|

વિશ્વપ્રવાસી ગણપતિ (અભ્યાસ લેખ) ~ પૂર્વી મોદી મલકાણ

 

गजाननं भूतगणादि सेवितं
कपित्थ जम्बू फलचारुभक्षणम्।
उमासुतं शोकविनाशकारकं
नमामि विध्नेश्वरपादपंकजम्।।

लम्बोदरं परम सुन्दर एकदन्तं पीताम्बरं त्रिनयनं परमंपवित्रम्।उद्यद्धिवाकर निभोज्ज्वल कान्ति कान्तं विध्नेश्वरं सकल विध्नहरं नमामि।।

અર્થ:- જેમની સેવામાં સર્વે ભૂત અને યક્ષ ગણો તત્પર રહે છે, જેઓ જાંબુનાં ફળોને અત્યંત રુચિપૂર્વક આરોગી રહ્યા છે, જેઓ જીવનમાંથી શોક-સંતાપને દૂર કરનારા છે તે ગિરિજાનંદન શ્રી ગણેશ-વિઘ્નેશ્વરાયગણપતિને હું નમન કરું છું.

જેઓ લંબોદર હોવા છતાં અત્યંત સુંદર અને મનને મોહિત કરનારા અને સૂર્ય સમાન કાંતિવાળા છે, જેઓ પીળા પીતાંબરને અને કમળ સમાન વિશાળ નેત્રોને ધારણ કરનારા છે, જેઓ એકદંત તરીકે ઓળખાય છે તે વિઘ્નહારી વિઘ્નેશ્વરાય ગણપતિના ચરણમાં હું પ્રણામ કરું છું.

પિતામહ બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી તે જ સૃષ્ટિનાં એક ભાગ રૂપે માનવોની પણ રચના કરી. જેઓ એક જૂથ બનાવીને રહેવા લાગ્યાં. આ જ જૂથમાં રહેલા માનવોએ સામાજિક, આર્થિક, કૃષિ, કળા વગેરે સંબંધિત થતી સમસ્યાઓને પહોંચી વળવા માટે પોતાની તમામ શક્તિઓની કામે વળગાડી, જેને કારણે સમસ્યાઓમાંથી તેમને ક્યારેક સફળતા મળતી અને ક્યારેક ન મળતી.

તેથી આ સમસ્યાઓને દૂર કરવા માટે તેમણે કુદરતની સૃષ્ટિ પર અને સૃષ્ટિની રચયિતામાં ભાગ ભજવતાં એવા દેવી દેવતાઓ પર વિશ્વાસ અને શ્રધ્ધા રાખવી પડી.

આ કારણે આ દેવી દેવતાઓની સાથે જોડાયેલા વિવિધ ધર્મોનો પણ પ્રાદુર્ભાવ થયો, પણ શ્રી ગણેશનો ક્યાંય ઉલ્લેખ ન થયો. કારણ કે તેઓ બ્રહ્માજીની સૃષ્ટિનાં બધાં જ ધર્મોમાં માન્ય રહ્યા હોવાથી તેમનો પોતાનો કોઈ સ્વતંત્ર ધર્મ ઉદ્ભવ્યો નહીં.

આમ થવાને કારણે કેટલાક બ્રાહ્મણોએ અને વિદ્વાનોએ શિવપુત્ર ગણેશને વૈદિક દેવતાના રૂપમાં પ્રાધાન્ય આપ્યું નહીં. ઋગ્વેદનાં મંડલસુક્ત ૨૫, મંત્ર ૨ માં ગણપતિનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે; તેઓ ઇન્દ્રિયજ્ઞાનના નેતા, વાણીના અનુગામી અને કર્મના માર્ગદર્શક છે.

गणानां त्वा गणपतिं हवामहे
कविं कवीनामुपमश्रवस्तमम्।
ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत
आ नः शृण्वन्नूतिभिः सीद सादनम्॥

અર્થ:- મે તને (હે) ગણપતિ, ગણોના નેતા તરીકે સંબોધીએ છીએ. તું કવિઓમાં શ્રેષ્ઠ અને યશવંત છે. તું બ્રાહ્મણો અને વિદ્વાનોનો રાજા છે. ( હે બ્રહ્મણસ્પતિ ) અમારું શ્રવણ કર, અને અમારી સાથે સહાયતા માટે તું અહિ આવ. 

પરંતુ ઋગ્વેદની તૈત્તરીય શાખામાં (૧૫૦૦ થી ૧૨૦૦ ઈસા પૂર્વે) ગણપતિ શબ્દનો વારંવાર ઉપયોગ કરતાં કહેવાયું છે કે બ્રાહ્મણોમાં જે બૃહસ્પતિ છે તેમનું નામ ગણપતિ છે. જે ગુરુઓના ગુરુ છે અને શિવગણોના ગણસ્વામી સાથે જ્ઞાનેન્દ્રિય શક્તિનો સ્વામી છે, પણ સ્પષ્ટ રૂપે ભગવાન ગણેશ તરીકે ઉલ્લેખ થયો નથી.

પરંતુ બીજી દ્રષ્ટિ મુજબ એ સમયમાં ગણપતિ તરીકે જે સ્તુતિ થાય છે, તે ગણેશનું જ પ્રાચીન બીજરૂપ છે, જે પાછળથી વધુ વિકસ્યું. ઋગ્વેદ કરતાં પણ વધુ સ્પષ્ટ રીતે યજુર્વેદ અને અથર્વવેદમાં ગણપતિનો વધુ સ્પષ્ટ ઉલ્લેખ છે. ગણપતિ અથર્વશીર્ષમાં આ પ્રસિધ્ધ મંત્ર કહે છે કે; 

त्वं ब्रह्मा त्वं विष्णुस्त्वं रुद्रस्त्वं इन्द्रस्त्वं अग्निस्त्वं वायुः। त्वं गणपतिर्म्

અહીં ગણપતિને સર્વ દેવતાનો સ્વરૂપ તરીકે ઓળખાવાયું છે – જેને આજે આપણે શાસ્ત્રીય ગણેશ તરીકે ઓળખીએ છીએ.

“एकदन्तं महाकायं तं विघ्नेश्वरमीश्वरम्।
सर्वसिद्धिप्रदं देवं तं वन्देऽहं गणाधिपम्॥

શારદા તિલક તંત્રનો આ બહુ પ્રસિદ્ધ શ્લોક છે જેમાં ગણપતિની સ્તુતિ કરતાં કહ્યું છે કે; એકદંતવાળા, વિશાળ શરીરવાળા, વિઘ્નોનાં નાશક, સર્વસિદ્ધિઓને આપનાર એવા ઈશ્વરરૂપ દેવ  ગણપતિને હું વંદન કરું છું.”

(આ શારદા તિલક તંત્રની રચના લક્ષ્મીધર ભટ્ટે ૧૧ -૧૨ મી સદીમાં કરેલી. કેટલાક વિદ્વાનો આ ગ્રંથને કાશ્મીરી તાંત્રિક પરંપરા સાથે સાંકળે છે. )

શારદા તિલક તંત્રની જેમ ૯ થી ૧૨ મી સદી વચ્ચે લખાયેલ મહાર્ક તંત્ર ગ્રંથમાં શાક્ત તાંત્રિક ગ્રંથમાં ગણપતિને કાલી, ચંડી વગેરે દેવીઓ સાથે સાંકળતા કહ્યું છે કે;

लम्बोदरं एकदन्तं विनायकं विघ्ननाशनम्।
रक्तवर्णं महाबाहुं सर्वसिद्धिप्रदायकम्॥

અર્થાત:- અહીં ગણપતિનું વિશિષ્ટ ધ્યાન કરતા કહ્યું છે કે તેઓ રક્તવર્ણી, ચતુરબાહુ, વિઘ્નવિનાશક છે. આ ગ્રંથમાં ગણપતિ યંત્રનું સ્થાપન પણ કરવામાં આવ્યું છે તે જ રીતે ગણપતિ ઉપનિષદમાં ગણપતિ બીજ મંત્ર ॐ नमस्ते गणपतये। त्वमेव प्रत्यक्षं तत्त्वमसि। ॐ गं गणपतये नमः।” નો ઉલ્લેખ થયો છે. આ મંત્રમાં “गं” શબ્દને બીજાક્ષર તરીકે ઓળખવામાં આવ્યો છે.

 ઋગ્વેદથી પૌરાણિક ગણેશ સુધીનો વિકાસ:-

  • મંત્ર:ગણાનાં ત્વા ગણપતિં હવામહે…”
  • અર્થ: અહીં “ગણપતિ” એટલે “ગણોનો નેતા”, જે વિદ્વાનો દ્વારા બૃહસ્પતિ (અથવા બ્રહ્મણસ્પતિ) તરીકે ઓળખાય છે.
  • આ સ્વરૂપમાં ગણપતિનું કોઈ દંત, મૂષક કે હાથીનાં મસ્તકવાળું વર્ણન નથી.
  • ગુણો: બૌદ્ધિકતા, વિદ્વતા, નેતૃત્વ
અથર્વવેદ અને ઉપનિષદોમાં પરિવર્તન (ધાર્મિક સ્વરૂપ):-
  • ગણપતિ અથર્વશીર્ષ ઉપનિષદમાં ગણપતિને પ્રથમવાર સ્પષ્ટ દૈવી સ્વરૂપમાં દર્શાવતાં કહ્યું છે કે; “त्वं ब्रह्मा त्वं विष्णुस्त्वं रुद्रस्त्वमिन्द्रः… त्वं साक्षाद्ब्रह्माऽसि” અર્થાત તેમને “બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર” “ઋત, તપ, સત્ય”નું તત્ત્વ માનવામાં આવ્યું.
    (આ “ऋतं” શબ્દ ધાતુ “ऋ”માંથી આવે છે, જેને અર્થ થાય છે – ચાલવું, વિકસવું, અથવા સાર્વત્રિક નિયમ મુજબ આગળ વધવું. અહીં આ શબ્દ સર્વમૂળ સત્ય, બ્રહ્માંડનાં નૈતિક અને કુદરતી નિયમ માટે વાપરવામાં આવ્યો છે. દા.ખ.ત વેદકાળના ઋષિઓ માનતા કે બ્રહ્માંડ એક ઋતના નિયમથી ચાલે છે અને દેવતાઓ ઋતના પાલક છે તેથી ઇન્દ્ર, મિત્ર, વરુણ વગેરે દેવતાઓને “ઋતવાન” કહેવામાં આવ્યાં છે.)
  • ગણપતિને “એકદંત”, “લંબોદર”, “વિઘ્નહર્તા”, “મૂષકવાહન” તરીકે ઓળખાવા લાગ્યાં.
  • શિવ પરંપરા સાથે ગણેશનું જોડાણ થયું.
  • અર્થના સ્તર અનુસાર ઋત’:-
  • ૧) ભૌતિક અર્થ- દિવસ-રાત, ઋતુઓ, સૂર્યોદય-અસ્ત
  • ૨) નૈતિક અર્થ- સત્ય પર ચાલવું, ધર્મનાં પથ પર રહેવું
  • ૩) આધ્યાત્મિક અર્થ- બ્રહ્માંડની વ્યવસ્થા પાછળ રહેલ શાશ્વત તત્વ – સત્ય, તપસ્યા, અને બ્રહ્મ.
  • ઉપનિષદમાં ગણપતિના તત્ત્વરૂપ જોઈએ તો અર્થવ ઉપનિષદમાં જે બ્રહ્મ તત્ત્વ છે તેને પ્રણવ ઉપનિષદમાં “ૐ” છે જેને ગણપતિરૂપ માન્યું છે અને નાદનું સ્વરૂપ છે.
    જ્યારે સંહિતાઓ મુજબ જોઈએ તો, તૈત્તરીય શાખાના મુખ્ય ગ્રંથો જેમકે તૈત્તરીય સંહિતા, તૈત્તરીય બ્રાહ્મણ, તૈત્તરીય આરણ્યક તથા તૈત્તરીય ઉપનિષદનાં ગ્રંથોમાં શ્રી ગણેશજીનો સીધો અને સ્પષ્ટ ઉલ્લેખ મળતો નથી. પણ ક્યારેક ગણપતિ શબ્દ આવે છે તો તેનો અર્થ મુખ્યત્વે ગુણવંતોનાં નેતા તરીકે થાય છે અથવા ઇન્દ્ર, વરુણ, અગ્નિ વગેરે દેવોના પ્રમુખ તરીકે થાય છે, પણ તે ચોક્કસ “વિઘ્નહર્તા શ્રી ગણેશ” તરીકે નથી.દા.ત.
  • ૧) ઋગ્વેદ સંહિતામાં મંડલ ૨ સૂક્ત ૨૩ શ્લોક ૧-૩ માં કે છે કે; “गणानां त्वा गणपतिं हवामहे” અહીં “ગણપતિ” શબ્દ સ્પષ્ટ રીતે આવે છે.
  • ૨) અથર્વવેદ સંહિતાના મંડલ ૫ સૂક્ત ૧૮ શ્લોક ૧ માં કહે છે કે; “गणपते, गणानां तवमेव प्रमुखः” અગ્નિ, ઇન્દ્ર, બ્રહ્મણસ્પતિ જેવાં દેવતાઓની સાથે ગણપતિનું પ્રમુખ સ્થાન.
  • ૩) યજુર્વેદ સંહિતામાં સ્પષ્ટ નામ ઓછું પણ યજ્ઞવિધિમાં आ नो ब्रह्मणस्पते वक्षन्मा सुवि वीद्यवः। વિઘ્નહર્તા તરીકે. ( મંડલ ૨ સૂક્ત ૨૪ શ્લોક ૫ અને ૧૭.૨૩ )

વેદકાળ અને ગણપતિની મૂર્તિપૂજાનો પ્રારંભ :-
વેદકાળ (ખાસ કરીને સંહિતાકાળ) માં મૂર્તિપૂજાનું પ્રમાણ નબળું હતું. પણ ગણેશજીની જેમ મૂર્તિસ્વરૂપ દેવતાની પૂજા પૌરાણિક કાળમાં એટલે કે (૩૦૦ સદી ઈ. સ. પૂર્વેથી ૧૨૦૦ મી સદી ઈ. સ. પછી વધારે પ્રસિધ્ધ થઈ. આથી જ ગણેશ પુરાણ (છઠ્ઠીથી દસમી સદી) અને મુદ્ગલ પુરાણ (૮મી સદીથી ૧૨મી સદી)માં મૂર્તિપૂજાનું ચલણ અસ્તિત્ત્વમાં આવ્યું.

નૃત્ય મુદ્રામાં ૯મી સદીની પથ્થરની બનેલી મૂર્તિ
૬ઠ્ઠી સદીની પથ્થરની બનેલી મૂર્તિ
જેમની સૂંઢ અત્યંત લાંબી છે તેવા ઊભેલી મુદ્રામાં લડ્ડુ સાથે નૃત્ય કરતાં કાંસ્ય ધાતુના ગણેશ (ત્રિવેન્દ્રમ મ્યુઝિયમ ૨૦૨૩)
પંચમુખી હોવા છતાં જેના કેવળ ત્રણ મસ્તક જ દેખાય છે તે ૫ મી સદીના કાંસ્ય ધાતુના ગણેશજી (ત્રિવેન્દ્રમ મ્યુઝિયમ – ૨૦૨૩ ટૂરમાં લીધેલ ફોટો)

આશરે ૪૦૦ બી.સી.ઈ.થી ૪૦૦ એ.ડી.ના સમયમાં એટલે કે મહાભારત કાળમાં બ્રાહ્મણક ભગવાન વ્યાસનાં આગ્રહથી શ્રી ગણેશ લેખક બન્યાં છે તે કથા બહુ જાણીતી છે. પણ મહાભારત ગ્રંથનાં સમયથી ગણપતિએ પોતાનું અસ્તિત્ત્વ અને મહત્ત્વ બંને દર્શાવ્યાં છે, પણ આ સમયમાં તેમનું સ્થાન તમામ વિધિઓથી વિપરીત અને અનોખું છે.

પાંચમી સદી પછી સ્પષ્ટ રીતે શ્રી ગણેશનો ઉલ્લેખ થવા લાગ્યો. ૬ઠ્ઠીથી ૧૦મી સદીમાં શ્રી ગણેશ પુરાણ અને મુદ્ગલ પુરાણની રચના થઈ.

ગણેશ પુરાણમાં ધર્મની રક્ષા હેતુ શ્રી ગણેશનાં મહોત્કટ વિનાયક, મયૂરેશ ગણપતિ, ગણનાયક ગણપતિ, દૂર્મુખ વિનાયક એ ચાર અવતારોનું વર્ણન કરવામાં આવ્યું.

આ પુરાણનાં ઉપાસના ખંડમાં ભગવાન ગણેશના વિવિધ સ્વરૂપો, તેમનાં રંગો અને ઉપાસના પદ્ધતિઓનું વિગતવાર વર્ણન છે. જ્યારે મુદ્ગલ પુરાણમાં શ્રી ગણેશનાં આઠ સ્વરૂપ એક દૈત્ય સામે એક ગુણને પ્રતીકરૂપે દર્શાવે છે.

સાથે-સાથે આ પુરાણમાં આપની ઉપાસના, પૂજન, કથા, મંત્રો ઉપર ભાર પણ મૂકવામાં આવ્યો. અગર લોકજીવનની વાત કરવામાં આવે તો ગણપતિ હવે માત્ર એક ઋગ્વેદીય નાયક નહિ, પણ બધાના “વિઘ્નહર્તા”, “મોદક પ્રિય” દેવ બની ગયા છે, દરેક મંગલ કાર્ય પહેલાં તેમનું સ્મરણ થઈ રહ્યું છે, જે વેદકાળમાં નહોતું.

ગણનાયક ગણપતિનાં રંગની વાત કરવામાં આવે તો ગણેશ પુરાણ અને શિવ મહાપુરાણનાં આધારથી ગણપતિના લાલ અને લીલા રંગના સ્વરૂપો માન્ય છે, જે ભગવાનના ભિન્ન તત્વો – શક્તિ અને શાંતિનું પ્રતિક છે. જ્યારે તેમનો ઉલ્લેખ પુરાણોમાં આ રીતે જોવા મળે છે. દા..ત.

૧) ગણેશ પુરાણમાં ગણપતિનો જન્મ અવતાર અને ભક્તિનું વર્ણન કરેલ છે.
૨) શિવ પુરાણમાં પાર્વતી પુત્ર તરીકેનું સંબોધન અને ગજમુખ આવ્યાંનો ઉલ્લેખ છે.
૩) મુદ્ગલ પુરાણમાં ૮ વર્ણન કરવામાં આવ્યું છે.
૪) સ્કંદ પુરાણમાં વિઘ્ન વિનાશક અને તીર્થ સ્થાનોનું વર્ણન છે. 
૫) અગ્નિ પુરાણમાં તાંત્રિક પૂજન વિધિ અને મંત્રોનો ઉલ્લેખ છે..
૬) બ્રહ્મવૈવર્તક પુરાણમાં ભક્તિપૂર્વક વિઘ્ન નિવારણ કથાઓ છે.
૭) નારદ પુરાણમાં સ્તોત્રો અને નામ મહાત્મ્ય દર્શાવવામાં આવ્યું છે.
૮) લિંગ પુરાણમાં દેવોના પ્રિય નાયક તરીકે ઉદ્બોધન થયું છે.

મુદ્ગલ પુરાણ મુજબ આઠ સ્વરૂપ:-   

  1. વક્રતુંડ રૂપમાં આપે મમતાસૂર દૈત્ય સામે યુદ્ધ કરી ધર્મની સ્થાપના કરી.
  2. એકદંતનાં રૂપમાં આપે મદાસૂર દૈત્ય સામે યુદ્ધ કરી તપસ્યા અને ક્ષમાશક્તિને ઉજાગર કરી.
  3. મહોદર રૂપમાં આપે મોહાસૂર દૈત્ય સામે યુદ્ધ કર્યું અને જ્ઞાન વિવેકનો ઉદ્ભવ કર્યો.
  4. ગજવક્રનાં રૂપમાં આપે લોભાસૂર દૈત્ય સામે યુદ્ધ કરી લોભના તત્ત્વોનો નાશ કર્યો.
  5. લંબોદર રૂપમાં આપે ક્રોધાસૂર દૈત્ય સામે યુદ્ધ કરી ક્રોધ અપાવતા તત્ત્વોનો નાશ કર્યો.
  6. વિકટનાં રૂપમાં આપે કામાસૂર દૈત્યને હરાવી સંયમ અને નિયમ શીખવ્યાં છે.
  7. વિઘ્નરાજનાં રૂપમાં આપે મમસૂર દૈત્યને હરાવી વિઘ્નોનાં નાશક રૂપને અપનાવ્યું છે.
  8. ધૂમ્રકેતુનાં રૂપમાં અભિમાનાસૂર દૈત્ય સામે યુદ્ધ કરી અગ્નિ જેવું તેજ પ્રગટ કરી અભિમાનનો વિનાશ કર્યો.

બ્રાહ્મણક આરણ્યક ગ્રંથોમાં, સંહિતામાં ગણપતિ શબ્દની અનેકાનેક વ્યાખ્યા સાથે વિનાયક, હસ્તિમુખ, વક્રતુંડ, લંબોદરાય, ગૌરીનંદન વગેરે નામોનો પ્રયોગ જોવા મળે છે. શ્રૌતસૂત્રોમાં “યજ્ઞનાં આરંભમાં વિઘ્ન નિવારક અને મંત્ર પ્રવર્તક” માનવામાં આવ્યા છે, જે ગણપતિનો વૈદિક સમાનાર્થક રૂપ છે. આ શ્રૌતસૂત્રોનાં ત્રણ ગ્રંથો છે.

(૧) કાત્યાયાન શ્રૌતસૂત્ર કૃષ્ણ યજુર્વેદની શાખાઓમાં મુખ્ય એવા આ ગ્રંથની રચના ઋષિવર કાત્યાયને ઈ.સ.પૂ ૬ થી સદીથી ૪ સદીમાં કરેલ. જેમાં ગણપતિનો ઉલ્લેખ યજ્ઞવિધિના મુખ્ય દૈવીક શક્તિ તરીકે કરેલો છે.

(૨) બીજો આવે છે અપસ્તંબ શ્રૌતસૂત્ર. જેની રચના ઈ.સ.પૂ ૬ થી ૩ જી સદીમાં ઋષિ અપસ્તંબે કરેલ. (સ્થળ – દક્ષિણ ભારતનાં આંધ્ર- તામિલનાડુની સીમા પર)

આપ કૃષ્ણ યજુર્વેદની તૈત્તરીય સંહિતા શાખાના અનુયાયી હતાં. આપશ્રી પ્રથમ એવા ધર્મશાસ્ત્રકાર હતા “જેમણે સમાજનાં વ્યવહારને ધર્મનો આધાર માન્યો” અને “અપસ્તંબ ધર્મસૂત્ર સંહિતા” નામના ગ્રંથની રચના કરી. જેમાં તેમણે ગણપતિની ગુહ્ય, શ્રૌત (અર્થ :- સાંભળવું -સાંભળેલ, સાંભળીને કરાતી વિધિ) અને ધર્મ વિધિનો ઉલ્લેખ કરેલો છે.

મુનિ અપસ્તંબ દ્વારા રચિત આ ગ્રંથ લગભગ ચાર મુખ્ય વિભાગમાં વિભાજિત છે, જેમાંથી બે વિભાગમાં તેમણે ગણપતિને યાદ કર્યા છે અને બેમાં નથી કર્યા.

૧. અપસ્તંબ શ્રૌતસૂત્ર – ગણપતિને ધ્યાનમાં રાખીને યજ્ઞો અને વિશિષ્ટ યજ્ઞવિધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે.
૨.
અપસ્તંબ ગૃહ્યસૂત્ર – જન્મ, નામકરણ, લગ્ન જેવા ઘરગથ્થું સંસ્કારો પહેલાં ગણપતિનું સ્મરણ કરવું જરૂરી માનવામાં આવ્યું છે.
૩. અપસ્તંબ ધર્મસૂત્ર – નૈતિક, સામાજિક, વૈદિક આચરણ અને કાયદાઓ અને પરંપરાને મહત્ત્વ આપવામાં આવ્યું છે.
૪. અપસ્તંબ કલ્પસૂત્ર – ઉપરોક્ત ત્રણેય વિભાગનું સંકલન કરવામાં આવ્યું છે.

(૩) બૌધાયન શ્રૌતસૂત્રની રચના ઋષિ બૌધાયને ઈ.સ.પૂ ૭ મી સદીથી ૫ મી સદીની મધ્યમાં કરેલ. આ ગ્રંથનુસાર યજ્ઞવિધિ શરૂ થતાં પહેલાં ગણપતિનું આહ્વાહન કરવામાં આવે છે. આ ગ્રંથમાં પ્રથમવાર યજ્ઞવિષયક અગ્નિ વિધિ સ્થાપન, યજમાન અને ગૃહસ્થનાં કર્તવ્યો, ધાર્મિક સૂત્રો અને નિયમોનો ઉલ્લેખ જોવા મળે છે.

ઈ.સ.પૂ ૫થી ૪થી સદીમાં લખાયેલ આ ગ્રંથનાં રચયિતાનો યશ આસ્વલાયન, શાંખાયન, ગોબ્હિલ, પારસ્કર વગેરે વિવિધ ઋષિઓને આપવામાં આવે છે. તેનું કારણ એ હોય શકે કે; આ ગ્રંથની રચના કોઈ એક ઋષિ દ્વારા થઈ હશે, પણ સમયાંતરે આ ગ્રંથમાં અન્ય ઋષિજનોએ પોતાનાં વિચાર, નિયમો, વાણીને ભેળવી હશે.

આ ગ્રંથમાં ગણેશનો ઉલ્લેખ “ગૌર્યરુદ્ર” તરીકે થયો છે. તદ્પરાંત આ ગૃહસૂત્રોમાં રાજકીય -સામાજિકની પૃષ્ઠભૂમિ પર ગૃહસ્થજીવનનાં વિવિધ પાસાઓનો અભ્યાસ કરવામાં આવ્યો છે.

પ્રથમ શતાબ્દી ઈ.સવી પૂર્વે ગોભિલ મુનિ દ્વારા લખાયેલ સામવેદની શાખાનો ગોભીલગુહ્ય સૂત્ર અને અન્ય તાંત્રિક ગ્રંથોનુસાર ઉપાસના શરૂ કરતા પહેલા અગ્નિ દ્વારા ગણપતિનું આહ્વાન કરવું આવશ્યક માનવામાં આવ્યું છે.

ગુહ્યસૂત્રનાં મંત્રસાધના વિભાગમાં અને Initiation or Pūrvapūjā portion માં ગણપતિ માટે ભૂતનાથ, ગજમુખ, વિનાયક વગેરે નામનો ઉલ્લેખ કરી તેમના બીજમંત્રો, ધ્યેયરૂપ ધ્યાનનો મહિમા બતાવેલ છે. પણ ગણપતિને “વિઘ્નેશ્વરાય” તરીકેની પ્રથમ વ્યાખ્યા “વ્યાખ્યા સ્મૃતિસૂત્ર” ગ્રંથમાંથી મળી. જેમાં કહ્યું છે કે; પ્રજાપતિ બ્રહ્મા અને ભગવાન રુદ્રએ ભક્તગણોનાં જીવનમાંથી વિઘ્નો દૂર કરી તેમને સફળતા મળે તે માટેનું ઉત્તરદાયિત્ત્વ વિઘ્નેશ્વરને સોંપી તેમને ભક્તોરૂપી ગણોનાં પતિ ગણપતિ બનાવ્યાં છે.

ગુહ્ય, ગૃહ અને શ્રૌત સૂત્રો પછી આવેલાં ગ્રંથોએ ગણપતિની છબીને વધુ પ્રકાશમાન અને ઉજજ્વલિત કરી જેને કારણે ત્રણેય લોકમાં ગણપતિને વધુ નામના મળી. આ નામના પછી ગણપતિએ મહાવિનાયક, ગણનાયક, નિર્વીઘ્નશ્વરાય વગેરે નામો ધારણ કર્યા છે.

યજુ:સંહિતામાં રુદ્ર અને ગણપતિને એકાત્મભાવે વર્ણવ્યાં છે. કેટલાક ધર્મ શાસ્ત્રમાં કહ્યું છે કે આ બધા જ શબ્દો તે ગણેશ ગણપતિ માટે નહીં પણ ૩૩ કરોડ દેવતાઓમાંનાં અન્ય એક દેવ માટે ઉપયોગમાં આવ્યાં હોઈ આ દેવ વિઘ્નેશ્વરાય તરીકે ઓળખાતા નથી.

શતૃદ્રીય અધ્યાયમાં गणभ्योगणपतिभ्यश्च वः नमो नमः (અર્થાત – બુદ્ધિ સંબંધી ગણોનાં નેતા ગણપતિને અમારા વિનમ્ર નમન) અને व्रातेभ्यो व्रातपतिभ्यश्च वो नम: આ મંત્ર મૂળે ભગવાન શિવને સમર્પિત છે જેનાં દ્વારા ભગવાન શિવનાં વિવિધ સ્વરૂપો અને તેમનાં સહયોગી દેવતાઓને નમન કરાય છે. આ શ્લોકમાં આવતો આ વ્રાતપતિ શબ્દ ગણપતિ માટે ઉચ્ચારીત થયેલો છે.

યાગ્યવલ્ક્ય સ્મૃતિ ગ્રંથમાં ગણેશને “શુભકારક” દેવ અને “વિઘ્નવિનાશક દેવ” તરીકેની વ્યાખ્યા આપતાં કહ્યું છે કે; યજ્ઞ-હવન વગેરે શુભ કાર્યોની શરૂઆતમાં વિઘ્નવિનાશક દેવનું સ્મરણ કરવું જરૂરી છે.

મનુસ્મૃતિમાં સ્પષ્ટપણે “ગણપતિ” નામ આવતું નથી પણ તેમાં વિનાયકાદિ દેવતાઓનાં સ્મરણથી કરવાની પરંપરાને દર્શાવવામાં આવી છે. નારદ સ્મૃતિમાં પુરુષાર્થ સિદ્ધિ માટે વિધ્નહર્તા દેવનું સ્મરણ જરૂરી ગણાય છે, પણ આ ગ્રંથમાં પૂજા વિધિ દરમ્યાન “ગણાધિપતિ” શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે.

૭મી સદીથી ૧૧મી સદી દરમ્યાન આવેલ શિવપુરાણમાં શ્રી ગણેશની જન્મકથાને વર્ણવવામાં આવી છે.

આ જ ગ્રંથથી શ્રી ગણેશને ગજાનન રૂપ પણ મળ્યું છે. આ ગજાનન સ્વરૂપને તેનું માન સ્વમાન મળી રહે તે હેતુથી શિવજીએ તેમનું સ્થાન ‘અગ્રપૂજ્ય’ તરીકે નક્કી કર્યું.

મત્સ્ય પુરાણ, બ્રહ્મવૈવર્તક પુરાણ, પદ્મ પુરાણ અને સ્મૃતિ ગ્રંથથી શ્રી ગણેશને વિઘ્નહર્તા તરીકેની વ્યાખ્યા મળી. પુરાણોએ ગણેશજીનું પૂજન અર્ચન શી રીતે કરવું તે વિષે સમજાવ્યું છે તો સ્મૃતિ ગ્રંથમાં કહ્યું છે કે પ્રજાપતિ બ્રહ્મા અને ભગવાન રૂદ્રએ ભક્તગણોનાં જીવનમાંથી વિઘ્નો દૂર કરી તેમને સફળતા મળે તે માટેનું ઉત્તરદાયિત્વ વિનાયકને સોંપીને તેમને પોતાના સમસ્ત ભક્તો રૂપી ગણોના પતિ અર્થાત ગણપતિ તરીકે નિયુક્ત કર્યા છે.

ઉપરની આખી વાતને જોડતાં જો સંક્ષેપમાં સમયરેખામાં દોરવામાં આવે તો આ રીતે વર્ણવી શકાય.

શ્રી ગણેશનાં પ્રાદુર્ભાવની સંક્ષિપ્ત સમયરેખા:

સદી ગ્રંથમાં ઉલ્લેખ વિગતો
૧૫૦૦ ૧૨૦૦ BCE ઋગ્વેદ ગણપતિ તરીકે પ્રારંભિક ઉલ્લેખ
૪૦૦  BCE – ૪૦૦ CE મહાભારત લેખક તરીકે ગણેશજીનો ઉલ્લેખ
૪ થી ૬ ઠી સદી પુરાણોમાં પ્રારંભિક કથાઓ ગણપતિના સ્વરૂપ વિશે વિગતવાર કથાઓ
૬ ઠી થી – ૧૦ મી સદી ગણેશ પુરાણ, મુદ્ગલ પુરાણ અવતાર, પૂજા વિધિ, વિઘ્નહર્તા રૂપ
૭ મી સદી થી –૧૧ મી સદી શિવપુરાણ જન્મકથા અને ઉપાસનાનું મહત્વ આવ્યું.


ઉપરોક્ત શાસ્ત્રો સિવાય દક્ષિણ ભારતનાં તાંજોર અને કાંજીપૂરમની શૈવ પરંપરામાં શ્રી ગણેશને “ગતિપતિ ગણપતિ” તરીકે ઓળખાણ મળી છે.

૧૨મી સદીનાં તંત્ર સાર, રચના શાસ્ત્ર, શારદા તિલક તંત્રમાં અને યોગપરંપરામાં ભગવાન ગણેશને મૂલાધારના રક્ષક માનવામાં આવ્યાં છે. શા માટે ગણેશ મૂલાધાર સાથે જોડાય છે તે કારણ જોવા જઈએ તો એમ સમજી શકાય કે; વિઘ્નહર્તા ગણેશને મંગલ કાર્ય કરતાં પહેલાં અને યોગસાધના શરૂ કરતાં પહેલા વિઘ્નો દૂર કરવા ભગવાન ગણેશનું સ્મરણ કરાય છે તે સ્મરણ સાધના મૂલાધાર ચક્રથી શરૂ થાય છે. આજ સમયનાં અન્ય ગ્રંથ શિવાગમ શાસ્ત્ર -અગમ શાસ્ત્રમાં ભગવાન ગણેશના ૩૨ સ્વરૂપો વિષે ઉલ્લેખ કરાયો છે.
જેમાં છેઃ

  • બાલ ગણપતિ – બાળરૂપે કોમળ અને નિર્દોષ સ્વભાવ સાથે
  • તર્વિણ્ત ગણપતિ – વિજય અને સંપત્તિ આપનાર
  • હરિદ્રા ગણપતિ – હળદરના રંગના, તાંત્રિક શક્તિના સ્વામી
  • એકદંત – એક દાંત ધરાવતા, અસૂર વિનાશક
  • કલ્પ – ઈચ્છાઓ પૂર્ણ કરનાર
  • હેરંબ – રક્ષક સ્વરૂપ,ભયને દૂર કરનાર
  • વિક્રમ – પરાક્રમી અને શૌર્યમય
  • વૃદ્ધ – જ્ઞાન અને અનુભવના પ્રતીક
  • એકાક્ષર – ૐ કાર રૂપ ગણપતિ
  • વરદ – આશીર્વાદ આપનાર
  • ત્ર્યક્ષર – ત્રણ અક્ષરવાળા મંત્રમાં વસતાં
  • ક્ષિપ્ર – તાત્કાલિક ફળ આપનાર
  • હરિદ્ર – લીલા અને હળદરમય, શુભ્રતા દર્શાવનાર
  • ક્ષિપ્રપ્રસાદ – તરત પ્રસન્ન થનાર
  • ઉચ્છિષ્ટ – તાંત્રિક સાધના સ્વરૂપ
  • ઓડ્યણ – શક્તિ અને યોગ શક્તિના સ્વરૂપ
  • દ્વિમુખ – દ્વૈત અને જ્ઞાનનું બે મુખવાળું સ્વરૂપ
  • ત્રિમુખ – ત્રિસંધ્યા, ત્રિકાળજ્ઞ અને ત્રિગુણાશીલનું ત્રણ મુખવાળુ સ્વરૂપ
  • સિંહવાહન – તાંત્રિક શક્તિવાળું સિંહ સવારી કરનાર શૂરવીર
  • યોગ ગણપતિ – યોગમાં સ્થિત, અંતરમુખી સ્વરૂપ
  • દૂર્વા – શાંતિ અને ભક્તિનાં ગુણોનાં રાખતાં દૂર્વા ઘાસ જેને પ્રિય છે તે
  • ત્ર્યંબક – ત્રણ નેત્ર ધરાવતા, સર્વજ્ઞ સ્વરૂપ
  • મહાગણપતિ – બ્રહ્માંડના સર્વશક્તિમાન ઈશ્વર
  • કુશન – ક્ષમાશીલ
  • વિજય – વિજય આપનાર, વિઘ્ન વિનાશક
  • ભૂષણ – અલંકૃત સ્વરૂપ અને સૌંદર્યવાળા અને ભક્તિને પ્રિય માનવાવાળા
  • ભ્રમિણ – પૃથ્વી પર ચલનશીલ, સર્વત્ર વ્યાપ્ત
  • સિદ્ધિ – સિદ્ધિઓના દાતા
  • ઉચ્ચ – ઊંચા આત્મિક ચિંતનવાળા
  • કૃષ્ણ – કૃષ્ણવર્ણ ધરાવતું સ્વરૂપ
  • યોગેશ્વર – યોગ, સાધનાના અધિકૃત ભગવાન

આમ ભગવાન ગણેશના ૩૨ સ્વરૂપો ભક્તિ, જ્ઞાન, તપસ્યા અને આધ્યાત્મિકતાનું દર્પણ છે. દરેક સ્વરૂપ એક વિશિષ્ટ તત્ત્વનું પ્રતિનિધિત્વ કરે છે – જેમ કે વિજય, શાંતિ, તાકાત, ક્ષમા કે તત્વજ્ઞાન. આ સ્વરૂપો દર્શાવે છે કે જીવનના દરેક પડાવ અને પરિસ્થિતિ માટે ભગવાનના કોઈક રૂપમાં આશ્રય અને માર્ગદર્શન પ્રાપ્ત થઈ શકે છે અને પરમાત્મા અનેક રૂપે પ્રસન્ન થઈ શકે છે, પણ દરેક રૂપનાં મૂળમાં ભક્તિ, શ્રદ્ધા અને નિષ્ઠા હોવી જરૂરી છે. કારણ કે આ સ્વરૂપો માત્ર આરાધના નથી, તે જીવનનાં આંતરિક વિકાસનો માર્ગ પણ છે.  બીજી તરફ અગર વૈદિક સમયનાં બધા ગ્રંથો પાછળ છોડી મધ્યકાલીન યુગમાં અથવા ભક્તિકાળ યુગમાં આવીએ તો અહીં સંત જ્ઞાનેશ્વર, સંત એકનાથ અને સંત તુકારામજીનાં અભંગોમાં ગણપતિનો ઉલ્લેખ જોવા મળે છે. જોવાની વાત એ છે કે; એમની રચનાઓમાં મુખ્યત્વે વિઠ્ઠલ વિઠ્ઠોબા ને નામે  શ્રીકૃષ્ણ, અને ભગવત તત્વ ઉપર વધુ ભાર હતો — પણ તેમ છતાં યે તેઓએ કથાનાં પ્રારંભમાં ગણપતિનો ઉલ્લેખ કર્યો છે. દા.ખ.ત સંત તુકારામજી કહે છે કે;
“सिध्धिदाता तू मंगलकारी ।
विघ्न हरसी तू सुखकारी ॥” ( -તુકારામ ગાથામાંથી લીધેલું અભંગ)
અર્થ:- હે ગણપતિ! તમે મંગલકર્તા છો, વિઘ્ન દૂર કરી સુખ લાવનાર છો.

સંત એકનાથજીનું અભંગ:-
गणनाथाय तुज प्रार्थितो,
जया वाचाळासी धार पडे!” (અભંગ)
અર્થ:- જેનાથી વાચાળને પણ સંયમ મળે તેવા હે ગણનાથને  હું પ્રાર્થના કરું છું. ( અહીં એકનાથજીએ ગણપતિને વાણીના દાતા તરીકે વધાવ્યાં છે. )

સંત જ્ઞાનેશ્વરની રચના:- જ્ઞાનેશ્વરી ગીતામાં ( ભગવદ ગીતા પર આધારિત મરાઠી ટીકામાં ) સંત જ્ઞાનેશ્વર કહે છે કે;
जय जय श्री गणराया,
सुखकर्ता दुखहर्ता वार्ताविघ्नाची॥
અર્થ:- જય હો શ્રી ગણરાયાની, જે સુખ આપનાર અને દુઃખ નાશક છે.

અગર આ ત્રણેય સંતોનાં મતનો ટૂંકસાર તફાવત જોઈએ તો..…
૧) તુકારામજી કથા આરંભમાં મંગલદાતા અને વિઘ્નહર્તા રૂપે વર્ણવે છે.
૨) એકનાથજી વાણી અને વિદ્યાનાં દાતા તરીકે ઓળખે છે.
૩) જ્ઞાનેશ્વરજી જ્ઞાનપ્રવાહના આરંભક, દુઃખહર્તા, બુદ્ધિશક્તિ સ્વરૂપમાં ઓળખે છે.

ઉપરોક્ત ત્રણ સંતો સિવાય કવિ નામદેવજી પણ છે જેમણે ગાયું છે કે;
गणनाथा माझा एक।
तोच देव तोच भव्य!
અર્થ:- મારો ગણનાથ એક જ છે, આ એજ દેવ છે જે અત્યંત મહિમાવાન છે.

સંત જનાબાઈ જેઓ સંત તુકારામજીનાં સમકાલીન સંત હતાં આપ કહે છે કે;
गणपति विनायक माझा पाटीसी बसला,
त्याने बुद्धी दिली अन्‍लेखन सुरू झालं!
અર્થ:- હે ગણપતિ! તું મારી રક્ષા કર. આ સંસારના બધા વિઘ્નો અને મુશ્કેલીઓ દૂર કર.
હે દેવ ! તું વિઘ્નહર્તા છે — મારા જીવનનાં દુઃખો, અવરોધો અને અવ્યસ્થાઓને દૂર કરવા માટે તારો આશ્રય લઈ રહી છું.

સખુબાઈએ પણ ભક્તિમાં સંદેશ આપનાર સંત હતાં આપે ગાયું છે કે;
गणपती तू मज रक्षावा।
संसार विघ्न दूर करावा॥
અર્થ:- હે ગણપતિ! તું મારી રક્ષા કર અને જીવનના તમામ વિઘ્નો દૂર કર.

છત્રપતિ શિવાજી મહારાજનાં ગુરુ સંત રામદાસજી ભગવાન શ્રી રામના અનન્ય ભક્ત હતા, પણ તેમણે તેમનાં કેટલાક સ્તોત્રોમાં ગણપતિની પ્રશંસા કરતાં કહ્યું છે કે;
सिद्धी बुद्धिसहितं विघ्नराजं नमाम्यहम्।
सर्वकर्मसिद्धये तं प्रसन्नं विघ्ननायकम्॥
અર્થ:- હું વિઘ્નોના રાજા ગણેશને નમસ્કાર કરું છું, જેની સાથે સિદ્ધિ અને બુદ્ધિ  છે. તેમના આશીર્વાદથી બધા કાર્યોમાં સફળતા મળે છે; તેઓ વિઘ્નો દૂર કરીને પ્રસન્નતા આપે છે.

ઉપરોક્ત કરેલાં બધાં સંતોની રચનાનાં ઉલ્લેખો દર્શાવે છે કે ભક્તિકાળના દરેક સંત — ભલે તેઓનાં આરાધ્યમૂર્તિ શ્રીકૃષ્ણ, રામ કે વિઠ્ઠલ હોય — પણ તેઓ ગણપતિને વિઘ્નનાશક અને જ્ઞાનપ્રેરક દેવતા તરીકે જરૂર સ્થાન આપેલું છે.

શ્રી ગણેશના વિશ્વભરમાં ઐતિહાસિક પ્રસિદ્ધિનાં પૂરાવાઓ:-
વિવિધ ગ્રંથોમાં શ્રી ગણપતિનો ઉલ્લેખ જોઈ હવે એ વિશ્વમાં જઈએ જ્યાં આપની ઐતિહાસિક પ્રસિદ્ધિનાં પૂરાવાઓ રહેલ છે.
૧) ગુજરાતમાં પાલિતાણા પાસેથી ઈ.સ.પૂ ની પહેલી સદીમાં શ્રી ગણેશની મૂર્તિ મળેલી. (૨) ગુજરાતનાં ચાવુંડા ગામ નજીકથી એક પ્રતિમા મળેલી જેમાં બે હાથવાળા ગણપતિ છે.
૨) કૌશાંબીમાંથી ગજમુખ આકારની પહેલી સદીની મૂર્તિ મળેલ છે.
૩) મધ્યપ્રદેશનાં સંદરસ ગામ પાસેથી ૪ થી સદીનાં શિલાલેખો મળેલ છે, જેમાં “ગણપતિ” શબ્દનો ઉલ્લેખ થયેલો જોવા મળ્યો છે. અગર શિલાલેખોની વાત કરવામાં આવે તો, ૮ મી સદી થી ૧૨ સદીમાં સૌથી વધુ શિલાલેખો મળેલાં છે અને તેમાં ઘણાં તામ્રપત્રો પણ છે.
૪) વિદિશા મધ્યપ્રદેશમાં ઉદયગિરિની ગુફાઓ છે ત્યાંથી શ્રી ગણેશની સૌથી પ્રાચીન મૂર્તિ મળેલી છે. આ મૂર્તિ ગુપ્તકાળની છે. આ સમયમાં ગણેશની મૂર્તિઓએ દર્શનનો હિસ્સા બનવાનું ચાલું કરી દીધેલું. આ સમયગાળામાંથી ચાર હસ્તવાળી ગણેશમૂર્તિઓ મળેલી છે.  ( ૫ મી સદી )
૫) ઔરંગાબાદની એલોરાની ગુફાઓમાંથી ૧૬માં નંબરની ગુફામાંથી ૬ થી ૯ સદીની ગણપતિની મૂર્તિ મળેલ છે, જેમાં ગણેશને શિવ પરિવાર સાથે દર્શાવેલ છે.  
૬) ઈલોરાની અન્ય એક ગુફામાંથી લડ્ડુધારી ગણેશની મૂર્તિ મળેલ છે.
૭) મુંબઈ પાસે એલિફન્ટાની ગુફામાં ગણેશજીનો ઉલ્લેખ શિવનંદન તરીકે કરેલ છે.
૮) કર્ણાટકની બાદામીની ગુફામાંથી ૬ થી સદીની મૂર્તિ મળેલ છે જેમાં ગણેશજીને પાર્વતીપુત્ર તરીકે દર્શાવાયા છે.  
૯) તામિલનાડુનાં મહાબલિપુરમમાંથી અને તાંજોરમાંથી ૭ મી સદીની મૂર્તિ મળેલી છે.    
૧૦) નેપાળનાં પાશુપત શિવમંદિરોમાંથી ૫ મી સદીની મૂર્તિ મળેલ છે અને ત્યાં તેમનું સ્થાપત્ય સચવાયેલ છે.
૧૧) જાવા અને બાલી મંદિરોમાં ઈ.સ. ૯મી સદીનું સ્થાપત્ય મળેલ છે.
૧૨) અંગકોરના ખંડહરોમાં ઈ.સ. ૭-૧૨ મી સદીનાં શિલ્પ છે.
૧૩) થાઈલેન્ડમાં રત્નકોશિન યુગ પછીનું  -અંદાજે ૧૩ મી સદી પછીનું શિલ્પ મળેલ છે.
૧૪) જાપાનનાં બૌધ્ધ મંદિરોમાં ૮ સદી પછીના ગણેશ મળેલ છે.
૧૫) તિબ્બતનાં તાંત્રિક બૌધ્ધ ધર્મમાં ૭ મી સદીનાં શિલ્પો મળેલ છે, જે લાકડામાંથી બનેલ છે.

 શ્રી ગણેશનાં વિદેશી નામો:-
૧૧ મી સદી પછી તંત્ર ગ્રંથોમાં ગણપતિનો ઉલ્લેખ થયો છે તો સાથે સાથે તિબેટીયન, બૌધ્ધ, જૈન, જાપાનીઝ, શ્રીલંકન, ચાઇનીઝ, થાઈલેન્ડનાં ધર્મગ્રંથોમાં પણ શ્રી ગણેશનો ઉલ્લેખ થયો છે. દા.ખ.ત થાઈલેન્ડમાં ગણપતિને કલાઓનાં દેવતા “ફ્રા પિખાનેથ” તરીકે ઓળખવામાં આવે છે. નેપાલમાં ગણેશજીની મૂર્તિ શ્વેત પથ્થરમાંથી બનેલી હોય તો “સેટો ગણેશ અને લાલ પથ્થરમાંથી બનેલી હોય તો રતો ગણેશ” ને નામે ઓળખવામાં આવે છે. તાંત્રિક બૌધ્ધ ધર્મમાં “અવલોકિતેશ્વર” તરીકે ગણપતિ તરીકે સંબોધિત થયા છે, જેઓ સંપત્તિ અને મેડિસિનના દેવતા તો છે, પણ તેમનું સ્વરૂપ શ્રી ગણેશથી તદ્દન જુદું છે. જાપાનીઝ શીનગોન ધર્મમાં ગણેશને “કુંગી” તરીકે ઓળખી તેમનાં ત્રીસ સ્વરૂપ પ્રગટ કર્યાં છે. કમ્બોડિયામાં “મૂર જાનુસ” તરીકે ગણેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનાં પાંચ મસ્તક છે. આ નામ અંગે કમ્બોડિયાનો ઇતિહાસ કહે છે કે ૧૮૦૬ માં વિલિયમ જોન્સ નામનાં અંગ્રેજે દ્વિમુખી ગણેશનું ચિત્ર દોર્યું હતું જેને ‘જાનુસ” નામ આપ્યું, જ્યારે મૂર નામ પાછળથી લાગ્યું. આ મૂર નામ “એર્ડવર્ડ મૂર”નાં નામ પરથી લાગ્યું જેણે ૧૯મી સદીના પ્રારંભમાં કમ્બોડિયાનો પ્રવાસ કરેલો.

તો શ્રીલંકન ( બૌધ્ધ ) ગ્રંથોમાં ગણેશનો ઉલ્લેખ “શાક્ય વ્રજપાણિ” તરીકે થયો છે, અને શ્રીલંકન તામિલિયન્સ “પિલ્લૈયર” તરીકે ઓળખે છે. તિબેટીયન ગ્રંથોમાં શ્રી ગણેશનો ઉલ્લેખ “વિનિમયક્ષમ” તરીકે કરાયો છે. તો શ્રીલંકન ગ્રંથોમાં “મહારકતં ગણેશ”( લાલ વર્ણ ધરાવતા ) તરીકે ઓળખાયાં છે. ઇન્ડોનેશિયામાં તો સામાન્ય ગણપતિથી તદ્દન જુદું સ્વરૂપ છે. જેનું મુખ ગણપતિ જેવું દેખાતું ન પણ તેઓ પલાંઠી મારીને બેસેલા છે, તેમના એક હાથમાં દાંત જેવી વસ્તુ છે અને બીજા હાથમાં લાડુ છે. આમ વિશ્વ ધર્મમાં જેમ શ્રી ગણેશનો ઉલ્લેખ થયો છે ત્યાં બૌધ્ધ ધર્મ એ પણ કહે છે કે ભગવાન બુધ્ધે પણ સ્વયં ગણેશ નામ ધારણ કર્યું છે. આપણે ત્યાં અને પૂર્વ એશિયાના દેશોને તો સમજી શકાય છે, પણ મારું ડોમેરિકન રિપબ્લિકની મુલાકાત લેવાનું બન્યું ત્યારે જાણ્યું કે; આ અહીં પણ શ્રી ગણેશ “એલિફન્ટ હેડ ગુણીના”તરીકે પૂજાય છે. અલબત્ત અમે જોયેલું એ સ્વરૂપ આપણાં સ્વરૂપથી ઘણું જ જુદું હતું. ડોમેરિકન રિપબ્લિક દેશની જેમ હાલમાં મેક્સિકોમાં પણ ગણેશજીનો ઉલ્લેખ થયેલો છે. આ વાતથી એ સમજી શકાય છે કે ભારત બહાર પૂર્વ એશિયામાં વિકસેલા બૌધ્ધ ધર્મની જેમ ગણેશજીએ પણ પૂર્વ એશિયા સહિત વિશ્વ પ્રવાસ કર્યો.

૧) બાલી ગણેશ -પ્રવિણ મોહનની ડાયરીમાંથી૨) બૌધ્ધ-તાંત્રિક ગણેશ

૩) તિબેટીયન મહારક્તા શાક્ય ગણેશ

૪) મોંગોલિયન ગણેશ

૫) કોંગોમાંથી મળેલી ગણેશની મૂર્તિ

૬) ઈરાનમાં ખોદકામ દરમ્યાન મળેલી કાંસ્ય મૂર્તિ

૭) મેક્સિકન ગણેશ

૮) અફઘાનિસ્તાનમાંથી મળેલી ૭ મી સદીની આરસની મૂર્તિ

 શ્રી ગણેશ સાથે અન્ય દેશોની સામ્યતા:-
જેમ મહર્ષિ વેદવ્યાસજીએ મહાભારત ગ્રંથનાં લેખન સમયે શ્રી ગણેશજીની મદદ લીધેલી હતી. જોવાની વાત એ છે કે; વ્યાસ અને ગણેશજીનાં સંબંધ જેવી માન્યતા જેવી જ માન્યતા ઈજિપ્ત અને મેસોપોટેમિયન સંસ્કૃતિમાં પણ કરાયેલ છે. દા.ખ.ત મેસોપોટેમિયન દેવતા નેબો અથવા નાબુ જ્ઞાન, બુધ્ધિ અને લખાણનાં દેવતા હતાં અને આપ માટીની સ્લેટમાં હસ્તિદંતને કલમ બનાવી તેનાંથી લખે છે. પણ અગર ભૌગોલિક દૃષ્ટિએ જોઈએ તો મેસોપોટેમિયાનાં ઇતિહાસમાં ક્યાંય હસ્તિનો ઉપયોગ થયો નથી તો પછી આ હસ્તિદંતનો ઉલ્લેખ કેવો રીતે કરાયો તે એક વિચારણીય બાબત રહે છે. પણ આર્કિયોલોજિસ્ટ કહે છે કે; મેસોપોટેમિયાની આજુબાજુથી ખોદકામ કરતાં આઈસએજનાં સમયનાં મેમથનાં હાડપીંજરો મળી આવ્યાં છે, જેને આજનાં હાથીઓ સાથે સરખાવી ન શકાય પણ તોયે તેનો ઉલ્લેખ કરવો જરૂરી છે. મેસોપોટેમિયાનાં બીજી અમુક કલાકૃતિમાં નાબુનાં માથા પર શિંગડાવાળા મુગટ છે, પણ તેમનો ચહેરો સિંહ જેવો છે. અહીં ઈતિહાસકારો કહે છે કે; ચહેરો સિંહ જેવો છે એટ્લે કે કડક છે તેનો અર્થ સિંહ પ્રાણી જેવો નથી. પ્રાચીન મીસ્ત્ર -ઈજિપ્તમાં થોથ ( Thoth ) દેવતા પણ લેખન અને જ્ઞાનનાં દેવતા હતાં, પણ તેમનું માથું આઈબિસ પક્ષીનું હતું, જે પણ કદાચ પુરાતન દેવતાનું જ રૂપાંતારણ હતું. એ જ રીતે યૂનાની સંસ્કૃતિમાં આ દેવતા ઘુવડનાં આકારવાળી હેલ્મેટ પહેરેલ સ્ત્રી છે જેનું નામ એથિના છે અને રોમન સંસ્કૃતિમાં ફરી એક પુરુષ છે જેનું નામ એથેન છે અને તેણે પણ એક હેલ્મેટ પહેરી છે જેમાં ઘુવડનો આકાર અને શિંગડા બંને છે.                                            

ભગવાન ગણેશ શાશ્વત અને અનાદિ છે તેનું પ્રમાણ જાપાન-ચીનથી લઈ ઈરાન -મેક્સિકો સુધી મળેલ છે. પણ આમાં ખાસ બાબત એ છે કે; ડોમેનિકલ રીપબ્લિકથી લઈ મેક્સિકો સુધી  મળેલ સ્વરૂપ એ ગણેશનાં મૂળ સ્વરૂપથી તદ્દન અલગ છે. આમાં પણ જોવાની વાત એ છે કે; મેક્સિકોમાં મૂળ માયા સંસ્કૃતિ અને સ્પેનિશ સંસ્કૃતિ એમ બે સંસ્કૃતિ છે, અને આ બંને સંસ્કૃતિમાં ગણેશની આકૃતિઓ જુદી જુદી છે. મેક્સિકોની જેમ ચીનની મોગાઓ કેવ્ઝ, સિલ્ક રોડ પર આવેલ કીઝીલ કેવ્ઝ અને બેઝેક્લિક કેવ્ઝમાંથી ૧૪૦૦ વર્ષ જૂના ગણેશનાં પેઇન્ટિંગ મળી આવેલ છે, પણ આ પેઇન્ટિંગ જોતાં જ ખ્યાલ આવે છે કે આ પેઇન્ટિંગ પર હિન્દુ ધર્મની નહીં પણ બૌધ્ધ ધર્મની અસર છે. લેખક, લાયર્ડ સ્ક્રેન્ટને ૨૦૧૯ માં તેમની બૂક “ Ganesha: The Scientific Symbolism of a Hindu Godપબ્લિશ કરી. જેમાં આપે શ્રી ગણેશનાં  વિવિધ અવતારો, લક્ષણો અને પ્રતિકોને આધુનિક વિજ્ઞાનનાં દૃષ્ટિકોણ, ઊર્જા અને મૂળભૂત તત્ત્વો સાથે જોડીને તેનું વિશ્લેષણ કર્યું અને કહ્યું કે; ગણેશનાં વિવિધ અવતારો અને લક્ષણો પ્રાચીન વૈજ્ઞાનિક વિચારધારાઓને પ્રતિકાત્મક રીતે પ્રદર્શિત કરે છે, જે વર્તમાન સમયમાં પણ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજવા યોગ્ય છે. કારણ કે; શ્રી ગણેશની ગતિશીલતા પ્રાચીન ભારતની વિચારધારા અને આધુનિક વૈજ્ઞાનિક સિધ્ધાંતો વચ્ચેનાં સંબંધને ઉજાગર કરે છે. ભારતથી બહાર નીકળી શ્રી ગણેશ ઈરાનથી લઈ જાપાન સુધી પહોંચ્યાં છે, આ બાબતનું પ્રમાણ આ રીતે સિધ્ધ થાય છે. ઈરાનમાં પુરાતત્ત્વવાદીઓને ખોદકામ કરતાં ૩૨૦૦ વર્ષ જૂની ગણેશની કાંસ્ય મૂર્તિ અને સિક્કાઓ મળી આવેલ અને જાપાનમાંથી ૧૨૦૦ વર્ષ જૂની શ્રી ગણેશની મૂર્તિ એવં ચિત્રો મળી આવ્યાં છે. શિલ્પશાસ્ત્રમાં મંદિર સ્થાપન પહેલા ગણપતિ પૂજનનો નિર્દેશ થયેલો છે અને નાટ્યશાસ્ત્રમાં નાટ્યની શરૂઆતમાં વિઘ્નહર્તા ગણેશનું સ્મરણ જરૂરી છે.

જૈન ધર્મના ગણપતિ:-
જૈન ધર્મ ગ્રંથોમાં ગણપતિને મુખ્ય આરાધ્ય દેવ તરીકે અથવા મુખ્ય તીર્થંકરોની જેમ પૂજવામાં આવતા નથી, પણ યક્ષરૂપ યોગ દેવતા (કદાચ દિગપાલ કે ક્ષેત્રપાલ તરીકે) ગણેશજીનો ઉલ્લેખ થયેલો છે. જૈન આલેખનશાસ્ત્ર, જૈન હસ્તલિખિત પોથીઓમાં, કલ્પસૂત્રના ચિત્રોની શરૂઆતમાં “વિઘ્નહર્તા તરીકે, સર્વવિઘ્ન વિનાશક યક્ષ તરીકે અથવા ધર્મરક્ષક તરીકે” દર્શાવાય છે. જૈન તાંત્રિક સાધના, યંત્ર સ્થાપન, તીર્થ માળા વિધિ વગેરેમાં ગણપતિનું સ્થાન એ સંવર્તક તરીકે અપાયું છે. જૈન આગમ શાસ્ત્રોમાં મંદિર સ્થાપનમાં, દરેક મંદિરમાં દ્વારપાલ તરીકે અને પૂજનનો પ્રથમ અધિકાર રાખે છે અને જૈન તાંત્રિક પરંપરામાં યંત્રોનો ઉપયોગ વિશિષ્ટ રહ્યો છે. જૈનધર્મનાં યંત્રના ચતુષ્કોણ કે ચક્ર સ્વરૂપો પર પહેલું રક્ષણકવચ ગણપતિથી છે. જૈન ધર્મના કલ્યાણ મંદિર તંત્ર નામના ગ્રંથનુસાર….
૧) ગણપતિને પૂર્વ દિશાના રક્ષક તરીકે માનવામાં આવ્યાં છે.
૨) કાર્તિકેયને દક્ષિણ દિશાના રક્ષક માનવામાં આવ્યાં છે.
૩) વિષ્ણુ, વરુણ આદી દેવતાઓને પશ્ચિમ દિશાનાં રક્ષક માનવામાં આવ્યાં છે.
૪) રુદ્ર, યક્ષ, દેવીને ઉત્તર દિશાના રક્ષક માનવામાં આવ્યાં છે.  

તિબેટ, નેપાળ, ભૂટાનની બૌધ્ધ તાંત્રિક પરંપરામાં ગણપતિ ( વ્રજ્ર્યાન ):-
તિબેટ, નેપાળની બૌધ્ધ તાંત્રિક પરંપરામાં ગણપતિને “મહારક્ષક દેવતા અથવા મહાકાલ વિનાયક તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક બૌધ્ધ ધર્મગ્રંથોમાં ગણપતિને આરંભમાં વિઘ્નરૂપ કહેવામાં આવ્યાં છે. જે બુધ્ધતત્વને ઓળખીને પછીથી વિઘ્નવિનાશક બની ગયાં. બૌધ્ધ દૃષ્ટિકોણે ગણપતિનાં સ્વરૂપમાં હિંમત, રક્ષણ, જ્ઞાન વગેરેને પ્રતિકરૂપ બનાવ્યાં છે. તિબેટની બૌધ્ધ મૂર્તિકલા ગણપતિનાં કેટલાક સ્વરૂપોને ભયાનક, અર્ધનગ્ન અને તાંત્રિક શક્તિ ધરાવનાર દર્શાવેલ છે. ભારતીય સીમા મુજબ મહાકાલ અને વિનાયક એ બંનેનાં જુદા જ સ્વરૂપ છે, પણ તાંત્રિક બૌધ્ધ ગ્રંથોમાં “મહાકાલ વિનાયક” નો ઉલ્લેખ વ્રજ્રયાન તરીકે કરવામાં આવે છે. ( ૐ महाकाल विनायकम नमः ) જેમનામાં મહાકાલ ( શિવરૂપ ) અને વિનાયક ( ગણેશરૂપ )ની શક્તિઓનું સંમિશ્રણ કરાયું છે. દા.ખ.ત મસ્તક હાથી જેવું, દુષ્ટ શક્તિઓ સામે નેત્રો -ઉગ્ર થયેલ હાથી જેવાં, લાલ અથવા કાળા અંગવસ્ત્ર વાળા, નાગફણીઓ ધારણ કરેલ, ઉગ્ર અવસ્થામાં નર્તન કરનાર, પગ નીચે શક્તિઓને દબાવી રહ્યાં હોય તેવા સ્વરૂપવાળા. આ સ્વરૂપની સાધના તાંત્રિક મંડળમાં, યંત્ર ઉપર કે એકાંત સ્થળમાં મધ્યરાત્રીએ કરાય  છે. આ સ્વરૂપ સામાન્યજનોમાં પ્રસિધ્ધ નથી, પણ તાંત્રિક સાધકો માટે તેનું વધુ મહત્ત્વ છે.

આમ વિવિધ સંસ્કૃતિમાં મળી આવેલ ગણેશજીનો ઉલ્લેખ, આપની મૂર્તિઓ, શ્રી ગણેશ વિષેનાં લેખન, પૂજન, સ્તવનની માહિતી જોઈ આપણે ફરી ગણેશજી પાસે જઈએ જેઓ મહાભારતનાં સમય સુધી અગ્રપૂજાનો ભાગ ન હતાં. પરંતુ મહાભારતનાં યુધ્ધ પછી જ્યારે ભાગવતપુરાણની રચના થઈ રહી ત્યારે શ્રી ગણેશજીની પ્રસિદ્ધિ વધવા લાગી હતી. લોકસમુદાયમાં સિદ્ધિદાતાની પૂજાનો ધીમો પ્રારંભ થઈ ચૂક્યો હતો. દુર્ગા, પાર્વતી, સરસ્વતી, લક્ષ્મી, શિવ, વિષ્ણુ, અગ્નિ, વરુણ વગેરે દેવીદેવતાઓની સરખામણીમાં શ્રી ગણેશનું પ્રાગટ્ય ભલે મોડું થયું હતું પણ તેમ છતાં આજે હિન્દુધર્મમાં શ્રધ્ધા રાખનાર એકપણ ભક્તજન એવો નહીં હોય જેમને શ્રી ગણેશમાં શ્રધ્ધા ન હોય કે તેમનું પૂજન ન કરતો હોય. તેથી જ અર્વાચીન-પ્રાચીન સાહિત્ય અને કલામાં સિધ્ધિદાતા શ્રી ગણેશનું અને તેમની લીલાઓનું સ્થાન અનોખુ છે માટે ભક્તજનોનાં દુંદાળા દેવ શ્રી ગણેશજીનાં પ્રાગટ્ય માટે શાસ્ત્રોમાં અને સાહિત્યોમાં વિશિષ્ટ અને વિવિધતા ભરેલી વિચારધારા જોવામાં આવે છે.
૧) વૈદિકશાસ્ત્રોની માન્યતા અનુસાર શ્રી ગણેશજીને ઇન્દ્ર, રૂદ્ર, મરુત ( વરુણ ) અને ગુરુ બૃહસ્પતિનું સંયુક્ત સ્વરૂપ માનવામાં આવ્યું છે.
૨) બીજી માન્યતા કહે છે કે શ્રી ગણેશજી અનાર્ય દેવ છે જેઓ યક્ષો અને શિવગણો સમાન કદમાં નીચા છે, અને તેમની કૃતિ લંબોદરની છે, જેઓ શુદ્ર અને કૃષકો દ્વારા પૂજાયેલા છે.
૩) ત્રીજા મત અનુસાર શ્રી ગણેશને પ્રાકૃતિક પશુ સ્વરૂપ પણ માનવામાં આવ્યા છે જેઓ સમય અનુસાર પોતાના સ્વરૂપને બદલે છે. તેમનું વાહન મૂષક છે જે અંધકારનું સ્વરૂપ છે પણ શ્રી ગણેશ સ્વયં સૂર્યનું સ્વરૂપ હોવાથી તેઓ તેઓ મૂષકરૂપી અંધકાર ઉપર કાબૂ લઈ લે છે, અને સ્વયં સૂર્યરૂપે હાજર રહી પૃથ્વીને પ્રકાશમાન કરે છે.
૪) ચોથા મતનુસાર શ્રી ગણેશને ગ્રામદેવતાનું બિરુદ આપવામાં આવ્યું છે જેઓ ગ્રામ બહાર કોઈ વૃક્ષની નીચે બિરાજમાન થઈ ગ્રામજનોની આસ્થાપૂર્ણ સેવાનો સ્વીકાર કરે છે અને ભગવાન શિવની જેમ નાગો રૂપી આભૂષણને ધારણ કરે છે.
૫) શ્રી ગણપતિ ગણેશની જેમ વિષ્ણુસહસ્ત્રસ્તોત્રમાં ભગવાન વિષ્ણુને પણ ગણનાયક ગણેશ્વર કહીને સંબોધિત કરવામાં આવ્યાં છે, તો શિવપુરાણ, બ્રહ્મપુરાણ વગેરેમાં ભગવાન શિવને ગણાધિશ ગણેશ્વર તરીકે માનવામાં આવ્યાં છે, અને સાથે સાથે શિવના અનુચરો માટે પણ ગણ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તિબેટીયન ગ્રંથોમાં કહ્યું છે કે ભગવાન સદાશિવ અગણિત ગણોના ( સમૂહોના ) અધિપતિ છે, અને શિવના અનુચરો એ શિવગણો છે. પરંતુ શિવપુત્ર ગણેશનો એ શિવગણો પર વધુ પ્રભાવ હોવાથી તેઓ ગણાધ્યક્ષ રૂપે પૂજય છે.
૬) જ્યારે યક્ષ સાહિત્યમાં કહ્યું છે કે શ્રી ગણપતિની સુમધુર મૂરતમાં નાગો અને યક્ષોનું સ્વરૂપ સંમિલિત કરવામાં આવ્યું છે.
૭) શ્રી ગણેશ નામ પાછળ શાસ્ત્રોમાં કહ્યું છે કે આઠ વસુઓ, અગિયાર રૂદ્ર અને બાર આદિત્ય ગણદેવતાનાં સ્વામી હોવાને કારણે શિવપુત્રને ગણેશ (ગણોનાં ઈશ્વર) એવું નામ પ્રાપ્ત થયેલું છે, જ્યારે નારદ પુરાણ અને શિવપુરાણમાં કહ્યું છે કે શિવનાં અનુચરો તેઓ ગણ (સમુદાય) કહેવાતાં આ ગણોનાં સ્વામી બનવાને કારણે તેઓ ગણેશ તરીકે ઓળખાયા, શિવપુરાણની એક અન્ય માન્યતા અનુસાર હસ્તિમુખ આવ્યા બાદ પુત્રને કુરૂપ જોઈને વ્યથિત બનેલા પાર્વતીને પ્રસન્ન કરવા માટે ભગવાન શિવે વિનાયકને પોતાના સમસ્ત ગણોના સ્વામી બનાવ્યા જેને કારણે તેઓ ગણેશ કે ગણપતિને નામે ઓળખાયાં. પરંતુ તેઓ ફક્ત શિવગણોના જ સ્વામી નહીં પરંતુ માનવગણોના પણ સ્વામી છે.

શ્રી ગણેશનું ચલણ :-

 ૧) ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો ૧૮૩૯ નો અડધા આનાનો સિક્કો ( પર્સનલ કલેકશનમાંથી )

૨) ઇન્ડોનેશિયાની ચલણી નોટ જેમાં ગણેશને સ્થાન મળેલું છે.

 ઉપસંહાર:
વિઘ્નહર્તા શ્રી ગણેશ માત્ર આસ્થાના આધારે આરાધ્ય નથી, પરંતુ તેઓ માનવજાતિના સામૂહિક સત્તા-સ્નેહ, જ્ઞાન-સાધના અને આધ્યાત્મિક ચેતનાના જીવંત પ્રતીક છે. તેમનું પાવન સ્વરૂપ ચિંતન અને સર્જનના એવા સંધિસ્થળ પર ઊભેલું છે જ્યાં ભક્તિ, કલ્પના અને સંસ્કૃતિ ત્રણેય સહઅસ્તિત્વ પામે છે.  ઇંડોનેશિયાની ચલણી નોટ હોય કે થાઈલેન્ડના સ્મારક સિક્કા, આ બધું દર્શાવે છે કે ગણપતિ કોઈ એક રાષ્ટ્રની મર્યાદામાં નહીં, પણ સમગ્ર માનવતા માટે શાંતિ, સિદ્ધિ અને જ્ઞાનના વંદનીય સ્તંભ છે. તેમની ઉપસ્થિતિ માત્ર મંદિરો સુધી મર્યાદિત નથી રહી, પણ વિશ્વસંસ્કૃતિના રિદ્ધિભર્યા રણજીત ગીત બની ચૂકી છે અર્થાત્ શ્રી ગણેશની પ્રતિમા અને ઉપસ્થિતિ હવે માત્ર ધાર્મિક સંકેત નથી રહી, પણ વિશ્વસંસ્કૃતિના વિજયના ગીત સમાન બની ગઈ છે — જે શ્રદ્ધા, શાંતિ અને સંસ્કૃતિનો વિજય દર્શાવે છે.”

 અજ્ઞાત યુગમાં જ્યારે મહાભારત રચાઈ રહી હતી ત્યારે ગણેશજીના અસ્તિત્વને કલમના દેવતા રૂપે સ્વીકૃતિ મળી. તેઓ કલમરૂપી કથાકાર બન્યા, અને પછીથી ભાગવત અને અન્ય પુરાણોમાં તેમનો દિવ્ય પ્રભાવ વિકસિત થતો ગયો. શિવ, વિષ્ણુ, અગ્નિ, વરુણ વગેરે દેવતાઓની તુલનાએ તેમનું અવતરણ ભલે મોડું થયું હોય, પરંતુ આજે તેઓ સર્વ પ્રથમ પૂજ્ય છે. શ્રી ગણેશ એ સંસ્કૃતિનું એવું શાશ્વત ચિહ્ન છે જે સમય, ક્ષેત્ર અને ધર્મની કળાઓને લાંઘી, વિશ્વ મંચ પર એક ભાવનાત્મક એકતા અને માનવ મૂલ્યનો સંદેશ આપે છે. તેઓ માત્ર વિઘ્નહર્તા નથી — તેઓ એક એવા શાશ્વત દેવતાનું પ્રતિક છે, જેમના પદચિહ્નોમાં માનવતા ભવિષ્ય શોધે છે, અને જેમની શાંતિમય છબીમાં સંસ્કૃતિ પોતાનું અસ્તિત્વ અને અર્થ શોધે છે.

…અને અંતે

આ લેખ લખવા હેતુ ઉપયોગમાં લીધેલ સંદર્ભોનું લિસ્ટ:-

૧) મારી ઘણી બધી ટૂરો અને જે તે જગ્યાનાં મ્યુઝિયમોની મુલાકાતો દરમ્યાન જે ફોટાઓ મળ્યાં તેનો અને તેની સાથેની માહિતીનો ઉપયોગ કર્યો છે. દા.ખ.ત પૂનાનું કેલકર મ્યુઝિયમ, વોશિંગ્ટન ડી.સીનું મ્યુઝિયમ, ફિલાડેલ્ફિયા મ્યુઝિયમ, સાનફ્રાન્સિસ્કોનું આફ્રિકન અને ઈજિપ્ત્શીયન મ્યુઝિયમ, થાઈલેન્ડનું મ્યુઝિયમ, બીજીંગનું ( ચાઈના ) મ્યુઝિયમ ફાળો
૨) વિવિધ પુરાણોનો અભ્યાસ
૩) જૈન ધર્મના વિદ્વાનો સાથે ચર્ચા અને પછી તેમના ગ્રંથોનો અભ્યાસ
૪) બૌધ્ધ ગ્રંથોનાં આચાર્યો સાથે ચર્ચા અને તેમણે આપેલાં સૂચનો
૫) ગોભીલગૃહ્યસૂત્ર ગ્રંથનાં છૂટાછવાયા પાનાંનો અભ્યાસ
૬) મહાભારત
૭) મારા પૂનાનાં નિવાસ દરમ્યાન કરેલ સંત તુકારામ, સંત એકનાથ અને સંત જ્ઞાનેશ્વરનાં અભંગોનો અભ્યાસ
૮) વેદપાઠી વિદ્વાનો પાસેથી સામવેદ અને યજુર્વેદ ગ્રંથનો અભ્યાસ.
૯) શ્રૌતગ્રંથોનો અભ્યાસ

© પૂર્વી મોદી મલકાણ યુ.એસ.. 
purvimalkan@yahoo.com

 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment

  1. ઓહોહો… આ લેખ ને સાગર કહેવો કે ભંડાર કહેવો ? અદ્ભુત લેખ પણ શબ્દમાં કે ભાવનામાં આંકી ન શકાય તેવો લેખો. આ આખો લેખ વાંચતા સમજતા મને વાર લાગી પણ એક એક શબ્દ બહુ જ ધ્યાનથી સમજીને વાંચ્યો છે તેથી કહી શકું કે; આ લેખ લખતાં ન જાણે કેટલો સમય ગયો હશે. સૌથી સારી વાત એ લાગી કે; તેમણે સંદર્ભગ્રંથોનો ઉલ્લેખ કર્યો છે. તેથી જણાઈ આવે છે કે આ લેખ અહીંતહીંથી ઉઠાવેલ માહિતી જેવો નથી ખરેખર અભ્યાસુ લેખ છે, જેને લખતાં ખૂબ સમય લાગ્યો હશે. તેથી હવે જો વાંચકો આ લેખ સમજી ન શકે તો તે વાંચકોનો દોષ ગણાય લેખકનો નહીં. બીજી વાત એ કે મને જાણ છે કે; પૂર્વીબેન સત્તત પ્રવાસો કરતા હોય છે તેથી તેમણે એમ કહ્યું કે મ્યુઝિયમોની માહિતીનો ય ઉપયોગ કર્યો છે તો તે વાત સાચી જ હશે. આમેય પૂર્વીબેન જેવા પ્રવાસી અને ઇતિહાસકાર લેખકો બહુ ઓછા જોવા મળે છે આપણા ગુજરાતમાં. મને આ લેખ ખૂબ ગમ્યો છે તેથી આ લેખની એક કોપી અમારી યુનિવર્સિટીમાં મૂકવાની પરવાનગી લેખિકા પાસેથી માંગુ છું.