વેળાવદર કાળિયાર નેશનલ પાર્ક (પ્રવાસવર્ણન) ~ જયશ્રી પટેલ ‘જયુ’
‘વેળાવદર’ નામ દીકરી તર્જની પાસે જ સાંભળ્યું હતું. ૨૦૧૯-૨૦ની આસપાસ અમે બન્ને મુંબઈ છોડી વડોદરા તરફ પ્રયાણ કર્યું હતું. દીકરીએ નોકરી અર્થે, પણ મેં નિવૃત્ત જિંદગી સ્વીકારી લીધી હતી.
વડોદરા આવ્યાં પછી સાહિત્ય તરફનું ખેડાણ વધ્યું. જ્યાં નજર પ્રકૃતિ પર પડે કે તરત શબ્દો ને કલમ સળવળે. તેમાં પણ વેળાવદરની તો રૂક્ષ ભૂમિ હોવા છતાંય મને ત્યાં સુંદર સ્વર્ગનો ભાસ થયો.
‘કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન‘ અમારાં અઠવાડિયાના બે-ત્રણ અંતિમ દિવસનું સુંદર પિકનિક સ્થળ બની ગયું. અચાનક જ બનેલા આ કાર્યક્રમમાં એક તો સતત કામમાં રચી-પચી રહેતી દીકરીનો ત્રણ દિવસનો સહેવાસ મને અતિશય ઉત્સાહિત કરી ગયો.
તા.૨/૨/૨૪ના સવારનાં મારું સમવિત્તિ સાથેનું વાર્તાનું બાળકો સાથેનું કાર્ય પૂર્ણ કરી, બપોરનાં અમે મા-દીકરી ઉપડી ગયાં. દીકરી ડ્રાઈવ કરે તો હું ખૂબ ખુશ થાઉં, તેનું ડ્રાઇવિંગ મને સૌથી વધુ સુરક્ષિત લાગે. બન્ને લગભગ વડોદરાથી દોઢ પોણા બેની વચ્ચે નીકળ્યાં. મધુર સંગીત સાથે અમે સૌરાષ્ટ્રની ભૂમિ તરફ નીકળી પડ્યાં.
વેળાવદર વડોદરાથી ૧૭૪ કિ.મી દૂર આવેલું છે. તેનો રસ્તો આધુનિક કારના તખ્તા પર ગુગલ મેપમાં ૩ કલાક ને ૩૫ મિનિટનો દર્શાવી રહ્યો હતો.
વડોદરાથી જતાં તારાપુર ચોકડી પર ગાંઠિયા, ફાફડા, ગોટા, દાળવડા ને એવી અનેક દુકાનો જોવા મળી. આમેય ગુજરાતી ને તેમાંય કાઠિયાવાડી એટલે ગાંઠિયાનાં ભારી શોખીન!
વલ્લભીપુર અને સારંગપુરની વચ્ચે આવેલું આ ઉદ્યાન (સફારી) સમુદ્રની સપાટીથી માત્ર બે મીટરની ઉંચાઇએ આવેલું છે. દરિયાની નજીક હોવાથી હવા ને માટીમાં ખારાશ ભળેલી છે. તે
જળનો પણ સંગ્રહ કરી શકે છે. માટીમાં પણ ચીકાશ હોય છે. અહીં બેત્તાલીશ પ્રકારના ઘાસ થાય છે. લીલું ઘાસ ચોમાસામાં તેની મહેક ફેલાવે છે. ધીરે ધીરે તે સોનેરી રંગ ધારણ કરી લે છે. સવારના તેની સોંઘી સુગંધ (પશુ-પક્ષીઓને) પ્રાણીઓને આકર્ષે છે. તેઓ પોતાનું ભોજન તેમાંથી શોધી લે છે.

અહીં વન વિભાગે પંદર તળાવ ખોદ્યા છે તેમજ ટાવર પણ ઊભા કર્યાં છે, જેની પર ચઢી ફોરેસ્ટ ઓફિસર તેમજ સહેલાણીઓ પશુ-પક્ષીઓનું નિરીક્ષણ કરી શકે છે. એનો કંઈક અનોખો આનંદ હોય છે.
અમે લગભગ છ વાગ્યાના આસપાસ પહોંચ્યા. ઔપચારિકતા પતાવી રૂમ પર પહોંચ્યા, સુંદર ક્વાટર્સ હતા. તેમાંના એક સાફસુથરા રૂમમાં પહોંચી થાક ઉતારી તેની આજુબાજુ એક ચક્કર માર્યું. બિલ્કુલ પ્રદુષણ વગરની જગ્યા.
આહ્લાદક ઠંડકને માણી, રૂમ તરફ પાછા ફરતા આકાશ તરફ મીટ માંડતા આંખોને તારાઓનું સુંદર દર્શન થયું. ઓહ! વર્ષો પછી તારાઓ જોયા.
નાની હતી તો ભરૂચની મારી હવેલી અગાશી પરથી સ્વચ્છ નભમાં દેખાતા એ તારાઓ ફરી જોવા મળ્યાનો રોમાંચ થયો. એક સુંદર કાવ્ય મનમાં સળવળવા લાગ્યું.
અગણિત તારલિયા
આજ આભ નવલું ભાસે છે
ત્યાં અગણિત તારલિયા દિશે છે
કાળા નભે ચમકીલી ચૂંદડી ઓઢી છે
બાળપણે ગણ્યાં આજ નેત્રો ગણે છે…
રાત્રી બીજા દિવસનાં સપનાં જોતાં જોતાં અધકચરી ઊંઘે પૂરી થઈ. વહેલી સવારે ઊઠવાનું થોડું આકરું લાગ્યું પણ પંખીઓ ને કાળિયાર જોવાની તાલાવેલી પણ હતી. બરાબર ૬.૩૦ની સફારીનો અમારો સારથી પ્રવિણ નામે તરવરિયો યુવાન હતો, જેણે અમને આ પરિસરની રજેરજ માહિતી આપી વાકેફ કરાવ્યા.
કાળિયાર:-(Black Buck)
આ સફારીનું મુખ્ય આકર્ષણ હતું કાળિયાર (Black Bucks). કાળિયાર નર ને માદાનો તફાવત જણાવ્યો જેથી અમે તેને તુરંત જ ઓળખી શકીએ. કાળિયાર શાંત ને નમ્ર પ્રાણી છે. સૌમ્યતા એની આંખોમાં દેખાય આવે. તે આમ તો હરણ ને સાબર જેવું જ દેખાય છે.
માદા કાળિયાર બદામી ને સફેદ રંગની દેખાય છે. નર કાળિયાર પુખ્ત ઉંમરનો થાય એટલે કાળા રંગનો માલિક બની જાય છે અને માથે શિંગડાં પરિધાન કરે છે. તેનાં શીંગડાં તીક્ષ્ણ અને મરોડદાર ફાટાંવાળા હોય છે.

બાળ કાળિયાર જન્મે ત્યારે માદા જેવું જ દેખાય છે પણ જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ એ કાળુ થતું જાય છે સાથે સાથે ઝીણાં ઝીણાં શીંગડાં ધારણ કરવા માંડે છે. યુવા થતાં નર-માદાનો ફરક જણાવા માંડે છે.
કહેવાય છે કે શિકારનો ભોગ ન બને તો તેની આયુ વીસથી ત્રીસ વર્ષ સુધીની હોય છે. અહીં કાળિયારનું પૂરતું ધ્યાન વેળાવદરનો વન વિભાગ રાખે છે.
કેટલાક કાળિયારના શિંગડાં પ્રમાણમાં એકબાજુ નાનાંમોટાં હતા, તેથી મને નવાઈ લાગી ને મેં જાણકારી મેળવવા પૂછી જ નાંખ્યું,” આવું કેમ? ને શા કારણે?
શિંગડાં વિશે માહિતી આપતાં પ્રવિણે કહ્યું, ”તેના શિંગડા લડાઈ કરતાં તૂટે તો ફરી નથી આવતાં, જ્યારે હરણનાં ને સાબરનાં શિંગડાં ફરી વિકસે છે.”

આપણે પુરાણાં મહેલોની કે ઘરોની મુલાકાત લઈએ છીએ ત્યાં કાળિયાર, હરણ કે સાબરનાં શિંગડાં દિવાનખાનાની શોભા વધારતાં જોવા મળે છે.
આ કાળિયારને જ્યારે અમારી નજર સમક્ષ એક બાજુથી બીજી બાજુ રસ્તો પસાર કરતાં ટોળાંમાં જોવા મળ્યાં ત્યારે જાણે લાગ્યું કે આ ધરતી પર સુંદરતા સૌમ્યતાથી જ મુખરિત થાય છે.

એક વાત પણ જોવા મળી કે આલ્બિલનો કાળિયાર પગથી માથા સુધી શ્વેત (સફેદ) હોય છે જે આ બધાં કરતાં જુદો તરી આવતો હતો. ઓછા પ્રમાણમાં જોવા મળે છે.
કાળિયાર મુખ્યત્વે ભારતમાં જ દેખાય છે. સુરક્ષિત ટોળામાં ને હવાઉજાસવાળી જગ્યામાં ફરતાં રહે છે ને શિકાર કે જંગલી પશુ સામે શિંગડાં દ્વારા પોતાની જાતની રક્ષા કરે છે. એકસાથે તેઓનું સૌંદર્ય અનોખું દેખાતું હતું.
વરૂ:-(wolf)
આ પરિસરમાં વરુની સંખ્યા ઓછી છે, તે ફક્ત વીસથી પચ્ચીસ જ છે.પહેલે દિવસે અમને તે જોવા ન મળ્યાં. થોડી નિરાશા મન પર સવાર થઈ ગઈ. મારું મન કહેતું હતું કાલે જરૂર જોવા મળશે.
બીજે દિવસે મારે તો જવું જ હતું. તેથી દીકરીને મનાવી લીધી. બીજે દિવસે તો સવારના પહોરમાં પરિસરમાં વરૂભાઈ તો દોડતાં, ફરતાં ને વઢતાં જોવા મળી ગયાં.

નાનપણમાં ભરૂચમાં સિન્ધવાયમાતાના મંદિર પાસેની અમારી વાડીમાં રાતવાસો કરવા જતાં ત્યારે વરૂ ને શિયાળની લારી સાંભળવા મળતી ને ક્યારેક વાડીમાં ફરતાં પણ જોવા મળી જતાં.
મારાં સૌથી મોટાકાકાના કેમેરામાં કંડારેલાં ફોટા ખૂબ જોયાં હતાં. આજે તો રૂબરૂ નજર સમક્ષ જોયાં તો મન ખુશ થઈ ગયું.એક વાર તો વરૂની બધી વાર્તાઓ નજર સમક્ષ ફરી વળી. વરૂ હિંસક પ્રાણી તો ખરું જ.
હાયના:- (ઝરખ, ઘોર ખોદ્)
મૂળ તો આફ્રિકા, પાકિસ્તાન, મધ્ય પૂર્વ ને યુરોપમાં દેખાતું, પણ હવે યુરોપમાંથી અદ્રશ્ય થઈ ગયેલું પ્રાણી અહીં બહુ ઓછી સંખ્યામાં છે. આ ઝરખ ઉર્ફ હાયના ‘આનાતોલિયા’માં જોવા મળે છે એમ પ્રવિણે અમને માહિતી આપી હતી.
તે મુડદાલ ને માંસ ખાનારું પ્રાણી છે. શિકાર પોતે ભાગ્યે જ કરે. પડેલું સડેલું માંસ ખાય. ક્યારે કંઈ ન મળે તો નાનાં પ્રાણીઓ, ફળ ને જીવજંતુ ખાય.

દેખાવે ખુંખાર, શરીર પર કાળા ચટા-પટા ને કથ્થઈ રંગનું હોય છે. તે રખડું હોય છે. પાણીનાં ઝરા કે તળાવની આસપાસ રહે છે. તે પોતાના પરિસર એટલે કે દસથી પંદર કિલોમીટરમાં જ ફર્યા કરે છે. ટોળાં વગર એકલું ફરનારું પ્રાણી છે.
અમારી નજરે ચઢ્યું ત્યારે તે એક જૂના ખરબચડાં લાકડાંનાં થડ સાથે તેનું મડદાલ શરીર ઘસી રહ્યું હતું. થોડીવારમાં તે કાળિયારની વચ્ચે જોવા મળ્યું હતું. ભાગ્યેજ જોવા મળતાં આવાં કુદરતનાં જીવો પર અચરજ થાય.
તે દેખાવે કૂતરાં કરતાં કદમાં થોડું મોટું ને પૂંઠેથી બેસેલું (ખૂંધુ), કાન મોટાં ને અણીદાર ને મોઢું કાળું સાધારણ વરૂ જેવું હોય છે. તે નદીની કોતરમાં દર બનાવી રહે છે. તે ઘોર ખોદીને (કબર ખોદીને) વાસી માંસ ખાય છે તેથી ઘોર ખોદ્યું પણ કહેવાય છે.
જંગલી બિલાડી:-
કદમાં મોટી. નાનાં વાઘનાં બચ્ચાં જેવી દેખાય. તેથી જ કવિ કહી ગયા છે ને ‘બિલ્લી વાઘ તણી માસી’. અમને બે જોવા મળી.

પ્રાણી માત્ર એકબીજાંની ઉપર જીવે છે. તેની શિકાર કરવાની અદા પર ફિદા થઈ જવાયું હતું. તેણે લોન્ગ જંપ (ઊંચો કૂદકો) મારી ઊડતા પક્ષીને ઝડપી લીધું. અમે જોતાં રહી ગયાં ને નાનું પંખી બિચારું તડપી ચીં ચીંનો ચિત્કાર કરી ઊઠ્યું. કુદરતની આ ગજબની લીલા હતી.
પક્ષીઓ:-
વેળાવદર સ્થળાંતર કરીને આવેલા પક્ષીઓ માટે જાણીતું છે. હજારોની સંખ્યામાં પક્ષીઓ ત્યાં બેત્રણ મહિનાના મુકામે આવી રહે છે ને આ ભૂમિને સ્વર્ગ જેવી બનાવી દે છે.
મીઠાં કલરવની આ ભૂમિ પર વિવિધ પ્રકારનાં વિદેશી પક્ષીઓ ને સાથે આપણાં દેશી પક્ષીઓનો મેળો ભરાય છે. અહીં ખડમોર, તેતર, ઢોંક (સફેદ) અથવા ઊજળી ઢોંક, જીન્જો, ઘરણટ , મોતી ઘરણટ,ચાકી માકી, મીડોં ઢેલ હોય છે.
કાંગ (પક્ષીઓનો પ્રિય ખોરાક), શ્મેરૂ, ધવલી વર્દી જેવા વનસ્પતિઓનો પાક આ ભૂમિ પર થાય છે તેથી પક્ષીઓ સ્થળાંતર કરી આ તરફ આવી જાય છે.
૧. પટ્ટાઈ- (હેરીઅર):-
શિયાળા દરમ્યાન અહીં રાતવાસો કરવાં આવે, સવાર પડતાં દિવસના સમયે જ્યાં પાણી ને ખોરાક પુરતાં પ્રમાણમાં મળે ત્યાં ચાલ્યા જાય.આમ દર શિયાળે અહીં ત્રણથી ચાર હજાર પટ્ટાઈ પક્ષી ઉતરી આવે છે.
તેઓની ખાસિયત એ કે ટોળામાં રહે, પોતાનો પરિસર બાંધે ને ત્યાંથી ખસે પણ નહિ. પટ્ટાઈના પ્રકાર મને યાદ છે એટલાં અહીં જણાવું છું: વિલાયતી, પાન,પટ્ટી, ગુલાબી આમ અનેકો જોવા મળ્યા. મને તો તેમના કલરવથી આનંદ મળતો હતો.

પીળી ચાંચવાળા ઢોંક પક્ષી પણ સમૂહમાં પાણીમાં બેસી ખોરાક શોધતાં તો સાથે આકાશમાં પાંખો ફેલાવી ઊડતાં. આ દ્રશ્ય તો જાણે સ્વર્ગમાં વિહરતા હોય તેવો અનુભવ કરાવતું હતું. હું તેથી બે દિવસ આવી સવારે.
મારી નજરે એક જમાદાર જેવો મોટો એક પગે લંગડાતો પડ્યો, પ્રવિણે કહ્યું કે વન વિભાગવાળાને જાણ કરાઈ છે તેઓ હમણાં આવી તેની સંભાળ લેશે.
2. દરજીડો:-
આ પક્ષીની ખાસિયત એ છે કે તે પાનને વાળીને સૂકું ઘાસ પોરવીને પોતાનું સુંદર રહેઠાણ બનાવે છે. માનવ પણ આ લોકોને જોઈ સુંદર લક્ઝરીસ મકાન બનાવતાં શીખ્યો હશેને!
લેસર ફ્લોરીક્સની વસ્તી ઓછી થતી જાય છે. ત્યારે ત્યાં તેને બચાવવા માટે, તેની પ્રજાને ઉછેરવા માટે વન વિભાગે વન વચ્ચોવચ્ચ એક સરસ મકાન ઊભું કર્યું છે. ત્યાં સુંદર ફોટાઓ મૂક્યાં છે પણ મને તો આ જીવતાં સુંદર પક્ષીઓમાં જ બહુ રસ પડી ગયો હતો.
બે દિવસ સતત અમારી સાથે પરદેશીઓ પણ હતા. તેમના મોટા કેમેરા, દૂરબીન ને તીવ્ર નજર…!
આ ઉદ્યાન ૩૪.૦૬ વર્ગ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે.

અહીં લીલા સૂકા ઘાસવાળી જમીન છે. તે મૂળ ભાવનગરના મહારાજાની જમીન હતી. અહીં રાજાઓ કાળિયારના શિકાર પોતાના પાળેલા ચિત્તાઓ દ્વારા કરાવતાં. કાળિયારના શિંગડાંને દિવાનખાનામાં શોભારૂપે રાખતાં.
ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજી એ સરદાર વલ્લભભાઈના કહેવાથી ભારતસંધ સાથે રાષ્ટ્રીય વિલીનીકરણ કરતાં સમયે આ જમીન આપી દીધી.

આ જમીન પર ૧૯૭૬માં કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન સહેલાણીઓ માટે પણ ખુલ્લું મૂકાયું.
મિત્રો તમને ત્યાં રહેવા માટે અનેક આધુનિક હોટેલ કે રીસોર્ટ મળી જશે. અમે ‘ધ બ્લેક બક્સ લોન્જ’માં ઉતર્યા હતાં.
ત્યાંનો સ્ટાફ, ત્યાંનું ખાવાનું ને સુંદર સ્વચ્છ જગ્યા સૌને ગમી જાય તેવી છે. ત્યાં આવતા પક્ષીઓ સુંદરતામાં વધારો કરતા હતાં. બે દિવસને ત્રીજા દિવસની સવારની ખુશ્બુ લઈ અમે ઘર તરફ પ્રયાણ કર્યું હતું.
બીજાં દિવસે ત્યાંથી નજીક આવેલાં સાળંગપુર હનુમાનજીના મંદિરે ગયા હતા. કહેવાય છેને શ્રદ્ધા હોય તો પ્રભુ પણ તમારી રાહ જોતા હોય છે.

મંદિરના પરિસરમાં પ્રવેશ્યા ને યાદ આવ્યું આજ તો શનિવાર છે. છતાં બપોરે ત્રણ વાગ્યાના દર્શન બિલ્કુલ તકલીફ વગર શાંતિથી થયા.
ત્યાં જ સ્વામિનારાયણનું મંદિર ને પ્રમુખ સ્વામિની સમાધિના દર્શન પણ કર્યા. આ અમારાં પ્રવાસનો હિસ્સો નહોતો પણ પ્રભુનો બુલાવો સાદર પ્રેમથી હતો તેથી પૂર્ણ થયો.
ત્રીજા દિવસે ઘર તરફ આવવાનું મન નહોતું પણ ઘર તો ઘર જ એટલે આખરે ધરતીનો છેડો ઘર કરી પાછાં ફર્યાં.
આ હતી પશુપંખી સાથેની અમારી મુલાકાત. અમારો પ્રવાસ યાદગાર રહ્યો. મિત્રો જવાય તો જરૂર એકવાર જરૂર જજો.
ફરી ક્યારેક જવાઈ લેપાર્ડની સફારીનું નાનું પણ સુંદર વર્ણન કરીશ.
~ જયશ્રી પટેલ ‘જયુ’, વડોદરા
+91 98331 05184
miltaja05@gmail.com
સાચે જ ખુબ જ આહલાદક વર્ણન…. જાણે તમારી. સાથે મેં પણ પ્રવાસ કરી લીધો.
આભાર 🙏
Description makes you feel like you truly traveling and experiencing in reality…
Well described….
સુંદર માહિતીસભર લેખ 👌👌👌
વાહ વાહ! ખુબ સુંદર આલેખન 👌👌
વાક્ય વાક્ય તમારો પ્રકૃતિ પ્રેમ ઝલકે છે.
વાહ વાહ! તમારા પ્રકૃતિ પ્રેમને ઉજાગર કરતું સુંદર આલેખન, 👌👌👌👏👏👏