“લે, લેતો જા…!” ~ વાર્તા ~ વસુધા ઈનામદાર

‘પપ્પા, હું શું થાવું તો તમને ગમે?’ દસમામાં ભણતા મારા દીકરાએ મને પૂછ્યું .

‘અરે દીકરા તારે કેમ એવું પૂછવું પડ્યું ? તારે જે થવું હોય તે થા !  ડોક્ટર , એન્જિનિયર  કે… ‘

‘ના પપ્પા તમને હું શું થવું તો તમને ગમે ?કહો ને પપ્પા, મારે નિબંધ લખવાનો છે ‘

‘સાચું કહું, મને તો તું સૈનિક થાય તે ગમે, ને આગળ જતા મેજર જનરલ બને, આપણાં દેશની ખુબ સેવા કરે. ‘

‘પપ્પા , એમ કેમ ? મારા બધા દોસ્તના પેરન્ટ્સ તો એમને ડોક્ટર, કમ્પ્યુટર એન્જિનિયર કે પછી …’

‘વાત બેટા એમ છે કે ઘણા વર્ષો પહેલાની વાત છે. મારી કોઈ નબળી ક્ષણે અને મારા અસ્વસ્થ મને હું આત્મહત્યા કરવા નીકળ્યો હતો. જાણે આજે જ તે પ્રસંગ બન્યો હોય અને કોઈ શોર્ટ ફિલ્મ જોતો હોવું, એવું લાગે છે. મારી વિકૃત મનોદશા કહો કે મારી માનસિક અવસ્થા, તે સમયે વિક્ષુબ્ધ હતી.

મારી અસ્થિર મનોદશામાં પણ મેં મારે ક્યાંથી જીવ દેવાનો છે તે મેં નક્કી કરી રાખ્યું હતું! કેમ કે  મારા નાનકડાં  શહેરનું સનસેટ પોઈન્ટ ખુબ જ જાણીતું હતું, લોકો રાતના અગિયાર પછી તેને સુસાઈડ પોઈન્ટ કહેતાં! કારણ કે અવારનવાર ત્યાં એવી ઘટના બનતી હતી. એ સ્થળથી હું કાંઈ અજાણ નહોતો જ. પણ ત્યાં હું રાતના ક્યારેય ગયો નહોતો.

સૂર્યાસ્ત સમયે રંગોને છલકાવતું એ રમણીય સ્થળ રાતના સમયે કેવું લાગતું હશે, તેની મને કલ્પના જ નહોતી . શિયાળાની કડકડતી ઠંડી હતી. રાતના અગિયાર વાગ્યા હતા. ઘરમાં સુતેલી તારી મમ્મી અને મારા વહાલા દીકરા તું, તમારી બંનેની મેં મનોમન વિદાય લીધી! હળવા હાથે ઘરનો દરવાજો બંધ કર્યો. મેં મારી ગાડી લીધી. મારો મોબાઈલ ચાર્જ કરેલો જ હતો. મનમાં ઘોળાતું વિચારોનું ધુમ્મસ બહારના અંધકાર સાથે એકાકાર થતું હતું.

મેં નક્કી કરી રાખેલા સ્પોટ પર ગાડી ઊભી રાખી. ક્યાંય સુધી શૂન્ય નજરે અંધકારને તાકતો રહ્યો! નિબીડ અંધકાર – સાવ નિર્જન સ્થળ. તમરાંનો કર્કશ અવાજ રાતને વધુ બિહામણી બનાવી રહ્યો હતો. વચ્ચે વચ્ચે, ઝબક ઝબક થતા આગિયાનું ઝુંડ! આંખો  ફાડી ફાડીને જુઓ તો ઊંચી ઊંચી શીલાની નીચે અંધકારથી ખદબદતી ખીણ! ઠંડા પવનથી હાલતાં એ મસ મોટા વૃક્ષો! અને એ કારણે સર્જાતી ચિત્ર-વિચિત્ર બિહામણી આકૃતિઓ!

શિયાળાની એ રાત હતી. મેં કોટ પહેર્યો હતો છતાં મારું આખું શરીર ઠંડીથી જાણે જકડાઈ ગયું હતું! મને થયું કે હું બેભાન થઈ પડી જઈશ! હું મારા મોબાઈલની લાઈટ ઓન કરી ખીણની ઊંડાઈ જોવા જતો હતો! મેં મનથી કરેલો નિર્ધાર અને  હવે એનો સાક્ષાત્કાર હાથવેંતમાં જ હતો.

મારી અંદરથી કોઈ બોલ્યું, ‘બંધ કર આ નાટક. ઘેર પાછો જા’ પણ હું મક્કમ હતો. મારે મરવું જ હતું! મને ખાતરી હતી કે આ જગ્યાએ આવા સમયે કોઈ જ નહીં હોય!

હું આગળ વધ્યો પણ એટલા અંધારામાં પણ કોઈકે દોડી આવીને મને ભીંસી લીધો! હું સમજી જ ન શક્યો કે કોઈ માણસની ભીંસ હતી કે કોઈ જનાવરની! એને મને સંપૂર્ણ તાકાતથી પાછળ ખેંચી લીધો! એ કોઈ અજાણ કદાવર અને તાકાદવર માનવ દેહાકૃતિ હતી! એને જોઈને મને વધુ મરવાનું જોશ આવ્યું હોય એમ હું બૂમો પાડવા લાગ્યો;

‘મને  મરવા દો, મારે મરી મરીને જીવવું જ નથી!

‘મને વધુ બે ડગલાં પાછળ ખેંચી એ બોલ્યો, ‘હું તને મરતાં નથી રોકતો. તું જીવે કે મરે મને શું ફરક પડે? પણ  માનસશાસ્રી તજજ્ઞ એમ કહે છે કે મરનાર માણસને પોતાની ચીજવસ્તુ પ્રત્યે કોઈ આસક્તિ નથી હોતી. તેથી તને પૂછું છું કે તેં દૂર ઊભી  રાખેલી તારી ગાડીની ચાવી, અને હમણાં તેં તારા જે મોબાઈલથી લાઈટ કરી તે તારો ફોન અને આ સરસ મજાનો ઠંડી રોકતો તારો કોટ મને આપી જાને? હવે તે તારા શું કામનો? મને આપીશ તો હું પહેરીશ, નહીં તો મારા …’

એની વાત સાંભળી મને ખુબ જ ગુસ્સો આવ્યો. હું મરવા જઈ રહ્યો છું, એની એને કાંઈ પડી જ નથી અને એને મારી ગાડી અને મોબાઈલ જોઈએ છે?

મેં રાડ પાડીને એને પૂછયું, ‘તું છે કોણ આ મારી વસ્તુ માગવાવાળો ?

‘એ જાણીને  તારે શું કરવું છે? તું તો મરવા આવ્યો છે ને… અને આમેય કોઈ વસ્તુનો બગાડ ના થવો જોઈએ એમ હું માનતો આવ્યો છું  તેથી ……’

મેં એને ગુસ્સામાં જ પૂછ્યું, ’હું તને શા માટે મારી વસ્તુ આપું? ‘

‘તું તો હવે મરવાનો છે. તારે એ બધાનું હવે શું કામ ?  જો ત્યાં મેં એક બેગ મૂકી છે અને તેની પર લખ્યું છે દાન પેટી! તને શું ફરક પડવાનો છે? તું તો ગબડતો ગબડતો પડીશ ઝાડીઝાંખરામાં, તારી કાયા આમેય નિર્વસ્ત્ર થશે, કોઈ જનાવર તારું શરીર ખાય અને ત્યાં તું ઉઘાડો…’

‘બસ કરો. ‘

‘હું ક્ષણેક માટે મારા દેહની ચીરફાડ જોતો રહ્યો! ના… ના  હું મને કોઈ જનાવર ખાતું હોય એમ મારી જાતને જોઈ ચીસ પાડી ઊઠ્યો !

‘એ પાછો બોલ્યો, ‘આપણે તો દેવના  દીધેલ, જે સ્થિતિમાં જન્મ્યા હતા તેવા જ …’

‘મારો ગુસ્સો આસમાને ચઢ્યો હું બરાડ્યો, ’બસ કર, નરાધમ! તને શરમ નથી આવતી? મરનાર માણસની વસ્તુઓથી મોજમજા કરવાની?’

એ બોલ્યો; ‘આ તો દાનપેટી છે. તારી આપેલી વસ્તુનો સદઉપયોગ થશે.’

મને એના પર ખુબ ગુસ્સો આવ્યો, મારી સાથે એને પણ ખીણમાં લઈ જવાનું મન થયું! પણ મરતાં મરતાં કંઈક સારું કામ કરવાનું મન પણ થયું . એને કોટ આપવાનો વિચાર આવ્યો ને મેં એને કહ્યું ‘મને મરતાં વાર લાગે ને પછી મને ઠંડી લાગે તો?‘

એણે કહ્યું; ‘મારી વાત તો સાંભળ. હું અહીં ઘણીવાર આવું છું. ખીણ બહુ ઊંડી અને ખતરનાક છે એટલે તું ચિંતા ના કરીશ. તું તો ચોક્કસ મરી જઈશ! પણ સાચું કહું તું મને બહુ વિચિત્ર માણસ લાગે છે. એટલું જ નહીં, ઈશ્વરે આપેલી જિંદગી પ્રત્યે તું નમકહરામી કરવાવાળો એક મૂર્ખ માણસ લાગે છે!

આટલી સુંદર  જિંદગી અને આટલા કિંમતી તારા દેહને તું  ફેંકી દેવાનો છે તેનાથી તો કેટલા માણસોને તું જીવનદાન આપી શકે!

ખેર, જવા દે. તારી જોડે મારે જીભાજોડી નથી કરવી! ને આ  તારી એપલ વોચ…. જે અંધારામાં પણ હું જોઈ શકું છું!  હા ચાવી તારા કોટના ખીસામાં છે ને ? તારી ગાડીમાં મારા ગાંડા ભાઈને લઈને હું દૂર જઈશ અથવા તો તારી ગાડી વેચીને એની દવા કરાવીશ! મોબાઈલ આપવાનો ભૂલતો નહીં.’

‘હું તમને કશુંય આપવાનો નથી. મારે પણ તમારી સાથે વાદવિવાદ નથી કરવો. તમે શું આખી જિંદગી મરનાર લોકોની વસ્તુઓ પર તાગડધીન્ના કરીને જીવવાના?‘

‘હું એટલીસ્ટ જીવવાનો પ્રયત્ન તો કરું છું ને? મરવા કરતા જીવવાના પ્રયત્ન, મારા માટે ગર્વની વાત છે .’

મેં કહ્યું, ‘આ બધું આપતાં પહેલાં મારે તમારો ચહેરો જોવો છે? મારા મોબાઈલની લાઈટથી …‘

‘ના… ના… તેં શું તારો મરવાનો ઈરાદો બદલ્યો! અરેરે…  તો મારી બધી ગણતરી … ‘

એમને બાજુના પથ્થર પર બેસાડતા મેં પૂછ્યું , ‘ગણતરી? તમે શું  કહેવા માંગો છો? ‘

‘અરે થોડા દિવસ પહેલાં તારી જેમ જ, એક મૂર્ખ બાઈ જીવ દેવા આવી હતી અને તે પણ સાવ નાનકડા બાળક સાથે! ખૂબ શ્રીમંત ઘરની હોય એમ લાગતું હતું. એ તું લાવ્યો છે એવી ગાડી લઈને નહોતી આવી. કોઈક એને અહીં ઉતારી ગયું હતું,

એ તારી જેમ ડરપોક પણ નહોતી. અંધારામાં નહોતી આવી, સમી સાંજે આવી હતી. મેં એની પાસે તારી જેમ જ એના બાળકની અને એણે પહેરેલાં દાગીનાની માંગણી કરી. એ મોટેથી બૂમો પાડી મારી સાથે લડવા લાગી. તે  પણ તું બોલે છે એમ જ બોલી હતી, ’હું અહીં મરવા મારા બાળક સાથે આવી છું ને તને મારા ઘરેણાંની પડી છે?’

મેં કહ્યું, ‘તારે મરવું હોય તો મર, ઘરેણાં સાથે આ બાળક પણ મને આપી દે. મને નથી લાગતું કે એને તારી સાથે મરવું જોઈએ …! ‘

મારી વાત સાંભળી તે મારી પર ધસી આવી. મેં એના હાથમાંથી બાળકને ઝુંટવીને દોટ મૂકી. બાળક જોરજોરથી રડવા લાગ્યું. એનો રડવાનો અવાજ ખીણમાંથી પડઘાતો હતો. જાણે આખી ખીણ રડતી ના હોય!

એ મારી પાછળ દોડતી રહી. થોડા સમય સુધી આમ જ ચાલ્યું. મેં બાળકને રસ્તા પર મૂકી દીધું! તેણે દોડીને બાળકને ખોળામાં લઈ લીધું. હું એની નજીક ગયો. મેં એને પૂછ્યું, ’તારે કઈ મદદ જોઈએ છે ?’

મેં એના માથે હાથ મુક્યો. એ મારો હાથ પકડીને ખુબ રડી. અમે  થોડીક વાર એમ જ બેસી રહ્યાં. અંધારું થયું ત્યાં સુધી અમે વાતો કરી!  હું થોડેક સુધી એની સાથે ચાલ્યો ને પછી પેલી સડક છે ને ત્યાંથી તે હળવે પગલે રડતી રડતી એના  બાળકને છાતીએ વળગાડીને ચાલી ગઈ, મને કશું આપ્યા વગર! એ પણ તારા જેવી કંજૂસ નીકળી!‘

મેં કહ્યું હતું, ’તમે એનો જીવ બચાવ્યો તે શું ઓછું હતું?‘

‘એ વાત ઠીક છે. પણ મને તો કઈ મળ્યું નહીં ને?’ અંધારામાં પણ મને એના ચહેરા પરનો મલકાટ દેખાયો હતો, પણ ત્યારે તે મને નહોતો સમજાયો!

એ ગંભીર અવાજે બોલ્યો‘તો. ‘તેં શું વિચાર્યું?’ હું ઝબકીને ભાનમાં આવ્યો ને મારાથી પૂછાઈ ગયું, ‘શાનું?’

એ બોલ્યો, ’ખરા છો તમે લોકો તમારી કરતા તો પેલો ગાંડો સારો! ‘મેં પૂછ્યું, ‘એ વળી કોણ?’ ‘હતો એક! એના બેક પેક સાથે દોડતો આવ્યો, મેં એને રોક્યો’તો.

એણે મને પૂછ્યું ,’મને કેમ રોકે છે? હું તો ગાંડો થઈ ગયો છું. મેં મારા ધંધામાં ખુબ મોટી ખોટ ખાધી. મારા અને મારા મા-બાપની વૃદ્ધાવવસ્થાની મૂડી પણ ગુમાવી, એટલું જ નહી મારી પત્નીનાં દાગીના વેચ્યા. હવે એના આક્ષેપોથી હું ખૂબ કંટાળી ગયો છું, એની સાથે ઝગડો કરીને આવ્યો છું, કોઈને હું ગમતો નથી, જીવવા માટે મારી પાસે કશું જ નથી! મારે જીવવું નથી, મને મરવા દો!’

મેં એને કહ્યું ‘ બસ ,આટલી અમથી વાત? અરે, પણ આ તારું બેક પેક ? ‘

‘લો. તમારે જોઈએ છે ? એમાં મારી માનો ફોટો અને થોડા પૈસા છે અને એક ફોન છે. હું  એને કશું કહું તે પહેલાં એણે એનું બેક પેક મારા તરફ ફેંકીને એણે દોટ મૂકી પણ તે ચૂક્યો ને નજીકનાં ઝાંખરામાં પડ્યો. પછી મને બહાર કાઢો કહી બૂમાબૂમ કરવા લાગ્યો !  મેં એને માંડમાંડ બહાર કાઢ્યો, ને પછી એના જ ફોનથી એની ફેમિલીને બોલાવી ,એ બધાં જ દોડતાં આવ્યાં ! ને એને લઈ ગયા, બેકપેક સાથે ! ચાલ જવા દે  એ વાત. તેં શું વિચાર્યું, એ કહે !’

‘પણ તમે આવું કામ  કેમ કરો છો ? ‘

‘તારે જાણવું છે ને ? તો ચાલ બેસીએ પેલી દૂર એક બેન્ચ પર!’ અમે ત્યાં ગયા, બેઠા અને એણે એની વાત શરૂ કરી.

‘હું રિટાયર્ડ સૈનિક છું. મેં મેજર જનરલ તરીકે આપણા દેશની બોર્ડર પર વર્ષો સુધી કામ કર્યું છે. મારો દીકરો તે પણ મારી જેમ યોદ્ધો હતો, તે માર્યો ગયો ને બીજા દીકરાએ જીવનમાં કહેવાતી નિષ્ફ્ળતા અને પ્રેમભંગને કારણે આત્મહત્યા કરી.

એકે જીવનને ઉન્નત બનાવ્યું ને બીજો જીવનને અધોગતિ તરફ લઈ ગયો! મારી પત્ની આ પીડા અને આઘાતથી સુનમુન થઈ ગઈ હતી. થોડા વર્ષ પહેલાં જ એ મૃત્યુ પામી અને હું ત્યારથી રાત-દિવસ ફરી ફરીને આવા સુસાઇડ પોઇન્ટ પર આવી મારા દીકરાની જેમ મૂર્ખામી કરનારને રોકવા પ્રયત્ન કરતો રહુ છું, જેથી કરીને અમારી જેવી પીડા મરનારનાં મા-બાપને વેઠવી ના પડે!

આત્મહત્યા કરનાર સંતાનના માબાપની પીડા વર્ણવાય એવી નથી. અરે તમારે મરવું જ હોય તો મારા મોટા દીકરાની જેમ બોર્ડર પર જાવ સામે છાતીએ ગોળી ખાઈને…’

‘મહેરબાની કરીને બસ કરો, બસ કરો !‘

‘મારી પૂરી વાત તો સાંભળ. અહીં આવનાર મૂર્ખાઓને રોકવા સહેલું નથી. નવાનવા નુસખાથી હું એમને ડિસ્ટ્રેકટ કરું છું. હવે તો હું જાતજાતના વેશ લઈને અભિનય કરવામાં પણ પાવરધો બન્યો છું. હવે તું શું કહે છે? આપે છે ને તારો  ફોન અને ગાડીની ચાવી?’

હું એમને વળગી પડ્યો ને પછી ખૂબ રડ્યો હતો. તેઓ મને એક પ્રેમાળ પિતાની જેમ પસવારતાં રહ્યા .’

‘મેં એમને કહ્યું હતું, ‘મને જિંદગીમાં. મારી ઈચ્છા પ્રમાણે કશું જ મળ્યું નથી.‘

‘જીવનમાં ઈચ્છા પ્રમાણે બધું જ મળે એવું તને કોણે કહ્યું?‘

‘કઈ નહીં તો માન-સન્માન?’

‘અરે ઈશ્વરે તને માણસ બનાવીને સન્માન્યો છે. એથી વિશેષ શું હોય? જીવન આગળ બીજી બધી વસ્તુની કિંમત શૂન્ય હોય છે મારા ભાઈ! તારી  આ અખૂટ સંપત્તિ જેવો તારો  દેહ અને અનેક શક્યતાઓથી ભર્યુંભર્યું તારું જીવન તું આમ ઊંડી ખીણની ખાઈમાં ધકેલવા માગે છે? અને આત્મહત્યા એટલે ઈશ્વરે આપેલા જીવનની ઉપેક્ષા અને તેમનું ઘોર અપમાન! જા. ઘરે જા. તારી રાહ જોવાતી હશે!’

‘હું અજવાળાં ભર્યા અંધકારમાં એમના ચરણ સ્પર્શ કરવા વાંકો વળ્યો. મને ફરી વાત્સલ્ય ભર્યું આલિંગન મળ્યું. તેઓ એમના મજબૂત હાથથી ક્યાંય સુધી મારી પીઠ પર પસવારતા રહ્યા!’ એમણે ખિસ્સામાં હાથ નાંખ્યો. મારો હાથ પકડી મારી હથેળીમાં, પોતે યુદ્ધમાં દાખવેલ શૌર્યના સાક્ષી રુપે મેળવેલો મેડલ  સરકાવ્યો ને તે બોલ્યા હતા, “લે  લેતો જા!”

“હં… હવે હું સમજ્યો પપ્પા, તમે મને કેમ સૈનિક બનવાનું કહો છો તે. હું જરુરથી સૈનિક બનીશ પપ્પા!‘

હું મનોમન બોલ્યો, “ક્યાં હશે એ જીવનદાતા મેજર જનરલ?

****

Leave a Reply to Apurva RughaniCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment