“લિ. તારી પ્રિય સખી…!” ~ પત્રશ્રેણીઃ પત્ર ૨ નો પ્રત્યુત્તર ~ દિનાને ~ લેખિકાઃ અમિતા શુક્લ
વ્હાલી દિના,
તારી જિંદગી ઉત્સવ જેવી છે એ વાત ખરેખર મને બહુ ગમી. કોરી પાટી લઈને આવ્યાં હતાં. તેમાં રંગો ભરી ઉત્સવ મનાવવો, શું એ દરેકના મનની વાત નથી? જિંદગી એક અણમોલ સફર સમજી ખેડવી જોઈએ. હું પણ માનું છું કે જિંદગી મેળો છે. તેને ઉત્સાહથી ઉજવવી જોઈએ. આ જિંદગી આપણને વારંવાર મળતી નથી.
જિંદગી જીવવા માટે હકારાત્મક બનવું પડતું હોય છે. મારું મન છે. હું મનની માલિક છું. હું તન અને મનથી સ્વસ્થ છું. હું પ્રસન્નચિત્ત રહું છું. જિંદગીને સારી રીતે જીવવા માટે પોતાની જાતને આ વાક્યો વારેવારે કહેવા પડે છે અને એની સાથે જાતને અપડેટ રાખવી પડે છે. એનો અર્થ એ નથી કે જીવનમાં વિપરીત સંજોગો આવતાં મનમાં નકારાત્મકતા નહીં પ્રવેશે. પણ એ પ્રવેશ કરે એ પહેલાં જ્યારે મનનાં બારણે ટકોરા મારે ત્યારે મનનું બારણું ખૂલી ન જાય એની તકેદારી રાખવી જ રહી.
ક્યારેક રાતમાં પૂનમની ચાંદની ચમકતી રહેતી હોય છે. ક્યારેક ઘોર અમાસની જેમ રાત ભેંકાર લાગે છે. સમયનાં વહેવા સાથે અંધકારને ચીરતો પ્રકાશમય સૂર્ય ઉદય પામે છે ત્યારે અજવાળું અજવાળું થઈ જાય છે. બસ, આવા અજવાળાથી જિંદગી ભરી દેવાની હામ રાખવાની હોય છે. જેમ સૂરજ તિમિરને ઉલેચીને પ્રકાશ પાથરે છે, એમ જ ક્યારેક મનમાં દુઃખ કે દર્દનો અંધકાર છવાય ત્યારે મનમાં હકારત્મકતા અને સ્વીકૃતતાનો પ્રકાશ પાથરી લેવો. કેમ સખી, સાચું કહ્યુંને?
તને સાચું કહું તો જિંદગીમાં ગુરુત્તત્વ પણ એટલું જ મહત્ત્વનું છે. સાચો ગુરુ મળી જાય તો પરમાત્મા સાથે મુલાકાત થઈ જાય. ગુરુ અંધકારમાં પ્રકાશનું કિરણ બતાવે છે. હાથ પકડીને સપનાંની સીડી ચડાવે છે. સપનાં સાચા પડે ત્યારે હકીકતમાં જિંદગી જીવ્યા હોય એવું લાગે. સપનાં ચકનાચૂર થાય ત્યારે આપણને જિંદગી ભ્રમ ભરેલી લાગતી હોય છે.
તને ખબર છે સખી કે વિવેકાનંદ સાચા ગુરૂ શોધતા હતાં? બહુ પ્રયત્ન કરવાં છતાં તેમને ગુરૂ મળતાં નહોતાં. એકવાર તેઓ રામકૃષ્ણ પરમહંસને મળ્યાં. તેમની સાથે ખૂબ વાતો કરી પછી તેમને લાગ્યું કે આ મારા ગુરુ છે. વિવેકાનંદ એક સાચા યોગી હતાં. ગુરુ પણ સારા નસીબ હોય તો મળે છે. સારા સંસ્કારોનું ભાથું ગુરૂ પાસેથી જ બંધાય છે.
જીવનમાં સંસ્કારોનું ભાથું બાંધેલું હોય તો વ્યક્તિની પીછેહઠ કયારેય થતી નથી. તે પોતાની સૂઝબૂઝથી માર્ગ બનાવી શકે છે અને પોતાની જાત પર આત્મવિશ્વાસ ભરપૂર હોય છે જે સારું જીવન વ્યતિત કરવા ઉપયોગી બને છે. સંસ્કારોનું સંસ્કરણ પણ માતા-પિતા અને ગુરુ થકી થાય ત્યારે જ માણસને માન આપતાં અને લેતાં આવડે છે.
તેં કહ્યું તેમ, જીવનથી મૃત્યુ સુધીની આ એક સફર છે. જેમાં સોળ પ્રકારના સંસ્કાર અપાતા હોય છે. મા ગર્ભ ધારણ કરે ત્યારે ગર્ભસંસ્કાર અપાય છે અને મૃત્યુ થાય ત્યારે મૃત્યુસંસ્કાર અપાય છે. તે દરમિયાન જીવનમાં વચ્ચે વચ્ચે સંસ્કારોની વિધિ થતી રહેતી હોય છે. આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક (સાયન્ટિફિક) બંને રીતે સંસ્કારની વિધિ જરૂરી હોય છે.
જ્યારથી જીવન મળ્યું ત્યારથી શ્વાસ સાથે અનુસંધાન થયું છે. આ શ્વાસોમાં શ્વસતી જિંદગી જીવવા જેવી બને છે ત્યારે પળેપળ ઉત્સવની જેમ ઉજવાય છે. પણ, કપરા સમયે જિંદગીમાં પળેપળે મરીએ નહીં, એ બહુ જરૂરી છે. શ્વાસ કિંમતી છે. પણ સંઘરીને રાખી શકાતો નથી. શ્વાસ એક છોડીએ તો જ બીજો મળે, શ્વાસની આવન જાવનથી તો જીવન છે. પણ હા, હર શ્વાસની વચ્ચેની એકાદ ક્ષણ શ્વાસ વગરની હોય છે, પણ આપણે તે મહેસુસ કરી શકતા નથી કારણ બે શ્વાસ વચ્ચેનું અનુસંધાન રચાયેલું હોય છે. અનુસંધાન મજબૂત હોવાથી ક્ષણેક વારની શ્વાસ વિનાની એકાદ સેકંડનો અહેસાસ થતો નથી. હર શ્વાસે ઈશ્વર સ્મરણ હોય તો મરણ વખતે પણ જિંદગી ખુશખુશાલ જ રહે છે.
દેહ મળ્યો છે તો સબંધો પણ મળવાનાં છે. માતા- પિતા સાથેનું જન્મ સમયનું પહેલું અનુસંધાન કહેવાય, પછી સંબંધોનો દોર ચાલુ થાય ભાઈ બહેનોથી પોતાના સંતાનો અને એના સંતાનો. આમ ત્રણ થી ચાર પેઢીઓ સુધીના સબંધો અનંતની યાત્રા સુધી ચાલે…
જિંદગીને બધાં સાથે જોડતાં જઈએ, જેમ આપણે બંને સખીઓ અત્યારે એકબીજાને પત્ર લખી આપણા મનમાં ચાલતા વિચારોને અભિવ્યક્ત કરી એકબીજાને જોડીએ છીએ. ચાલ હવે હું જિંદગીના બીજા પરિબળો સાથે અનુસંધાન કરી વળતાં પત્રમાં એ અનુભવ તને કહીશ.
તને યાદ કરતી રહેતી
તારી સખી અમી