ગઝલ પંચવટી ~ મોના નાયક, ‘ઊર્મિ’
(૧)
પ્રથમ ખૂલ્લી આંખે એ સપના ગણે છે,
પછી સ્વપ્નમાં આવી ચૂંટી ખણે છે.
આ માણસ અજાયબ ને અવળુ ભણે છે,
ફસલને નહીં, વાવણીને લણે છે.
નથી હોશ એને કે ગૂંગળાઈ જાશે…
એ બારી વિનાની ઈમારત ચણે છે.
વચન આપીને પણ ક્યાં આવે છે એ, સૈં !
છતાંયે સતત પગરવો રણઝણે છે.
વિના કારણે પહેલા વિખરાઈ જાશે,
પછી એ સમેટીને ખુદને વણે છે.
ગજબનું નગર છે, ગજબના છે માણસ,
જે અંતરનાં સગપણને વળગણ ગણે છે!
લખે છે, ભૂંસે છે, ફરીથી લખે છે…
આ રીતે એ મનનાં તમસને હણે છે.
ઘડીભરમાં સ્થાપે, ઘડીમાં ઊથાપે,
સતત મારી ઊર્મિઓ સમરાંગણે છે.
– મોના નાયક ‘ઊર્મિ’
—–
(૨)
આજનો અંધાર જો, રળિયાત છે !
આપણી વચ્ચે શું કોઈ વાત છે?
ક્યાં ગયો લય, જે હતો હર શબ્દમાં?
દિલમાં મારા એ જ ઉલ્કાપાત છે.
એ ધધખતું રણ લઈને આવશે,
એ સ્મરણ છે, એ જ એની જાત છે.
એટલું સહેલું નથી, જીવન તો એક
યુદ્ધ છે, ને એના કોઠા સાત છે.
કેમ તું ચર્ચાય છે, હોવાપણું?
તું નથી ને તોયે તું સાક્ષાત છે.
ક્યાં લગી એ પાળશે નિઃસ્તબ્ધતા ?
‘ઊર્મિ’ની તાસીર ઝંઝાવાત છે.
-મોના નાયક ‘ઊર્મિ’
——-
(૩)
માન્યતાને એક સરહદ જોઈએ,
રૂઢતાને પણ નિયંત્રણ જોઈએ.
શક્ય ક્યાં છે અહીં પરિત્યાગી થવું !
ત્યાગનું પણ એક વળગણ જોઈએ.
પ્રેમ, સમજણ કે પછી હો જીન્દગી…
સાવ નટખટ એક બચપણ જોઈએ.
હા, યુવાની થોડી ઉન્મદ જોઈએ…
પણ હો માનદ, એવું ઘડપણ જોઈએ.
જોઈએ, ઈચ્છા યે અઢળક જોઈએ,
પણ કદી અનહદની પણ હદ જોઈએ !
એક સરખી હોય ના ભરતી, સખા !
‘ઊર્મિ’ની પણ ક્યાંક વધઘટ જોઈએ…
-મોના નાયક ‘ઊર્મિ’ (૨૬ મે, ૨૦૦૯)
—–
(૪)
અવિરત અજંપો કરાવે ઉમળકો,
તને શું કદી એવો આવે ઉમળકો?
કંઈ કેટલા ભવ તરાવે ઉમળકો,
પછી તારી આંખે ડૂબાવે ઉમળકો.
ભલે સાવ નીરસ કે હો નિરુત્સાહિત
કદી એમને પણ સતાવે ઉમળકો.
સખા, પ્રેમ હોવો ન-હોવા બરાબર,
ઉભયને જો ના થનગનાવે ઉમળકો.
તને કેમ સ્પર્શે નહીં એ જરાયે ?
મને તો સદા લથબથાવે ઉમળકો.
હૃદયની એક ‘ઊર્મિ’ને છૂટ્ટી મૂકો- ને
જુઓ, કેમ કાબુ ગુમાવે ઉમળકો !
– મોના નાયક ‘ઊર્મિ’ (જાન્યુ. 25-28, 2013)
——
(૫)
જુઓ, માંગણી એ કરે છે મજાની…
“કરું તો કરું માંગણી હું ગજાની!”
થયો છે ગુન્હો જ્યારથી એક સુંદર,
કરે છે પ્રતિક્ષા એ સુંદર સજાની…
તરજ વેણુએ છેડી’તી કૈંક એવી,
ન પૂછો શું હાલત થઈ કાળજાની…
શરીરે નહીં, ક્રાંતિ થઈ ગઈ સમજમાં
ને કાયાપલટ થૈ ગઈ કુબજાની…
આ શેની અસર છે નિરંતર ગઝલમાં
પડી ટેવ ‘ઊર્મિ’ને પણ આવજાની…?
– મોના નાયક ‘ઊર્મિ’ (4/30/2012)
Vaaah