સિન્થિયા (લઘુનવલ) ~ પ્રકરણ ૧ઃ સ્મરણોની કેડીએ ~ ડૉ. ભારતી રાજીવ રાણે

ડૉ. ભારતી રાણેની લઘુ નવલકથા “સિન્થિયા”  “આપણું આંગણું”માં હપ્તાવાર પ્રગટ થઈ રહી છે. આશા છે કે આપ સૌ વાચકો અને “આપણું આંગણું”ની સમસ્ત ટીમ તરફથી આ નવલકથા અને એના લેખિકા ડૉ. ભારતી રાજીવ રાણેનું  સ્વાગત કરતાં હું, જયશ્રી મરચંટ ખૂબ આનંદ અનુભવું છું.
આ નવલકથા “સિન્થિયા” વિષે લેખિકાના જ શબ્દો ટાંકી રહી છું. – 

“મનમાં હતું કે એક એવી કૃતિ સર્જું જેમાં મને મળેલી જીવન પ્રત્યેની સમજનો નિચોડ હોય, અને વિસંવાદો શમાવવાનું બળ હોય. અભિલાષા તો એવી પણ ખરી કે, જે મનમાં સ્ફૂરે અને દૃઢતાથી અનુભવાય તે લખું. જે પણ લખું તે પૂરતા અભ્યાસ પછી લખું, અને હૃદયને કાગળ ઉપર ઊતારવા બેસું, ત્યારે કોઈ પણ પ્રકારની ભીતિ વગર માત્ર મનની તૃપ્તિ માટે લખું.

મનમાં તો એમ પણ હતું કે, મારી કલ્પનાની આદર્શ સ્ત્રીનું અને આદર્શ પુરુષનું એકએક પાત્ર સર્જું; પરંતુ કોઈ વિશાળ કલ્પનાને માત્ર એક પાત્રમાં ઠાંસી-ઠાંસીને શી રીતે ભરી શકાય? માટે જ મારા કલ્પનાચિત્રના રંગો બધાં પાત્રોમાં થોડા-થોડા વેરાયેલા દેખાશે. પ્રસ્તુત કથા મારા મનમાં વસેલા આદર્શોનું સુયોગ્ય ચિત્ર ઉપસાવી શકશે, તો એ મારો પરમ સંતોષ હશે.

કશુંક કહેવાની ખેવના વગર લખવું મને ક્યારેય ફાવ્યું નથી. પણ એ કહેવાની રીત મારી પોતાની છે, અને એને વફાદાર રહેવા હું પ્રતિબદ્ધ છું.

હું ફેમિનિસ્ટ નહોતી, આજે પણ નથી; પરંતુ ગઈકાલ અને આજ વચ્ચેનો સમયખંડ હું દિલથી જીવી છું. સ્ત્રી-રોગ ચિકિત્સક હોવાને નાતે ગઈકાલની અને આજની સ્ત્રીઓના સતત સંપર્કમાં રહેવાનું બન્યું છે; એટલે વિશ્વાસપૂર્વક કહી શકું કે, એ બંનેને હું હૃદયપૂર્વક જાણું છું.

એ બંનેની સામાજિક પરિસ્થિતિ અને સ્ત્રીસહજ માનસિકતાના પરિપ્રેક્ષ્યમાં સમકાલીન સ્ત્રી-જીવનમાં બે અંતિમો વચ્ચેની કોઈ આદર્શ અવસ્થા શોધવાની મથામણ અને કોશિશ મનમાં રહી છે.

કહેવું તો ઘણુંય છેઃ યુદ્ધોની અને હિંસાની નશ્વરતા, મનુષ્યત્ત્વના હનનની વિભિષિકા, સ્ત્રીના મનનો સંઘર્ષ અને તેની માનસિક વિટંબણાઓ, સ્મૃતિલોપના દરદીઓની દુનિયાની પ્રહેલિકા, પત્રકારત્વનું પતન, પૈસાની અને સ્વાર્થની સ્થપાતી જતી સર્વોપરિતા, વગેરે.

આ બધા સામે નમણો અવાજ ઊઠાવવા માટે નવલકથાથી વધારે અસરકારક બીજું ક્યું માધ્યમ હોઈ શકે? માટે એ વિધાનો આધાર લઈ રહી છું.”

ડૉ. ભારતી રાજીવ રાણે

લેખક પરિચયઃ
જન્મસ્થળઃ મુંબઈ
અભ્યાસઃ એમ.ડી.; ડી.જી.ઓ. (ગાયનેકોલૉજિસ્ટ) શ્રી એમ.પી. જાની સુવર્ણચંદ્રક તથા ગાયનેકોલૉજી વિષયમાં પ્રથમ પારિતોષિક
વ્યવસાય: પતિ ડૉ. રાજીવ રાણે સાથે સ્નેહાંજલિ હૉસ્પિટલ, બારડોલી
રસના વિષય: અનેક દેશોનો સંસ્કૃતિ, ઈતિહાસ, ભોગોલિક આશ્ચર્યો તથા લોકજીવનના અભ્યાસાર્થ પ્રવાસ, ફોટોગ્રાફી, ઉર્દૂ ભાષા અને લિપિનો અભ્યાસ, તથા લલિતકલાઓ.

પ્રકાશિત પુસ્તકો તથા પારિતિષિકો:
♦ લલિત નિબંધ સંગ્રહ ‘ક્ષણોને પાંદડે ઝાકળ છલોછલ’ (1998)ને ગુજરાતી સાહિત્ય પરિષદનું “ભગિની નિવેદિતા’ પારિતોષિક તથા મુંબઈની કલાગુર્જરી સંસ્થાનું “ગિરા ગુર્જરી’ પારિતોષિક.
♦ પ્રવાસ-નિબંધ-સંગ્રહ ‘ઈપ્સિતાયન’ (2009)ને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનું પારિતોષિક. આ પુસ્તક વીર નર્મદ યુનિ.માં એમ. એ.નું પાઠયપુસ્તક છે.
♦ પ્રવાસ-નિબંધ-સંગ્રહ ‘પગલાંનાં પ્રતિબંબ’ (2010)ને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનું પારિતોષિક.
♦ લઘુનવલ ‘પાંખેથી ખર્ય઼ું આકાશ’ (2013)ને ગુજરાતી સાહિત્ય પરિષદનું શ્રેષ્ઠ નવલકથા માટેનું શ્રી પ્રિયકાન્ત પરીખ પારિતોષિક તથા ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક
‘હૃદયલિપિ’ કાવ્ય  સંગ્રહ (2016)ને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક તથા ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ પારિતોષિક
♦ સન્ 2013નું  ‘કુમાર’ શ્રેષ્ઠ લેખિકા પારિતોષિક – શ્રીમતી કમલા પરીખ પારિતોષિક
♦ સિલ્કરૂટના દેશોના પ્રવાસ-નિબંધો ‘રણ તો રેશમ રેશમ’ (2018)
♦ ઉત્તરધ્રુવવૃત્તનો પ્રવાસ ‘ઉજાસનો પ્રવાસ’ (2019)
♦ આઇસલૅન્ડનો પ્રવાસ ‘હિમાગ્નિનો વિસ્મયલોક’ (2022)
♦ જાપાનનો પ્રવાસ ‘સાકુરા સંગાથે’ (2023)
♦ પ્રવાસમાં થયેલા માનવીય અનુભવોનું પુસ્તક `સ્નેહાંકિત વિશ્વ’ (2023)
♦‘ઈપ્સિતાયન’ તથા ‘પગલાંનાં પ્રતિબિંબ’ પુસ્તકનો હિન્દી અનુવાદ અનુક્રમે 2012 તથા 2021માં પ્રકાશિત.
♦ લઘુનવલ ‘પાંખેથી ખર્ય઼ું આકાશ’નો અંગ્રેજી અનુવાદ પતિ ડૉ. રાજીવ રાણે દ્વારા ‘A Little Sky Off The Wings’  પ્રકાશિત 2019

અખબારોમાં પ્રકાશિત સર્જન:
૧. સાંધ્યદૈનિક ‘નવનિર્માણ’માં લલિત નિબંધોની કોલમ ‘મૃગજળની છીપનાં મોતી’ 1994થી 2002
૨. ‘ગુજરાતમિત્ર’ અખબારમાં પ્રવાસ નિબંધોની કોલમ- ‘પ્રવાસી પારાવારનાં’ 2007 થી 2018.
૩. ‘દિવ્યભાસ્કર’ અખબારમાં પ્રવાસ નિબંધોની કોલમ ‘યાત્રા’ 2010-2011
૪. ‘સંદેશ’ અખબારમાં પ્રવાસ નિબંધોની કોલમ- ‘પ્રવાસ’ 2012થી 2015.

સિન્થિયા (લઘુનવલ)
પ્રકરણ: ૧
(શબ્દો: ૩૫૨૪)

‘જે મનમાં ઊગશે, તે બોલીશ. હૃદય ઠાલવીને બોલીશ. સત્ય અને માત્ર સત્ય બોલીશ..’ સિન્થિયાએ પોતાના સંકલ્પને મનમાં દોહરાવ્યો. એક ઘૂંટ પાણી પીધું, ને પછી આંખો બંધ કરીને મનને સ્થિર કરવા પ્રયત્ન કર્યો. એની બંધ આંખો સામેથી જિંદગીના અનેક મુકામો કોઈ સ્ક્રીન-પ્લેની જેમ પસાર થવા લાગ્યા…

યુ.સી. બર્કલીનો પહેલો ક્લાસ એને યાદ આવી ગયોઃ પ્રોફેસર ડેવિડ બારસ્ટૉ – પુલિત્ઝર વિજેતા અને અનેક એવોર્ડોથી સન્માનિત એવા પ્રોફેસર ડેવિડ બેચને વેલકમ કરવાના હતા.

‘ન્યૂયૉર્ક ટાઈમ્સ’માં એમની ઈન્વેસ્ટીગેટીવ સ્ટોરીઝ વાંચતી ત્યારથી જેમને મળવાનું મન હતું, એ મહાન પત્રકાર આજે ક્લાસને સંબોધવાના હતા. એમની રાહ જોતા વિદ્યાર્થીઓનો ઉત્સાહ મનમાં સમાતો નહોતો.

તે દિવસે પ્રો. બારસ્ટૉએ કહેલ શબ્દો એને યાદ આવ્યા. ખુશમિજાજ અને અત્યંત પ્રભાવશાળી દેખાતા પ્રૉફેસર અસ્ખલિત વાણીમાં બર્કલી યુનિવર્સિટીની પરંપરા વિશે કહી રહ્યા હતાઃ ‘બ્રાઈટેસ્ટ માઈન્ડ્ઝ ફ્રૉમ એક્રોસ ધ વર્લ્ડ કમ ટુગેધર, એક્સપ્લૉર, આસ્ક ક્વૅશ્ચન્સ, ઍન્ડ ઇમ્પ્રૂવ ધ વર્લ્ડ!’

એમણે કહેલું: ‘આપણી યુનિવર્સિટીની એ ગૌરવશાળી પરંપરા છે કે, વિશ્વભરમાંથી આવેલ ઉત્તમ તેજસ્વી અને બુદ્ધિશાળી પ્રતિભાઓ અહીં એકત્ર થઈને વિચારે છે, પ્રશ્નો પૂછે છે, અને એમ વિશ્વને બહેતર બનાવવા પ્રયત્ન કરે છે.’

આવો ભવ્ય આદર્શ-વારસો ધરાવતી પોતાની યુનિવર્સિટી માટે સિન્થિયાના મનમાં ગૌરવની લાગણી ઊભરાઈ આવી. આત્યારે ને અત્યારે પોતાના પહેલા ક્લાસરૂમ સુધી દોડી જઈ, એને ભેટીને કહેવાનું મન થઈ આવ્યું કે, ‘લુક! આય હેવ લીવ્ડ અપ ટુ યૉર એક્સપેક્ટેશન્સ… આય હૅવ ડન માય બિટ ઈન મેકિંગ ધ વર્લ્ડ બેટર!

હે મારા વહાલા વર્ગખંડ, જો, હું તારી અપેક્ષામાં ખરી ઊતરી રહી છું. આ રહ્યું દુનિયાને સુંદરતમ બનાવવાના મારા નાનકડા પ્રયત્નનું સરવૈયું!’

‘સ્પાર્કલ સ્ટ્રીમ’ ટી.વી. ચેનલની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે પ્રાઇમ ટાઈમનો ખાસ કાર્યક્રમ રજૂ થવામાં થોડી જ મિનિટોની વાર હતી. ટેલિવિઝન સામે ગોઠવાઈ ગયેલા દર્શકોના મનની ઉત્કંઠા સાતમા આસમાન પર હતી. અને કેમ ન હોય? ચેનલની માલિક અને સૌની માનીતી પત્રકાર સિન્થિયા પ્રસ્તુત કાર્યક્રમમાં કોઈ સરપ્રાઈઝ આપવાની છે, તેવી જાહેરાત છેલ્લા કેટલાય દિવસોથી પ્રસારિત થઈ રહી હતી.

ચાલીસ વર્ષ પહેલાં અમેરિકા જઈને વસેલા, નિકુંજ પટેલમાંથી નિક પટેલ થઈ ગયેલા પિતાની એકની એક દીકરી સિન્થિયા.

નિક માનતા કે, ગમે તેવાં નામ પાડીએ, પછી સ્કૂલમાં જાય ત્યારે બાળકોને ઘણી આપદા પડે. રામભાઈની શીતલ પૂછતી હતી,

‘ડૅડ, જેનું શોર્ટ ફૉર્મ શિટ થાય એવું ડિસ્ગસ્ટિંગ નામ કેમ પાડયું? મને લોકો ચીડવે છે.’ પરભુભાઈનો હર્ષ કહે,

‘મારા નામનો સ્પેલિંગ હાર્શ એવો થાય છે, તો લોકોને હસવાનું થાય છે! વ્હાય યુ ગાયઝ આર સો ઓબસેસ્ડ વિથ ઇન્ડિયન નેઇમ્સ?’

નિક પટેલે અને એમનાં વાઈફ મંજુબહેને વિચાર્ય઼ું કે, ‘આપણી પોરીનું નામ અમેરિકન જ પાડવું એટલે આગળ જતાં મગજમારી નહીં. અહીં જન્મેલાં પોયરાં અહીંનાં થઈને જીવે તે જ બરાબર.’

લાડકોડથી ઉછેરેલી સિન્થિયાને સાનફ્રાન્સિસ્કોની યુ. સી. બર્કલી યુનિવર્સિટીમાં જર્નાલિઝમમાં માસ્ટર્સ કરવા માટે ઍડમિશન મળ્યું, ત્યારે બાર ચોપડી માંડમાંડ ભણેલા નિક પટેલના મનમાં હરખ સમાતો નહોતો.

સિન્થિયા ભણવામાં હોંશિયાર નીકળી. યુનિવર્સિટીમાં તો એને જાણે પાંખો મળી ગઈ! નિક-મંજુએ એને મનભર ઊડવા પણ દીધી. ઉત્સાહી અને તેજસ્વી હોવાને કારણે સિન્થિયાને ભણી રહ્યા પછી યુનિવર્સિટી દ્વારા, અખબારો તરફથી, એને ફ્રિલાન્સ પ્રોજૅક્ટો મળતા રહ્યા. પહેલાં અમેરિકાનાં અલગઅલગ રાજ્યોમાં અને પછી વિશ્વના કેટલાક દેશોમાં.

પાંચેક વર્ષ આમ ફરતી રહી, પછી એક દિવસ કોણ જાણે શું થયું કે, સિન્થિયા જીદ લઈને બેઠી કે, એ તાબડતોબ ઇન્ડિયા જવા માગે છે, અને ત્યાં જ સ્થાયી થવાની ઇચ્છા રાખે છે!

‘તું અહીં જન્મીને મોટી થઈ છે, તને ત્યાં નહીં ફાવે. ત્યાંની સિસ્ટમ સાવ જુદી છે. ત્યાં બધું અઘરું પડશે. મને ખબર છે, પાક્કો અનુભવ છે. બિલીવ મી, ત્યાં આપણાથી એકદમ અલગ વાતાવરણ છે. સૉરી ટુ સે, અલગ અને કરપ્ટ. ધ સિસ્ટમ ઇઝ કોમ્લિકેટેડ ફોર અ સ્ટ્રેઇન્જર, લૉટ્સ ઑફ હૅસલ્સ, ડિઅર. રહેવા દે ને! તું ઍડજેસ્ટ નહીં થઈ શકે.’

નિકે એને સમજાવવા ખૂબ પ્રયત્નો કર્યા પણ સિન્થિયા એકની બે ન થઈ.

‘મારે તમારી પાસેથી કાંઈ નથી જોઈતું ડૅડ, બસ, આશીર્વાદ જોઈએ છે. લેટ મી લીવ માય લાઈફ, પ્લી…ઝ!’

નિકની એ કમજોરી હતી કે, દીકરીના આ પ્લી…ઝ પર હંમેશા એ પીગળી જતા. આખરે મંજુબહેને ઠાંસીઠાંસીને ભરેલી બે બેગ સાથે સિન્થિયા મુંબઈ ઍરપોર્ટ પર ઊતરી હતી.

પપ્પાના લંગોટિયા બેસ્ટફ્રેન્ડ ગોવિંદઅંકલ એરપોર્ટ ઉપર એને લેવા આવેલા. મુંબઈના બહુ મોટા ઉદ્યોગપતિ ગોવિંદ પટેલ. નિક અને ગોવિંદ બંનેને એમ હતું કે, વાસ્તવિકતાઓ સાથે પનારો પડશે, અને થોડા દિવસોનો ઊભરો શમી જશે, એટલે સિન્થિયા અમેરિકા પાછી આવી જશે.

નિક અને ગોવિંદ બંને ઈચ્છતા હતા કે, ત્યાં સુધી તે ગોવિંદને ઘરે જ રહે, પણ સિન્થિયાએ તો આવતા પહેલાં જ રહેવાની જગ્યા ઑનલાઈન બૂક કરી લીધી હતી. ગોવિંદઅંકલને ખોટું ન લાગે એટલા માટે એક અઠવાડિયું તેમની સાથે રહ્યા પછી એ પોતાના સર્વિસ એપાર્ટમૅન્ટમાં રહેવા ચાલી ગઈ.

ગોવિંદઅંકલ અનુભવી અને જમાનો પચાવી ચૂકેલા સદગૃહસ્થ હતા. દિલથી સાવ દેશી, પણ નવી પેઢીને સમજી શકે એટલા મૉડ પણ ખરા! તેમણે સિન્થિયાને જવા તો દીધી, પણ સીધી કે આડકતરી રીતે સંપર્કમાં રહીને ડગલે ને પગલે એની મદદ કરતા રહ્યા.

‘અલ્યા નિકલા, તારી પોરી તો જબરી છે હોં! પોતાના કામમાં બૌ પાવરધી. કોઈને ગાંઠે તેમ નથી.. હા, હા, હું છું ને એની સાથે. કોઈ તકલીફ નહીં પડવા દઉં. મુંબઈમાં આટલા વરસ ઘાસ નથી વાઢયું ભાઈ, એનું એકેય કામ અટકવા નહીં દઉં, બસ!’

ઉદ્યોગપતિ ગોવિંદ પટેલ, લંગોટિયા દોસ્તાર નિકલા પાસે નાનપણનો વહાલો ભેરુ ગોવલો બનીને, ફોન પર નિયમિત રિપોર્ટિંગ કરતા – સિન્થિયાની જાણ બહાર.

સર્વિસ એપાર્ટમૅન્ટમાં શિફ્ટ થયા પછી શરૂઆતમાં સિન્થિયાએ ચોવીસ કલાક ચાલતી ગુજરાતી, અંગ્રેજી તથા હિંદી ચેનલોનો અભ્યાસ કરવા માંડયો. થોડા દિવસોમાં જ એને ખ્યાલ આવી ગયો કે, એકધારી ત્રણચાર લાઈનોમાં બ્રેકિંગ ન્યૂઝ દોડાવતી ને સદાય સનસનાટી શોધતી અથવા સામાન્ય સમાચારને પણ ભયાનક ચીતરતી પ્રચલિત ચેનલોથી એ કાંઈક જુદું કરવા માગતી હતી.

એને એ વાતનું આશ્ચર્ય થતું કે ટૉક-શૉના નામે ચાલતા અર્થ વગરના બૂમબરાડા આ દેશની જનતા ખમી શી રીતે શકે છે? જેમજેમ તે મિડીયાના પ્રવાહોમાં ઊંડી ઊતરતી ગઈ, તેમતેમ પોતે લેવા ધારેલ રસ્તો તેની નજર સામે સાફ થવા લાગ્યો.

તેણે નક્કી કર્ય઼ું કે, પોતાની એક સ્વતંત્ર ટી.વી.ચેનલ શરૂ કરવી. એનું લિસ્ટીંગ સમાચાર માટેની ચેનલ તરીકે કરવું, પણ એમાં પ્રસારિત કાર્યક્રમોનો ઝોક પોઝિટીવિટી – સકારાત્મક કાર્યક્રમો તરફ જ રાખવો. સમાચારો પ્રસારિત કરવામાં એકદમ તટસ્થ રહેવું. હકીકતોને સનસનાટીના વાઘા પહેરાવ્યા વગર જેવી છે, તેવી જ રજૂ કરવી. બાકીના કલાકોમાં પ્રેક્ષકોના મનમાં પોઝિટીવ વાઈબ્ઝ – હકારત્મક ઊર્જા પ્રસરાવે તેવા કાર્યક્રમો યોજવા.

સમાચાર ઉપરાંતના અન્ય કાર્યક્રમો લોકોએ એટલા તો પસંદ કર્યા કે, મિડીયામાં ધૂમ મચી ગઈ. સિન્થિયાના અલગ જ વિચારો, આઉટ ઑફ ધ બૉક્સ – કશુંક અનોખું વિચારવાની એની રીત અને રોજબરોજના જીવનને સ્પર્શતી બાબતો ઉપરની એની વિચારશીલતા પર પ્રેક્ષકો ઓળઘોળ થઈ ગયા. એની ચેનલ પર બધું સીધું ને સટ, હૈયાથી હૈયાના તાર સાંધતું હોય તેવું સચોટ હતું!

સિન્થિયાના કાર્યક્રમોમાં બધાંનો જ અવાજ સામેલ હતો. એમાં સાવ સાદા પણ વિચારપ્રેરક, સૌને સમજાય તેવા કાર્યક્રમો પણ હતા, અને એકદમ નવા જ વિચારવાળા કાર્યક્રમો પણ!

સાદા કાર્યક્રમોમાં સિન્થિયા શાળાના વિદ્યાર્થીઓને બોલાવીને પૂછતી કે, તમને ક્યા શિક્ષક કે શિક્ષિકાનું ભણાવવાનું ખૂબ ગમે છે? અને તે શા માટે? તમને એમાં શું વિશિષ્ટ લાગ્યું? તમને કેવી રીતે ભણાવવામાં આવે તો ગમે? તમને સત્તા આપવામાં આવે તો તમારી શાળામાં તમે શું બદલવા ઈચ્છશો?… વગેરે. આ કાર્યક્રમમાં ઑડિયન્સ તરીકે તે દેશભરમાંથી આચાર્યો અને શિક્ષકોને બોલાવતી.

કૉલેજના વિદ્યાર્થીઓ પાસે બહેતર સમાજ અને બહેતર ભવિષ્ય માટેનાં સૂચનો માગતી. અને આ ઇન્ટરઍક્ટિવ સેશનમાં શ્રોતા તરીકે દેશના ટોચના બ્યુરોક્રેટ્સને આમંત્રણ આપતી.

આ કાર્યક્રમ દ્વારા તેણે એક એવો સમુદાય એકત્ર કર્યો, જે રાજકરણથી દૂર રહીને પોતાને સૂઝે તે રીતે સમાજ અને દેશ માટે કોઈ સકરાત્મક કામ કરે. શરત એટલી જ કે, જે કરીએ તે પ્રસિદ્ધિની પરવા કર્યા વગર, પ્રામાણિકપણે કરવાનું. વખતોવખત તે આવા યુવાનોને પોતે કરેલા કામ વિશે વાત કરવા બોલાવતી, અને એમાં શ્રોતા તરીકે સિનિયર સિટીઝનોને આમંત્રણ આપતી.

નવયુગલોને બોલાવીને એ સહજીવનના પડકારો પર ચર્ચા કરાવતી. એ કાર્યક્રમમાં શ્રોતા તરીકે લગ્ન કરવા ઉત્સુક યુવાનો તથા યુવતીઓને બોલાવતી. એનો ‘અ લિટલ સનશાઈન’ નામનો શોર્ટ વિડિયોનો કાર્યક્રમ લોકોએ અનહદ પસંદ કરેલો.

એમાં કોઈ પણ વ્યક્તિ 30-40 સેકન્ડની વિડિયોક્લિપ મોકલી શકે, જેમાં તેણે આખા દિવસ દરમિયાન એવું કાંઈક કરેલું હોય, જેનાંથી કાંઈક સારું થયું હોય, કોઈના ચહેરા પર ખુશી ઝળકી હોય, કોઈના ચહેરા પર સ્મિત આવ્યું હોય. અ સ્મૉલ ઍક્ટ ઑફ કાઈન્ડનૅસ કે એવું કાંઈક.

એક કાર્યક્રમ હતો, ‘ટેલ અસ અબાઉટ અમેઝિંગ પીપલ અરાઉન્ડ યુ’. એમાં તમારે પોતાની આસપાસમાં મૂંગામોઢે નાનું પણ પ્રેરણાદાયક કામ કરનાર કોઈ વ્યક્તિ હોય, તો એના વિશે લખવાનું. પછી એમાંથી પસંદ કરેલી વ્યક્તિઓના ઇન્ટરવ્યૂ સિન્થિયા જાતે લેતી અને એને પ્રસારિત કરતી.

સામાન્યમાં સામાન્ય માનવામાં આવતી વ્યક્તિઓ દ્વારા દેશને ખૂણેખૂણે કેવાંકેવાં કામ થઈ રહ્યાં હતાં, એ વિશે જાણીને તે અશ્ચર્યચકિત થઈ જતી. આટલા વરસોના અનુભવથી તે દૃઢપણે માનતી થઈ ગઈ હતી કે, દેશ આવા કહેવાતા નાનાં લોકોના પુણ્યકાર્યોથી જ ઊજળો છે.

દેશભક્તિને પ્રેરતા કાર્યક્રમમાં એ શહીદ થયેલા સૈનિકોની પત્નીઓ અથવા સ્વજનોને પોતાના દિવંગત સ્વજનની શૌર્યગાથાઓ કહેવા પ્રોત્સાહિત કરતી. એમને ગુમાવ્યા પછી એ સૌની બદલાઈ ગયેલી જિંદગી વિશે પણ હૃદયદ્રાવક વાતો થતી.

આ કાર્યક્રમોમાં શ્રોતા તરીકે તે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને બોલાવતી. એવી આશા સાથે કે, આ બધું સાંભળે તો આવનારી પેઢી કોઈના સમર્પણથી પોતાને મળેલી સલામતી અને સ્વતંત્રતાની કિંમત સમજે. વ્યસનો કે મોજમજામાં ખેંચાઈ જવાને બદલે પોતાની જવાબદારી સમજે.

સિન્થિયાની પરિકલ્પનાઓનો અંત નહોતો. હાઈસ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ માટેનો લલિતકલા વિષયક કાર્યક્રમ બધી જ ઉંમરના પ્રેક્ષકોમાં લોકપ્રિય થયેલો. એમાં સાહિત્ય સહિત વિવિધ લલિતકલાઓની વાત થતી. એ ચર્ચા ચીલાચાલુ નહોતી.

ફોટોગ્રાફીના નિષ્ણાતો આવીને વિવિધ પ્રકારની ફોટોગ્રાફીની સમજ આપતા અને પોતાનું જે તે વિધામાં કરેલું કામ બતાવતા. લૅન્ડસ્કેપ, પોટ્રેઇટ, વાઈલ્ડલાઈફ, વેડિંગ, પ્રોડક્ટ, ઉપરાંત સ્ટ્રીટ ફોટોગ્રાફી, એબસ્ટ્રેક્ટ ફોટોગ્રાફી, કોઈક વારતા કહેતી એડિટોરિયલ ફોટોગ્રાફી, કલાકારની સર્જનાત્મકતાને ઉજાગર કરતી ફાઈન આર્ટ ફોટોગ્રાફી, પત્રકારત્વમાં ઉપયોગી ડૉક્યુમેન્ટરી ફોટોગ્રાફી, કલાત્મક બ્લૅક ઍન્ડ વ્હાઈટ ફોટોગ્રાફી, ફોટોગ્રાફીમાં પ્રકાશ સંયોજનનો જાદૂ, વગેરેની વાત થતી.

એમાં સૌથી રસપ્રદ નિવડેલી હતી મિનિમલિસ્ટિક ફોટોગ્રાફી, જેમાં એકદમ નાનકડી વસ્તુને વિશાળ બૅકગ્રાઉન્ડમાં કલાત્મક રીતે તસવીરાંકિત કરવામાં આવે. ક્યારેક સાવ નિર્માલ્ય લાગતી વસ્તુનો એટલી કુશળતાથી ફોટો પાડવામાં આવે કે, જાણે એનું વજૂદ જ બદલાઈ જાય!

શિલ્પકલા, સ્થાપત્યકલા, વગેરેના નિષ્ણાતોએ આવીને વૈશ્વિક ધરોહરોના પરિપ્રેક્ષ્યમાં તથા ભારતીય શિલ્પ-સ્થાપત્યકલાના સંદર્ભમાં દૃશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતી સાથે પ્રત્યેક કલાનાં વિવિધ પાસાંની વાત કરી.

એ જ રીતે સંગીત અને નૃત્યના વિવિઘ પ્રકારોની સરળ સમજ આપીને દરેક વિધાની ઉત્કૃષ્ટ કૃતિઓ રજૂ કરવામાં આવી. વિવિધ વાદ્યોના વાદકોએ આવીને પોતપોતાનાં વાદ્યની સમજ આપી, અને પછી એ વાદ્ય ઉપર સંમોહક તરજો વગાડી. અંતમાં એ વાદ્યનો મહત્તમ અને ઉત્તમ ઉપયોગ થયો હોય તેવા સુગમ અથવા ફિલ્મી સંગીતનાં અંશ પણ સંભળાવવામાં આવ્યા.

ભારતીય પ્રાદેશિક સુગમ તથા શાસ્ત્રીય સંગીતની સમજ આપવા માટે દેશના દરેક રાજ્યમાંથી એક સંગીતકાર, એક ગાયક, તથા એક ગાયિકાની ત્રિપુટીને આમંત્રણ અપાયું. સંગીતકાર જે તે પ્રદેશના સંગીતની ખૂબીઓ સમજાવે અને ગાયક તથા ગાયિકા એ સંગીતનું પ્રતિનિધિત્વ કરતી યાદગાર કૃતિઓ પ્રસ્તુત કરે. સાથેસાથે વિવિધ ભાષાઓમાં ગવાતા ગીતની પંક્તિઓનો અર્થ ટેલિવિઝનના સ્ક્રીન ઉપર આવતો રહે.

ચેનલનો ફિલ્મ સંબંધિત કાર્યક્રમ સાવ અનોખો હતો. ફિલ્માંકનની કલા – સિનેમેટોગ્રાફીની બારીકીઓ વિશે જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ટોચના સિનેમેટોગ્રાફરોએ ઉદાહરણો સહિત વાત કરી, ત્યારે લોકો આશ્ચર્યમુગ્ધ થઈ ગયાં.

ઓગણિસસો સાઠ-સિત્તેરના દશકમાં ગીતોનાં ફિલ્માંકનમાં પટકથાને વફાદાર રહીને કઈ રીતે ગીતોનું ફિલ્માંકન કરવામાં આવતું, તેની વાતો પ્રેક્ષકો માટે સાવ નવી હતી.

ફિલ્મ વિષયક કાર્યક્રમમાં સિન્થિયાએ અભિનેતા-અભિનેત્રીઓને બદલે જૂના તથા નવા જમાનાના પરકશનિસ્ટ, મ્યુઝિક એરેન્જર, સંગીતકાર, ગીતકાર, મ્યુઝિક કંડક્ટર, સાઈડ રિધમિસ્ટ, સપ્લિમૅન્ટરી રિધમિસ્ટ, આર્ટ ડિરેક્ટર, સેટ ડિઝાઈનર, પ્રોડક્શન ડિઝાઈનર, કોરિયોગ્રાફર, એડિટર, સાઉન્ડ રેકોર્ડિસ્ટ, સાઉન્ડ એન્જિનિયર, મિક્સર એન્જીનિયર, કાસ્ટિંગ ડિરેક્ટર, વગેરે પડદા પાછળના કલાકારોને આમંત્રણ આપ્યાં.

તેમણે પોતપોતાનાં કામ વિશે, પોતાના કાર્યકાળમાં બનેલી પ્રેરક તથા રમૂજી ઘટનાઓ વિશે, તથા મહાન કલાકારો સાથેનાં સર્જનાત્મક સંસ્મરણો વિશે વાત કરી.

જૂના જમાનામાં સીમાસ્તંભરૂપ કામ કરનાર વ્યક્તિઓને શોધી કાઢીને તેમને ટી.વી.ના પડદા ઉપર લાવવાનું કામ ‘સ્પાર્કલ સ્ટ્રીમ’ ચેનલમાં થયું.

મહાન પર્કશનિસ્ટ અને સપ્લિમૅન્ટરી રિધમિસ્ટ સર બરજોર લૉર્ડે જીવનના આઠમા દશકે જ્યારે સંગીતમાં વિવિધ અસરો રચતા નાનકડાં વાદ્યો, જેવાં કે રબાબ, ટેમ્બોરીન, ચાઈનિઝ બ્લૉક, કૅસ્ટાનેટ્સ, વગેરે વગાડી બતાવ્યાં, અને ફિલ્મસંગીતમાં એ વપરાયાં હોય, તેવાં ગીતોની ઝલક રજૂ કરી, ત્યારે શ્રોતાઓ અભિભૂત થઈ ગયાં.

મિર્ઝા ગાલિબ સિરિયલના આર્ટ ડિરેક્ટર સાથે મુલાકાત ગોઠવાઈ. એ મુલાકાતમાં ભવ્ય સેટથી ઓપતી યાદગાર ફિલ્મ ‘મુગલે આઝમ’ ફિલ્મના સેટ વિશે તથા તેના તેજસ્વી પ્રોડક્શન ડિરેક્ટર એમ. કે. સૈયદ વિશે પણ વાત થઈ. ફિલ્મમાં ભૂતકાળનો પરિવેશ કઈ રીતે સર્જવામાં આવે, તે સમયને તાદૃશ કરવા માટે કેવી ચોક્કસાઈ રાખવામાં આવે, કેવી-કેવી યુક્તિઓ પ્રયોજવામાં આવે, તેની રસપ્રદ વાતો થઈ.

સાંઈઠના દશકમાં સંગીત રેકોર્ડ કરવામાં આવતું ત્યારે માઈકની સંખ્યા બહુ ઓછી રહેતી. એટલે કોને કઈ જગ્યાએ સ્થાન આપવું તેના ખાસ નિષ્ણાતોની સલાહ પ્રમાણે બધું ગોઠવાતું!

આવા નિષ્ણાત મીનૂ કાત્રકને તથા એમના આસિસ્ટન્ટ ડી. ઓ. ભણસાલીને યાદ કરવામાં આવ્યા. વયોવૃદ્ધ મ્યુઝિક એરેન્જર શ્રી ઈનૉક ડૅનિયલની મુલાકાત યાદગાર બની ગઈ. પ્રેક્ષકોને એવી માહિતી આપવામાં આવી અને એવી હસ્તીઓની મુલાકાત કરાવવામાં આવી કે, તેમને કોઈ નવી જ દુનિયામાં પ્રવેશવાનો અનુભવ પ્રાપ્ત થયો, સાથેસાથે નવયુવાનોને તેમને મળેલા ભવ્ય વારસાનો અહેસાસ મળ્યો.

ભારતીય અને વિશ્વસાહિત્યની અમર કૃતિઓથી વિદ્યાર્થીઓને અવગત કરાવવા માટે સિન્થિયાએ એક એકોક્તિ સ્પર્ધા રાખેલી. તેમાં વિશ્વસાહિત્યનાં અમર પાત્રોને તથા કૃતિની કથાને વ્યક્ત કરતી એકોક્તિઓ લખવાની અને ભજવવાની હતી.

એ જ રીતે ભારતના ઈતિહાસનાં મહાન પાત્રો ઉપર પણ એકોક્તિઓ રચવા ટોચના સાહિત્યકારોને આમંત્રણ અપાયું અને એ તમામ એકોક્તિઓ દેશભરની પરફોર્મિંગ આર્ટ્સની કોલેજોનાં વિદ્યાર્થીઓ પાસે ભજવાવવામાં આવી. વિવિધ ભાષાઓના રંગમંચની, મંચનકલાની ખૂબીઓની, નાટય-સંગીતની, રંગમંચના કલાકરોની વાત પણ ચેનલ ઉપર થઈ.

એની ચેનલ પર વખતોવખત કવિ સંમેલન તો હોય જ. કવિ જાણીતા હોય કે પછી સાવ નવોદિત હોય, અહીં કોઈ ભેદભાવ નહીં. સંમેલનમાં રજૂ થનાર કાવ્યોનો વિષય અગાઉથી નક્કી કરવામાં આવતો. ક્યારેક મોસમ અનુસાર ઋતુકાવ્યોનું પઠન થાય, તો ક્યારેક સાંપ્રતજીવનની વિટંબણાઓ પરનાં વ્યંગ્યકાવ્યો હોય. તેમાંય વળી ચાર એપિસોડ સુધી ચાલેલા પેલા યુદ્ધકાવ્યોનું સંકલન તો એકદમ યાદગાર હતું.

સિન્થિયાએ ખૂબ જહેમત લઈને વિવિધ દેશોમાંથી વિશ્વબંધુત્વની ભાવનામાં માનનાર તથા પોતાના સર્જનમાં વિશ્વશાંતિની ભાવના ઉજાગર કરનાર સર્જકોને શોધ્યા. તેમનો સંપર્ક કરી, તેમને યુદ્ધની નિરર્થકતા તરફ ધ્યાન દોરતી કે પછી વિશ્વબંધુત્વ અને વિશ્વશાંતિની ભાવનાને ઉજાગર કરતી રચનાઓ મોકલવા આમંત્રણ આપ્યું.

એ સૌને ઈ-મેઈલથી મોકલેલ સિન્થિયાના પત્રમાં વ્યક્ત થતો સચ્ચાઈનો ને ભાવનાનો રણકો એ તમામને એવો સ્પર્શી ગયો કે, અનેક દેશોમાંથી અનેક સર્જકોએ પોતાના કાવ્યપઠનનો વિડિયો તેને મોકલ્યો. સિન્થિયાએ એ કાવ્યોનો અનુવાદ કરાવ્યો, જે મૂળ ભાષાના પઠન સાથે સબટાઈટલ્સમાં મૂકાવ્યો. આ તમામનું સંકલન સિન્થિયાએ હૃદયમાંથી નીકળતા શબ્દોમાં અત્યંત ભાવવાહી અવાજ સાથે કર્ય઼ું.

કાર્યક્રમના ફર્સ્ટ-હાફમાં પઠન કરતા કવિ સાથે બૅકગ્રાઉન્ડમાં યુદ્ધ પછીની તારાજીના ને લાચાર ઈન્સાનોના ફોટા બતાવ્યા અને સેકન્ડ હાફમાં શાંતિ અને ભાઈચારાના દૃશ્યો તથા સમાપન પ્રફુલ્લિત કુદરતની ઝલક અને પંખીઓની પ્રસન્ન ઉડાનના દૃશ્યથી કર્ય઼ું.

એક કાર્યક્રમ તેણે યુદ્ધને લગતી ફોટોગ્રાફી ઉપર કરેલો. એમાં હિરોશીમાના યુદ્ધ-મ્યુઝિયમથી માંડીને વિયેતનામ યુદ્ધના સાયગોન સ્થિત મ્યુઝિયમના સહયોગથી અમુક હૃદયસ્પર્શી તસવીરો તથા એ તસવીરો ખેંચનારા ફોટોજર્નાલિસ્ટ વિશે માહિતી આપી.

વળી એ કાર્યક્રમમાં વિશ્વભરનાં અન્ય કેટલાક હયાત ફોટોજર્નાલિસ્ટના ઈન્ટરવ્યૂ અને પોતાની વાત કહેતો વિડિયો પ્રદર્શિત કરવામાં આવ્યો, સાથે તેમણે પાડેલી સંવેદનાને ઝકઝોરી નાખે તેવી તસવીરો પ્રદર્શિત કરવામાં આવી.

આમાં એક સ્ત્રી-પત્રકાર એવી હતી, જેણે યુદ્ધ દરમિયાન પણ વહેતા રહેતા લોકજીવનની પ્રેરણાસભર ક્ષણોને પકડીને તેની તસવીરો લીધી હતી, અને એને તારાજીના લોહીલુહાણ દૃશ્યોના પરિપ્રેક્ષ્યમાં મૂકી આપી હતી.

યુદ્ધ-કાવ્યોના અને યુદ્ધ-તસવીરોના કાર્યક્રમો પછી ચેનલ પર ઈ-મેઈલોનો જે ધોધમાર વરસાદ વરસ્યો, સિન્થિયાને પોતાની જિંદગી સાર્થક થતી લાગી. ‘યસ્સ, આય ડિડ ઈટ!’ એ મનોમન બોલી.

આજે એ વાત યાદ કરતાં એની આંખો ફરી એક વાર ભીની થઈ ગઈ. સુખ-સંતોષનાં ઝળઝળિયાંભરી એની નજર સામે બે ચહેરા ઝળકી ઊઠયા. એક ડૉ. નીરજાનો અને બીજો ડોરોથી મૅડમનો. બંને જાણે કહી રહ્યાં હતાં : ‘વૅલ ડન સિન્થિયા! વી આર પ્રાઉડ ઑફ યુ.’’

‘મૅમ, જરાક મેઈકઅપનું ટચઅપ કરી લઈએ?’ મેઈકઅપ આર્ટિસ્ટના વિનમ્ર અવાજથી તેની વિચારમાળા તૂટી. સિન્થિયા આજે અસ્વસ્થ હતી. ભલભલા ઝંઝાવાતો સામે ટટ્ટાર ટકી શકેલી સિન્થિયા આટલી નાની વાતથી ડરી જાય એટલી કમજોર તો નહોતી જ, પણ આજની કશમકશ અનોખી હતી. એનાં મનમાં વિચારોનું ઘમસાણ મચ્યું હતું.

‘હું મારી અભિવ્યક્તિમાં ખરી ઊતરી શકીશ? ચામડી ઉતરડીને મારી જાતને ખુલ્લી મૂકી શકીશ? દુનિયાની આંખમાં આંખ નાખીને એકરાર કરી શકીશ કે, હા! આ હું છું! કોઈ પણ જાતના આડંબર વગરની, જેવી છું તેવી જ, સો ટચના સોના જેવી સચ્ચાઈથી વ્યક્ત થતી હું!

લાગણીઓના કોલાહલ વચ્ચે ઊંડેઊંડેથી શાંત અવાજ ઊઠતો હતો: ‘જીવનમાં કશુંય અશક્ય નથી. જો દિલમાં સચ્ચાઈ હશે, અને તેને બહાર લાવવાનો મક્કમ ઈરાદો હશે, તો એ ચોક્કસ શક્ય બનશે.

મિનિટોમાં રજૂ થનાર કાર્યક્રમ માટે તેણે આંખો લૂછી, પોતાની જાતને ‘ઑલ ધ બેસ્ટ’ કહ્યું અને મનમાં છુપાયેલા મક્કમ નિર્ધાર સાથે મેઈકઅપનું ટચઅપ કરાવવા ઊભી થઈ.

આજનો કાર્યક્રમ તે લાઈવ રજૂ કરવાની હતી. પહેલી પાંચ મિનિટમાં પાંચ વર્ષની પ્રવૃત્તિઓના સરવૈયું દર્શાવતી ઝલક સાથે લેઝર-લાઈટ્સની રંગારંગ પ્રસ્તુતી દરમિયાન આખો સ્ટાફ મંચ પર આવી દર્શકોનું અભિવાદન કરવાનો હતો.

ત્યાર બાદ સરપ્રાઈઝ તરીકે જાહેર થયેલ કાર્યક્રમમાં તે પોતાની આત્મકથા માંડવાની હતી. આજે શ્રોતા તરીકે સમાજની અનેક પ્રતિષ્ઠિત અને સફળ વ્યક્તિઓને આમંત્રણ અપાયાં હતાં. જેમાંથી એક ગોવિંદઅંકલ પણ હતા.

શ્રોતાઓની ગોઠવણી ચેક થઈ ગઈ. એમનું બ્રિફિંગ તો ક્યારનુંય પતી ગયું હતું. સ્ટુડિયોના સિગ્નલ ઝબૂકવા લાગ્યા. બૅકગ્રાઉન્ડ મ્યુઝિક આપનારી ઑરકેસ્ટ્રા ટયૂન્ડઅપ હતી. મુંબઈ શહેરની જાણીતી ફેશન ડિઝાઈનરે ડિઝાઈન કરેલ સિન્થિયાનો પોષાક આધુનિક પણ સલૂકાઈભર્યો હતો.

સાટીનસ્ટીચમાં હેન્ડ એબ્રોડરી કરેલ કૅપ સ્લીવ્ઝવાળા સિલ્કના બ્લાઉઝ સાથે પ્લેઈન શીફોનની સાડીમાં સજ્જ સિન્થિયા શાલીન દેખાઇ રહી હતી. ખભા પર ઝૂલતા એના સ્ટ્રેઈટ સિલ્કી વાળ અને ગળામાં મેચિંગ સ્ટોનની મોટા પારાની માળા બધું જ સોહામણું હતું; પણ એની આંખોની ચમક એ બધાં કરતાં ચડિયાતી હતી.

ફાઈવ..ફોર..થ્રી..ટૂ..વન..! ઇન્ડો-વેસ્ટર્ન ફ્યૂઝનવાળું સોફ્ટ ટાઈટલ મ્યુઝિક શરૂ થયું. નમસ્તેની મુદ્રામાં ચાલી આવતી સિન્થિયાને શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી વધાવી. તાળીઓના અવાજ સાથે લાઈટ બ્રાઈટ થતી ગઈ. સ્ટેઈજની મધ્યમાં પહોંચી ત્યારે ઝૂકીને નમસ્કાર કરતાં તેણે ફરી એક વાર સૌનું અભિવાદન કર્ય઼ું.

‘હૅલો વ્યૂઅર્સ! આ પાંચ વર્ષમાં આપ સૌએ જે સ્નેહ વરસાવ્યો છે, એ મારે મન કેટલો કિંમતી છે, એ શબ્દોમાં સમજાવી શકું તેમ નથી. ફોર ઑલ ધ લવ યુ શાવર્ડ ઑન મી, આય એમ ગ્રેટફુલ ટુ યુ. આજે બસ, એટલું જ કહીશ કે, મેં તમને સૌને અને આ ભૂમિને ખૂબ પ્રેમ કર્યો છે. આય લવ ધીસ લૅન્ડ! અને આપ સૌએ તથા આ દેશે મને જે આપ્યું છે તે મારે મન પ્રાઈસલૅસ છે.

આ સેક્રૅડ સ્ટેઇજ ઉપરથી બહુ રિસ્પોન્સિબલી વચન આપું છું કે, હંમેશા હું એ સ્નેહને લાયક બની રહેવા પ્રયત્ન કરીશ. છેલ્લા ઘણા સમયથી મને જર્નાલિઝમની તથા લાઈફની મારી સફર વિશે પૂછતા પત્રો મળી રહ્યા છે. મને એમ જ લાગતું, કે મારા જીવનમાં એવું તો શું સ્પેશ્યલ અથવા અમેઝિંગ છે, કે કોઈને એમાં રસ પડે? પણ હા, આપનો આગ્રહ વધતો ગયો, તેમતેમ હું અનુભવતી ગઈ કે, જે રસ્તો મેં પસંદ કર્યો એ જરાક જુદો હતો અને ચેલેન્જિંગ હતો.

આ એક કારણથી, જીવનના એક ટર્નિંગ પોઈન્ટ પર અચાનક લેવાઈ ગયેલા નિર્ણયની વાત તથા એના પર અટલ રહેવાના મારા સ્ટ્રગલની વાત કરવાની ઈચ્છા મનમાં જાગી.

લાઈફ ઑર્ડિનરી હોય કે એક્સટ્રા-ઍાર્ડિનરી, પોતાના વિશે વાત કરવી અઘરી છે. જો ખરેખર સાચું બોલવું હોય તો ચામડી ઊતરડીને આપી દેવા જેટલી અઘરી વાત છે આ. પણ આજે મેં એ અઘરી વાતને સહેલી બનાવવાનો નિર્ણય કર્યો છે. મે આય ટ્રાય?

આત્મકથા તો જન્મથી શરૂ થાય. અમેરિકાના ખુશનૂમા આબોહવાથી બ્લૅસ્ડ કેલિફોર્નિયા સ્ટેટમાં સુખી સંપન્ન મોટેલિયર મૉમ-ડૅડને ત્યાં મારો જન્મ. બધાંનું હોય તેવું હૅપ્પી-હૅપ્પી બાળપણ મારું પણ હતું.

આજથી 45 વર્ષ પહેલાં ઇન્ડિયાના દક્ષિણ ગુજરાતના નાનકડા ગામડાંથી અમેરિકા જઈ વસેલાં મારાં પ્રેમાળ મૉમ-ડૅડ બહુ ભણેલાં નથી, પણ જમાનાથી આગળનું વિચારી શકે તેટલાં મોડર્ન છે.

યુ નૉ, ધે આર મચ મચ અહેડ ઑફ ધેર ટાઈમ. અને એ બંને ઇન્ડિયાને ખૂબ ચાહે છે. ધે લવ ઇન્ડિયા અ લૉટ. એમના બ્લેસિંગ્સ વગર એક સ્ટૅપ પણ હું માંડી શકી ન હોત. એક દીકરાને અથવા દીકરીને ભણવાની ને જીવનમાં આગળ વધવાની જે તકો મળવી જોઈએ તે તમામ મારા મૉમ-ડૅડે મને આપી.

અમેરિકામાં જન્મી ને ત્યાં જ મોટી થઈ, બટ એ બંનેએ મને મારાં મૂળથી અને મારાં પૂર્વજોની આ ભૂમિના સંસ્કાર તથા સંસ્કૃતિથી પરિચિત રાખી. ગુજરાતી ભાષા બોલી અને સમજી શકવું, ગુજરાતી રીતરિવાજો, વડીલોનું રિસપૅક્ટ, લાગણીથી બંધાયેલી વેલ-નીટ ફેમીલી ફિલિંગ, બધું જ મને વારસામાં મળ્યું.

મારો અમેરિકન પાસપોર્ટ આવ્યો, ત્યારે પહેલું કામ તેમણે મારાં ભારતીય મૂળને કારણે મળી શકતું ઓ.સી.આઈ. કાર્ડ – ભારત માટેની મારી ડયુઅલ સિટીઝનશીપ ઍપ્લાય કરવાનું કર્ય઼ું.

હું ભારત વિશે એટલું બધું જાણતી હતી કે, પહેલી વાર ઇન્ડિયા આવી, ત્યારે મને જરાય અજાણ્યું ન લાગ્યું. હાઉ થૉટફૂલ ઑફ ધેમ! અને મને અહીં વૅલકમ કરનાર ગોવિંદઅંકલને હું કેમ ભૂલી શકું?

ઇન્ડિયામાં મારું કામ કરી શકું તે માટે અંકલ ઑલવેઝ મારી સાથે રહ્યા. મારા ડૅડના બેસ્ટ બડી ગોવિંદ અંકલ. આજે મને બ્લેસ કરવા અહીં ખાસ હાજર રહ્યા છે. અને એમણે મને પ્રૉમિસ કર્ય઼ું છે કે, પહેલા બે એપિસોડમાં તેઓ મારી સાથે રહેશે. અંકલ પ્લીઝ ઊભા થશો જરાક? મારે મારા વ્યૂઅર્સ સાથે તમારી ઓળખાણ કરાવવી છે.’

ગોવિંદ પટેલ જરાક સંકોચ સાથે ઊભા થયા. લોકોએ તેમને તાળીઓથી વધાવ્યા. ‘લવ યૂ અંકલ!’ કહેતાં સિન્થિયાએ હાથ હલાવીને તેમનો આભાર માન્યો. સિન્થિયા બોલતી હતી તે દરમિયાન એના અમેરિકાના આલિશાન ઘરના, બાળપણના, સ્કૂલના, કુટુંબના, વગેરે ફોટા, તો ક્યારેક નાનકડી વિડિયો – એવું બધું મોટા બૅકગ્રાઉન્ડ સ્ક્રીન પર દેખાતું રહ્યું.

તાળીઓનો ગડગડાટ શમ્યો ત્યારે સિન્થિયાનો ચહેરો જરાક ગંભીર બની ગયેલો દેખાયો. ધીમા પણ સ્થિર અવાજે એ બોલતી રહીઃ

‘હું માનું છું કે, મારી ખરી જિંદગી શરૂ થઈ યુ.સી. બર્કલી યુનિવર્સિટીમાં. આય ઍમ ઍન્ડ વીલ બી ઑલવેઈઝ પ્રાઉડ ઑફ બિઈંગ અ બર્કલાઈટ. શી ગૌરવશાળી એની પરંપરાઓ અને કેવા તેજસ્વી એના શિક્ષકો!

ત્યાં અમને જર્નાલિઝમનું બૅસ્ટ એજ્યુકેશન તો મળતું જ પણ સાથેસાથે જીવનના પાઠ પણ ભણવા મળતા. યસ, ઇનક્રેડિબલ લેસન્સ ઑફ લાઈફ! અમારાં સૌનાં મનમાં એક જ ધૂન સવાર રહેતીઃ આ વિશ્વને બહેતર બનાવવા માટે મહેનત કરવાની છે. તનતોડ મહેનત. એવું કાંઈક કરી છૂટવાનું છે કે યુનિવર્સિટી અમારા માટે પ્રાઉડ ફીલ કરે.

વર્લ્ડના બેસ્ટ રિનાઉન્ડ પીપલ અમારી યુનિ.ના એલમનાયમાં છે. આપણું નામ એમની સાથે મૂકાય ત્યારે આપણે એને લાયક હોવું જોઈએ. વી મસ્ટ બી વર્ધી ઑફ ઈટ. બસ, એ ડ્રીમ સાથે અમે સૌ દિલ દઈને અભ્યાસ કરતાં.

ત્યાં મને એક ખાસ સાથીદાર મળ્યો. કોસ્ટયૂડન્ટ, ફ્રેન્ડ, વેરી સ્પેશ્યલ ફ્રેન્ડ, જે કહો તે. એનું નામ નહીં કહું. એની સાથેના મારા સંબંધને પણ કોઈ નામ નહોતું આપી શકાયું. આજે તો એટલું જ કહીશ કે, આય મીસ હીમ… આય મીસ હીમ ટૂ મચ! આજે મને એ બહુ યાદ આવે છે.

તે દિવસોમાં અમને ઇન્વેસ્ટિગેટીવ જર્નાલિઝમ ખૂબ ગમતું. ભલભલી વગદાર વ્યક્તિઓ, ભલભલા ક્રાઈમ નેટવર્ક્સ, મોટીમોટી સંસ્થાઓ, જ્યાંથી પણ થ્રીલિંગ સ્ટૉરી મળે, એ શોધી કાઢવા અમે તત્પર રહેતા. અમારા પ્રૉફેસરોના કામથી અમે ખૂબ ઇન્સપાયર્ડ અને ઇમ્પરેસ્ડ હતા. મારો એ ફ્રેન્ડ ખૂબ હિમ્મતવાળો હતો. એ કાયમ કહેતો,

‘જો કોઈ ખોટું કરશે, અને મારા ધ્યાનમાં આવશે તો હું ભલભલા ચમરબંધીને છોડીશ નહીં. જિંદગીમાં મારે કાંઈક કરી છૂટવું છે. ગમે તો ભોગે હું સત્યને બહાર લાવીશ.’

હું હસતા ચહેરે એની વાતો સાંભળતી. જોશ તો મારા દિલમાં પણ એટલું જ હતું. ‘સાથે મળીને સનસનાટી મચાવવી છે કે, એકબીજાંની કૉમ્પિટીશન કરવી છે?’ હું એને ચીડવવા પૂછતી.

‘સચ્ચાઈ શોધવા માટેની હેલ્ધી કૉમ્પિટીશન કરશે તો હું પ્રેમથી હારવાનું પસંદ કરીશ, પણ જો તું જુઠ્ઠાણાના પક્ષે ઊભેલી દેખાઈશ, તો તારી કે આપણા સંબંધની શેહશરમ હું નહીં જ રાખું!’

મારી મજાકનો એકદમ ગંભીર જવાબ એના તરફથી મળતો. ઓહ, જોશ અને ઉત્સાહના એ વરસો કેટલા વન્ડરફૂલ હતા! આજે હું ધારું તોય મારો અવાજ, મારી ઝલક એના સુધી પહોંચાડી શકતી નથી. આય એમ મિસિંગ હીમ.. મિસિંગ હીમ ટ્રિમેન્ડસલી!!!’

વાયોલીન પર હળવું સંગીત વાગવા લાગ્યું. સિન્થિયાના ચહેરા પર છવાયેલી ઝળઝળિયાં ગૂંથેલી ઉદાસીની લકીરો ઝાંખા થતા જતા અજવાસમાં ઓગળતી ગઈ…

(ક્રમશ:)

Leave a Reply to દિનેશ ડોંગરે નાદાનCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

3 Comments

    1. આદરણીય દિનેશભાઈ, આપ જેવા વિદ્વાન કવિ આ કૃતિ વાંચે એ મારું સદ્ભાગ્ય. આભાર.

    2. આદરણીય દિનેશભાઈ, આપ જેવા વિદ્વાન કવિ આ કૃતિ વાંચે એ મારું સદ્ભાગ્ય છે. આભાર. ભારતી રાણે.