“લિ. તારી પ્રિય સખી…!” ~ પત્રશ્રેણીઃ પત્ર ૫ ~ અમિતાને ~ લેખિકાઃ દિના છેલાવડા
પ્રિય અમી,
પત્રમાં તારા જીવનમાં બનેલી એ કરુણ ઘટનાનું તેં કરેલું નિરૂપણ વાંચી મારી આંખો છલકી ઉઠી. હૃદયના ટુકડાની અણધારી વિદાયથી દિલને જે આઘાત લાગે તેમાંથી બહાર આવવું ખૂબ કઠિન હોય છે. સખી, તારા સતત હસતાં ચહેરા પાછળની વેદનાને મેં વાંચીને અનુભવી. આ કપરા કાળમાં પુસ્તક તારું સાથી બન્યું. ખરેખર એક મિત્રની જેમ જ પુસ્તક પણ આપણા સુખ દુઃખનું સાથી બની રહે છે. પુસ્તક એ આત્માની સવારી માટેનો એવો રથ છે, જે આપણા અંધકારભર્યા દિવસોમાં પ્રકાશરૂપી પથદર્શક બની જીવનની દિશા બદલી નવો રાહ ચીંધે છે. આપણી માતૃભાષામાં પુસ્તક વાંચવું કે લખવું એ આનંદ અનેરો હોય છે.
અમી, તેં જણાવ્યું છે તેમ ખરેખર અત્યારે માતૃભાષાથી બધા દૂર થઈ રહ્યા છે. આપણી માતૃભાષા આપણને આત્મવિશ્વાસ આપે છે એ વાતને લોકો ભૂલી રહ્યાં છે કે શું? બાળકોને પ્રથમ શિક્ષણ તો માતૃભાષામાં જ હોવું જોઈએ એ વિશેનું મારું મંતવ્ય તને લખી જણાવું છું.
શિક્ષણમાં ભાષા એ અનિવાર્ય અંગ છે, કારણકે જ્ઞાન ભાષામાં બંધાયેલું છે. તેના યોગ્ય સમર્થન વિના શિક્ષણની પ્રગતિ મર્યાદિત રહે છે. તને ખબર છે કે યુનેસ્કોનુ તારણ પણ એ જ છે કે, “પરભાષામાં શિક્ષણ મેળવનારા વિદ્યાર્થીઓ કરતા માતૃભાષામાં શિક્ષણ મેળવાનારા વિદ્યાર્થીઓ વધુ સારી પ્રગતિ કરી શકે છે.”
આપણે કોઈપણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો આપણી માતૃભાષા પર પકડ હોવી ખુબ આવશ્યક છે. માતૃભાષા જ છે, જે આપણા બાળપણને આનંદમય બનાવવાની સાથે વિદ્યાર્થીકાળને અવિસ્મરણીય બનાવે છે.
અમી, જીવનની સૌથી મીઠી મધુરી સુંદર યાદગાર પળો જે આપણને આપી શકે તે આપણી માતૃભાષા! જેણે આપણને સૌને એટલા સામર્થ્યવાન બનાવ્યા છે કે આપણે જીવન માણી શકીએ છીએ. અહીં ખરેખર વિચારવાની વાત છે કે પોતે જે ભાષાના શિક્ષણ થકી ઘણું બધું મેળવ્યું હોય, સખી, તે જ માતૃભાષામાં શિક્ષણ પોતાના બાળકો માટે દરેકને કેમ અનિવાર્ય નહીં લાગતું હોય? તેં જણાવ્યું તેમ આપણા બાળકો પરદેશમાં રહેવા છતાં આપણી માતૃભાષાને ખૂબ જ વ્હાલ કરે છે એનું આપણને કેટલું ગૌરવ છે.
અમી, આપણા મનમાં તો વિચાર પણ માતૃભાષામાં જ આવે છે ને? જેટલી માતૃભાષા સમૃદ્ધ તેટલા વિચાર સ્પષ્ટ અને તેટલું વિશ્વ દર્શન યોગ્ય એવું મેં ક્યાંક વાંચેલું છે તે ખરેખર યોગ્ય જ છે. જે ભાષામાં સ્વપ્ન જોઈ શકાય, જે ભાષાને સાંભળીને મોકળા મને હસી કે રડી શકાય તે માતૃભાષાને જાળવીને તેનું માન વધારવાની કોશિષ કરવી એ પણ આખરે તો આપણી જ જવાબદારી છે સખી, ખરુંને?
આપણી ભાષાના જ્ઞાન થકી જ તો આપણામાં પણ સાહિત્ય રસ જળવાઈ રહ્યો છે. આપણે છેલ્લા ઘણા સમયથી જોઇએ છીએ સખી કે વાંચનયુગ જાણે પૂરો થઈ રહ્યો છે. આપણાં બાળપણના પાત્રો સોટી-પોઠી, બકોર પટેલ, મિયાં ફૂસકી આ બધા તો બિલકુલ ગાયબ જ થઈ ગયા. ઘરે ઘરે લોકો મુનશી, મેઘાણી, મડિયા, ઉપરાંત શરદબાબુ અને ટાગોર પણ પુષ્કળ વાંચતા હતા. એ પુસ્તકો હવે ભાગ્યે જ કોઈ ઘરમાં જોવા મળે છે.
પુસ્તકની વાત આવી તો યાદ આવ્યું તે લખ્યું છે કે નવું કોઈ પુસ્તક વાંચવા જેવું હોય તો લખજે. હું હમણાં ધ્રુવ ભટ્ટ દાદાની “અકૂપાર” નવલકથા વાંચી રહી છું. તું પ્રકૃતિ પ્રેમી છે તેથી તને પણ સમય મળે ત્યારે તું ખાસ આ પુસ્તક વાંચજે. પ્રકૃતિ પ્રત્યે અસીમ ચાહત હોવાથી તને પણ આ પુસ્તક વાંચવું ગમશે જ, એની મને ખાતરી છે.
તને થોડી એ પુસ્તકની વાત કરું તો અકૂપાર નવલકથા ગીર અને પ્રકૃતિની આસપાસ વણાયેલી છે. આ ફક્ત એક વાર્તા જ નથી પણ આપણને ગીરમાં લઇ જતી, ગીરને જીવંત કરતી જાદુઈ ગીરની એક સફર છે. આ પુસ્તક વાંચતા, વાંચતા હું પણ એ ચિત્રકારની સાથે જ ગીરમાં પહોચી ગઈ હોય એવો અનુભવ મને થયો છે. પુસ્તક વિશે બધું તને નહીં જણાવું, તું પોતે એ પુસ્તક વાંચીને શું અનુભવે છે તે મને લખી જણાવજે. હા, એટલું કહીશ કે અહીં સહજ અને સરળ રીતે માનવ અને પ્રકૃતિ વચ્ચેના ઐક્યનું નિરૂપણ થયું છે.
“ખીલતા પ્રભાતે જો તું શણગાર કુદરતના,
હા, વસંત ખીલી ઉઠશે નિજ મનઉપવનમાં.”
પ્રકૃતિમાં ખીલી ઊઠતાં કુદરતના શણગાર આપણી આંખોને ઠંડક આપે છે. એ સાથે જ વાયરા સંગ વહેતી સુગંધ શ્વાસે ભરીને અંતરથી કેવા મહેંકી જઈએ છીએ. તેં તો તારા ઘરના ફળિયામાં જ કેટલા સરસ ફૂલ છોડ વાવ્યા છે. રોજ એની મીઠી વહેતી ખુશ્બૂમાં તારી સવાર રળિયામણી બની જતી હશે ખરુંને? ઢળતી સાંજે તારા ફળિયામાં હિંડોળે ઝૂલતાં ઝૂલતાં આકાશમાં ખીલતાં સંધ્યાના રંગો માણવાની મજા તો ખરા જ. સખી, અહીં મને મારા બચપણના એ દિવસો યાદ આવી ગયા….!
“બચપણની યાદોનું ટોળું ધીમું ધીમું મલકે,
કીકીઓમાં ઉછળતું શૈશવ ધીમું ધીમું છલકે.”
અહાહા…! પ્રકૃતિ સાથે વિતાવેલી એ સુંદર ક્ષણો આજે પણ મારા મનને રોમાંચિત કરી દે છે. અમી, હું નાની હતી ત્યારે સાંજ થતા જ અગાશીએ દોડી જઈને સંધ્યાના સલુણા રંગમાં આકાશ દર્શન માણતા સપ્તર્ષિ શોધતી. એ સમયે રાતે ખુલ્લી અગાશીમાં જ ગગનમાં ટમટમતા તારાઓ અને ચાંદને નિહાળતાં નિહાળતાં મારા બાળ માનસમાં અનેક વિચારો આવતાં કે આ ચંદ્ર પર કેમ જવાતું હશે.. ત્યાં શું હશે..? એ વિચારે એકધારી ચંદ્રને બસ નિહાળ્યા કરતી અને મારી કલ્પનાના આકાશમાં વિહરતાં કુદરતને ખોળે પોઢી જતી.
રાત્રે એ સૌંદર્યનું મન ભરીને રસપાન કર્યા પછીની મારી સવાર પણ એકદમ અનોખી બની રહેતી. વહેલી સવારે પૂર્વ ક્ષિતિજ પર અદ્ભુત રંગોની રંગોળી રચાતી હોય અને એ રંગોમાંથી સૂર્યના કિરણો બહાર આવે ત્યારે સોહામણી સવાર જાણે મારી સામે મરક મરક હસતી હોયને એવું મને લાગતું.
સૂર્ય ધરતી પર સોનાની ઝરમર વરસાવે ત્યારે એના સ્પર્શે જેમ ફૂલો આનંદથી ઝૂમી ઉઠે, એમ જ હું પણ ખીલી ઊઠતી. પુષ્પો અને પર્ણો પર પડેલા ઝાકળના બિંદુઓ સોનેરી તેજમાં મોતીની જેમ ઝગમગતા હોય અને પક્ષીઓનો મીઠો મધુર કલરવ વાયરા સંગ ધીમો વહેતો હોય, એવા વાતાવરણમાં આજે પણ મારું આ હૈયું તો ઝાલ્યું ના રહે. કવિતા લખવા મારું મન અધીરું બની જાય. મને એવું થાય કે આ પ્રકૃતિના સાનિધ્યમાં રચાતી મારી કવિતાના શબ્દો આ લહેરાતા પુષ્પોના સ્પર્શે મહેકતા રહેશે શું? આ વિચારે જ એક અછાંદસ કવિતા રચાઈ જે અહીં મૂકું છું..
“એક વૃક્ષને ઓથારે,
પુષ્પોની પીળી ઝુમ્મર નીચે
કેસરભીની પથારી પર બેઠી;
ત્યારે અચાનક
એક પતંગિયું વિચારોના આભમાં,
ઊડવા લાગે છે, ફરફર, ફરફર…!
પુષ્પોને આલિંગતા રવિકિરણમાં,
ચમકતી કેસરપીળી પાંખડીના
મુલાયમ ઝાકળભીના સ્પર્શમાંથી
વહેતા આ સુગંધના ઝરણાંમાં
વહેલી સવારે નહાઈને આવેલી
હું
કાગળ પર કંડારું છું
કવિતામાં શબ્દોનું શિલ્પ…
શું આ કવિતામાં
મહેકશે કેસરમાં ઝબોળાયેલી સુરભિ
શાશ્વત..? “
સખી, તને આમ પણ મારી લખેલી આ કવિતા વાંચવી ખૂબ જ ગમે છે. તેથી જ પત્રમાં હું વચ્ચે પંક્તિઓ લખતી રહું છું. ખરેખર, જ્યારે હું આ દોડધામ ભરી જિંદગીથી થાકી જાઉં ત્યારે પ્રકૃતિના ખોળે વિહરવા હાથમાં એક મનગમતું પુસ્તક લઈને નીકળી પડું એ સમયે મનને અપાર શાંતિ મળે છે. એ સૌંદર્યને નિહાળવા અને શીતળતાને માણવા સાથે વાંચનમાં ઓતપ્રોત થઈ જતી હોઉં છું.
અમી, આ બધી વાતો તને લખવામાં એટલો આનંદ આવે છે કે એ ખૂટવાનું નામ જ નહીં લે. ચાલ હવે આ પ્રકૃતિના રસમાં તને ભીંજવવાની સાથે હું પણ મારા બચપણમાં ડૂબકી લગાવી એ યાદોમાં લથપથ ભીંજાતી હવે અહીં વિરમું છું. હા, હવે ચાતુર્માસ શરૂ થશે એટલે ઘણાં બધા તહેવારો આવશે તેથી ઉત્સવપ્રિય એવી તને તો મજા જ મજા ખરુંને? એ ઉત્સવો ઉજવવાના ઉત્સાહમાં પત્ર લખવાનું ભૂલી નહીં જતી. જલદી જ પત્ર લખજે.
લિ.
તારી સખી દિનાની સ્નેહભીની યાદ.
