રૂપા (વાર્તા) ~ જયશ્રી પટેલ ’જયુ’

રૂપાના નામ પ્રમાણે જ ગુણ હતા. રૂપાળી તો ખરી જ સાથે રૂપકડો રણકાર પણ તેના સ્વરમાં રણકતો. સવારે જ્યારે શાળામાં તે કમ્પાઉન્ડ વાળતી હોય ને ગણગણતી હોય ત્યારે તેનો અવાજ સાંભળી કોઈ પણ વ્યક્તિ બે ઘડી ઊભી રહી સાંભળવા લાગતી.

એ જ રૂપા શાળામાંથી નીકળી સીધી શાકબજારમાં તેની મા સાથે શાક વહેંચવા પહોંચી જતી. ત્યાં પણ એનું આકર્ષણ એટલું હતું કે તે શાક માટે કોઈની સાથે વાત કરતી તો વ્યક્તિ તેની સાથે ઊભી રહી વાતોએ વળગતી.

નિર્દોષ રૂપાને તો તેનાં રૂપનું કે સ્વરનું કોઈ જ આકર્ષણ નહોતું. ન તો એને ભણવાનું મન થતું કે ન તો તેને ક્યારેય શણગાર સજવાનું મન થતું. ક્યારેક એની માને થતું કે આ છોડી વાંચવા લખવાનું શીખી જાય કે કોઈ સરસ ગાતા તેને શીખવી દે તો! તેની મા તેને કહેતી તો હસી કાઢતી ને કહેતી, ” મા શું વળવાનું શે? ક્યો સાહેબ મને પરણવાનો શે? તને કામ લાગુ શુને ઈ બસ શે.”

મા-દીકરી સાથેને સાથે હંમેશા. કોણ જાણે એક સવારે તે તળાવ પર કપડાં ધોઈ રહી હતી, દૂર પહાડી પાછળથી સૂરજદાદા તેમની સવારી લઈ આવી રહ્યાં હતાં અને રૂપા એના સ્વરમાં ગાઈ રહી હતી મીરાંનું જ એક પદ હતું… વારંવાર શાળામાં સાંભળતી તે જ…

મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ….

અને તે જ ઘડીએ ત્યાંથી એક મસ્તમૌલા જેવા જટાધારી સાધુમહારાજ જઈ રહ્યાં હતાં. તેઓને આ સ્વરની મીઠાશ આકર્ષી ગઈ. તેઓ સાંભળતાં રહ્યાં. તે જ ક્ષણે જાણે કુદરતે જ બધું લખ્યું હોય તેમ તળાવમાં ન્હાવા  પડેલી રૂપાને એક વિચિત્ર અનુભૂતિ થઈ.

તળાવનું પાણી લાલ રક્તવાળું! શું થયું? એ સમજે તે પહેલાં તો તે બહાર નીકળી ગઈ ચણિયાનો કાછડો મારી પોતાની ઝૂંપડી તરફ ભાગી. સાધુ તેને જોતો રહ્યો ને રૂપા તેની તરફ આછડતી નજર નાખીને દૂર ચાલી ગઈ.

ઘરે જઈ માને બધું બતાવી વહેતા રક્તને જોતી રહી. માએ સ્ત્રીનાં ગુણો સમજાવ્યાં ને તે સ્ત્રી બની ગઈ એમ કહી તેને નાનું અમસ્તું જ્ઞાન આપી કહી દીધું,” બેટા, આભડછેટમાં  બેઠા પછી પુરુષમાત્રથી દૂર રહેજે. નહિ તો અનર્થ થાશે.” પણ મા ક્યાં જાણતી હતી કે આ જ ઘડીએ તેને સાધુ સામે ચાર આંખ થઈ ગઈ હતી. એક શરીરમાં લખલખું પસાર થયું હતું એ આછડતી નજર જ કંઈક સ્પંદન જગાડી ગઈ હતી.

તે દિવસે માએ તેને ઘરે રહેવાનું કહ્યું. મા જ શાળા વાળવા ગઈ અને પછી શાક વેચવા બજાર નીકળી ગઈ, રસ્તામાં વિચાર કરતી કરતી તે બજારમાં પહોંચી. તેનો બાપ મુને અભાગણીને રસ્તામાં અધવચ્ચે મૂકી ચાલ્યો ગયો હતો ને ભગવાને અભિશાપરૂપે આ છોડી આપી તે પણ અપ્સરા જેવી રૂપાળી. શું અભિમાન કરું? કે તેની ફકર મારો તો જીવ હંધો એ છોડી પાછળ જ રહે છે.

રૂપા ઘરે અરિસાના ટૂંકડાંમાં યૌવનને નીરખી રહી હતી. તેનાં હાથ શરીરનાં અંગો પર ફરી રહ્યાં હતાં. યૌવન મહેકતું હતું. તેને આજે પોતાનું રૂપ આકર્ષી ગયું, તે ખિલખિલાટ હસી પડી. તેણે કોઈ પુરુષ ઘરમાં જોયેલો નહિ તેથી પેલી આંખોનો તાપ એ સહી શકી નહોતી.

સાધુમહારાજ તો ધર્મશાળામાં પહોંચ્યા, ત્યાંની વાવડીમાંથી પાણી લઈ સ્નાન કર્યું. આજુબાજુ ખેતરમાં લીલો પાક લહેરાતો હતો. મીઠી શેરડીની મહેક સાધુને માદક બનાવી રહી હતી. તેઓ પણ થોડાં વિચલિત થયાં હતા, પણ સંયમ જેમણે મંત્ર બનાવ્યો હોય તે વધુ સમય વિચલિત નથી રહી શકતા. મન મક્કમ કરી એમણે ધ્યાન ધરી આંખો મિંચી થોડી ક્ષણોમાં બધું ખંખેરી નાંખ્યું.

બીજી બાજુ ચાર દિવસનો ધર્મ પાળી રૂપા રોજિંદા કામે ચઢી. તેના મન મસ્તિક પર પેલી આંખોએ કબજો કરી લીધો હતો. તે જ્યાં સાધુનું પ્રવચન ચાલતું હતું ત્યાં પહોંચી. દૂર બેઠી બેઠી તે એકચિત્તે પ્રવચન સાંભળતી હતી.

ત્યાં અચાનક જ સાધુની નજર તેની પર પડી. તેઓ સ્થિર ચિત્તે કાંઈ જ ન થયું તેમ બોલતાં જ રહ્યાં. પ્રવચન પૂર્ણ થતાં સાધુએ રૂપાને બોલાવી અને એને જ પૂછ્યું, ”હે કન્યા, તારાં માતા પિતા કોણ છે? ક્યાં રહે છે? “

રૂપાએ જવાબ આપ્યો,” ભગવંત, હું અને મારી માતા આ ગામના ઉગમણે છેડે આંબાવાડી પાસે રહીએ છીએ. પિતા અમને છોડી ચાલ્યા ગ્યા ને હવે હું ને મા જ છીએ.”

સાધુએ નમ્રતાથી કહ્યું,” તારી માતાને કહેજે હું આજે તારે ત્યાં વાળું કરવા આવીશ.” અને રૂપાને માથે પ્રેમથી હાથ ફેરવ્યો.

લોકોને નવાઈ લાગી સાધુ સંસારીને ત્યાં વાળું કરશે! તેમની જાત નહિ અભડાય. મા દીકરીની કોઈ જાત નથી, ક્યાંથી આવી અહીં વસ્યા છે કોઈ જાણતું નથી. રૂપાએ પેલો માથા પરનો સ્પર્શ કંઈક જુદો જ ભાસ્યો. સાધુની નજરોમાં જાણે વાત્સલ્ય છલકાયું. પેલી આંખોનો નશો જાણે ઓગળી ગયો. ક્ષણભરમાં બધું જ બદલાયું. આકર્ષણે જાણે અદ્ભૂત વળાંક લીધો.

કહેવાય છે સાધુઓની તપશ્ચર્યાએ રાષ્ટ્ર, જગ અને સંબંધો બદલાય જાય છે. રાધાને કૃષ્ણના પ્રેમમાં આ તપશ્ચર્યા જ હતી. સાધુના સ્પર્શમાત્રથી રૂપામાં પારાવાર પરિવર્તન આવી ગયું. જાણે સમજદારી આવી ગઈ, મૌનને જાણે વાચા આવી ગઈ.

સાંજે વાળુ કરવા આવેલા સાધુએ રૂપાની માને જોઈ તરત જ બોલ્યા, ”મંગેશના પત્ની છો ને તમે?”

રૂપાની મા સાધુના પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતાં જ રુદનથી ભરાયેલા અવાજે બોલી ઊઠી, ”હા મહારાજ.”

ઝોળીમાંથી એક કાગળ આપી સાધુ મહારાજ બોલ્યા, “જો, આમાં તારી દીકરીનું આબેહૂબ વર્ણન કર્યું છે. એમણે જોઈ નથી છતાં. એનો અર્થ એ કરો કે એ વ્યક્તિ તમને કેટલો ચાહતો હશે. તે રાત્રે નગરશેઠને ત્યાં ખાતર કોઈ બીજાએ પાડ્યું હતું ને સિપાઈ મંગેશને લઈ ગયા. બહાર ખાટલા પરથી જ ઊંચકી ગ્યા હતા.

જેમ તેમ કરી મંગેશ એમના સંકજામાંથી છૂટ્યો હતો ને અમને ઘાયલ અવસ્થામાં જ મળ્યો હતો. મારી સાથે સારું બનતું હતું તેથી મને બધી વાત કરી. રૂપાનું આબેહૂબ વર્ણન કરી આ કાગળ આપ્યો હતો. ગામેગામ હું ફરતો ને રૂપાને શોધતો. મારી મંડળીએ પણ મને છોડી દીધો. મંગેશનો સંદેશો પહોંચાડવો એ જ મારું લક્ષ બની ગયું હતું.”

થોડીવાર અટકી તે ફરી બોલ્યા, ”કહેવાય છે ને સાચા મનથી કરેલા નિર્ધારને ઈશ્વર પણ ડગાવી શકતો નથી. મારી વાત પણ ઈશ્વરે સાંભળી ને રૂપાને રસ્તામાં જોતાં જ હું મનથી વિચલિત થઈ ગયો હતો, પણ મારા તપ ને દ્રઢ નિર્ણયે મને ફરી સ્થિતપ્રજ્ઞ કરી દીધો.”

રૂપા સાધુના ચરણોમાં પડી ગઈ, ક્ષમા માગવા લાગી, “મેં તમારા વિષે અવળુંસવળું વિચારી પાપ કર્યું છે. મને ક્ષમા કરો.”

સાધુ મહારાજે રૂપાની મા પાસે જવાની મંજૂરી માંગી. “ફરી આવીશ આમ જ ફરતો ફરતો” કહી નીકળી ગયાં.

રૂપાએ મનોમન ન પરણવાનો નિર્ધાર કરી દીધો. હજુ તો તે કન્યામાંથી સ્ત્રી બની હતી ને તેના મને સંસાર પ્રત્યે ચિત્કાર કર્યો.. કે સંસાર તો અસાર છે!

~ જયશ્રી પટેલ ’જયુ’
૨૨/૧/૨૫

Leave a Reply to અપૂર્વ રુઘાણીCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 Comments

  1. ઢંગધડા વગરની કંઈ પણ લખવું અને પાછુ પ્રકાશિત પણ થઈ જાય, નવાઈ છે.