ડૉ. રઈશ મનીઆરના નવા ગઝલસંગ્રહ “કેવળ સફરમાં છું”ની સફરે ~ અધ્યાય ૧ થી ૮ ~ દીર્ઘ અભ્યાસલેખ / અવલોકન ~ ડૉ. સૂરજ કુરિયા

(કુલ શબ્દો: ૬૩૪૭)

હાલમાં આદરણીય કવિશ્રી રઈશ મનીઆરનો ચોથો ગઝલસંગ્રહ ‘કેવળ સફરમાં છું’ પ્રગટ થયો. મારા જેવા અનેક શિબિરાર્થીઓને ગઝલનો પંથ ચીંધીને દરેક પગલે દિશાસૂચક બોર્ડ બનીને ગઝલના સાચા માર્ગે દોરી જનાર આદરણીય શ્રી રઈશ મનીઆરના નવા ગઝલસંગ્રહ ‘કેવળ સફરમાં છું’ માંથી પસાર થવાનું થયું.

શિષ્ય માટે ગુરુનું સર્જન હંમેશા ઉત્કૃષ્ટ જ હોવાનું એ સહજ લાગે પણ રઈશ સરે જે રીતે નવોદિતોને કેળવ્યા છે એમાં દરેક લખાણને સભાનતાથી જોવાની કેળવણી સમાવિષ્ટ છે.

કોઈની આજ્ઞાને અનુસરવાનું યોગ્ય જ ગણાય, પરંતુ આજ્ઞાધીનતામાં જડતા ન આવી જાય એ માટે સજાગ રહેવા સતત પ્રયત્નશીલ રહેવું.

દરેક વાતને વગર વિચાર્યે ન સ્વીકારવી, તેમ દલીલ ખાતર અસંમતિ પણ ન દર્શાવવી. કોઈથી અંજાઈને અભિભૂત થવાનું કે કોઈને તુચ્છ ગણી અવગણવાનું એમની ટેક્સ્ટ બુકમાં જ નથી. આ બંને વાતોને એક શેરમાં રજૂ કરતા કહે છે કે…

કંઈ અંધકારથી જ સમસ્યા નથી તમામ
અંજાઈ જાય આંખ ઘણીવાર તેજથી

ઉપરોક્ત બાબતનું ધ્યાન રાખી કવિશ્રીના નવા ગઝલસંગ્રહ ‘કેવળ સફરમાં છું’ની સફરે લઈ જવાની નમ્ર કોશિશ કરું છું. આશા છે આપ સૌને પસંદ આવશે.

ડૉ. સૂરજ કુરિયા અને રઈશ મનીઆર

ગઝલસંગ્રહમાંથી પસાર થતી વખતે ગમતા શેરને અલગ તારવી રાખ્યા. કુલ ૧૧૩ ગઝલોમાંથી આવા ૨૩૯ શેર મળી આવ્યા. એક ગઝલસંગ્રહમાંથી આટલા બધા શેર મળી આવે એવું પહેલી વખત થયું.

બધા જ શેરનો સમાવેશ અહીં શક્ય નહોતો. આથી અમુક વિષયવાર ગ્રુપ બનાવી ગ્રુપ દીઠ ૧૫-૨૦ જેટલા શેર આવે એવી ગોઠવણી કરી. એમાં કેટલાક ગમતા શેર બાકાત રાખવા પડ્યા. સરળતા ખાતર દરેક શેરના ગ્રુપને એક અધ્યાય તરીકે વર્ણવી વિષય અનુરૂપ અધ્યાયનું નામ આપવા કોશિશ કરી છે.

નીચે મુજબના ૮ અધ્યાય આપણે આગામી લખાણમાં જોઈશું.

અધ્યાય ૧: સફર
અધ્યાય ૨: સફળ
અધ્યાય ૩: ભાવ-અભાવ
અધ્યાય ૪: જીવન
અધ્યાય ૫: માનવ-ધર્મ
અધ્યાય ૬: મન
અધ્યાય ૭: અસ્તિત્વ
અધ્યાય ૮: ગઝલ 

અધ્યાય ૧: સફર 

શરૂઆત કરીએ ચોથા ગઝલસંગ્રહના નામથી. આ ગઝલસંગ્રહના નામકરણ બાબતે પ્રસ્તાવનામાં કવિ એમના ચારેય ગઝલસંગ્રહની સફર વિશે જણાવતા કહે છે…

“કાફિયાનગરની (કાફિયાનગર: પ્રથમ ગઝલસંગ્રહ) મુગ્ધતા વટાવીને, ખામોશીના (શબ્દો મારા સ્વભાવમાં જ નથી: બીજો ગઝલસંગ્રહ) પડાવથી આગળ નીકળીને, અલખની સફરથી (આમ લખવું કરાવે અલખની સફર: ત્રીજો ગઝલસંગ્રહ) પરત ફર્યા પછી હવે ક્યાંય પહોંચવાનું રહેતું નથી. પણ સ્થિતિમાન રહેવા કરતાં ગતિમાન રહેવું હમેશાં ફાવ્યું છે. પણ ગતિ હવે ક્યાંય પહોંચવા માટે નથી.”

સ્થિતિમાન કરતાં ગતિમાન રહેવા પસંદ કરતા કવિ આમ તો સફર/ પ્રવાસ/ ટ્રાવેલ વગેરેના શોખીન છે. પ્રમાણમાં ઓછા પ્રસિદ્ધ સ્થળો એ સફર કરવી એમને ગમે છે. સફરના શોખીન કવિની ગઝલોમાં સફરનો ઉલ્લેખ આવે એ સ્વાભાવિક છે.

આખા ગઝલસંગ્રહમાં અલગ-અલગ ૧૧ જગ્યાએ એમણે સફર શબ્દનો ઉલ્લેખ કર્યો છે. પણ દરેક શેરનો સફર શબ્દ આપણને અલગ-અલગ વિચાર-વિશ્વમાં લઈ જાય છે. પ્રથમ અધ્યાય ‘સફર’ના કેટલાક શેર જોઈએ:

કેવળ સફરમાં છું, હું હરીફાઈમાં નથી
રસ્તે ઘણું સરસ છે, જે સરસાઈમાં નથી
*
સાચી મજા સફરની મળી એ ઘડી મને
જ્યારે ગતિનું કોઈ પ્રયોજન રહ્યું નહીં
*
સ્વર્ગ મળશે, પણ સફરને અંતે નહીં
વચ્ચે સ્ટેશન નાનું સરખું આવશે
*
ચાલું છું, પણ સફરમાં જરા છું, જરા નથી
છું કેદ, તોય ઘરમાં જરા છું, જરા નથી.

કવિએ આગળ કહ્યું એમ અલખની સફરથી આગળ હવે ક્યાંય પહોંચવાનું નથી અને ગતિમાન હોવા છતાં એ ગતિ ક્યાંય પહોંચવા માટે નથી. કવિ મંઝિલે પહોંચવા માટે ઉતાવળ કે હરીફાઈ કરવા કરતા સફરમાં આવતા નાના નાના સ્ટેશનોને માણવામાં જ સફરની યથાર્થતા સમજે છે.

તાપ ઝીલ્યાથી જ ખેડાશે સફર?
છોડવા માટે જ છે શું છાંયડા?
*
મુશ્કેલ પથ કરાવે અનુભવ મરણ સમો
સહેલી સફર જો રાખીએ, જીવી શકાય નહીં.
*
હોય હોડી તો હલેસાંનીય ચિંતા
આપણે માંડી સફર નૌકા વગરની

ઉપરોક્ત શેર-ગુચ્છમાં કવિ સફરમાં મુશ્કેલીઓની અનિવાર્યતા અને સફર-માર્ગ પસંદ કરવાની વિટંબણા છતી કરે છે. સહેલો કે મુશ્કેલ બંને માર્ગો ખરાબ અનુભવમાં જ પરિણમે છે. પણ ત્રીજા શેરમાં સફરને ઓલિયા ફકીરની જેમ ભાર વગરની રાખવાથી એ આસાન બની શકે છે એવું પણ દર્શાવે છે.

ઘડપણમાં ઇચ્છા થાય છે, બાળક બનું ફરી
વય; એક ચક્રાકાર સફર હોવી જોઈએ
*
નાવ કાગળની હતી,
પણ પાર ઊતરી ગઈ, ‘રઈશ’!
પાડ માનો, કે હતી
આખી સફર મૃગજળ ઉપર

વળી, કવિ ઘડપણમાં જોવા મળતી વિવિધ બાલ્ય-ચેષ્ઠાઓને ધ્યાનમાં રાખતા જીવન-સફર એ એક ચક્રાકાર સફર હોવાનું અનુમાન કરે છે. કાગળની નાવ અને મૃગજળના દ્રષ્ટાંત વડે નાશવંત શરીર દ્વારા આ મિથ્યા જગતને પાર ઉતરી જવાની ઘટનાને શબ્દસ્થ કરે છે.

નાનાની મૂડીથી વધુ મોટાની હો મિલકત
મોટાની સફરથી ચડે નાનાનો અનુભવ

સમાજમાં જોવા મળતી આર્થિક અસમાનતાને ધ્યાનમાં રાખતા મોટા માણસની મિલકત અર્જિત કરવાની સફર કરતા નાના માણસના અનુભવોની સફર વધારે ચડિયાતી દર્શાવીને કવિ માનવમાત્રની અલગ-અલગ ક્ષેત્રમાં ઉચ્ચતા સાબિત કરે છે.

અહી કવિ સમાજની નાના-મોટાની પરિભાષાથી દૂર રહી વ્યક્તિમાત્ર સન્માનથી જોવાય એમ ઇચ્છતા હોય એવું લાગે છે.

જુઓ હું મારા દિલથી છેક
એના દિલ સુધી પહોંચ્યો
સફર તો થઈ, રખે!
એને કોઈ ટૂંકી સફર સમજે!

આગળના દસ શેરોમાં કવિ એ સફરનો ઉલ્લેખ વિવિધ અર્થમાં કર્યો છે. અહી છેલ્લે ગઝલનો મૂળ મિજાજ પ્રેમ-સફર શેરમાં ઉતારતા દિલથી દિલ સુધીની ટૂંકી તો ટૂંકી સફર ખેડવાનો આનંદ વ્યક્ત કરે છે.

હજુ ગઝલસંગ્રહમાં ‘સફર’ની ‘સફર’ પૂરી થતી નથી. સંગ્રહમાં એવા અનેક શેર છે જેમાં ‘સફર’ શબ્દનો ઉલ્લેખ ન હોય પરંતુ ‘સફર’નો મૂળભૂત વિચાર એમાં વ્યક્ત થયો હોય. કેટલાક એવા શેર જોઈએ:

સાથી બની-બનીને જોડાય જે શરૂમાં
યાત્રામાં એ જ સઘળા આખર બહુ નડે છે
*
પાણી ધરી વિસામે મને કોઈએ કહ્યું,
ટ્રાવેલથી નહીં, તું તો થાક્યો લગેજથી

યાત્રા અને ટ્રાવેલ જેવા સમાનાર્થી શબ્દો વાપરીને કવિએ અહી સફરની વાત કરી છે. આગળના એક શેરમાં ભાર વગરની સફરની વાતને આગળ વધારતા કવિ કહે છે કે મુસાફરને ટ્રાવેલ કરતાં લગેજનો થાક વધારે છે. પણ કમનસીબે લગેજ આપણાથી છૂટતો નથી.

જ્યાં જવું હો ત્યાં જ પહોંચો તો મજા શી?
પૂર્વનિશ્ચિત હો પડાવો તો મજા શી?
*
અંતે એના નામથી નકશા બન્યા છે
ખેપ જેણે આદરી નકશા વગરની
*
અમસ્તાં અમસ્તાં અમસ્તાં જવું છે
હવે જ્યાં લઈ જાય રસ્તા જવું છે
*
મનની મનમાં રહી ગઈ મંઝિલ
જીવન વીત્યું રસ્તા સાથે

કવિને કોઈ પૂર્વનિર્ધારિત મંઝિલ રુચતી નથી. જે આનંદ આકસ્મિકમાં છે એ પૂર્વનિશ્ચિતમાં નથી.

કોલંબસ જેમ નકશા વગર ભારતની શોધમાં દરિયાઈ સફરે નીકળ્યો હતો એનું નામ આજે અમેરિકાની શોધ માટે લેવાય છે. સાવ અમસ્તા જ રસ્તા જ્યાં લઈ જાય ત્યાં જવામાં કદાચ મંઝિલની આશા મનની મનમાં રહી જાય તો પણ રસ્તા સાથે જીવન વિતાવવાની મજા છે.

હવે આપણે અહી સફર, યાત્રા, ટ્રાવેલ, ગતિ, પથ, સ્ટેશન, પડાવ, નકશા, રસ્તા અને મંઝિલનો “સફર-અધ્યાય” પૂર્ણ કરીએ.

અધ્યાય ૨: સફળ 

સફર-અધ્યાય બાદ ગઝલસંગ્રહનું બીજું સબળ પાસું છે “સફળ-અધ્યાય”. સફળતાના શિખરે પહોંચેલો વ્યક્તિ સફળતા વિશે બોલે એના કરતા એને મળેલ સફળતા પહેલા એના દ્વારા જ લખાયેલા વિચારોને આચરણમાં મૂકે એ વધુ સરાહનીય છે.

કવિ પ્રસ્તાવનામાં કહે છે કે એમણે ક્યારેય ગઝલ સિદ્ધિ-પ્રસિદ્ધિ, ઉપલબ્ધિ કે દાદ મેળવવાના હેતુથી લખી નથી. આ વાસ્તવિકતા સાથે મારા જેવા નવોદિતો સહિત અનેક સિદ્ધહસ્ત કવિઓ પણ સંમત થશે. ગઝલ દ્વારા મળેલી સિદ્ધિને એમણે હંમેશા ઉપપેદાશની જેમ જ જોઈ છે.

પ્રસિદ્ધિ વિશે વાત કરતાં કવિ કહે છે કે ‘ખ્યાતિની અભિલાષા એવો પોશાક છે જે જ્ઞાની પુરૂષો પણ છેલ્લે જ ઉતારે છે.’

આવો જોઈએ આ અધ્યાયમાં સફળતા, સિદ્ધિ-પ્રસિદ્ધિ, સન્માન, વિશેષતા વિશેના કેટલાક શેર:

સફળતા, ‘રઈશ’, કાચની પૂતળી છે
છતાં ભેટવા સૌને ધસતાં જવું છે!
*
આ સફળતા, આ વ્યર્થ સમૃદ્ધિ
કોઈ દુશ્મનનો કારસો જ ન હો!
*
બે પળ વિશેષ થઈને અમે એ કળી ગયા
સામાન્યતામાં છે, એ વશેકાઈમાં નથી

સફળતાને કાચની પૂતળી જેવી નાજુક અને ધારદાર છે એ ખબર હોવા છતાં બધા એને ભેટવા ઉત્સુક છે. કવિને સફળતા અને સમૃદ્ધિ દુશ્મનનો કારસો હોય એવી પણ ક્યાંક ભીતિ રહેલી છે. વિશેષતાનો ભાર ઘડીભર માટે પણ આવતા જ કવિ સામાન્યતાની કિંમત સમજાય છે.

તું સફળ છે, કોણ કહેશે સત્ય તુજને?
મંડળી મળશે ને ‘હા જી હા’ જ કહેશે
*
સાંભળવો હોય તારે અગર સત્યનો અવાજ
તાળી-તમાશા.. ઢોલ-નગારાથી સાવધાન 

મુન્શી પ્રેમચંદજી એમની નવલકથા રંગભૂમિમાં કહે છે કે ‘सफलता में दोषों को मिटाने की विलक्षण शक्ति है।’ સફળ વ્યક્તિ માટે સત્ય હંમેશા બે હાથ છેટું રહી જાય છે. એ સત્યના અવાજને સાંભળવા માટે કવિ આવી ક્ષુલ્લક સફળતા કે સિદ્ધિ-પ્રસિદ્ધિથી સાવધાન રહેવા કહે છે.

આ નામ-દામ-કામનો ઢગલો ઉલેચતાં
માલમ પડ્યું: હું ક્યાંય કશામાં હતો જ ક્યાં!
*
નામ પોતે એક વળગણ છે, ‘રઈશ’!
કોઈ છોગું નામની આગળ ન માંગ
*
જો ગઝલમાં છાપ હું છોડી શકું
હું નીચે લિખિતંગમાં રહેતો નથી

નામ, દામ અને કામ કમાવાની લ્હાયમાં વ્યક્તિ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ગુમાવે છે. કામ અને દામથી કમાયેલા વિશેષણો તો વળગે જ છે પણ જન્મથી મળેલું નામ એ પણ એક વળગણ જ છે.

આપણે વળગણના પણ વળગણ વળગાડીને બેઠા છીએ. વળગણની આંધળી દોડ અટકાવવા કવિ કહે છે કે મારા સર્જનમાં ફક્ત છાપ છોડીને નીચે લિખિતંગમાં નામ લખવાની અપેક્ષા હું રાખતો નથી.

પાઘડી હોય માપસરની તો
શિર ઉપર એ તો આપોઆપ રહે
*
પાત્રતા કરતાં વધારે જળ ન માંગ
પર્ણતા ન હોય તો ઝાકળ ન માંગ
*
ઝાઝું જો પકડશો તો સરકી જ જશે જલદી
થોડાથી જો રીઝો તો, થોડામાં ઘણું જડશે

સિદ્ધિ મળતા પહેલા સિદ્ધ હોવાની પાત્રતા હોવી ઘટે. કવિ સચોટ ઉદાહરણ આપતા સમજાવે છે કે માથા પર માપસરની પાઘડી હોય તો એ આપોઆપ ટકે અને શોભે. જયારે નાના માથા પર મોટી પાઘડી લોટા પર બુજારું ઢાંક્યું હોય એવું લાગે. સફળતા કરતા યોગ્યતા મેળવવા પ્રયત્ન કરીએ તો સફળતા તો ઉપપેદાશ તરીકે મળવાની જ છે.

એ જ શું બસ હર જગાએ જોઈએ!
કે અમારી નોંધ લીધી કોઈએ?
*
હા, મારે મન તો સાચો ગઝલકાર એ જ છે
‘ઈર્શાદ’થી અલિપ્ત, ‘દુબારા’થી સાવધાન

નામ કે સિદ્ધિની પાછળ પડેલો માણસ દરેક જગાએ પોતાની નોંધ લેવાઈ કે નહીં એના પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. કવિ સાચા ગઝલકાર માટેનું એક પરિમાણ સ્થાપતા હોય એમ કહે છે કે ઈર્શાદ, દુબારા, વાહવાહ ને દાદમાં ફસાયા વગર સભાનતાથી વિવેકપૂર્ણ રીતે પોતાનું સર્જન કરતો રહે.

ભગવાન ગીતામાં યોગની વ્યાખ્યા કરતા કહે છે – सिद्धयसिद्धयोः समो भूत्वा समत्वं योग उच्यते

અત્યારના મુકામથી સંતુષ્ટ પણ નથી
આગળ હવે જવામાં મજા આવતી નથી
*
ટોચ પર પહોંચ્યાની આ છે ફળશ્રુતિ
જિંદગીભર નીચાજોણું થઈ ગયું

સફળતાના શિખરે પહોંચ્યાની પરિસ્થતિનું વર્ણન કરતા કવિ કહે છે કે એ એવો મુકામ છે કે જ્યાં સંતોષ પણ નથી અને શાંતિ પણ નથી. ટોચ પર પહોંચવાની ફળશ્રુતિને જોવાનો કવિનો દ્રષ્ટિકોણ એમના સફળતાના ખ્યાલ વિશે  ઘણું બધું કહી જાય છે.

અધ્યાય ૩: ભાવ-અભાવ

ગઝલસંગ્રહની સફરનો “સફળ અધ્યાય” સફળતાપૂર્વક પાર કર્યા બાદ હવે આપણે ત્રીજા અધ્યાય “ભાવ-અભાવ”માં પ્રવેશીએ.

દરેક કવિના ભાવવિશ્વમાં અનેક ભાવોનો સમાવેશ થતો હોય છે. એમાંના મુખ્યત્વે વ્યથા, વેદના, સુખ, દુઃખ, દર્દ, ઉદાસી, એકલતા વગેરે વાંચવા મળે છે. અહીં કવિની કવિતામાં સ્નેહનો સૂર્ય અને વ્યથાનાં વાદળો વચ્ચે કયારેક તડકા-છાંયડાની જેમ શ્રદ્ધા-અશ્રદ્ધા, આશા-નિરાશા અને સુખ-દુ:ખની અવર-જવર જોવા મળે છે.

માનવજીવનમાં સુખ-દુઃખનું કારણ એના સ્વરૂપનું વિસ્મરણ છે, આ સ્વરૂપનું વિસ્મરણ થઈ જવું તેનું જ નામ અજ્ઞાન, અવિદ્યા અથવા માયા છે, જેને કારણે મનુષ્યને વિવિધ પ્રકારના કષ્ટો ભોગવવા પડે છે. આમાંથી છૂટવાનો ઉપાય છે ‘આત્મદર્શન’! આ અધ્યાયના કેટલાક શેર જોઈએ:

સૌથી વધીને દુ:ખ છે હવે એ જ વાતનું
હા, એકવાર સુખની મેં ઇચ્છા કરી હતી
*
મેં સુખીઓને જોઈ પ્રભુને કહ્યું,
“આના કરતાં ફરીથી વ્યથા આપજે”

આ અલગ-અલગ ગઝલના બે શેર જુઓ. આમ તો અલગ ગઝલના શેર એકસાથે મૂકીને જોઈ શકાય નહીં પરંતુ અહીં કવિની વિચારધારાની સાતત્યતા માલુમ પડે છે.

પ્રથમ શેરમાં કવિએ એકવાર સુખની ઈચ્છાની વાત કરી છે. બીજા શેરમાં સુખીઓના હાલ જોઈ કવિને ભાન થાય છે કે આના કરતા પહેલાની વ્યથાની પરિસ્થિતિ વધારે સારી હતી. કવિ માટે એ એકવાર કરેલી સુખ ઈચ્છા જ સૌથી મોટા દુઃખની વાત બની રહી છે.

આ એક શૂળ જો કાઢો તો દર્દ શું મટશે?
હૃદય હઠીલું, તરત બીજી ફાંસ ઝંખે છે
*
દુ:ખનો ઇલાજ કર, પણ ઉતાવળનું કામ શું?
કે બાર જો જશે તો પછી તેર આવશે
*
ઉતાર્યાં પાર દુ:ખને? વાહ! તો પાછા ફરો, નાવિક!
નવાં દુ:ખ નાવ પર ચડવા જુઓ, તૈયાર ઊભાં છે

મુસાફરી દરમિયાન કાર ચલાવતી વખતે જેમ એક વાહનની સાઈડ કાપ્યા બાદ રસ્તા પર તરત બીજું વાહન આગળ ચાલતું જ હોય છે એમ એક દુઃખનો ઉતાવળે ઈલાજ કરતા બીજા અનેક દુઃખો આવવા તૈયાર ઊભા જ હોય છે. તો પછી ઉતાવળ શા માટે કરવી? પણ આપણું મન-હૃદય અનેક દર્દોની હારમાળા ઝંખે છે.

કડવાશ જાય ત્યાં સુધી ચાવ્યા કરી હતી
મેં વેદનાની એ પછી વાચા કરી હતી
*
બીજે જો કશે રાખું તો ઉત્પાત કરે, પણ
ગઝલોમાં સમાવું તો વ્યથા શોભી ઊઠે છે
*
ઝીલી લીધી ક્ષણો કોઈ, છૂટી ગઈ અમુક
પ્રત્યેક વેદનાની મેં ગઝલો કરી નહીં

જિંદગીમાં મળેલી વેદનાનો ઈલાજ કવિએ એમના સર્જનમાં સ્થાન આપી વાચા આપી છે. આમ જીવનમાં ઉત્પાત કરતી વ્યથાને ગઝલોમાં શોભાવીને કવિ એ એક કાંકરે બે પક્ષી માર્યાનો ઉપરોક્ત ઉલ્લેખ શેરમાં કરે છે. આ છતાં અમુક વેદનાને ગઝલોમાં સ્થાન આપ્યું નથી.

અહી કવિએ નોંધ્યું છે કે વેદનાની કડવાશ બહાર ન પહોંચે એટલા માટે પ્રથમ ખૂબ વાગોળી હતી.

શું સમજ સુખદુ:ખની આનાથી વધુ?
આપશો, એનાથી બમણું આવશે
*
સમજે છે જે રીતે સુખી જગમાં બધા તને
કેળવ તું દૃષ્ટિકોણ, બધાને સુખી સમજ

સુખ-દુઃખનું કારણ એ સંસારનો એક યક્ષપ્રશ્ન રહ્યો છે. સુખ-દુઃખના કારણ વિશે પ્રાથમિક સમજ કેળવવાથી એનું સમાધાન મળી શકે છે. સૌને અન્યના સુખ અને ખુદના દુઃખ હોય એના કરતા મોટા લાગે છે. કવિ આ જ હકીકતનો ઉપયોગ કરતા માત્ર સુખ વિશેનો અન્યનો દ્રષ્ટીકોણ કેળવવા કહે છે.

સૌ પર થશે અલગ અસર એક જ બનાવની
ઘટના ઉપરનું તારું વલણ મૂલ્યવાન છે
*
દર્દની તુરંગ’માં રહેતો નથી
ને ખુશીના ખંગમાં રહેતો નથી

કોઈ પણ ઘટના અચાનક બનતી નથી, એ ઘટના બનેલી જ હોય છે. ‘વર્તમાનથી ભવિષ્ય’ સુધીનું અંતર કાપે તેટલી જ વાર હોય છે. આપણે તેને અચાનક બનેલી ઘટના સમજી આશ્ચર્ય પામીએ છીએ. વાસ્તવમાં તે બનવાનું જ હોય છે, તે નિયત સમયે જ બન્યું હોય છે. તેમાં નવાઈ પામવા જેવું કશું જ હોતું નથી.

આથી દરેક ઘટનાને તેના સ્વાભાવિકરૂપમાં સ્વીકારી સમ્યક વલણ દાખવવાની મનોવૃત્તિ કેળવવી જોઈએ. ગીતામાં ભગવાને કહ્યું એ પ્રમાણે सुखदुःखे समे कृत्वा (2.38) કે समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते (2.15) દુઃખ-સુખને સમાન સમજનાર ધીર પુરુષને આ ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો વ્યાકુળ કરતા નથી.

અધ્યાય ૪: જીવન

ભાવ-અભાવ અધ્યાય પછી એ ભાવો જે સફર દરમિયાન જોવા મળે છે એનો અધ્યાય એટલે “જીવન-અધ્યાય”. જીવન/જિંદગી પર ગઝલસંગ્રહમાં સૌથી વધુ શેર વાંચવા મળે છે.

જીવનના બે ધ્રુવ એટલે જન્મ અને મૃત્યુ. અમૃતલાલ વેગડ એમના એક પુસ્તકમાં કહે છે,

“સંસારનું સૌથી મોટું સત્ય છે મૃત્યુ. આ અટલ સત્ય છે, કોઈ રીતે ટાળી ન શકાય એવું સત્ય છે. પરંતુ એટલું જ મોટું એક અન્ય સત્ય છે – જિજીવિષા, જીવવાની ઇચ્છા. માણસ જીવવા ચાહે છે, મરવા નથી ઇચ્છતો. કેવો તો વિરોધાભાસ છે – મરી રહ્યો છે, પણ મરવા નથી ચાહતો!”

જન્મ અને મૃત્યુ એ બે બિંદુઓની વચ્ચેની આગવી જીવનસફરની અંતરંગ વાતો એમની ગઝલોમાં ઠેરઠેર જોવા મળે છે. આવો જોઈએ આ અધ્યાયના કેટલાક શેર:

જિંદગી સમજ્યા, તો ગઈ જીવ્યા વગરની
લોક જીવ્યે જાય છે સમજ્યા વગરની!
*
મૌલિક જીવન ન માણી શક્યા લોકલાજથી
જીવ્યા અને મરી ગયા લોકો રિવાજથી
*
એ રીતે દુર્ભાગ્ય કંઈ પાછળ પડયું
ભાગીભાગી ભાગ્યથી જીવી ગયા

વાસ્તવિકતામાં જે જીવી ના શક્યા
જીવવાના નાટ્યથી જીવી ગયા
*
દિવસોને હું જીવનનો દરજ્જો નહીં આપું
થડકાઓને ધડકનનો દરજ્જો નહીં આપું

સામાન્યત: પસાર થતી જિંદગીને વર્ણવતા કવિ કહે છે સમજણના અભાવમાં, લોકલાજ અને રિવાજના પ્રભાવમાં, નસીબના દબાવમાં અને નાટ્યાત્મકતાના લગાવમાં વિતેલી સફરને જીવનનો દરજ્જો આપી શકાય નહીં.

જેમ કાવ્યાત્મક દ્રષ્ટિએ થડકા અને ધડકન વચ્ચે મૂળભૂત ભેદ છે એમ નિરર્થક દિવસોને સાર્થક જીવનમાં ખપાવી શકાય નહીં.

ન હાંફે તો બીજું કરે જિંદગી શું?
પગથિયાં ઘણાં એકસાથે ચડી છે
*
ચરણ બે થાકી ગયાં, આઠ પગ નહીં થાકે…
જીવનના ભાર સમો કંઈ મરણનો ભાર નથી
*
તારે ત્યાં એણે ઊછળકૂદ બહુ કરી
જિંદગી મારે ઘરે, થાકી, રહી
*
રાખે એ મને ભ્રમમાં સતત એવી કલાથી
આ જિંદગી ક્યારેય ઠગારી નથી લાગી!

જિંદગી દરમિયાન કરેલી નકામી ઊછળકૂદ અને વ્યર્થનો વેંઢારેલો ભાર માણસને થકવી કે હંફાવી નાખે છે. એ છતાં આશ્ચર્યની વાત એ છે કે જિંદગી ક્યારેય આપણને નિરર્થક લાગતી નથી.

કવિ એનું કારણ છેલ્લા શેરમાં આપતા કહે છે કે જિંદગી ખૂબ જ ચતુરાઇથી અનેક પ્રકારના લોલીપોપ આપીને આપણને સતત ભ્રમમાં રાખે છે.

પરપોટા જેવી હસ્તી, છતાં હઠ સહુની એ,
હોવા કે ફૂટવાની અસર હોવી જોઈએ
*
ટકી જાવું હતું સંભવ,
આ પરપોટાનો ભવ લઈ, પણ
ઉપાયો શોધવા માંડ્યા
અમે વિસ્તાર કરવાના
*
હંગામી છે નિવાસ, છતાં ઘર ખપે વિશાળ
કહેશે કોઈ કે, મોટી કબર હોવી જોઈએ?

આ ક્ષણભંગુર દેહ વિશે પરપોટાના ઉદાહરણ દ્વારા ખૂબ જ ગહન વાત કરે છે. મનુષ્ય અવતારનું જીવન પણ પરપોટા જેવું જ ક્ષણિક હોય છે. છતાં માણસ ધન, પદ, પ્રતિષ્ઠા, માન જેવા અનેક પ્રકારના મોહ દ્વારા એનો બિનજરૂરી વિસ્તાર કરવામાં નિરર્થક જીવન-સમય વ્યય કરે છે.

હાલનો નિવાસ હંગામી હોવા છતાં આખી જિંદગી વિશાળ બંગલા બનાવવા માટે દોડધામ કરવામાં કાઢે છે જ્યારે કબર એ શરીરનો કાયમી નિવાસ છે છતાં કોઈ મોટી કબર બનાવવાનું સ્વપ્ને પણ વિચારતું નથી.

આમ છટકી ન જા, જિંદગી આપીને
જીવવાના મને ઓરતા આપજે
*
શ્વાસના ઘૂંટ કેમ ઊતરશે?
જીવવાનો અગર નશો જ ન હો

ઈશ્વર જીવને જન્મ આપીને સંસારને હવાલે છોડી દે છે. એ પછી વ્યક્તિ સંસારમાં રહીને જાતે અનેક ઠોકર દ્વારા જીવવાની સાંસારિક દ્રષ્ટિ કેળવે છે. કવિ ઈશ્વરને ફરિયાદના સ્વરમાં કહે છે કે જો તે જીવન આપ્યું છે તો એ જીવનને સાર્થક બનાવવાની રીત પણ શિખવાડ.

નશાના આકર્ષણથી જેમ માણસ શરાબના કડવા ઘૂંટ ગળે ઉતારે છે એમ કવિ કહે છે જો જીવવાનું આકર્ષણ ન હોય તો જિંદગીના કડવા શ્વાસના ઘૂંટ સરળતાથી ઉતરતા નથી.

જન્મવેળા તેં રુદન દઈ મોકલ્યો’તો, હે પ્રભુ!
એક-બે મહિના રહીને સ્મિત હું જાતે શીખ્યો
*
‘કેમ જીવન જીવવું’ના દાખલા પુષ્કળ હતા
પણ રકમ પામ્યો અલગ, તો રીત હું જાતે શીખ્યો
*
ટકી રહેવાનાં સૃષ્ટિમાં નથી કારણ કોઈ ઝાઝાં
ગમાડી એક-બે બાબત, મને મેં જીવતો રાખ્યો
*
ગયા દિવસો, સતત આ જાતને પુરવાર કરવાના
હવે બાકીના જીવનને અમે તહેવાર કરવાના

જીવનને જોવાની અને જીવવાની દ્રષ્ટિ દરેકની અલગ-અલગ હોય છે. અહી કવિ પોતાની જીવન જીવવાની ફિલસૂફીના કેટલાક ઉદાહરણ ઉપરોક્ત શેર-ગુચ્છમાં રજૂ કરે છે. કવિ દરેક બાબત માટે ઈશ્વર પર આધાર રાખતા નથી. અમુક બાબતમાં જાત અનુભવ પર વિશ્વાસ રાખીને જીવનના દરેક પ્રસંગને તહેવાર બનાવીને જીવવાની હામ રાખે છે. વધુ નહીં પણ એકાદ-બે બાબતમાં પણ સંપૂર્ણ ઓગળીને જીવતા શીખીએ તો અનેક રસ્તાઓની જરૂર જ નથી.

સામે છે મોત તોય સતત ચાલતી રહે
આ જિંદગીય ખૂબ નીડર હોવી જોઈએ
*
છે સ્વર્ગ ને નરકરૂપે બે જેલ તેં રચી!
મૃત્યુ પછીય કેદ થવાનું, બરી! નહીં!

અમૃતલાલ વેગડ કહે છે કે “જેમ દિવાળી એટલે એક વર્ષનો અંત અને પડવો એટલે બીજા વર્ષનો આરંભ, તેમ મૃત્યુ એટલે આત્માની એક યાત્રાનો અંત અને જન્મ એટલે આત્માની બીજી યાત્રાનો આરંભ. વર્ષ પૂરું થયું કહીને આપણે દિવાળીના દિવસે શોક કરવા નથી બેસતા, એવી જ રીતે આત્માની એક યાત્રા પૂરી થઈ એનો આપણે રંજ શા માટે કરવો જોઈએ?”

આ વાતને રજૂ કરતા કહે છે કે જીવન અને મૃત્યુ એ સતત ચાલતી ક્રિયાઓ છે એટલે એનાથી નીડર થઈને ચાલવું જોઈએ.

સાગરે ડૂબતા સૂર્યને મેં કહ્યું,
“અસ્તવેળા મને આ અદા આપજે”
*
તો સરળ થઈ જશે વિદાય, ‘રઈશ’
જીવતેજીવ બધેથી ખસતો જા

ગીતામાં કહ્યા મુજબ यदा संहरते चायं कूर्मोऽङ्गनीव सर्वशः (2.58) કાચબો બધી બાજુથી પોતાના અંગોને જેમ સંકોરી લે છે તેમ જીવનના તમામ મોહ/બંધનમાંથી જો ધીરે ધીરે ખસતો જશે તો આખરી વેળાની વિદાય વસમી લાગશે નહીં.

કવિ આખરી વેળામાં પણ સાગરના સૂર્યાસ્ત જેવી સુંદરતાની માંગણી કરે છે. એક યાત્રાનો અંત બીજી યાત્રાનો પ્રારંભ જ હોય તો એ અંત પણ મનમોહક અને સુંદર જ હોવો જોઈએ.

અધ્યાય ૫: માનવ-ધર્મ 

સૌથી મોટો જીવન અધ્યાય વટાવ્યા પછી હવે આગળની સફર આપણે “માનવ-ધર્મ અધ્યાય”ની કરીશું.

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય આનંદમઠમાં કહે છે કે તેત્રીસ કરોડ દેવોની પૂજા એ સનાતન ધર્મ નથી, એ તો સામાન્ય લૌકિક સંપ્રદાય છે. સાચો ધર્મ આ લૌકિક સંપ્રદાયના પ્રભાવથી લુપ્ત થઈ ચૂક્યો છે. સ્થૂળ-ધર્મની વ્યાખ્યા કરવામાં સૂક્ષ્મ માનવ-ધર્મ ક્યાંક કોરાણે રહી ગયો હોય એવું લાગે છે.

કવિએ કોઈ ચોક્ક્સ વિચારધારા, પંથ, વાદ, સંપ્રદાય કે શાસ્ત્રનું અવલંબન લીધા વગર ધર્મને માત્ર માનવના મૂળભૂત કર્તવ્યો નિભાવવા સુધી સીમિત રાખ્યો છે. જોઈએ આ અધ્યાયના કેટલાક શેર:

અધખૂલી આંખ ફેરવી લે છે
લોક ગીતા-કુરાન ખોલીને
*
મંદિરો માટે તો આરસ જોઈએ
ભક્તિ માટે મન નિખાલસ જોઈએ
*
પ્રભુને પ્રેમ કરશે, ને ઉપેક્ષા માનવીઓની!
ઘણાને હોય છે એવું અહીં ભગવાનનું ઘેલું
*
પહોંચી નથી શકાતું અંદર, બહુ નડે છે
આ આસપાસ સ્થાપ્યા ઈશ્વર બહુ નડે છે

કવિને ફ્ક્ત દેખાડા પુરતા ધર્મને નામે થતા પાખંડોથી થતી ચીડ એમના સર્જનમાં વ્યક્ત થાય છે. નિખાલસ મનથી જરૂરિયાતમંદ માનવીની અપેક્ષારહિત સેવા એ પણ ભક્તિ કે માનવ-ધર્મ જ છે. એના માટે વ્યક્તિએ ગીતા-કુરાન વાંચવાનો ડોળ કરવાની, મંદિરો બંધાવવાની જરૂર નથી.

જોકે કવિને નિર્દંભ કાર્યોથી કોઈ વિરોધ નથી. પરંતુ દંભી માનસિકતાને કારણે આપણી અંદર વસેલા પરમાત્મા સુધી પહોંચી શકાતું નથી.

એકસરખા લાગતા સૌ માણસોમાં
ધર્મ જો પાડે પ્રકારો તો મજા શી?
*
જોયા કર્યા જગતમાં મજબૂત સંપ્રદાયો
વ્યાપી ગયેલી ખંડિત કંઈ એકતાઓ જોઈ

વિશ્વભરના માનવીઓમાં રહેલી એકરૂપતા નિહાળી ધર્મ, સંપ્રદાય કે દેશ વચ્ચેના ભેદમાં માનવું નહીં એવો કવિનો અંગત મત છે. એકતાના નામે આજે મજબૂત સંપ્રદાય તો જોવા મળે છે પણ આવા વિવિધ પ્રકારો પાડીને માનવીની ખંડિત થયેલી એકતા કોઈને દેખાતી નથી.

ચીંથરાં, જે તનને ન ઢાંકી શક્યાં
થઈ ધજા એ છાપરે ચાલ્યાં, જુઓ

એમની કવિતામાં માણસમાત્રના અસ્તિત્ત્વની વેદનાની ઝલક જોવા મળે છે. લાખો-કરોડો ગરીબ કે જેમને કડકડતી ઠંડીમાં કે આગ ઝરતા તાપમાં શરીરને ઢાંકવા કપડા નથી ત્યારે ધર્મસ્થાનો પર અનેક ગજ લાંબી ધજાઓ ચડાવવામાં આવે છે.

જો ઉત્પાદન તૂટે તો શાખ ઉત્પાદકની બગડે છે
ખુદાની હુંય એક સરજત, મને મેં જીવતો રાખ્યો
*
જગનો એ અધિકારી ફરજ એમ બજાવે
થપ્પીમાંથી અરજી કદી એકાદ જુએ છે

અહીં બંને શેરમાં કવિ એ અનુક્રમે વેપારી અને સરકારી ભાષા વાપરીને ખુદાની વાત કરી છે. જેમ ધંધામાં પ્રોડક્ટની ગુણવત્તા ઓછી જણાય તો ઉત્પાદકની આબરૂને આંચ આવે છે.

કવિ પોતાને ખુદાની પ્રોડક્ટ ગણાવીને ઉત્પાદકને ખરાબ માલ માટે સાંભળવું ન પડે એનું ધ્યાન રાખીને જીવન જીવ્યા. તો બીજા શેરમાં સરકારી અધિકારી જેમ કચેરીમાં અનેક અરજીની થપ્પીમાંથી ઈચ્છા પડે ત્યારે એકાદનો નિકાલ કરે એમ પ્રભુ પણ માણસોની અરજી જવલ્લે જ જુએ છે.

ધર્મો પૂછે પ્રભુને મારા વિશે –
“કઈ તરફ છે આ? આનું શું કરીએ?”
*
સંપૂર્ણ લક્ષ પણ નથી, અવગણના પણ નથી
ઈશ્વરની પણ નજરમાં જરા છું, જરા નથી

કવિનું માનવું છે કે ‘વ્યક્તિના ગુણ બાયોડેટામાં નહીં પણ એના કર્મમાં દેખાવા જોઈએ’ આ ફિલસૂફીને અનુસરતા કવિ કોઈ ધર્મ કે સંપ્રદાય વિશેષની પળોજણમાં પડ્યા વગર પોતાના કર્તવ્યો કરવામાં માને છે. આ સાથે અન્ય કોઈ માન્યતાનો વિરોધ પણ નથી.

આમ પ્રથમ શેરમાં કવિના Religious Standને લઈને વાડા-વર્તુળમાં ઉદ્ભવેલી અસમંજસનો ઉત્તર બીજા શેરથી આપે છે.

દરેક મનુષ્ય કુદરતનો અંશ લઈને જન્મે છે એને તમે ઈશ્વર કહો કે અલ્લાહ, જિસસ કહો કે જરથુષ્ટ્ર. એ જગતપિતાને સમજવા, ભજવા કે પામવા માટે સંસાર છોડવાની જરૂરત નથી. પરંતુ સંસારનાં સુખદુઃખ, રાગદ્વેષ અને ક્લેશ-કંકાસમાં માનવીનું જીવન દિશાહીન દશામાં વીતી જાય છે.

માત્ર મૃત્યુ નજીક આવે છે ત્યારે જ માણસને જીવનનું મૂલ્ય સમજાય છે, પારાવાર પસ્તાવો થાય છે, વધુ જીવવાની ઉત્કટ ઇચ્છા જાગે છે, પરંતુ એ પસ્તાવો તો ભયમાંથી ઉદ્ભવેલા વૈરાગ જેવો છે. કવિએ સંસાર અને વૈરાગને અનુસંધાનમાં રાખી કહેલા કેટલાક શેર જોઈએ.

તમે વૈરાગનો કે સ્વર્ગનો રસ્તો બહુ ચીંધ્યો
છે કોઈ પંથ, જે સંસારને સૌથી ઉપર સમજે?
*
લાડ, ભણતર, લગ્ન, રોજી ને કુટુંબ
બંધનો બદલ્યા કરે છે માનવી
*
ભલે જાગ્યો છે આજે એમને વૈરાગ ભડભડતો
એ જંગલમાં જઈને ત્યાં નવો સંસાર કરવાના
*
એક વૈરાગીને જોયો તો થયું
કંઈ ન કરવામાંય સાહસ જોઈએ

આપણા શાસ્ત્રોમાં વૈરાગ અને સ્વર્ગનું મહાત્મય વધારે કહેવાયેલું છે. વૈરાગ મનથી થાય છે. સંસારમાં રહીને પણ સંસારનું કોઈ બંધન ન રાખવું એને પણ વૈરાગ કહેવાય. માનવી જન્મથી લઈને મૃત્યુ સુધી હજારો બંધનમાં રચ્યો-પચ્યો રહે છે.

શ્રી શાહબુદ્દીન રાઠોડ કહે છે કે ‘પૈસો, પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ માટે જ્યાં સુધી દોડ ચાલુ છે ત્યાં સુધી સંસાર અને એ જયારે અટકે એટલે સંન્યાસ.’

કવિ સંસાર માર્ગને પણ શ્રેષ્ઠ બતાવતા કોઈ પંથની શોધમાં છે. સાધુ પણ જો આશ્રમના મોહમાં પડે તો એ સંસારથી જુદું કઈ નથી. તમામ આસક્તિથી મુક્તિ એ વૈરાગ છે. આમ વૈરાગી બનવામાં કશું પણ કરવાનું નથી પણ એ ‘કંઈ ન કરવામાં પણ ઘણું બધુ સાહસ જોઈએ’.

જેમ વૈરાગીના મનમાં રાગ જાગે છે ઘડીક
એમ સંસારીને પણ સંન્યાસ આવી જાય છે
*
આમ તો છેડો છૂટ્યો સંસારથી
નામની બસ ખાધાખોરાકી રહી

જેમ સ્મશાન વૈરાગ્ય એ સંસારીને આવતો ઘડીભરનો સંન્યાસ છે. એમ આથી તદ્દન ઊલટી ઘટના પણ સ્વાભાવિક છે. વૈરાગીના મનમાં પણ ક્યારેક સંસાર પ્રત્યેનો મોહ પેદા થઈ શકે છે. પણ ગીતામાં જણાવ્યા મુજબ ज्ञेयः स नित्यसन्यासी यो न द्वेष्टि न काङ्क्षति દ્વેષરહિત અને કશીય આકાંક્ષારહિત કર્મયોગી માણસ સદા સંન્યાસી જ સમજવા યોગ્ય છે. સંન્યાસી ફક્ત શરીરના ભરણપોષણ પૂરતો સંસારથી નાતો રાખે છે.

અહી કવિએ ખાધાખોરાકી શબ્દનો અલગ જ દ્રષ્ટિકોણથી શેરમાં ઉપયોગ કર્યો છે.

મંચ પર તો લોકરંજની માટે, જનરૂચિને સંતોષે એવું કવિએ ઘણું કર્યું હશે પણ ગઝલના આંતરસત્ત્વને અળગું રાખવા એમણે હંમેશા પ્રયાસ કર્યો છે. એમની ગઝલોમાં અધ્યાત્મ અને દર્શનની છાંટ વરતાય છે. અધ્યાત્મની ગહનત્તમ વાતોને સરળતાથી શબ્દોમાં ઢાળીને રજૂ કરે છે. જોઈએ કેટલાક શેર:

‘જગત્ મિથ્યા’ ‘જગત્ મિથ્યા’
‘જગત્ મિથ્યા’ જ ચારેકોર
નિરંતર શોધવા ‘તત્સત્’,
મને મેં જીવતો રાખ્યો
*
નથી એ વાત કે અંતરને કોઈ દ્વાર નથી
ભીડેલ દ્વાર છે, ભીતરથી ખોલનાર નથી

શ્રી શંકરાચાર્યના પ્રસિદ્ધ સૂત્ર ब्रह्मसत्यं जगन्मिथ्या जीवो ब्रह्रैवनाऽपरः (બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, જીવ એ જ બ્રહ્મ છે બીજો નહિ)નો આધાર લઈ કવિ કહે છે આ મિથ્યા જગતમાં પરમ સત્યની ખોજે સતત જીવન જીવવા પ્રેર્યો છે.

પરમ સત્યને જાણવાની ઝંખના એ જ અધ્યાત્મ. જે. કૃષ્ણમૂર્તિ એ કહ્યું છે Truth is pathless land. એ કોઇ પંથ, ધર્મગુરૂ, વિધિ કે દર્શન દ્વારા સુલભ નથી. એ મળે છે ભીતરના દ્વાર ખોલવાથી. કવિ એ રહસ્ય પ્રગટ કરતા કહે છે આ અંતરને દ્વાર નથી એવુ નથી પણ એ અંદરથી બંધ છે અને કોઈ ખોલનાર નથી.

ફૂટેલા લીલા ઘાસમાં મારો જ અંશ છે
દાટ્યો’તો એ કબરમાં જરા છું, જરા નથી
*
હા, કબર પર ફૂલ મૂકે છે સ્વજન,
પણ ક્યાં સુધી?
આપમેળે એ પછી તો
ઘાસ આવી જાય છે

વેદના ચાર મહાવાક્યોમાનું એક અને સામવેદના છાંદોગ્ય ઉપનિષદનું સૂત્ર तत्त्वमसि (તે તું છે) નો સાર ઉપરોકત શેરમાં જોવા મળે છે. ભગવાન ગીતામાં કહે છે ममैवांशो जीवलोके जीवभूत: सनातन: પ્રકૃતિમાં રહેલો પ્રત્યેક જીવ મારો જ અંશ છે. માણસના મૃત્યુ પછી એના શરીરને કબરમાં દફનાવવામાં આવે છે પણ એની આજુબાજુ ઉગેલું ઘાસ પણ પ્રકૃતિનો એક હિસ્સો એટલે કે મારો જ હિસ્સો છે.

નિહાળું આગ, જળ, આકાશ,
માટી, વાયુ વિખરાતાં
વસ્યો તું એક થઈ સૌમાં,
મને તો પાંચ લાગે છે

પૃથ્વી, જળ, વાયુ, તેજ અને આકાશ એ પાંચ મહાભૂતો છે. ધર્મશાસ્ત્રો મુજબ શરીરમાં હાડકાં વગેરે જેટલો કઠણ ભાગ ‘પૃથ્વી’નો; લોહી વગેરે જેટલો પ્રવાહીસ્વરૂપ ‘જળ’નો; ભૂખ વગેરે અનુભવાતો ઉષ્ણ ભાગ ‘તેજ’નો; હલનચલન, સંકોચન, શ્વાસ વગેરે ક્રિયાશીલ ભાગ ‘વાયુ’નો અને શરીરમાં જેટલો પોલાણનો ભાગ એ ‘આકાશ’નો છે. એ રીતે પંચમહાભૂતનો આ દેહ બનેલો છે. જોકે આ પાંચ મહાભૂતો શરીરમાં પ્રત્યક્ષ જોવા મળતાં નથી એ વાત કવિ શેરમાં જણાવે છે.

અધ્યાય ૬: મન

કવિ બાળ માનસશાસ્ત્રી હોઈ મનોવિજ્ઞાનના વિવિધ વિષયો એમની ગઝલમાં મનોવૈજ્ઞાનિક દાવા, દલીલ કે તારણ તરીકે જોવા મળે છે. તો આવો પ્રવેશીએ નવા અધ્યાય “મન-અધ્યાયમાં”..

કવિ એ ગઝલોમાં મનની અલગ-અલગ બારીઓમાંથી દેખાતા આકાશના ટુકડાઓને સાંધીને ચંદરવો બનાવવાનો એક પ્રયાસ છે. જોઈએ આ અધ્યાયના કેટલાક શેર:

હું મારા મનનું નામ નહીં લઉં, છતાં કહું?
રહું છું સદાય એક ઠગારાથી સાવધાન
*
શોધે છે શાંત સ્થળ સહુ આસન લગાવવા
મનથી વધીને વિશ્વમાં કચિયારું કંઈ નથી

ગીતામાં ભગવાને કહે છે इन्द्रियाणि मनो बुद्धिरस्याधिष्ठानमुच्यते । મન (ઇન્દ્રિયો, બુદ્ધિ સહિત) જ્ઞાનને ઢાંકી દઈને જીવાત્માને મોહિત કરે છે. કવિ ઉપરોક્ત શેરમાં મનનું નામ લીધા વગર એક ઠગારાથી સાવધાન રહેવા સૂચવે છે.

મન એટલું ચંચળ અને તરંગી છે કે એની ગતિ પ્રકાશથી પણ વધારે છે. ધ્યાન માટે આસન લગાવવા આપણે કોઈ નિતાંત જગ્યા શોધતા હોઈએ પણ મન કે જે સૌથી વધુ કચકચિયું છે એ આપણી સાથે જ હોય છે.

એ વજન પણ ઉતારીએ ક્યારેક
તનને માથે આ મનનો બોજ ન હો
*
છોડ્યો જો બોજ, મન બહુ હળવું બની ગયું
એ વ્હાણ ના બન્યું ને તણખલું બની ગયું
*
ચોતરફ ચાલતું નથી કંઈ પણ
માત્ર મનમાં ઉચાટ ચાલે છે

મન અદ્રશ્ય રહીને પણ સતત એની હાજરી વરતાવતું રહે છે. અત્યારે વિશ્વમાં શારીરિક બિમારી કરતા માનસિક બિમારીઓનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. મન સતત કોઈને કોઈ વિચારોમાં માણસને વ્યસ્ત રાખે છે. આ વિચારોના અદ્રશ્ય બોજથી માણસ જિંદગીથી થાકી/કંટાળી જાય છે.

કવિના કહેવા મુજબ આ વ્યર્થ બોજને ઉતારી દેવામાં આવે તો માણસ ફૂલ જેવો પ્રફુલ્લિત બનીને રહી શકે છે.

તળેટીમાં રહી મન ઝંખતું’તું ટોચને હરદમ
જઈ ટોચે તળેટીને હવે એ રમ્યતર સમજે
*
આ મનના પ્રિઝમને નથી એક્કેય તરફ સુખ
એક રંગ પડે ઓછો અને સાત વધારે
*
વૃક્ષો કપાઈ જાતાં પછી વન રહ્યું નહીં
મનથી મહેચ્છા ગઈ તો સ્વયં મન રહ્યું નહીં
*
આક્રંદ જુએ છે અને આહ્લાદ જુએ છે
મન કાંઠે રહી લહેરોની તાદાદ જુએ છે

કોઈ ચીજ કે વ્યક્તિમાં માણસનું મન વાસ કરે તેને પણ વાસના/કામના/એષણા/ઈચ્છા વગેરે વગેરે કહેવાય. આ ઈચ્છાઓ અસ્થિર અને અસંતોષી મન નિરંતર બદલ્યા કરે છે.

કવિ ઉદા. આપતા સમજાવે છે કે તળેટીમાં મનને ટોચ પર જવાની ઝંખના અને ટોચે જઈને તળેટી સુંદર જણાય છે. જેમ વૃક્ષો વગર વન સંભવિત નથી એમ ઈચ્છાઓ વગર મન પણ સંભવિત નથી.

કવિ એ બાળ-મનોવિજ્ઞાનમાં ઊંડો રસ ધરાવતા હોઈ એમણે એ વિષયના પુસ્તકો ‘બાળઉછેરની બારાખડી’, ‘આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ?’ તેમજ ‘તમે અને તમારું નિરોગી બાળક’ પણ આપ્યા છે. એથી આ વિષય એમની ગઝલોમાં પણ સહજતાથી ઉતરી આવે છે. જોઈએ કેટલાક શેર:

બાળક પડીને જ્યારે ઊભા થવાનું શીખે
જે હો સહાય કરવા તત્પર, બહુ નડે છે
*
બાળકને કરો છાંયડો, પણ હદથી વધુ નહીં
કે એને મળે ના કદી તડકાનો અનુભવ
*
એક-બે વાર જ પડે, એકાદ-બે ઈજા પછી..
બાળકો પગભર થવાની રીત શીખી જાય છે
*
આધારથી સભાન, સહારાથી સાવધાન
જે પાંગળા કરે એ પનારાથી સાવધાન

ઉપરોક્ત શેર બાળઉછેરના એક આયામને રજુ કરે છે. શેરમાં કવિએ વધુ પડતી કાળજી બાળક માટે નુકશાનકારક નીવડી શકે છે એ તરફ ઈશારો કર્યો છે.

જ્યાં સુધી બાળક પોતે સમસ્યાનો સામનો નહીં કરે ત્યાં સુધી એ સમાધાન નહીં શોધી શકે. બાળકને કાળજીની જરૂર છે પરંતુ એટલી બધી નહીં કે જેથી એ સંપૂર્ણપણે કોઈ ઉપર આશ્રિત થઈ જાય અને આગળ જતાં માનસિક વિકલાંગ બની જાય.

નડે છે ચરણને વિકસવામાં ખૂબ જ
સુખો પર નિરંતર સવારી નડે છે
*
રસ્તા વિશે તમે જે લખ્યું, એથી જાણ થઈ
ઊઠ્યા નહીં જ હો કદી સુંવાળી સેજથી
*
વર્ણવો છો આપ જે રસપ્રદ પ્રવાસો…
આપ જાતે ના ગયા હો તો મજા શી?

સતત સુખ માણસને વાસ્તવિકતાથી અજાણ બનાવી દે છે. વ્યક્તિ કંફર્ટ ઝોનનો એકવાર આદી થઈ જાય પછી એનો આગળ વિકાસ રૂંધાય જાય છે. રસ્તાની સાચી સમજ જે એના પર ચાલ્યા હોય એમને હોય છે. પાલખીમાં બેસવાવાળો વ્યક્તિ રસ્તાનું વર્ણન કરે એ બહેરા દ્વારા સંગીતનું વર્ણન કર્યા જેવું છે.

અધ્યાય ૭: અસ્તિત્વ

હવે પછી કવિનું હોવાપણું જ્યાં ધબકે છે એવા “અસ્તિત્વ-અધ્યાય”માં પ્રવેશ કરીએ.

વ્યક્તિત્વ સર્જનમાં ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. કવિનું વ્યક્તિત્વ તેમના સર્જનને મુઠ્ઠી ઉચેરું બનાવે છે. એક પ્રામાણિક લેખક હંમેશા એના શરીર ઉપરાંત એના લેખનમાં પણ ધબકે છે.

અહી કવિએ ગઝલોમાં એમનું જીવન પાથર્યું હોય એવો સતત આભાસ થતો રહે છે. એમનું અસ્તિત્વ અને એમનું લેખન એ બન્ને અલગ એન્ટિટી હોય એવું લાગતું નથી એટલે જ તેઓ કહે છે કે એમનું લેખન એ એમના અસ્તિત્વનું ઍક્સટૅન્શન છે. આ અધ્યાયના કેટલાક શેર જોઈએ.

કોઈ નકશાને અનુસરશે નહીં
વ્યાપ મારો વૃક્ષનો વિન્યાસ’ છે 

કવિએ પોતાના વ્યાપ વિશે ખૂબ જ સુંદર ઉદાહરણ દ્વારા આ શેરમાં વાત કરી છે. કોઈએ નક્કી કરેલા નકશાને અનુસરીને કવિ આંધળા અનુકરણમાં માનતા નથી. એ તો સ્વયંભૂ જેમ વૃક્ષ પોતાની શાખાઓ દ્વારા પોતાનો વિસ્તાર કરે છે એમ પોતાના અસ્તિત્વનો વિન્યાસ કરવામાં માને છે.

જે જોઈએ છે તમને, મળે એ જ આખરે
શું જોઈએ છે, એની ખબર હોવી જોઈએ
*
કોણે કહ્યું કે, લક્ષ્ય ઉપર હોવી જોઈએ?
ડગ માંડવું હો, ત્યાં જ નજર હોવી જોઈએ
*
નથી નડતાં રસ્તા કે અડચણ હમેશાં
પ્રથમ ખુદના ઘરની અટારી નડે છે

આજના ધ્યેયરહિત યુવાનો માટે જ ઉપરોક્ત બે શેર કહ્યા હોય એવું લાગે છે. મહેનત વડે નિશ્ચિત કરેલું લક્ષ્ય હંમેશા મળે જ છે પરંતુ લક્ષ્ય વગર આડેધડ ફાંફાં મારવાથી ફક્ત સમયનો વ્યય થાય છે.

લક્ષ્ય નક્કી થયા પછી એને પ્રાપ્ત કરવાની પદ્ધતિ વિશે કહે છે કે નાના-નાના ડગ પર ધ્યાન કેન્દ્રિત કરી નિર્ધારિત ધ્યેય સુધી પહોંચી શકાય છે. લક્ષ્ય સુધી પહોંચવા પ્રથમ ડગ માંડવામાં જ સમસ્યા છે.

એકવાર રસ્તો મળી જાય એ પછી કોઈ અડચણ આડે આવતી નથી. જો કામ એકવાર શરૂ થઈ જાય તો પછી એનું પૂરું થવું તો નિશ્ચિત છે. અહીં શરૂઆત જ કઠિન છે.

બીજાને હામ દો છો, એ રીતથી કદી તો
જો ખુદ ઉદાસ થાઓ, તો ખુદને હામ આપો
*
કૈંક વેળા ખુદને છાનો રાખવા
મેં જ મારી પીઠ પસવારી હતી

આશ્વાસન એ એક એવું ઔષધ છે જે આપણે હંમેશા અન્યના રોગ માટે જ ઉપયોગ કરીએ છીએ. પરંતુ એ જ રોગ જ્યારે આપણને લાગુ પડે ત્યારે એ જ ઔષધ આપણી પાસે હોવા છતાં બીજા કોઈની પાસે એની અપેક્ષા રાખીએ છીએ.

કવિ આ વાતનો ઉલ્લેખ કરતાં ઉપરોક્ત શેરમાં કહે છે કે ક્યારેક પોતે જ પોતાની પીઠ પસવારવા તૈયાર રહેવું જોઈએ. જોકે એ આત્મશ્લાઘા સુધી ન પહોંચે એનું પણ સભાનપણે ધ્યાન રાખવું.

માણો અંગત અમાસનો વૈભવ
સાવ ઉછીનું નૂર રહેવા દો
*
બહારનું બીજું કોઈ તું બળ ન માંગ
એકલો ઝૂઝી શકે તો દળ ન માંગ

ગીતામાં ભગવાન यदृच्छालाभसंतुष्टो ‘જેટલું મળ્યું એટલામાં સંતોષ’ રાખવા કહે છે. અહી કવિ કહે છે પોતાના ભાગનું અંધારું એ અન્યના ટેકાથી મળેલા અજવાળાથી વધારે આનંદદાયક અને સંતોષકારક હોય છે. જિંદગીમાં જો એકલતાને પચાવતા આવડી જાય તો માણસની મોટાભાગની સમસ્યાઓ મટી જાય છે.

ટીકાખોરોને કળવા છે? આ સાદું સત્ય સમજો–
કોઈ આગળ જો નીકળે તો ઘણા પાછળ પડે છે
*
હોય નાદાન એ ટીકા કરશે
દાના દુશ્મન તો ચૂપચાપ રહે
*
બહુ-બહુ તો હું પથ્થર ગણું, નડતર બને
એને હરએકને દુશ્મનનો દરજ્જો નહીં આપું
*
કોઈ ચાહે છે વળી, તો કોઈ ધિક્કારે અહીં
તમને સર્વાનુમતિથી કોણ સ્વીકારે અહીં!

ટીકા એ સફળતાની જ આગવી દેણ છે. કવિ ટીકાકારોની ટીકાનું એક સાદું સત્ય વ્યક્તિની સફળતાને ગણાવે છે.

મુન્શી પ્રેમચંદજી એ રંગભૂમિ નવલકથામાં લખ્યું છે કે इर्ष्या की व्यापकता ही साम्यवाद की सर्वप्रियता का कारण है।

ટીકાકાર અને દુશ્મન વચ્ચે ફરક દર્શાવતા કહે છે કે ટીકાકાર તો શુભચિંતક છે. એમની વ્યાજબી ટીકા વ્યક્તિને સુધરવામાં અને ગેરવ્યાજબી ટીકા વ્યક્તિને બહુચર્ચિત રાખી ખ્યાતિ અપાવે છે. જ્યારે દુશ્મન ચૂપ રહીને આ બંને લાભથી વંચિત રાખે છે.

નકામા માણસ બકે, નકામા જવાબ વાળે
એ સાંભળે છે ત્યજી દઈ કામકાજ લોકો
*
હતો હું મત્સ્ય દરિયામાં,
હવે હું ઓગળ્યો જળમાં
જો ખાલી જાળ ઊંચકી,
જગના માછીમાર ઊભા છે
*
એ માપપટ્ટીઓનું કર્યું અંતે તાપણું
જેણે અમારી પાત્રતા માપ્યા કરી હતી

ટીકાનું સમાધાન કાઢતા કવિ કહે છે ઉચિત ટીકાનું સ્વાગત કરી જાતને સુધારવા પ્રયત્ન કરવો અને અનુચિત ટીકાને અવગણીને એનો જવાબ આપવામાં સમય ખરાબ ન કરવો. મહિને-વર્ષે ચૌદશના દિવસે આ તમામ ટીકાઓનું તાપણું કરી નાખવું. ટીકા બાબતે એમનું આ વલણ એમના અસ્તિત્વનો એક ભાગ જ છે.

કોઈ સ્થિતપ્રજ્ઞતા દાખવી ના શક્યું
કાં ટીકાથી ગયા, કાં વખાણે ગયા
*
શું કદરની આશ ઉન્નત લોક પાસે!
વાદળાં તો પ્હાડને નીચા જ કહેશે…
*
જેમને સૂર્ય પણ ન દેખાતો
એમને કોણ જ્યોત દેખાડે!
*
ઉચ્ચતા ઊંચકી ફરે સૌ ક્યાં સુધી?
પોતપોતાના સ્તરે ચાલ્યા, જુઓ

કવિ સ્થિતપ્રજ્ઞતા વિશે વાત કરતા કહે છે વ્યક્તિ વખાણથી ઊછળી પડે છે અથવા ટીકાથી ડૂબી જાય છે. આ બંને સ્થિતિ પ્રત્યે સમ્યક દ્રષ્ટિ કેળવવાની વાત કવિ કહે છે.

સ્થિતપ્રજ્ઞની વ્યાખ્યા કરતા ગીતામાં કહ્યું છે आत्मयेवात्मना तुष्टः પોતાથી પોતાનામાં સંતુષ્ટ સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. અન્ય લોકોના અભિપ્રાય દોષ-દ્રષ્ટિયુક્ત હોઈ શકે છે. વાદળાં અને સૂર્યના ઉદાહરણ દ્વારા કવિ ઉન્નત લોક પાસે તટસ્થ અભિપ્રાયની અપેક્ષા રાખતા નથી.

જોવાનું જારી રાખ, તું દેખાવું બંધ કર
અનુભવ થશે કે વિશ્વ અદેખાઈમાં નથી
*
માન્યતાનું કરી શકો નીંદણ
તો જ તાજા વિચાર આવે છે
*
જો ફરિયાદ કીધી અમે દૃશ્યો સામે
તબીબે અમારી જ દૃષ્ટિ તપાસી

સ્વ-વિકાસ અંગે વાત કરતાં કહે છે સ્વયંને કેન્દ્રમાં રાખ્યા વગર ફક્ત એક દ્રષ્ટા તરીકે આજુબાજુની સૃષ્ટિને નિહાળતા એ અનુભવ થશે કે વિશ્વમાં ફક્ત અદેખાઈ કે ઈર્ષા નથી.

આપણી દ્રઢ માન્યતાઓનું સમયાંતરે અવલોકન કરવાથી ખ્યાલ આવે છે કે અમુક બાબતો કાળ સાથે અપ્રસ્તુત છે. એની બાદબાકીથી જ નવા દ્રષ્ટિકોણની દિશા ખૂલે છે. ઘણા પ્રસંગે વ્યક્તિ કે ઘટનાને માત્ર આપણી પોતાની દૃષ્ટિથી જ જોતાં નથી. દ્રષ્ટિની સાથે ઘણા પૂર્વાગ્રહોનું કાજળ પણ આપણી આંખમાં અંજાયેલું હોય છે. એ આંજણને દૂર કરતા દ્રશ્યો સાફ થતા નજરે પડે છે.

અધ્યાય ૮: ગઝલ

કવિના અસ્તિત્વના એક્સટેન્શનથી આગળ વધી હવે સફરના છેલ્લા પડાવ પર જઈએ. આ સફરના છેલ્લા અધ્યાય “ગઝલ અધ્યાય”ને માણીએ.

કવિ એ સાહિત્યના અનેક સ્વરૂપોમાં કામ કર્યું છે પરંતુ એમના હૃદયની સૌથી નજીક ગઝલલેખનની પ્રક્રિયા રહી છે. આથી સ્વાભાવિક છે કે એમની ગઝલોમાં ગઝલ વિશેનો ઉલ્લેખ આવે. તો આવો જોઈએ આ અધ્યાયના કેટલાક શેર:

જે છે તમારી પાસે, પહેલાં તમામ આપો
ને એ પછી કૃતિને પોતાનું નામ આપો

નવોદિતોને સાહિત્યના વિવિધ પ્રકાર શિખવતી વખતે કવિ જે વાતનો આગ્રહ રાખે છે એ વાતને ઉપરોક્ત શેરમાં રજૂ કરી છે. કોઈ પણ કૃતિને પોતાનું નામ આપતા પહેલા પોતાની તમામ નિષ્ઠા અને મહેનત આપવા પડે છે. ત્યારે જ એ કૃતિને ન્યાય મળે છે. આ બાબતે કોઈ ઉતાવળ કવિને માન્ય નથી.

વ્હાણ ડૂબે છે વિચારોના પ્રથમ બારે અહીં
એ પછીથી શેરનું તરણું મને તારે અહીં
*
જ્યારે એ જાણ થાય છે કે મારું કંઈ નથી
એ પળ પછી તો શાયરીથી સારું કંઈ નથી
*
કેડી ન હો, કે નકશો ન હો, એ તરફ જવા
એક કાવ્યની કડી સમું પરબારું કંઈ નથી
*
છે સરસ જિંદગી ગઝલ વિણ, પણ-
“સર! મજાનું અને સરોજ” ન હો!

કવિ જીવનમાં કવિતાનું મહત્વ સ્પષ્ટ કરતાં ઉપરોક્ત શેર-ગુચ્છમાં પોતાની વાત મૂકે છે. વિચારોરૂપી વહાણ મનરૂપી બારામાં ડૂબે છે ત્યારે ‘ડૂબતાને તણખલાનો સહારો’ કહેવતને સાર્થક કરતાં કવિ કહે છે

શેર, ગઝલ, શાયરી રૂપી તરણા શાયરને તારે છે. ગઝલ વિના પણ જિંદગી ચાલે જ છે પણ કમળ વિનાના સરોવર માફક શુષ્ક લાગે છે.

બીમાર વિચારો, મને બસ માફ કરી દો!
તમને તો હું સર્જનનો દરજ્જો નહીં આપું
*
પાણીનું વલોણું વળી નવનીત શું આપે!
અવઢવને હું મંથનનો દરજ્જો નહીં આપું
*
એ ઊંચે અગર જાય, થશે દૂર ધરાથી
ગઝલોને હું ચિંતનનો દરજ્જો નહીં આપું

ઉપરોકત એક જ ગઝલના ત્રણ શેરમાં કવિ સર્જનમાં કઈ કક્ષાની અપેક્ષા રાખે છે એની વાત કરે છે. કોઈપણ વિચારની ફ્કત શાબ્દિક ગોઠવણીથી ગઝલ રચાતી નથી.

આપણી મુંઝવણ માટે કરેલા વિચારોને મંથનનો દરજ્જો આપી શકાય નહીં. સમુદ્રમંથન થકી જેમ અમૃતની પ્રાપ્તિ થઈ એમ વિચારમંથનથી કશું નવસર્જન થવું આવશ્યક છે. છાસને વલોવવાથી માખણ પ્રાપ્ત થાય પણ પાણીને વલોવવાથી કશું પ્રાપ્ત થતું નથી.

માપમાં હોય છે ગઝલની જમીન
સાથે અવકાશ પણ અમાપ રહે
*
મહેચ્છા એ રહે, “બંધન વગર બે વાત કહી દઉં!”
પરંતુ ‘ગાલગા ગાગાલગા’ પાછળ પડે છે
*
ઉન્મુક્ત અછાંદસનો વિષય છે તું, તને તો
હું છંદના બંધનનો દરજ્જો નહીં આપું

આમ તો કવિ કવિતામાં છંદના આગ્રહી છે. ગણરાજ્યોના સંથાગારમાં થતી પરિષદોમાં મત માટે ‘છંદ’ શબ્દ ઉપયોગમાં લેવાતો.

છંદ એટલે સ્વતંત્રતા. ગઝલની ચોક્ક્સ માપની જમીન હોવા છતાં ત્યાં અમાપ સ્વતંત્રતા છે. પણ ક્યારેક કવિને ‘ગાલગા ગાગાલગા’ બંધન માલુમ પડે છે. વિષય અનુસાર કવિ એ બંધનને તોડતા પણ અચકાતા નથી.

મારી ગઝલો, મારી એકલતા નથી
હું ભરીને બેઠો છું મારી સભા
*
લોકો વસિયત લખીને રાખે છે
મેંય થોડી ગઝલ લખી રાખી
*
દર્દ તારું શેરમાં તેં કહી દીધું
ધન હતું તારું તે સૌનું થઈ ગયું

‘ગઝલ એકલતા દરમિયાન જ લખાય’ એ વાતનો છેદ ઉડાડતા કવિ કહે છે મારી ગઝલો એ મારી સભા છે. કળા કાળજયી હોય છે અને સર્જન સહિયારું હોય છે. કવિ એ વસિયતમાં ગઝલો કહી અને સૌને વહેંચી પણ દીધી.

‘રઈશ’, મક્તાના શેરોમાં વધુ જો વ્યક્ત થાશે તો
બધાને લાગશે કે તું બહુ ‘બેફામ’ બોલે છે!
*
પૂછશે તારી ગઝલ અંતે તને કે, “આયખાભર-
કાગળો કાળા કર્યા, કંઈ ઓર કરતાં આવડે છે?”
*
લીલાં ખર્યાં જે પર્ણો, એનો હિસાબ આપું?
એ કાવ્યોમાં ટક્યાં છે અક્ષર થઈ-થઈને

કવિ બોલવામાં આમ તો ખૂબ જ સંયમ રાખે છે.  કોઈએ એમને ઉગ્ર થતાં કે અસંયમિત વાણી-વર્તન કરતા ક્યારેય જોયા નહીં હોય.

મક્તાના શેરમાં કવિને વ્યક્ત થવાની સ્વતંત્રતા હોય છે છતાં કવિ ત્યાં પણ સંયમ જાળવી રાખે છે. ચિત્રગુપ્ત જેમ ગઝલ પણ આયખાના અંતે સર્જનનું સરવૈયુ કાઢે તો કવિ કહી શકે એમ છે કે વૃક્ષ પરથી અકાળે જે લીલાં પર્ણો ખર્યાં છે એ બધા જ એમના કાવ્યોમાં સદાય માટે શાશ્વત થઈને વસ્યા છે.

ક્યાં કોઈ ભાષાઓ અમને બીજી-ત્રીજી આવડે!
માંડ મુશ્કેલીથી શીખી, ક કા કિ કી આવડે
*
ધનને માટે એક વંશજ કાફી છે
ભાષા માટે લાખ વારસ જોઈએ

કવિનો માતૃભાષા પ્રેમ જગજાહેર છે જ. આ ભાષાને એક વારસથી પાલવે એમ નથી. કવિ અનેક ટીકાઓ સામે ઝઝૂમીને પણ માતૃભાષાની સેવા માટે મારા જેવા અસંખ્ય વારસને ઊભા કરવાની સતત મથામણ કરતા રહે છે.

અને છેલ્લે કવિના સમગ્ર ગઝલસર્જનને આપણી સૌની વચ્ચે મૂકતા એમણે કમાયેલી મિલકતને જાહેર કરી દેતા આખરી શેરમાં કહે છે:

ગમી જો જાય તમને તો
આ મિલકત પણ તમારી છે
સભા વચ્ચે મૂકી દીધી,
ગઝલ મારી હવે કેવી!

આ સાથે આપણી સફર અહીં પૂરી થાય છે. આશા છે આ સફર આપ સૌ માટે આનંદદાયક નિવડી હશે.

આ ગઝલસંગ્રહ છંદ-વૈવિધ્યની દ્રષ્ટિએ નવોદિતો માટે શીખવાલાયક સામગ્રી પૂરી પાડે છે. કવિએ ૧૧૩ ગઝલોમાં અલગ-અલગ ૨૦ છંદોનો ઉપયોગ કર્યો છે.

આ ઉપરાંત, QR કોડ આધારિત દ્રશ્ય-શ્રાવ્ય ગઝલો એ ગઝલસંગ્રહની એક વિશેષતા છે. આ પુસ્તકની દરેક ગઝલ સાથે આપેલ QR Code ને સ્માર્ટ ફોનના QR Code Scanning App વડે સ્કેન કરીને તેની લિંક ખોલવાથી તે ગઝલ કવિના અવાજમાં સાંભળી અને સ્ક્રોલ થતી પંક્તિઓમાં જોઈ શકાય છે.

ખૂબ જ સન્માનનીય અને પ્રિય કવિશ્રી રઈશ મનીઆરને એમના ચોથા ગઝલસંગ્રહ ‘કેવળ સફરમાં છું’ માટે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.

Dr. Suraj Kuriya

MBBS, MD PSM (Gold Medalist), CIH
Asstt. CMO
IFFCO – Kandla
Mo. +918866487533

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

8 Comments

  1. વાહ.. સરસ રસદર્શન… બન્ને સર્જકોને અભિનંદન..

  2. મજાનાં પુસ્તકનો મજાનો રસાસ્વાદ…
    બંને સર્જકોને સલામ.
    વ્વાહ….

  3. વાહ ખૂબ સુંદર અને તલસ્પર્શી અવલોકન, અભિનંદન બંને સર્જક મિત્રોને.
    અભિનંદન રઈશભાઈ અને ‌સૂરજભાઈ.