“લિ. તારી પ્રિય સખી…!” ~ પત્રશ્રેણીઃ પત્ર ૨ ~ અમિતાને ~ લેખિકાઃ દિના છેલાવડા

વ્હાલી અમી,

વાહ સખી વાહ.. પ્રકૃતિની રઝળપાટ એટલે ‘આનંદમ્ આનંદમ્’. તેં મારા મનની વાત કહી. મને પણ ખૂબ જ ગમે પ્રકૃતિ સાથે રહેવું અને તેની સાથે વાતો કરવી. તને તો ખબર જ છે કે પ્રકૃતિની સફર એટલે મારા માટે પણ ‘આનંદમ્’ જ હોય. પ્રકૃતિની સુંદરતાને માણતી હું મારા કલ્પનાના આકાશમાં સદા વિહરતી રહું છું. જે રીતે સફરમાં મન ખુશીઓના ગીત ગણગણે છે. એ રીતે આ જીવન સફરમાં પણ દરેક પરિસ્થિતિમાં કેમ એવું નહીં થતું હોય! આમ તો આ જિંદગી એટલે જીવનથી મૃત્યુ સુધીની એક સફર જ કહેવાયને સખી.

આ સુંદર સુહાની સફરમાં જિંદગી સાથે સતત સંવાદ કરતા રહેવું કેટલું જરૂરી છે, નહીં? તને ખબર છે ને કે એ આપણાથી રીસાઈ જાય ત્યારે તેને પ્રિયતમની માફક મનાવતા પણ આપણને આવડવું જોઈએ ખરુંને? સુખ હોય કે દુઃખ ઈશ્વરે આપેલી સુંદર ભેટ એવી જિંદગીને હંમેશા ચાહતા રહેવું આપણને બંનેને ખૂબ ગમે છે એનો મને આનંદ છે.

“એ જિંદગી… હું તને પ્રેમ કરું છું, ખૂબ જ પ્રેમ કરું છું.
કારણ તું મને મારી સખી જેટલી જ બહુ વ્હાલી છે.”

અમી, હું મારી લાગણી અહીં અભિવ્યક્ત કરી જણાવું તો જિંદગી સાથેના સંપૂર્ણ પ્રેમને હું મારા જીવનની સૌથી મોટી અમીરાત માનું છું. એનામાં એવું આકર્ષણ છે જે મને એનાથી દૂર જવા જ નથી દેતી. એટલે જ એ મને જીવવા જેવી લાગે છે, પ્રેમથી ભરપૂર રસતરબોળ! મારા આ ધબકતા શ્વાસમાં સુગંધ ભરી દેતી ક્ષણ એટલે જિંદગી.

પ્રભાતનું પહેલું કિરણ પડે અને પંખીઓના મધુર કલરવ સાથે એ મારામાં સુરજનો લાલચટ્ટક રંગ ભરીને મને એના રંગમાં રંગી દે છે. હું એ રંગોમાં ખીલી ઉઠું છું. સખી, એના પર આપણો એટલો તો અધિકાર છે જ કે આપણે પણ આપણા રંગ અને પીંછીથી મનગમતો રંગ પૂરી સુખ હોય કે દુઃખ એને થોડી રંગીન બનાવતા રહીએ.

આમ જોવા જઈએ તો જિંદગી રંગોનો ઉત્સવ જ છે ને? એ હંમેશા રંગ બદલતી રહે છે. દરેક વખતે એ રંગો ભરેલી જ નથી હોતી. ક્યારેક રંગવિહીન એટલે કે બ્લેક એન્ડ વ્હાઈટ પણ થઈ જાય છે. ક્યારેક એ નદી જેવી શાંત ધીરગંભીર વહેતી હોય છે. ક્યારેક પહાડોમાં વહેતાં ઝરણાં જેવી ખળખળ તો ક્યારેક સમુદ્રના મોજા જેવી ઊછળતી કૂદતી વહેતી હોય છે.

“જો સમજણ હોય તો શૃંગાર છે જિંદગી !
જો સમર્પણ હોય તો સ્વર્ગ છે જિંદગી !”

આ જિંદગી એનું અદ્ભુત સૌંદર્ય સતત બદલતી રહે છે, નહીં? એકસરખું રહેવું એને ક્યાં પસંદ આવે છે? રોજ નવા રૂપે એ તારી ને મારી સામે પ્રગટ થતી રહે છે. ક્યારેક આશ્ચર્ય તો ક્યારેક આંચકો આપતી જ રહે છે. મને એવું લાગે કે આ જિંદગી છે ને ગુજરાતી વર્ણમાલાના ‘ક’ ના કલમથી લઈને ‘જ્ઞ’ ના જ્ઞાન સુધી વિસ્તરતી જતી સમજણ છે. માણીએ તો ખુશી ને ના માણીએ તો ઉદાસી.

અમી, આ જિંદગી દરેક વખતે આપણી ઈચ્છા પ્રમાણે ચાલતી નથી હોતી. ક્યારેક ગંગાના ખળખળ વહેતા વહેણની જેમ પરમ શાંતિમાં વીતે છે તો ક્યારેક, ઉબડખાબડ  રસ્તા પર ઠોકરો ખાતાં વીતે છે પણ “યહી હૈ જિંદગી!” ઈશ્વરે આપણને જેવી આપી છે એ પ્રમાણે કોઈ જ અફસોસ વગર આપણે એને શણગારવાની હોય છે. શ્વાસની સિતારના સૂરો રણઝણતા રહે અને દરેક ધબકાર લયબદ્ધ બની ઝૂમી ઉઠે એ માટે એને ફાગણના ગુલમહોરી રંગે રંગી દરેક પળને ઉજવતા આપણે શીખવાનું છે. આ જિંદગીનો માળો મેઘધનુષી રંગે રંગાયેલો છે. સાત સૂરો અને સાત રંગોથી રંગાયેલી જિંદગી જીવવી એ પણ એક કળા છે.

તને ખબર છે આપણા મનુ ભગવાને કહ્યું છે કે, “જીવન એક સંગ્રામ છે, એક યજ્ઞ છે, એક સાગર છે. જખમો વિના સંગ્રામ હોઈ શકે નહીં,  જ્વાળા વિના યજ્ઞ હોઈ શકે નહીં અને તોફાન વિના સાગર હોઈ શકે નહીં.” આ બધાને હસતે મુખે આવકારનાર વ્યક્તિ જ જીવનને સાચા અર્થમાં સમજી શકી જીવનનું સૌંદર્ય નિખારે છે.

અમી, સૌંદર્ય શબ્દ પરથી અહીં મને મેં વાંચેલી રસ્કિન બોન્ડની વાત યાદ આવે છે. એમણે કહેલું છે. “સૌંદર્યનો પાઠ માત્ર કલા જ શીખવે છે. કલા અને સૌંદર્યને સીધો સંબંધ છે. જ્યાં કલા હોય ત્યાં સહેજે સૌંદર્ય આવી વસે છે. જેમજેમ કલા ખીલતી જાય તેમતેમ તે સૌંદર્યપાન કરાવતી જાય અને સાથે સાથે મનને આનંદિત રાખે છે.” કેટલી સાચી વાત કહી છે. આપણને પણ જીવન જીવવાની કલા હસ્તગત હોય તો આપણા જીવનમાં સૌંદર્ય અપાર રહેવાનું જ છે. કલાત્મક રીતે જીવવાની આવડત સખી બધા પાસે નથી હોતી. તને ખબર જ છે કે ઘણાં બધાં લોકો ફક્ત જીવવા ખાતર જીવતા હોય છે. તેઓ જીવન જીવે તો છે પરંતુ જીવનના રસ અને આનંદથી વંચિત રહી જાય છે.

જેમ કે અત્યારે ચાલી રહેલું રશિયા અને યુક્રેનનું યુદ્ધ, ઈઝરાઈલ અને પેલેસ્ટાઈનનું યુદ્ધ -આ જોતાં મનમાં એક સવાલ એ પણ થાય છે કે જિંદગીને શાંતિથી માણવાની વાત તેઓ શું ખરેખર ભૂલી ગયા છે? તેઓની માનવતા શું મરી પરવારી હશે? જિંદગીમાં પોતાની પાસે જે છે, એમાં માણસને સંતોષ નથી એટલે બીજાની પાસેનું છીનવી લેવાની ઈચ્છા બળવત્તર બનતી જાય છે. એટલે જ જિંદગીમાં શાંતિ એ શમણું અને યુદ્ધ એ વાસ્તવિકતા બનતી જાય છે. આ બધું જોઈને સખી, આપણે ઈશ્વરને એક જ પ્રાર્થના કરીએ કે વિશ્વમાં શાંતિ બની રહે.

અમી, ફરી આપણી જિંદગીની વાત પર આવું તો આપણે જિંદગીને ખૂબ જ પ્રેમ કરતાં હોવા છતાં ક્યારેક જવાબદારીઓના બોજથી થાકી જતાં હોઈએ છીએ. અહીં સકારાત્મક વલણ અપનાવી આપણે આશા અને અરમાનોથી સતત થનગનતા રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. એને હંમેશા પ્રેમથી નિહાળતાં રહેવું આપણને બંનેને ગમે છે એનો મને આનંદ છે. એણે આપણને અઢળક પ્રેમ આપ્યો છે અને એણે જે આપ્યું છે તેનો આપણે આભાર વ્યક્ત કરવો જ જોઈએ બરાબરને સખી? આ બાબતે તારું શું કહેવું છે? તારા વિચારો પણ મને જણાવજે.

હવે વધારે બીજું કંઈ ન લખતાં અહીં વિરમું છું. લવ યુ જિંદગી…! ચાલ ત્યારે અત્યારે આ ઢળતા સૂરજને સંગ સંધ્યાના રંગોમાં ડૂબકી લગાવી જિંદગીને થોડી માણી લઉં. કાલની કોને ખબર છે..

જિંદગી એક સફર હૈ સુહાના
યહાં કલ કયા હો કિસને જાના..

લિ. તારી સખી દિનાની સ્નેહભીની યાદ

*************

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment