શરણાગત ~ મૈથિલી વાર્તા ~ મૂળ લેખકઃ શ્રી પ્રદીપ બિહારી ~ અનુવાદઃ ગિરિમા ઘારેખાન

[ અત્યારે વિશ્વના જુદા જુદા દેશોમાંથી બીજા દેશના વસાહતીઓને પાછા મોકલી દેવાનો રાજકીય અને સાથે જનતાનો અભિગમ પણ જોરશોરથી ચાલી રહ્યો છે. ભૂતાનમાં વસતા નેપાળના નાગરિકો વિરુદ્ધ એવો જ જુવાળ ૧૯૯૦ થી ૧૯૯૨ ની વચ્ચે ભૂતાનમાં ચાલુ થયો હતો અને એનો વિરોધ કરનાર નેપાળીઓએ સામુહિક હત્યા, લૂંટફાટ, સ્ત્રીઓ ઉપર અત્યાચાર વગેરેનો ભોગ બનવું પડ્યું હતું. [ જેવું વિશ્વમાં હમેશા બનતું હોય છે અને બનતું રહેશે.] આવા નાગરિકોને મૂળ દેશ પણ જલદી સ્વીકારતો નથી હોતો અને એ લોકો ‘શરણાર્થી’ બનીને રહી જાય છે. એ સમયની એવી એક હ્રદયદ્રાવક વાત આ મૂળ મૈથિલી ભાષામાં લખાયેલી વાર્તામાં વણી લેવામાં આવી છે.]

શરણાગત

બસમાં બેઠેલા બધાં મુસાફરોના મનમાં ભય વ્યાપી ગયો. એવું જ લાગતું હતું કે જાણે હમણાં બસ સડક ઉપરથી નીચે ખાઈમાં જતી રહેશે. બધાનાં હૃદય ઉપર મૃત્યુના વિચારની તલવાર લટકવા માંડી. સારા નસીબે એવું કંઈ થયું નહીં. ડ્રાઈવર હોશિયાર હતો. મુસાફરોના જીવમાં જીવ આવ્યો.

બસનું બેલેન્સ ખોરવાયું ત્યારે પોતાનું બેલેન્સ રાખવાના પ્રયત્નમાં યાત્રીઓ એક બીજા સાથે અથડાયાં. સૂતેલા લોકોની ઊંઘ ઊડી ગઈ. ગાયત્રી પણ સફાળી જાગી ગઈ. એને તો શું થયું એની ખબર જ ન હતી. એણે પ્રશ્નસૂચક દ્રષ્ટિથી પોતાના પતિ સામે જોયું.

‘બસ હમણાં ખીણમાં ખાબકવાની હતી. બધાની આયુષ્યરેખા બળવાન હશે એટલે બચી ગયાં.’ પતિએ જણાવ્યું.

જો કે પતિની આ વાત સાંભળીને ગાયત્રીની ચિંતાની રેખાઓ જરા પણ ઓછી ના થઈ. એણે બસની વચ્ચેની ચાલવાની જગ્યા ઉપર સૂતેલી પોતાની દીકરી તરફ નજર નાખી. એની દ્રષ્ટિ એવી હતી જાણે એ દીકરીને પરિસ્થિતિ સમજાવવાનો પ્રયત્ન કરી રહી હોય. પણ આ સૂતેલું શરીર એની દીકરી છે કે એની લાશ?

ગાયત્રીનો પતિ એના મનોભાવો સમજી ગયો. એણે ગાયત્રીનું ટેન્શન ઓછું કરવાનો પ્રયત્ન કર્યો, ‘ના ના, એને કશું નથી થયું. એ તો એકદમ બરાબર છે.’ પછી સહેજ શ્વાસ લઈને બોલ્યો, ‘એને કંઈ નહીં થાય. તારી સાડી ફાડીને એનો ટુકડો એના ઘા ઉપર બાંધી દીધો છે. તું પોતે બીમાર છે, સૂવાનો પ્રયત્ન કર.’

ગાયત્રી પર આ શબ્દોની પણ કોઈ અસર ના થઈ. એણે માત્ર પતિ તરફ જોઈ લીધું.

બહેનના એ નાજુક શરીર પાસે બેઠેલો ગાયત્રીનો બાર- તેર વર્ષનો દીકરો પણ માની ચિંતા સમજી ગયો હોય એમ બોલ્યો, ‘દીદી બરાબર જ છે. હું જોઉં છું ને એને! તું થોડી વાર સૂઈ જા.’

જો કે એ સાંભળીને પણ ગાયત્રીની ધીરજ તો ના જ રહી.  એ અચાનક  ચીસો પાડવા માંડી. એને શાંત કરવા માટે પતિ એને સમજાવવા માંડ્યો. ગાયત્રી થોડી શાંત થઈ, પછી ધીરે ધીરે બોલવા માંડી, ‘આવ્યો, જુઓ, જુઓ, પેલો રાક્ષસ આવી ગયો. દાગીના બાગીના સંતાડી દે, શાંતા. ના, ના, તું એકલી નહીં લડી શકે. જે લઈ જતા હોય એ બધું લઈ જવા દે. તું તારી જાતને બચાવ.’

એનો અવાજ ધીરે ધીરે ધીમો થવા લાગ્યો.

સામેની સીટ ઉપર બેઠેલો મુસાફર બોલ્યો, ‘ભાગ્યા હશો ત્યારનું દ્રશ્ય યાદ આવી ગયું લાગે છે.’

એની બાજુમાં બેઠેલો માણસ બોલ્યો ‘અરે એ વખતનું તો કંઈ પૂછશો જ નહીં. મારા પિતાજીને તો મારી મારીને ઉપર પહોંચાડી દીધા. બિચારા ઘરમાં જ મરી ગયા. પછી અમને એમને જોવા પણ ન દીધા. ખેંચી ખેંચીને બસ સ્ટેન્ડ ઉપર લાવીને મૂકી દીધા.’

‘બધું લેવાનો લોભ કરવા રહ્યાં હશે.’ ત્રીજો કોઈ બોલ્યો, ‘અમે તો બસ, જીવ બચાવીને ભાગી જ નીકળ્યાં. મારા ઘરમાંય આવ્યા તો હતા, પણ મેં તો કહી દીધું કે મારપીટ ના કરતા. જે જોઈએ એ બધું જ લઈ જાઓ. આખું ઘર એમને સોંપીને નીકળી જ ગયા. અમને ભાથુંય ન લેવા દીધું ને!’

‘વર્ષોની કમાણી- -, એવું લાગે જાણે કોઈએ હૃદય ચીરી નાખ્યું હોય.’ એક મુસાફર બોલતે બોલતે એકદમ ચૂપ થઈ ગયો.

એક થોડો ઘેલા જેવો લાગતો એક પ્રૌઢ માણસ બોલ્યો, ‘જેની મિલકત લૂંટાઈ, જેનો જીવ ગયો, એને  આ બધાં વિચાર આવે. હું તો ખાખી બાવા જેવો. મારે માટે તો જેવું ભૂતાન એવું જ નેપાળ. જેવો ભૂતાનમાં હતો, એવો જ નેપાલમાં – અસુરક્ષિત.’

‘એવું કેમ બોલો છો, ભાઈ?’

‘તે શું નેપાળ સરકારે આમંત્રણ આપ્યું છે કે ત્યાં જાઓ છો?’

‘કેમ નહીં? પોતાનો દેશ તો પોતાનો જ, ભાઈ.’

‘કાલ સુધી તો નેપાળને પોતાનો દેશ ન’તા માનતા.! આજે માથે આફત આવી પડી એટલે એ પોતાનો દેશ થઈ ગયો?’

‘આપણા ખરાબ સમયમાં જે આશરો આપે એ આપણું.’

‘હા, હા, ચાલો, નેપાળ સરકારે તો આપણા માટે શીરો પૂરી બનાવી રાખ્યાં છે. જલદી ચાલો, ઠંડા થઈ જશે.’

એ સાંભળીને લોકોને હસવું આવી ગયું.

એક બીજી સ્ત્રી કહેતી હતી, ‘હવે જરા જીવ ઠર્યો. જયારે બસમાં લાવીને ભર્યા હતાં ત્યારે તો લાગતું હતું કે દુર્ગંધથી જાણે આંતરડા બહાર નીકળી આવશે. હવે એ ગંધ ક્યાં ગઈ?’ પછી સહેજ અટકીને એણે પૂછ્યું, ‘એટલી વાસ શેની આવતી હતી?’

‘અહીં બધાં પ્રદેશના માણસો ભરાયાં છે એને લીધે. ચોથા ભાગના માણસો તો ભૂતાનના એવા પર્વતીય પ્રદેશોમાંથી આવે છે જ્યાં લોકો દિવસો સુધી પાણીને સ્પર્શતા પણ નથી. એમના શરીરમાંથી એ વાસ આવતી હશે.’

‘અરેરે ! નેપાળમાં એ લોકો સાથે જ રહેવું પડશે?

તો બીજે ક્યાં રહેશો? તડકો બાળી નાખે કે વરસાદ ભીંજવી નાખે, રહેવું તો પડશે જ ને!

સ્ત્રી થથરી ગઈ. પછી જાણે જાતને આશ્વાસન આપતી હોય એમ બોલી, ‘હું તો થોડા વિદ્યાર્થીઓને શોધી કાઢીશ. એમને ટ્યુશન આપીને થોડું ઘણું તો કમાઈ લઈશ.’

પેલા ઘેલાથી જાણે એ સહન ન થયું. એણે કહ્યું, ‘આંગળીની થાપટો જેવી કુલા ઉપર પડે એવી તબલા ઉપર ના પડે.’

‘એટલે? સ્ત્રીએ પૂછ્યું.

’ચુપ રહે.’ બીજો પુરુષ બરાડ્યો. પછી એણે કહ્યું, ‘ગાંડા જે બોલે એમાં કંઈ અર્થ થોડો હોય?’

ફરી એક વાર ગાયત્રીની ચીસો સંભળાવા માંડી. એ બોલતી હતી, ‘શાંતા! શાંતા! હું ના પાડતી’તી કે વિરોધ ના કર. તું એકલી આ લોકોને જીતી ના શકે.’ પછી ધીમા અવાજમાં બબડવા માંડી, ‘આ છોકરી નાનપણથી જ બહુ જિદ્દી છે. કહેતી હતી કે હું તો મોટી થઈને ભૂતાનની સેનાપતિ બનીશ. લો, બનો- – -’

એના દીકરાએ ટકોર કરી, ’એવું કેમ બોલે છે, મમ્મી? દીદીને કંઈ નથી થયું. એ એકદમ બરાબર છે.’

પતિ ફરીથી સમજાવવા મંડ્યો, ‘તારી તબિયત નથી સારી. તું થોડીક વાર માટે સૂઈ જા.’

ડૂસકાં ભરતી ગાયત્રીએ પતિને પૂછ્યું, ‘શાંતા ભૂતાનની સેનાપતિ બનશે ને?’

પતિ પહેલા તો ચૂપ રહ્યો. પછી બોલ્યો, ‘હા, હા. બનશે જ. તું થોડી વાર સૂઈ જા. હવે આપણે પહોંચવામાં જ છીએ.’

ગાયત્રી ખડખડાટ હસવા લાગી. ‘પ્રોફેસર, આજે તમે ફરીથી જુઠ્ઠું બોલ્યા ને? તમે તો મને વચન આપ્યું હતું કે તમે ક્યારેય મારી પાસે જુઠ્ઠું નહીં બોલો.’

ગાયત્રીનો પતિ શાંત બેસી રહ્યો. ગાયત્રીનું અટ્ટહાસ્ય સાંભળીને બીજા મુસાફરો એની તરફ જોવા માંડ્યા હતા. એને લીધે એના દીકરો સંકોચ અનુભવતો હતો. માનો હાથ પકડીને એ બોલ્યો, ‘મમ્મી, આપણે થાક્યાં છીએ, હાર્યાં નથી. થોડો આરામ કરીને પાછા ઊભા થઈ જઈશું.’

પ્રોફેસરે પત્નીની સામે જોયું અને બોલ્યો, ‘સોરી.’

એ જ વખતે બસ ઊભી રહી. અંદર બેઠેલા મુસાફરો સાવધ થઈ ગયા. સામે પણ એક બસ ઊભી રહી હતી. બંને બસના ડ્રાઈવર વાતો કરતાં હતા.

‘ક્યાં સુધી મૂકી આવ્યા?’

‘કાંકડભિઠ્ઠા, નેપાળ બોર્ડર સુધી.’

‘પછી ત્યાંથી?’

‘સાંભળ્યું છે કે એ લોકો માઈ નદીના કિનારા સુધી તો પહોંચાડી દે છે.’

બસ ચાલવા માંડી. પેલા ઘેલાએ એ સંવાદ સાંભળ્યો. માઈ નદી ! પવિત્ર અને પૂજનીય નદી ! વર્ષમાં એક વાર, દુર્ગાપૂજાના દિવસોમાં, ત્યાં મોટો મેળો ભરાય છે. એણે મોટેથી બોલીને જાહેરાત કરી, ‘સાંભળો ભાઈઓ, આપણે માઈ નદીના કિનારે રહેવાનું છે.’

માઈનું નામ સાંભળતાં જ ઘણા નત મસ્તક થયાં. અમુક જણાએ પ્રણામ કરતાં હોય એમ બે હાથ જોડ્યાં.

એક સ્ત્રીએ એક પુરુષને પૂછ્યું, ‘એ જ માઈ નદી ને જ્યાં દિલકુમારી ઉત્પ્રેતી પોતાના દીકરા માટે વ્રત રાખવા આવી હતી?’

જવાબ પેલા ઘેલાએ આપી દીધો, ‘હા બહેન, એ જ.’

સ્ત્રી ચૂપ થઈ ગઈ. બસે ભારતની સીમા પાર કરી લીધી હતી અને નેપાળની ‘મેચી’ નદીના પુલ ઉપર પહોંચી ગઈ હતી.

આ પુલ પૂરો થશે પછી કાંકડભિઠ્ઠા આવી જશે. પેલા ઘેલા માણસે ઘોષણા કરી. મુસાફરો ઊંચા નીચા થવા માંડ્યા.

કાંકડભિઠ્ઠા આવ્યું એટલે બસ ઊભી રહી. બીજા મુસાફરોની સાથે ગાયત્રી પણ નીચે ઊતરી. એમણે શાંતાને પણ ઊતારી. ગાયત્રી શાંતા સામે જ જોઈ રહી હતી. એના શરીરમાં કોઈ જ હલન-ચલન ન હતું,   કંઈ જ નહીં.

પ્રોફેસર સમજી ગયા. એમણે પોતાના દીકરાને ઈશારો કર્યો. અત્યારે એની ધીરજની પણ પરીક્ષા થઈ રહી હતી.

એ જ વખતે ત્યાં ઊભી રહેલી એક વ્યક્તિએ જાહેરાત કરી, ‘સરકારી નિયમો અનુસાર બહારથી આવવા વાળા બધાં માણસોએ લોહીની તપાસ કરાવવી જરૂરી છે. એટલે લાઈનસર બધાં મેલેરિયા તપાસ કેન્દ્રમાં જાઓ અને ત્યાં પોતાનું સરનામું લખાવીને નમૂનાનું લોહી આપી દો.’

થોડાક માણસો એ કેન્દ્ર તરફ આગળ વધ્યા. પેલા ઘેલાએ પ્રોફેસરને પૂછ્યું, ‘પ્રોફેસર સાહેબ, આ લાશને ક્યાં લઈ જશો?’

આ સાંભળીને ગાયત્રી ચોંકી ગઈ. એણે પૂછ્યું, ‘આ શું કહે છે? શાંતાને શું થયું છે?’

દીકરાએ માને આશ્વાસન આપ્યું, ‘કંઈ નહીં, મા, કંઈ નથી થયું.’

હવે પ્રોફેસરે કંઇક નિર્ણય લઈ લીધો. બે ચાર લોકોની મદદ લઈને એમણે શાંતાની લાશ ઊપાડી અને મેચી નદી તરફ જવા માંડ્યા.

ગાયત્રી બૂમો પાડવા માંડી, ‘ક્યાં લઈ જાઓ છો—, મારી શાંતાને ક્યાં લઈ જાઓ છો?’

ઘેલાએ પાછા ફરીને ગાયત્રી તરફ જોયું અને બોલ્યો, ‘ભૂતાન.’

ગાયત્રી પણ સાથે જવા માંગતી હતી, પણ દીકરાએ એની સાડીનો છેડો ઝાલીને એને અટકાવી દીધી, ‘મા, તું ક્યાં જઈશ? દીદીને ભૂતાન લઈ જાય છે. પપ્પા એને ભૂતાનની ગાડીમાં બેસાડીને પાછા આવી જશે.’

એ જ વખતે એક વ્યક્તિએ આવીને સૂચના આપી કે ‘મેલેરિયા કાર્યાલયના કર્મચારી હવે કોઈના  લોહીની તપાસ કરશે નહીં, કારણ કે ભૂતાનથી આવેલા માણસો કોઈ વાયરસ લઈને આવ્યા છે. એનો ચેપ લાગવાથી એમનો એક કર્મચારી મરી ગયો.’

માઈ નદી સુધી જવાવાળી બસ તૈયાર હતી. ઊતરેલા મુસાફરોને સભ્યતાથી એમાં બેસાડવામાં આવતા હતા. ગાયત્રી અને એનો દીકરો પ્રોફેસરની રાહ જોઇને ઊભાં રહ્યાં હતાં.

એક નેતા જેવો લાગતો માણસ ડ્રાઈવરને કહેતો હતો, ‘આ લોકોને જલદી અહીંથી લઈ જાઓ. થોડી વધારે વાર અહીં રોકાશે તો આખા ગામમાં ગંધ ગંધ થઈ જશે.’

કોકે એને ટોક્યો, ‘તમે આ શું બોલો છો? તમારી પાર્ટી તો ગરીબોના અધિકાર માટે અને ઉદ્ધાર માટે લડે છે, તો પછી- – ’

એને અધવચ્ચે જ અટકાવીને પેલાએ જવાબ આપ્યો, ‘તમને આ બધી સમજણ ના પડે. શરીર સલામત રહેશે તો પાર્ટી રહેશે ને? આ સરકારે કારણ વગરની આ ઉપાધિ વહોરી લીધી છે. આ સત્તારૂઢ પાર્ટી પરોપકાર કરવા નીકળી છે, પણ આજ મુદ્દે સત્તા ગુમાવી દેશે. હું તો કહું છું, હજી હમણાં તો તમારું મંત્રી મંડળ બન્યું છે. દેશમાં પહેલેથી જ કેટલીય સમસ્યાઓ છે, એના ઉપર – – ’, પછી વાક્ય અધૂરું મૂકીને પાછો ડ્રાઈવરને કહેવા માંડ્યો, ‘શું થયું ? બસ ચાલુ કરો.’

પ્રોફેસર અને એની સાથેના માણસો પાછાં આવી ગયા હતાં. એમને જોઇને ગાયત્રી પતિને પૂછવા માંડી, ‘શું થયું? બસમાં બરાબર બેસાડી દીધી ને? જગ્યા મળી ગઈ?’

દુ:ખને અંદર દબાવીને બેઠેલા પ્રોફેસરના મોંમાંથી એક જ શબ્દ નીકળ્યો, ‘હા.’

બધાં બસમાં ગોઠવાઈ ગયાં. નિર્ધારિત સ્થળ ઉપર પહોંચ્યા પછી તો ત્યાંના માણસો પ્રોફેસરને સારા   લાગ્યાં.

પ્લાસ્ટીકનું છાપરું ઢાંકેલી ઝૂંપડીઓમાં અડધા મૂએલા હોય એવા માણસો રહેતા હતા.

દરેક કુટુંબને એક એક ઝૂંપડી ફાળવવામાં આવી. વ્યક્તિ દીઠ એક ટંકના અઢીસો ગ્રામ ચોખાના હિસાબે સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ તરફથી એક અઠવાડિયાનું રેશન આપવામાં આવ્યું. પથ્થરના બનેલા ચૂલા ઉપર જંગલમાંથી લાકડાં લાવીને રાંધવાનું હતું.

પેલો પાગલ રોજ પ્રોફેસરને મળતો હતો. બે ચાર દિવસ પછી પ્રોફેસરે પૂછ્યું, ‘તમને અહીં કેવું લાગે છે?’

‘એના ઉપર તો કંઈ ટીપ્પણી નહીં આપું, પણ એક વાત તો છે- – ’

‘શું?’

‘અહીં આવેલા બધાં એક જ ધર્મ અને એક જ જાતિના હોય એવું લાગે છે.’

હજી તો અઠવાડિયું પણ થયું ન હતું અને નવાજૂની થવા માંડી. પહાડ ઉપરથી આવેલા માણસો આ મેદાન પ્રદેશમાં ગોઠવાઈ શકતાં ન હતાં. લોકો બીમાર થઈ થઈને મરવા માંડ્યા હતાં.

સરકાર દ્વારા ચિકિત્સાકેન્દ્રો ચાલુ કરવામાં આવ્યા. સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓ આવ્યા અને દવાઓની વહેંચણી ચાલુ થઈ. જો કે આ બધું બે-ત્રણ દિવસ જ ચાલ્યું. એ પછી એ લોકો ગુમ થઈ ગયા.

એ લોકોના સાંભળવામાં આવ્યું કે એમના સંસર્ગમાં આવવાના કારણે સ્વાસ્થ્ય વિભાગનો એક કર્મચારી પણ મરી ગયો હતો.

પ્રોફેસરના છોકરાએ કહ્યું, ‘સારું જ થયું. જો ડોક્ટર આવ્યા હોત તો આપણને બરાબર તપાસત, આપણી તકલીફ સાંભળત અને સમજી પણ શકત. આ કમ્પાઉંડર અને સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓને એમાં શું સમજણ પડે?’

પેલા ઘેલાથી રહેવાયું નહીં. એણે કહ્યું, ‘તમે એટલું તો સમજો ભાઈ! જ્યાંનો કમ્પાઉંડર આવો નાજુક હોય  ત્યાંના ડોક્ટર કેવા નાજુક નબળાં હશે? આપણે વાયરસ લઈને આવ્યા છીએ એ સાંભળીને જ કદાચ મરી જાય !’

છોકરાથી ગુસ્સામાં મુઠ્ઠી બંધ થઈ ગઈ. એ ખોંખારીને રસ્તા ઉપર થૂંક્યો. એને જોઈને પેલો પાગલ વિચારવા માંડ્યો, ‘જે વિધાર્થીને સ્કૂલ લઈ જવા માટે રોજ વિદ્યાલયથી કાર આવતી હતી, એ હવે સ્કૂલ પણ નથી જઈ શકતો ! છોકરો તો કેટલો હોંશિયાર છે! એ દિવસે કહેતો હતો કે માઈ નદીના કિનારે રહેનારા લોકોએ હવે પોતાના માનવઅધિકારો માટે લડાઈ લડવી પડશે.

પ્રોફેસર વિચારતા હતા – ‘આઠ મહિના પસાર થઈ ગયા છે. આ દરમ્યાન ઘણા લોકો આવ્યા, મર્યાં અને માઈ નદીની લહેરોમાં સમાઈ ગયા. લોકો સામે બહુ બધાં પ્રશ્નો હતાં. જેની જિજીવિષા ઓછી થતી જતી હતી એ લોકો મૃત્યુની નજીક જલદી પહોંચતા જતા હતા.

રાજમાર્ગની બે બાજુ વસી ગયેલા આ સમાજની ભાળ કોઈ રાખતું ન હતું. ત્યાંથી બસ પસાર થતી તો અંદર બેઠેલા માણસો નાક બંધ કરી દેતા અથવા બસની બારીઓ બંધ કરી દેતાં. ગામની અંદર જવાનો તો પ્રશ્ન જ ઊભો થતો ન હતો.

એક દિવસ ત્યાં થોડા પોલીસ અને પત્રકારો આવ્યા હતા. પોલીસને જોઇને ગાયત્રીની આંખો ચમકી અને એને પકડવા દોડી. પોલીસ માંડ માંડ એનાથી દૂર ભાગ્યો. પ્રોફેસરે પત્નીને પકડી રાખી. ગાયત્રીએ પોલીસને પૂછ્યું, “તમે પોસ્ટમેન છો ને? મારી શાંતાનો કાગળ લાવ્યા છો?”

પોલીસ કંઈ સમજ્યો નહીં. એની આંખોમાં પ્રશ્ન હતો.

ગાયત્રીએ આગળ ચલાવ્યું, “સાચું કહું છું. શાંતા, મારી દીકરી શાંતા ! ભૂતાનની સેનાપતિ શાંતા –“

હવે દીકરાએ માને સાચવી લીધી, “મમ્મી, જતી વખતે દીદીએ એવું કહ્યું હતું કે મા ને કહેજો કે મારા કાગળની રાહ ના જુએ. હું કાગળ નહીં લખું, રૂબરૂ જ આવી જઈશ.”

શાંત થયેલી ગાયત્રીએ પોલીસને કહ્યું, ‘સોરી પોસ્ટમેન, જાઓ, બીજા જેના કાગળ હોય એમને પહોંચાડી દો.”

ગાયત્રી પોતાની ઝૂંપડીમાં જતી રહી. પેલો ઘેલો જોરજોરથી હસવા માંડ્યો. એણે કહ્યું, “તમે લોકો અહીં બધાની સમસ્યાઓ અંગે જાણવા આવ્યા છો ને? જો તમારી પાસે આંખો હશે તો અહીંની તકલીફો જોઈ શકશો, પણ- – “

એને વચ્ચેથી અટકાવીને એક પત્રકારે પૂછ્યું, “આ શાંતા- – “

“હા, એ આ સ્ત્રીની જુવાનજોધ દીકરી હતી. બી એ પાસ. ભૂતાનની સેનાપતિ બનવા માંગતી હતી. જે રાત્રે પેલા રાક્ષસોએ આ લોકોને તગેડી મૂકયાં ત્યારે એકલી શાંતાએ જ એમનો વિરોધ કર્યો અને લડતી રહી. પણ–’ એ બોલતે બોલતે થોડી વાર ચૂપ થઈ ગયો, એક ઊંડો શ્વાસ લીધો અને પછી આગળ ચલાવ્યું, “એવી જગ્યાએ છરો માર્યો કે—“

“ક્યાં?”

“ગુપ્તાંગમાં.” પાગલ બોલ્યો, “મારપીટ અને લૂંટફાટ તો કરી જ. ઘણી સ્ત્રીઓની ઈજ્જત લૂંટી અને અરેરાટી થઈ જાય એ રીતે ઘાયલ કરી. કેટલાંય લોકોએ જીવ ગુમાવ્યો.”

“અને શાંતા?”

“એને અમે લોકો ઉપાડીને લઈ આવ્યા. કાંકડભિઠ્ઠામાં નીચે પણ ઊતારી. પણ ત્યાં સુધીમાં તો એ ઉપર પહોંચી ગઈ હતી. ઉપાડીને લઈ ગયા અને મેચીના પુલ ઉપરથી ફેંકીને નદીની ધારા સાથે વહાવી દીધી.”

થોડીક વાર માટે ત્યાં શાંતિનું સામ્રાજ્ય વ્યાપી ગયું.

બીજા પત્રકારે પૂછ્યું, “તમારો પરિચય?”

“મારું શું? હું તો ભૂતાનમાં જે હતો એ અહીં નેપાળમાં પણ છું- ઘરબાર વિનાનો, વણઝારા જેવો.’ વિકૃત લાગે એવું હાસ્ય કરતાં એણે જવાબ આપ્યો. પછી બોલ્યો, “ચાલો, હવે બીજા પ્રકારના માણસો સાથે તમારી મુલાકાત કરાવું.”

બધાં એની પાછળ પાછળ ચાલ્યા.

એક ઝૂંપડીની બહાર બેઠેલી એક સ્ત્રીને ઉદ્દેશીને એ બોલ્યો, ‘તું તો બસમાં ડીંગ મારતી હતી ને કે હું તો ત્યાં ટ્યુશન કરીને કમાઈ લઈશ ! એનું શું થયું?

‘અરે કોઈ બારણા સુધી પણ નથી જવા દેતા. લોકો કહે છે કે આ તો ચેપી રોગવાળી છે અને દૂરથી જ પથ્થર ફેંકવા માંડે છે. મને લાગે છે કે હું નક્કામી અહીં આવી. એના કરતાં ત્યાં જ એમણે મારી નાખી હોત તો સારું હતું.’

એ જ વખતે એક માણસ દોડતો ત્યાં આવ્યો અને પેલા ઘેલાને કહ્યું, “પ્રોફેસરના દીકરાને કંઈ થઈ ગયું છે.”

બધાં એમની ઝૂંપડી તરફ દોડ્યા.

પ્રોફેસરે પોતાના દીકરાને મજબૂતાઈથી જકડી રાખ્યો હતો. છોકરાનું શરીર સીધું અને કડક થઈ રહ્યું હતું. લોકો લાચારીથી જોતાં રહ્યાં. પિતાની બધી આશાઓનો ભાંગીને ભુક્કો કરતું છોકરાનું શરીર એમની  પકડમાંથી છૂટવા માંગી રહ્યું હોય એવું લાગતું હતું. અંતમાં એનું શરીર શાંત થઈ ગયું, એકદમ શાંત.

ગાયત્રી છાતી કૂટવા માંડી. બીજી સ્ત્રીઓ એને સાંત્વના આપવાનો પ્રયત્ન કરતી હતી, “ધીરજ રાખો ગાયત્રીબેન. શાંતિ રાખો. દીકરાને કંઈ નથી થયું.”

ગાયત્રીએ આંખોથી પ્રોફેસરને પ્રશ્ન પૂછ્યો. પ્રોફેસર અસમંજસમાં હતો. એણે કૈંક બોલવા માટે મોં ખોલ્યું પણ એને રોકતી ગાયત્રી બોલી ઊઠી, “જુઓ, જુઠ્ઠું ના બોલતા.”

પ્રોફેસરે મોં સીવી લીધું. ગાયત્રી ફરીથી રોવા લાગી. સ્ત્રીઓ એને વીંટળાઈ વળી હતી.

પ્રોફેસરે પેલા ઘેલા સામે જોયું. બંનેની આંખોએ વાત કરી લીધી. એક હૃદયદ્રાવક નિસાસો નાખતો પ્રોફેસર ઊઠ્યો. બંનેએ મળીને છોકરાને ઊંચક્યો અને માઈ નદીના પુલ તરફ ચાલવા માંડ્યા.

પ્રોફેસરને ડર હતો કે ફરીથી ગાયત્રી એમ તો નહીં પૂછે ને કે “મારા દીકરાને ક્યાં લઈ જાઓ છો?”

શાંતા વખતે તો છોકરાએ જ જવાબ આપી દીધો હતો.

પણ ગાયત્રીએ કશું જ ન પૂછ્યું. એ માત્ર એકીટસે એમને જતાં જોઈ રહી.

[રચનાકાલ ૧૯૯૨ ]

 

 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.