વસૂલાત (વાર્તા) ~ સ્વાતિ રાજીવ શાહ
એની ઊંઘ ઊડી. એણે આંખો ખોલી અને તરત ફરી મીંચી દીધી. રાતની ઝાકઝમાળથી ટેવાયેલી એની આંખો દિવસનો પ્રકાશ ઝીલી ન શકી. સવારના અગિયાર વાગી ગયા હતા. એણે ફરી ધીરે ધીરે આંખો ખોલી. એને ભૂખ લાગી હતી.
ઇન્ટરકોમ પર એને નાસ્તો ઓર્ડર કર્યો અને પછી આળસ મરડીને ધીરેથી પલંગ પરથી ઊતરી. સાઇડ ટેબલ પરની બોટલમાંથી એકાદ ઘૂંટડા જેટલું ગ્લાસમાં નાખ્યા વગર સીધું જ મોઢામાં પધરાવ્યું. પછી બાથટબમાં ગરમ પાણી ચાલુ કર્યું. ત્યાં જ દરવાજાની બેલ વાગી.
નાસ્તો આવી ગયો હતો એને ન્યાય આપીને, ફોન તથા એક નાનકડી બોટલને બાથટબના કિનારે ગોઠવીને ઢગલાબંધ ફીણની વચ્ચે એણે લંબાવ્યું.
ગરમ પાણી, નાસ્તો અને એક ઘૂંટ… બધાંની સંયુક્ત અસર નીચે એ જરા રિલેક્સ થઈ. એણે પોતાના હાથપગ પર હળવેથી હાથ ફેરવવા માંડ્યો. થોડું પાણી મોં પર પણ છાંટ્યું. ત્યાં જ એનો ફોન રણક્યો.
“બા…” એનાં મોઢામાંથી ગાળ નીકળી. એના મેનેજર સમીરનો ફોન હતો.
‘સાલો સાડા અગિયારનો ટાઇમ સાચવવામાંથી ક્યારેય ન ચૂકે.’ એણે પાણીમાં જ રહીને હાથ લંબાવ્યો અને ફોન સ્પીકર પર મૂક્યો.
“મેડમ, આજનાં શિડ્યુલમાં કંઈ નથી.”
“હાશ!’ એનાં મનમાં તો થયું પણ એને ગળી જઈને એ બોલી, “સારું.” ને ફોન કાપ્યો. ફરી આંખો મીંચીને એ પાણીમાં ગરક થઈ.
બેડો ગરક થઈ ગ્યો છોકરી..ઈ..ઈ.. હે ભગવા…ન હવે આ છાંડેલીને કોણ લેશે?… જિંદગી ધૂળધાણી થઈ ગઈ… એક તો એક જ છોકરી ને ઉપરથી છાંડેલી! અમારું જીવતર બગડી ગ્યું…. છપાક! કૂવામાંથી અવાજ આવેલો અને પછી બાની બંગડીઓ ફૂટવાનો અવાજ.
એણે ગભરાઈને આંખો ખોલી નાખી. મોઢા પર પાણીની છાલકો મારી. બાજુમાંની બોટલમાંથી સીધો જ ઘૂંટડો ભર્યો. એને સ્વસ્થ થતાં બહુ વાર લાગી.
ખાસ્સીવારે બહાર આવીને તૈયાર થઈ. મોગરાનું પરફ્યુમ છાંટીને એનું મન વધુ રિલેક્સ થયું. ફરીથી પલંગ પર લંબાવીને એણે ફોનમાં કેલેન્ડર ખોલ્યું. ‘આજે પચીસ તારીખ છે. પેલાની સાથે અઠવાડિયા પહેલા ફોનમાં વાત થયેલી. આજે સારો મોકો છે.’ એના ચહેરા પર સ્મિત આવી ગયું એણે પેલાનો ફોન નંબર ડાયલ કર્યો.
“હલ્લો.. નીરજબાબુ! શું કરી રહ્યા છો? અમારી યાદ આવે છે કે પછી ભૂલી જ ગયા છો?
—–
“અને તમે આપેલું વચન.. યાદ તો છે ને?”
——
“હા હા, પૂરો વિશ્વાસ છે તારા પર ડિયર! એટલે જ આજે ફોન કર્યો.” અને એણે અવાજને થોડો આર્દ્ર કર્યો.
“એક્ચ્યુલી… આજે મને બહુ ઉદાસ છે. સાચું કહું તો એટલે જ તારી યાદ આવી. ઉદાસીમાં તો મિત્રો યાદ આવે ને! આજે… આજે મારી મમ્મીની…” ને એણે ડૂસકું મૂક્યું.
—-
થોડીવારે…
“સૉરી ડિયર, તને હેરાન કરવાનો કોઈ ઈરાદો નથી પણ કોઈના સહારાની સખત જરૂર છે. તને તો ખબર છે કે મારું કોઈ નથી. આજે થોડો સમય મારા માટે કાઢી શકે… પ્લીઝ! મન બહુ મૂંઝાય છે. એક મિત્ર સાથે રહીશ તો સારું લાગશે.”
——
“ધેટ ઇઝ સો સ્વીટ ઓફ યુ. ના, ના. હમણાં જ નહીં આવી શકે તો ચાલશે. હું સમજુ છું કે તારે ઘણાં કામ હશે. પણ બને એટલું જલ્દી ફ્રી થવાની કોશિશ કરજે તારી રાહ જોઈશ.”
——-
“હા, તું ચિંતા ન કર. તું આવે ત્યાં સુધી તારી આ દોસ્તનું ધ્યાન હું રાખી લઈશ. જેવો ફ્રી થાય કે તરત ફોન કરજે. આજે લંચ અને ડિનર બંને આપણે સાથે જ લઈશું. એટલો સમય તો આપી શકશે ને મને?”
——-
“હા, હા. એમ જ કરશું. સી યુ સૂન, ડાર્લિંગ.” છેલ્લો શબ્દ બોલતી વખતે તો એનો અવાજ જાણે માખણમાં લપેટાયેલો હતો. ફોન કટ કર્યા પછી એ ખડખડાટ હસી.
“ચાલો, આજનો દિવસ તો સેટ છે.”
પછી સાઇડ ટેબલનાં ડ્રોઅરમાંથી એક નાનકડી ડાયરી કાઢી. વચ્ચેનાં પાના પર એક લિસ્ટ હતું. એણે જોયું કે નીરજનું નામ એ લિસ્ટમાં છેલ્લું હતું.
‘ચાલો, કામ પૂરું થવા આવ્યું છે.’ એણે ડાયરી બંધ કરીને પાછી મૂકી.
“ધણી તો ઉકલી ગયો, ઉધારીના પૈસા કેમ કરીને ચૂકવીશ, ડોસી! આ છોકરી મને સોંપી દે, બધા રૂપિયા માફ કરી દઈશ.” થરથર ધ્રુજતાં મા-દીકરી ને સામે રાક્ષસ જેવો લેણિયાત!
પહેલીવાર શરીર ઉપર નજરના વીંછી ફરતા અનુભવેલા. જો કે હવે તો રોજ વીંછીના ડંખ વધારે ને વધારે ઝેર ચડાવતા હતા… ને એને ઝેર પચાવતાં આવડી ગયું હતું.
ફોનની રીંગ વાગી ને એ ઝબકી. આજે તો માની તિથિ… એણે ઊભાં થઈને સામેનો કબાટ ખોલ્યો. નાનકડા બોક્સમાંથી ખાસ સિગરેટ કાઢીને સળગાવી. બે-ચાર કશ પછી એને જરા સારું લાગ્યું. વાગી વાગીને બંધ થઈ ગયેલી ફોનની રીંગ ફરી વાગી.
“આ નીરજ બહુ ઉતાવળો. બરાબર અસરમાં આવ્યો લાગે છે.” બોલતાં એને ફોન હાથમાં લીધો.
ફોન મેનેજરનો હતો. મોઢું બગાડીને એણે ફોન ઉપાડ્યો, “શું થયું સમીર?”
“મેડમ, એક જાણીતા ઉદ્યોગપતિને ત્યાં ઇમ્પોર્ટન્ટ મહેમાન છે. તમને યાદ કર્યાં છે.”
“ના પાડી દે. આજની અપોઈન્ટમેન્ટ મેં જાતે બુક કરી દીધી છે.” બોલવામાં કડવાશ ન આવી જાય એનું ધ્યાન રાખવું અઘરું હતું.
“પણ મેડમ, બહુ મોટી હસ્તી છે. અને પૈસા પણ. અને એમની સાથેની દોસ્તી ભવિષ્યમાં…” દોસ્તી શબ્દથી એના કાનમાં જાણે ધગધગતું સીસું રેડાયું.
“ના પાડી દે. કહ્યું એટલું કર. મેં એક વખત અપોઇન્ટમેન્ટ ફિક્સ કરી એટલે કોઈનાં પણ માટે ના નહી પાડું. તે આજનો દિવસ ખાલી હોવાની વાત કરી પછી જ મેં હા પાડી છે. હવે ના ન પડાય.”
“ઓકે, મેડમ.” ને ફોન મૂકાઈ ગયો.
હવે બસ નીરજની રાહ જોવાની હતી. એણે અગાઉનો મેકઅપ ભૂંસીને ચહેરો થોડો ડલ લાગે એવો મેકઅપ કર્યો. અરીસામાં જોઈને આંખોમાં થોડું પાણી લાવવાની એક્ટિંગ કરી જોઈ ને પછી હસી. આ બધું તો હવે એને સહજ હતું. આમાં શું પ્રેક્ટિસ કરવાની?
ખરાં આંસુ વહાવવાનો ક્વૉટા તો ક્યારનોય પૂરો થઈ ગયો હતો- રાક્ષસને પનારે પડીને… સાવ એકલી.. પણ પછી…ખતમ. આંસુ ધીરે ધીરે ઝનૂન બની ગયાં ને કોમળ તૃપ્તિ ધીરે ધીરે બની ગઈ વિદ્રોહી તારિકા.
નીરજ બપોરે અઢી વાગે આવ્યો અને સીધો બીજે દિવસે સવારે ચાર વાગ્યે ગયો.
“મિશન સક્સેસફુલ!” એ કડવું હસી. ફરી ડાયરી ખોલીને નીરજનાં નામની સામે પણ અન્ય નામોની જેમ લાલ શાહીથી ટીક માર્ક કર્યું.
સંકેત, વિનય, વિક્રમ અને હવે નીરજ બધા જ એની મુઠ્ઠીમાં હતા. એક રાક્ષસી સ્મિત એના ચહેરા પર આવ્યું.
‘સાલું આ લીસ્ટ પૂરું કરવા માટે કેટકેટલું કરવું પડ્યું, કેટકેટલું ગુમાવવું પડ્યું! અઢળક રૂપિયા કમાવા પણ પડ્યા અને આ બૂડથલો પાછળ સમય બરબાદ કરવા ગુમાવવા પણ પડ્યા. એ ઉપરાંત એક્ટિંગ કરી, આંસુ વહાવ્યા, લટુડાપટુડાવેડા કર્યા… પણ બધું જ વસૂલ!’
પણ ત્યાં જ…
“એય છોકરી, હવે તો તારી માયે ગઈ. હવે કેમ છટકીશ? રાક્ષસનું અટ્ટહાસ્ય સંભળાયું.” એ રાક્ષસે જ એની અંદરના જ્વાળામુખીને ધગધગતો કરેલો.
એણે ઝનૂનપૂર્વક ડાયરીનું એ પાનું ફાડી નાખ્યું. એના ઝીણા ઝીણા ટુકડા કરીને ડસ્ટબિનમાં નાખ્યા. તોય સંતોષ ન થતાં એ બધા જ ટુકડા જમીન પર ઠાલવીને પગથી ખૂંદ્યા, પછી કમોડમાં નાખીને ફ્લશ કરી નાખ્યા. પછી એ પોતાની ફેવરિટ રિક્લાઇનિંગ ચેરમાં પગ લંબાવીને બેઠી. મસાજ મોડ ઓન કર્યો. આંખો બંધ કરી.
‘આ શરત મને ક્યાંથી ક્યાં લઈ આવી?’
ફાટેલાં સમયના ટૂકડાઓ એનાં અંતરપટ પર ઝબકતા રહ્યા. “સેજલ, સેજલ …”
સેજલની મા કહેતી, “આ તમે બેય જોડિયા બહેનો જેવી અલગ અલગ ઘરમાં કેમ જન્મી? તમારે તો એક જ ઘરમાં જન્મવા જેવું હતું.”
સેજલ તરત જવાબ દેતી, “ઉપરવાળાએ ભૂલ કરી, એમાં શું? અમે એ સુધારી લેશું- એક જ ઘરમાં પરણીને.” સેજલની મા માથું પકડી લેતી.
“તમને કોઈ રીતે ન પહોંચાય, છોકરીયું! પણ સાસરીમાં જરા મોઢે તાળું રાખજો.”
“ના હો! અમે તો આવાં જ રહેવાનાં, હેં ને તુપી?” ને બેય હસતાં હસતાં ભાગી જતી.
બસમાં કોલેજ આવતાં-જતાં રોજ કોની ક્યાં વાત ચાલી? કોને જોવા છોકરાવાળા આવ્યા? કોણે કેવાં કેવાં નાટકો કરીને એ ટાળ્યું? છોકરો કેવો દેખાતો હતો? હસાહસી ને ઠઠ્ઠા-મશ્કરી!
“તારાથી આવું કરાય જ કેવી રીતે, તુપી? આપણે તો એક ઘરમાં… ને આને તો કોઈ ભાઈ જ નથી. આ અંચઈ કહેવાય. આમ ન ચાલે.” રડમસ અવાજે સેજલ બોલી.
“અરે પણ આમાં મારું થોડું ચાલે? બસ, જોવા આવ્યા ને સગાઈ કરીને ગયા. તનેય સરસ છોકરો મળશે, જોજે ને!” હું વિજયને કહીને એનો જ ભાઈબંધ કે પિતરાઈ શોધાવીશ. બસ?” એનાં આંસુ લૂછતાં તૃપ્તિ ઢીલી પડી ગઈ હતી
“ના! એ જ ઘર એટલે એ જ ઘર. ભાઈ નહીં હોય તો વિજયને જ પરણી જઈશ.” સેજલની આવી જીદ તો કોઈએ વિચારી પણ નહોતી.
“જા, જા હવે! એવું થોડું હોતું હશે! સાવ ગાંડી થઈ છે કે?” તૃપ્તિ એને મજાક સમજતાં એને વળગી હતી.
“તો સગાઈ તોડી નાખ, કાં હું વિજયને પરણું.” સેજલની આંખમાં ઝનૂન હતું.
“સગાઈ થઈ ગઈ એટલે વાત પૂરી હવે કંઈ ન થાય.” તૃપ્તિએ ગાંડી સખીને બાથમાં લીધી.
“ન શું થાય, લાગી શરત? બોલ, વિજયને પટાવીને મારો કરી લઉં તો? કેટલા-કેટલાની શરત?” સેજલ એને ધક્કો મારતાં બોલી.
“આખી જિંદગી દાવ ઉપર લાગી હોય ત્યારે બીજું શું આપવા-લેવાનું હોય?” તૃપ્તિ ફિક્કું હસી.
એટલામાં તો બસ આવી ગઈ ને એ દોડીને બસમાં ચડી ગઈ. વાત ત્યાં જ અટકી ગઈ.
રિક્લાઇનિંગ ચેરમાં પણ એ બેચેનીથી અકળાઈ ઊઠી. મસાજ મોડ ઓફ કરીને એણે ટકીલાની બોટલ કાઢી, ઝટપટ બે ઘૂંટ માર્યા. કડવાશને મમળાવી. પછી બે ટપલી પોતાનાં માથા પર મારી.
“તારિકા, ભૂલી જા સેજલને. હવે તું તૃપ્તિ નથી.”
એણે ફરી એક મોટો ઘૂંટ ભર્યો પણ તોય પેલા ટુકડાઓ ન માન્યા.
એક દિવસ વિજયે તૃપ્તિને રામમંદિરમાં મળવા બોલાવી. નાના ગામમાં બીજાથી છુપાઈને મળવા જવું થોડું અઘરું તો ખરું. એટલે એને બહેનપણીઓ પાસે સલાહ માગી અને ફસાઈ. પછી તો એની જે મજાક ઊડી છે, જે મજાક ઊડી છે!
અત્યારે પણ એના ચહેરા પર ગુલાબી ઝાંય ફરી વળી. પણ ત્યાં જ બોટલ એના હાથમાંથી છટકી ને ફૂટી. એ જમીન પર વેરાયેલી કરચોને જોઈ રહી. અચાનક અંધારું થવા લાગ્યું. વાદળો સૂરજને ગળવા તૈયાર થયા હતા.
“તૃપ્તિ, હું.. હું સેજલને ચાહવા લાગ્યો છું.”
એ ઊભી થવા ગઈ. એનો પગ કાચની કરચો પર પડ્યો. એ પાછી ખુરશી પર બેસી પડીને વહેતા લોહીને જોઈ રહી. પછી હળવેકથી એમાં આંગળી બોળી અને લખ્યું… સેજલ… અને પછી આખી જ હથેળીથી ઘસી ઘસીને ભૂંસી નાખ્યું.
એ ધીમેથી બોલી, “સેજલ, સેજલ! તારી એક શરતે મારી જિંદગી બદલી નાખી.” એનાં મોઢામાં કડવાશ ફરી વળી.
“શું શું થયું મારી સાથે! નામ, વ્યક્તિત્વ, ઓળખ, ગામ, ઘર, મા-બાપ… કેટકેટલું ગુમાવવું પડ્યું એ તને નહીં સમજાય! તારી એક જીદમાં કેટલી જિંદગી બરબાદ થઈ ગઈ.
વિજય તો લાંબું જીવ્યો નહીં. એટલે એને બદલે તારો અને એનો- બંનેના બાપ, અને બાકીની ચારેય બેનપણીના વર મારી મુઠ્ઠીમાં છે. મારા તરફથી શરત હવે પૂરી થઈ છે, સેજલ! તમે બધી જિંદગીભર તડપશો, જેટલું હું વિજય વગર તડપી. તે મારી જિંદગીને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધી, સેજલ! તને હું ક્યારેય માફ નહીં કરું.”
એની આંખો આગ ઓકી એને જ બાળી રહી હતી. થોડીવારે એ સ્વસ્થ થઈ અને એણે ફરી પેલી ખાસ સિગારેટ સળગાવી.
‘શરત તો હવે પૂરી થઈ છે. હવે તો કોઈ મંઝિલ રહી નથી. એકલતાને વળગીને હળવાશથી પણ બિન્દાસ જીવવાનું છે. એનાં માટે જોઈશે રૂપિયા!’ ફરી એક ઝનૂન એનાં પર સવાર થવા તૈયાર થયું- પૈસા કમાવાનું.
એણે મેનેજરને ફોન જોડ્યો,
“સમીર, હવે એક પણ દિવસ ચૂક્યા વગર અપોઇન્ટમેન્ટ બૂક કરવા માંડ. અને હા, રેટમાં વીસ ટકાનો વધારો કર.” ને પછી પગમાંથી વહેતા લોહીની પરવા કર્યા વગર ઊઠીને બાથરૂમ તરફ ચાલતી થઈ.
~ સ્વાતિ રાજીવ શાહ
suchakswati08@gmail.com