क्योंकि…. રિટર્ન્સ (હાસ્યલેખ) ~ દિવ્યા જાદવ
કોણ કહે છે કે વીતેલો સમય પાછો નથી આવતો જુઓને આ ક્યોંકી.. રિટર્ન આવ્યું,

એમાં અમે પણ થોડાં રિવર્સ ગિયરમાં ચાલ્યાં ગયા. સાંજે આઠ વાગ્યાથી શરૂ થતી બાલાજીની સિરિયલો રાતે બાર વાગ્યા સુધી ચાલતી. અમે “આ” બાલાજીના પરમ ભક્ત હતાં.
બધી સિરિયલોનાં ધ્યાનપૂર્વક દર્શન કર્યા પછી જ નિશાળની ચોપડીઓથી ઘેરાયેલા રહેવાનાં અમારા દુઃખને જરા રાહત મળતી. ને બાલાજીની પ્રેરણા, પાર્વતી, તુલસી, કશિશ… આ બધીના દુઃખમાં અમે અમારાં સઘળા દુઃખ ભૂલી જતાં.

સિરિયલોની બધી દુઃખિયારીઓનાં દુઃખ સામે અમારા મામૂલી દુઃખોની શી વિસાત? એમનાં આંસુઓની ખારાશમાં અમે મનોમન કોમોલિકા, પલ્લવી, પાયલને (જોકે આ બધી બિચારીઓએ અમારું કંઇ જ બગાડ્યું ન હતું. તોયે) નફરત કરતાં થઈ ગયેલા. કોઈને ત્યાં ઢીંગલીનો જન્મ થાય તો આવા નામ ન રાખવાની વણમાંગી સલાહ પણ અમે આપી દેતા.

પરંતુ સમય રહેતાં અમને સમજાયું કે આ બધીય વંઠેલ બાયું ક્યાંક ને ક્યાંક દુઃખી થયેલી જ હોય છે. પછી તો અમે પલ્લવી, કોમોલિકા…આ બધીઓનાં જીવનમાં ફરીવાર ડોકિયા કર્યાં. ત્યારે અમને અમારી જાત ઉપર ભારોભાર નફરત થઈ આવી.
આ બધીઓ સાચા અર્થમાં બિચારી હતી. આ બધીઓને પોતાના પતિ કે પ્રેમી દ્વારા દગો મળ્યો હતો. એમાં એ બિચારીઓ પોતાનાં ઉપર થયેલ અત્યાચારનો પ્રતિશોધ લેવામાં કઈ ખોટું નહોતી કરતી. એ બધી તો ખરાં અર્થમાં નારી સશક્તિકરણનું ઉદાહરણ હતી.
આ બધી સિરિયલોની માંડીને વાત કરવા બેસીએ તો આખી દળદાર નવલકથા લખાઈ જાય ને આ નવલકથા વાંચીને તમને અમારા હારે પ્રતિશોધ લેવાની લાગણી જન્મે; એટલે અમે આ ક્ષણે જ નવલકથા લખવાનો વિચાર માંડી વાળીએ છીએ. જોકે આ બાલાજીના ભક્ત અમે “ક્યોંકી” પહેલાંના છીએ. નાનપણમાં “હમ પાંચ” જોઈને જ તો વળી.
પરંતું અમારું ધ્યાન ભટકાવનાર તો આ “ક્યોંકી” જ છે એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી. ને આ “ક્યોંકી” કહાનીનાં પરમ સાંનિધ્યમાં શું પામ્યું ને શું ગુમાવ્યું એ તો અમારી ટોળી સિવાય કોણ સારી રીતે સમજી શકવાનું છે? (અમે મામા-ફોઈના જ તો)
અમે ને અમારી ટોળી બધી સિરિયલો પતાવીને વાંચવા બેસતાં. (હવે તમે મનમાં ને મનમાં ન કહેતા કે રાતે બાર વાગ્યે!)
વાંચીવાંચીને અમારી આંખો ભારે થઈને બંધ થઈ જવાની અણી ઉપર હોય, ચોપડી હાથમાંથી સરકતી જતી હોય અને અમે મહા એટલે અતિશય મહાપ્રયત્ને આંખો ખોલીને ચોપડી હાથમાં પકડતાં હોઈએ; ત્યાં અમારું પેટ અમને વાંચવામાં ખલેલ પહોંચાડ્યા વગર ન રહે. એવું ગાજે, એવું ગાજે કે અમારે અને અમારી ટોળકીને મેડીએથી ઉતરીને રસોડા તરફ પ્રસ્થાન કરવું પડે.
પૂરો અડધો, પોણો કલાક સુધી વાંચીને થાકેલાં અમે ત્યારે, કંઈક ગરમ નાસ્તો બનાવવાનાં કામમાં જોતરાઇ જતાં. એ સમયે સ્વિગી કે ઝોમેટો ઉપલબ્ધ ન હોવાથી અમારી પેટની સગવડતા અમારે જાતે જ, હાથમહેનતે જ કરવી પડતી. અમારા માટે આ દુઃખ પણ વધારાનું જ ગણી શકાય.
પેટને મનાવી લીધાં પછી, રસોડાનું પ્લેટફોર્મ સાફ કરીને અમે ફરીથી ચોપડીની જાળમાં ગૂંચવાઈ જવાં માટે બેસતાં. પરંતું આ જાળું સ્પાઇડર મેનના જાળા જેટલું મજબૂત ન હોવાથી તૂટી જતું. ને અમે સવારમાં પાંચ વાગ્યાનો એલાર્મ મૂકીને ઊંઘી જવા માટે મજબૂર થઈ જતાં. પરંતુ અમે પથારીમાં આડા પડ્યા હોઈએ ત્યારે સપના તો “મિહિરના મર્યા પછી ફરીથી એના જીવતાં પાછા આવવાના જ” જોઈએ.

અમારી આ સિરિયલ જોવાની આવડત જ એવી હતી કે અનુરાગ – પ્રેરણાની પ્રેમકથાની ચર્ચાઓ મિત્રો સાથે કરવામાં અમે એટલા તો મગ્ન થઈ જતાં કે અમે અમારા સમાજશાસ્ત્રના ઇતિહાસનું પહેલું પ્રકરણ કયું છે એ પણ ભૂલી જતાં. તો પછી આવા કપરા સમયમાં વિજ્ઞાન ને ગણિત નામનાં દૈત્યો તો યાદ ન જ હોય, એ વાત અમારે તમને કહેવાની હોય?
તમે ખરા સમજદાર છો! એટલે તમને અમારું દુઃખ, મારી પીડા કહેવામાં અમને જરા પણ સંકોચ નથી થતો. બાલાજીની આઠથી બારની સિરિયલ જ એકમાત્ર એવી દવા હતી જે અમને, ઉપર કહ્યું એ મુજબનાં દૈત્યોથી દૂર રાખવામાં કારગર સાબિત થતી.
અમારા આ બાલાજી પ્રેમને કારણે, હા સાચું કહું છું – આ જ કારણે, માત્ર ને માત્ર આ જ કારણે અમો દસમું ધોરણ બોર્ડ કહેવાય એ ભૂલીને પરમ કૃપાળુ સ્ટારપલ્સનાં માધ્યમથી, પૂરી શ્રદ્ધાપૂર્વક આ બાલાજીના દર્શન કરવાં બેસી જતાં. ને પછી જાણે સમાધિ લાગી જતી હોય એમ, અમે ભણતર નામનાં દુઃખને ભૂલી જતાં. જાણે બ્રહ્માનંદ પામ્યાં હોય એવો સંતોષ અમારાં સુમુખ ઉપર દેખાતો.
અમારી આંખો ઉપર જે ડાબલાં તમે જુઓ છો, એ ફેશન પણ આ સિરિયલોની જ અમીદ્દૃષ્ટિનો પ્રતાપ છે. અમારી રાતનાં ઉજાગરા કરવાની ક્ષમતા પણ આ સિરિયલોની જ દેન છે.
આજકાલ ચાલતાં સોશ્યલ મીડિયા, ઓટીટી, વિડીયો ગેમ જેવા પ્લેટફોર્મ, એ સમયે ન હોવાનાં કારણે અમે આ સિરિયલોનો નિષ્ઠાપૂર્વક, અચૂક અભ્યાસ કરી શક્યાં, એ વાતમાં કોઈ અતિશયોક્તિને સ્થાન નથી.
અમારી આ બાલાજી ભક્તિનાં પ્રતાપે ધોરણ દસમાનાં રિસલ્ટમાં ગણિત, વિજ્ઞાન, ને સમાજશાસ્ત્ર નામના ત્રણેય દૈત્યો અમારાથી અપ્રસન્ન થઈને, અમને નડવાનું બંધ કરી અમારાથી દૂર ભાગી ગયા. ને અમને ભણતરનાં પરમ દુઃખથી છુટકારો મળી ગયો.
કોણ કહે છે આજના જમાનામાં ચમત્કાર નથી થતાં? ફક્ત અને ફક્ત બાલાજીની ભક્તિના પરિણામે અમારા દુઃખો ટળી ગયા.
આ સિરિયલ બંધ થઈ ત્યારે અમે અપાર દુઃખમાં ડૂબી ગયાં. અમારો મહામુલો સમય અમે કઇ રીતે પસાર કરીશું એ વિચારોમાં અમે દિવસ રાત ડૂબેલાં રહેતાં. ડૂબતાંને તણખું મળે એમ, અમારી વ્હારે “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” આવ્યું.

અમારાં આ ભક્તિપ્રવાહને અમે તારક… તરફ વાળવાનું નક્કી કર્યું. ને આજ પછી એકતારાજની સિરિયલોની મોહજાળમાં ન ફસાવાનો અફર નિર્ણય, અમે સાડીનાં છેડે ગાંઠ બાંધીને લઈ લીધો.
તારકના… ગળાડૂબ પ્રેમમાં પડીને, હાસ્ય દરેક દુઃખની દવા છે એ વાત અમે બરાબર સમજી ગયાં હતાં. અમે અમારું જીવન હાસ્યરસમાં ઓતપ્રોત કરી નાખ્યું. તારક… સિરિયલ અમારી રગેરગમાં તો ઠીક, જમવાની થાળીની સામે પણ આવી ગઈ.
અમે હવે તારક… ને જોઈને અમારી ભૂખ ઊઘાડતાં થઈ ગયા. અમારા જીવનને હાસ્યરસમાં તરબોળ બનાવી ઉચ્ચ કક્ષાનો જીવ બનવાની સાર્થકતા અનુભવીએ એ પહેલાં જ ક્યોંકી…. નામની લહેરે ફરીથી અમારા ભક્તિમાર્ગનાં દરવાજે ટકોરા આપ્યા.
જૂની યાદો વરસાદી માહોલમાં નીકળતા સાપોલિયાની જેમ અમારા મગજમાં ઉમટી પડી. છતાંય અમે સાડીના છેડે બાંધેલી મજબૂત ગાંઠને ઢીલી પડતાં અટકાવી. પરંતુ સોશ્યલ મીડિયાનું ઘેલું અમને ક્યોંકી…ના જૂના એપિસોડના, નાના – નાના વિડીયો બતાવીને આમારી હાસ્યભક્તિનું ઉત્તમ ધ્યાનભંગ કરવામાં લાગી પડ્યું. પરંતુ હવે અમને સમજાઈ ગયું છે કે આ બધી એકતાદેવીની લીલા છે. એ લીલામાં એકવાર ફસાયાં પછી તેમાંથી બહાર નીકળવું અશક્ય છે.

જો તે દિવસોમાં બાલાજીના સાંનિધ્યમાં ન બેઠાં હોત ને એકતાદેવીની લીલાઓને ત્યારે જ સમજીને, એમની સિરિયલોની આંધળી ભક્તિમાં લીન ન થયાં હોત, ભણતરનાં જે શાસ્ત્રોને અમે દૈત્યો સમજી આજીવન અવગણતા રહ્યાં, એની થોડીઘણી પણ આરાધના કરી હોત, ને એકતા કપૂરનાં બાલાજીની જગ્યાએ, તિરુપતિના બાલાજી ઉપર ભરોસો રાખીને ભણતર નામનાં દુઃખને સહન કર્યું હોત તો… અટાણે, આ સમયે તમે આ લેખ વાંચતા ન હોત.
… ને અમે ક્યાંક ને ક્યાંક તો નોકરી કરતાં જ હોત. ને આમ લખીલખીને સમય પસાર કરવાની નોબત અમારે ન આવી હોત.
પરંતું એકતા નામનું પાત્ર અમારા જીવનનાં વળાંકો લાવવામાં જબ્બર ભાગ ભજવવાનો છે, એવું અમારાં જન્મથી જ લખાઈ ગયું હોવું જોઈએ, નહિતર એમની માતાએ જિતેન્દ્રનાં વાદે ચડીને પોતાની દીકરીનું નામ એકતા ન રાખ્યું હોત! ને અમારા ભક્તિભાવ સ્વભાવનાં કારણે એકાએક અમારી કુંડળીમાં એકતા નીરવ દોશી નામક ગ્રહ આવી ચડ્યો ન હોત. ને અમારી ભક્તિનો પ્રવાહ સાહિત્ય તરફ વળ્યો ન હોત.
એટલે અમારા ન ભણવા પાછળ કેવળ અમારો એકલાનો દોષ ન જ ગણાય. આની સાથે તમારા નસીબનોય થોડો દોષ તો કહેવાય. નહિતર અમારું ધ્યાન આમ ભટકાય જ નહીં ને, અમે…
પરંતુ આ તો તમારા નસીબમાં અમારું લખાણ માથે પડવાનું લખ્યું હોય તો અમે ભણી ક્યાંથી શકવાના હતા? અમારે તો લેખક જ થવું પડે ને! બોલો આ વાત સાથે તમે પણ સહમત થાવ કે નહીં?
આની સાથે તમારા નસીબનોય થોડો દોષ તો કહેવાય. નહિંતર અમારું ધ્યાન આમ ભટકાય જ નહીં ને! પરંતુ આ તો તમારા નસીબમાં અમારું લખાણ માથે પડવાનું લખ્યું હોય તો અમે ભણી ક્યાંથી શકવાના હતા? અમારે તો લેખક જ થવું પડે ને! બોલો આ વાત સાથે તમે પણ સહમત થાવ કે નહીં?
~ દિવ્યા જાદવ
jadavdivya378@gmail.com