કોરો કાગળ ~ કાવ્ય ~ લતા હિરાણી
સાવ કોરો કાગળ જોઇએ મારે
ને એમાં મારું સ્થાન
મારી દિશા
હું જ નક્કી કરું
લીટીઓ દોરી આપે કોઈ
મારા રસ્તાની
એ વાત મને મૂળે જ અસ્વીકાર્ય
મારા શબ્દોને
કોઈ કહે એમ ખસવાનું
એટલું જ ઉતરવાનું કે ચડવાનું
મને મંજુર નથી
એક પણ અક્ષર સીધી લીટી જેવો નથી
એક એક અક્ષર નોખો
એક એક માનવી અનોખો
પર્વત, શિખર, નદી, ઝરણાં, તરણાં
ઇશ્વરે એને ક્યાંય લીટીઓથી બાંધ્યા નથી
હું એટલે
મારામાં વહેતું ઝરણું
મારામાં ઉગતું તરણું
ને એમાંથી પ્રગટતા શબ્દો…
~ લતા હિરાણી
પહેલો પ્રેમ, પહેલું બાળક, પહેલી કવિતા, વાર્તા કે ચિત્ર અથવા પહેલું ગાયેલું ગીત, – આ બધાંનો રોમાંચ કાયમ છેલ્લા શ્વાસ સુધી હ્રદયમાં વસે છે. આપણાં જાણીતા સાહિત્યકાર આદરણીય શ્રી લતાબહેન હિરાણી એમની સૌ પહેલી કવિતા અને પોતાની અંતરના એક ખૂણામાં રાખેલી મહામૂલી સ્મરણમંજૂષામાંથી એ અનુભવના મોતીના ઝબકારા આપણી સાથે વહેંચી રહ્યાં છે.
લતાબહેનની આ પહેલી કવિતા 20-22 વર્ષની વયે ડાયરીમાં લખાઈ. એના પછી છેક 1998માં એ અખંડ આનંદમાં છપાઈ. આ કવિતા વિશે શ્રી નલિનીબહેન માડગાંવકરે ‘મુંબઈ સમાચાર’માં 3.1.2006ના રોજ લેખ કરેલો (એ ખાસ્સો લાંબો છે એટલે એમણે મોકલ્યો નથી ) અને આ કવિતાને શ્રી સુમન શાહની સરસ નોંધ પણ મળી. એ નાનકડી છે પણ આપ સહુ વાચકોને સરળતાથી એ નોટ પણ વાંચવા મળે એટલે કવયિત્રીએ એને સુલભ કરી છે.
લતાબહેનનાં કાવ્ય ‘કોરો કાગળ’ માટે વિદ્વાન સાહિત્યકાર શ્રી સુમન શાહની તન્ત્રીનોંધ : (સાહિત્યિક સંરસન 3)
૧ : સાવ કોરો કાગળ જોઈએ મારે –
“કાવ્યકથકે વાત કોરા કાગળની માંડી પણ તેમાં એણે પોતાના સ્થાન અને પોતાની દિશા પોતે જ નક્કી ક૨વાનો સંકલ્પ ઉચ્ચાર્યો એટલે એ વાત ફંટાઈને કવિતાના પ્રદેશમાં પ્રવેશી ગઈ. કેમકે કાગળમાં સ્થાન કે દિશા મેળવીને એ થોડો બેસી રહેવાનો’તો? એના ‘કાગળ’ શબ્દનો વાચ્યાર્થ ન રહ્યો, એ કશાકને સૂચવનારો બની રહ્યો, જેને પ્રતીક કહેવાનો આપણે ત્યાં રિવાજ છે. ૨ચનામાં જ્યાંજ્યાં શબ્દાર્થને, મુખ્યાર્થને, તાળું વસાયેલું લાગે, પ્રતીક નામની ચાવી લગાડવાથી ખૂલી જતું લાગશે, જેમકે, ‘લીટીઓ દોરી આપે કોઈ’ -માં ‘લીટીઓ’; મારા રસ્તાની એ વાત’-માં ‘રસ્તો’. ‘એક પણ અક્ષર સીધી લીટી જેવો નથી’ માં ‘અક્ષર’. એ પ્રકારે ભાવક હવે ખસવું’ ‘ચડવું’ ‘ઊતરવું’ ક્રિયાપદોને, ’ઝરણુ’ ‘તરણું’ શબ્દોને અને સમગ્ર રચનાને પણ કાવ્યાર્થની રીતેભાતે ઘટાવશે. સાહિત્યકૃતિની કલાને પામવા શબ્દોને જોતાં-સમજતાં શીખવાનું હોય છે, ભલેને એ કૃતિ શબ્દોની જ બની કેમ નથી!”
આદરણીય વિદ્વાન સાહિત્યકાર શ્રી સુમન શાહના આ શબ્દો, આજે સમયની એરણ પર પણ કેટલા સાચા પડ્યા છે? એમનાં સાહિત્યક્ષેત્રે કરેલાં પ્રદાને એટલી પ્રતીતિ ચોક્કસ કરાવી દીધી કે તાજગીસભર નવો શબ્દ અને વાચ્યાર્થ લઈને આવેલા લતાબહેન ગુજરાતી સાહિત્યમાં પોતાની આગવી કેડી કંડારીને ભાષાને સતત સમૃદ્ધ અને સબળ કરતાં રહ્યાં છે.
ખૂબ ખૂબ આનંદ જયશ્રીબહેન.. ખૂબ ગમ્યું.
લતા હિરાણી
kavyavishva.com