ઈશારો (વાર્તા) ~ માના વ્યાસ
અંધેરીથી સવારની સાડા નવની લોકલ પકડવા નિષ્કા એકીશ્વાસે બ્રીજ ચડી ગઈ. પ્લેટફોર્મ પર ચર્ચગેટ સ્લો લોકલ આવવાની જાહેરાત થઈ રહી હતી.
અજબ શહેર છે મુંબઈ. અહીંની હવામાં ગતિ છે. ફાસ્ટ લાઈફ છે. એક તરફ એકસાથે ચાર ટ્રેક પર દોડતી લોકલ,રોડ પર બસ અને દોડતાં વાહનો,આકાશમાં ઉડતાં પ્લેન અને સડસડાટ દોડતી મેટ્રો. કોઈને પળભરની ફુરસદ નથી. કોઈ અટકતું નથી. એક મહામેળામાં સૌ ભૂલા પડી કોઈને શોધતાં હોય એમ ઉતાવળે ચાલતાં હોય.
લોકલમાં માળા ફેરવતાં જપ થઈ જાય છે, અગત્યના મેસેજ અને ફોન થઈ જાય છે કે બાકી રહેલી ઊંઘ ખેંચી કઢાતી હોય છે. શહેરમાં રહેવાનો સૌથી મોટો ફાયદો કે શરીરમાં આળસ ટકીને રહેતી નથી.
નિષ્કાએ જોયું તો પહેલા જ લેડિઝ ડબ્બા સામે સખત ભીડ હતી. નિષ્કાએ સંભાળીને મોબાઈલ પર્સમાં મુકી દીધો. પર્સને ખભા પર ક્રોસમાં પહેરી લીધું. એની સુંવાળા,લાંબા વાળની પોની ટેઇલને આગળ લાવી સમરાંગણની વિરાંગના જેમ ભીડને ચીરી ડબ્બામાં દાખલ થવા તૈયાર થઈ ગઈ.
ટ્રેન આવતાં જ એ સલુકાઇથી ડબ્બામાં દાખલ થઇ ગઈ. ક્યાંય બેસવાની જગ્યા નહોતી. એ સામી બાજુએ આવેલા દરવાજા પાસે ઊભી રહી ગઈ. ત્યાંજ એની નજર જોડાજોડ ઊભેલી ટ્રેન તરફ ગઇ.
સામેની ટ્રેન ચર્ચગેટ ફાસ્ટ ટ્રેન હતી. એની જેમ જ સળિયો પકડીને એક યુવાન ઊભો હતો. ઘડીભર બંને ધક્કામુક્કી,કોલાહલને ભૂલી એકટક જોઈ રહ્યાં. ફક્ત સત્તર સેકંડ ઊભી રહેતી ટ્રેન હળવે રહી ચાલવા લાગી.
લગભગ સાથે ઉપડેલી બંને ટ્રેન જાણે એકબીજા સાથે રેસ લગાવી હોય એમ થોડી આગળ પાછળ દોડતી હતી. દરવાજા પાસે ઊભેલાં બંને એકબીજાને હજી જોઈ શકતાં હતાં. નિષ્કા હવે સભાન થઈને થોડી થોડી નજર ચોરી જોતી હતી પરંતુ યુવાન તો એને બેધડક નીરખી રહ્યો હતો.
અંધેરીથી પાર્લા સુધીનું આ તારામૈત્રક ત્રુટક ત્રુટક તૂટતું સંધાતુ રહ્યું. પછી યુવાનની ફાસ્ટ ટ્રેન થોભ્યા વિના દોડી ગઈ. જતા જતા છેલ્લે યુવાને હાથ હલાવી બાય કર્યું. નિષ્કાની કાનની બૂટ ગરમ થઇ ગઈ. આજુબાજુ ઊભેલી બે ત્રણ છોકરીઓ હસી રહી હતી.
નિષ્કાને સમજ ન પડી હસવું કે ખીજાવું. એણે કાનમાં ઇયર ફોન નાંખી દીધાં. થોડીવારમાં પ્રભાદેવી આવી ગયું અને એ ઊતરી ગઈ.
નિષ્કા એક સંગીત વિદ્યાલય સાથે જોડાયેલી હતી. એક અઠવાડિયા પહેલાં જ એને અહીં નોકરી મળી હતી. જુનિયર ક્લાસમાં શીખવવાનું અને પોતાની વિશારદની તૈયારી બંને એકસાથે કરવા મળી રહ્યું હતું. સંગીત વિદ્યાલયમાં આવતા જ નિષ્કા કામમાં ડૂબી ગઈ. સંગીતની અદભુત દુનિયામાં ખોવાઈ ગઈ.
બીજે દિવસે ફરી ઝટપટ બ્રિજ ઊતરી પ્લેટફોર્મ પર આવી ત્યારે એને અચાનક ગઈકાલની વાત યાદ આવી. અને એ સાથે યાદ આવ્યો એ સોહામણો યુવાન. હજી ટ્રેન આવી નહોતી. સહસા એની નજર સામેનાં પ્લેટફોર્મ તરફ ગઈ.
ઓએમજી.. આ તો સામે જ ઊભો છે. નહોતું જોવું તોય નિષ્કાથી યુવાનને ધારીને જોવાઈ ગયો. સરસ હાઈટ છે,પાંચ દસ તો હશે જ. ઓફીસવેર પહેર્યા છે એટલે નોકરી કરતો હશે. બેગ પેક પણ બ્રાંડેડ છે. ગુડલુકિંગ મેન.
નિષ્કાએ આમતેમ જોવા માંડ્યું. યુવાન પણ કોઈ સાથે વાત કરતા કરતા જોઈ લેતો હતો. આજે પણ બંનેની ટ્રેન સાથે આવી. નિષ્કાએ બેસવાની જગ્યા હોવાં છતાં દરવાજા પર ઊભા રહેવાનું પસંદ કર્યું. સત્તર સેકંડ. નજરનો સેતુ રચાયો.
હજી સ્થિર થાય એ પહેલાં જ બંને ટ્રેન ઊપડી. પાર્લા આવતાં પહેલાં યુવાને વાળમાં હાથ ફેરવાને બહાને બાય કરી દીધું. આજે નિષ્કાએ નજર ખસેડી નહીં અને કાનમાં પહેલેથી જ ઈયરફોન પહેરી રાખેલાં જેથી કોઈનું હસવું સંભળાય નહીં.
આવું લગભગ રોજ બનવા લાગ્યું. નિષ્કા હવે જાણીજોઈને સ્હેજ વહેલી આવવા લાગેલી. અંધેરીથી પાર્લા સુધીનો એ મૂક સાથ ખૂબ ગમવા લાગ્યો હતો. નિષ્કાનું કામ સાંજે ચાર વાગ્યે પતી જતું એટલે એ સાડાચારની ટ્રેન પકડી પાછી આવી જતી.
આજે એને વિદ્યાલયમાં જરા મોડું થઈ ગયું. એને મનમાં ઉચાટ થવા લાગ્યો કે સાડા છની સ્લો લોકલમાં ચર્ચગેટથી જ સખત ગીરદી હશે કેમ ચઢાશે? જેમતેમ ચઢીને એક પગ પર ઊભી રહી.
લેડિઝ ડબ્બામાં ઘેટાંબકરાં ભર્યાં હોય એવી ગીરદી હતી. શ્વાસ સાથે શ્વાસ અથડાતા હતા. દાદર સ્ટેશને થોડી જગ્યા થઈ એટલે દરવાજા પાસે ઊભી રહી ઊંડો શ્વાસ લીધો. સામેથી ફાસ્ટ ટ્રેન પસાર થઈ. છેલ્લો ડબ્બો પસાર થયો,ઓહ એ જ યુવાન દરવાજા પર સળિયો પકડી ઊભો હતો. પણ એનું ધ્યાન નહોતું.
હાશ! સારું થયું ધ્યાન નહોતું નહિતર આવા વિખરાયેલા વાળ અને થાકને કારણે પોતે કેવી દેખાતી હશે. નિષ્કા મનમાં વિચાર કરી રહી. ઓકે તો ચર્ચગેટથી સાંજે છ દસની ફાસ્ટ પકડતો હશે.
સરસ દિવસો જતા હતા. નિષ્કા નોકરી કરતી હતી,એને ગમતું સંગીત શીખતી હતી અને સવારે અલપઝલપ જ સહી પણ કોઈને જોવાની તાલાવેલી રહેતી હતી.
લગભગ બે મહિના પછી એક દિવસ સ્હેજ ગરદી ઓછી હતી. નિષ્કા વહેલી આવી ગઈ હતી. એક ટ્રેન હમણાં જ ગઈ હતી. સામે પ્લેટફોર્મ પર પેલો યુવાન મિત્રો સાથે ઊભો હતો. બધાં કંઈ જોરદાર ચર્ચા કરી રહ્યા હતા. મોટેભાગે ગઈકાલની ક્રિકેટ ફાઈનલની વાત હતી.
યુવાન ટોળાંમાંથી બહાર સરકી ગયો. એ એકધારું નિષ્કા સામે જોઈ રહ્યો હતો. એણે નિષ્કાને ફોન બતાવ્યો. પછી શર્ટનાં ખિસ્સામાં મૂકી દીધો. નિષ્કા અસમંજસમાં પડી ગઈ. શું કરે છે આ? યુવાને નવનો ઈશારો કર્યો.
હવે નિષ્કા સમજી. એણે પોતાના ફોનમાં નંબર લખવા માંડ્યો. આઠ,ત્રણત્રણ.. વચ્ચેથી બે જણ પસાર થઈ ગયા. ઓકે 9833, નિષ્કાએ નજર ઉઠાવી. બે આઠ છ…
એટલામાં બંને વચ્ચે ટ્રેન આવી ઊભી રહી ગઈ. બંને ઝટપટ ચડી અંદર તો આવ્યાં પણ લેડિઝ ડબ્બામાં આજે મોટાં ટોપલામાં ફૂલ લઈને સ્ત્રીઓ બેઠી હતી એટલે દરવાજા પાસે ન મળાયું. ઉપરથી સિગ્નલ ન મળવાને કારણે સ્લો ટ્રેન આજે વધુ સમય ઊભી રહી,ને ફાસ્ટ ટ્રેન ચાલવા લાગી.
9833286.. છેલ્લા બે નંબર આપવાનાં રહી ગયા. કયા નંબર હશે? નિષ્કા વિચારી રહી. અરે ટ્રેન વચ્ચે આવી ગઇ નહીં તો આજે કૉલ.. નિષ્કાને પેટમાં પતંગિયા ઉડવા લાગ્યાં. છેલ્લા બે નંબર એક થી નવ અને ઝીરો.. કોમ્બિનેશનની સંભાવના 100 સુધી જાય. બાપ રે! સો જણાંનાં નંબરમાંથી એક હશે. ઠીક છે કાલે વાત.
નિષ્કા એકવાર વિદ્યાલયમાં પગ મૂકે પછી સઘળું ભૂલી જાય. સાંજે ઘરે પહોંચી ગીત ગણગણતી હતી ને આવતીકાલે બાકીનાં નંબર લઈ શું વાત થશે તેની મધુર કલ્પનામાં રાચતી હતી કે એનું ધ્યાન પપ્પા ટીવી જોઇ રહ્યા હતા ત્યાં ગયું.
ટીવી પર મોટા અક્ષરોમાં ટ્રેનમાં બોમ્બ બ્લાસ્ટ થયો એ બતાવતાં હતાં. નિષ્કા ટીવી પાસે આવી.
“શું થયું પપ્પા?”
“અરે તું જલ્દી આવી ગઇ એ સારું થયું બોમ્બ બ્લાસ્ટ થયો… આ સા… આતંકવાદીઓ..”
“ક્યાં થયો?”
“લોકલમાં.”
“કઈ?”
“છ દસની બોરીવલી ફાસ્ટમાં, છેલ્લા ડબ્બામાં.”
નિષ્કાનાં કાન બહેર મારી ગયા. પગ ઢીલા થઈ ગયા. એનું મગજ સુન થઈ ગયું.
ટીવીમાં રેસ્ક્યુ ટીમ એનું કામ કરી રહી હતી. હજી જાનહાનિ વિશે કંઈ ખબર નહોતી. નિષ્કા રુમમાં દોડી ગઈ. એનાંથી રડી પડાયું.
બીજે દિવસે એણે રજા લીધી. સવારે ઉઠતાંની સાથે પેપર તપાસ્યું. ક્યાંય ફોટો કે વર્ણન કંઈ નહોતું. ત્રણ મોત થયાં હતાં. હજુ ઓળખ થઈ નથી.
નામ આવશે તો પણ પોતે ક્યાંથી ઓળખી શકવાની? નિષ્કા હતાશ થઈ ગઈ. એણે પ્રભુને પ્રાર્થના કરી. બધું હેમખેમ હશે તો સિદ્ધિવિનાયકનાં દર્શને ચાલીને જઈશ એવી માનતા લીધી.
બીજે દિવસે અંધેરી પ્લેટફોર્મ પર આવતાં જ એનું મન ભારે થઈ ગયું. હજી એને સામેનાં પ્લેટફોર્મ પર ઊભો રહી નંબર લખાવતો યુવાન દેખાઈ રહ્યો હતો. નિષ્કા માંડ માંડ કામ કરતી રહી.
પ્રેમ એટલે શું એ સમજાય,અનુભવાય તે પહેલાં જ છીનવાઈ જાય! આ હ્રદય પણ કેવું છે કોઈ અજાણ્યા માટે દુઃખી થઈ જાય છે.
અઠવાડિયા પછી નિષ્કાએ હિંમત એકઠી કરી સામેનાં પ્લેટફોર્મ પર જઈ પૂછપરછ કરી. એક જણ બોલ્યું,હા એનું નામ ક્રીશ હતું પણ મોબાઈલ નંબર કોઈ પાસે નહોતો. હા, પણ એનો મિત્ર આજે નથી આવ્યો એને ખબર હશે.
નિષ્કા બેચેન થઇ ગઈ. બે ત્રણ દિવસ સુધી રાહ જોઈ પણ પેલો મિત્ર કોઈને દેખાયો નહીં. નિષ્કાએ 100 સંભાવનાને ઉકેલવાનું ચાલુ કર્યું હતું. લગભગ 57 લોકોનાં નંબર એણે ચેક કર્યા પણ એકે ક્રીશ નામની વ્યક્તિનો નહોતો.
આખરે થોડાં દિવસ પછી સામેનાં પ્લેટફોર્મ પરથી નિષ્કાને એક જણે ઇશારો કરી બોલાવી. એ ક્રીશનો મિત્ર હતો.
સાંજે નિષ્કા કોકિલાબેન હોસ્પિટલમાં પ્રવેશી. આછાં પીળા કલરનાં લખનવી ડ્રેસમાં એ સુંદર લાગતી હતી. એનાં હાથમાં ફૂલોનો બુકે હતો. એણે હળવેકથી વોર્ડ નંબર 302નો દરવાજો ખોલ્યો. સામે પલંગ પર ક્રીશ સૂતો હતો. એનાં પગે હાથે પાટા બાંધેલા હતા.
નિષ્કા હળવેથી બેડ પાસેનાં સ્ટૂલ પર બેસી ગઈ.
“કોણ? મમ્મી?” ક્રીશે પૂછ્યું. એની આંખો પર પાટો બાંધેલો હતો.
“ડૉક્ટરે શું કહ્યું? ક્યારે પાટો છોડશે? હું જોઈ શકીશ કે નહીં?” કમરામાં સન્નાટો વ્યાપી રહ્યો.
“કેમ બોલતી નથી મમ્મી?
ક્રીશની હથેળીમાં ગરમ આંસુ ટપક્યાં. હળવેથી નિષ્કાએ એ હથેળી પોતાની બંને હથેળીઓમાં સમાવી દીધી.
~ માના વ્યાસ, મુંબઈ
mana.vyas64@gmail.com
અદભૂત👌