“લિ. તારી પ્રિય સખી…!” ~ પત્રશ્રેણીઃ પત્ર ૭ ~ અમિતાને ~ લેખિકાઃ દિના છેલાવડા

પ્રિય અમી,

તું પરિવાર સાથે પ્રવાસમાં જવાની છો એ વાંચીને ખૂબ આનંદ થયો. તારી પૌત્રી મિષ્ટુને તમે બધા જ રાજકુમારીની જેમ લાડ લડાવો છો એ ગમ્યું. તને ખબર છે જિંદગી બહુ બધા રંગ બદલતી રહે છે. એમાં દીકરીના પ્રેમનો રંગ એવો રંગ છે જે ક્યારેય બદલાતો નથી કે ઝાંખો પણ પડતો નથી. એટલે જ યામિનીબેન વ્યાસ દીકરી માટે લખે છે..
“તું મને એટલી બધી એટલી બધી કંઈ ગમે,
કે દુનિયા મૂકું એક તરફ તો તારું પલ્લું નમે!”

તને હું મારી દીકરીના જન્મ સમયની વાત આજે જણાવું છું. એ વખતે મને ગમતો અષાઢ મહિનાનો સમય હતો. એ અષાઢી મેઘલી રાત એટલે મારા માટે મીઠી વેદના અને સંવેદનાનું વહેતું ઝરણું. કેટકેટલી યાદોની વણઝાર મનમાં ઉભરાય! એ વરસતા વરસાદની ભીનાશમાં જાણે હું ભીતરથી છલકી ઉઠી હતી. ભીંજાતું મન અને રોમરોમમાં ઊઠતા સ્પંદનો. ઓહ સખી આજે એ યાદોનો પટારો ખુલી ગયો છે.

“મેં ભીતરમાં વ્હાલપની એક પળ વાવી’તી!
મારા ગર્ભમાં કુમળી એક કુંપળ ખીલી’તી!
લાગણીની સરવાણી કૈં નિર્મળ ઝરતી’તી!
આવશે તો દીકરી જ..હરપળ ઈચ્છતી’તી!”

મારા માટે એ મેઘલી રાત અઢળક ખુશીઓ લઈને આવી હતી. સખી, એક બાજુ બહાર ધોધમાર વરસતો વરસાદ અને બીજી બાજુ મારી ભીતર ઊઠતાં કંઈ કેટલાય સ્પંદનો….! લાગણીમાં ભીંજાતી, વિહરતી હું એક નવા જીવના જન્મવાની ક્ષણને મીઠા દર્દ સાથે પ્રેમ અને ખુશીથી માણી રહી હતી. રાતના ત્રણ વાગ્યાના સુમારે એ નાજુક કોમળ બાળ ફૂલ મારી બે હથેળીઓમાં હતું. મારી અંદર સ્નેહનું અમી ઝરણું વહી રહ્યું હતું. એ પળે તેના પ્રથમ સ્પર્શે થયેલાં રોમાંચક સ્પંદનનું વર્ણન કરવા અત્યારે જાણે શબ્દો જ ખૂટી ગયા હોય એવું લાગે છે સખી.
“અંગઅંગ વીજળી તો ઝળહળ ચમકી’તી,
મુખડું જોતા જ પીડા પળપળ ઓસરી’તી!
એના જન્મવાની ક્ષણને સબળ માણતી’તી,
જાણે પર્ણ પર ઝાકળ બુંદ બની સરતી’તી!”

સખી, અમુક વખતે કંઈક વ્યક્ત કરવા જાણે શબ્દો જ નથી મળતાં. બસ એક સુમધુર મૌન.. દિલમાં ઊર્મિઓનો રણકતો નાદ અને ઉમંગ.. આ બધું જ શબ્દો કરતાં મૌનની ભાષા કદાચ વધુ સારી રીતે સમજાવી શકે. એ છતાંય અત્યારે હૈયામાં ઉછળતી ઊર્મિઓને શબ્દોરૂપે પત્રમાં કંડારવા મન જાણે મયુરપંખી કલમ લઈ એ ચિરસ્મરણીય યાદોને અભિવ્યક્ત કરવા ખબર નહીં કેમ અધીરું બની ગયું.
“એના ધીમા ધબકતા શ્વાસે.. નૂતન પ્રવાસે,
મીઠી લાગી મને એ પીડા પ્રસવની..
યાદ આવી આજ પીડા પ્રસવની..!!”

મારી વ્હાલીના ચાંદ જેવા મુખડાને જોતાં જ સખી એ નવ નવ મહિનાની મીઠી વેદના એક ક્ષણમાં જ ઓગળી જઈ મેઘધનુષી રંગોમાં ખીલી ઉઠેલી. અમી મારી આસપાસ એના બચપણની મધુર યાદો અને સ્નેહની સુગંધનો દરિયો જાણે હિલોળા લઈ રહ્યો છે. અત્યારે જાણે ચોમેર યાદોના અબીલ ગુલાલ ઉડી રહ્યાં છે.

આષાઢી મેઘલી રાતે ગોરંભાયેલુ ગગન ગરજે અને વીજ ચમકે ત્યારે વાદળ પાછળ છુપાય ને મલકતો એ ચાંદ, એ માહોલ આનંદપ્રદ અને રમણીય લાગે.
સખી, તને ખબર જ છે કે અનેક વરસાદી રચના દ્વારા હું મારી ભીતર છલકતી લાગણીઓને અભિવ્યક્ત કરતી રહું છું.

“આજ વાદળો ગાજે છે આભમાં !!
વાદળના ઝૂમખામાં સરતુ આકાશ હવે અવનીને
ભીંજવશે વ્હાલમાં,
અંબરની આંખ્યુંમાં જામ્યું ચોમાસું
હવે ધોધમાર ખાબકશે હાલમાં,
આજ મેહુલો ગાજે છે આભમાં !! ”

કવિઓની કલમ ખરેખર અદ્ભુત કમાલ કરે છે. એમનું સર્જન વગર વરસાદે જ આપણને આખા ને આખા તરબોળ કરી ભીંજવી દે..! અષાઢ મહિનો અને મેઘનું આગમન કવિઓ માટે અનહદ આનંદ આપનાર હોય છે. આપણા મહાન કવિ કાલિદાસનો પ્રકૃતિપ્રેમ તેમની તમામ કૃતિઓમાં આપણે સાનંદ માણી શકીએ છીએ. તેમનું અષાઢનું વર્ણન કરતું અતિ પ્રસિધ્ધ કાવ્ય “મેઘદૂત” સૌંદર્યથી મઢેલું એક ઊંચી કક્ષાનું શૃંગાર રસથી ભરપુર કાવ્ય છે. અષાઢની આ મેઘલી રાતની વાત હોય ત્યારે કાલિદાસ અને મેઘદૂત કેમ ભુલાય સખી! એમાં પણ આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધાર પુસ્તકમાં અષાઢની રાતનું જે વર્ણન કર્યું છે એની તો વાત જ શું કરું સખી. એ નવલકથાના થોડાં શબ્દો અહીં ટાંકુ છું જે વાંચીને એ પુસ્તક વાંચવા માટે તારું મન અધીરું બનશે.

તેઓ લખે છે, “અષાઢની એ મેઘલી મધરાત ગળતી આવે છે. વરસ વરસના વિજોગી વાદળા આભમાં જાણે અણધાર્યા સામા મળ્યા અને એકબીજાને ગળે બાથ ભીડીને પથારીમાં પોઢ્યા છે. નયનમાંથી પ્રેમના આંસુ નીતરતા હોય તેવા વરસાદના ફોરાં ધરતી પર પડે છે. એ મધરાતના મૂંગા મધુરા આલિંગન જાણે કે કોઈ જોતું નથી, માત્ર કોઈ નાનકડું ચાંદરડુ જ એ મેઘાડંબરના મહેલની ઝીણી ચિરાડમાંથી એની તોફાની આંખ તગતગાવીને નીરખતુ મલકી રહ્યું છે.” શું વર્ણન કર્યું છે નહીં સખી. તને ગમ્યું ને?

તેં પત્રમાં જણાવ્યું છે તેમ પરદેશમાં પણ આપણી સંસ્કૃતિ અને સંસ્કાર લોકો જાળવી રહ્યા છે એ જાણી આનંદ થાય છે. આપણે પશ્ચિમી દેશોની રીતભાતોનું અનુકરણ કરીએ છીએ પણ એમની પાસેથી જે ખરેખર અપનાવવા જેવું છે તે નથી અપનાવી શકતા.

અમી, પરિવાર વિશે તને વાત કરું તો આપણી સામાન્ય સમજ એવું કહે છે કે આપણે લોહીના સંબંધથી બંધાયેલા હોઈએ એવા સંબંધોની ગણતરી પરિવારમાં કરતા હોઈએ છીએ. પરિવાર એ પરસ્પરના સંબંધોને ખાસ અર્થ આપીને એકબીજા સાથે જોડાવાની એક પરંપરા છે. મને લેખક શ્રી ભદ્રાયુ વછરાજાની એ પરિવાર વિશે લખ્યું છે તે ખૂબ ગમે છે. જે તને અહીં લખી જણાવું છું.

તેઓએ લખ્યું છે;
“આપણી ચિંતા કુટુંબ પૂરતી સીમિત ન હોવી જોઈએ. કમનસીબે આપણે લોકો કુટુંબમાં અને કુટુંબ કરતાં પણ ‘મારા’માં એટલે કે વ્યક્તિમાં સીમિત થઈ ગયા છીએ અને એટલે જ તો વિશ્વમાં અનેક સમસ્યાઓ સર્જાય છે. જે વિશ્વમાં હું જન્મ્યો છું, જે વિશ્વ મને પોષે છે, જે વિશ્વમાં હું તરત ભળી જવાનો છું એ વિશ્વનું એકએક કણ અને એકએક જણ એ મારો પરિવાર છે. પરિવાર એટલે જ્યાં હું શ્વાસ લઉં છું ત્યાં અસ્તિત્વના પ્રત્યેક કણ-કણની અને જીવ-જીવની હાજરી – એ મારો પરિવાર છે. ટૂંકમાં કહીએ તો સમગ્ર વિશ્વ આપણો પરિવાર જ છે.”
ખરેખર, એમણે કેટલી સરસ અને સમજવા જેવી વાત કરી છે.

ચાલ, હવે અહીં વિરમું છું. આ પત્ર તને મળશે ત્યારે તું પરિવાર સાથે જેસલમેર ફરી ખૂબ મજા કરીને પાછી ઘરે આવી ગઈ હોઈશ. બધાને મારી યાદી જરૂર આપજે.

લિ. તારી સખી

દિનાની સ્નેહભીની યાદ

********************************

 

 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.