વંશવૃદ્ધિ ~ મૈથિલી વાર્તા ~ મૂળ લેખકઃ શ્રી પ્રદીપ બિહારી ~ અનુવાદક: ગિરિમા ઘારેખાન
શબ્દો: ૨૩૪૮
[રચનાકાલ- ૧૯૯૪]
ઓફિસમાં પાછા ફરીને, ચોક અને ડસ્ટર ટેબલ ઉપર રાખીને, હાથ ખંખેરતા અનિલજી ખુરશી ઉપર બેસી ગયા. સ્કૂલના આચાર્યએ પટાવાળાને બૂમ પાડી. હમેશની જેમ એમનો આજ્ઞાંકિત પટાવાળો લક્ષ્મી હાજર થઇ ગયો.
આચાર્યએ લક્ષ્મીને આદેશ આપ્યો, ‘ ઈલેકટ્રીશિયનને બોલાવીને પાંચમા ધોરણનો સીલીંગ ફેન ઉતરાવી દે અને પછી એને ઠીકઠાક કરાવીને ડી. ઈ. ઓ. સાહેબના ઘેર પહોંચાડી દે.’
અનિલજીને આશ્ચર્ય થયું.
ફૈયાઝૂલ હકે આચાર્યને થોડા ભારપૂર્વક કહ્યું, ‘સર, ચાય પાણી તો મંગાવો.’
અનિલજીએ પ્રશ્નસૂચક દ્રષ્ટિથી એમની સામે જોયું.
‘હવે પાંચમા ધોરણ માટે નવો પંખો ખરીદવામાં આવશે અને- – – ’. ભરાવદાર દાઢીથી ઘેરાયેલો ફૈયા ઝૂલ હકનો ચહેરો કૈંક રહસ્યમય લાગતો હતો. ત્યાં બેઠેલા બધાં જ માણસો સમજી ગયાં કે હવે શું થવાનું છે. અનિલજીને પણ ખ્યાલ આવી ગયો.
અનિલજી આ સ્કૂલમાં હજી નવા આવ્યા છે. પહેલા ગામડાની સ્કૂલમાં હતા. એ સ્કૂલમાં ગણિત અને વિજ્ઞાન ભણાવે છે, મંચ ઉપર નાટકો કરે છે અને કવિતા પણ લખે છે. એમણે એક વાર ટાઉનહોલમાં નાટક ભજવ્યું હતું. એ આખું આયોજન સરકારી હતું. એમની કળાથી પ્રભાવિત થયેલા એ સમયના કળા પ્રેમી કલેકટરે એમની બદલી શહેરની મુખ્ય ઓફિસમાં કરાવી દીધી.
હવે થયું એવું કે કલેકટરશ્રીના કહેવા પ્રમાણે અનિલજી બીજા દિવસે એમને મળવા ગયા. એમણે તો ફોન ઉપાડીને ડી. ઈ. ઓ. ને કીધું, ‘જીલ્લાના સાંસ્કૃતિક વિકાસ માટે શ્રી અનિલ કુમાર જીલ્લાની મુખ્ય ઓફિસમાં રહે એ જરૂરી છે. એટલે અત્યારે એમને શહેરની કોઈ સ્કૂલમાં મૂકી દો અને મને એ અંગે જાણ કરો. હું એમને તમારી પાસે મોકલું છું.’
ફોન નીચે મૂકતાં એમણે અનિલજી ને કહ્યું હતું, ‘મારી એવી ઈચ્છા છે કે જીલ્લાની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને તમે નવો રંગ આપો.’
અનિલજી જીલ્લાની શિક્ષણ ઓફિસમાં પહોંચ્યા. થોડી વાર પછી એમના હાથમાં એક પત્ર આપવામાં આવ્યો. એ પત્ર વાંચતા હતા ત્યારે જ ડી. ઈ. ઓ. એ કલેકટરને ફોન કર્યો, ‘સર, અનિલ કુમારના પોસ્ટીંગમાં થોડા ટેકનીકલ પ્રશ્નો છે. – – સાંભળોને સર, યુનિયનવાળા પણ નકામી બબાલ કરશે. હેડ ઓફિસમાં આવવા માટે તો લાંબી લાઈન લાગેલી છે. હું અત્યારે અનિલજીને ડેપ્યુટેશન ઉપર એક સ્કૂલ માં મોકલી દઉં છું. પછી કાયમી કરી દઈશું. જી સર. પ્રણામ સર.’
અને અનિલજી આ સ્કૂલમાં આવી ગયા.
આખા જીલ્લાના શિક્ષકો ડી. ઈ. ઓ. સાહેબની પ્રમાણિકતા અને સાહસના ગુણો ગાયા કરે છે. એમના કહેવા પ્રમાણે એવા પરોપકારી સાહેબ આજ પહેલા ત્યાં આવ્યા જ નથી. આ તો માંગ્યા કરતાં પણ વધારે આપી દે છે અને એ પણ એક પણ ખોટો પૈસો લીધા વિના. એ વાત જુદી છે કે એમની પોતાની ઓફિસમાં કર્મચારીઓ એમનાથી ડરતાં રહે છે.
એક દિવસ આચાર્યએ અનિલજીને કહ્યું, ‘ડી. ઈ. ઓ. સાહેબ તમને યાદ કરે છે. આજે જઈને મળી આવજો.’ અનિલજીએ કહ્યું, ‘રજા આપો. મારો ક્લાસ કોઈ બીજું લઇ લે તો હું હમણાં જ એમની ઓફિસે જઈને મળી આવું.’
એમને હતું કે કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારી કરવાની હશે.
પણ એમને રજા આપવાની ના પાડતાં આચાર્ય બોલ્યા, ‘એમણે તમને ઘેર બોલાવ્યા છે.’
‘ઓફિસમાં મળી લઉં તો નહીં ચાલે?’
આચાર્યને એમની આ વાત ગમી નહીં. એમણે કહ્યું, ‘મને શું ખબર કે ક્યાં મળવાથી ચાલશે કે નહીં ચાલે? મને જે કહેવામાં આવ્યું એ મેં તમને કહી દીધું.’
‘પણ મેં તો એમનું ઘર જોયું નથી.’
‘તે આમને પૂછી લો ને!’ કુસુમજીએ હક તરફ આંગળી કરતાં કહ્યું. ડી. ઈ. ઓ. સાહેબને ઘેર જયારે પણ પાર્ટી હોય ત્યારે ટેન્ટ, ખુરશીઓ, જનરેટર, બધું અહીંથી જ જાય છે.’
એ સાંભળીને બધાં હસવા માંડ્યા. હકને એ ગમ્યું નહીં. એમણે સામું બાણ ફેંક્યું, ‘પણ વ્યવસ્થાપિકા તરીકે તો તમે જ રહો છો ને!’
‘તેલ પીવા જાય એવી વ્યવસ્થા.’ કુસુમજી બોલી, ‘હું શું કામ એવી વ્યવસ્થાપિકા બનું?’
પ્રમોદજી બોલ્યા, ‘આચાર્ય બનવાની લાઈનમાં ઊભાં છો, એટલે.’
ફરીથી હાસ્યના ફુવારા છૂટ્યા.
એ દિવસે સાંજે અનિલજી ડી. ઈ. ઓ. સાહેબના ઘેર ગયા. કોલ બેલ દબાવી. એક આઠેક વર્ષના છોકરાએ બારણું ખોલ્યું. અનિલજીએ પૂછ્યું, ‘સાહેબ છે?’
છોકરાએ એમની તરફ ધ્યાનથી જોયું અને મૂંડી હલાવીને સોફામાં બેસવાનો ઈશારો કરીને અંદર ગયો. અંદરથી એનો અવાજ સંભળાયો, ‘પપ્પા, કોઈ આવ્યું છે.’
‘કોણ છે?’ કોઈ સ્ત્રીનો અવાજ સંભળાયો.
‘કોઈ ટીચર હોય એવું લાગે છે.’
અનિલજી આ સંવાદ સાંભળતા હતા. એમને નવાઈ લાગી. એ રૂમની દીવાલો ઉપર નજર ફેરવવા માંડ્યા.
થોડી વારમાં ડી. ઈ. ઓ. સાહેબ આવ્યા. ખબરઅંતર પૂછ્યા પછી બોલ્યા, ‘તમે તો નાટકના માણસ છો. કામ કેવું ચાલે છે?’
‘બસ, ચાલે છે.’ સાહેબે જેવી રીતે પૂછ્યું એવી જ રીતે અનિલજીએ જવાબ આપ્યો.
‘બાળમાનસ ઉપર કોઈ નાટક તૈયાર છે?’
‘અત્યારે એ જ વિષય ઉપર એક લેખ તૈયાર કરી રહ્યો છું.’
‘ત્યારે તો તમે મને બહુ મદદરૂપ થશો.’ ક્ષણેક રોકાયા પછી ડી. ઈ. ઓ. સાહેબ આગળ બોલ્યા, ‘તમને આટલો સમય કેવી રીતે મળે છે? આખો દિવસ સ્કૂલ, પછી ટ્યુશન, પછી- – ’
અનિલજીએ એમને વચ્ચેજ અટકાવ્યા, ‘સર, હું ટ્યુશન નથી કરતો.’
સાહેબને નવાઈ લાગી, ‘વિજ્ઞાન શિક્ષક છો અને ટ્યુશન નથી કરતા! ખરા માણસ છો તમે તો! આજકાલ આવા માણસો ભાગ્યે જ જોવા મળે છે.’ પછી એક ક્ષણ થંભીને કહી જ દીધું, ‘મારી ઈચ્છા છે કે તમે થોડો સમય મારે માટે કાઢો. મારા દીકરાને એકાદ કલાક ભણાવી જાઓ.’
‘પણ સર, મને તો સમય જ નથી મળતો.’
હું સમજી શકું છું, પણ પ્રયત્ન તો કરો!.’ પછી પોતાના દીકરાને ત્યાં બોલાવીને એમણે એને કહ્યું, ‘ડબ્બુ, કાલથી આ સાહેબ તને ભણાવવા આવશે.’
છોકરો જાણે અનિલજીને તપાસતો હોય એવી રીતે ત્રાંસી નજરે એણે ઉપરથી નીચે તરફ એમને જોયાં અને પછી અંદર જતો રહ્યો.
ઊઠતા ઊઠતા ડી. ઈ. ઓ. સાહેબે પૂછ્યું, ‘પછી તમારી કાયમી થવાનો પત્ર સ્કૂલમાં આવી ગયો છે કે નહીં?’
અનિલજીએ ના પાડી.
‘અરે યાદ આવ્યું. એ ફાઈલ તો હજી મારા ટેબલ ઉપર જ પડેલી છે.’
આખી રાત અનિલજીને ઊંઘ ન આવી. એ છોકરાને ટ્યુશન આપવામાંથી કેવી રીતે છૂટાય એ જ વિચારતા રહ્યાં. એક વાર તો વિચાર આવી ગયો કે કાલે ભણાવવા જવું જ નથી. ચોખ્ખી ના જ પાડી દેવી અને પોતાની ગામડાની સ્કૂલમાં પાછા ફરી જવું. પોતાને કાયમી કરવાના પત્ર માટે કલેકટર સાહેબને જ વાત કરવી. પણ આ ખાનગી ટ્યુશન આપવામાંથી મુક્ત કેવી રીતે થઇ શકાય? એ તો હકીકત છે કે અનિલજી કંઈ બિલાડીને જોતરીને ખેતર નહીં ખેડી શકે.
એ છોકરાને ભણાવવામાંથી છૂટવા માટે અનિલજીને ત્રણ વ્યક્તિઓ યાદ આવી- સહુથી પહેલા ડી. ઈ. ઓ. ઓફીસના હેડ ક્લાર્ક. એમને કહેવાય કે સાહેબને કહીને મને એમાંથી મુક્ત કરાવે? ના, એમનાથી નહીં થાય. સાહેબ એમને તો કંઈ ગણતા જ નથી. પેલે દિવસે રામદેવજીના પી. એફ. ની લોન માટે એમને કેવા ખખડાવી નાખ્યા હતા!
અનિલજીને એ ઘટના યાદ આવી ગઈ. રામદેવજી દીકરીના લગ્ન માટે ૧૦,૦૦૦ રૂપિયાની લોન લેવા માટે અરજી આપવા આવ્યા હતા. એ જોઈને સાહેબ તો ગુસ્સે થઈને કહેવા માંડ્યા, ‘માસ્તરજી, આ અઢારમી સદી નથી. દસ હજાર રૂપિયામાં તે દીકરીનું લગ્ન થઇ શકતું હશે? વીસ હજાર, ત્રીસ હજારની લોન લો. ક્યાં છે હેડ ક્લાર્ક? બોલાવો એને.
હેડ કલાર્કે આવીને એમની સામે દલીલ કરી, ‘સાહેબ, નિયમ પ્રમાણે આમને દસ હજાર સુધીની લોન જ મળી શકે.’ પણ એ સાંભળીને સાહેબ તો એમના ઉપર ભડકી ગયા, ‘હું કે તમે લોન પોતાના ખીસામાંથી નથી આપતાં. એમના જ પૈસા એમને આપવાના છે, કંઈ દાન નથી કરતાં. એ પણ વ્યાજ સાથે પાછા લેવામાં આવશે. એમાં સરકારના બાપનું શું જાય છે? હું તમને ઓર્ડર કરું છું, જાઓ, આપો.’
પછી થોડું રોકાઈને ધીમેથી બોલ્યા હતા, ‘મને તો એ વાતનું આશ્ચર્ય થાય છે કે આવા મોટા જીલ્લામાં શિક્ષકોએ લોન લેવી કેમ પડે છે? કંઈ કરતાં નહીં હોય?’
પછી એમણે બીજી વ્યક્તિ વિષે વિચાર્યું – કુસુમજી. પણ પછી તરત વિચાર આવ્યો કે કુસુમજી કરતાં ફૈયાઝુલ હક વધારે મદદ કરી શકશે.
અનિલજીને થોડી શાંતિ તો થઇ પણ ઊંઘ તો ન જ આવી. એમણે એક પુસ્તક વાંચીને રાત પસાર કરી.
ત્રીજા દિવસે અનિલજીને મુક્તિ મળી ગઈ. આચાર્યએ એમને જણાવ્યું કે એ દિવસે ડી. ઈ. ઓ. સાહેબનો છોકરો બહાર જવાનો હતો એટલે એમણે ટ્યુશન આપવા માટે એમના ઘેર જવાનું ન હતું.
હક સાહેબ હસ્યા અને ઓફિસની બહાર આવીને અનિલજીને કહ્યું, ‘સારું નાટક કરી આવ્યા છો. ચાલો, ચા પીવડાવો.’
બંને ચા ની લારી પર ગયા.
બીજા દિવસે સ્કૂલ પૂરી થયા પછી ફૈયાઝૂલ હક ડી. ઈ. ઓ. સાહેબને ઘેર ગયા અને અનિલજીની ભરપૂર નિંદા ચાલુ કરી દીધી – ‘આ નાટકનો માણસ, એને વળી ગણિત ને વિજ્ઞાન શું આવડે?
નાટક કરે છે કે એ ટ્યુશન કરતો નથી, હકીકત તો એ છે કે એમને ટ્યુશન મળતાં જ નથી. પછી ભણાવે કોને? એ તો કલેકટર સાહેબની કૃપાને લીધે અહીં છે, નહીં તો આવા માણસો તો ગામડામાં જ પડ્યા પડ્યા સડી જાય. આ તો દિવસ રાત નાટકનું જ વિચારે છે. અમારા આચાર્ય પણ એનાથી કંટાળી ગયા છે- આજે એક નાટક તો કાલે કૈંક બીજું, પછી ત્રીજું–. એમણે તો એક મંડળી બનાવી લીઘી છે અને એક ગામથી બીજે ગામ ભટક્યા કરે છે. પછી ભલે ભાડમાં જાય વિદ્યાર્થીઓનું ભવિષ્ય.’
ડી. ઈ. ઓ. સાહેબને હક સાહેબની વાત સાચી લાગી. એ બોલ્યા, તમે કહો છો એ બરાબર છે. મને પણ એવો વિચાર તો આવતો હતો કે આ જમાનામાં કોઈ એવો સાયન્સ ટીચર હોય જે ટ્યુશન ન કરે? સારા શિક્ષકને વાલીઓ છોડતાં હશે?
હું કાલથી જ મારા છોકરા માટે એમનું ટ્યુશન બંધ કરાવી દઈશ. નહીં તો મારો દીકરો બગડી જશે. પછી ભલે કર્યા કરે નાટક. નાટક પણ કંઈ ઢંગનું કરે તો ઠીક. બાકી તો નાટક તો ભવૈયાઓ કરે.’ બીજા દિવસે અનિલજી અને હક સાહેબ મન મૂકીને હસ્યાં. ચા પીને છૂટા પડ્યા.
***
ટેલિફોન નીચે મૂકતાં આચાર્યએ હક સાહેબને કહ્યું, ‘ડી. ઈ. ઓ. સાહેબે મળવા માટે બોલાવ્યો છે.’ એમનો ચહેરો ગંભીર થઇ ગયો હતો. બધાં પોતપોતાની રીતે એ ગંભીરતાનો અર્થ ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. કુસુમજીએ પૂછ્યું, ‘કોઈ મોટી ઓફર મળી છે કે શું?’
આચાર્ય ચિડાઈ ગયા, ‘આવતા અઠવાડિયે ૨૭ માર્ચ આવે છે ને, એટલે- – ’.
‘૨૭ માર્ચ! એનું શું છે?’
‘સાહેબના લાડલાનો જન્મ દિવસ.’ પછી આચાર્યએ કુસુમજીને કહ્યું, ‘તમને હમણાં મશ્કરી સુઝે છે, પણ આ હોય અને તમે આચાર્ય બનશો ને તો ખબર પડશે.’ હક સાહેબ થોડા વધારે ગંભીર થઇ ગયા હતા. અનિલજીએ પૂછ્યું, ‘આ બધું શું છે?’
‘જન્મ દિવસ, એટલે પાર્ટી, એટલે ભોજન સમારંભ.’
‘ડી. ઈ. ઓ. સાહેબને ઘેર એવું બધું તો ચાલ્યા કરે,’ અનિલજી બોલ્યા. ‘એમાં હાજરી આપવા માટે તો મારી જૂની સ્કૂલના આચાર્ય પણ આવે છે.’
‘પણ એ બધું કેવી રીતે થાય છે એની તમને ખબર નથી?’
પ્રમોદજી બોલ્યા, ‘એટલે તો બધાં કહે છે કે સ્કૂલના આચાર્ય પાંચ દસ હજારની ગોલમાલ કરી દે તો એ તરફ ધ્યાન ના આપવું જોઈએ. એમને માનસિક તણાવ કેટલો બધો રહેતો હોય છે!’
અત્યારે કોઈ જ પોતાનું હસવાનું ના રોકી શક્યું.
હક સાહેબ બોલ્યા, ‘હવે તો ઘણું નુકસાન થઇ જાય છે. વર્ષમાં પાંચ પાર્ટી થાય છે- સાહેબનો, મેમ સાહેબના જન્મ દિવસ, દીકરા દીકરીના જન્મ દિવસ, લગ્ન નો દિવસ, અને આ બધામાં ટેન્ટ, ખુરશીઓ, જનરેટર, બધું જશે મારી દુકાનથી. હું તો બરબાદ થઇ ગયો છું.’
‘પણ એના ફાયદા પણ છે ને?’ કુસુમજી બોલી, ‘તમને બધું જ કરવાની છૂટ મળે છે ને? મન ફાવે ત્યારે સ્કૂલ આવો, મન ફાવે ત્યારે જતા રહો. તમારે માટે તો જાણે આ સ્કૂલ નહીં, ચોવીસે કલાક ખુલ્લી રહેતી ધર્મશાળા છે.’
‘અમે લોકો વ્યવસાયી છીએ, કુસુમજી, બંને તરફનો હિસાબ કરીએ તો અત્યારે તો બહુ ખોટ સહન કરી રહ્યાં છીએ.’
આટલું કહીને આચાર્ય ઓફિસની બહાર નીકળી ગયા. સાહેબના ઘેર બધી સ્કૂલોના આચાર્યોની મીટિંગ રખાઈ હતી ત્યાં સમયસર પહોંચવાનું હતું.
બેલ વાગ્યો. થોડા શિક્ષકો ક્લાસમાં ગયા, થોડા બહાર આવ્યા. હક સાહેબ અને અનિલજી, બંનેનો ફ્રી પીર્યડ હતો. હક સાહેબે પૂછ્યું, ‘મીટિંગમાં શું થશે ખબર છે?’
‘ના -’
‘તો સાંભળો. બધી સ્કૂલોના આચાર્યોને એક એક વસ્તુ લાવવાની જવાબદારી સોંપવામાં આવશે. બસ, સાહેબને ઘેર બધાંને જમાડવાની વ્યવસ્થા થઇ જશે.’
એ દિવસે અનિલજી ઘેર બેસીને એક મિત્રએ મોકલેલો પત્ર વાંચી રહ્યાં હતા. ૨૭ માર્ચના દિવસે નાટક માટેના એક સેમીનારમાં ભાગ લેવા માટેનું આમંત્રણ હતું. એ નક્કી ન હતા કરી શકતા કે આ સેમિનારમાં ભાગ લેવો કે સાહેબને ઘેર ભોજન સમારંભમાં જવું.
બીજા દિવસે શાળામાં બીજી એક વાત સાંભળવા મળી. બધાં શિક્ષકોને આચાર્ય તરફથી સૂચના મળી કે દરેક જણે સાહેબના ત્યાં ભોજન સમારંભમાં હાજરી આપવાની જ છે. એ પછી આચાર્ય બીજું કંઈ પણ કહેવા માંગતા હતા, પણ રામપ્રીતજીએ એમને રોક્યા કે ‘એ વાત તમે દરેકને વ્યક્તિગત કહેશો એ સારું રહેશે.’
અનિલજીને ઉત્કંઠા થઇ. એમણે ફૈયાઝૂલ હકની સામે જોયું. એમણે હાથ ઊંચો કરીને ધીરજ રાખવાનો ઈશારો કર્યો.
હક સાહેબે કહ્યું હતું કે ડી. ઈ. ઓ. સાહેબની ઈચ્છા છે કે શિક્ષકો ભેટ તરીકે કોઈ વસ્તુ લાવવાને બદલે રોકડા જ આપે. વસ્તુઓ તો મોટે ભાગે પડી રહેતી હોય છે. આચાર્યનું પણ એમ જ કહેવું હતું કે સાહેબને જે જોઈએ એ આપવાનું.
એમણે અનિલજીને એમ પણ કહ્યું કે એ દિવસે એમણે બીજે ક્યાંય જવાનું નથી. એ થોડી દ્વિધામાં હતા- ક્યાં જવું? પછી એમને વિચાર આવ્યો કે નાટક તો ગમે ત્યારે થઇ શકે. એટલે એ સેમિનારમાં નહીં જાય પણ સાહેબને ઘેર જ જશે.
૨૭ તારીખે સાહેબનું ઘર મઘ મઘ થઇ રહ્યું હતું. શિક્ષણ સાથે જોડાયેલી વ્યક્તિઓ ઉપરાંત શહેરની બીજી નામાંકિત વ્યક્તિઓ, સરકારી અમલદારો, વગેરે પણ હાજર હતાં. બધાને માટે ભોજનનું આયોજન હતું.
અનિલજી પહોંચ્યા ત્યાં સુધીમાં કેક તો કપાઈ ગઈ હતી. ઘરમાં પ્રવેશતાં જ એની ઝાકમઝાળ જોઇને અનિલજીને લાગ્યું કે હક સાહેબે જાણે જાત બાળીને વાતાવરણમાં પ્રકાશ પાથર્યો છે.
અનિલજી અંદરની રૂમમાં ગયા. એમણે જોયું કે સાહેબનો છોકરો ત્યાં બેસીને પોતાના દોસ્તો સાથે વાતો કરી રહ્યો હતો. એક ખૂણામાં એક માણસ ખુરશી ટેબલ લગાવીને બેઠો હતો અને મોટા ભાગના મહેમાનો એની પાસે જઈને, કવર આપીને પોતાનું નામ લખાવી દેતા હતા. કોઈ કોઈ વળી એવી વસ્તુઓ પણ લાવતા હતા જે એક બાળક માટે હતી જ નહીં.
અનિલજી છોકરા પાસે ગયા અને બોલ્યા, ‘જન્મ દિવસની શુભકામનાઓ.’
છોકરાએ એક સ્મિત કર્યું અને બોલ્યો, ‘તમારા હાથમાં કંઈ દેખાતું નથી.’
‘ – – ’
બધું ત્યાં જ જમા થાય છે. મને તો કોઈ કંઈ આપતું જ નથી.’ પછી એક શ્વાસ લઈને બોલ્યો, ‘એક અંકલે આ પિસ્તોલ આપી છે.’
છોકરાના ચહેરા ઉપર અસંતોષની રેખાઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી.
‘કંઈ વાંધો નહીં. મારા તરફથી હું આ જન્મદિવસની ભેટ લાવ્યો છું.’ અનિલજીએ છોકરાના હાથમાં એક પેકેટ આપતાં કહ્યું.
છોકરાએ પેકેટ ફેરવી ફેરવીને જોયું અને પૂછ્યું, ‘આમાં શું છે? વિડીયો ગેમ?’
‘તમે જોઈ લો ને!’
એ જ વખતે કોઈ એમને બોલાવીને સાહેબ પાસે લઇ ગયું. છોકરાએ પેકેટ ખોલ્યું. એમાં બાળકોને ઉપયોગી થાય એવાં ચાર પુસ્તક હતાં.
ભીડ વધતી જતી હતી. અનિલજી જમીને પોતાને ઘેર આવી ગયા.
એક મહિના પછી આગની જેમ એક ખબર ફેલાઈ ગઈ કે ડી. ઈ. ઓ. સાહેબનું પ્રમોશન થયું છે અને એમની બદલી થઇ ગઈ છે. શિક્ષક સમુદાયમાં ખળભળાટ થઇ ગયો કે આવા સારા ડી. ઈ. ઓ. બીજી વાર આ જીલ્લામાં નહીં મળે. કોઈ કોઈ તો વળી એવું પણ કહેતાં હતાં કે ભલાઈનો બદલો હમેશા સારો જ મળે છે.
અ સાંભળીને અનિલજી તો બીજું કંઈ વિચાર્યા વિના સાહેબને વધામણી આપવા અને છોકરાને મળવા માટે એમના ઘેર જવા નીકળી પડ્યા. એમની સાથે બીજા ત્રણ ચાર મિત્રો પણ હતાં.
કોલ બેલ દબાવી. પેલા દિવસની જેમ આજે પણ છોકરાએ બારણું ખોલ્યું. એ લોકોને બેસવા માટે ઈશારો કરીને એ અંદર ગયો. અનિલજીએ એના ચહેરાના ભાવ વાંચવાનો પ્રયત્ન કર્યો. એનામાં કશું અસ્વાભાવિક ન હતું લાગતું. એમને આનંદ થયો. એ જ વખતે અંદરથી છોકરાનો અવાજ સંભળાયો, ’પપ્પા, થોડાક માણસો આવ્યાં છે.’
‘કોણ કોણ છે?’ ડી. ઈ. ઓ. સાહેબે પૂછ્યું.
‘બીજા બધાને તો હું નથી ઓળખાતો પણ- – ’ થોડું રોકાઈને એ બોલ્યો, ‘એક પેલા ભિખારી માસ્તર છે જેમણે મને બર્થ ડે પર પુસ્તકો ભેટ આપ્યાં હતા.’
અનિલજીને લાગ્યું કે નથી એ સોફા ઉપર બેસી શકતા કે નથી ઊભા થઇ શકતા.
~ મૂળ લેખકઃ શ્રી પ્રદીપ બિહારી
~ અનુવાદક: ગિરિમા ઘારેખાન