|

ચોમાસું  ~ (ઉડિયા વાર્તા) ~ મૂળ લેખકઃ પ્રદોષ મિશ્ર ~ અનુવાદઃ ડૉ. રેણુકા શ્રીરામ સોની

(આ વાર્તા વાંચીને મન “સુન્ન” થઈ ગયું..! એકવીસમી સદીમાં આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં બે-ત્રણ દિવસે, એક ટંક પેટની ભૂખને સંતોષવા માટે માણસોને મથવું પડતું હોય ત્યારે  કહેવાતા સુખી લોકોને  માનઅપમાન, રાગદ્વેષ કે ગમા-અણગમા અથવા એકમેક પર સરસાઈ સાબિત કરવા માટે “Passive-Aggressive” – ‘મેણાં-ટોણાં’ મારતાં જોવાનું કેટલું બાલિશ અને અર્થહીન લાગે છે...! “સુખના આફરા”નું દુઃખ લઈને જીવતાં દરેકે આ વાર્તા વાંચવી રહી..!

ચોમાસું 

બન્ને ઘરની અંદર ચૂપચાપ બેઠા હતા. કોઈના મોંમાંથી એક શબ્દ નીકળતો નથી. આખું ઘર શાંત હતું. ખાલી છાપરા પર પડતા ધોધમાર વરસાદનું અવાજ સંભળાતો હતો. બન્ને લાચારીથી છાપરામાં થી ઠેરઠેર ચુવાતાં પાણી લાચારીથી જોઈ રહ્યાં હતાં.

પહલો ઘરનો દરવાજો ખોલી બહાર આવ્યો. આજે પણ ધોધમાર વરસાદ પડે છે. થોભવાનું નામ નથી લેતો. છેલ્લા ત્રણ દિવસથી આ હાલત છે. તેણે મોં ઊંચું કરી આકાશ તરફ નજર નાખી. આખું આકાશ વાદળાંથી ઘેરાયેલું હતું. વાદળાંઓ વચ્ચે તસુભાર જગ્યા નથી. બે દિવસથી વરસાદ પડે છે, આજે પણ થંભશે નહીં એવું લાગે છે.

તે ઝાંપલી ખોલી અંદર આવ્યો. સાવી પાસે ઢીંચણ ભેર બેઠો. બન્ને છોકરાં હજુ ઊંઘે છે. કાલે રાતે માંડિયાની રાબ પી સુઈ ગયા હતા. ઘરમાં બીજું કંઈ હતું જ નહીં ને. શું કરે?

પખાળ તોરાણી (વાસી ભાતમાં નાખી રાખેલું પાણી) પણ હતું નહીં. પોતે તો સરગવાના પાંદડાં બાફીને ખાધા હતા. સાવીના પેટમાં તો એક દાણો પડ્યો નથી. કોઈના ઘેર કામ કરી જે લાવે એ પણ બન્ને છોકરાંને ઓછું પડે.

પહલો કરે પણ શું? કોઈની પાસેથી માંગી ભીખીને એક દિવસ કે એક ટંક ચાલી જાય. તેના જેવા રોજ કમાઈ રોજ ખાનારા મજુરિયા માટે તો આવો વરસાદ કાળ છે. આજે ત્રણ દિવસ થયા તેને કામ  મળ્યું નથી. જે મજુરી મળે તેમાંથી એક દિવસ માંડ નીકળે. એમાં વળી આ વરસાદ ત્રણ દિવસથી એકધારો વરસે છે.

પહેલા દિવસે શેઠના ઘરેથી થોડી કણકી માંગી લાવ્યો હતો. તેમાં એક દિવસ ગમે તેમ નીકળી ગયો. ત્યારે પણ કામ કરશે એમ કહી આગોતરી મજૂરી લઈ આવ્યો હતો. કરે પણ શું? એની પાસે બીજો કોઈ ઉપાય ન હતો.

માંગવું પણ કોની પાસે? ગામમાં મોટે ભાગે તેના જેવા મજુરીયા છે. આપી શકે એવી કોઈની સ્થિતિ નથી. જે થોડાં ઘણાં પહોંચતા પામતાં છે, તેમની પાસે કંઈ રોજરોજ તો મગાય નહીં. પહલો બિચારો શું કરે? એને હતું કે આજે વરસાદ થંભશે તો શેઠને ત્યાં જઈ કંઈ કામ માગશે. પણ વરસાદ તો જાણે જીદે ચડ્યો છે. આજે હવે નકોરડો ઉપવાસ થશે.

બન્ને છોકરાં હજુ નિશ્ચિંત બની ઊંઘે છે. તેમના છાતી અને પીઠ એક થઈ ગયા છે. હમણાં ઉઠીને ખાવા માગશે. પહલો સરકીને સાવી પાસે બેઠો. તેના ઢીંચણ જોડે ઢીંચણ અડાડી બેઠો. તેનું કરમાયેલું સુંદર મોં ઊંચું કરી બોલ્યો, “સાવી, મારાથી કંઈ નહીં થાય! તું જ કંઈ કર.”

સાવીએ કહ્યું, “શું કરું? ક્યાં જઉં? મુઓ વરસાદ નડે છે. કોની પાસે જઈ હાથ ફેલાવું?”

“સાવી, તું રઘુઆ બ્રામણ પાસે જા! ફરી એક વાર જઈને માંગી તો જો. “

“ના ભાઈ ના, તેની વાત તો કરતો જ નહીં! કાલે એના ઘરે ગઈ હતી. બાપરે! તેની આંખો જોઈને જ મને બીક લાગે છે. છરીની જેમ શરીરને વીંધી નાખે. કાલે મને અંદર બોલાવી લઈ ગયો. મારા ખભે હાથ મૂક્યો.

બોલ્યો, “વરસાદ ભલે વિતાડે. તું મારી પાસે આવી જજે. હું તને ભૂખી રહેવા નહીં દઉં. તારું સુંદર મોં નહીં કરમાવા દઉં. મારો ખભો દબાવ્યો. તેનો હાથ વધારે નીચે સરકે તે પહેલા હું દોડી નાઠી. તે નીચ કુતરાએ પાછળથી બૂમ પાડી. પોતાની બૈરીને થોડી કણકી આપવાનું કહ્યું. શું કરું ? મજબુરીથી લીધી. ફરી મને ત્યાં કેમ ધકેલે છે?”

પહલાના મનમાં શું થયું કોણ જાણે, તે કંઈ બોલ્યો નહીં. એને થયું કે પોતે જો પોલીસ હોત તો રઘુઆ બ્રાહ્મણને જેલમાં નાખી ચક્કી પીસાવત. કે પછી વકીલ હોત તો તેને ફાંસીએ ચડાવત. પણ હાય! તે પહલો છે. ગરીબ મજૂર, પહલો….! રઘુઓ તેનો માલિક છે. અને પોતાની હેસિયત પણ શું છે?

પહલાએ સાવીને કંઈ કહ્યું નહીં. ઢીંચણમાં મોં છુપાવ્યું. પછી તાળનો ટોપો માથે મૂકી બહાર નીકળ્યો. વરસાદ થંભ્યો ન હતો, પણ તેનો પ્રકોપ ઓછો થઈ ગયો હતો ખરો. આકાશ પણ આછા ભૂરા રંગનું દેખાતું હતું.

પહલાને કામ મળી ગયું. સનેઈ માસ્તરના ખેતરમાં પાળ બાંધવાનું. માસ્તરે જોયું કે પાળ તૂટી ગઈ છે અને ખેતરમાં પાણી પેસી જાય છે. આવા ભારે વરસાદમાં પાણીનું વહેણ એટલા જોરથી વહે છે કે એકલી માટીની પાળ કામ ન લાગે.

માસ્તર જાતે પાવડો કોદાળી લઈ મંડી પડ્યા. એટલામાં પહલો દેખાયો. એને કામે લગાડી માસ્તર ઘરે ગયા. પહલો આજુબાજુથી માટી, કાદવ ભેગા કરી પાળ પર નાખવા માંડ્યો. પણ પાણીનો વેગ એટલો બધો હતો કે પાણી રોકાતું નથી.

પહલો હાર મને એવો નથી. માસ્તરનું ખેતર બચાવવું પડશે. મુશ્કેલીમાં તેઓ ઘણા કામ આવે છે. તેણે ટોપો બાજુ પર મૂકયો. કામ વખતે ટોપો આડો આવે.

પાણી અને માટીમાં તરબોળ થઈ તે મંડી પડ્યો. બાજુના બંધ પરથી ઊંચકી ઊંચકીને માટી લઈ આવ્યો. માસ્તરનું ખેતર મજબૂત કરી દીધું.

તે દિવસે સાવીએ નક્કી કર્યું, આજે કોઈ પાસે હાથ નહીં લંબાવે. અને તેને હવે આપે પણ કોણ? બધાં પાસે તો લઈ આવી છે. કાલથી તેના પેટમાં અન્નનો દાણો ગયો નથી. છોકરાંના પેટમાં થોડી રાબ પડી છે.

તેણે છોકરાંને થાબડ્યા. “છોકરાઓ થોડી ધીરજ ધરો.  સાંજે ગરમ ભાત ખાજો. આજે મજૂરી મળી છે. ઉપવાસ નહીં કરવો પડે. આપણે રહ્યાં મજૂરિયા. ભૂખા રહેવાની આપણે ટેવ હોય. કોઈક દિવસ અડધા ભૂખ્યા તો કોઈ દિવસ પૂરો ઉપવાસ રહેવાથી આપણે કંઈ થાય નહીં. ભૂખ જોડે લડવાની આપણને ટેવ પડી ગઈ છે.”

પછી સાવીએ બે સૂકાં લાકડાં ભેગા કર્યા. ચૂલો સળગાવવો પડશે. ઘરમાં ટીપું કેરોસીન નથી. ચીમની નહિ બાળીએ તો ચાલશે. અને ભૂખ જોડે અજવાળાંને શું લેવાદેવા? છોકરાં સમજુ હતાં. બહાર કાદવ માટીમાં રમવા જતાં રહ્યાં.

સાવી ગોદડી પર ઊંધી પડી પડી પહલાની રાહ જોવા લાગી. પાણીથી લથપથ પહલો ઘરમાં પેઠો. ગમછો નીચોવી તેનાથી પોતાનું શરીર લૂછ્યું.

સાવીએ કહ્યું “ભીનો થયો છે તો દુકાનમાંથી ચોખા લાવ્યો નહીં? ફરીવાર ભીંજાઈશ? પહેલા એ બાજુ જોયું નહીં. કોરું કપડું વીંટી ભીનું કપડું છાપરા પર નાખ્યું.

સાવીની વાત એક કાનેથી સાંભળી બીજા કાને કાઢી નાખી. એ પછી થાકીને ગોદડી પર બેઠો. સાવી તેની પાસે આવી, તેના માથા પર હાથ એરાવ્યો. પૂછ્યું, “મજુરી ના લાવ્યો? પહેલે જવાબ આપ્યો નહિ. ગુમસુમ બેસી રહ્યો.

એ પછી આખી માલિક જાત પર ઉકળી ઉઠ્યો. સાવીનો હાથ ઝાટકી બોલ્યો, “સાવી, આ માલિકોના પેટમાં ભૂખ નથી હોતી. એટલે જ પેટની પીડા એમને સમજાતી નથી. એ લોક શોખથી ખાય છે, મોંના સ્વાદ માટે ખાય છે. પેટ  માટે નથી ખાતા, એટલે પેટની વાત એમને સમજાતી નથી. આપણે પેટ માટે ખાઈએ છીએ. એટલે જ આપણે મોં બંધ રાખવું પડે છે. સનેઈ માસ્તરે મજૂરી ન આપી. આગોતરા મજૂરી લીધી હતી  એમાં પૈસા વાળી લીધા.”

સાવી ધબ કરતી નીચે બેસી પડી. પહલા પર ઢળી પડી. આટલી ઠંડીમાં પણ પહલાનું શરીર ગરમ હતું.

પહલાએ જોયું આકાશમાં ફરી વાદળ ઉમટી આવ્યા. પવન જોરથી ફૂંકાય છે. વરસાદ ફરી પડશે એવું લાગે છે. તેણે ધીરેથી બૂમ પાડી, “સાવી”.

“હું…. ”

“આજે ફરી ઉપવાસ થશે?”

“શું કરીએ ?”

“છોકરાં ભૂખા રહી શકશે? હું શું ક’ઉં છું, તું રઘુઆ બ્રાહ્મણને ત્યાંથી ચોખા માગી લાવ ને. ”

“બાપ રે! તેની આંખો જોઈને જ મને બીક લાગે છે. જાણે હમણાં મને આખેઆખી ગળી જશે. તેની આંખોમાં ખુબ તાપ છે. અને તેના સખત હાથ…”

“પણ ભૂખના તાપથી તો ઓછો હોય છે. ભૂખ તો આપણે બધાંને બાળી નાખશે. સાવી, ભૂખનો પંજો તો એના હાથથી પણ સખત છે.”

“તો પછી તું શું કહે છે…”

પહલો ચૂપ રહ્યો. સાવી ગોદડી પરથી ઊભી થઈ. ઝાંપલી ખોલી ધીમે પગલે બહાર નીકળી.

તે દિવસે પહલાના ઘરે ભાત રંધાયા. બધાંએ અંધારામાં ખાધું. પ્રકાશ ન હતો, એટલે કોઈ એકબીજાને જોઈ નહોતાં શકતા. પણ, ખાવાના બદલે, સાવી સફેદ ભાત પર આંગળીથી લીટા કરતી હતી….!!!
***

(મૂળ લેખક પ્રદોષ મિશ્રનો પરિચય: પ્રદોષ મિશ્ર (૧૯૫૧).  જન્મસ્થળ: ગામ તરાડીગ, આઠગઢ જિ, કટક. વાર્તાકાર, નવલકથાકાર. કૃતિ: શીતરાણી, આકાશકુ રાસ્તા, આમ ગાં કેડે નાં, મુક્તિ પથ, એમિતિ બી હુએ, સુના હરિણ, વગેરે. ૧૮ વાર્તાસંગ્રહ: સુબ્રત, સમયાન્તર, મણિષ અમણિષ. વગેરે. ૧૦ નવલકથા. પુરસ્કાર: નીળચક્ર, બેદબ્યાસ, સારળા સન્માન, વગેરે.)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment