“લિ. તારી પ્રિય સખી…!” ~ પત્રશ્રેણીઃ પત્ર ૬ ~ અમિતાને ~ લેખિકાઃ દિના છેલાવડા
પ્રિય અમી,
આપણે એક ગુજરાતી એપ પર એકબીજાની રચના વાંચીને તેના પર પ્રતિભાવ આપતાં અને એ રીતે આપણા શબ્દો દ્વારા જ આપણે એકબીજાને ઓળખતાં અને સમજતાં થયા એ વાત.. એ યાદો, તેં પત્રમાં તાજી કરી. એમ કહી શકાય કે આપણી મિત્રતાની શરૂઆત શબ્દો થકી જ થઈ. તેં લખ્યું છે કે તને આપણું આ પત્ર લખવું ખૂબ ગમે છે. ખરેખર આ પત્રમાં અવનવી વાતો લખવાનો આનંદ કંઈક અનેરો જ છે નહીં, સખી?
આ લેખન કાર્ય એક અલગ કળા છે. તેને લગભગ કુદરતી બક્ષિસ કહી શકાય. લેખન અને સર્જન એક એવી પ્રક્રિયા છે જે આપણને અસ્તિત્વનું ભાન ભુલાવીને આપણી સામે એક નવું વિશ્વ ખોલી આપે છે. હૃદયકુંજમાં ખળખળ વહેતી સંવેદના આપણા બંનેના ટેરવેથી બસ, આમ અસ્ખલિત વહેતી રહે.
અમી, તું પ્રવાસની શોખીન તો છે જ એટલે તે ગીરનો અનુભવ ત્યાં જઈને લીધો જ હોય એ સાચું, પણ એક વખત ‘અકૂપાર’ વાંચીને પણ લેવા જેવો ખરો. અત્યારે તું સ્વામી વિવેકાનંદનું જીવન ચરિત્ર વાંચી રહી છે એ જાણી આનંદ થયો. એમનું જીવન ચરિત્ર મેં ઘણા વર્ષો પહેલા વાંચેલું છે. તે કહ્યું છે તો ફરી એક વખત વાંચીશ. રામકૃષ્ણ પરમહંસ સાથેના એમના જીવનના પ્રસંગો વાંચીને સમજાય છે કે અનલહકની હાકલ જેવું અલૌકિક તત્ત્વ નક્કી હોવું જોઈએ કે જેણે નરેન્દ્રનાથને સ્સ્વામી વિવેકાનંદ બનાવ્યા. પણ આપણે તો પામર મનુષ્યો, “હું માનવ, માનવ થાઉં તોયે ઘણું!”
તેં પત્રમાં ગીતાજીનો ઉલ્લેખ કર્યો છે. સ્વામી વિવેકાનંદે લખ્યું છે કે “ગીતા ઉપનિષદરૂપી બગીચામાંથી વીણી કાઢેલા આધ્યાત્મિક સત્વરૂપી પુષ્પોમાંથી ગૂંથેલી સુંદર છડી અથવા કલગી છે.”
ખરેખર ગીતા એ પરમ ચૈતન્યના સાક્ષાત્કારનું સંગીત છે. એક એવું પવિત્ર ઝરણું છે જેમાં ડૂબકી મારવાથી ભીતરથી રસતરબોળ થઈ નિખરી શકાય એમ છે. ગીતા એટલે તત્ત્વજ્ઞાન અને જીવનને સમરસ બનાવતું અધ્યાત્મમંથન. કવિશ્રી મકરંદ દવેના ગીતા વિશેના આ શબ્દો છે, “ગીતા એ જ્ઞાન, ભક્તિ અને યોગનો ત્રિવેણી સંગમ છે.”
સખી, મેં વાંચેલું કે “ગીતા એ આપણા ભારત દેશના આધ્યાત્મિક ઉદ્યાનનું ખીલેલું ફૂલ છે. એ આપણી ભારતીય જ્ઞાનધારાનું પરિપૂર્ણ પ્રતીક છે. એ મુક્ત અને પૂર્ણ જીવનની ચાવી છે.” આપણા મનનો ઉછેર ગીતાના પઠનથી થાય તો આપણું જીવન ખરેખર ખીલી ઉઠે. તને એવું નથી લાગતું કે આ ટેકનોલોજીના યાંત્રિક યુગમાં માનવી અનેક સમસ્યાઓથી સળગી રહ્યો છે ત્યારે ગીતા-અમૃતનાં છંટકાવથી આ જલન થોડી ઓછી થઈ શકે?
અમી ગીતાના વાંચન માત્રથી એ આપણને ફિનિક્સ પક્ષીની જેમ રાખમાંથી બેઠા થવાનું બળ આપે છે. દુનિયાનું સૌથી શ્રેષ્ઠ સંવાદ કાવ્ય ગીતા છે. આપણે એવું કહી શકીએ કે આવનારી પેઢી અને વિશ્વને શ્રીમદ્ ભગવદ્ ગીતા વિના ચાલવાનું નથી. આ વાત આપણને સૌને જેટલી વહેલી સમજાય અને એને સ્વીકારી લઈએ તેટલું ફક્ત આપણા માટે જ નહીં પરંતુ આખા વિશ્વ માટે શ્રેષ્ઠ છે.
માણસને માણસની દૃષ્ટિથી જોવાની શક્તિ આપણને ગીતા આપે છે. પણ, ગીતા એ માત્ર મોઢે કરવાના શ્લોકો નથી પણ એકએક શબ્દોને વાગોળીને, પચાવીને રુધિરભિસરણમાં મેળવવાની પ્રક્રિયા છે. આ બધું જ સાંભળેલું અને વાંચેલું આપણે સમજીએ છીએ પણ હજી સુધી આ રીતે ગીતાને મેં નથી વાંચી. એક દિવસ મારે મારી જાત સાથે ફુરસદ લઈને મારે ગીતાનું અધ્યયન નક્કી કરવું છે.
મેં ક્યાંક વાંચેલું કે ગીતા એ માત્ર યુદ્ધનું ગીત નથી, ઈશ્વરની કવિતા અને જીવનનું સંગીત છે. સાચે જ એ એવું સંગીત છે જેને ધ્યાનથી સાંભળવું પડે. એકચિત્તે સાંભળવું પડે. આ સૂરમાં તલ્લીન થવાય.. એકરસ થવાય તો જીવનમાં રસતરબોળ થઈ શાંતિનો અનુભવ કરી શકાય. આપણને આવો આનંદ, પ્રેમ અને શાંતિ મળે એટલે આપણું જીવન પણ એક ઉત્સવ જ બની રહે. સખી, ક્યાંક હવે ઊંડે ઊંડે થાય છે કે આ બધું ‘પોથીમાંના રીંગણાં” ન બની રહે એ માટે ઉદ્યત થવું જ રહ્યું.
અરે હા, હમણાં જ બળેવ, જન્માષ્ટમી, વગેરે તહેવારો ગયા. તેં પણ સપરિવાર આનંદ કર્યો હશે. અને હવે ગણેશચતુર્થી, નવરાત્રી, દીવાળી બધા જ તહેવારો એક પછી એક આવશે. શરદ ૠતુની ઠંડીમાં રંગેચંગે તહેવારોના તાપણે હૂંફાળા રહેવાની મજા કંઈ ઓર જ છે.
આપણું જીવન એક ઉત્સવ છે અને આપણી ભારતીય સંસ્કૃતિ ઉત્સવ પ્રેમી છે. આ ઉત્સવો જ છે જે આપણા જીવનને ઉત્સાહ અને ઉમંગથી ભરી દે છે. ઉત્સવોના ઉત્સાહની સુગંધ આપણા મનને તરબતર કરી દે છે. આપણા બધા તહેવારો પાછળ કોઈને કોઈ સાંસ્કૃતિક અને સામાજીક મહત્ત્વ જોડાયેલું જ છે. ખરેખર તહેવારો આપણી પરંપરા, સંસ્કૃતિ અને સંસ્કારો સાથે જોડાયેલા છે.
આજના આધુનિક અને પશ્ચિમી વિચારધારાના સમયમાં આપણી આવનારી પેઢીમાં આપણા તહેવારો અને ઉત્સવો થકી કુટુંબ અને સંસ્કૃતિની સમજણનું સિંચન થતું રહે એ ખૂબ જ અગત્યનું છે. આપણાં સંતાનો આ સમજણને જીવનપથમાં ગૂંથીને આગળ વધી રહ્યા છે એનું ગૌરવ તો નક્કી થાય તો ખરું જ.
આપણા જીવનને ઉર્ધ્વગમન તરફ લઇ જતું આધ્યાત્મિક પર્વ એટલે ચાતુર્માસ. તેં કહ્યું તેમ આપણે ચાતુર્માસરૂપી ઝરણામાં ડૂબકી લગાવીને પુણ્યશાળી બનવાનો લહાવો લેવો જોઈએ. આ ચાર મહિના મૌન ધારણ કરી ઇશ્વર સ્મરણ કરવાની સાથે ભીતરના ઇશ્વરને ઓળખવાની વાત તેં કરી છે. ખરેખર મૌન એ આપણી ભીતર પ્રવેશવાનું દ્વાર છે.
આપણા ગુજરાતીમાં કહેવત છે ને “ન બોલ્યામાં નવ ગુણ!” ગીતામાં પણ વાણીને જોઈ વિચારીને વાપરવાનો ઉપદેશ આપ્યો જ છે. આ મૌનનો મહિમા અપરંપાર છે, નહીં સખી? કહેવાય છે કે સવારના સમયે મૌન ખુબ જ ફળદાયી રહે છે. સવાર સવારમાં આપણું મન બાહ્ય નકારાત્મકતાથી દૂર રહેતું હોવાથી એ સમયે મૌન દ્વારા સકારાત્મક ઊર્જા મેળવવામાં આપણે સફળ થઈએ છીએ. આપણે કોઈ પણ વ્યક્તિને પ્રતિક્રિયા આપ્યા વિના આપણા શબ્દો પર નિયંત્રણ રાખી શકીએ તો પણ ઘણું છે.
આપણે સૌ ક્યારેક ને ક્યારેક તો આ મૌન રહેવાની અઘરી પણ ઉત્તમ સાધનાનો પ્રયોગ કરતાં હોઈએ છીએ. આપણે સૌ તેના થકી જીવનમાં સુંદર અનુભવ પણ મેળવીએ છીએ. ચાલ ત્યારે હું પણ હવે થોડો સમય મૌન ધારણ કરી અહીં વિરમું છું. નહીં તો આ મારી કલમ અટકવાનું નામ જ નહીં લે.
“હૃદય શાહીમાં ઝબોળી કલમ સતત નીતર્યા કરે,
અંતર ઊર્મિઓ ઉછળતાં જ મૌન સર્જાતું રહે.”
અરે હા, યાદ આવ્યું તેં કોલ પર વાત કરતી વખતે જણાવ્યું હતું કે તારો દીકરો, વહુ અને વ્હાલી પૌત્રી મિષ્ટુ અમેરિકાથી આવવાના છે. આ પત્ર તને મળશે ત્યારે તેઓ આવી પણ ગયા હશે. મિષ્ટીને મારા વતી ખૂબ જ વ્હાલ કરજે. પત્ર જલદી લખજે.
લિ. તારી સખી,
દિનાની સ્નેહભીની યાદ