“મારા ગમતા મિત્રોની ઓળખાણ” (૬) ~ ગીની માલવિયા

આજે આ શ્રૃંખલાની પૂર્ણાહુતિ સ્વરૂપ છેલ્લાં અને છઠ્ઠાં પુસ્તકની ઓળખાણ કરાવીશ. પોપટિયાં લીલા રંગનું પુસ્તક નામે તારક મહેતા. સબટાઈટલ તો તમે ધારી લીધું જ હશે, હમણાં સુધી.
હા, એ જ, દુનિયાને ઊંધા ચશ્માં.
જેમની કલમે ‘ટપુ’ અને ‘જેઠાલાલ’ જેવા ચિરકાળ પાત્રોનું સર્જન કર્યું એવા અગણિત વાચકોનાં વહાલા લેખક, હા હાસ્યલેખકનું પુસ્તક.
પુસ્તકની પ્રસ્તાવનામાં જ સંજયભાઈ કહે છે કે, “આ આઠ દાયકાની અવિરત યાત્રા.. ચાર દાયકાની લેખનયાત્રા.. બે દાયકાની આ તસવીરયાત્રા… આખોય સમયગાળો ભલે બ્લેક એન્ડ વ્હાઈટથી ઈસ્ટમેન કલર સુધી ઝૂલે, પણ લાગશે તો ‘એવરગ્રીન’ જ; લાગી શરત?!”

સાચું કહું, તો હારવું નથી આ શરતમાં, એટલે સંપૂર્ણપણે સહમત. પુસ્તકમાં તારક મહેતાની રમતિયાળ કે ધીરગંભીર તસવીરો સાથે તેમની તીક્ષ્ણ નાગર રમૂજવૃત્તિનાં ચમકારા બતાવતા લેખો છે.
ઈન્દુબેન સાથેનાં તેમના પ્રસન્ન દાંમ્પત્યજીવનની ઝાંખી કરાવતી તસવીર છે. વહાલાં દોહિત્ર દોહિત્રીનાં જોડકાં સાથે સુખનાં હિંડોળે હિંચકતાં નાનાજી તારક મહેતાય દેખાય છે અહીં.

તારક મહેતા સાથે સંવાદ રૂપે થયેલો તેમનો ઇન્ટરવ્યૂ વાંચવો જ પડે. સામાન્ય રીતે પૂછાયેલા સવાલોને તેમની બુધ્ધિપ્રતિભાથી મળેલા અસામાન્ય જવાબો બહુ મજાનાં છે.
તારક મહેતાને જેમના માટે ખૂબ અહોભાવ હતો એવા શ્રી જ્યોતીન્દ્ર ભાઈ દવેનો આકાશવાણીની નોકરી દરમ્યાન લીધેલો ઈન્ટરવ્યૂ વરસો વીતી ગયા હોવા છતાંય આજે પણ એટલો પ્રિયકર લાગે છે વાંચતી વખતે.
વાંચવા જેવા પુસ્તકોની યાદીમાં મોખરે છે એવી તારક મહેતાની આત્મકથા ‘એક્શન રિપ્લે’નું પણ એક પ્રકરણ આ પુસ્તકમાં છે.

પુસ્તકનાં છેલ્લાં પાનાં પર તારક મહેતાનો લાક્ષણિક મુદ્રામાં તેમના પ્રિય પાત્ર ચાર્લી ચેપ્લિન સાથે ફોટો છે. કહેવાની જરૂર નથી કે આ તસવીર સંજયદ્રષ્ટિથી જ ઝીલાઈ છે. પણ ધ્યાનાર્ષક વાત એ છે કે પુસ્તકને અંતે તારક મહેતાના શબ્દોમાં પોતાના લાડકા ફોટોગ્રાફર સંજયભાઈ માટેનું વહાલ શબ્દોમાં નીતરે છે. જેમકે, નરી નજરે ન દેખાતી સુંદરતાને કેમેરામાં કેદ કરવાનો ઈલમ સંજય પાસે છે.

કલ્પનામાં પણ ન આવે એવી અફલાતૂન તસવીરો ખેંચવાનો એનો સ્વભાવ છે. આ હતું, તારકમામાના શબ્દોનું પ્રમાણપત્ર. જે એક શાબ્દિક વિજયચિહ્ન પુરસ્કાર જ છે. આથી વધીને મારે આ પુસ્તક માટે કંઈ જ કહેવાપણું રહેતું નથી.
હા, પણ પૂછવાની જરૂર છે કે તમે સૌ વાચકો આ મારા આ મિત્રોને મળવા આતુર છો કે નહિ?
જો જવાબ હા હોય તો ઝેન ઓપસ દ્વારા આ પુસ્તકો પ્રાપ્ય છે. જલદીથી તમારો ઓર્ડર આપી દો…! દોસ્તીદાવમાં થોડી વાર ‘ થૂપ્પીસ” કરી લઉં?
~ ગીની માલવિયા