સાટા લગ્ન (લઘુકથા) ~ નિરાલી રશ્મિન શાહ ‘સ્વસા’, અમદાવાદ
“અરે, રૂખી તું ક્યારે આવી સાસરેથી?” જલ્પાબહેને પોતાના ઘરે કામ કરવા આવતી સુખીની સાથે આવેલી એની મોટીબહેન રુખીને જોઈને પૂછયું.
આથી રૂખી થોડી ઝંખવાણી પડી ગઈ, ને નીચું જોઈને બોલી, “ગઈકાલે જ મૂકી ગયા મને.” પછી ધીરે રહીને બોલી, “કાયમ માટે”.
આ સાંભળીને જલ્પાબહેન તો અવાચક જ થઈ ગયા.
“કેમ અલી? ઘરવાળા જોડે બબાલ થઈ કે પછી દહેજ ઓછું પડ્યું?”
રૂખી રડી પડી. “મારે ને “એમને” તો બહુ જ સારું બને છે, દહેજની પણ બબાલ નથી. આ મૂઆ રીતરિવાજને લીધે થઈને અમે જુદા થઈ ગયા.”
જલ્પાબહેને રૂખીને છાની રાખી, પાણી પાયું, સાંત્વના આપીને હળવેથી પૂછયું, “બેન, રડ નહિ. માંડીને વાત કર. થયું છે શું?” અને રૂખીએ એની કરમકહાણી ચાલુ કરી.
રૂખીના સમાજમાં સાટા લગનનો રિવાજ હતો. એટલે કે ભાઈ – બહેનના લગ્ન એક જ કુટુંબમાં થતાં. કન્યાના ભાઈ સાથે વરની બહેનનું લગ્ન નક્કી થતું. જો કોઈ છોકરીને સગો ભાઈ ના હોય તો તેના કાકા – બાપાના છોકરા સાથે વરની બહેનનો સંબંધ નક્કી કરવામાં આવતો.
રૂખીને પણ ચાર બહેનો હતી, ભાઈ એક પણ નહોતો, એટલે રીતરિવાજ પ્રમાણે રૂખીના મોટાકાકાના દીકરા દિપકનો સંબંધ રૂખીની નણંદ મંજુ સાથે કરવામાં આવ્યો, જે દિપકને મંજૂર નહોતો.
એનું કારણ હતી દિપકની પ્રેમિકા હેતલ, જે દિપક સાથે જ કોલેજમાં ભણતી હતી, જ્યારે મંજુ તો ચાર ધોરણ જ ભણેલી હતી. પણ રૂખી માટે સારું ઘર ને વર મેળવવા માટે બધાએ દિપકને બળજબરીથી લગ્ન માટે હા પડાવી દીધી.
બેઉ લગ્ન સાથેસાથે જ થઈ ગયા. રૂખી એના સાસરે ગઈ ને મંજુ પરણીને રૂખીના મોટાકાકાના ઘરે આવી. દિપકને કેમેય કરીને પોતાની પરણેતર મંજુ જરા પણ ગમતી નહોતી. જેવી કોલેજના છેલ્લા વર્ષની પરીક્ષા પતી કે તરત જ દિપક ને હેતલ બંને ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર ભાગીને ક્યાંક જતા રહ્યા.
રૂખી પર તો આભ તૂટી પડ્યું, બહુ જ શોધખોળ કરવા છતાં પણ જ્યારે દિપક – હેતલની કોઈ જ ભાળ ના મળી. છેવટે સાટા લગ્નના રિવાજ પ્રમાણે રૂખીના સાસરિયાં રૂખીને કાયમ માટે પાછી તેના પિયરે મૂકી ગયા ને કહેતા ગયા કે, ” જ્યારે દિપકકુમાર પાછા આવી અમારી મંજુને તેડી જાય ત્યારે જ રૂખીને સાસરે મોકલજો, ત્યાં સુધી નહિ.”
આ સાંભળીને અવાચક થઈ ગયેલા જલ્પાબહેન તો બોલી ઉઠ્યા, “બાપ રે! મૂઆ આ તે કેવા રીતરિવાજ!”
~ નિરાલી રશ્મિન શાહ ‘સ્વસા’, અમદાવાદ
niralirashminshah@gmail.com