“લિ. તારી પ્રિય સખી…” ~ પત્રશ્રેણીઃ પત્ર ૬ નો પ્રત્યુત્તર દિનાને ~ લેખિકાઃ અમિતા શુક્લ
વ્હાલી દિના,
તારો પત્ર મળ્યો એ વાંચીને ઝૂમી ઉઠી. તે પ્રવાસની વાત કરી મારું દિલ હરખાઈ ગયું. પ્રવાસ એટલે મારું બીજું ઘર. પ્રકૃતિના સંગમાં આત્મીયતા વધતી જાય ત્યારે મારું મન તેની ગોદમાં ઝૂકી જાય છે. હું ફરી પ્રવાસ પર નીકળવાની છું. આ વખતે સપરિવાર પ્રવાસની મોજ માણવા જવાના છીએ.
“કિચૂડ કીચૂડનાં અવાજના હરખમાં કમાડ ખૂલ્યાં ઘરનાં,
ઉંબરો હરખાઈ ઉઠ્યો કે સ્વજનો પગ મૂકશે ખાલી ઘરમાં.”
સખી, ઊંબરો પણ રાહ જોતો હોય છે, અડગ વિશ્વાસ સાથે કે સ્વજન આવીને ક્યારેક તો મને ઓળંગશે. એ સમયે તેને પણ વિરહની સામે કેટલો આનંદ મળતો હશે.
મારા પરિવારે આવીને ઊંબરો ઓળંગ્યો તેની સાથે મારું આખું ઘર ચહેકી ઉઠ્યું. ઘરની ભીંતો એમને જાણે આલિંગવા માંગતી હોય એવું મહેસૂસ થયું. ઘરનો હિંચકો તો આવકારતા જ ઝૂલવા લાગ્યો, જાણે મિષ્ટિને કહી રહ્યો હતો કે તું પહેલાં અહીંયા જ ઝુલ. સખી સાચું જ છે ને પેટની વેઠને કાજે પંખીડા દૂર ઉડી દેશાવર જાય. સમય મળે ઊડીને માળામાં આવે ત્યારે આપણે માળો સાચવીને બેઠેલા હોઈએ છીએ. સૂના સૂના ઘરમાં સ્વજનોની ભીડ કેવી વ્હાલી લાગે છે.
“આ આંગણું મારું, આંગણું બનીને ધબક્યું છે આજે,
વર્ષો બાદ પ્રિયજનના પગરવ એણે સુણ્યા છે
વરસતા આ વરસાદ સાથે ભળતાં રહ્યા આજે આંસુ,
સૂના આંગણિયે વર્ષો બાદ જો મોર ગહેક્યા છે”
સખી, મારા સંતાનો આવ્યાં અને એમાંયે મારી પૌત્રી મિષ્ટી….! હોઠ હસતા હતા અને આંખો આંસુ – હરખનાં આંસુ વહાવતી રહી…! મિષ્ટી અહીં આવીને ગુજરાતીમાં બોલે ત્યારે મને થાય છે કે દીકરો અને વહુ, વતનને ભૂલ્યાં નથી, એટલું જ નહીં, પણ મારી પૌત્રીને પણ એમની રીતે વતનથી જોડાયેલી રાખે છે.
મિષ્ટી અમારા બધાની ખાસ છે. કેમ પૂછે તો કહું સખી.. રી… એક આનંદની વાત છે. અમારા ઘરમાં લક્ષ્મીજીના પગલાં પંચાવન વર્ષે પડ્યા છે. બધાં દીકરાઓની વચ્ચે મારી મિષ્ટી રાજકુમારી બની રાજ કરે છે.
દિના, અમેરિકામાં રહેતાં આપણા ભારતીયોને હું મળી છું. તેમનામાં ભારત પ્રત્યે અઢળક પ્રેમ જોયો છે. તેઓ સ્વતંત્રતા દિવસ કે પ્રજાસતાક દિવસની ઉજવણી મન ભરીને કરે છે. તે દિવસે ત્યાં ભારતની સંસ્કૃતિને છલકાવતા જુદા જુદા રાજ્યોના લોકગીતો, ડાન્સ, પહેરવેશ, ખાણીપીણીના પ્રોગ્રામ થતાં હોય છે. ધ્વજવંદન વખતે દરેકનાં મુખ પર ભારતીય હોવાનો ગર્વ હોય છે. મેં પણ ત્યાં લગભગ બધાં તહેવારો ઉજવ્યાં અને અનુભવ્યામ છે.
તેઓ દરેક તહેવારો પણ પૂરી આસ્થા સાથે ઉજવે છે. લાસ્ટ ટાઇમ હું અમેરિકા ગઈ હતી ત્યારે રથયાત્રા હતી. અમે પરિવાર સાથે મંદિર ગયેલાં, ત્યાં મેં જોયું તો દરેક વ્યક્તિએ પગમાં ચંપલ નહોતા પહેર્યા અને લોકો રથ ખેંચતા હતાં. મેં પણ તેનો અદ્ભુત લહાવો લીધો હતો. મેં જોયું કે નિસ્વાર્થ ભાવે સેવા કરતાં ઘણાં લોકો ડોલમાં પાણી ભરી રોડ ઉપર નાખતાં જતાં હતાં, જેથી ગરમીને કારણે રથ ખેંચતા લોકોના પગ તાપથી દાઝે નહીં. આનાથી વિશેષ ત્યાંની આસ્થા વિશે શું કહું સખી?
આ વખતના ચાતુર્માસના ઉત્સવોમાં આખો પરિવાર સાથે છે. એટલે વધારે ઉત્સાહ રહેશે. દરેક ઉત્સવની પાછળ કથા હોય છે. હું મિષ્ટીને આ બધી વાર્તાઓ કહેતી રહું છું જેથી એને પણ એનાં મૂળિયાં ક્યાં છે, – where she belongs – એની awareness આવે. જ્યારે બાળકો પરદેશ વસતાં હોય ત્યારે વતન સાથેનું અનુસંધાન મજબૂત બનાવેલું હોય તો પોતાની જાતનો તટસ્થતાથી સામનો કરી શકે છે. દિના, તું પણ જ્યારે નાની બને ત્યારે આવી નાની-નાની વાતો તું પોતે જ અમલમાં મૂકીશ. આ ક્રિયા ગ્રાન્ડપેરેન્ટ્સ બન્યા પછી એકદમ સહજ બને છે.
સખી, પરિવાર એટલે અંગત માણસો. બધું કહી શકાય, એકબીજાનું સમજી શકાય. હું માનું છું કે પરિવારમાં મળતી હૂંફ એ ઉત્તમ છે. “મોટેરાની સારપે સૌની સારપ.” ઘરનાં મોભી થવાનું સહેલું નથી હોં! એ જવાબદારી સ્વીકારીને નિભાવવાનું સભાનતાથી શીખવું પડે છે, પણ સંજોગોનો સ્થિતિસ્થાપકતા સાથે સ્વીકાર કરતાં અને બાંધછોડ કરતાં શીખી શકીએ તો જ ઘરની વ્યક્તિઓની આદતો અને સ્વભાવ પ્રમાણે એકબીજાને એડજસ્ટ થઈને રહી શકાય છે. સાચું કહું તો વડીલોને આમ પહેલ કરતાં જોઈને સંતાનો પોતે પણ ખુશીથી આપણાં વડીલોની રીતભાત (જે ક્યારેક Idiosyncrasy બની જાય છે ) ને એડજસ્ટ થાય છે. આ હું મારા અનુભવની વાણી કહું છું.
પરિવાર વિના સભ્યતાની અને સભ્યતા વિના સંસ્કૃતિની કલ્પના ક્યાં કરી શકીએ છીએ? પરિવારમાં ગણતરીઓ ચાલુ થાય તો વિચ્છેદ થાય છે. મન ખાટા બની જાય છે. હું પરિવારમાં સાથે રહું ત્યારે ગણિત વિષય જ ભૂલી જાઉં છું! સખી તારું શું કહેવું છે?
“ચલો કોઈ આતે, મેં તો મેરે જાતે”
કવિ અર્જુન ભગતની આ પંક્તિઓમાં જીવનનો સાર કહી દીધો છે. સાથે કોઈ આવે કે નહી હું તો ચાલતો રહીશ. જીવન પણ એક પ્રવાસ જ છે. આપણે આ ધરતીના પ્રવાસીઓ છે. આપણે જીવનની અવિસ્મરણીય અનુભૂતિ માણવાની છે. યાદગાર પળોની સ્મૃતિ આંખમાંથી દિલમાં કેદ કરવાની છે. જીવન જીવવાની એ કળા જ તો શીખવાની છે. ખરુંને સખી!
આપણે જાત તરફની જાતરા કરવાની છે. એ સમય જીવન સંધ્યા સમયે અવશ્ય દરેકનાં જીવનમાં આવતો હોય છે. હરિવંશરાય બચ્ચન કહે છે,
“जीवन की आपाधापी में कब वक्त मिला
कुछ देर कहीं पर बैठ कभी यह सोंच सकूँ”
સખી, આપણે જીવનમાં વાહ અને ચાહની દોડમાં નિરંતર ભાગીએ છીએ. ક્યારેક આપણે જ આપણને સવાલ કરીએ છીએ કે હું જીવનની દોડમાં ક્યાં છું? સબંધોની માયાજાળમાં પોતાનું અસ્તિત્વ ખોઈ બેસીએ છીએ. આપણે આપણને આવકારવાના છે. આપણી જાતને ઓળખીશું તો પોતાને ચાહી શકીશું. પોતાની જાતને ચાહવું એટલે દરેકને ચાહવા બરાબર છે. પોતાની જાતને જે અંદર બહારથી ઓળખી લે તે એક બીજાને પરસ્પર ચોક્કસ ઓળખીને આવકારતા હોય છે.
એરિસ્ટોટલ કહ્યું હતું, ‘બીજાને મિત્ર બનાવતા પહેલાં મનુષ્યે પોતાની જાતને મિત્ર બનાવવો જોઈએ. સ્વની ઓળખ બધા જ ડહાપણની શરૂઆત છે.’ સદીઓ પહેલાં ભગવાન બુદ્ધે આ વાત કહી હતી, ‘તમારી પોતાની જાત, સમસ્ત સંસારમાં, અન્ય કોઈનીય જેમ તમારા પ્રેમ અને સ્નેહની અધિકારી છે.’ સ્વની યાત્રા નિરંતર આપણે જાળવી રાખવી જોઈએ.
ચાલ, લખવાનું બંધ કરી કલમને આરામ આપું. પ્રવાસની વાતો આવીને લખીશ. પરિવાર સાથેની ટ્રિપ છે એટલે તેની મજા પણ અલગ જ હશે. જેટલીવાર એમની સાથે પ્રવાસ કરું ત્યારે નવું શીખતી રહું છું. નવી જનરેશન એટલે તેઓ મને નવું નવું શીખવાડતા રહે છે. મને પણ એમની વિદ્યાર્થિની બનવામાં આનંદ આવે છે.
“હવામાં ફરતાં શબ્દોને
મેં બાંધ્યા પાલવડે,
થોડા થોડા લઇને
છલકાવ્યા કોરા કાગળે.”
લિ. તને હંમેશા યાદ કરતી,
તારી સખી અમી.