“લિ. તારી પ્રિય સખી…” ~ પત્રશ્રેણીઃ પત્ર ૫ નો પ્રત્યુત્તર દિનાને ~ લેખિકાઃ અમિતા શુક્લ
પ્રિય દિના,
તારો પ્રકૃતિ પ્રેમથી ભરપૂર લખેલો પત્ર વાંચવાની મને ખૂબ મજા આવી. આપણા વચ્ચેની આ પત્ર શ્રેણી ખરેખર મને ખૂબ ગમે છે, કહું કેમ? આમાં આપણા બંનેના વિચારોની આપલે થાય છે. આપણી મૈત્રી નિઃસ્વાર્થ અને નિખાલસ છે. મૈત્રી પર લખેલી કવિ શ્રી સુરેશ દલાલની આ કવિતા મને ગમે છે..

“હું થાકું ત્યારે તારી પાસે આવું છું,
હું છલકાઉં ત્યારે તને ગાઉં છું,
હું તને ચાહું છું :
તું મૈત્રી છે.
તું વિરહમાં પત્ર છે, મિલનમાં છત્ર છે
તું અહીં અને સર્વત્ર છે:
તું મૈત્રી છે.
તું બુદ્ધનું સ્મિત છે, તું મીરાનું ગીત છે
તું પુરાતન તોયે નૂતન અને નિત છે:
તું મૈત્રી છે.
તું સ્થળમાં છે, તું પળમાં છે;
તું સકળમાં છે અને તું અકળ છે:
તું મૈત્રી છે.”
– સુરેશ દલાલ
અહીં મને એક વાત યાદ આવી કે આપણે એકબીજાનું લખાણ વાંચીને જ એકબીજાને સમજતા અને ઓળખતા થયા. તારી રચેલી આ ગઝલની પંક્તિઓ આપણી મૈત્રી માટે બંધ બેસે છે. જાણે આ પંક્તિઓ તેં આપણા માટે જ લખી હોય એવું મને લાગે છે. ખરેખર, તારી લખેલી કવિતાઓ વાંચવામાં મને ખૂબ જ આનંદ આવે છે.
“નથી કોઈ ઓળખ નથી કોઈ નાતો,
છતાં આજ હૈયે હરખ ક્યાં સમાતો.
મને યાદ આવે… મુલાકાત સૌ એ,
હૃદયમાં સવાલો ! ઈશારે થૈ વાતો.
રચાયો જ્યાં સંગમ શબદ સાથ સૂરે,
રહ્યો છે સદાયે શબદ સાથ નાતો.
નથી કોઈને કહી અમૂલખ એ વાતો,
આ દોસ્તીનો રંગ આમ ઘેરો છવાતો.”
— દિના છેલાવડા
તને ખબર છે ને આપણું લખવું આપણા મનનો અરીસો કહેવાય છે. મનોમન આપણે વાતો એકબીજા સાથે કરી લેતાં હોઈએ છીએ એમાં આપણી મૈત્રીના ભરોસાનું છલકતું પ્રતિબિંબ છે. દિના, જ્યારે આપણે પત્ર લખીએ છીએ, ત્યારે આપણી આંગળીઓ, આંખ, મન અને વિચારો આ બધાં અવયવો એકસાથે કામ કરે છે. ઉંમરનો પણ મોસમ સાથે નાતો છે. પાનખરની ઉંમરે આપણી પાસે કોઈ એવી મૈત્રી હોય કે જ્યાં અંતરાત્માને ઠાલવીને આપણને આપણી સાથે કોઈ છે એવી ધીરજ મળે છે. સાચું કહું તો આ ધીરજ એટલે પાર્કિન્સન અને ડિપ્રેશનની બીમારીથી દૂર રાખનારી જડીબુટ્ટી છે. લખવાથી વિચારોના મણકા મગજમાં ગોઠવાતા જાય છે જેનાથી આપણું મગજ ક્રિયાશીલ બને છે. આપણું મન નવા વિચારોથી ખૂલતું રહે છે.
“નેજવાંની છાંય તળે બેઠો બુઢાપો
એનું ઝાડ જેમ ઝૂલ્યું છે મન,
કરચલીએ કરમાયાં કાયાનાં હીર,
તોય ફૂલ જેમ ખૂલ્યું છે મન.”
– હરિકૃષ્ણ પાઠક

દિના, તેં અકૂપાર નોવેલની વાત કરી. તેમાં પ્રકૃતિ અને ગીરનું સરસ વર્ણન કર્યું છે એવું તે લખ્યું છે. સખી, હું ગયા ઉનાળામાં જ ગીર ગઈ હતી. અમે ત્યાં એક ફાર્મ હાઉસમાં રહ્યાં હતાં. ચારેબાજુ કેરીની આંબાવાડીમાં લચી પડતી કેસર કેરીઓ, નાળિયેરના ઊંચા ઊંચા વૃક્ષો અને અપરંપાર વનરાજી ત્યાં હતી. તેમાં માંચડા બાંધેલા હતાં. અમે રાત્રે તે માંચડા ઉપર સુઈ જઈને આકાશમાં અસંખ્ય તારાઓ જોવાનો લ્હાવો લીધો હતો. તારાઓની ટીમટીમ અને ખરતાં તારાઓની મસમોટા લાંબા લિસોટા જોતાં અમે ચાંદનીની દુધમલ રોશનીમાં ન્હાતાં રહ્યાં અને આકાશ દર્શનને માણતાં મનથી ભાવવિભોર બની ગયા હતાં. બીજા દિવસે સિંહદર્શન માટે જીપ સફારી કરવાની હતી, ત્યાં રાત્રે જ અમને સિંહની ગર્જના સંભળાઈ હતી. અમને ડર લાગવાની, સાથે ગર્જના સાંભળી આનંદ પણ આવ્યો હતો.
હા, તેં કહ્યું છે તો હું એ નવલકથા ચોક્કસ વાંચીશ. આજકાલ હું વિવેકાનંદનું જીવન ચરિત્ર વાંચું છું. તેમાં લખ્યું છે કે તેમને બાળપણથી જ તર્કપૂર્ણ સવાલો કરવાની આદત હતી, તે જ આદત તેમને બીજા બાળકોથી અલગ પાડતી હતી. આ વાત તો બધાંને ખબર જ છે કે શિકાગોમાં તેમણે આપેલા ધર્મપરિષદના ભાષણમાં તેમના વ્યક્તિત્વ અને તત્વજ્ઞાનથી તેમણે વિશ્વને મંત્રમુગ્ધ કરી દીધું હતું.
ભારતની સંસ્કૃતિ અને હિન્દુ ધર્મના ગૌરવને તેમણે પુનઃસ્થાપિત કર્યું હતું. તે વેદાંતના ઊંડા તત્વજ્ઞાની અને સમાજની સેવા કરવા તત્પર રહેતા કર્મયોગી પણ હતાં. તેમને દેશપ્રેમ અને યુવાશક્તિ પર ખૂબ શ્રદ્ધા હતી. આપણે તેમના પ્રેરણાત્મક ઉપદેશો વાંચીને અમલમાં મૂકવા જોઈએ. વિવેકાનંદ એવા મહાન વ્યક્તિ છે જેમને હું રોજ વંદન કરું છું. તું પણ એકવાર તેમનું જીવનચરિત્ર અવશ્ય વાંચજે.
દિના, તે પત્રમાં લખ્યું છે ચાતુર્માસ શરૂ થશે અને ઉત્સવોની ઉજવણીમાં હું ઓતપ્રોત થઈ જઈશ. હા સખી, હરિ અને હરના મિલનનો શ્રાવણ મહિનો, શિવમય બની શિવનું સાંનિધ્ય પામવાની ઉત્કંઠા રહેતી હોય છે. જન્માષ્ટમી પર લાલાને ઝુલાવવાની અને તેના મીઠાં ઓવારણાં લેવાની લાલચ રોકી નથી શકાતી કેમ ખરું ને! મૈત્રી દિવસે મિત્રોની શુભેરછાઓ માનવાની, સ્વતંત્રતા દિવસની ઉજવણી, દિવાળીના પાંચ અતિ શુભ દિવસો માણીને અજવાળું અજવાળું જીવનમાં ભરી દેવાનું રહે છે. જગતનિયંતાએ કેટલી અદ્ભુત જીવનની ગોઠવણી કરેલી છે.
સખી, ચાતુર્માસમાં આપણે ક્ષરથી અક્ષરની યાત્રા કરવાની સાથે તેમાં લીન થવાનું હોય છે. ગીતાજીના પંદરમાં અધ્યાયના પુરુષોત્તમ યોગમાં પણ ઈશ્વરે આ જણાવ્યું છે. વેદો, ઉપનિષદો અને ભાગવતમાં આપણને ઉપદેશ આપેલો જ છે. આપણે માયામાં અંધ બની બધું ભૂલી જઇએ છીએ. એટલે જ દર વર્ષે ચાતુર્માસમાં તેનું પુનરાવર્તન કરાવવામાં આવે છે.
વૈકુંઠ ધામ જે આપણે જોયું નથી. આપણી હયાતીમાં જ વૈકુંઠ ધામનો અહેસાસ કરવા આપણે ઘરમાં જ ચાતુર્માસ દરમ્યાન અનુષ્ઠાન કરીને ભક્તિમય વાતાવરણ ઊભું કરવુ જોઈએ. સખી આ ચાર મહિના મૌનમાં રહેવું એવું કહેવાય છે એટલે કે મૌન રહીને ભીતર ઉતરી ભગવન સ્મરણ કરતાં રહેવું. આપણને ભગવાન કહેતા જ હોય છે કે હું તારી ભીતર છું. તું મનની દૃષ્ટિને કેળવીને મને પ્રાપ્ત કર.
અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો આ ચાર મહિના એટલે આપણે મન આનંદોત્સવ. મહાકવિ કાલિદાસે કહ્યું છે. ‘उत्सव प्रिया: खलु मानवा:।’ ઉત્સવ આપણને વિષાદથી દૂર રાખી તરોતાજા રાખે છે. આપણે સામાજિક પ્રાણી છીએ, તેથી ઉત્સવોની સાત્વિકતા અને રિવાજો સાથે જોડાયેલા રહેવું ગમે છે. આપણને એની ભીડમાં લોકોના શબ્દોની મીઠાસ સાંભળવી ગમે છે કેમકે ઉત્સવ આપણામાં હકારાત્મકતા લાવે છે.
કાકાસાહેબ કાલેલકર કહે છે ” ઉત્સવો આપણા ભેરુ છે.” એ કેટલા બધાં પ્રકારનાં હોય છે. તેની ઉજવણી પણ દરેક રાજ્યમાં અલગ અલગ થતી હોય છે. દરેક ઉત્સવમાં વ્યક્ત થતી સંવેદના પણ માનવીએ માનવીએ અલગ અલગ હોય છે.
નારીમાત્રને નવરાત્રીનો તહેવાર ખૂબ જ ગમે છે. સોળ શણગાર સજી માતાજીના ગરબા રવા એટલે શક્તિની આરાધના કરવી. ગરબા રમતાં સંધાતું તનમનનું ઐક્ય ગગન વિહાર જેવું લાગે છે. શક્તિની ઉપાસના કરવાથી આપણને ઉર્જા મળે છે. કલ્યાણકારી અને મમતામયી માની કૃપા અને આશીર્વાદ લેવાના ઉત્તમ સાધનાના આ દિવસો છે. આપણે આપણી ભીતરની યાત્રાને વેગ આપી શકીએ છીએ. નારીની આંતરિક શક્તિ વિકસતા તે સંસ્કાર, સંસ્કૃતિ અને સબંધોની ધરોહરનું અસ્તિત્વ જાળવી રાખે છે.
ચાલ સખી, બહુ વાતો લખી. મનની ભીતર તો આનંદ આનંદ….! બીજી વાતો આવતા પત્રમાં. ઘરમાં બધાને મારી યાદ આપજે અને હા, પરિવારના સહુ સભ્યો સહિત તારી પોતાની પણ સંભાળ લેજે.
લિ. તારી સખી અમી.