ભીખો મોચી (વાર્તા) ~ અજય વખારિયા
(શબ્દો: ૩૩૦૦)
આજથી ૭૦ – ૮૦ વર્ષ પહેલાની આ વાત છે. ત્યારે, ઓગણીસસો ચાલીસ-પચાસના દાયકામાં, રૂપિયો ગાડાના પૈડાં જેવો હતો. મહિને ૫ રૂપિયા પગારમાં તો આખો દિવસ મજૂરી કરે તેવા મજૂર મળી રહેતા. મહિને ૧૦ રૂપિયા પગારમાં તો ૬-૭ જણનું કુટુંબ આરામથી નભતું.
કણભા જેવા નાના અંતરિયાળ ગામમાં વનમાળીદાસનું ઘર શાખ વાળું ગણાતું. નાની એવી જમીનમાં કુટુંબનું ભરણપોષણ આમ તો માંડમાંડ થતું. હાટડી ભાડાની હતી અને કરિયાણાનો વેપાર પણ ઠીકઠીક ચાલતો. પણ વાણિયો શાખે રળી ખાય, તે ન્યાયે વનમાળીદાસનું ગાડું ગબડતું હતું.
ચાર દીકરામાં સહુથી મોટો, ત્રિભોવન, ઝાઝું ભણ્યો ન હતો. તે ખેતીનું ધ્યાન રાખતો. બીજા નંબરનો બાબુ તેના મોસાળમાં મોટો થતો હતો. ત્રીજો શાંતિ, દુકાનમાં કામ કરતો અને ઘરના નાનામોટા કામો ટાપા-ટઈયા કરતો. નાનો જયંતી, ભણવામાં હોશિયાર હતો અને આ સાલ સ્કૂલ ફાઇનલ (જૂનું ધોરણ ૭) પાસ થયો હતો. વનમાળીદાસે આખા ગામને લાડવા વહેંચ્યા હતા.
અચાનક વનમાળીદાસ ટૂંકી માંદગીમાં ગામતરે ગયા અને વહુ જીવકોર વિધવા થયા. બારમાના દિવસે હાટડીના માલિક ભગાભાઈએ દુકાને આવીને જયંતીને કહ્યું હતું, “તારા બાપાએ ત્રણ વરસથી ભાડું નથી ચૂકવ્યું. તારા ભાઈઓને તો કાળો અક્ષર ભેંસ બરબર છે. તું ભણેલો છે એટલે તને કહું છું. આમેય તારા બાપાને તારા પર બહુ આશા હતી. તો ઘરમાં કહી દેજે કે કાલે દુકાનમાથી તમારો સામાન લઈ જવો હોય તો ભાડાના રૂપિયા ૨૭ ચૂકવી જજો. નહિ તો સામાન નહીં મળે.”
શાંતિ ત્યાં જ હતો. જયંતીએ શાંતિ સામે જોયું અને શાંતિએ હકારમાં માથું હલાવ્યું. જયંતીએ ભગાભાઈને મહિનો રાહ જોવા વિનંતી કરી હતી. ભગાભાઈએ હા તો પાડી, પણ હાટડી ખોલવા માટે પૈસા લઈને આવવાનું કહ્યું હતું.
હજુ બાપાની ચેહ ઠરી ન હતી અને ત્યાં તો ગામના ધારધીર કરનાર કચરાલાલે આવીને ઘર વચ્ચે કહ્યું; “તારા બાપનું મારે ત્યાં રૂપિયા એકસો પચાસ રૂપિયાનુ દેવું છે. આવતા મહિને દેવું ચૂકવી જજો અથવા તમારી જમીન મને વેચી દેજો.” ૭ વીઘા જમીન સાવ ૧૫૦ રૂપિયામાં આપી દેવાની? અને પછી ખાવું શું? ત્રિભુવન અને શાંતિ બેઉએ જયંતી સામે જોયું. જયંતીને તો માથે ચક્કર જ આવી ગયા.
રાત્રે ઘરના બધા ભેગા થયા. જીવકોરબાએ પોતાની બચતના ૮ રૂપિયા ને ૨૦ પૈસા કાઢીને મૂક્યા. ત્રિભોવને પોતાની પત્ની જશોદા પાસેથી લઈને સવા બે રૂપિયા આપ્યા.
બાબુ પાસે તેની અંગત બચતના સાડાત્રણ રૂપિયા હતા. શાંતિના ખિસ્સામાથી આઠ આના નીકળ્યા. જયંતીએ, બાપાએ તે ફાઈનલ પાસ થયો, તેનો સવા રૂપિયો ઈનામ આપ્યું હતું, તે હતા. બધા મળીને કુલ ૧૫ રૂપિયા અને ૭૦ પૈસા થયા. એટલામાં તો ભગાભાઈનું લેણું પણ ચૂકવાય તેમ નહોતું. થોડી ઘણી ઉઘરાણી હતી, પણ હાટડી બંધ થાય, તો તે પણ આવે કે કેમ? તે પ્રશ્ન હતો.
બીજા દિવસે જયંતી ભગાભાઈને ઘેર ગયો હતો અને ૧૦ રૂપિયા આપીને હાટડી ખોલવાની મંજૂરી માંગી હતી. તેમ જ દર મહિને સવા રૂપિયો ચૂકવવાનું ઠેરવ્યું હતું. હાટડીએ શાંતિને બેસાડયો હતો. ત્રિભોવને જયંતીને કહ્યું હતું, કે બાપા દર વરસે કચરાભાઈને ત્યાં કૈંક રકમ જમા કરાવતા હતા. તેમ છતાં, કચરોકાકો ખેતરની ઉપજ માંથી ઘઉં, બાજરી અને એરંડા પણ લઈ જતો હતો.
જયંતી સાંજે કચરાકાકાને ત્યાં ગયો હતો અને હિસાબની વિગત માંગી હતી. ગામ આખામાં મોં-ફાટ તરીકે પંકાયેલો કચરોકાકો બરાડીને બોલ્યો હતો, “જે દાડે ગજવામાં રૂપિયા ૧૫૦ રોકડા હોય ત્યારે આવજે. હું તને હિસાબ દેખાડીશ. આવ્યા છે મોટા હિસાબ જોવાવાળા! બાપાને પૂછીને આવવું હતુંને!”
આજુબાજુવાળા ભેગા થઈ ગયા હતા અને તેમાના જે કોઈ કચરાકાકાના દેવાદાર હતા, તેમણે ટાપસી પૂરી હતી, “ભઈ, કચરોકાકો ખોટું ન બોલે. અને તારા બાપાએ પૈસા લીધા છે, તેની તો અમનેય ખબર છે.”
જયંતીએ રડમસ અવાજે કહ્યું હતું, “હું ક્યાં ખોટું બોલવાનું કહું છું? આ તો બાપાએ અમને કશી વાત નથી કરી, એટલે હું પૂછું છું.” કહી તેણે ઘરની વાટે ચાલતી પકડી.
ત્રણ મહિનામાં તો ધોંસ પડી ગઈ. કચરાકાકાની ઉઘરાણી અને જમીન લખી આપવાનું દબાણ વધતું ચાલ્યું. હાટડીમાં મહિને ભગાકાકાને સવા રૂપિયો આપ્યા પછી માંડ કંઈ બચતું હતું. ઘરમાં બાર મહિનાના દાણાનો જોગ તો હતો, તેથી ખાવાની ખાસ તકલીફ ન હતી. પણ એ સિવાયની વસ્તુઓમાં કાપ મૂકાવા માંડ્યો. એ ત્યાં સુધી, કે થેપાડા અને સાડલાને મોટા થીગડા દેખાવા લાગ્યા હતા.
ગામમાં વનમાળીદાસની ઇજ્જત છોકરાઓએ ઓછી કરી, તેમ લોકો વાતો કરતાં થયા હતા. એવામાં બાજુના પાડોશી મોહનદાદાએ જયંતીને કહ્યું, “માન ના માન, પણ તમારા ઘર પર ગ્રહોની અવળી દશા બેઠી છે. ગામનો શંભુ જોશી આખા પંથકમાં પંકાયેલો છે. ગામ ગામથી લોકો તેને બતાવવા આવે છે. તું જઈને તેને જોશ તો બતાવ. તે રસ્તો કાઢે તો કૈંક તમારો ઉધ્ધાર થાય.” જીવકોરબાનેય આ વાત રુચી હતી. પણ જયંતી તે બધામાં નહોતો માનતો.
એક દિવસ બપોરે ત્રિભોવન ઘરે જમવા માટે આવ્યો, ત્યારે તેણે જયંતીને કહ્યું, “ઘઉં ખળામાં આ અઠવાડિયે લેવાના છે. જોજે, કચરોકાકો આવીને ઊભો રહેશે. ગયા વખતે પણ તે જોર કરીને ચાર બોરી લઈ ગયો હતો.” જયંતીએ હિસાબ માંડ્યો, ‘સવા રૂપિયે મણ ગણો તોયે પૂરા પચીસ રૂપિયા થાય. તેને હિસાબમાં લીધા હશે કે કેમ? ભગવાનને ખબર.’
જીવકોરબાએ અઠવાડિયામાં બે-ત્રણ વાર જયંતીને શંભુ મહારાજને ત્યાં જવા યાદ દેવરાવી. પણ જયંતી, “કાલે જઈ આવીશ.” તેમ કહી વાત ટાળી દેતો. ચોથી વાર જયંતી કંટાળીને જોશી શંભુમહારાજની પાસે ગયો. ઢળતી બપોરની વેળા હતી. શંભુમહારાજ રકાબીમાથી ચાના સબડકા લેતા હતા. બાજુમાં તેમનો પાળેલો કૂતરો ભૂરીયો ભાખરી ચાવતો બેઠો હતો.
“આવ જયંતી, જો આ ભૂરીયો તમારા ઘઉંની જ ભાખરી ખાય છે. માળાને બીજા ઘઉંની ભાખરી ભાવતી જ નથી. આ વખતે એક બોરી મોકલાવી દેજે ને. તારા બાપા દર વર્ષે એક બોરી મોકલતા.” જયંતીને પેટમા ફડક પેઠી, “બાપા આમ ને આમ કેટલાને ઘઉં આપતા હશે?”
“શંભુબાપા, ઘરમાં દશા બેઠી છે. માએ તમારી પાસે ઉકેલ માટે મોકલ્યો છે. બાપાના પાછા થયા પછી લેણિયાત ઘેર ધક્કા ખાય છે. કાઇં સૂઝતું નથી. કાંક જોઈ દ્યો ને.” જયંતી કરગરતો હોય તેમ બોલ્યો.
“હમ્મ. મને હતું જ કે રાહુના છઠ્ઠા ભ્રમણમાં વનમાળી બચે તેમ નથી. પાછો શનિ વક્રી છે અને ઓછામાં પૂરું મંગળની દશામાં કેતુની દશા છે. કોઈ ના બચાવે.” શંભુ મહારાજે પોતાની વિદ્વતા ઝાડી.
“બાપા કાઇંક રસ્તો?” જયંતીથી હાથ જોડાઈ ગયા.
“રસ્તો તો નીકળે. રાહુનું નિવારણ તો આમ કરી દઉં. શનિ માટે હનુમાન ચાલીસાના ૧૬,૦૦૦ પાઠ કરવા પડે. પછ મંગલમાં કેતુનો વારો. અનુષ્ઠાન કરવું પડે.” શંભુ મહારાજે આંખ રમાડતા જયંતી સામે જોયું.
“તો બાપા કરી દો ને! કાઇંક વેળા વળે અને આ ભાર ઉતરે તો જીવતર હખે જીવાય.” જયંતીએ આશા ભરી નજરે જોયું. “એ તો હું હાલ કરી દઉં. પણ, જયંતી, એમાં ખર્ચો થાય. રૂપિયા એકત્રીસ પૂરાનો જોગ કરવો પડે.” જયંતીને તમ્મર આવી ગયા. “આ જોશી દર વર્ષે એક બે બોરી ઘઉં અને એક બે બોરી બાજરી એમ ને એમ લઈ જાય છે અને આજે અમારી જરૂર પડી, ત્યારે પૈસા માંગે છે?”
“બાપા, એટલા પૈસા હોત તો પહેલા ભગાકાકાનું દેવું જ ન ચૂકવત? કાઇંક બીજો રસ્તો કાઢો ને.” જયંતીએ રગરગતા કહ્યું.
“જયંતી, તારા બાપા અને મારા વર્ષો જૂના સંબંધ. એટ્લે તને પાછો નહીં કાઢું.” શંભુમહારાજ બોલ્યા. જયંતીના મુખ પર આશાનો સંચાર થયો.
“જા, રૂપિયા એકવીસ લઈ આવજે કાલે. કાલે ગુરુવાર છે. અભિજિત નક્ષત્રમાં અનુષ્ઠાન લઈશું તો બે મહિનામા તો આખો સમો બદલાઈ જશ.”
જયંતીને ગળે ડૂમો બાઝયો. “બાપા અત્યારે તો બે રૂપિયાના ય ફાંફા છે. તમે હમણાં કરી દ્યો. હું તમને દિવાળીએ ચૂકવી દઇશ.”
“જયંતી, તારા બાપનું તો તમે છોકરાઓએ નામ બોળ્યું. એમ મફતમાં વિધિઓ ન થાય. ઉતર નીચે…! તમારા ભાગ્યમાં પથરો જ લખેલો છે. શંભુમહારાજની જોશીપણાની આણ જાણવી હોય તો માણસા ગામમાં, જમના મહેતાને પૂછી આવજે. પાંચ વર્ષમાં તો બંગલે ઘોડાગાડી ઊભતી થઈ ગઈ છે. પણ એ તો ખડખડતા કલદાર રોકડા એકાવન મૂક્યા, ત્યારે મે શતાન્હિકા મહારુદ્રી કર્યો અને તેનો દિવસ ફર્યો. નહીં તો માથે રૂપિયા ૬,૦૦૦ નું દેવું હતું.”
જયંતીની આંખે આંસુના તોરણ બંધાયા. મા જીવકોર યાદ આવ્યા. તેનું ગરીબડું મો યાદ આવ્યું. “બાપા, એવું ન કરો. છેવટે કોઈ બીજો ઉપાય બતાવો.” કહી જયંતી શંભુમહારાજને પગમાં પડ્યો.
“જા ઊઠ, તારા માટે કોઈ ઉપાય મારી પાસે નથી.” એમ કહી મેડીની બારીએ આવી સાયબાનનું ઝાલર પકડી ઊભા રહ્યા. પછી કૈંક સૂઝયું હોય તેમ ત્રાંસી આંખે જયંતી સામે જોઈ, કરડું મલકાતા વ્યંગમાં કહે, “પંડે ઊંચું વરણ તોયે કોણ જાણે કેમ, તારા બાપાને આ શેરીના નાકે બેસે છે, તે ભીખા મોચી હારે સારી બનતી હતી તો જા, હવે એને જ પૂછ. તારા બાપા એને ત્યાં હાલતા-જતા આવતા’તા. એની પાંહે કાંઈ કહી ગ્યા હોય તો… એ કંઈ રસ્તો બતાવે…. !”
પછી જયંતીને આઘીપાછી સંભળાવી દીધી એના સંતોષ સાથે ખોંખારો ખાઈને કહે, “આવા વરણના માણસો સાથે ઘરોબો રાખે તો ભાગ્ય તો અભડાઈ જ જાય ને..!”
જયંતી ગળતી આંખે શંભુમા’રાજની મેડીએથી નીચે ઉતરી ચાલવા લાગ્યો.
શેરીના નાકે બેઠેલ ભીખા મોચીની ખોલી પાસે જતાં જયંતીથી ધ્રુસકું મૂકાઈ ગયું. ભીખાએ તે સાંભળ્યુ અને જયંતીને ઊભો રાખ્યો. જયંતીએ ભીખાના અવાજમાં સહાનુભૂતિનો સ્પર્શ જોયો અને તે ભીખા તરફ વળ્યો. ભીખાએ મોચી એરણ બાજુમાં મૂકી અને હેતથી પૂછ્યું, “જયંતી, શું થયું? ઘરે સહુ સારાવાના તો છે ને? જીવકોરબા સારા છે ને?” બાપાના મર્યા પછી જયંતી મોકળા મને પહેલી વાર રડ્યો. ભીખાએ ભૂંભલીમાથી પાણી પાયું. જયંતીએ પાણી પીને બધી માંડીને વાત કરી.
ભીખા મોચીએ વાત સાંભળી અને કહ્યું, “જયંતી, હું અને વનમાળી સરખી ઉમ્મરના. અમે બચપણના દોસ્તારો. અમને ખૂબ સારું બનતું. એ એની બધી સારીખોટી વાત મને કરતો. ગામ આખુંય એને મારી ભેળા આવી દોસ્તી રાખવા બદલ મેણાં મારતું પણ અમારા મન ભાઈઓ જેવા મળેલા હતા. તારા બાપાને કચરાનું દેવું ન કરવા મેં સમજાવ્યો હતો. પણ તે ન માન્યો.
તેને એમ હતું કે દિવાળીએ હિસાબ ચોખ્ખો કરી દઈશ. તમારા ભાઈઓના જનમથી માંડીને મોટાના લગન સુધી, દર વખતે તે પૈસા ઉછીના લેતો. કચરો વ્યાજનું વ્યાજ તો ગણતો જ અને પાછું ખળામાથી અનાજે લઈ જતો. વનમાળી ખાનદાન આથી ઈજ્જતનો માર્યો કશું બોલતો નહીં.” ભીખો સહેજ થંભ્યો. એના અવાજમાં ભીનાશ તરતી હતી.
જયંતી હવે અચરજ પામીને, કંઈક દુઃખભર્યા અવાજે બોલ્યો; “બાપાએ મને કંઈક તો કે’વું જોઈતું’તુ, કાકા! આ શંભુ મા’રાજ પાસે ઉપાય ગ્રહદશાનો કરાવવા આવ્યો’તો પણ એમણેય…!” જયંતીના ગળે ડૂમો બાઝ્યો.
“માનવામાં નથી આવતું…! આ શંભુ મા’રાજ… દર વરસે તારા બાપ પાસેથી ખોટા ખોટા આશીર્વાદ અને સારા વરસની વાતો કરીને એક એક બબ્બે બોરી ઘઉં અને બાજરી લઈ આવતા અને આજે…!” પછી સહેજ અટકીને ભીખાએ તેના ખલેચામાથી થોડા કાગળિયાં કાઢ્યા.
“આ લે. વનમાળીએ વરસો વરસનો હિસાબયે લખ્યો છે અને ઘર-જમીનનાં કગળિયાં મને આપી રાખ્યા છે.” સજળ આંખે જયંતીએ કાગળ હાથમાં લીધા. તે તરફ જોયા વગર જ ખિસ્સામાં મૂક્યા. “ ભીખાકાકા, શું કરું? કેની પાસે જાઉં? મારુ કોણ સાંભળશે? મારે અને મારા કુટુંબને કાં જમીન વેચવાનો અથવા કૂવો પુરવાનો વારો છે.”,
“જયંતી, સાવ એવું નથી. હું વનમાળીને ગયે, મહિનો થાત પછી તારી પાંહે આવવાનો જ હતો. દીકરા, હજી કોઈને ખબર નથી કે તમારી જમીન અને ઘર, વનમાળીએ બે વરસ પહેલા તારા નામે કરી દીધાં છે. એને તારા પર બહુ મદાર હતો કે તું ઘરને તારીશ. ઘર-જમીનનાં કાગળિયાં ઘરમાં રાખે ને કોઈનાં હાથમાં આવે તો ભાગના નામે કલહ થાય. આથી જ એણે મને સાચવવા દીધા હતા. ઈ જ મેં તને દીધાં છે, તે વાંચી લેજે અને તારી પાંહે સાચવીને રાખજે.
અરે હા, દલજી તલાટીએ આંઈથી જતાં પહેલાં તેની નોંધ સરકારી ચોપડે પણ પાડી દીધી છે. એટલે ઘર કે જમીન, તારી સહી વિના કોઈ કાળે કચરાશેઠથી વેચાય જ નહીં.” કહી ભીખાએ ઊંડા વિચારમાં હોય એમ આંખો મીંચી દીધી.
થોડીવારે ભીખાએ આંખ ઝીણી કરીને ખોલી, જયંતીને કહ્યું, “જયંતી, ગા વળવાની વેળા છે. પાછું જોયા વિના સીધો ગામના ગાંદરે જઈને ઊભો રહે અને જે મળે તેમાં આ ગામ છોડી જતો રહે. તારે કમાવા બહર જાવું જ રહ્યું, દીકરા. તું આંઈ ની’ હોય તો કચરો ગમે ઈટલા ધમપછાડા કરહે, પણ તારા ઘર કે જમીનનું કાંઈ કરી હકશે નં’ઈ! અને જો દીકરા, કોઈનેય જાણ કરાવવા ના રે’તો. –
+——-
તારા ભાઈઓ અને મા તો ભોળાં છે. ભૂલમાંય કોઈનાયે મોંમાંથી વાત નીકળી જાશે તો આ કચરો, ભગો ને શંભુ મા’રાજ એમને જીવવા નં’ઈ દે. ઈ ભલે હૌ તને ગોતતા ફરતા રે, તોયે તારું ઘર અને જમીનને હાથ હો નંઈ અડાડી હકે..! જા દીકરા જા, આ ગામના અંજળપાણી પૂરા થયા. હવે કમાઈ લેને, તોયે બે દિવાળી પહેલાં તો પાછો વળતો નંઈ! મારો વ્હાલો દ્વારકાધીશ સહુ સારાવાના કરશે.”
કોણ જાણે કેમ, જયંતીને જાણે ઝનૂન ચડ્યું હોય તેમ તેણે રીતસરની ગાંદરા તરફ લગભગ દોટ મૂકી. ગાંદરે વડ નીચે જઈને ઊભો. થોડી વાર એમ ને એમ ઊભો ત્યાં દૂરથી ગાડું આવતું દેખાયું. નજીક આવ્યું ત્યાં ગાડામાં પાછળ કાંસાના વાસણ, થોડા સામાન ભરેલા કોથળા અને પાછળ ખડ બાંધેલું દેખાયું.
ગાડું લાંબે જવાનું હશે એટલે બળદ માટે ખડ લીધું હશે. ગાડાવાળાને જયંતીએ હાથ લાંબો કરી, રોક્યો. “ભાઈ, કેની મેર?” ગાડાવાળાએ નીચે ઉતરી, બળદની રાશ હાથમાં લઈ, ગાડું વડ નીચે લીધું. “જવું તો માણસે, અમરત હરગોવનની પેઢીનો માલ છ.” કહી, બળદને પૂળા નાખ્યા. “આવવું છ તમાર?”
“ભાઈ, આવવું તો છે, પણ..” કહી જયંતી અટકી ગયો. ગાડાવાળો ઝીણી આંખે જયંતીને જોઈ રહ્યો. “બાપા, વાણિયાનું ઘરું લાગો સો. ચિંતા નૈ. રાત વાત કરતાં કરતાં ઓમ વીતી જાહે. એક થી બે ભલા. જે દાડે જોગ થાય ત્યારે એક આનાનું ચણ ચબૂતરે નોખજો.”
બળદ ખાઈ રહ્યા એટલે હવાડેથી પાણી પાઇ, ગાડાવાળાએ જયંતીને સાથે લઈ, માણસાની વાટ પકડી. જયંતીએ રસ્તે આપવીતી કીધી. ગાડાવાળો સાંભળતો રહ્યો. “ભઈ, કળજગ એમનેમ કીધો છ? પણ મારો વાલો ભોળિયો બધાયના દુખડા દૂર કરવા બેઠો છ. હવારે અમરતકાકાની પેઢીમોં હું વાત કરે અન તમારો મેળ પડ તો ભયો ભયો. મુ તો આ ગાડું માલસોમોન લાબબા લઈ જવા રાખ્યું સ. મારુ ગજું તમન કોમ આલવાનું નૈ.”
રાત વધતી હતી, બારસનો ચંદ્ર રસ્તે અજવાળું કરતો હતો. સહેજ ઠંડો પહોર થયો અને જયંતીને ઝોકા ચડ્યા એટ્લે, ગાડાવાળએ જયંતીને પાછળ કોથળા પર સૂવાડી દીધો. ગાડું ઊભું રહ્યું એટ્લે જયંતીની આંખ ખૂલી અને જોયું તો ભળભાંખળું થયું હતું.
ગામના રસ્તા પર થોડે દૂર ગાડું બાજુમાં ઊભું કરીને ગાડાવાળએ, બાપ્પો, બાપ્પો કહી બળદને પસવાર્યા. જયંતીએ નીચે ઉતરી જોયું તો માણસા જવાનો રસ્તો દેખાયો. તે એકાદવાર બાપા સાથે માણસે આવ્યો હતો એ તેને યાદ આવ્યું. ગાડાવાળાએ ગાડા નીચે બાંધેલી પછેડીમાથી કળશ્યો કાઢી જયંતીને આપ્યો. પાછળના ખેતર તરફ ઈશારો કર્યો. “શેઠનું સ.”
નવ વાગતા સુધીમાં તૈયાર થઈને ગાડું લઈને જયંતી અને ગાડાવાળો દુકાને પહોંચ્યા. નોકર હેમતાજીએ દુકાન ખોલી અને ગાડાવાળો પહોંચ્યો. “એ જય દ્વારકાધીશ!” હેમતાજી સહેજ ચમક્યો. “એ જય દ્વારકાધીશ. તું આટલો વહેલો ચ્યોંથી પુગ્યો?” જયંતીએ જોયું, કે એક ઘરાક જે ત્યાં ઊભું હતું, તે કશું લીધા સિવાય જતું રહ્યું.
“બાપા, શેઠે કહ્યું’તું એટલ રાત માથે લીધી.” ગાડાવાળા સાથે વાત થતી હતી, તે વખતે શેઠ આવ્યા. ગાડાવાળાએ શેઠની મુલાકાત જયંતી સાથે કરાવી. શેઠને વનમાળીદાસની આછી પાતળી ખબર હતી. વનમાળીદાસ એકાદવાર તેમની પાસેથી માલ લઈ ગયા હતા, તે યાદ આવ્યું,
શેઠે જયંતીને પૂછ્યું, “આણી કોર કેમનું આવવા થયું?” જયંતી રડી પડ્યો અને આપવીતી કહી. અને પછી શેઠ પાસે કામ માગ્યું.
“જો, ભઈ કામ તો છે પણ મને કોઈ હાથનો ચોખ્ખો, વિશ્વાસુ માણસ જોઈએ છે. તું વનમાળીનો દીકરો, ને એય ખાનદાન ઘરનો છે. મારીય ઉંમર થઈ. શેઠાણી તો મોટા ગામતરે ગયા. મારે કોઈ દીકરો કે દીકરી નથી. ઉઘરાણી અને માલની ખરીદી કરવાનું કામ કરીશ તો મહિનાના ત્રીસ રૂપિયા દઈશ અને પેઢીમાં રે’વાનું ને ખાવાપીવાનું. મંજૂર હોય તો ર’ઈ જા.”
જયંતી તો શેઠના પગમાં પડી ગયો…!
******
આમ ને આમ બે દિવાળી વીતી ગઈ.
એક દિવસ, કણભા ગામમાં એક જીપ આવીને ઊભી રહી. તલાટી અને સરપંચને બોલાવ્યા. શાળાના ત્રણ ઓરડા નવા કરાવવા માટે મુખ્ય શિક્ષકને બોલાવી લીધા. ગામ ભેગું થઈ ગયું.
સરપંચથી ન રહેવાયું, “શાએબ, આ શું સરકારી યોજના સ?” જીપમાથી ઉતરેલા અધિકારીએ કહ્યું, “સરકારશ્રીની 50% ભાગીદારીની ગ્રામ વિકાસ યોજનામાં તમારા ગામના અને હાલ અમદાવાદ રહેતા શેઠ જયંતીલાલ વનમાળીદાસે રૂપિયા ૧૧૦૦નું અનુદાન કર્યું છે. તેથી અમે અહીં મોજણી માટે આવ્યા છીએ.” ગામમાં ભલકારો થઈ ગ્યો. વનમાળીદાસનો જયંતી? અમદાવાદમાં શેઠ?
ગામ ઘેલું થઈને જીવકોરબાના ઘેર દોડ્યું. કચરોકાકો ધોતિયું પકડીને દોડ્યો. ભગાકાકાએ દુકાનની ચાવી લઈ દોટ મૂકી. જીવકોરબાના ઘર આગળ તો માણસ માય નહીં તેમ થઈ ગયું. જીવકોરબાએ તો દીકરાની આશા જ મૂકી દીધી હતી.
કચરાકાકાએ તલાટીને ખૂબ વિનંતી કરી હતી, કે જયંતી મરી ગયો હશે, તેની વારસાઈમાં ત્રણ ભાઇઓ અને જીવકોરને દાખલ કરી દો. એટલે તેમની જમીન હું તેમના દેવા પેટે વાળી લઉં. તલાટીને આંખ મિચકારી ચા-પાણીના પૈસા આપવાનું કર્યું.
પણ આ તલાટી માથા ફરેલ હતો. એ કહે, “જયંતીના મરણનો દાખલો લાવો તો જ આ કામ થાય.” કચરો મનમાં ને મનમાં ધૂંધવાતો અને શાંતિ તથા ત્રિભુવનને પૂરી જમીન ખેડવા ન’તો દેતો. ત્રણ મહિનાથી ભગાકાકાકાએ પણ દુકાનની ચાવી લઈ લીધી હતી. છેલ્લા ત્રણ મહિનાથી શાંતિ સવા સવા રૂપિયો આપવામાં પાછો પડ્યો હતો.
“હું તો કહેતો’તો જ, ક જ્યોન્તો પાસો આવશે.” એક હરખપદૂડો જોરજોરથી બોલતો હતો.
કચરાએ ડોળા કાઢીને કીધું, “ડફોળ, જયંતીલાલ શેઠ કે’.” પછી તરત ત્રિભુવનને કહ્યું. “તિભા, તું ચિંતા ના કરતો. તારો કચરોકાકો બેઠો છે, ત્યોં હુધી તમારી જમીનને કોઈ હાથ નહીં લગાડી હક. તુંય તારે પૂરી જમીન ખેડજે હોં. આપણે તો ઘરની જ વાત છે. અને હા, તારે જેટલા રૂપિયા જ્યાર જુવ ત્યાર લઈ જજે. પસ એ તો જયંતીશેઠ જોડ મુ હિસાબ કરી લ્યો.” કહી કચરોકાકો હાથ જોડીને જીવકોરબા સામે જોઈ રહ્યો.
ભગાકાકાએ શાંતિને દુકાનની ચાવી આપી અને હેતથી કહ્યું, “જે થયું, તે ભૂલી જજો. શેઠને વાત ન કરતાં. દુકાનમાં સામાન ખૂટતો હોય તો મને કે’જો. હું ભરી આલીશ.” હાથમાં ચાવી તો આપી, ઉપરથી બે રૂપિયા પણ મૂક્યા. શાંતિ આશ્ચર્યથી જોઈ રહ્યો.
“અરે હું વાત કરો છો! જયંતીલાલ છેલ્લે મારા આશીર્વાદ લઈને ગયો’તો. પાછળ મે અનિષ્ઠાન કર્યું તે એનું પરિણામ આ આયુ. મે હજુ તેના પૈસાય નથી લીધા. ઘરનો છોકરો હોય તે પૈસા વે’લા મોડા આપી જાય. પણ એનું કામ થોડું રોકાય?” શંભુ મહારાજ ઠાવકા થઈને બોલતા હતા.
ગામમાં બધાને ખબર હતી, કે જયંતી છેલ્લે શંભુ મા’રાજને જ મળવા ગયો હતો. શંભુ મહારાજથી અભિભૂત થઈને ગામના લોકો જોતાં રહ્યાં.
***
બે દિવસ પછી પોલીસ પટેલની જીપ આવીને કચરાકાકાના ઘર આગળ ઊભી રહી. પાછળ બીજી એક શાનદાર ગાડીમાંથી કોટપેન્ટ પહેરેલો ફૂટડો નવજુવાન નીચે ઉતર્યો. ગામમાં કૌતુક ફરી વળ્યું.
“અરે જયંતીલાલ શેઠ, મારા વા‘લા, ઑમ એકદમ? કહાયું હોત તો, ગોમ સોમૈયું કરોત ન!” કચરાકાકા ધોતિયું સંકોરતા દોડ્યા. આંગણે ખાટલો પાથરી, ઉપર નવી નકોર તળાઈ મૂકી. “પધારો, પધારો, શેઠ! મારુ ઓંગણું પાવન થ્યું.”
“કચરાકાકા, હું હિસાબ માટે આવ્યો છું. તમે કહ્યું હતું, એટલે પૈસા લઈને આવ્યો છું. હવે મારો હિસાબ કાઢો.” જયંતીનો આત્મવિશ્વાસસભર અવાજ ગુંજી રહ્યો.
“અરે શેઠ, હિસાબ તો પછીય થશ. પે’લા ચા-પોણી તો કરો. અલી મધલી, ચા મેલ. અન તારી બા ન કે’ ક જયંતીલાલ શેઠ આયા સ.” મધુ, કચરાકાકાની દીકરી બારણે ડોકાઈ અને જયંતી સામે જોઈ રહી.
“કાકા, હું ચા-પાણી કરવા પછી આવીશ. આ પોલીસ પટેલને બીજું ઘણું કામ છે. મારા પિતાનો હિસાબ કાઢો અને જમા ઉધારની વિગતે છેલ્લો હિસાબ મને જોવા દો. આજે તમારા હિસાબના રૂપિયા-આના-પાઇ ચોખ્ખા કરીને દેવું ચૂકતે કરવું છે.”
કચરાકાકાએ થૂંક ગળીને વિવેકપૂર્ણ અવાજમાં કહ્યું, “શેઠ, ઇમ હું જમ-ઉધાર કરવા’તા? તમારા બાપાએ અને ઇમના પછ તિભાએ જે અનાજ આલ્યું છ, એ હિસાબે સરભર થાય છ. મી પ’મ દાડે જ હિસાબ કર્યો’તો. આજ મુ તિભાભાઈ ન કે’વા જ જવાનો હતો.”
“તો લ્યો. આ સ્ટેમ્પ પેપર અને પેન અને નીચે સહી કરી આપો, તારીખ સાથે.” પોલીસ પટેલે સ્ટેમ્પ પેપર અને પેન આગળ કરીને કચરાકાકાને ધરતાં કહ્યું,
“શું લખ્યું છે આમાં?” કચરાકાકાએ ધ્રૂજતા હાથે પેપર પેન હાથમાં લઈને વાંચવા માંડ્યું.
“હા, હા. વાંચી લ્યો. આમાં એ જ લખ્યું છે કે હિસાબ-રૂપિયા-આના પાઇ સાથે ચૂકતે છે અને કશું લેવાનું રહેતું નથી અને તમારો કોઈ હક જયંતીશેઠની જમીન પર આજથી રહેતો નથી અને બધો હિસાબ કુલ ચૂકતે છે.”
પછી ખોંખારો ખાતાં કહે, “બીજા કંઈ હિસાબ જોવાના છે તો હમણાં જ કહો, કચરા શેઠ. ચાલો, જલદી વાંચીને સહી કરી દ્યો.” પોલિસ પટેલનો કરડો અવાજ સાંભળીને કચરાકાકાના કાનમાં તમરા બોલવા લાગ્યા. એટલીવારમાં તો ગામ ભેગું થઈ ગયું હતું. કચરાશેઠે સહી કરવા માંડી.
પોલિસ પટેલને ત્યારે જયંતી કહે, “સાહેબ, તમે કચરાકાકા પાસેથી બરાબર સહી અને તારીખ લખાવીને આવજો. તો ચાલો કાકા, હવે આપણી લેણદેણ પૂરી છે આજથી. રામરામ.”
અને ગાડીમાં બેસીને જયંતી ઘેર જવા નીકળી ગયો..!
***
જીવકોરબાનેય પહેલેથી સમાચાર પહોંચી ગયા હતા. બારણે મોટા ભાભી હાથમાં કંકુ, ચોખા અને દીવો લઈ, દિયરને પોંખવા ઊભા હતા. જીવકોરબાની આંખમાથી અશ્રુની ધારા વહી રહી હતી. ગાડીમાથી ઉતારી, જયંતી જીવકોરબાને પગે પડ્યો.
બાએ દીકરાના દુઃખડા લીધાં અને કહ્યું, “દીકરા, તે કુળનું નામ ઉજાળ્યું.”
ભાભીએ કંકુ ચોખાથી દિયરને વધાવ્યો. ત્રિભોવન, બાબુ અને શાંતિ જયંતીને રીતસર વળગી પડ્યા.
“બા, મને માફ કરજે. બે વરસ માટે હું કંઈ પણ કહ્યા-કારવ્યા વિના જતો રહેલો અને તમારી સંભાળ ન લઈ શક્યો. પણ હવે ઘરમાં તો નહીં, પણ ગામમાં ય કોઈને દુઃખ નહીં પડે.” જયંતી ભરેલા ગળે બોલ્યો.
પાછળ ગામવાળાઓએ આ સાંભળ્યુ અને “ જયંતીલાલ શેઠનો જય.” જયજયકાર કર્યો.
જયંતી બા સામે ફરી બોલ્યો, “બા, મારે હજુ મારા તારણહારને વંદન કરવા જવું છે. ચાલો, મારી સાથે.” જયંતીની ગાડીમાં બા સાલ્લો સંકોરીને અચકાતાં અચકાતાં બેઠા. આગળ દોડીને બાબુ અને તિભો બેસી ગયો. બાની બાજુમાં શાંતિ બેસી ગયો.
ગાડી શંભુ મહારાજની શેરી બાજુ ચાલી. ગામવાળાને અણસાર આવી ગયો કે જયંતી, શંભુ મહારાજને પગે પડવા જાય છે. ગાડી શેરીના નાકે ઊભી રહી. શંભુ મહારાજે મેડી પરથી આ જોયું અને તેઓ નીચે ઉતરીને આંગણાંમાં ઊભા રહ્યા. તેમનું મોઢું ગર્વથી ઊંચું થઈ ગયું હતું અને હસું હસું થઈ રહ્યું હતું.
પણ આ શું? ગાડીમાથી જયંતી નીચે ઉતરીને, શંભુ મા’રાજ સામે જોયા વિના, એમની ડેલી વટાવીને બાજુમાં જ, ભિખાકાકાની પાસે ગયો. કોટ પેન્ટની પરવા કર્યા સિવાય, તેણે ભીખાકાકાના ચરણસ્પર્શ કર્યા. પાછળ આખું ટોળું અવાક્ થઈ ગયું. જયંતી ઊભો થયો. ભીખાકાકાને ભેટી પડ્યો. ભીખોકાકો પોતાના દેદારને સંકોરતો પાછો ખસતો હતો.
જયંતીએ ગાડીમાં બેઠેલી અને સ્તબ્ધ થઈને જોઈ રહેલી બાને કહ્યું, “બા, આ છે આપણાં તારણહાર! છેલ્લે હું એમને મળીને, એમની જ સલાહ પ્રમાણે, ઓચિંતો ગામ છોડીને ગયો હતો.”
ગામ લોકો સ્તબ્ધ બની જોઈ રહ્યા. શંભુ મહારાજ ધીમે રહી, પોતાની મેડીએ જતા રહ્યા.
~ અજય વખારિયા
ખૂબ સરસ વાર્તા
અત્યારે પણ આવા ભીખો મોચી જેવા માણસો તારણહાર બની સલાહ આપી જાય છે..
આભાર! લખવાની શરૂઆત કરી, તે સમયની વાત છે.