ગોદાવરીના કિનારે પાંગરેલી કથા ‘નદીષ્ટ’નું આચમન ~ યોગેશ શાહ
ભગવાન રામે જટાયુના અંતિમ સંસ્કાર જે નદીના કાંઠે કર્યા હતાં તે ગોદાવરીની વાત કરવાનું કારણ છે આંખોને ભીંજવતું એક પુસ્તક.
મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના પૂર્વાધ્યક્ષ ડૉ. ઉર્વશી પંડ્યાએ કરેલો મરાઠી લેખક મનોજ બોરગાંવકરની નવલકથા “નદીષ્ટ”નો ગુજરાતી અનુવાદ.

કરીએ થોડુંક આચમન.
લેખક-કથાનાયકના મતે “નદી એટલે વિસ્તૃત ગર્ભાશય. માના ગર્ભથી કપાયેલી નાળ નદી સાથે જોડાઈ ગઈ.”
નદીકિનારે જ ઉછરેલાં પાત્રોનો જીવનપ્રવાહ ગોદાવરીના વહેણ સાથે જ વહેતો જાય છે, સતત. પણ જે સ્થાયી છે તે તેમાંનું નિહિત કરૂણ તત્વ. આવો ડૂબકી લગાવીએ.
અનાથ ‘દાદારાવ’ના મતે ગોદામાઈએ જ એમને ઉછેર્યાં છે. સિત્તેર વર્ષના અંતિમ પડાવે સગી માની ગોદ ન મળ્યાનો વસવસો સતાવે છે.
“માને રાત આખી ભીંત અડોઅડ ટેકવીને રાખેલી. કપાળે રૂપિયાનો સિક્કો ચોંટાડેલો.હું માના દૂધ માટે ખૂબ રડતો હતો”… વાચક પણ એવી જ પીડા અનુભવે છે.
‘પુરભાજી’ માછલીઓ પકડતો અને ડૂબતાંને બચાવતો. પણ એકવાર નજર સામે જ થતાં બળાત્કારને રોકી ન શક્યો. એ લાચારીની પીડામાં પોતાને પણ ગુનેગાર માનવા માંડે છે. ખરેખર, માનવમનનો તાગ નદીતળ જેટલો જ દુર્ગમ છે.
વળી એક બિલાડીનું અદ્રશ્યપાત્ર કેવી રીતે ‘ભીકાજી’ના જીવનને છિન્નભિન્ન કરી નાંખે છે, એના આલેખન માટે લેખકને દાદ આપવી જ રહી.
તૃતીય પંથીઓની પીડા મુખરિત થાય છે ‘સગુણા’માં. દાદાની સ્રૈણવૃત્તિ ગોદાવરીની જેમ જ એનામાં ઉછાળા મારી રહી છે. પણ એ સહજ સ્વીકાર કરી લે છે. કિન્નર બનેલી સગુણાના યૌનશોષણની વાત વાંચીએ ત્યારે વરવી વાસ્તવિકતા ડંખે કે નદીકિનારે ફક્ત પૂજાપાઠ જ નથી થતાં.
સગુણાની સાથી એના પ્રેમી સાથે દરેક શરીરસંબંધ પછી માલા-ડી નામની પિલ્સ લે છે તેના પરથી તેનું નામ જ ‘માલાડી’ પડી ગયું એ જાણી દુ:ખની વાતો વચ્ચે પણ મલકી જવાય છે. બીજા નાનાં-મોટાં પાત્રોની સાથે, પર્યાવરણ તરફના દુર્લક્ષની થતી પીડા દર્શાવતી ગોદાવરી સ્વયં પણ એક પાત્ર બની જાય છે.
જળની સહજતાથી સરતાં શબ્દો પરથી લાગે કે અનુવાદકે પાત્રોની અકથ લાગણીઓનો પણ મર્મસ્પર્શી અનુવાદ કર્યો છે. નાસિક ગયા વગર ઘરબેઠે દક્ષિણી ગંગાની, ‘નદીષ્ટ’ની તીર્થયાત્રા ઈષ્ટ તો ખરી જ.
બાય ધ વે, શીર્ષકમાં ગોદાવરી વાંચતા જ જો તમે “ગોદાવરી ફર્ટિલાઇઝર” કે “ગોદાવરી પાવર એન્ડ ઈસ્પાત”ના શેરનો ભાવ ચેક કર્યો હોય તો તમે ગુજરાતી પાક્કા.
~ યોગેશ શાહ
(સાભાર: ગુજરાતી મિડ-ડે)
પ્રકાશક: ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
https://gujaratsahityaacademy.com/user/product/prodetail/nadisht