મધર્સ ડે નિમિત્તે ~ માતૃવંદના (ભાગ-૨) ~ મુક્તક, શેર, અછાંદસ
માતૃવંદના (ભાગ-૨)
૭. રશ્મિ જાગીરદાર
ખખડે પત્તુ આંગણમાં કે, નળિયું ખખડે છજ્જામાં
શાંત પડેલી માત ઝડપથી દોડે વહેલી વર્ષોથી
દિવસો ગણતી, રાતે ભમતી સાંજે ડોકું તાણે એ
મનમાં આશા રાખી જીવે એકઅકેલી વર્ષોથી
૮. કમલેશ શુક્લ
ખાટલે માડી પડી જાગ્યા કરે એકાંતમાં
ભીંત પર છે શું લખ્યું? વાંચ્યા કરે એકાંતમાં
હાંસિયામાં એ રહી ને શું વિચારે શી ખબર
વાત જૂની જાગતા ગૂંથ્યા કરે એકાંતમાં
૯. રશ્મિ અગ્નિહોત્રી
જે માગું મારા સપનામાં, તરત હાજર કરી દે છે
મને પિતામાં ઈશ્વર ને જનેતામાં પરી લાગી
૧૦. અતુલ દવે
પાલવ હતો તૈયાર એનો અશ્રુ આવે જો જરા
આજે હવે ચોધાર આંખો એટલે કે મા નથી
***
વાંકા વળી લેતાં કશું પણ યાદ આવે મા મને
એને કદી વીત્યું હશેને સહેજ ઊંચકતાં મને
૧૧. મૃદુલ શુકલ ‘મન’
હું બેઠો લખવા “મા” વિશે ત્યારે વિચારી ના શક્યો
જોઈ છબી એની નજર મારી હટાવી ના શકયો
જોઈ હવે ભીની થઈ આંખો અને વરસી પડી
જૂની એ યાંદોને પટલ પરથી મિટાવી ના શકયો
૧૨. નિશિ સિંહ
‘મા’ ક્યાં ભણવા ગઈ છે, કયાંથી આવડે એને ગણિત
રોટલી એક માગું, ને દઈ દે મને બેચાર એ
***
ન સાચાં સરનામાની જાણ એથી
સ્વયંને ‘મા’ હવે કાગળ લખે છે
૧૩. દિલીપ ધોળકિયા “શ્યામ”
તેં હાથ મસ્તક પર મૂક્યો, મા ભાવથી ભરપૂર તો
કંગાળ આ માણસ જુઓ, મોટાં ગજાનો થઈ ગયો
૧૪. ભારતી ગડા
હાથ માનો વ્હાલથી ફરતો રહે
ચંદ્ર, રાહુ કોઈ ગ્રહો ના નડે
***
એક મા કાઢી શકે છે ગૂંચ તારેતારમાં
માની મમતા શ્રેષ્ઠ છે આ સ્વાર્થના સંસારમાં
***
સ્કેચ માની સાદગીનું દોરવા બેઠી ભલે
ચિત્રમાં ફાટેલ પાલવની કથા ક્યાંથી જડે?
૧૫. કાજલ શાહ ‘કાજ’
હાથ માનો જે ઘડી માથે ફરે
ત્યાં જ બેઠાં ચારે ધામ થઈ આવું છું
***
તું નથી સાથે છતાં મા! સાથ તારો પ્રેમ છે
ગોદડીનાં સ્પર્શમાં તારી હયાતી ક્ષેમ છે
૧૬. અલ્પા શાહ
જે સમયે પીડાઓ ઉદ્દભવતી હશે
એ સમયે માત કેમ સ્મરતી હશે?
૧૭. ભાર્ગવી પંડ્યા
આખા ઘરને ઉછેરવામાં
આખરે એ વૃદ્ધ થઈ ગઈ.
ઈચ્છાઓને ફૂંકી ફૂંકી
રોજ સવારે એણે ઘરને જગાડ્યું
અને પછી પાલવમાં સમેટી લીધા
થાક,કંટાળો અને ઉંમરને.
શબ્દ હમેશા એના ગળે
મૌનનો ડચૂરો થઈને
બાઝી જતા.
પાણિયારે જઈ ખાંસતા ખાંસતા
એણે ગાળી લીધો
બાકી રહેલા સમયને
એક દીવો.
(ક્રમશ:)
(કટાર “અર્ઝ કિયા હૈ”માં પ્રગટ થશે.)