વાર્તાકાર ઉમાશંકર જોશી ~ મિતા ગોર મેવાડા
ઉત્તર ગુજરાતના ખડકાળ પર્વતોમાંથી આવેલી હવાની એક મજબૂત લહેરખી એટલે ઉમાશંકર જોશી, જેમણે ભોમિયા વિના ડુંગરા ભમ્યા હતા અને સૂતાં ઝરણાને જગાડ્યું હતું.
ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ જો લખાય તો તેમાં આદરપૂર્વક એક પ્રકરણ ઉમાશંકર જોશીના નામનું ઉમેરવું જ પડે. કવિ, વાર્તાકાર, વિવેચક, વિચારક, તંત્રી, નિબંધકાર, અનુવાદક, કાર્યપુરુષ, સત્યાગ્રહી અને સમાજસેવક ઉમાશંકર જોશીને એક વ્યક્તિ નહીં પણ સંસ્થા કહી શકાય.

સાહિત્યના ક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર, જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના બે સાહિત્યકારો અને બંને પાછા સહાધ્યાયીઓ. એ એટલે ઉમાશંકર જોશી અને પન્નાલાલ પટેલ. આ ઉપરાંત પણ ઉમાશંકર જોશીએ લગભગ બધા જ સાહિત્યને લગતાં લબ્ધપ્રતિષ્ઠિત પુરસ્કારો મેળવ્યા છે.
સર્જનાત્મક અને ચિંતનાત્મક બંને પ્રકારનું સાહિત્ય એમણે વિપુલ પ્રમાણમાં સર્જ્યું છે. ગાંધીયુગ અને અનુગાંધીયુગ આ બંને યુગમાં પ્રસ્થાનકાર તેઓ રહી ચૂક્યા છે.
સમય બદલાય તેમ તેમ સમાજના પ્રશ્નો, સમસ્યાઓ, તેમને ઉકેલવાના અભિગમ, ધારણાઓ, ધોરણો બદલાતા રહે. તેને જોવાની, સમજવાની, આત્મસાત કરવાની અને સર્જનમાં અભિવ્યક્ત કરવાની જીવન દૃષ્ટિ જે સાહિત્યકારમાં હોય એ લાંબા સમય સુધી સર્જન કરી શકે અને એવું જ સર્જન કાલાતીત કે ટાઈમલેસ બની શકે. ઉમાશંકર આવા સાહિત્યકાર હતા.
ઉમાશંકર કવિતાના શિખરરૂપ ગણાય પણ વાર્તાકાર તરીકેનું તેમનું પ્રદાન પણ એટલું જ મૂલ્યવાન છે.
એમણે સર્જનની શરૂઆતના કાળમાં મોપાસા, આલ્બ્રાઇટ જેવા વિદેશી લેખકો, તેમજ રવીન્દ્રનાથ ટાગોર, શરદબાબુ, પ્રેમચંદ મુનશી જેવા પરભાષી લેખકોના સાહિત્યનું પરિશિલનયુક્ત વાંચન કર્યું હતું. છતાંય એમના સર્જન પર બીજા સાહિત્યકારોના અભિગમની કે અભિવ્યક્તિની કોઈ સીધી છાપ નથી પડી. ઉમાશંકર ઉમાશંકર જ રહ્યા છે.
આજે આપણે એમને વાર્તાકાર તરીકે સમજવાના છે. તેમના ત્રણ વાર્તા સંગ્રહો પ્રગટ થયા છે. “શ્રાવણી મેળો”,” ત્રણ અડધું બે અને બીજી વાર્તાઓ”, અને “અંતરાય”.

આ ત્રણ સંગ્રહમાંથી પસંદ થયેલી 19 વાર્તાઓ અને બીજી ત્રણેક નવી વાર્તાઓ ઉમેરીને “વિસામો” નામનો એક નવો વાર્તાસંગ્રહ પ્રગટ થયો છે જેમાં ઉમાશંકરની શ્રેષ્ઠ વાર્તાઓનો સમાવેશ છે. આ ઉપરાંત પ્રમાણમાં ઓછી લોકપ્રિય એવી એક નવલકથા “પારકા જણ્યા” પણ એમણે લખી છે.

તેમની વાર્તાઓમાંથી પસાર થતા વિષય અને રચનારીતિના વૈવિધ્યનો પરિચય થાય છે. એવું લાગે કે જીવનમાં બનતી ઘટનાઓને વિશિષ્ટ અભિગમથી આલેખવામાં આવી છે. એમની મને ગમતી થોડીક વાર્તાઓ વિશે જોઈએ.
૧. ગુજરીની ગોદડી
આ એમની પ્રથમ વાર્તા હતી. આ વાર્તામાં કોલેજમાં ભણતા સાવ સામાન્ય સ્થિતિના યુવાનોની આર્થિક વિટંબણાની સાથે સાથે સમાજમાં રહેલી આર્થિક વિષમતાની વાતને ઉમાશંકરે સિફતથી જોડી દીધી છે.
સમાજમાં રહેલી ગરીબીનું દારુણ વર્ણન કર્યું હોવા છતાં વાર્તા પથેટીક નથી લાગતી, કારણ કે કરુણતાને લેખકે હળવી શૈલીમાં વ્યક્ત કરી છે. જાણે કે આંખના આંસુને હસતા હસતા વહાવી દીધા છે. એટલે વાર્તા હૃદયને ભારરૂપ નથી લાગતી પણ મર્મભેદી તો બને જ છે.
પ્રથમ જ વાર્તા હોવા છતાં ઉમાશંકરનો ભાષાવૈભવ છલકાયા વગર નથી રહેતો. કેટલાક ઉદાહરણ જોઈએ તો,
“ઠંડીની એક તીખી ચમકારી વાગી”
“મિલનું ભૂંગળું કટાણે ચીસ પાડી ઊઠ્યું.”
“ઉતાવળે ઉતાવળે બહાર જતા પહેલા ઠંડી તમારા કાળજામાં કંઈક છુપી વાત કરી દે.”
“ઝાડના પાંદડા જરા બબડીને એકબીજામાં લપાઈ ગયા.”
“ધરતીની ચાદર ઓઢીને પડેલાની આના મનમાં કેટલી અદેખાઈ હશે.”
પ્રકૃતિના તત્વોમાં સજીવારોપણ થતા વાર્તા વધુ જીવંત બને છે.
૨. મારી ચંપાનો વર
“પેલા ભરચક લહરિયાળા વાળ એને મળ્યા હતા તે દિવસે એ જ વાળની એકએક લટે અનેક નિરાશ હૃદય ફાંસીની યાતના પામી ખલાસ થઈ ગયા હતા.”
વાર્તામાં રહેલું આ એક જ વાક્ય લેખકના સર્જક સામર્થ્યને પ્રગટ કરે છે. જાતિય આકર્ષણની દબાયેલી વૃતિઓ અને એકલાની વ્યથાની વાત વર્ણવતી આ વાર્તા માનવીય સંવેદનોને ઉજાગર કરે છે. જે સમયમાં આ વાર્તા લખાઈ છે તેના પરિપ્રેક્ષમાં વાર્તા બોલ્ડ કહી શકાય. શારીરિક આકર્ષણની વાત મુખર થવાને બદલે સહજ લાગે એ રીતે લેખકે કહી છે. ચરિત્ર ચિત્રણ ખૂબ જ ઉત્તમ કક્ષાનું થયેલું છે.
https://aapnuaangnu.com/2021/08/28/mari-champano-var-story-umashankar-joshi/
૩. લીલી વાડી
લીંબા પટેલના ખેતરમાં કરણ નામનો ભાગ્યો મહેનત કરીને આંબા પર મ્હોર લાવે છે. આવું વાડીનું એક પ્રતીક લઈને લીંબા પટેલની ઉંમરમાં નાની પત્ની ગલાબડીના જીવનમાં કરણ પ્રત્યે આકર્ષણ જન્મે છે એની સંદર્ભ કથા ચાલે છે. લીલીવાડી એ હકીકતમાં ગલાબડીના જીવતરની કથા થઈ જાય છે. પ્રયોગાત્મક વાર્તા તરીકે સફળ થયેલી આ વાર્તા ઘણી નોંધપાત્ર બની હતી.
ઉમાશંકરે વાર્તાઓ ઓછી લખી પણ આછી નથી લખી. વાર્તાઓ ઘટનાપ્રધાન, ચરિત્રપ્રધાન હોવા છતાં સ્થૂળ નથી બનતી કારણ કે વાર્તાકારે એમાં કલાત્મક સૂક્ષ્મ નકશીકામ પણ કરેલું છે.
ઉમાશંકર જોશીની વાર્તાઓમાં ભાષાની તાજગી, મૌલિકતા અને સચ્ચાઈની પ્રતીતિ થતી હોવાથી આજે પણ આ વાર્તાઓ પ્રાસંગિક લાગે છે.
~ મિતા ગોર મેવાડા
mitamewada47@gmail.com
વાહ… ઉત્તમ આસ્વાદ કરાવ્યો 🙏