હૅલો કોણ? (વાર્તા) ~ માના વ્યાસ (સ્પંદના), મુંબઈ
‘હૅલો, આ અમિતભાઈ પાઠકનો નંબર છે?’
‘હા, જી હું અમિત પાઠક છું.’
‘ઓકે. ગુડ મોર્નિંગ. અમિતભાઈ કેમ છો? ‘
‘ગુડ મોર્નિગ… કોણ? ‘
‘અઅઅ તમારો નંબર મને સ્વસ્તિક મેરેજ બ્યુરોમાંથી મળ્યો છે. મેં મારા દીકરા આરિતનું નામ લખાવ્યું છે. તમે પણ તમારી દીકરી શચી માટે.. એનું નામ શચી છે કે સાચી?’
‘શચી છે. શચી પાઠક. શચી એ ઈન્દ્રાણીનું નામ હતું. મારી વાઇફે પાડેલું. ખેર, હા હા સ્વસ્તિક મેરેજ બ્યુરોમાં શચીનું નામ લખાવ્યું છે. એ ન્યૂ જર્સી રહે છે. છોકરાઓ પ્રેમમાં ન પડે પછી બ્યુરોમાં નામ લખાવવા પડે છે.’
‘સાવ સાચી વાત છે અમિતભાઈ. મારો આરિત રહે ન્યૂ યોર્ક, અમેરિકામાં. હવે ત્યાં ક્યાં જઇને એને માટે કન્યા શોધું?’
‘બરાબર છે. પોતે શોધવું નથી ને આપણે શોધેલું ગમતું નથી.’
‘મારો આરિત આઈટી એન્જિનિયર છે. એણે એરિઝોના યુનિવર્સિટીથી એમ.એસ. કર્યું છે. હવે એક સ્ટાર્ટ અપ કંપનીમાં છે. હમણાં જ મેનહટનમાં 50મી સ્ટ્રીટ પર ઘર લીધું છે. ઘર નાનું છે પણ હમણાં એકલો છે એટલે ચાલે.’
‘સરસ. મારી દીકરી શચીનો બાયોડેટા તો તમે જોયો જ હશે. જે બાયોડેટામાં નથી એ કહું તો ખૂબ લાગણીશીલ છોકરી છે. એને ડોગ્સ બહુ ગમે છે એટલે કોઈવાર તો પાળશે જ. શચીને ખાસ રસોઈ બનાવતાં આવડતી નથી. હવે તો કહે છે કે વિગન થઈ જઇશ. એ હેરીસનથી રોજ ન્યૂ યોર્ક આવે છે.’
‘સરસ, ઓકે તો અમિતભાઈ આપણે છોકરાંઓને પ્રોફાઈલ મોકલી આપીશું. આવજો.’
‘હેલો અમિતભાઈ, કેમ છો? શચીએ કોઈ જવાબ આપ્યો?’
‘કેમ છો… કોકિલાબેન. બધું બરાબર? તમારો અવાજ ખરેખર મધુર છે. તમારું નામ એકદમ બંધબેસતું પાડ્યું છે. સાચું કહું તો શચીએ હજી બાયોડેટા જોયો નથી. આજકાલમાં નક્કી જોશે.’
‘હા થેંક યુ અમિતભાઈ. એક જમાનામાં મને ગાવાનો શોખ હતો. હું એ માટે ક્લાસમાં પણ જવા માગતી હતી.’
‘ખરેખર?
હા, પણ ધારેલું ક્યાં થાય છે? આપણે તો માવતરે કહ્યું કે આ સારો છોકરો છે એટલે હા પાડી દીધી હતી – ભલેને પછી આપણી પસંદ સાથે મેળ ખાય કે ન ખાય.’
‘મેં તો પ્રેમલગ્ન કરેલા પણ.. હં.. શું કરે છે તમારા હસબન્ડ?
‘નથી.’
‘નથી? ઓહ આય એમ સો સોરી. જિંદગી કેવી કસોટી લેતી હોય છે. ક્યારે થયું?’
‘પાંચ વરસ થઇ ગયાં, અમિતભાઈ. બીજે દિવસે આરિતનો એકવીસમો જન્મદિવસ હતો.’
‘મારી વાઇફ પણ નથી. મારી શચી બાર વર્ષની હતી ત્યારે જ…’
‘ઓહ, સો સોરી. દીકરીને મા વગર રહેવાનું આવ્યું. શું થયું હતું એમને? બિમાર હતાં?’
‘ના, એ છોડીને જતી રહી. અમારાં ડિવોર્સ થઈ ગયા છે.’
‘ઓહ.. ઠીક છે તો અમિતભાઈ ફરી છોકરાંઓ સાથે વાત કરી લઈએ. આવજો.’
***
‘હૅલો, અમિતભાઈ, કેમ છો?’
‘બસ, સારું. હું તમને એ દિવસે પૂછવાનું ભૂલી ગયો કે પછી તમે સંગીતનાં ક્લાસ કર્યા હતા કે નહીં?… ચૂપ કેમ છો? ક્લાસ કર્યા હતા કે નહીં?’
‘ના, મારા પતિને એ બધું નહોતું ગમતું. અને હવે તો એ માટે મોડું થઈ ગયું. સાચું કહું તો હવે વરસો પછી એવી હોંશ પણ નથી રહી… હવે અમિતભાઈ તમે કેમ ચૂપ થઈ ગયા?’
‘મારી પત્ની પ્રોફેશનલ સિંગર હતી. મને એ ગાય એ ખૂબ ગમતું હતું. એટલે જ તો કૉલેજમાં એને સ્ટેજ પર ગાતાં જોઈને મોહી પડ્યો હતો. એ પ્રાર્થનાસભા, લગ્નપ્રસંગ કે કોઇવાર નાનાંમોટા પ્રસંગે ગાતી રહેતી.’
‘તો પછી શું થયું?’
‘મારાં માતાપિતાને નહોતું ગમતું. તેજલ મોડી આવે એ એમને ન ગમે. રોજનાં ઝગડા ને બોલાચાલી.
તેજલનો પહેલો પ્રેમ જ સંગીત. એને ઘરનાં કામકાજ માટે ન સમય હતો કે પરવા. મારે બંને તરફ સાચવવું પડતું.
હું પપ્પાની સાથે દુકાને જતો એટલે જુદા થવાનું સંભવ નહોતું. છતાં મેં જુદા થવા ઘર ભાડે લીધું હતું. પ્રેમને નિભાવવા હું મક્કમ હતો પરંતુ શચી વારંવાર માંદી પડી જતી. એને મમ્મી જોઇતી હતી.
જેમ જેમ તેજલની ખ્યાતિ વધતી ગઈ એમ એમ એ વધુ મનસ્વી થતી ગઈ. આ બધાંથી હું ટેન્શનમાં જ રહેતો અને આખરે ડિપ્રેશનમાં સરી પડ્યો. તેજલ ડિવોર્સ લઇને એનાં ગૃપનાં મ્યુઝિશિયન સાથે પરણી ગઇ. શચી મને સોંપતી ગઈ.
જો કે એ હવે સુખી છે એનો મને સંતોષ છે. પહેલાં દર રવિવારે શચી માને મળવા જતી હતી, પણ હવે સાવ ઓછું થઈ ગયું છે. અમેરિકા ગઈ ત્યારે તેજલ મળવા આવેલી. શચીને એણે સમજી વિચારીને લગ્ન કરજે એવી સલાહ પણ આપેલી.
એ ગઈ ત્યારે શચી ફક્ત બાર વર્ષની હતી. એક જ દિવસમાં મારી દીકરી પુખ્ત બની ગયેલી.’
‘ઓહ્ મમ્મીની કેટલી યાદ આવતી હશે? અમિતભાઈ… તમે ફરી ન પરણ્યા? સૉરી હું… થોડો પર્સનલ સવાલ પૂછું છું.’
‘કંઈ નહીં. બધાં પૂછે છે. હું ડિપ્રેશનમાં જતો રહેલો. પછી મારાં માતાપિતાએ કેટલાય ડૉક્ટરને બતાવી મને એ અંધકારમાંથી બહાર કાઢ્યો. ખૂબ કપરો સમય હતો મારે માટે, પણ મારી દીકરી શચીએ અજબ સમજણ અને કાળજી દાખવી હતી. ખરેખર એનું હસતું મુખ જોઈ મારી જિજીવિષા જાગી જતી.
હવે તદ્દન નોર્મલ છું. શચી જેની સાથે પરણશે એ જરૂર સુખી થશે એવી મારી દીકરી છે.’
***
હૅલો કોકિલાબેન, કેમ છો. શું ખબર આરિતના? જોબ કેમ ચાલે છે? ન્યૂ યોર્ક તો કેટલું મોંઘુ છે. ત્યાં ઘરનાં ભાડાં પણ ખૂબ હોય છે… તમે કહ્યું તમારા હસબન્ડ નથી, તમારા પતિ ને શું થયું હતું?’
‘અમિતભાઈ, હવે શું કહું. યાદ કરું છું તો ફરીથી ભય જેવું લાગી આવે છે. ઘણીવાર મને એમ થાય કે કદાચ એમનું નામ લઉં અને એ પાછા આવી જશે તો?
આરિતનાં પપ્પાને પગે ખોડ હતી તેથી ચાલવામાં ઘણી મુશ્કેલી પડતી હતી. એમની મમ્મીએ જ્યારે મને ન્યાતનાં ગરબામાં રમતી જોઈ ત્યારથી પૂછપરછ કરતાં હતાં. એક દિવસ પપ્પાએ કહ્યું સામેથી માગું આવ્યું છે. મેં તો ના જ પાડેલી.
મમ્મીએ કહ્યું હતું મારી દીકરી રાજ કરશે મોટા ઘરમાં અને એ પોતાનાં એક રૂમ કિચનમાં વિતાવી દીધેલી યુવાની યાદ કરી ઉદાસ થઈ ગઈ હતી.
પપ્પા કહેતા પગે ખોડ છે પણ પોતાની કસ્ટમાઇઝ ગાડી ચલાવે છે, ઘરમાં પણ સ્પેશિયલ વ્હિલચેર છે. સરસ ચાર બેડરૂમનું ઘર છે, શેરબજારનું કામ છે. એક જોઈએ ત્યાં સો ખર્ચી શકે છે.
એમને મન સુખી થવા આટલાં કારણ બસ હતાં. કહેતા: ધારોકે માણસને પછી એક્સિડન્ટ થાય તો! સાજોનરવો માણસ પાંગળો થઈ શકે.
રોજ કહેતા કે, જો કોકિલા અમે જબરજસ્તી નથી કરતા તારી હા હોય તો જ, પણ ફરી પાછાં એ મોટા ઘરનાં ગુણગાન ગાવા બેસી જતાં. આખરે મેં નમતું જોખ્યું અને લગ્ન થયા.’
ચૉરીમાં વ્હિલચેર આવી હતી. મેં ધક્કો મારતા ફેરા લીધેલા. પહેલાં ઠીક હતું મેં પણ મન મનાવી લીધેલું. પણ આરિતનાં જન્મ પછી એ શંકાશીલ થવા લાગેલા. ગરબા રમવાનું તો હું ભૂલી જ ગઈ. હંમેશા મને કોઈ મારો પીછો કરતું હોય એમ લાગ્યા કરતું.
આમ તો શેરબજારનું કામ એટલે ઘરે જ રહેતા, પણ ખોટ જાય તો મારું આવી બને. ઘણીવાર વસ્તુ છુટી ફેંકે. એક-બે વાર ગંભીર રીતે મને વાગી ગયેલું.
મારાં સાસુજી પણ કંટાળીને બીજા દીકરાને ત્યાં જતાં રહેલાં.
આરિતના પપ્પાને સતત લઘુતાગ્રંથિ અને અસલામતી સતાવ્યા કરતી. વધુ પડતાં શરાબ સેવનને કારણે લિવર ખરાબ થઈ ગયું હતું. મેં મારા લીવરમાંથી એમને અવયવદાન પણ કર્યું. પરંતુ સફળતા ન મળી.
ખૂબ પીડાદાયક મોત પામ્યા. એમને મોતને પૈસાનાં જોરે રોકી રાખવું હતું. ડૉક્ટરોને પણ સતત વઢતા રહેતા.
ગુજરી ગયા એ પહેલાં હોસ્પિટલમાં મારો હાથ સજ્જડ પકડી વારંવાર બોલ્યાં, હવે તું જલસા કરશે કેમ? ખબરદાર કોઈ સાથે લગ્ન કર્યા તો. હું ભૂત થઈ આવીશ…
સોરી તમારે લાંબી વાત સાંભળવી પડી.’
‘ઓહ્ પ્લીઝ રડો નહીં. હું તમને સમગ્ર પુરુષજાત તરફથી સોરી કહું છું. કેટલું કષ્ટ તમે સહ્યું છે?’
‘આરિત પણ થોડો સમજણો હતો. એણે મારી યાતના જોઈ છે. ભગવાનની કૃપા કે એનાં અભ્યાસ પર આ બધાંની અસર ન થઈ. જો જો એ સારો પતિ બનશે.
***
હૅલો, અમિતભાઈ, કેમ છો? હા હા, આરિતે શચી સાથે વાત કરવાની તૈયારી બતાવી છે. આ વિકએન્ડમાં ફોન કરશે. ચાલો બંનેને પ્રોફાઈલ ગમ્યાં અને વાત કરવા રાજી થયાં એટલું ઘણું નહીં?
‘હા કોકિલાબેન, પછી બંને મળવા તૈયાર થાય તો આપણે પણ અહીં મળશું. તમે અમારે ત્યાં આવજો.’
‘હા જરૂર. અને એ લોકોને ગમી જાય તો ગોળધાણા અહીં કરશું, ભલે એ લોકો ત્યાંથી ઓનલાઇન જોડાય.’
‘આવું બધું તમને જ સુઝે કોકિલાબેન.’
‘અરે આજકાલનાં પંખીડાને તરત જ બાંધી લેવાનાં એટલે પછી બીજાનો વિચાર ન કરે. લગ્ન તો ડિસેમ્બરમાં જ કરશું. મારો વિચાર મેમાં આરિત પાસે ન્યૂ યોર્ક જવાનો છે.’
‘અરે વાહ.. શચી પણ મને ન્યૂ જર્સી આવવા કહે છે.’
‘તો આપણે એમ કરીએ, અહીંથી સાથે જ ઉપડશું. તમે ન્યૂ જર્સી જતા રહેજો. છોકરાઓ ઓફિસ જાય એટલે તમે ન્યૂ યોર્ક આવી જજો.’
‘હા, કોકિલાબેન મને પણ ન્યૂ યોર્ક ફરવું છે. સેન્ટ્રલ પાર્ક તો ખાસ. કેવી સુંદર વનરાજી છે ત્યાં. બસ ચાલતા રહો અને માણતા રહો.’
‘સાચે અમિતભાઈ. કોઇની સાથે ચાલતા રહી શહેર જોવાનું ભૂલી ગઈ છું. આપણે પેલું ઊંચું બિલ્ડિંગ છેને.. ‘વનવેન્ડરબીલ્ટ – ત્યાં જશું અને એની પારદર્શક ટાઇલ્સ પર ચાલશું.’
‘હા હા શ્યોર.’
‘અને અમિતભાઈ, હડસન રિવર પર લોંચમાંથી રાત્રે દેખાતો ઝગમગતા ન્યૂ યોર્કનો નજારો તો અચૂક જોઈશું. પછી તમારે ટ્રેન પકડી હેરિસન જતાં રહેવાનું.’
‘બરાબર છે પણ મારે થોડું શીખવું પડશે. પાથ ટ્રેન સ્ટેશન અટપટું છે.’
***
કેમ છો અમિતભાઈ? કંઈ વાત થઈ શચી સાથે?’
‘અમિતભાઈ, શ્રીનાથજી બાવાની કૃપા થશે તો ડિસેમ્બરમાં લગ્ન થઈ જાય પછી છોકરાંઓને સમજાવવાનાં.’
‘શેને માટે?’
‘અરે, તમે પણ ખરાં છો. એ લોકોને કહેવાનું કે જલ્દી બેબી પ્લાન કરો. આ તો આપણે હજી તંદુરસ્ત છીએ. બાળકને ઉછેરવામાં મદદરૂપ થઈ શકીએ ને?’
‘મને તો બધું સ્વપ્ન જેવું લાગે છે. મારાં જીવનમાં આટલું સુખ હશે? મેં ક્યારેય વિચાર્યું નહોતું… પણ કોકિલાબેન,એક પ્રોમીસ કરો.’
‘શું?’
‘તમે ત્યાં સુધીમાં સરસ હાલરડાં ગાતા શીખી જજો. અને મ્યુઝિક ક્લાસ પણ કરજો. ઓકે ‘
‘પ્રોમિસ.’
‘કોકિલાબેન કદાચ પછી આપણને કાયમ ત્યાં જ ગમી જશે તો?’
‘તો સારું ને આપણે એમને કહીશું ન્યૂ જર્સીમાં જ મોટું હાઉસ લે. ન્યૂ યોર્ક તો ખૂબ મોંઘું પડે. આપણે બધાં સાથે રહીશું. આપણાં બે રુમ નીચે અને એમનાં ઉપર. મારે તો આરિતનાં ઘરમાં શ્રીનાથજીની છબી પણ પધરાવવી છે. એક સરસ મંદિર પણ લઇશું.’
‘કોકિલાબેન, આપણું ઘર જ એક મંદિર જેવું હશે.’
***
‘હૅલો અમિતભાઈ, કેમ છો?
‘કોકિલાબેન સોરી હં. શચીએ કાલે કહ્યું કે કે… આરિતને મળી પણ ક્લિક નથી થતું. આઈ મીન…’
‘હા આરિતને પણ એવું જ લાગે છે. ઇન્ટરેસ્ટ મેચ નથી થતાં. બોલો. જીવનમાં બધું મેચ ક્યાં થાય છે? કરવું પડે છે.’
‘સાચી વાત છે કોકિલાબેન પણ… શું કરીએ. એમની લાઇફ છે. ઘણું સમજાવી કે લગ્ન તો બે પરિવાર વચ્ચે બંધાતો સંબંધ છે પણ નથી માનતી.’
‘ઠીક છે, Ok.’
કોકિલાબેને નિશ્વાસ સાથે ફોન હેઠો મૂક્યો. કામવાળી બાઈએ પૂછ્યું?
‘કોણ હતું?’
~ માના વ્યાસ (સ્પંદના), મુંબઈ
mana.vyas64@gmail.com
સરસ રીતે વર્ણવી લાગણીઓની આંટીઘુંટી. એવી શક્યતા લાગતી હતી કે, છોકરાઓને બદલે, વડીલો જ પરણી જશે.
Wonderful and nice
Beautiful story Mana