અધ્યાત્મ અને ધર્મ (ચિંતન લેખ) ~ અમી ભાયાણી
અધ્યાત્મ અને ધર્મ. શું આ બન્ને વચ્ચે કોઈ સંબંધ છે? શું દરેક ધાર્મિક વ્યક્તિ આધ્યાત્મિક હોય છે? અથવા તો દરેક આધ્યાત્મિક વ્યક્તિ ધાર્મિક હોવી જ જોઈએ? આ પ્રશ્નોના જવાબો મેળવવા માટે આપણે સૌ પ્રથમ તો આ બન્ને શબ્દોને મૂળથી સમજવા પડે.
ધર્મ એટલે ધારણ કરવું. એટલે કે જેને દરેક જણે ધારણ કરવું જોઈએ – જેમ કે અહિંસા, ન્યાય, કર્તવ્ય, સદાચરણ, સદગુણ. આ લક્ષણોને જીવનમાં કઈ રીતે ઉતારવા, પરંપરાગત ધાર્મિક ગ્રંથોમાં સૂચવેલ નીતિ-નિયમોનું જીવનમાં ચુસ્તપણે કઈ રીતે પાલન કરવું, જેવી વાતોનું પથ-દર્શન કરાવે એ ધર્મ.

સામાન્ય માન્યતા મુજબ નિયમિત દેવ-દર્શને જાય, દાન-ધર્માદો કરે, પૂજા-પાઠ કરે અને પોથી-પુરાણના નિયમોનું પાલન કરે એ વ્યક્તિ ધાર્મિક. આમ ધર્મ એ કોઈ એક ચોક્કસ પરંપરામાં માનવાવાળા લોકોનો સમૂહ છે. કહેવાય છે કે ધર્મ માણસને સાચા અર્થમાં માણસ બનાવે છે. ધર્મ એ બાહ્યાચરણ છે.

આધ્યાત્મિકતાનો સંબંધ સીધો આત્મા સાથે હોય છે. બાહ્યાચારણ અને ભૌતિકવાદથી વિપરીત એવું અધ્યાત્મ આત્માને પરમાત્મા સાથે જોડતી એક કડી છે. પોતાની જાતથી ઉપર પરમ શક્તિનું અસ્તિત્વ છે અને પોતે એનો એક અંશ છે એ વિશેની સતત જાગૃતિ એટલે આધ્યાત્મિકતા.
ભૌતિક ઇન્દ્રિયોની પરે અનુભવાતો એક અવર્ણનીય આનંદ એટલે આધ્યાત્મિકતા. દુનિયાદારી નિભાવવાની સાથે, ઈશ્વરનાં માર્ગદર્શન હેઠળ એની કૃપાની અવિરત ધારા સાથે સતત વહેતા રહેવું એટલે અધ્યાત્મ.
દરેક માણસની ભીતર અધ્યાત્મનું બીજ ધરબાયેલું હોય છે. આ બીજને જો જ્ઞાનરૂપી સૂર્યપ્રકાશ અને ભક્તિરૂપી ખાતર-પાણી મળી રહે તો કાળાંતરે એ બીજ અંકુરિત થઈ ધીમે ધીમે વટવૃક્ષ બની મહોરી ઊઠે છે અન્યથા એ સૂકાઈ જાય છે. જ્ઞાન અને ભક્તિ એક જ સિક્કાની બે બાજુઓ છે.

ભક્તિ એટલે સંપૂર્ણ શરણાગતિ. જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે, ઈશ્વર પ્રત્યેની આસ્થા જરા પણ ડગે નહીં એ સાચી ભક્તિ. કહેવાય છે કે અંધભક્તિ ન હોવી જોઈએ. પણ મારું માનવું છે કે ભક્તિ અંધ જ હોય. એમાં શા માટે, કેવી રીતે, કે કોઈ પ્રકારના કિંતુ-પરંતુને સ્થાન નથી. આવી ભક્તિ હતી મીરાબાઈ અને નરસિંહ મહેતાની.
![]()
આવા ભક્તો માટે ઈશ્વર જ એમના ગુરુ! એમના કૃષ્ણએ જ એમની ભીતર જ્ઞાનની સરવાણી વહેતી મૂકી જેમાં આકંઠ ભીંજાઈને, એ પ્રવાહ સાથે વહી જઈ તેઓ ભવસાગર પાર કરી ગયા.
જ્ઞાન પ્રાપ્તિના ઘણા બધા સ્રોત હોઈ શકે. જેમ કે ધાર્મિક ગ્રંથોનું વાંચન અને મનન, સત્સંગ, સ્વાધ્યાય, ધ્યાન, વગેરે…. પરંતુ આ બધામાં સિદ્ધ ગુરુનું માર્ગદર્શન અને એમની કૃપાદૃષ્ટિનું સ્થાન સૌથી ઉપર છે. કબીર કહી ગયા તેમ,

गुरु गोविंद दोऊ खड़े, काके लागूं पाय,
बलिहारी गुरु आपने, गोविन्द दियो बताय।
*
यह तन विष की बेलरी, गुरु अमृत की खान,
सीस दिए से गुरु मिले, वो भी सस्ता जान।
પરંતુ, કોઈ સિદ્ધ ગુરુ ન મળે ત્યાં સુધી શું આધ્યાત્મિક માર્ગ પર ચાલી ન શકાય? કોઈ વ્યક્તિ જે નિર્વાણ ન પામી હોય અથવા તો જેને બોધિસત્વની પ્રાપ્તિ ન થઈ હોય એવી વ્યક્તિ પાસેથી પણ જીવનનું ગહન જ્ઞાન પામી શકાય. ભગવાન બુદ્ધ કહી ગયા તેમ, તારો ગુરુ તું જ થા. તારી કેડી તું કંડાર.
आत्म दीपो भव: આ સિદ્ધાંત અપનાવીને ગૌતમ બુદ્ધત્વ પામી ગયા.
ભગવાન દત્તાત્રેયે પોતાની આસપાસની દુનિયાના પાંચ તત્ત્વો અને વિવિધ પશુ-પક્ષીઓને પોતાના ગુરુ બનાવીને મોક્ષની પ્રાપ્તિ કરી.

કોઈ કહેશે કે, એ તો બધા મહાન આત્માઓ હતા. આપણે રહ્યાં પામર જીવ. પરંતુ આ મહાન આત્માઓનાં જીવન જ આપણા જેવા સામાન્ય માનવીઓ માટે દૃષ્ટાંત રૂપ સાબિત થઈ અગાધ જ્ઞાનનો સ્રોત બની શકે.
આ જનમમાં સાચા ગુરુની પ્રાપ્તિ થઈ જાય તો એના જેવું સૌભાગ્ય બીજુ શું હોઈ શકે? પરંતુ કોઈ સિદ્ધ ગુરુ ન મળે તો સાચો જ્ઞાનપીપાસુ જ્યાંથી પણ સાચું જ્ઞાન મળે ત્યાંથી લેવા માટે તત્પર હોય.
જે રીતે પૃથ્વીનું પેટાળ ફાડીને, કોઈ ખડકાળ જમીનમાંથી તૃણાંકુરો ફૂટી નીકળે એ રીતે સાચો સાધક, જેની અંદર ઈશ્વર પામવા માટેની અગન પીપાસા છે, એ પોતાની તૃષ્ણા છીપાવવા માટે ક્યાંકથી પણ ગુરુ શોધી જ કાઢે છે.

કોઈ નહીં તો છેવટે, પરમ પિતા પરમેશ્વરને પોતાનો ગુરુ માની અધ્યાત્મના માર્ગે આગળ ધપતો રહે છે. અને ઈશ્વર કરતા મહાન ગુરુ આ વિશ્વમાં મળવો મુશ્કેલ જ નહીં, અસંભવ છે.
સત્યવચન અને સાચું જ્ઞાન સૂર્યપ્રકાશ જેવું છે. એક સજ્જડ બંધ ઓરડાની બારીની જરા જેટલી ફાંટમાંથી સૂરજનાં થોડાંક કિરણો પણ પ્રવેશી જાય તો અંધકારનું સામ્રાજ્ય નાશ પામે છે. એ પ્રકાશ બારીની ફાંટમાંથી પ્રવેશે છે કે દરવાજામાંથી, એ મહત્વનું નથી. અંધકાર દૂર થવો એ મહત્વનું છે.

એ જ રીતે સત્ય કોઈના પણ મુખે કહેવાય કે કોઈ પણ રીતે એનો ઉઘાડ થાય, એનો ઝળહળતો પ્રકાશ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરે જ છે. જરૂર હોય છે માત્ર આંખો ખુલ્લી રાખવાની.
શરૂઆતમાં સત્યના ઝળહળતા પ્રકાશથી આંખો અંજાઈ જાય છે. પરંતુ ધીમે ધીમે એની ટેવ પડવા લાગે છે. એક વાર સત્યનો પ્રકાશ જોઈ ગયેલી આંખો હવે અજ્ઞાનરૂપી અંધકારના પડળો દૂર કરવા સતત પ્રયત્નશીલ રહે છે. આધ્યાત્મિક વ્યક્તિ ધર્મની વાડાબંધીને અતિક્રમીને બધાં જ બંધનોથી મુક્ત થઈ સત્યની શોધમાં નીકળી પડે છે.

આમ સ્વની ખોજ માટે અધ્યાત્મની જરૂર છે, જે ભક્તિ અને જ્ઞાનનો સંગમ છે અને સમાજમાં, જીવનમાં એક સારા માણસ તરીકે જીવવા માટે ધર્મનો આધાર જરૂરી છે.
~ અમી ભાયાણી
amisalil@gmail.com
અતિશય સચોટ અભિવ્યક્તિ!