષણમાં અને શિક્ષણ દ્વારા પરિવર્તન આવતું હોય છે તેવી જ રીતે સાહિત્ય થકી પણ પરિવર્તન આવતું હોય છે. અમી, કવિ અને લેખકોની કલમ સમાજમાં પરિવર્તન લાવવા માટે સક્ષમ છે જ. રશિયન સાહિત્યકાર મેક્સિમ ગોર્કી કહે છે કે, “સ્વતંત્રતાનો સુવિચાર પુસ્તકથી મસ્તક સુધી પહોંચવો જોઈએ. દરેક ઉત્તમ પુસ્તક એક ચમત્કાર છે અને દરેક ઉત્તમ લેખક એક જાદુગર છે.”
આપણે જોઈએ છીએ કે સાહિત્ય સર્જનમાં નારીવાદી આંદોલનને પરિણામે સ્ત્રીની સામાજિક પરિસ્થિતિમાં ચોક્કસ પરિવર્તન આવ્યું છે. શિક્ષણે તેને પગભર બનાવી. પુરુષ પ્રધાન સમાજે બાંધેલી બેડીને ફગાવી દઈ, ‘હું પણ એક વ્યક્તિ છું…!’ એવી પ્રતિતી થતાં તે સમાજ સામે સંઘર્ષ કરતી અને અવાજ ઉઠાવતી થઈ.
અમી, આજે વર્ષો પછી મેં કુન્દનિકા કાપડિયાની નવલકથા “સાત પગલાં આકાશમાં” પાછી વાંચી. આંખો ભીની થઈ ગઈ..! સ્ત્રી અને પુરુષ વચ્ચેના સંબંધોમાં પેદા થતી નાજુક સમસ્યાઓના સંદર્ભે નારીજીવનની વ્યથાઓને નિરૂપતી આ નવલકથામાં સ્ત્રીનું અસ્તિત્વ અને તેની અસ્મિતા વચ્ચેના સંઘર્ષને ઉજાગર કરતી કથાનું હ્રદયસ્પર્શી આલેખન થયું છે. “સાત પગલાં..”ની વસુધાનો પ્રશ્ન, દુનિયાની દરેક સ્ત્રીનો પ્રશ્ન હોઈ શકે, એમ કહી શકાય. આ સમાજમાં એક સ્ત્રી પોતાની રીતે જીવવા માગે તો એ શક્ય છે ખરું? શું આજની વસુધાના પ્રશ્ન પણ એના એ જ રહ્યાં છે? “કાલથી પોતે જવાબદારીના પિંજરામાં પુરાઈ જશે, આ પંખી કેટલું મુક્ત હતું…! ” એમણે વરસો પહેલા રચેલું એ ખુલ્લું આકાશ દરેક સ્ત્રીઓના મનમાં અને આંખોમાં કોઈ અન્ય સ્વરૂપે આજે પણ વસેલું છે જ.
અમી, એ સમયમાં ગુજરાતના ઘરેઘરમાં ચર્ચા જગાડનાર અને સ્ત્રીઓના હૃદયની વાતને વાચા આપનાર આ નવલકથા એવા પુરુષો માટે છે, જે સ્ત્રીના મનને સમજવાનો દાવો કરે છે. એ સાથે જ એવી સ્ત્રીઓ માટે છે જેઓ પોતાના મનના ઉંડાણમાં રહેલી વાતો પ્રગટ કરતા અચકાય છે.
આપણા ભારતમાં હિંદુ સંસ્કારો મુજબ સ્ત્રીને લક્ષ્મી કે સરસ્વતી માનવામાં આવે છે. એ પણ હકીકત છે કે સ્ત્રીઓની પરિસ્થિતિમાં આજના વર્તમાન સમયમાં નક્કર પરિવર્તન આવ્યું છે. આપણે ઘણી વખત પરિવર્તનથી ડરીએ છીએ, પરંતુ પરિવર્તન એ જીવનની વાસ્તવિકતા છે. આપણે આપણી આજુબાજુ આપણા જ જડ વલણ, રૂઢી અને પરંપરાની દિવાલનું પાંજરું બનાવી દીધું હોય છે. તેમાં આપણે આપણી જાતને સલામત માનતા હોઈએ છીએ. આપણે આ પાંજરાની બહાર શું થાય છે તેની પણ પરવા નથી કરતા.
મેં ક્યાંક વાંચેલું કે “આખું વિશ્વ બે જ પ્રશ્નોમાં અટવાયું છે, જ્યાં હું નથી ત્યાં મારે શું અને જ્યાં હું છું ત્યાં મારું શું?” સર્જન અને સર્જક બંને જુદાં નથી, તો પછી હું અને વિશ્વ કઈ રીતે અલગ હોઈ શકીએ? પરિવર્તન વિના પ્રગતિ અશક્ય છે અને જો આપણે આપણા વિચારો જ બદલી ન શકીએ તો પછી કંઈ પણ બદલવા માટે આપણે અસમર્થ છીએ. જર્મન સાહિત્યકાર ગોથે કહે છે, “We must always change, renew, rejuvenate ourselves”
પરિવર્તન એટલે જ જીવન અને જ્યાં પરિવર્તન શક્ય જ નથી ત્યાં જીવન મૃત્યુ સમાન છે. મારે તને આ મૃત્યુ વિશે પણ ઘણી અનોખી વાતો જણાવવી છે. ફરી ક્યારેક કોઈ પત્રમાં જરૂર જણાવીશ.
અમી, મને ખબર છે કે તને પણ નવું નવું જાણવું ખૂબ ગમે છે. તેથી જ આ બધી વાતો તને લખી જણાવું છું. તને ગમ્યું કે નહીં તે જણાવજે. ચાલ, હવે ગણપતિ ઉત્સવની તૈયારી કરવાની છે. બીજું લંડનથી મારી નાની દીકરી વિરાજ આવી રહી છે, એટલે હમણાં થોડી busy થઈ જઈશ. આપણું કૉલ પર વાત કરવાનું થોડું ઓછું થઈ જશે. હા, પત્ર સમય કાઢીને જરૂર લખીશ. તારે ત્યાં જિમીત, ગુંજન અને વ્હાલી મિષ્ટીની અમેરિકા જવાની તૈયારી શરૂ થઈ ગઇ હશે. બધાને મારી યાદી આપજે અને પત્ર સમય કાઢીને જલદી લખજે.
લિ. તારી સખી
દિનાની સ્નેહભીની યાદ
Nice depiction of a homemaker,Saxony of living in a male dominated world and her desire for freedom to realize her dreams.
Daxa Vamdatt