ચૂંટેલા શેર ~ દિનેશ કાનાણી, રાજકોટ ~ ગઝલસંગ્રહઃ ઋણાનુબંધ
બીજું તો શું હોય બાની છાબમાં
તુલસીનું એક લીલું પાન છે
*
તે છતાંયે ઘરથી જુદા
એમને કરવા પડે
દીકરા વ્હાલા તો બધાને હોય,
મારે પણ હતા
*
સાવ ટૂંકા પગારમાં જીવ્યા
તોય કાયમ હકારમાં જીવ્યા
*
બા કહે છે ઘરથી મોટું તીર્થ શું છે!
ને પછી ઘરમાં જ એ ફરતી રહે છે
*
થાય જૂના તો વિચારોનેય
પડતા મૂકવા
એકનું એક ઘૂંટવાથી
વાંસળી વાગે નહીં
*
સપનામાં જે જોયું’તું,
અસ્સલ એવું સુખ
મારી સામે લાવ્યા,
પણ શરતોને આધીન
*
થોડી થોડી સૌ લેતા આવો,
સૌની પાસે છે
આવો, આજે ઈર્ષાના
અગ્નિસંસ્કાર કરું છું
*
એવી રીતે આપી મંજૂરી
અડધો કાપી ખરડો લઈ લીધો
*
હું અહીં તો આપનો મહેમાન છું
મારો અસલી ચહેરો અહીં દેખાય નહિ
*
જિંદગીભર આપતાં આવ્યાં છો જાકારો ભલે
હું તમારો લાગવાનો વારતાના અંતમાં
*
સાંભળે છે મૌનને પણ ધ્યાનથી
આ જગત છે, ચીસ સાંભળતું નથી
*
કોઈ દિવસ સાંજના એકાંતમાં
આંસુ ના જીરવાય ત્યારે આવજે
*
આવીને કોઈ તિલક કરી દેશે તો?
બસ, એ જ વિચારે પથ્થર ડરતા’તા
*
જ્યાં લગી શ્રદ્ધા હતી, દીવો હતો
થઈ ગઈ શંકા ને ભડકો થઈ ગયો
*
હોય છે એનું સ્મરણ આઠે પ્રહર
એમના વિષે ભલે લખતો નથી
*
સંગ જેનો ખૂબ ગમતો હોય છે
એ બધાં તસવીર થાતા જાય છે
*
કોઈ ભૂલી જતાં જાતને
કોઈ છૂટા પડે પ્રેમમાં
*
મેં તમારો સ્વભાવ જોયો છે
હર ઘડીએ તનાવ જોયો છે
*
રૂમ નંબર પાંચ
તારી યાદ લઈને બૂક છે
વરસો જૂની
એક-બે ફરિયાદ લઈને બૂક છે
*
જીવન તો તૂટેલા સપનાનું છે મંદિર
રાજુભાઈ રમેશભાઈને સમજાવે છે
*
ને પછી તારીખ તો ઊડી ગઈ
હાજરી એની, ચુકાદો થઈ ગયો
*
મનમાં ઘૂસી મનને જે નબળું કરે
એમની પાસે વધુ બેસાય નહીં
*
કોઈ પળને સાચવી શકતા નથી
કોઈ ઘટના પાનમાં ચાવી ગયું
~ દિનેશ કાનાણી, રાજકોટ
~ ગઝલસંગ્રહઃ ઋણાનુબંધ
~ પ્રકાશકઃ Zen Opus, અમદાવાદ
~ www.zenopus.in
~ Link to Buy Online:
https://www.zenopus.in/book/ghazalpoetrygeet/runanubandh
ખૂબ સરસ.. 🌹અભિનંદન- દીનેશભાઈ 👍
ખૂબ સુંદર શેર નું ચયન, ખૂબ ખૂબ અભિનંદન હિતેનભાઈ અને દિનેશભાઈ.