કથ્થાઈ રંગનું મખમલી ફિરન (કાશ્મિરી વાર્તા) ~ મૂ. લે. ક્ષમા કૌલ ~ અનુવાદઃ ડૉ. પન્ના ત્રિવેદી
(શબ્દો: ૪૬૮૧)
(“ફિરન” (Phiran) નો મૂળ અર્થ “ફરવું” અથવા “ફરવું” છે, પણ કાશ્મીરી સંસ્કૃતિમાં આ એક પરંપરાગત પરિધાનનું નામ છે. ફિરન (Phiran) કાશ્મીરના શિયાળાની ઠંડી અને સ્નોમાં પહેરવામાં આવતું એક ઢીલો, લાંબો, ઊન અથવા કોટનમાંથી બનાવેલો કોટ છે, જે પુરુષો અને મહિલાઓ બંને દ્વારા પહેરવામાં આવે છે.
ફિરનને ઘણી વાર અંદરના ગરમ કપડાં સાથે પહેરવામાં આવે છે અને પરંપરાગત રીતે “કાંગડી” (હાથ હીટર) સાથે વાપરવામાં આવે છે, જે શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે.)

(લેખિકા પરિચય: ક્ષમા કૌલ : જુલાઈ ૧૯૫૬માં શ્રીનગર ખાતે જન્મેલા ક્ષમા કૌલે કાશ્મીર વિશ્વ વિદ્યાલયમાંથી એમ. ફિલ. કર્યું અને પટના વિશ્વ વિદ્યાલયમાંથી ‘હિન્દી કી યુવા કવિતા’ વિષય પર પીએચ. ડી.ની પદવી પ્રાપ્ત કરી.
‘સમય કે બાદ’ (ડાયરી, ૧૯૬૭), ‘બાદલો મેં આગ’, (કાવ્યસંગ્રહ, ૨૦૦૦), ‘નિક્કી તવી પર રિહર્સલ’ (નવલકથા), ‘દર્દપુર’ (નવલકથા), ‘આતંકવાદ ઔર ભારત’ (૨૦૧૨) જેવા પુસ્તકો પ્રકાશિત થયા છે. જીવનચરિત્રાત્મક નવલકથા ‘મૂર્તિભંજક’ (૨૦૨૦)માં પ્રકાશિત થઈ છે.
‘સમય કે બાદ’ કૃતિને કેન્દ્રીય હિન્દી નિર્દેશાલયનું સન્માન રાષ્ટ્રપતિના હાથે પ્રાપ્ત થયું છે. ‘દર્દપુર’ને અકાદમી દ્વારા પુરસ્કૃત કરવામાં આવી છે. આ ઉપરાંત કાશ્મીરની અનેક રચનાઓનો તેમણે અનુવાદ કરેલ છે. સાથે જ એમની રચનાઓ પણ બંગાળી, તેલુગુ, મરાઠી, ગુજરાતી, મલયાલમ તથા પંજાબી ભાષામાં અનુવાદિત થઈ છે.)
આ કથા તેના સમગ્ર જીવનના લગભગ અડધાથીય વધારે ભાગને રોકે છે.
કથ્થાઈ રંગનું મખમલી ફિરન (વાર્તા)
ફિરનના વધેલા–બચેલા કાપડમાંથી તેણે એક રૂમાલ જેવું મફલર બનાવડાવ્યું. જેને ડોકમાં વીંટાળવાનો તેને બહુ શોખ હતો, પણ તે જેવી એ મફલર વીંટાળતી કે તેને એવું લાગતું કે બસ, લઈ દઈને તે એક કાપડનો ટુકડો જ લાગે છે, એક લાંબું, પહોળું મફલર નહીં, જેવું કે એક સુંદર મફલરે હોવું જોઈએ.
જે દિવસે આ ફિરન અને મફલર તૈયાર થઈ ગયેલાં તે દિવસે તે તેના પતિ સાથે મોડે સુધી બુલવાર્ડ – ડકની ઝીલ પર લટાર મારવાને બહાને ગઈ હતી. આ ફિરનની આભા ફેલાવીને તાજી હવા ખાવા. કંઇક પ્રેમાળ અનુભવ લેવા અને ઉદાસી ઓછી કરવા. પતિ પણ આવેલો સાથે. અન્યમનસ્ક શો. તેનામાં તેનો રસ ઊડી ગયેલો, પણ એમ કહીને તેણે ફિરનના વખાણ કરેલાં કે ‘તારી ડોક આમાં વધારે ગોરી દેખાય છે.’
ઑફિસનો મુસ્તાક આ કાપડ લાવેલો. ઘણું ખરું તો તે એવી ખાસ ચીજો જ લાવતો કે જેને ઇચ્છુક લોકો ખરીદી લેતા. મોટાભાગે તો ઑફિસની સ્ત્રીઓ.
આ વૈભવ તેની પાસે એ રીતે રહી ગયેલો કે જ્યારે પલાયનનો કોઈ વિકલ્પ નહોતો બચ્યો ત્યારે તે શિયાળામાં તેણે આ જ પહેર્યું હતું. તેની તેને બહુ ખુશી હતી. જાણે કે ત્યાં રહી ગયેલી શેષ સંપત્તિ આના એક ઇંચ કાપડ બરાબર પણ ન હોય.
દિલ્લીની ઠંડીમાં તે આ ફિરન છેલ્લાં બે વર્ષથી સતત પહેરતી આવી છે અને મનોમન પતિએ કહેલા વાક્યને પોતાના કાનમાં પડઘાવતી પડઘાવતી ગોરી ડોકનું સુખ મનમાં જ ધરબી રાખે છે.
ક્યારેક ક્યારેક તો તેને પોતાના આ મૂર્ખ સુખ પર આત્મદયાની અનુભૂતિ થાય છે. જાત પર હસવું પણ આવે છે. તે વિચારમાં ડૂબી ગઈ કે શા માટે સ્ત્રીઓ સૌંદર્યસ્પર્ધાઓમાં ડૂબેલી રહે છે અને પોતાના અસ્તિત્વની કે આ જગતમાં કોઈ મહત્ત્વના માણસ હોવાની અનુભૂતિ મેળવે છે.
આવી વિચારપ્રક્રિયાથી તે એટલું જ પામી શકે છે કે આવી તમામ કલ્પનાઓ અને ભ્રમનું કારણ ફક્ત ઉદાસી જ છે અને આવી ઉદાસી સાથે હામ ભીડવી એ લોખંડના ચણા ચાવવા જેવી વાત છે.
આ શિયાળામાં અઠવાડિયામાં એકાદ વાર તે આ ફિરન પહેરી લે છે તેનાથી તે બધાંને એ દિવસની યાદ અપાવે છે કે તેમનો એક ગૌરવવંત અને સમૃદ્ધ ભૂતકાળ છે. એવું જ કંઈક તે ઈચ્છે છે કે લોકો જ્યારે પણ આ ફિરનને જુએ તો આવું જ કંઈ વિચારે. હવે તે એવું વિચારે છે કે લોકો તેની જ ઈચ્છાનુસાર વિચારતા હશે.
આવી કાલ્પનિક ઈચ્છાપૂર્તિનું મનોવિજ્ઞાન તે પોતાની રીતે જ ઘડતી અને તેનાથી તેને ઘણો સંતોષ થતો. એટલો કે આ ઈચ્છા પૂરી થશે જ એવા વિશ્વાસને કારણે પછીના પાંચ દિવસ તે સાવ સામાન્ય કપડાં પણ સહજ રીતે જ ઠઠાડી લેતી.
તે જ્યારે ત્યાંથી નીકળી હતી, બે સ્વેટરોની ઉપર એ જ ફિરન તેણે પહેરી લીધું હતું, ત્યારથી એ તેની પાસે હતું. આ વાતને એક નર્યો કુદરતી સંયોગ કે ઈશ્વર કૃપા જ માની શકાય. આ પોશાક તે જવાહર ટનલ પાસે તે રીતે લઈ આવી હતી જાણે હીરા ઝવેરાતની તસ્કરીમાં ક્યારેક ક્યારેક ચોર કીમતી ખજાનો પોતાના શરીર પર બાંધીને લઈ આવે છે… અથવા ગળી જઈને પોતાના પેટમાં સંતાડી લે છે. જ્યારે તેણે આ ફિરન પહેલીવાર પહેર્યું હતું, ત્યારે શ્રીમતી અરુણા ભરસકે[1] કહ્યું: ‘શું જબરજસ્ત ફિરન છે… બહુ જ સુંદર..’
([1]ભરસક – એક અટક)
આ સાંભળીને પગના અંગૂઠાથી લઈને નાક સુધી એક કંપન દોડી ગયું. અરુણાએ ફિરનના વખાણ કર્યાં પણ તેમાંથી દેખાતી ‘ગોરી ગરદન’નો કોઈ ઉલ્લેખ ન કર્યો. જેનો વહેમ અને બોધ તેની ભીતર સતત સમાંતરે ચાલતો રહ્યો જ્યારે પણ તે એને પહેરતી હતી.
ચાલી નીકળવા માટે શક્તિ ભેગી કરતાં તેને પૂરા ચાલીસ દિવસ લાગી ગયેલા. દરેક સાંજે તે નક્કી કરતાં કે આગલી સવારે તેઓ ચૂપચાપ સૂર્યોદય પહેલા જ નીકળી જશે (ભાગી નીકળશે), પણ રોજ સવારે તે પથારીઓમાં ઠુંઠવાઈને પડ્યા રહેતા અને કોઈ કંઈ જ બોલતું નહીં, કેમ કે કદાચ ભાગવાનું સ્થગિત થઈ જાય અથવા અટકી પણ પડે!
રાતે તેઓ જાણી જોઈને એવી રીતે સૂઈ જતાં કે સવારે ન નીકળી શકવાની એક લાચારી બની જાય. આ રીતે જીવનનો એક એક દિવસ કાઢી નાંખતા અને વિચારતા કે કદાચ સંજોગો બદલાઈ જાય.
લોકોએ ઓગણીસ જાન્યુઆરીની એ ભયંકર રાત્રે જ ભાગવાનું શરૂ કર્યું હતું, જ્યારે ઘાટીની બધી જ મસ્જિદોમાંથી ઘોષણા થઈ હતી કે કાફિરો બને તેટલા જલ્દી અહીંથી નીકળી જાય, નહીં તો તેમની કત્લેઆમ થશે. આ વાતને સાબિત કરવા માટે તે દરરોજ એક-બે લોકોને મારી નાંખતા. છતાંય જીવતા રહેવા માટે ભાગી જવું અને પોતાનાં મૂળિયાં અને ઘર છોડી દેવાં એ મૃત્યુથી ઓછું ન હતું તેવું માનનારા ઘણાંય લોકો હતાં, જે સાંજે સપરિવાર બચી ગયા હોય તો ચૂપચાપ આગલી સવારે ભાગવાનું રદ કરી નાંખતા.
એક અસંભવ અને અસ્તિત્વવિહીન આશાની રેતીમાં માથું સંતાડતા. દરરોજ એક-બે ભયાનક હત્યાકાંડ થતા. આ જ ભયાનક આશામાં જ એક-એક કરીને સતીશ ટીકુ, નવીન સપ્રૂ, સરલા ભટ્ટ, ગિરજા રૈના, સોની સુમ્બલી, બાલકૃષ્ણ ગંજૂ, અશોક ગાંજી બીજાં કેટલાંયનાં બલિદાનો લેવાતાં રહ્યાં. સ્ત્રીઓની બીભત્સ દશા કર્યા પછી જ તેમની હત્યાઓ કરવામાં આવી.
રોજ બચી ગયેલાં પડોશીઓને ત્યાં પડોશીઓ આવતાં અને કહેતાં : ‘જીવ બચાવો… ભાગો અહીંથી.’ જેહાદનો એક આ જ ઘટિત ક્રમ હતો જેને પ્રેમના નામે ચતુરાઈથી ઘાટ અપાઈ રહ્યો હતો.
અમે વિરાટ સવાલની મહાજાળમાં હતા કે જઈએ તો ક્યાં જઈએ? ખાઈશું તો શું ખાઈશું? રહીશું તો ક્યાં રહીશું? કરીશું તો શું કરીશું? વગેરે…
એક દિવસ ભાઈને ઑફિસથી કહેણ આવ્યું કે રાતની ડ્યુટી છે અને તે અંધકારમાં વિલીન થયો. ભયાનક રાતની કાળી કૃષ્ણ ઘટા. દૂર દૂર સુધી લાઈટનું કોઈ નામોનિશાન નહોતું. જાણે કે ભાઈએ હિંમત કરીને એ અંધકારમાં છલાંગ મારી દીધી હોય.
પરોઢ થતાં જ જોયું કે જ્યાં ભાઈની ડ્યુટી હતી, બટમાલૂમાં, ત્યાં ડ્યુટી કરતાં ત્રણ કેન્દ્રીય રિઝર્વ પોલીસકર્મીઓને પીઠમાં ઘા કરી કરીને મારી નાંખવામાં આવ્યા હતા. ખબર સાંભળતાં જ હું બીક છોડીને ભાગી અને કેટલાંય લોકોને કાકલુદી કરી કે તે અંદર જઈને તપાસ કરી આવે કે મારો ભાઈ સુરક્ષિત તો છે ને? આ આંધળા યુગમાં મને એટલો તો વિશ્વાસ હતો કે થોડા સારા લોકો હજીય બચેલા છે.
તે સલામત હતો. થોડી વારે તે પાછો ફર્યો. બોલ્યો –
‘હવે આપણે વધારે વાર અહીં નહીં રોકાઈ શકીએ. હવે નીકળવું જોઈએ. હવે બધું જ ખતમ થઈ રહ્યું છે. જીવન બચાવવું એ જ ધર્મ છે. ભાષણો પર ભાષણો થઈ રહ્યાં છે. સવાર સવારમાં પોસ્ટર ચોંટાડી દેવાયા છે કે એક એક કાફિરોના ઘેરથી પંદરથી પાંત્રીસ વર્ષના જુવાનોને મારી નાંખવાના છે. લિસ્ટ બની ગયું છે. તૈયાર રહે.’
ભાઈ ખૂબ ગભરાયેલો હતો. દૃઢતાથી બોલ્યો: ‘હવે નીકળવું છે. નોકરી જાય ભાડમાં. જીવ બચાવવો છે. મજૂરી કરીશું, કંઈ પણ કરીશું.’
પોતે પણ સમજી રહી હતી કે ખરેખર આ જ વાસ્તવિકતા છે. જવું હવે અનિવાર્ય છે. જો બચવું હોય તો. સહુથી મોટી વાત કે તેને ભાઈની જ સહુથી વધારે બીક લાગી, પણ આ મૂળિયાં, આ ઘર, આ હૂંફ, આ તે, આ પેલું, આંગણું, માટી, આકાશ, આ જીવનની સુગંધ.. રક્ત અને નસોમાં વહેતો આ સંસાર….’
‘પણ ભાઈ.. પૂજાનું આ નિર્માલ્ય જે વિતસ્તા નદીમાં પ્રવાહિત કરવાનું છે, એ તો કરી લે… નહીં તો અપશુકન થશે ને?’
‘સારું..’ ભાઈએ કહ્યું.
તે બંને અમીર કદલની વિતસ્તા તરફ ચાલી નીકળ્યા. ચૂપચાપ. ભયંકર ગભરાયેલા. જાણે એકબીજાથી ભયભીત. સડકો પર દસ દસ ડગલે હથિયારબંધ સેના… રાજ્યની પોલીસ… અને ખૂંખાર જેહાદી. તે બંનેએ પોતાની જાતને ધર્મ ઓળખના ચિહ્નોથી દૂર રાખી હતી… એટલે કે ઘણુંખરું તો મુસલમાન દેખાય, એવાં જ કપડાં અને મૌન.
તેઓ એવી રીતે ચાલી રહ્યાં હતાં કે જાણે કોઈ મૃત્યુ-પથ પર ચાલી રહ્યા હોય. ફૂલ પધરાવી દીધાં પછી મંદિર તરફ મનોમન પ્રણામ મોકલ્યાં અને ચાલવાનું ચાલુ રાખ્યું. લાગ્યું કે મૃત્યુપર્વતને પાર કરવાનો પહેલો મુકામ પસાર કરી લીધો છે.
સચિવાલય પાસે ભાઈ બોલ્યો: ‘હું બી ગયો હતો કે જ્યારે હું આવીને તને કહીશ કે હવે તો ચાલી નીકળવામાં જ ભલાઈ છે, એક ક્ષણથી વધુ એટલે કે દિવસભરથીય વધુ રહેવું નકામું છે તો તું પંચાગનાં પાનાં ફેરવવાનાં શરૂ કરી દઈશ અને મુરત શોધવા મંડી પડીશ. છેલ્લા ચાલીસ દિવસથી તું આવું જ બોલે છે.’
આ શબ્દોથી એ દિવસોમાં ફેલાયેલો ભીતરનો સન્નાટો તૂટી પડ્યો… આકાશ ઘેરાયેલાં વાદળોમાં અટવાઈ પડેલું – ઊંડા, ઉદાસ, રડમસ અને ધબકતાં વાદળાં. અંતિમ આકાશનાં આ અંતિમ વાદળ. જીવનમાં આ અંતિમ સડકના અંતિમ આકાશમાં છવાયેલા સહસ્ર વર્ષામાં ચિત્કારતા વાદળ… વિદાય આપી રહ્યા હતા કદાચ.
આ સડકો ઉપર વાતાવરણમાં ફેલાયેલા ચિત્કારતા ચિર પરિચિત સન્નાટાને ચીરતા પોતાના ભાઈના આ શબ્દોથી ગળે ડૂમો બાઝી ગયો અને તેણે કાબૂ રાખ્યો. તે કશું જ બોલી નહીં. ચૂપચાપ ચાલતી રહી. અગણિત દોષ અને પોતાની લાચારીથી જાતને અને પોતાના આખાય સમુદાયની પીડાને શબ્દ આપતા તેને આવડ્યો જ નહીં. તે ફરીથી ચૂપ થઈ ગઈ. ચૂપચાપ ચાલતી રહી. કેવળ તેનાં ડગલાં સાથે ડગલાં માંડતી ચાલતી રહી.
તેની ભીતર ગતિ એટલી પ્રસરી ગઈ કે બસ હવે આ બચેલી એક ક્ષણમાં તમામ ક્ષણો વીતી જાય અને મૃત્યુના શિખરને તે પાર કરી જાય. જીવનમાં કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ. ભલે ને પછી ભીખ માંગવી પડે, મજૂરી કરે, લાચારી, અભાવો અને સ્મરણના સમુદ્રમાં ડૂબી મરે, પણ આ વિધર્મની આત્મીય જગ્યાને ત્યજી દેવી એ ધર્મ છે.’ ભાઈના આ સારગર્ભિત શબ્દ તેની અંદર પડઘાતા રહ્યા. તેને હંફાવતા રહ્યા.
-અરે, કેટલો લાચાર બનાવી દીધો તેણે પોતાના ભાઈને! પોતાની અંદર ચાલી રહ્યું છે તે ભયનું ભયંકર સંકટ સમજાતું જ નથી. મૃત્યુ સાથે તેની આ સતત સંતાકૂકડી છે કે યુદ્ધ? હવે તેણે પોતાની જાતને પણ કાફિર નજરોથી જોવાનું શરૂ કર્યું, કારણ કે તેથી જ તેને બધી જ સમસ્યા સમજાઈ શકવાની હતી. તેના મનમાં આખો એક ક્રમ ગોઠવાઈ રહ્યો હતો – છેલ્લાં મહત્ત્વના કામોનો. જેને કર્યાં વિના તે જઈ શકવાની નહોતી, કદીય નહીં.
-‘તેનું મને દુઃખ છે ભાઈ… અને ભગવાનની દયા કે આપણે હજી જીવતાં છીએ.’ આ સાંભળીને તે હસી પડ્યો જાણે કહેતો હોય – હા, હું આભારી છું કે ચાલ, તું હવે તો સમજી… અને જવાની અનિવાર્યતા વિશે કંઈક તો બોધપાઠ તેં શીખ્યો…’
-‘ચાલો નિર્માલ્યની વિધિ તો થઈ ગઈ (જીવનભર માટે). ન કહીને પણ તેણે આ જ ભાવનો અનુભવ કર્યો. એક ક્ષણના વિલંબ પછી તે ફરી બોલી – કેટલાંય કામો છે જે કર્યાં પછી જ નીકળી શકીએ…’
-‘ઓહ… જેવાં કે?’ તે ફરી ધ્રૂજી ઊઠ્યો.
-‘ગભરાઈશ નહીં. એક તો એ કે આ ઘર ચોખ્ખુંચણાક કરીને જઈશું. બીજું કે બધાં જ મેલા કપડાં ધોવાના છે. જો તારા કારખાનામાં કોઈનો સામાન રહી ગયો હોય તો પાછો આપી દેજે અને છેલ્લું એ કે કોઈ ગલીમાં દુકાન ખોલી હોય તો એક તાળું ખરીદી આવજે. તાળાં તો આજકાલ બહુ વેચાતા હશે. નિરર્થક તાળાં. ઊંહ.. કોઈ રિક્ષા આપણને સવાર પડતા પહેલા ટી આર સી પહોંચાડી દેશે? ભાભી જમવાનું બનાવી દેશે. આ ઘરમાં આપણે છેલ્લી સાંજનું છેલ્લું જમવાનું જમીશું. છેલ્લી વાર ચૂલો સળગશે અને ભાભી હાથમાં લેવાય એટલો જ સામાન લઈ લેશે કારણ કે જો જીવ બચાવવા માટે દોડવું પડે તો દોડી શકાય.’
એકીશ્વાસે તે આ બધું બોલી ગઈ. ભાઈ વિચારી રહ્યો હતો કે આંતરદ્વંદ્વનો આ કેવો પ્રલાપ..! છેલ્લું છેલ્લું પણ કહેતી જાય છે ને ઘર સાફ કરવાનું છે ને કપડાંય ધોવાના છે… જાણે કે કાલે સવારે પાછાં ફરવાનાં હોય…! જે દૂર દૂર સુધી શક્ય દેખાતું નથી, પણ તે કશું જ ન બોલ્યો, ચૂપ રહ્યો. ફક્ત જે બોલ્યો તે આ – પણ કેટલાંક કામ અઘરાં છે મારી બહેન…!’
– જેમ કે સામાન પાછો આપવાનો. એ શક્ય નથી.
– ભલે, પણ આપણું જવાનું નક્કી છે. જો પાછાં ફરીશું તો સામાન પણ પાછો આપી દઈશું, પણ એક કામ તો કરવું પડશે – માને ફોન કરીને કહી દેવાનું છે કે આપણે આ ઘર છોડી રહ્યાં છીએ. હવે કોઈ વિકલ્પ બચ્યો નથી, કેમ કે તે આપણને જોઈને વિલાપ ન કરે અથવા એવું કંઈક ન કરે કે જેથી આપણને લાગે કે ઘર છોડીને જવા કરતાં તો મરી જવું વધારે સારું હતું. કારણ કે મને લાગે છે કે દિલ્લીમાં બેઠાં બેઠાં તે સમસ્યાને સમજતી નથી. એટલે જ હું ટાળતી રહી.
તે નિરંતર બોલતી રહે છે કે ધીરજ રાખીને આપણે અહીં જ ટકી રહેવાનું છે. સરકાર પરિસ્થિતિ સારી કરી નાંખશે. પહેલાંય પરિસ્થિતિ તો વણસતી જ રહી છે… પણ હવે થોડો વધારે સમય લાગી શકે છે. મેં તેને સમજાવી પણ હતી, પણ તે માની નહોતી.
કાલે મેં તેને સંકેત આપવાનો પ્રયાસ કરેલો જ કે આવી આવી વાત છે. કિશોરો અને જુવાનિયાઓની યાદી બની જ ગઈ છે. અંદરઅંદરની ને સાચેસાચી ખબર બહાર પહોંચતી નથી કે છપાતી પણ નથી. સેંકડો હિંદુઓની હત્યા થઈ ચૂકી છે. જાતિસંહાર ચરમ પર છે.
છેક ત્યારે તે બોલી: ‘સારું… ચાલ્યા આવો, પણ હું ઘર નહીં છોડી શકું. હું અને તારા પિતાજી અંદર બેસી રહીશું. જ્યાં સુધી પરિસ્થિતિ સુધરી ના જાય. અમારા જેવા વૃદ્ધોને કોઈ જોખમ નથી.
થોડુંક કઠોળ, સૂકવેલાં શાકભાજી અને એક બોરી ચોખા લાંબા સમય સુધી ખાઈશું અને એ રીતે જ અમે લાંબો સમય રહીશું, જ્યાં સુધી પરિસ્થિતિ સુધરી ના જાય. ભાઈ, આ બધું મેં તમને એટલે ન કહ્યું કે તમને દુઃખ ન થાય. મા સમજતી નથી. તેને એ ભરોસા પર હજી ય ભરોસો છે જે આખેઆખો તૂટી પડ્યો છે. ઓગણીસ જાન્યુઆરીથી એ ભરોસો ભડકે બળી રહ્યો છે… માને તેનો અંદાજ પણ નથી.
તેને તો એમ કે તે અહીં આવશે અને અંદર રહીને બહારના ખૂંખાર કટ્ટરપંથીઓથી, ઘાતક જેહાદીઓથી, આતંકીઓથી ઘર બચાવશે. ‘તે લોકો’નું ગુપ્ત તંત્ર સશક્ત અને અદૃશ્ય છે. અને નિર્ણાયક પણ. મેં નક્કી કરી લીધું છે કે કોઈ પણ રીતે આપણે સુરંગને પાર કરી લઈએ. માને તો સમજાવી શકાય.’
તે જોઈ રહી હતી કે માની આ મનોદશાનો ખ્યાલ આવતા જ ભાઈના કપાળ પરની રેખાઓ તંગ થઈ ગઈ હતી.
-‘તેં મને કહ્યું નહીં કે મા સાથે આવી વાતચીત થઈ છે…’
‘હું તારા મનના ભયને સમજું છું, જાણું છું પણ હવે આપણે જે નિર્ણય લીધો છે… આપણે એવું કરીએ કે થોડી વધારે હિંમત કરી મોટી બહેનને ત્યાં જતાં રહીએ, તેને કહી દઈએ કે સમજદારી હવે જીવ બચાવવામાં જ છે. આ આપણી ફરજ છે ભાઈ. કમ સે કમ તેનાથી આપણે બચી તો જઈશું! અને માને ય લાગશે કે પાછળ તેનો કોઈ અંશ રહી નથી ગયો…’
મોટી બહેનના ઘરની બહાર શિયાળાની ઋતુનાં રંગબેરંગી ફૂલોથી લદાયેલો બગીચો મઘમઘી રહ્યો હતો. તેનાથી જુદા થવાનો અને પછી તેને યાદ કરવાનો ભાવ પીડા આપી રહ્યો હતો. જે રીતે જ્ઞાન મૃત્યુ-ભય અને બોધ આપે છે, એ જ રીતે આ શીતપુષ્પો ભયાનક બંદૂકધારી જેવાં હતાં.
ખબર પડી કે જીજાજી પર એક હુમલો થઈ ચૂક્યો છે, પણ દયાવશ કોઈએ તેમને બચાવી લીધા છે તો ય તે ભાગવા તૈયાર નથી, કારણ કે તેમણે લોહી – પરસેવાથી ઘર બનાવ્યું છે. હજી હમણાં જ બનાવ્યું છે. મન ભરીને એમાં જીવ્યા પણ નથી. પરંતુ મોટીબહેને તેમની અગિયાર વર્ષની દીકરી એને સોંપી દીધી.
તેઓ ચાલી નીકળ્યા. ખબર નહીં, કોણ કોનું છે, કોણ કયાં જશે… મરતી વેળાએ આમ જ થતું હશે. પરલોકમાં કોણ કોને કયા રૂપમાં મળતા હશે, જેમ આત્માઓ વિહાર કરે છે… તે રીતે એ ભાઈ-બહેન ત્યાંથી ઊઠ્યા. મોટીબહેનની અગિયાર વર્ષની દીકરીને સાથે લઈને. એ વખતે મનને મોટું રાખવા અને બુદ્ધિથી કામ લેવા કરતાં બીજો મોટો કોઈ જ ઉપાય નહોતો.
આ પરલૌકિક લાચારીવશ કોઈ અદૃશ્યને જાત સોંપી દેવાની પરિસ્થિતિનો બીજો કોઈ વિકલ્પ નહોતો.
ઘરમાં ઘૂસતાં પહેલાં જ તેમને જોતાંવેંત જ નાકાની દુકાન પર બેઠેલું કોઈ બોલ્યું– ‘જગમોહનના માથાની કિંમત આઠ લાખ રૂપિયા છે. જીવતો કે મરેલો.’
ભાઈ સીધો જ તેના કારખાનામાં ઘૂસ્યો, તે ધોવા માટેનાં કપડાં ભેગાં કરવામાં લાગી ગઈ. જાણે કે તેની અંદર કોઈ ભૈરવી શક્તિ પેસી ગઈ હોય! એક હિલ્લોળ જે અંદર અંદર ઘૂમી રહ્યું હતું – પતિના ઘેર જઈ આવવાનું, જેણે મોજાંની જેમ તેને વહાવી દીધી.
તેણે સડસડાટ પગથિયાં ઊતરતાં ભાઈને કહ્યું; ‘વાંધો નહીં ભાઈ, અંદરથી હું અને તે ભલેને એકબીજાથી નારાજ છીએ તો ય હું ત્યાં જઈને કહી દઈશ કે તે આ શહેર છોડીને ચાલ્યો જાય. તેને ચોક્કસ હિટલિસ્ટમાં રાખ્યો હશે. આમ તો તેના વિવેકભાન પર મને વિશ્વાસ છે, પણ મારુંય કોઈ કર્તવ્ય છે.’ ભાઈના જવાબની રાહ જોયા વિના જ તેણે પોતાની જાતને ઝડપથી પાછી વાળી અને તે રસ્તો માપવા માંડી.
જ્યારે તે તેની સામે હતી, ત્યારે બોલી : ‘તું તરત અહીંથી નીકળ. તને જોખમ છે.’
– ‘તને પણ છે ! ક્યારે જાય છે?’
– ‘બસ, કાલે સવારે… ભાઈને ઘણું જ જોખમ છે. બિચારો રાત રાત ડ્યુટી પર હોય છે… તું અહીંથી નીકળી જા. પછી બધો હિસાબ કરીશું.’
-‘હું વિચારું છું કે આપણે સહમતિથી છૂટાછેડા લઈ લઈએ ને એકબીજાને આપી દઈએ…’
– ‘અહીંથી જતો રહે પછીથી બધો હિસાબ કરીશું.’
– ‘હા હા… કેમ નહીં? આવા હડહડતા અપમાનોથી તો સારું જ છે..’
– ‘તો કાલે જ આ કામ પતાવી દઈએ?’
– ‘કેમ નહીં?’
– ‘કઈ રીતે?’
– ‘જો હું કાલે ન નીકળી ગઈ હોઉં અને ઑફિસ ખૂલી ગઈ હોય તો એક વાગ્યે ફોન કરજે. હું આવી જઈશ ને તારા કોઈ પણ કાગળિયાં પર સહી કરી દઈશ… પણ તારો જીવ જોખમમાં છે. તું અહીંથી જા. બને એટલું જલ્દી છોડી દે આ શહેર. ભગવાનને ખાતર.’
– ‘તને આટલી ચિંતા કેમ છે?’
– ‘કેમ કે… મને ખબર નથી… હું નથી જાણતી.’ એટલામાં તે બંને વચ્ચે તેની સાસુ થોડી વાર દેખાઈને પછી અદૃશ્ય થઈ ગઈ. તે વખતે તેનો પતિ મૂઢ અને ચૂપ રહ્યો. તેની માએ તેને બોલાવ્યો. તેણે ધીમેથી કહ્યું: ‘તું જા, હું આવું છું.’
– ‘પણ આ શહેર બને એટલી ઝડપે છોડી દેજે..’ કહેતાં તે ઝડપથી નીકળી ગઈ.
કદાચ તે જાણતો હતો કે આ સંવાદ પછી તેનું ઝડપથી નીકળી જવું નાટકના સેટ પરનો કોઈ કુશળ અભિનય હતો. તે કોઈ બીજી હતી. તે ત્યાં જ રહીને તેની સાથે આ શહેરમાંથી ભાગવા માંગતી હતી… ભાઈ-ભાભીની સાથે નહીં. તેની અંદર હવે બમણી પીડા હતી.
એક તો પહેલેથી જ પતિ વિહોણી હતી ને હવે ઘર વિહોણી થવાની હતી. તેમાં એક સત્યને બીજા સત્યથી ઢાંકવાની અદમ્ય ઈચ્છા જાગી ગઈ હતી… ‘કે તું માંગે છે… તો હું કેમ ના આપું… છૂટાછેડા જેવી તુચ્છ વસ્તુ. લઈ લેજે મારી સહી કાલે એક વાગ્યે. તું ય શું યાદ કરીશ. તું પણ લઈ જા મારી પાસેથી જા, હૃદય, જિગર, આશા, વિશ્વાસ અને સ્વપ્ન… કંઈ પણ. પણ કોઈ આંખ મીંચકારીને હસતાં હસતાં વ્યંગ્યબાણોથી વીંધી રહ્યું હતું… કે તું આ જૂઠ્ઠું કોની પાસે બોલી રહી છે?’
ભાઈ તેના કારખાનાની પાસે કદાચ કોઈની રાહ જોતો, ચિંતા કરતો ઊભો હતો. તે ફરીથી ઝડપથી ધોવાનાં કપડાં ભેગાં કરીને લઈ આવી અને બાથરૂમમાં ધમ્મ… કરતી ફેંકતી ગઈ.
ભાઈએ તેને કશું જ ન પૂછ્યું કે તેનું અંગત ‘કર્તવ્યવહન’ કેવું રહ્યું?… ત્યાં શું વાત થઈ? કેવું દૃશ્ય સર્જાયું? તે આ અંગત બાબતમાં ઘૂસ્યો જ નહીં. બસ તે એટલું સમજી ગયો કે પોતાની બહેન એ મખમલી ફિરન પહેરીને જ્યાં ગયેલી, બિચારી ખાલી હાથ પાછી ફરી છે.
ફિરન કાઢીને તેણે પલંગ પર ફેંક્યું અને પછી એક પછી એક કામ કરવા લાગી ગઈ. રુક્ષ ગાલ અને સુકાયેલી આંખો તેની જીદની ચમકથી ચમકતાં હતાં.
તેની ભીતર કોઈ બોલ્યું: ‘ગોરી ડોક તેણે જોઈ જ નહીં…’
– ‘કાલે એક વાગ્યે તે ફોન કરશે ત્યારે સુરંગની પેલે પાર હું ક્યાંક પહોંચી ગઈ હોઈશ. એ પછી ન તો તેને મારી ખબર, ન તો મને તેની ખબર. મેં કેવી મોટી શરૂઆત કરી કે તેના સરનામાની ખબર હોવાનો છેલ્લો લાભ ઉઠાવી લીધો. હવે મને પોતાને કોઈ ખટકો નહીં રહે, ન તો કોઈ ફરિયાદ. બસ, રહેશે કેવળ દુઃખ દૂર કરવાની શક્યતાઓની શોધ..’
તેણે જાતને મહાન તર્ક આપ્યા હતા અને ભાવનાત્મક અને નિર્બળતાના આરોપોમાંથી જાતને મુક્ત કરી હતી. સીડીનાં બધાં જ પગથિયાં વાળીને ધોઈ નાંખ્યાં. કપડાં નિચોવીને દોરી પર નાંખ્યાં અને બીજાં કપડાં નાંખવા માટે છેલ્લા ખૂણે જઈ પહોંચી, જ્યાં ખીલીવાળાં લાકડાં હતા, જેની પર તેનો પગ પડી ગયો અને છ ઇંચની એક ખીલી પગના તળિયાની આરપાર નીકળી ગઈ.
મન કઠણ રાખીને તેણે ખીલી ખેંચી કાઢી. લોહીની ધાર નીકળી, પણ લોહી બંધ ન થાય ત્યાં સુધી તેણે ધીરજ રાખી જાતને સંભાળી. ધનુરનાં ઇન્જેક્શનની જરૂરિયાત જોતાં જ તે મેરાજ અહેમદના દવાખાને દોડી ગઈ.
સંયોગથી ત્યાં બીજો એક દર્દી ધનુરનું ઇન્જેકશન લેવા આવ્યો હતો. પતરાનો ડબ્બો કાપતાં કાપતાં તેના હાથમાં પતરું ખૂંપી ગયેલું. એ દર્દી કે જેનું નામ નસીર અહેમદ બોલાયું હતું મેરાજ અહેમદે તેની પાસેથી છ રૂપિયા લીધા અને પોતાની પાસેથી દસ રૂપિયા. તે થોડી વાર સુધી ઊભી રહી.
મેરાજ અહેમદે પૂછ્યું; ‘કેમ ઊભી છે?’ તો તેણે કહ્યું: ‘ચાર રૂપિયા પાછા લેવા માટે..’ મેરાજ અહેમદે કહ્યું : ‘થઈ ગયું… આ જ રેટ છે.’ ત્યારે તે આશ્ચર્યચકિત થઈને ગુસ્સામાં ચાલી નીકળી. જાણે મનમાં કંઈક નક્કી કરીને.
તે ભાઈ સાથે ચર્ચા કરી રહી છે કે હવે એ આ સામાનનું શું કરશે જે લોકોનો છે. નક્કી થયું કે એક ટી.વી. તે બહાર મૂકી દેશે. નસીબજોગે તેનો માલિક સવાર સવારમાં આવીને લઈ જવાનું કહી જ ગયો છે. આ લોકોને આવા ટાણે ટી.વી.નો જબરો શોખ છે. દરેક ક્ષણે તેમને આઝાદી મળતી દેખાય છે. બાકી જે કંઈ સામાન જે લોકોનો છે તે ‘અમારા પાછાં ફરતાં જ મળી જશે..’
બારણાંના ટકોરાથી તે કંપી ઊઠી. કોઈ આવીને સીધો જ ભાઈના કારખાનામાં ઘૂસી ગયો. ભાઈએ જ દરવાજો ખોલેલો. એક ક્ષણમાં જ તે થથરીને ઊભી ઊભી સૂકાઈ ગઈ. અમરનાથ યાત્રા વખતે લીધેલી એક મોટી લાકડી જે આ દરવાજા પાછળ મૂકેલી, તે લઈને પોતે પગથિયાં ઊતરીને સીધી જ ભાઈના કારખાનામાં ઘૂસી ગઈ.
તે જોઈને ભાઈનો જે ગ્રાહક આવેલો તે હસી પડ્યો. તે જ પેલા બ્લેક એન્ડ વ્હાઈટ ટી.વી.નો માલિક હતો. સમજી ગયો કે બહેને તેની રક્ષા માટે લાકડી ઊઠાવી છે – બોલ્યો : ‘આતંકીઓ પાસે બંદૂક હોય છે. તે લાકડીથી પ્રહાર કરવાનો મોકો નથી આપતા.’ તે સમજી ગઈ કે તે માણસને પોતાની આત્મરક્ષા માટે લાકડી ઊઠાવી તે ગમ્યું નહોતું. એ વાત તે પોતે જાણતી જ હતી તો ય એક પ્રયત્ન…’
પહેલી માર્ચ, ૧૯૯૦ના રોજ ગાઢ અંધકારમાં રાતના ચાર વાગ્યે તે લોકોએ હજાર વાર સીડી પરથી ચડઊતર કરી. ભાભીએ તાળું માર્યું. તેઓ ચૂપચાપ ચાલી નીકળ્યાં. બાળકોએ કોઈ કકળાટ ન કર્યો. એકાએક જ જાણે ધીરગંભીર અને પરિપક્વ બની ગયા. આખી રાત તાપમાન સાવ નીચું રહ્યું.
બધાંએ એક પર એક કપડાં પહેરી લીધાં. બાળકોને ચચ્ચાર કપડાં પહેરાવ્યાં. પોતે ડ્રેસ પર એક સ્વેટર અને તેની ઉપર ઘેરા કથ્થાઈ રંગનું બીજું સ્વેટર પહેર્યું.
ડ્રેસ પર કથ્થાઈ રંગની ગરમ સલવાર અને ઉપર પાછું ફિરન અને તેનો રૂમાલ જેવો પેલો સ્કાર્ફ, કારણ કે આ અંધકારમાં ડોકની ગૌરતા તેને એક જૂઠ્ઠું આશ્વાસન આપતી રહે.
જો તે દિવસે તેણે આટલાં કપડાં ન પહેર્યાં હોત તો સાથે કશું જ ન લાવી શકાયું હોત. જોકે તે લોકો જેવા જમ્મુ પહોંચ્યા કે ત્યાં ગુમટ ચોક પર આવેલી ‘રાજ’ નામની એક હોટલમાં રોકાયા.
આખી રાત બધાં મૂક, તીવ્ર વિષાદથી ભર્યા, પોતાનાં સૂના ઘરનાં ખોળામાં. કહો કે ઘરને પોતાના મનના ખોળામાં લઈ. હજી ગઈકાલ સુધી તો ત્યાં વસ્તી હતી… છેલ્લી આવ-જા અને આજે? આજે સૂનકાર.
પડોશી ખુશખુશાલ થઈ ગયા હશે જ્યારે બારણે તેમણે તાળાં જોયાં હશે. જેણે સૌ પહેલાં આ જોયું હશે, તેણે બૂમો પાડી પાડીને મહોલ્લાને જગાડ્યો હશે. જુઓ… જુઓ… આપણી ઉશ્કેરણી સફળ રહી છે. કાફિરોથી મુક્ત થઈ રહ્યું છે આપણું ‘મુસ્લિમ ગણતંત્ર’.
કાલે જ્યારે તેઓ છેલ્લી વાર તે ઘરની પથારીમાં સૂઈ ગયા તે પહેલાં ટી.વી. પર સમાચાર જોયેલા. જોયેલું કે દિલ્લી અને જમ્મુમાં શરણાર્થી શિબિરોની વ્યવસ્થા સમુદાયે જાતે જ કરી છે અને બંને શહેરોમાં અલગ અલગ સરઘસો નીકળી રહ્યા છે. તેથી જ તેમણે અનુમાન કરેલું કે હજારો લાખો તો નીકળી ચૂક્યા છે. તેમ છતાં તે લોકોએ કેવું મોટું સાહસ ખેડ્યું! જાણે એ લોકોને સંબોધન કર્યું… કે સરઘસના લોકો… મુસાફરો.. કાફિરો.. ઘર વિહોણા… શરણાર્થી ભાઈઓ… બસ કાલે અમે પણ આવી જ રહ્યા છીએ… આ શહેરની સડકો પર વખાના માર્યા ભટકવા માટે…’
જમ્મુમાં ગરમીની ઋતુ હતી. ફિરનની એવી કોઈ જરૂર જ નહોતી.
બીજા દિવસે તેઓ સવાર સવારમાં જ ‘ગીતા ભવન’ માટે નીકળી ગયા જ્યાં શરણાર્થીઓ એકઠાં થઈ રહ્યાં હતાં. અત્યાર સુધીના પ્રકરણમાં જે સાવ મૂક બની રહી હતી તે ભાભી એકાએક બોલી – ‘તું દિલ્લી જતી રહે. અમે અહીં જ કોઈ મજૂરી કરી લઈશું.’ ભાઈ સાથેની પોતાની આ છેલ્લી ક્ષણ હતી અને વિચ્છેદની શરૂઆત હતી.
દિલ્લી રવાના થતાં પહેલાં તે ભાઈ-ભાભીની સાથે ભાભીની બહેનને ઘેર ગઈ, જે પહેલેથી જ જમ્મુમાં જ રહેતી હતી. એ ક્ષણ સુધી તે ભાઈ પર જ આશ્રિત હતી.
બહેનની સાસુએ જ આટલાં લોકો માટે જમવાનું બનાવવું પડ્યું. બધાં જ ભૂખે મરી રહ્યાં હતાં. ભાભીની બહેનની સાસુએ તેને એક થાળીમાં દાળ-ભાત પીરસ્યા. છેક આંતરડા સુધી આનંદ પ્રસરી ગયો. કે તરત જ ભાભીની બીજી બહેને તેની થાળીમાંથી અડધો ભાત પાછો લઈ લીધો. એકાએક તે કોઈ ઊંડી ખીણમાં ફંગોળાઈ ગઈ.
આ ઘટનામાં તેને એક આખો સમુદાય હડધૂત થતો દેખાયો. ભાભીની બહેને એક મહત્ત્વનું કામ કર્યું. તેણે વિચાર્યું – ‘શું હવે આપણે એક-એક દાણા માટે ઈર્ષ્યા, દ્વેષ અને ચોરી કરીશું? શું આપણે ખાલી થઈ ગયાં છીએ? એક-એક સડક પર, એક-એક ગલીએ, એક-એક બારણે લાચાર, અનાથ, ભૂખ્યા અને ખાલીખમ લોકો વખાના માર્યાં ફરી રહ્યાં છે. જેમની ભીખ પણ બીજો કોઈ ભિખારી દ્વેષ અને અભાવને કારણે ચોરી લે છે.’
તેણે એક ઊંડો શ્વાસ ભર્યો અને પોતાના માટે જ ત્રાહિમામ્ ત્રાહિમામ્ પોકાર કર્યો, પણ તેની આંખમાંથી એક ટીપું આંસુ ય ન સર્યું. આ ઘટના ઘટી ત્યારે તે સાંજે જરાક ઠંડીના લીધે ફિરન જ પહેરેલું હતું અને ખોળામાં બાળક હતું.
દિલ્લી સ્ટેશનથી તે સીધી જ શરણાર્થી શિબિર લાજપતનગર પહોંચી ગઈ. ટ્રેનમાંથી ઊતરેલા મોટાભાગના લોકોને ત્યાં જ જવાનું હતું. અહીં એથીય વધારે ગરમી હતી. તેને પોતાના શરીરમાંથી આવતી દુર્ગંધ પરેશાન કરી રહી હતી. શરણાર્થી શિબિરમાં તેને એક સુતરાઉ સાડી દાનમાં મળી, જે છતરપુર મંદિરવાળાએ આપી હતી.
ગયા શિયાળામાં અઠવાડિયામાં એક દિવસ અચૂક તે આ મખમલી ફિરન પહેરતી. આ બીજા શિયાળામાં પણ તેણે એ ક્રમ ચાલુ રાખ્યો. છેલ્લા શિયાળામાં તેને ઓફિસની મહિલાઓએ એક-બે સાડી ‘ભેટ’ આપેલી, પણ આ શિયાળામાં એકાએક એક ઘટના ઘટી ગઈ.
બન્યું એવું કે આ વર્ષના શિયાળાની શરૂઆતમાં જ તે જ્યારે દસ નવેમ્બરે કનોટ પ્લેસની મુખ્ય કચેરીએ અઠવાડિયાનો રિપોર્ટ આપવા ગયેલી તો પાછળથી એક અજાણ્યાનો ફોન તેના માટે આવ્યો હતો. ફોન મેં જ ઉઠાવ્યો હતો. તે એનો પતિ હતો. મેં કહ્યું કે હું તેની બહેનપણી છું. શશિ કુલશ્રેષ્ઠ.
મને અત્યંત ખુશીના સમાચાર લાગ્યા. મેં તેને ઓફિસનો નંબર આપ્યો અને એ દરમિયાન તરત જ તેને ફોન કરીને આ સુખદ સમાચાર આપ્યા, એટલી વિનંતી અને સૂચના સાથે કે તે ફોનની આસપાસ જ રહે કે કોઈ પણ ભોગે ફોન વ્યસ્ત ન રાખે. મેં મનોમન વિચાર્યું કે શું આ આકસ્મિક સંયોગ જ ને કે આજે ય તેણે તે ફિરન પહેરી રાખ્યું છે.
પાંચ દિવસ પછી અરુણા મેડમનો જન્મદિવસ હતો. પોતપોતાની રીતે સહુએ તેમના માટે એક એક ભેટ લઈ રાખી હતી. તે પણ પોતાની ખુરશીમાંથી ઊઠીને એક કવરમાં સરસ રીતે મૂકીને, છાપામાં વીંટાળીને અરુણા મેડમને જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ આપી હતી. તેના એ શબ્દોમાં એક તેજ હતું, જેમાં તેણે એ ઘટના સંભળાવી હતી જ્યારે તેના પતિનો આકસ્મિક જ ફોન આવ્યો હતો.
બન્યું એમ હતું કે તેના પતિએ તેને ફોન કરીને કહ્યું હતું – શું તું મને મળી શકે? હું તારી ઑફિસ નીચે ઊભો છું.
તે નીચે ગઈ હતી. આનંદ અને આશાથી ભરી-ભરી કે કોને ખબર તેઓ હવે હંમેશા પોતાની પાસે આવી ગયા હોય? ભયભીત પણ હતી કે કોને ખબર તે દિવસે જે છૂટાછેડા સ્થગિત રહેલા, તે જ માંગવા માટે આવ્યા હોય કે અમસ્તા જ દિલ બહેલાવવા… કે ફરી પાછા ખોવાઈ જવા માટે. તો ય તે એ ક્ષણોને ઈશ્વરકૃપા સમજીને તેમની સાથે ચાલી નીકળેલી.
તે તેને નજીકના બંગાળી માર્કેટમાં લઈ ગયેલો. નાથૂ સ્વીટ્સમાં જઈને તેણે એક ટેબલની સામે પોતાને વિરાજમાન કરેલો. તેના આ અંદાજથી તે સમજી ગઈ કે આ બધું ક્ષણિક જ છે. તેણે પૂછેલું – ‘ઘણા વખત પછી યાદ આવી..?’
– ‘અમસ્તા જ… બાળકો ઠીક તો છે ને..?’ આ સાંભળીને તેના આખા અસ્તિત્વમાં આગની ઝાળ ફેલાઈ ગયેલી.
– ‘ઘેર ચાલો. અહીં કેમ આવ્યા? અહીં બેસીને બાળકોના ખબરઅંતર પૂછો છો? બાળકો પાસે ચાલો. અમારી આ દુઃખી દુનિયાની યાદ કેમની આવી?’
દરમિયાનમાં તેણે કૉફીનો ઓર્ડર આપ્યો હતો પણ હવે તે આમ કાળઝાળ થઈને તેના કૉફી ન પીવાની હઠથી ભરાઈ ગયેલી.
– ‘મારા માટે ન મંગાવીશ. હું નહીં પીઉં…. બાળકો વગર આ રીતે તારી સાથે કૉફી પીવું પણ પાપ છે. ઘેર ચાલો, બાળકો પાસે.’
– ‘સાઉથ-એક્સ જવા માટે મને કઈ બસ મળશે?’ આમ પૂછીને તેણે તેના કૉફી પીવાના વિરોધનો અને બાળકો પાસે જવાના નિમંત્રણનો જવાબ આપી દીધો હતો.
ત્યાંથી ઊઠીને તે દુકાન બહાર આવી ગઈ. પાછળ પાછળ તે પણ ઊઠીને ધીમા પગલે બહાર આવી ગયો, કેમ કે દુકાન બહાર પગ મૂકતાં જ તે ધ્રુસકે ધ્રુસકે રડી પડેલી. તે આંસુઓને પોતાના ફિરનથી લૂછી રહી હતી, કારણ કે તેની પાસે કોઈ સુતરાઉ હાથરૂમાલ નહોતો, તે રાખતી હતી તો પાસે ટકતો પણ નહોતો. વળી આ પરસેવાની ઋતુય નહોતી.
અહીં આ રઘવાયેલાં લોકોની ભીડમાં દુકાનની બરાબર સામે તે નિરાધાર બેકાબૂ રડી રહી છે, પણ દિલ્લીમાં કોઈ માણસ કોઈના પણ ક્યાંય પણ કોઈના દ્વારા રડાવવા પર કે રડવામાં દખલ નથી આપતો. સૌને તેમની ‘અંગતતા’ કે ‘સ્વાયત્તતા’ના હવાલે કરી દે છે.
અત્યારે તે બરાબર જાણતી હતી કે મખમલ પહેરેલો માણસ પણ અંદરથી ખંડેર હોઈ શકે. તેની એકલતા તેની જ હતી. અલાયદી અને અદ્વિતીય. તે એકલતાને તાજગી આપવા, ખાતર આપવા, પોષણ આપવા આજે તેનો પતિ આવ્યો હતો.
ખબર નહીં બેરો કૉફી લાવ્યો હશે કે નહીં… તે હજીય આશા કરતી હતી કે તે બાળકો પાસે આવવાનો નિર્ણય લે… હંમેશ માટે. તે ફિરનની ઊંધી બાજુથી આંસુ લૂછવાનો પ્રયત્ન કરી રહી હતી, પણ તે લુછાતાં નહોતાં તો ય ફિરનને ઊંધું કરી કરીને તે આંસુ લૂછતી જ રહી. રડતી રહી અને અંતે જ્યારે તેણે તેના પતિના નિશ્ચયને માપી લીધો ત્યારે બોલી – ‘જા, તું તારા કુટુંબને દુઃખી જ કરતો રહે… તેને સુખ આપવાનું ભાગ્ય તને ક્યારેય ન મળજો… જા…’
દૃઢ ડગ માંડતી તે બસસ્ટોપ ભણી વળી ગઈ.
અરુણા મેડમે જ્યારે તેની તે ભેટ ખોલી તો એ જ ‘જબરજસ્ત’ ફિરન ડ્રાયક્લીન કરેલું હતું જેના માટે તેણે પહેલેથી જ કડક શબ્દોમાં આગ્રહ કરેલો કે તે લેવા માટે તેમણે ના પાડવાની નથી… કે આ દિલથી આપેલ એક ગરીબની ભેટ છે. તેની પાસે આથી વધારે બીજી કોઈ જ કીમતી વસ્તુ નથી અને તેનો ઇરાદો આના મોહમાંથી છૂટવાનો છે બસ……!!!!
અત્યંત સુંદર વાર્તા.અત્યંત સંવેદનશીલ.
એક સશ્ક્ત વાર્તા – આખી લઘુનવલના વિષયને એક નવલિકામાં કલાત્મકતાથી સમાવી લેવો અને એ પણ એવી રીતે કે ક્યાંય સાંધો કે રેણ ન દેખાય, આ જ લેખિકાની કલમનો કમાલ છે. આ વાર્તા ધર્મ, ભૌગોલિક, સામાજીક કે રાજકરણમાંથી પેદા થતી વિષમતાની નથી પણ આ બધી જ પરિસ્થિતિઓમાંથી પસાર થતી વ્યક્તિઓનાં જુદાજુદા ભાવવિશ્વોની છે. આ ભાવવિશ્વોનો સંબંધ “Situational Circumstances” પર નહીં, પણ માનવસ્વભાવ અને સંબંધોની જટિલતા – Complexities – પર છે, પછી ભલેને એ પોતાનું ઘરબાર છોડીને જવાની વાત હોય, છૂટા પડ્યાં પછી પણ પતિને પરિસ્થિતિથી આગાહ કરવાની વાત હોય, ડૉક્ટર પાસેથી ધનુર્વાનુ ઈંજેક્શન લેવાની વાત હોય કે જવા પહેલાં યાદ આવે એટલાં કામો પતાવવાની વાત હોય! લેખિકાએ માનવ સંવેદનાઓને જ મધ્યમાં રાખીને જ આ હ્રદયંગમ વાર્તા સહજતાથી રચી છે. આ જ આ વાર્તાની “યુનીવર્સલ સેલિંગ પ્રપોઝીશેશન ” – USP – છે. વિશ્વસાહિત્યની હરોળમાં પોતાના દમખમ પર ઊભી રહી શકે એવી સક્ષમ વાર્તા છે.
આવી વાર્તાનો આટલી સલુકાઈથી અનુવાદ કરવો એ આવી વાર્તા લખવાથી પણ વધુ અઘરૂં કામ છે, જે ડૉ. પન્ના ત્રિવેદીએ સુપેરે પાર પાડ્યું છે. મૂળ લેખકને તો સો સો સલામ ઘટે જ છે પણ અનુવાદકને પણ સો સો સલામ.