મધર્સ ડે નિમિત્તે ~ માતૃવંદના (ભાગ-૧) ~ છ ગઝલ
૧. દિલીપ ધોળકિયા “શ્યામ”
એક ક્ષણ બેસું સમીપે, પ્રેમ અવિનાશી મળે
મા ચરણમાં દ્વાર હરિનું, ભવતરણ કાશી મળે
શોક ના વ્યાપે હૃદયમાં, ના વ્યથા આવે નજર
હાથ મસ્તક પર મૂકે મા, ત્યાં ના ઉદાસી મળે
છે બધા સંતાપ આ બચપણ ગુમાવ્યું એ પછી
ગોદમાં જનની તણી, તો સુખ થઈ દાસી મળે
એટલે નારદ અને શારદ જપે છે જાપ પણ
ભગવતી તું છો ભવાની, વેદમાં સાક્ષી મળે
તું નથી અંધાર ત્યાં છે, પણ રહે તું સાથ જ્યાં
માર્ગ સઘળાં જિંદગીભર રોજ ઉજાશી મળે
૨. ડૉ. પ્રણય વાઘેલા
હાથ, ખોળો, ઉદર મળે ન મળે
આવાં મમતાસભર મળે ન મળે
સ્મિત એ સાચવી લો ફોટામાં
મા ફરી બેખબર મળે ન મળે
જે ઘડી મા વિસારે ચિંતાને
એવો કોઈ પ્રહર મળે? ન મળે
ધૂળ વેરાઇ ‘મા’ના પગલાંની
એ વતનની ડગર મળે ન મળે
કોડથી જે ઉતારે મારી નજર
એવી મીઠી નજર, મળે ન મળે
કોઈ બીજું ‘પ્રણય’ હો એવું જે
માની પૂરે કસર… મળે? ન મળે
૩. અંકિતા રાજેશ મારુ ‘જીનલ’
નિશાના ગાઢ અંધારાનો ડર લાગે નહીં મનમાં
કે માતા નામનો દીવો હો ઝળહળ જેના જીવનમાં
કહે તારાં અને મારાંય સુખમાં ભેદ શું ઈશ્વર?
ભલે તું સ્વર્ગનો માલિક; છે મારે મન તો નંદન, મા
બનાવે અંધ જ્યારે માતને મમતાની પટ્ટીઓ
અપાવે પુત્રને ગાદી; પરમને મોકલે વનમાં
પછી માતાના ખોળાની અનેરી હૂંફ હો ક્યાંથી?
ગયા પાલવ અને આયા રહી ગઈ બાળપાલનમાં
કરે જીનલ અગર તપ, ત્યાગ ને મમતાનો સરવાળો
જવાબે એક અક્ષર મા, તને શતશત હો વંદન, મા!
૪. ભારતી વોરા ‘સ્વરા’
તસવીર એની સાચવીને પર્સમાં રાખી દીધી
મેં એમ માને સાવ પાસે સ્પર્શમાં રાખી દીધી
નાની હતી નાદાન હું, નહોતી સમજ; કરતી લડાઈ
અણજાણતાં પણ માને મેં સંઘર્ષમાં રાખી દીધી
ઝઘડી લડીને આવતી જ્યારે ઘરે માની કને
એવી ઘડીએ મમતાને નિષ્કર્ષમાં રાખી દીધી
છે ‘મા તે મા બાકી બધાં વગડાના વા’ એવું કહી
માની બધીયે લાગણી આદર્શમાં રાખી દીધી
આવ્યા ઘણા પ્રસંગો, એની હાજરી નહોતી છતાં
માએ મને ઝાંખા સ્મરણથી હર્ષમાં રાખી દીધી
ટેભા ભરેલી ગોદડી સાથે લઈને ઊંઘું છું રોજ
મેં કાયમી માને હવે સંસ્પર્શમાં રાખી દીધી
૫. જીગ્નેશ ક્રિસ્ટી ‘સંગત’
પૂછો શું થાય હાલ અહીં મા ન હોય તો
આંખો રડીને લાલ અહીં મા ન હોય તો
સંબંધ છે જગતમાં બીજા ફકત નામના
કરશે ન કોઈ વ્હાલ અહીં મા ન હોય તો
આગળ જીવીશું કઈ રીતે બોલો હવે તમે?
મનમાં ઘણા સવાલ અહીં મા ન હોય તો
સહેજે સમય પસાર થતો પણ નથી અહીં
લાગે દિ’ એક સાલ અહીં મા ન હોય તો
આગળ વધી શકો નહી માની દુઆ વગ
વચમાં થશે દિવાલ અહીં મા ન હોય તો
૬. ભારતી ગડા
મીઠુંને ગુણકારી માનું એ નામ લાગે
ખોળો મળે જો માનો, સઘળું હરામ લાગે
માની એ લાગણીનાં કયારે ન મૂલ થાશે
એવું છે ઋણ માનું કયારે ન દામ લાગે
ચારોય ધામના જ્યાં, સાક્ષાત થાય દર્શન
પાવન ચરણ એ માના સો સો સલામ લાગે
માની નજરથી વરસે, ધારા અમીની જ્યારે
વાણી છે વેદ જેવી જીવનમાં કામ લાગે
કેવી અમૂલ્ય પળ છે, એ જિંદગીની મારી
પાછું મળે એ બચપણ એવું ઈનામ લાગે
માની જ પ્રેરણાથી આગળ ઘણી વધી છું
મારા જ નામ પાછળ માનું જ નામ લાગે
(ક્રમશ:)