“લિ. તારી પ્રિય સખી…!” ~ પત્રશ્રેણીઃ પત્ર ૩ નો પ્રત્યુત્તર ~ દિનાને ~ લેખિકાઃ અમિતા શુક્લ

પ્રિય દિના,

તને કૃષ્ણપ્રિયા બનીને કૃષ્ણમાં ખોવાઈ જવાનો આનંદ અને મને તારા આનંદની અનુભૂતિનો ખૂબ આનંદ થયો.  તું કૃષ્ણની વાતો લખતી રહી અને  એ વાતોમાં હું તણાતી ગઈ..! પત્ર વાંચતાં, સમય ચાતરીને હું પણ ગોકુળ અને દ્વારકા પહોંચી ગઈ..!  કૃષ્ણના નામમાં જ એવો જાદુ છે. આપણા અનોખા શાયર શ્રી આદિલ મન્સૂરી સાહેબનો શેર યાદ આવે છેઃ
“વાંસળી પડઘાય આખ્ખા ગામમાં
કૃષ્ણ એવું  શું  છે  તારા  નામમાં..!”

અત્યારે તો પાનખરની મોસમ આવી છે.  પાનખરે તો લોભ, મોહ, મત્સરને ત્યજી દીધાં છે. પાનખરમાં આ વન-ઉપવનનાં સ્થિતપ્રજ્ઞ ઊભેલાં વૃક્ષો પાંદડાં અને પુષ્પોને ખેરવી દે છે, બિલકુલ જેમ મીરાં રાજરાણીનાં ચીર અને આભૂષણો ત્યજી દે છે..!  આ બધું હવે સમજાવા માંડ્યું છે અને કદાચ, એ જ તો વર્ષોના અનુભવોના નીચોડ છે, કે જે, આપણાં જીવનના ઉત્તરાર્ધનું ભાથું બંધાવી આપે છ

જીવનમાં આધ્યાત્મિકતા – Spirituality સાચી દિશા બતાવે છે. જીવનની સફર માટે ખરો રસ્તો મળી જાય એ પણ સૌભાગ્ય કહેવાય છે.  આધ્યાત્મિકતાની કેડી આપણને અવિશ્વાસ, અંધશ્રદ્ધા અને ભયથી માત્ર જોજનો દૂર નથી રાખતી પણ વિશ્વાસ બંધાવે છે કે; “ઈશ્વરીય શક્તિ મારી સાથે છે.” સખી, એ જ વિશ્વાસ જીવનમાં ઉતરોત્તર પ્રગતિ કરાવે છે. જીવનનું મૂલ્ય સમજાવે છે. એવું નથી લાગતું કે, તું અને હું આ ઉંમરના પડાવ પર, એક એવી ડગરની સફરે નીકળી પડ્યાં છીએ કે બેઉની ડગર માઈલો દૂર હોવા છતાં એકબીજાંના ચરણોની આહટ સાંભળી શકીએ છીએ?

તને ખબર છે કે આજકાલ હું  પરમતત્ત્વ અને પરમાત્મા તથા દ્વૈત અને અદ્વૈતને સમજવાનો પ્રયત્ન કરી રહી છું.  કદાચ,  નાનપણથી જ ઘરનાં વડીલોને કારણે કંઈક અંશે ભક્તિરસ ગળથૂથીમાં મળ્યો છે, એવું કહું તો સામી વ્યક્તિને અતિશયોક્તિ લાગે. પણ આપણી વચ્ચે માત્ર મૈત્રીના બિનશરતી સ્વીકાર સિવાય એકમેકને સાબિત કરવું પડે એવું છે જ ક્યાં? મને યાદ છે કે હું મોટી થતી હતી ત્યારે  મેં પરિવારજનોને જીવનમાં અનેક પડકારોનો  સામનો કરતાં જોયાં છે. ક્યારેક તો પોતપોતાની જવાબદારીઓથી વિશેષ કામ પણ કરવું પડતું. ત્યારે કચવાટ કે સહેજ નારાજગી વગેરે તત્ક્ષણ પૂરતું જરૂર થતું. પણ લડાઈ, ઝઘડા કે ઈર્ષ્યા નહોતી. બધાનાં મન અરીસા જેવાં હતાં. અમે બધાં જિંદગીની કિતાબ ખુલ્લી રાખીને, કુટુંબમાં એકબીજાં અરસપરસ, આરપાર વાંચી શકે, એવી રીતે જ મોટાં થયાં. કદાચ, પરિવારનો ફાયદો એ થયો કે અજાણપણે જ અમને સમજાતું ગયું કે સારા માનવી બનીને જીવવાનો પ્રયાસ સદા કરતાં રહેવું જોઈએ.  દરેક ધર્મ અને ધર્મગુરુ હરીફરીને એક જ વાત તો કહેતા હોય છે કે, સારા માણસો બનો.

થોડાં દિવસ પહેલાં હું એક Spiritual શિબિરમાં ગઈ હતી. શિબિરમાં જઈને મને જાણે એવું મહેસૂસ થતું હતું કે મારી ભીતરમાં હલચલ મચે છે, જે મને અલગ અનુભવ કરાવે છે. મારી અંદર હું શું મને શોધી રહી છું? શું આત્મતત્ત્વ મને મારી અંદર શોધી રહ્યું છે? કંઈક તો મારી અંદર ખળભળી ગયું છે એટલું ચોક્કસ. ક્યારેક હું મારી અંદર જ ખોવાઈ જાઉં છું.  શું બદલ્યું છે તે હજુ તો સમજાતું નથી. પણ, સખી, ચાલ, આપણે આવતા જન્મે  કૃષ્ણપ્રિયા – રાધા કે મીરાંનો પ્રેમભાવ ઉત્કટતાથી અનુભવી શકીએ એટલાં સત્કર્મો આ જન્મે પણ કરતાં રહીએ તો કેવું સારું?

અરે હા, શિબિરમાં મન અને આત્મા વિષે ખૂબ પાઠ ભણાવ્યા હતાં. આ મનને કેવી રીતે વશમાં રાખવું અને એ માટે શું એક્સરસાઇઝ કરાવી હતી, એ વિષે ખૂબ વિગતવાર ફરી કદીક..! અત્યારે તો એટલું જ કહીશ કે એ શિબિરમાં મન સાથે દોસ્તી કેમ કરવી અને મનના ગુલામ ના બનવું, એ જ બેઝિકલી શીખવાડતા હતા. સખી, આપણે શા માટે મનના ગુલામ બનવું જોઈએ? દરેક વખતે મનમરજી ના ચાલે. બીજી વાત એ કે મન શરીરમાં ક્યાં આવેલું છે તેની કોઈને ખબર નથી. મન છે પણ દૃશ્યમાન ક્યાં છે? શું મન મગજ અને હ્રદય -બેઉ અંગો સાથે જોડાયેલી સંવેદના છે? તને ખબર હોય તો જણાવજે. શિબિરમાં તેના પર ખૂબ સવાલ જવાબ થયા. ઘણાંએ ખૂબ હાસ્યથી ભરપૂર જવાબો આપ્યાં હતાં.

“મનને એકલું ગમતું નથી. મન લાગતું નથી,” – એવું આપણે કહેતાં હોઈએ છીએ પણ આ મન છે  ક્યાં? મારા મનમાં આજે આ વિચાર ચાલતો હતો. આ એક વિચારવા જેવી બાબત ગણાય કે આખરે મનને જોઈએ છે શું?  તમે મનને સમજી શકો તો જ મનને કાબુમાં રાખીને એને તમારા ઉપર હાવી  થવા દેતાં નથી. મન દોસ્ત બની સાથે જ રહે એ માટેની મથામણ સતત કરવી રહી. શિબિરના ગુરુને વંદન કે મન અને આત્મા વિશે તેમણે ખૂબ સરસ સમજાવ્યું. અહીં મન વિશે થોડું જણાવ્યું. આત્મા વિશે શું શીખી, એ પછી ક્યારેક જણાવીશ. અત્યારે એક અગત્યનું કામ આવી ગયું છે. તારી સાથેની આ પરોક્ષ વાતચીત બંધ કરવાનું મન નથી પણ દિલ કહી રહ્યું છે કે આ કામને પ્રાધાન્ય આપવું પડશે.

જલદી મળીએ પત્ર દ્વારા. પત્રનો ઉત્તર જરૂર આપજે.

યાદ કરતી તારી સખી અમી

 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.