“દોસ્તી કા નામ જિંદગી…..!” ~ ચૂંટેલા શેર ~ કવિઃ ભાવિન ગોપાણી
1.
પ્રત્યેકના નસીબમાં એવાય મિત્ર છે
આંખોની સામે હોય અને ઓળખાય નહીં
2.
અમે પણ ભાઈચારાની તરફદારી કરી લીધી
જૂની દીવાલની વચ્ચે નવી બારી કરી લીધી
અમે સારું કર્યું કે મિત્રતાનો છોડ તો રોપ્યો,
તમે સારું કર્યું, એ છોડને ક્યારી કરી લીધી.
3.
ભલેને યુધ્ધના બહાને, જરા નજદીક તો આવે,
અમારા શત્રુઓને મિત્ર બનતા વાર નહીં લાગે.
4.
હું ઉદાસીના કુવે ડૂબ્યો છું મિત્ર,
નાખ તારી હાજરીનું દોરડું.
5.
વાદળો ગરજે ઊભા રહેવું પડે.
આપણી તરસે ઊભા રહેવું પડે.
હોય છો ને વાત ખોટી કે ખરી,
દોસ્તની પડખે ઊભા રહેવું પડે.
6.
ઈશ્વર બોલ્યો કે રાખો થોડી ચીજો જન્નત માટે,
થોડા મિત્રો, થોડી વાતો, ચાની લારી રાખી છે.
7.
આજીવન પ્રેમ તો ટકે ક્યાંથી ?
મિત્રતા હોત તો જીવનભર હોત
8.
બંનેમાં પછી પીઢતા એવી તો વધી ગઈ
જીવે છે હવે મિત્રતા વહેવાર બનીને
9.
સંબંધ કોઈ અન્ય ક્યાંથી ખાસ થઈ શકે?
છે મિત્રતાની ખાસિયત કંઈ પણ કહી શકાય
10.
તમારો મિત્ર આ પહેલા રહી ચૂક્યો છે મારો મિત્ર
એ રહેશે ક્યાં સુધી હખણો તમે પૂછો તો હું કહુને
11.
જાણી ગયો ભલે તું કોઈ ભેદ મિત્રનો
સિક્કાની જેમ કેમ ઉછાળે બજારમાં?
12.
સરળ કરતો રહે છે મિત્ર મારું કામ આગળનું
જરા માંદો પડું ત્યાં તો એ ખાડો ખોદવા લગે
13.
ભલે એ મિત્ર હમેંશા રહ્યો છે શંકામાં
કસૂરવાર ઠરે તો મજા નહી આવે
14.
તમારી મિત્રતા છે સાંજના સમય જેવી
પ્રકાશ પણ નહીં, અંધાર પણ નથી હોતો
15.
ઘડપણને મારા આથી મળી રાત રાત રાત
સૂરજ સમાન મિત્ર ઘણાં આથમી ગયા
16.
મેલો ઘેલો હાથ છતાં પણ,
મિત્રો છે કે હાથ ધરે છે.
~ ભાવિન ગોપાણી
મિત્રતા દિવસની શુભેચ્છા

સુંદર શેરોનું સંકલન, અભિનંદન હિતેશભાઈ, અને ભાવિન.
Vaaah… જોરદાર પ્રત્યેક શેર 🙏🙏🙏🙏