“પોતાની કડકડતી એકલતા ઓઢી સૌ બેઠા છે ટોળાને તાપણે” (લેખ) ~ અનિલ ચાવડા
એક સોસાયટીના ચોથા માળે આવેલા ઘરમાં એક વૃદ્ધા ચાર દિવસ મૃત પડી રહી. દરવાજામાંથી દુર્ગંધ આવતા પડોશીએ પોલીસને ફોન કર્યો. પૌત્ર-પૌત્રીઓ બધા અમેરિકામાં હતા, પણ ફોન પર ભાગ્યે જ વાત થતી હતી. કોઈને ખબર નહોતી.
બેંગ્લોરની એક ઑફિસમાં એક છોકરો સવારે નવથી રાતના નવ સુધી એકધારો કામ કરતો. ઇન્સ્ટાગ્રામ પર સ્માર્ટ, બિઝિ, અને પ્રોડક્ટિવ દેખાતો. પણ એની ડાયરીના એક અંગત પાના પર લખ્યું હતું, “આટલા બધા માણસો છે, પણ કોઈ હૃદયની વાત સમજી શકે તેવું નથી.”
આજે માણસ પાસે બધી જ સુવિધા એક ટેરવાના ટચથી ઉપલબ્ધ છે, ફોન દબાવ્યો—સેવા હાજર. પણ માનવીય સ્પર્શ ગુમ થઈ ગયો છે. સહૃદયતા ગાયબ છે.
એકલતા માત્ર શારીરિક સ્થિતિ નથી, ભાવનાત્મક છે. અનેક લોકો સાથે હોય છતાં કોઈ પાસે ન હોવાની સ્થિતિ એકલતા છે.

તમે હસો છો, પોસ્ટ શેર કરો છો, રીલ બનાવો છો, ફોન પર વાતો કરો છો. પણ ભીતરથી સતત કશોક અભાવ સાલ્યા કરે છે. જાણે કોઈ મીણબત્તી, અજવાળું તો પાથરે છે, પણ ધીમે ધીમે પોતાના જ અસ્તિત્વને ખતમ કરતી જાય છે.
WHOના એક રીસર્ચ અનુસાર એકલવાયાપણું માનસિક સ્વાસ્થ્યની સાથોસાથ શારીરિક સ્વાસ્થ્યને પણ ખૂબ નુકસાન કરે છે. એ ધુમ્રપાન જેટલું જ હાનિકારક છે. હાર્ટ એટેક, સ્ટ્રોક, ડિપ્રેશન જેવી અનેક બીમારીઓ નોતરે છે.
એક રીસર્ચ અનુસાર લાંબા સમય સુધી એકલતા અનુભવનારની મૃત્યુની સંભાવના સામાન્ય માણસ કરતા 26% વધારે હોય છે. અને સૌથી કરૂણ વાત એ છે કે ઘણાને ખબર જ નથી હોતી કે તે પોતે એકલા છે, અંદરથી ખૂટી ગયા છે.
આપણે રોજેરોજ અનેક લાઇક્સ, ફોલોઅર્સ, ચેટિંગના ચક્રમાં ઘૂમરાયા કરીએ છીએ. સંબંધ હવે માત્ર સ્ક્રીન પર રહ્યા છે. કોઈના મૃત્યુ પર પણ માત્ર એક ઇમોજી શેર કરીને આપણું દુઃખ વ્યક્ત કરી લઈએ છીએ, જો કે શારીરિક રીતે એ જ વખતે આપણે કોઈ કોમેડી રીલ્સ જોઈને હસી રહ્યા હોઈએ છીએ. આપણે આપણને જ છેતરી રહ્યા છીએ.
એકલતા માત્ર સિંગલ લોકોનો પ્રશ્ન નથી. પરણેલા યુગલો, માતાપિતા, વડિલો અને બાળકો સુધ્ધાં એકલવાયા હોય છે. પુરુષ કે સ્રી દસ-દસ વર્ષથી પોતાના સાથીદાર સાથે હોય, છતાં અંદરથી એકલા હો તેવું બની શકે.

ઘણા વિદ્યાર્થીઓ સ્કૂલમાં પચાસ વિદ્યાર્થીઓના ક્લાસમાં બેઠા હોય, પણ અંદરથી સાવ ખાલી હોય. અને આ ખાલીપો ખૂબ ખખડતો હોય છે, તેનો અવાજ અન્યને ભલે ન સંભળાય, પણ જેની અંદર એ ખાલીપો હોય તો તો બરોબર સમજતો હોય છે.
આજની જીવનશૈલી બહુ ફાસ્ટ છે. કોઈની પાસે અન્ય માટે સમય નથી. બધા પોતાના માટે જીવવા માગે છે, સ્વતંત્રતાને ઊજવવા માગે છે. અને પોતાનો સ્વ ક્યારે કેદ બની જાય છે તેની ખબર પણ નથી રહેતી.
પહેલા શેરીઓમાં રહેલા લોકો માટે એકબીજાના ઘરે ચાપાણી, નાસ્તા કરવા સામાન્ય હતું, હવે ડૂ નોટ ડિસ્ટર્બના બોર્ડ લાગેલાં હોય છે.

વળી બીજા પર નિર્ભર રહેવાની વાતને આપણે નબળાઈ માની લઈએ છીએ, એના લીધે પણ એકલતાનાં મૂળ ઊંડા જાય છે.
ઘણી વાર ખૂબ ખુશ દેખાતી વ્યક્તિ અંદરથી અત્યંત નિરાશ હોય છે. પછી એકાએક તે દુનિયા જ છોડી દે છે, અને આપણે કહીએ છીએ કે તે તો અસલ હસતો રમતો હતો, તેણે આ પગલું શું કામ ભર્યું?
આપણે કારણ વિના વાત કરવાનું ભૂલી ગયા છીએ. કંઈ કામ હોય તો જ ફોન કરવો, કંઈ અગત્યનું હોય તો જ મળવા જવું, આવી બાબતોને શિષ્ટતા ગણી લીધી છે, અને આ શિષ્ટતા અમુક રીતે બીમારીનું કારણ બને છે.
જરા યાદ કરો, કોઈને કારણ વગર ‘કેમ છો’ એવું છેલ્લે ક્યારે પૂછ્યું હતું? કોઈ મિત્રને મળ્યા હોઈએ અને એકેવાર ફોનને હાથ ન લગાડ્યો હોય તેવું ક્યારે બન્યું? અરે અપરિચિત સાથે સંવાદ કરતી વખતે બીજી બાબતોમાં ધ્યાન ન આપ્યુંં હોય, ફોન કે કોઈ ડિવાઇસને ન અડ્યા હોય તેવું થયું?

જો એમ થયું તો આનંદો, તમે એકલતાને મહાત કરી છે.
~ અનિલ ચાવડા