કોઈ એને સ્પીડબ્રેકર સમજીને ઠેકી ગયું ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે
જે સ્વજન સમયની પાર ગયું છે તે પાછું નથી આવવાનું. ઘણી વાર કોઈ જાણીતી વ્યક્તિ આપણી નજર સામેથી પસાર થાય છતાં આપણા ધ્યાનમાં એ આવતું નથી.
જિંદગીના લેખાજોખા કરવા બેસીએ ત્યારે શું મેળવ્યું અને શું ગયું એનો તાગ મેળવવો પડે. સુરેન્દ્ર કડિયા શું રહી ગયું છે એની વાત છેડે છે…
યાર, અનરાધાર, બેસુમાર જાવું રહી ગયું
આપણું એકાદ ઈચ્છાપાર જાવું રહી ગયું
પગરવોના પગરવોની પાર પહોંચી ગ્યા પછી
પગ ઉપાડી સહેજે ડેલી બહાર જાવું રહી ગયું
વૃદ્ધાવસ્થા આવે ત્યારે ઘરની બહાર જવાનું પણ દુષ્કર થઈ પડે. જિંદગી આખી દોડાદોડ કરી હોય એ પગ જાણે રિસાઈને બેસી ગયા હોય એવું લાગે. લાકડીનો ટેકો ડગુમગુ થતા પગને વિશ્વાસ આપવાનો પ્રયત્ન કરે.
અવસ્થા અવસ્થાનું કામ કરવાની પણ આયુષ્ય ખુમારી ટકાવી રાખે એ અગત્યનું છે. કિસન સોસાની પંક્તિઓમાં આશ્વાસન પણ વર્તાશે અને સ્વીકાર પણ દેખાશે…
સોહું છું ગૌરવર્ણમાં હુંયે ભર્યો ભર્યો
એ બેનમૂન બાહુએ હું બાજુબંધ છું
આંટણ સમું પડી ગયું એ વાત ઓર છે
બાકી ફૂલોના ભારથી ઝૂકેલ સ્કંધ છું
સ્કંધ શબ્દનો પ્રચલિત અર્થ ખભો છે. એ ઉપરાંત અનેક અર્થો જોઈએ તો સ્કંધ એટલે ડાહ્યો માણસ, થડ, યુદ્ધ, રાજા, દેહ, શિક્ષક, પ્રકરણ વગેરે. બૌદ્ધ સમુદાયમાં પાંચ સ્કંધ છેઃ રૂપસ્કંધ, વેદનાસ્કંધ, સંજ્ઞાસ્કંધ, સંસ્કારસ્કંધ અને વિજ્ઞાનસ્કંધ.

ચક્ષુ, શ્રોત્ર, ઘ્રાણ, જિહ્વા, કાય અને મન એમ છ વિજ્ઞાનનો સમાવેશ વિજ્ઞાનસ્કંધ કરવામાં આવ્યો છે. આધુનિક સમયની વાત કરીએ તો વિજ્ઞાનની પહોંચ વૈકુંઠનીયે આરપાર નીકળી ગઈ છે. ઈ-વાહનનો વિચાર ગંજાવર સ્કેલમાં સાકાર થાય એ જરૂરી છે.
કાર્બન ઉત્સર્જન ફેલાવતા પારંપરિક બળતણની ચુંગાલમાંથી બહાર નીકળવાનો પ્રયાસ બધા જ દેશોએ કરવો પડશે. પંચમ શુક્લ લખે છે…
શ્વાસની છે ચડ-ઉતર ને ફેફસાંમાં કૈં નથી
શુષ્ક કાંચળી સિવાય સાણસામાં કૈં નથી
ખાણની એ ભીંસમાં ઝરી ગયું પરમ જ્વલન
લાલચોળ વેદના છે, કોલસામાં કૈં નથી
ખાણિયાઓની જિંદગીમાં અકસ્માતની સંભાવના રહે છે. જાન્યુઆરીમાં આસામની કોલસાની ખાણમાં રેટ-હૉલ માઈનિંગ કરનાર નવ કામદારો ફસાઈ ગયા હતા. આખરે તેઓ રામશરણ થયા.
રેટ-હૉલ એટલે હાથેથી ખોદવામાં આવતી અત્યંત સાંકડી ટનલ. ગેરકાયદે ચાલતી ખનન પ્રવૃત્તિમાં સલામતી નેવે મુકાય છે. ગયા વર્ષે રશિયાની ખાણમાં ફસાઈ ગયેલા તેર કામદારોની શોધ બે અઠવાડિયાના પ્રયાસો પછી પડતી મૂકવામાં આવી હતી. રોજીરોટી માટે જીવલેણ કામો પણ કરવા પડે છે. ધૂની માંડલિયા સાવધ રહેવાનું સૂચવે છે…
માછલી તું મોજથી હરફર કરી શકે
એટલું તો ઝાંઝવે ઊંડાણ પણ હશે
મૂઠ દાણા જોઈ પંખી એ ભૂલી ગયું
આટલામાં પીંજરું ને બાણ પણ હશે
થોડાઘણા પૈસાની લાલચ આપી ખિસ્સા ખંખેરવાની અનેક યોજનાઓ ચાલે છે. ટોરસ જ્વેલરી કૌભાંડમાં મોટો ગફલો કરવામાં આવ્યો. સોનાની ખરીદી પર ૪૮ ટકા અને ચાંદીની ખરીદી પર ૯૬ ટકા વળતરની ખાતરી આપવામાં આવી હતી.

કાંદિવલીમાં પોઈસર નજીક એક રેસ્ટોરામાં જમવા ગયેલા ત્યારે એની બાજુમાં જ ટોરસની શૉપ હતી. આકર્ષક વળતરનો લાભ લેવા સેંકડો લોકોની લાઈન લાગી હતી. લાલચ બુરી બલા છે એ સગ્ગી આંખે નિહાળેલું. હર્ષદ ત્રિવેદી તર્ક મૂકે છે…
જેના હાથમાંથી તીર તો છૂટી ગયું છે ક્યારનું
શું થશે, જો આ પ્રતીક્ષા-મૃગ માયાવી હશે!
આપણે હંમેશ કાગળનાં ફૂલો જેવાં રહ્યાં
તો પછી કોણે સુગંધી જાળ ફેલાવી હશે?
ટોરસ કૌભાંડમાં સવા લાખ લોકોના અંદાજે હજારેક કરોડો રૂપિયા ફસાઈ ગયા. ફિક્સ ડિપોઝિટથી લઈને મ્યુચલ ફંડ કે ઈક્વિટીમાં રોકાણ કરવાથી સામાન્ય રીતે છથી વીસ ટકા જેવું વળતર મળતું હોય છે. આનાથી બે-પાંચ ગણું વળતર આપવાની વાત કોઈ કરે ત્યારે ચેતી જવું પડે, નહિતર નિસાસાઓ હાથ લાગે.
ગણપત પટેલ `સૌમ્ય’ લખે છે…
લગાતાર યત્નો થકી ઉઘડયાં છે
ફરી હાથ દૈને ન એ દ્વાર વાસો
ચમનમાં ફૂલો એમ નાહક ખીલે ના
અહીં કોઈ રોપી ગયું છે નિસાસો
લાસ્ટ લાઈન
રોડની વચ્ચે પડ્યું ભાંગી ગયેલું ગામડું
કોઈ એને સ્પીડબ્રેકર સમજીને ઠેકી ગયું
ટ્યુબલાઈટ ચાલુ હો તો રૂમમાં તડકો પડે
છેવટે અંધાર ભૂખ્યું ગોદડું બોલી ગયું
બારશેકો સ્પર્શ તારો બહુ દઝાડે છે મને
ચામડીની જેમ મન પરથી શરીર ઊખડી ગયું
ઘાવ પર મૂકેલા રૂમાં જીવ ફૂંકાયો કે શું?
સ્હેજ અડક્યો ત્યાં તો એ પણ કેટલું દુઃખી થયું
કાપવા બેઠો હતો ગમતી ક્ષણો કાતર લઈ
ને આ જૂનું વર્ષ બે-ત્રણ માસ લંબાઈ ગયું
~ કુલદીપ કારિયા