ચાર ગઝલ ~ અનિલ ચાવડા
૧. ના જા, નકારીને
કરું સાક્ષાત વંદન, ઝાડ! હું તારી ઉદારીને;
તને કાપે છે તો પણ હાથો તું આપે છે આરીને!
ગગનમાં તેથી હું ઊડી શક્યો પાંખો પ્રસારીને!
બધા મિત્રોએ ઉલઝાવીને રાખ્યો‘તો શિકારીને.
મને એક વાર મારું ભાગ્ય લખનારો બતાવી દો,
ના ના બદલો નથી લેવો, ફકત જોવો છે ધારીને.
ભલે એ હા કહે, તો પણ કદી એ હા સમજવી નહિ,
પ્રણયમાં શર્ત જે રાખે, જવાબ આપે વિચારીને.
પછી કહેજે બધે કે છે જગતમાં માત્ર એક જ રંગ,
પ્રથમ જો તો ખરો દુનિયાને તું ચશ્માં ઉતારીને!
મને જગ જીતવાની વાત નકરું તૂત લાગે છે,
કદી જીતીને કોઈ માલિક જવા ના દે જુગારીને!
ફરીથી કાશ કે ભૂતકાળને જીવી શકાતો હોત,
ગઝલ માફક હું એકેએક પળ જીવત મઠારીને!
મને ધિક્કાર, તો હું કમ સે કમ આઘાત તો પામું,
કશું પણ છે જ નહિ એવી રીતે ના જા નકારીને.
અનિલ બબડી રહ્યો છે શું જગત ને જાત વિશે તું?
અહીંયાં કોઈ સાંભળતું નથી તારી લવારીને.
૨. ઈચ્છે તે બનાવી લે
ગુલાબી રંગ, છું ભગવોય ફાવે તે સજાવી લે;
નથી શણગારમાં જો રસ, ભભૂતી છું લગાવી લે!
કરું છું બંધ આંખો તો બધું દેખાય છે ચોખ્ખું;
હવે તું દૃશ્ય તારાં આંખ સામેથી હટાવી લે!
ઘણાં વર્ષોથી એક એવો ખભો શોધી રહ્યો છું જે,
કહે, ‘અહીંયાં નિરાંતે રડ, બધાં અશ્રુ વહાવી લે.’
મેં અટકાવ્યો’તો એક માણસને પંખા પર લટકવાથી,
મને પણ કાશ આજે કોઈ આવીને બચાવી લે.
હવે ત્રીજો નથી રસ્તો જરા હાલત સમજ મારી;
ગળું કાં તો દબાવી દે ગળે કાં તો લગાવી લે.
નવી ઇચ્છાઓ રોજેરોજ મૂકીને પ્રભુ સામે;
કહું છું એમ હરવખતે કે આ વખતે નભાવી લે.
મરણ આવ્યું ને મારા હાથમાં જોઈ કલમ બોલ્યું-
‘ઉતાવળ કંઈ નથી તારી ગઝલ પૂરી પતાવી લે.’
‘અનિલ’ માટીય તું છે, ચાકડો તું, તું જ છે કુંભાર,
બરોબર ઘાટ દઈ પોતાને ઇચ્છે તે બનાવી લે.
૩. કબૂલ
હા, હા, હતો હું કાચ, ને તૂટ્યો હતો કબૂલ,
પથ્થરપણાની સામું હું ઝૂક્યો હતો કબૂલ.
હું તો કબૂલું છું જ, ખર્યો’તો – પડ્યો’તો હું,
તું પણ, હું પાંગરી ફરી ઊગ્યો હતો, કબૂલ!
આંખોથી જો સરે તો પછી શું કરું હું બોલ?
કિસ્સો મેં તારા નામનો લૂછ્યો હતો કબૂલ.
જે આગનો ગુનો મેં કબૂલી લીધો છે દોસ્ત,
તણખો એ તારા હાથથી ઉડ્યો હતો, કબૂલ?
આવ્યો હતો હું દ્વાર ઉપર એ ન ભૂલ તું,
ચાલ્યા ગયા પછીથી તું ખૂલ્યો હતો, કબૂલ.
૪. નીકળી ગયા ચૂપચાપ જોઈને
મને તો જાણ થઈ પગલાંની આછી છાપ જોઈને
પરત ચાલ્યાં ગયાં છો બંધ ઘરને આપ જોઈને.
“અમારી સાથ આવું ના થયું”નો વસવસો જાગ્યો,
અજાણ્યા કોઈ બે જણનો હૃદયમેળાપ જોઈને.
વધ્યાં જો દુ:ખ તો બમણા જોરથી સામે ઝઝૂમ્યો હું
ખીલે છે જેમ ગરમાળો સૂરજનો તાપ જોઈને
ડુબાડી દીધી નૌકા પણ વળી ગ્યા ફીણ દરિયાને
કિનારા પર ઊભેલાં આંસુઓનો વ્યાપ જોઈને.
અમારી પીઠ આખી એણે ખંજરથી ભરી દીધી
અમે પીગળી ગયા’તા જેનો પશ્ચાતાપ જોઈને.
ઘણાં વર્ષે મળ્યાં પણ સ્મિતની પણ આપલે ના થઈ;
અજાણ્યા જેમ એ નીકળી ગયા ચુપચાપ જોઈને.
~ અનિલ ચાવડા
સરસ ગઝલો અનિલ, અભિનંદન બંને સર્જકમિત્રોને.