“લિ. તારી પ્રિય સખી…!” ~ પત્રશ્રેણીઃ પત્ર ૩ ~ અમિતાને ~ લેખિકાઃ દિના છેલાવડા
પ્રિય અમી,
સખી, તારી આ વાત સાથે હું સહમત છું કે જિંદગીમાં ગુરુત્તત્વ પણ ખૂબ જ મહત્ત્વનું છે.
ગુરુ તે છે જે આપણને આધ્યાત્મિક વિકાસમાં મદદ કરે છે. જે અંધકારને દૂર કરી હૃદયના આંતરિક પ્રકાશને પ્રગટ કરે છે. હવે તું જ મને કહે, શ્રીકૃષ્ણથી મોટા ગુરુ બીજા હોઈ શકે ખરાં?
એટલે જ તો કહેવાયું છે કે: કૃષ્ણમ્ વંદે જગદગુરુમ્ ! શુદ્ધ અને સર્વશ્રેષ્ઠ પ્રેમ જો હોય તો તે કૃષ્ણનો પ્રેમ છે, આધ્યાત્મિક પ્રેમ છે. સખી કૃષ્ણ જ એક એવો ઈશ્વર છે જેને સખા અને પ્રિયતમથી લઈને આદર્શ ગુરુનું સ્થાન આપણે આપી શકીએ છીએ.
અમી, એમના જીવન દર્શન દ્વારા જ એમને મેનેજમેન્ટના મહાન ગુરુ આપણે કહી શકીએ.
સંબંધોનું મેનેજમેન્ટ, સ્ટ્રેટેજી, નિર્ણયશક્તિ, ઈમોશનલ અને સ્પીરીચ્યુઅલ બેલેન્સ, પરિસ્થિતિને કંટ્રોલ કરવાની શક્તિ, સહનશક્તિ, સામાજિક જવાબદારી અને દૂરંદેશીપણું.. અહાહા! કૃષ્ણએ કેટલું બધું એમના જીવન દ્વારા આપણને બખૂબી શીખવ્યું છે.
એક બીજી વાત કૃષ્ણની મને એ પણ ગમે કે એમણે હંમેશા સ્ત્રીના સન્માનનો સ્વીકાર કર્યો છે. તેથી જ તો રાધા અને મીરાંથી લઈને આજ સુધીની તમામ સ્ત્રીઓ એના પ્રેમમાં છે. મનમાં ગોપીભાવ જગાવતી કવિશ્રી વિવેક ટેલરની રચના મને અહીં યાદ આવી ગઈ.
“શ્યામ ! તારા રંગે રંગાઈ હું તો આખી,
પોતીકા રૂપની આયને ઊભીને હવે કઈ રીતે કરું હું ઝાંખી ?
કમખામાં, ઘાઘરીમાં, ઓઢણીમાં, આંખડીમાં,
આયખામાં જેટલાય સળ છે;
તારા જ દીધા સૌ વળ છે.
કિયા છેડેથી બાકી તેં રાખી ?”
અમી, આમ જોઉં તો શબ્દોમાં એના પ્રત્યેનો પ્રેમ વર્ણવવો ક્યાં સરળ છે! હા, મન મંદિરમાં તો અમારા બંને વચ્ચે કેટલાય સંવાદો રચાય. બસ, કૃષ્ણ અને હું.. ત્યાં બીજું કશું જ ના હોય. તને ખબર છે, એને હું કેટલી બધી અને કેવી કેવી વાતો કરું, પણ એ વાતો ખૂટે જ નહીં ! આ હૈયું એની સમક્ષ ઠલવાતું જ રહે અને પાછું ઉભરાતું જ રહે.
તને યાદ છે? મેં તને એક વખત કહેલું કે હું નાની હતી ત્યારે બાળકૃષ્ણ મારા સપનામાં આવ્યો હતો ?
અહાહા..! કેટલું સુંદર મનોહર એ દ્રશ્ય હતું સખી! શું મનોહર એ છબી, એ મીઠું મધુર સ્મિત, સંમોહનભરી આંખો, મેઘધનુષી મોરપિચ્છ, પીળું પીતાંબર ને અધર પર વાંસળી. હું તો એને જોતી જ રહી. હા, બસ એ મનોહર મુખડું નિહાળતી જ રહી.
આજે જ્યારે વિચારું ત્યારે મને થાય કે હું કેટલી ભાગ્યશાળી કે બચપણમાં જ મારા સપનામાં આવી એના બાળસ્વરૂપની મને ઝાંખી કરાવી. સખી બસ એ દિવસથી એની વાંસળીના સૂર મારા અંત:કરણમાં વહેતા જ રહે છે. જેમ જેમ એને જાણતી ગઈ તેમ તેમ એના પ્રત્યેનો પ્રેમ પણ વધતો જ ગયો. મારા માટે એ મારી એવી વસંત છે જેને ક્યારેય પાનખર જ ના હોય. રાતદિવસ એના ગીતો જ ગુંજતા હોય હૃદયમાં..
“ઓચિંતો શામળિયો સપને આવ્યો ને
મને વ્હાલમાં પૂછે, તું કેમ છે?
મેં તો કહ્યું તારી કૃપા અપાર ને
આનંદની રેલમછેલ છે…!”
સખી, રાત દિવસ એક ઝંખના મનમાં રહ્યાં કરે કે ફરી ક્યારે એ સપનામાં આવશે. સાચું કહું તને તો મને આજકાલ બધી જગ્યાએ એ નટખટ જ નજર આવે છે.
“પરોઢની ઉઘડતી ખીલતી એ કેસરી પાંપણમાં,
સોનેરી કિરણોમાં ચમકતા ઝાકળના તોરણમાં,
શતશત ગિરીશૃંગે વહેતા ઝરણાના ગુંજારવમાં,
આકાશમાં વિહરતા પંખીઓના એ કલરવમાં,
જ્યાં નજર કરું ત્યાં એના જ દર્શન થાય…!”
મારા અંતરમાં એની વાંસળીના સૂર એવા રેલાયને કે હું પણ એ સૂર પાછળ ખેંચાતી જ જાઉં. અરે મને તો આ મીઠા વહેતાં પવનનાં સૂસવાટામાં પણ ક્યારેક એનો જ સૂર સંભળાય છે. એ સાથે જ રાતે પૂનમના ખીલતા ચાંદમાં પણ એ જ દેખાય. પ્રકૃતિના કણેકણમાં એના હોવાની અનુભૂતિ આપણને સતત થયા જ કરે.
“અખિલ બ્રહ્માંડમાં ગુંજતા નાદના રણકારમાં,
વનવનમાં વદન હસવતી સરિતાના લયકારમાં,
વસંતમાં ખીલતાં રંગીન ફૂલોના વિલાસમાં,
મેઘધનુષમાં રચાતા સપ્તરંગી ઉજાસમાં,
મને તો બધે એના હોવાની અનુભૂતિ થાય..!”
મને ક્યારેક થાય કે બસ, શાશ્વત કાળ સુધી, આમ ઉષાના સાનિધ્યથી લઈ ટમટમતા તારલાની રઢિયાળી રાતમાં એની જ ઝાંખી કરતી રહું !
તેઓ સંસારમાં અને રાજકાજમાં રહેવા છતાં જળકમળવત્ રહ્યાં છે. આખું જીવન ઝરણાંની જેમ સતત વહેતાં જ રહ્યાં. બધું જ છોડીને સતત આગળ વધતાં જ ગયાં. છતાં પણ ક્યારેય કોઈ ફરિયાદ નહીં. અહીં એમના દ્વારા આપણને એ શીખવા મળે છે કે આપણે અનુકૂળ કે પ્રતિકૂળ કોઈ પણ પરિસ્થિતિમાં સુખી કે દુઃખી ના થવું જોઈએ. કારણકે, તેનાથી પ્રભાવિત થશું તો આપણે સંસારમાં ઉપર ઊઠી પરમ આનંદનો જે અનુભવ કરવાનો છે તે નહીં કરી શકીએ.
અમી, તેથી જ હું હંમેશાં એણે ચીંધેલા રાહ પર ચાલવાની કોશિશ કરતી રહું છું. જીવન સંધ્યાએ એ એક નામ મનમાં સતત ગુંજતું રહે.. રાત દિવસ બસ ગુંજતું જ રહે. તને આ બધી વાતો લખતાં લખતાં આજે આ શબ્દપ્રિયા જાણે કૃષ્ણપ્રિયા બની ગઈ છે. એના દર્શનની ઝંખના કરતી આ બે પંક્તિઓ સાથે અહીં વિરમું છું.
“દર્શનની ઝાંખી કરું તારા પ્રેમની બંધાણી,
હું તો તારા જ રંગમાં શ્યામ કેવી રંગાણી..!”
આ કૃષ્ણપ્રિયાએ કૃષ્ણના પ્રેમમાં પાગલ બની અંતરથી વહેતી લાગણીની આજે સરિતા વહાવી દીધી છે અહીં.. જે વાંચવી તને ગમશે જ એવું મારું મન કહે છે. મને જલદી પત્રમાં લખી જણાવજે..
લિ.
તારી સખી દિનાની સ્નેહભીની યાદ