દસમાંથી દસ (વાર્તા) ~ મિતા ગોર મેવાડા
પ્રોફેસર મહેશ્વર આચાર્ય ઊંધું ઘાલીને પેપર તપાસી રહ્યા હતા. તેમની પત્ની દયા આવીને ચાનો કપ મૂકી ગઈ.
“ઓહો.. ચાર વાગી ગયા?”
દયા બોલ્યા વગર પલંગ પરની ચાદરો અને ઓશિકાના ગલેફ બદલવા લાગી ગઈ. આજે શનિવાર હતોને. દર શનિવારે આ તેનો ક્રમ રહેતો. હવે એ બધી ચાદરો સાબુના પાણીમાં બોળી દેશે અને રવિવારે સવારના પહોરમાં ધોઈ નાખીને સુકવી દેશે.
પ્રોફેસર ચા પીતા-પીતા એની સામે જોઇ રહ્યા. તેમની અર્ધાંગિની આ અવલોકનથી બેખબર પોતાના કામમાં મશગૂલ હતી.ઓશિકાના કવર કાઢી, એણે જોરજોરથી પછાડીને એના પરથી ધૂળ કાઢી. પ્રોફેસરના અવલોકનમાં વિક્ષેપ પડ્યો.
ફરીથી એવો પોતાની પૂર્વ પ્રવૃત્તિ તરફ વળ્યા. મેઘદૂતનો એમનો પ્રિય શ્લોક “તન્વી શ્યામા શિખરી દશના પકવબિંબાધરોષ્ઠી”નો આસ્વાદ તેઓ તપાસી રહ્યા હતાં.
પ્રોફેસર કોલેજમાં સંસ્કૃત ભણાવતા હતા અને વિદ્યાર્થીઓને એમણે ૧૦ માર્ક્સનું અસાઇનમેન્ટ આપ્યું હતું. જેમાં આ શ્લોકની સમજૂતી અથવા તો આસ્વાદ લખવાનો હતો. દરેક વિદ્યાર્થી પોતપોતાની ક્ષમતા પ્રમાણે ૫, ૬, ૪ એમ માર્કસ લાવી રહ્યો હતો. કોઈએ સંતોષકારક જવાબ લખ્યો નહોતો. ક્યાં કાલિદાસનું યક્ષિણીનું વર્ણન અને ક્યાં આ ઉપરછલ્લો આસ્વાદ.
પ્રોફેસરે નિશ્વાસ નાખ્યો. ફરી ચાનો કપ મોઢે માંડ્યો. ચા ખલાસ થઈ ગઈ હતી. ક્યારે પીવાઈ ગઈ ખબર જ ન પડી. એમણે કપ પાછો ટેબલ પર મૂક્યો. દયા આવીને કપ લઈ ગઈ અને કપ મૂક્યો હતો એ જગ્યા પર ભીનું પોતું મારી ગઈ.
“તન્વી, શ્યામા…”આ હા હા! શું વર્ણન છે પ્રોષિતભર્તુકા નાયિકાનું. નસીબદાર હોય એને આવી નાયિકા મળે. પોતાના નસીબમાં તો દયા છે. એ ફરી પોતાની નાયિકા તરફ જોઈ રહ્યા.
“તન્વી, શ્યામા….”
દયા શ્યામ હતી એનો એમના કરતાં એમની માને વધુ વાંધો હતો. “અમારા મહેશની વહુ કાળી છે. બીજી બે વહુઓ જેવી રૂપાળી નથી.” એવું બોલતા ત્યારે આજ્ઞાબેન સગવડતાથી ભૂલી જતા કે તેમનો છોકરો મહેશ્વર પણ કાળો જ છે. બીજા બે છોકરાઓ કરતાં નીચો અને આંખે વળી ચશ્મા પણ ખરા.
દયા શ્યામ હતી એનો પ્રોફેસરને વાંધો નહોતો, પણ એ ગામડાની હતી. ઓછું ભણેલી હતી. એ વાત એમને ખૂંચતી હતી. દયાનું માગું આવ્યું ત્યારે પહેલાં તો એમને નામમાં જ વાંધો પડ્યો.. દયા, આ કેવું જૂનવાણી અને રસહીન નામ. કોઈ પ્રકારનું કલ્પન નહીં, રસિકતા નહીં માબાપે નામ પાડવામાં ખાસ કોઇ તસ્દી લીધી નહોતી. એટલે માગાંનો અસ્વીકાર કરવાની તરફેણમાં તેઓ હતા.
બીજું એ ઓછું ભણેલી હતી. પોતે સંસ્કૃતના પ્રોફેસર, વિદ્વાન અને એમની પત્ની જો બારમું પાસ હોય તો એમનો જીવનરથ સરળતાથી કઈ રીતે ચાલે? એ અભણ ગમાર સ્ત્રી પોતાના સાહિત્યને કઈ રીતે સમજે? કાવ્યોનો રસાસ્વાદ કઈ રીતે કરી શકે? કોઈપણ પુસ્તક પરની સાહિત્યિક ચર્ચામાં ભાગ કેવી રીતે લે? આવા બધા પ્રશ્નો તેમના મનમાં થયા હતા. જેમાંથી અમુક એમણે અપ્રગટ રાખ્યા હતા અને અમુક પ્રગટ કર્યા હતા.
…પણ પ્રોફેસરના પિતા પર્જન્યરાય ખૂબ સમજદાર હતા. જાણતા હતા કે દીકરામાં ખાસ કંઈ વેતા નથી. દેખાવ તો ઠીક વ્યવહારે પણ અતરંગી છે. દુનિયાદારીનું ભાન નથી. એટલે એમણે આગ્રહપૂર્વક આ સગાઈ કરાવડાવી હતી અને તેની પાછળ પાછળ લગ્ન પણ ગોઠવાઈ ગયા.
આ રીતે પ્રોફેસર મહેશ્વરરાય દયાને પોતાની જીવનસંગિની, ભાર્યા બનાવીને લઈ આવ્યા.
પિતાની ગણતરી સાચી નીકળી. પ્રોફેસરની વ્યવહાર અકુશળતા, સંસાર ચલાવવાની અણઆવડત અને દિવાસ્વપ્નમાં વિહરવાની આદતોને દયાએ પોતાની વ્યવહારકુશળતા અને સૂઝબૂઝથી ઢાંકી દીધી.
દયા કામઢી હતી. ઘડિયાળના ટકોરે કામ કરતી. ખૂબ જ વ્યવસ્થિત હતી. ઘર ચોખ્ખુંચણાક રાખતી. પ્રેમાળ પણ ખૂબ હતી. સાસુસસરાની નાનામાં નાની વાતોનો ખ્યાલ રાખતી. ટૂંકમાં એક આદર્શ ગૃહિણી તરીકે તો એને દસમાંથી દસ માર્ક્સ મળે.
દેખાવે પણ ઠીક-ઠાક હતી. પ્રોફેસરે ફરી દયા તરફ ધ્યાન આપ્યું. શ્યામ હતી પણ ઘાટીલો ચહેરો હતો. પકવ બિમ્બાધરોષ્ઠી – દયાના અધર પણ એટલા ખરાબ નહોતા. ધનુષ આકારના હતા. હસતી ત્યારે મોફાડ બહુ વધારે કે બહુ ઓછી ખુલતી નહીં. લાંબી ગરદન અને કદ પણ સારુ હતું. પોતાની ઊંચાઈના પ્રમાણમાં તો ઊંચી જ હતી. બંને સાથે ચાલતાં ત્યારે એ જરા જરા ઊંચી લાગતી.
દયા હવે કપડાંની ગડી કરતી હતી. તેની આંખો ઝુકેલી હતી અને ભરાવદાર પાપણો સુંદર લાગી રહી હતી. કંઈક અંશે સુંદર કહી શકાય એવી આંખો. દસમાંથી માર્ક્સ આપવામાં આવે તો બે માર્કસ હોઠ અને આંખના તો જરૂર મળે.
દયા ઊઠીને બીજા કમરામાં ગઈ. એટલે પ્રોફેસરે પાછું પેપર તરફ ધ્યાન આપ્યું.
“શ્રોણી ભાર્યા દલસગમના સ્તોક નમ્રા સ્તનાભ્યામ”
સ્તનભારથી જે ઝૂકેલી છે તે.. એટલામાં દયા પાછી અંદર આવી. પોતાની લાંબી કેશવાળી ખોલી કાંસકાથી વાળ હોળવા લાગી. હાથ ઉપરથી નીચે સુધી જવાને કારણે તે નીચે ઝૂકતી હતી. દયાના વાળ આટલા લાંબા હતા? પ્રોફેસર જાણે પહેલીવાર જોતા હોય એમ એના સુંવાળા કાળા કેશને જોઈ રહ્યા. એટલામાં દયાએ એક ઝટકાથી કેસને પીઠ પાછળ ધકેલ્યા.
પતિને પોતાની સામે જોઈ રહેલા જોઈને એ અચંબિત થઈ. પ્રોફેસર તો કાયમ પોતાના કામમાં અને વાંચનમાં વ્યસ્ત રહેતા. દયાને લાગતું કે હું હાજર છું કે નહીં એની પણ કદાચ એના પતિને જાણ નથી હોતી. એ હરખાઈ. એના મુખ પર સ્મિત આવ્યું. આંખમાં ચમક આવી.
પ્રોફેસર જોઈ રહ્યા.અત્યારે તો દયા ખુબ સુંદર લાગી રહી હતી.મનોમન એમણે બીજા ત્રણ માર્કસ મુક્યા.
દયા નીચે ઝૂકીને કબાટના નીચલા ડ્રોઅરમાંથી માથામાં નાખવાનું બકલ કાઢવા ગઈ. બિલકુલ યક્ષિણી જેવા વિશાળ નિતંબ અને પાતળી કટિ. દયાનું ફિગર પણ આકર્ષક હતું .
પ્રોફેસર આજે કંઈક અલગ રીતે દયાને જોઈ રહ્યા હતા. અત્યાર સુધી તેની દેહયષ્ટિ દિવસના અજવાળામાં ધ્યાનમાં જ નહોતી આવી.
સવારે ઉઠતા જ તે પોતાના પરમ મિત્રો કાલિદાસ, ભાસ કે દંડીમાં ખોવાઈ જતા અને સંસ્કૃતના એ ઉત્તુંગ શિખરો તરફ જોતાં જ દયાનું અભણત્વ ઘ્યાનમાં આવતું. અને રાતના સમાગમમાં પસાર કરેલી આનંદની ક્ષણોનું આ ઝળહળ કવિઓના પ્રકાશમાં વિલીનીકરણ થઈ જતું. પણ આજે તો એમને દયા ને બીજા બે માર્ક્સ આપવા જ પડ્યા. ટોટલ સાત થયા.
આનાથી વધારે માર્ક્સ તો ના જ મળે. પ્રોફેસરનો સાંસ્કૃતિક અહમ પાછો સળવળ્યો. ના..ના.. દસમાંથી સાત મળે પણ પૂરા તો નહીં જ. ફરી પ્રોફેસર પેપર તપાસવામાં ખૂપી ગયા. હજી પણ કોઈને છથી વધુ માર્ક્સ નહોતા મળ્યા.
બીજે દિવસે સવારે તેઓ શહેરમાં યોજાયેલી વ્યાખ્યાનમાળામાં ગયા. ત્યાંથી એમણે ફોન કર્યો કે આજના ખાસ અતિથિ એમના ઘરે જમવા માટે આવવાના છે. આવું ઘણી વાર બનતું. અતરંગી પ્રોફેસર ગમે ત્યારે ગમે તેને જમવા લઈ આવતા, પણ દયા ક્યારેય ફરિયાદ કરતી નહીં.
આ અણધારી પરિસ્થિતિમાં પણ તેનું મગજ ઝપાટાબંધ ચાલતું. કામમાં તો તે પાછી પડતી જ નહીં પણ આયોજન પણ ખૂબ સરસ કરતી. નવી ક્રોકરી ,મિષ્ટાન, ફરસાણ બધું ફટાફટ તૈયાર કરી નાખતી.
લગભગ બે વાગ્યે પ્રોફેસર તેમના અતિથિને લઈને ઘરે આવ્યા. પ્રોફેસરે ઓળખાણ કરાવી, “આ છે સાહિત્ય પરિષદના પ્રમુખ અજયસિંહ ચાવડા..”
પણ એ આગળ બોલે તે પહેલાં જ અજયસિંહ બોલી ઊઠ્યા, “અરે..દયા તું? તું આની વાઈફ છે? આ મહેશ્વર તારો પતિ છે?”
પ્રોફેસર સ્તબ્ધ થઈ ગયા. કોઈએ કદાચ એમ કહ્યું હોત કે, “મહેશ્વર, તું આનો પતિ છે? આ દયા તારી પત્ની છે?” તો એ ઉચિત લાગત. પણ અહીં તો ઊલટું થયું. જાણે દયાએ કોઈ નિમ્નકક્ષાનો પતિ શોધ્યો હોય એમ અજયસિંહ દયાને ધમકાવતા હોય એમ બોલ્યા.
“આવો આવો સર, તમે વળી અહીં ક્યાંથી?” એમ કહી દયા અજય સિંહને પગે લાગી.
અજય સિંહ પ્રોફેસર તરફ વળ્યા, “આ દયા અમારી શાળાની તેજસ્વી વિદ્યાર્થીની. તેના પિતા ગુજરી જતાં સંજોગોવશાત તેને અભ્યાસ છોડી દેવો પડ્યો.”
અજયસિંહ દયાનાં ગામના હતા? મને તો ખબર જ નહીં. પ્રોફેસરે વિચાર્યું.
“સર અમારી ગામની શાળાના પ્રિન્સિપાલ છે.” દયાએ ફોડ પાડ્યો.
“હા અને દયા અમારી શાળાનો સિતારો. ભણવામાં અવ્વલ. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં અગ્રેસર. વકતૃત્વમાં તો આખા જિલ્લામાં પ્રથમ આવી હતી. કયો વિષય હતો દયા તારો? હું તો ભૂલી ગયો.”
“મેઘદૂત કાવ્યમાં વર્ણવેલી નદીઓમાં નાયિકાનો આભાસ”.
પ્રોફેસરના તો માથે જાણે વીજળી પડી અને પછી તો જાણે એમણે મૌનવ્રત જ પાળી લીધું. અજયસિંહ અને દયાનો વાતોનો દોર ચાલ્યો.
ગામના લોકોના ખબરઅંતર પછી બંનેએ પોતાના ગમતાં પુસ્તકો વિશે વાતો કરી. દયાના વિશાળ વાંચન અને તેની સાહિત્યિક સમજણ વિશે પ્રોફેસરને આજે જ્ઞાન થયું.
વર્તમાનમાં ચાલતી પ્રવૃત્તિ વિશે પૂછતા અજયસિંહે પૂછ્યું ,”દયા તારી સંગીત સાધના કેમ ચાલે છે?”
“જુઓને સર… અહીં તો મને સમય જ નથી રહેતો. પ્રોફેસર સાહેબને બહાર રહેવાનું થાય એટલે ઘરની, મારા સાસુ સસરાની વગેરેની જવાબદારી મારી એકલી પર જ હોય છે. વળી બેંકના, વ્યવહારના આ બધા કામો કરવાને કારણે મને સમય જ નથી રહેતો.”
અજય સિંહ પ્રોફેસર તરફ વળ્યા.”મહેશ્વર, આ તમે દયા ઉપર અન્યાય કર્યો છે. દયા જો સંગીતની આરાધના કરે તો ટોચ પર પહોંચે એટલી પ્રતિભાશાળી છે.”
પ્રોફેસર શું બોલે? એમને તો ખબર પણ નહોતી કે દયા ગાઈ પણ શકે છે. પ્રોફેસરને અત્યારે જ ખ્યાલ આવ્યો કે એમણે ક્યારેય દયા સાથે એના વિશે તો કોઈ વાત કરી જ નથી. ઘરની, કુટુંબની વ્યવહારની વાતો કરી છે, પણ ક્યારેય સંવાદ તો કર્યો જ નથી. એને સાહિત્યમાં શું ખબર પડે એમ કરીને પોતાની પ્રવૃત્તિ વિષે ક્યારેય વાતો કરી નથી. અને ગામની વાતોમાં વળી શું નવીન હોય એમ કરીને એના વિશે પણ કોઈ વાતો કરી નથી. પણ આજે એવો છક્કડ ખાઈ ગયા.
જમતી વખતે અજય સિંહે દયાની રસોઈના ભરપૂર વખાણ કર્યા. આખરે સાંજે એમણે વિદાય લીધી અને એ પણ મહેશ્વર પાસેથી વચન લઇને કે એ દયાને સંગીતના ક્લાસમાં જરૂર મોકલશે. પ્રોફેસરે સંમતિ આપી અને તેમના ગયા પછી એટલું તો બોલ્યા જ…
“દયા એક ગીત મને પણ તો સંભળાવ.”
“અરે, તમે પણ શું સરની વાતોમાં આવી ગયા.” એણે શરમાઈને કહ્યું.
“ના ના, આજે તો મારે સાંભળવું જ છે.” અને પ્રોફેસરના અત્યંત આગ્રહને વશ થઈ દયાએ એક સુંદર ગીત ગાયું.
પ્રોફેસર મુગ્ધ ભાવે સાંભળી રહ્યા. કાલિદાસની યક્ષિણી કેવું ગાતી હતી એ તો ખબર નહીં, પણ પોતાની આ યશશ્વિની ખૂબ સરસ ગાતી હતી. ખૂબ મધુર અવાજ હતો.
ગીત પૂરું થતાં જ દયાએ પૂછ્યું,” કેવું લાગ્યું?”
પ્રોફેસર બોલ્યા,” ખૂબ જ સુંદર. દસમાંથી દસ માર્ક્સ.”
દયાના હર્ષનો પાર ન રહ્યો.
પ્રોફેસર એને પૂછવાની હિંમત ન કરી શક્યા કે દયાને જો આપવાના હોય તો એ પ્રોફેસરને કેટલા માર્ક્સ આપે?
~ મિતા ગોર મેવાડા
mitamewada47@gmail.com
સરસ વાર્તા 👌
વાહ.. એકદમ મસ્ત વાર્તા… મારી આતમકથા જેવું લાગ્યું.. અસલ.. સેમ.. વાહ મિતાબેન…. બહું જ સરસ… કોઈ ઘટના નહીં કોઈ વળાંક નહીને છતાં પણ એક રસ વાંચવી જ પડે એવી સરસ વાર્તા…
જય હો….. મારી દયાને તમે જોઈ લીધી લાગે છે🌹🌹
કોન્ટ્રાસ કંઈ વધારે પડતો રહ્યો.
વાહ !! જોરદાર રચના !
ખૂબ સરસ વાર્તા.આત્મનિરીક્ષણ કરનારા બહુ ઓછા હોય.